April 21st 2018

વેલેન્ટાઈન્સ ડે ( મારી મીઠી મધુરી યાદ)

વેલેન્ટાઈન્સ ડે, એટલે પ્રેમનો દિવસ, કોઈને મનાવવાનો દિવસ, રુઠેલા પ્રેમને પાછો મેળવવાનો દિવસ.
ખાસ પક્ષિમના દેશોમાં ઉજવાતો આ તહેવાર યુવક યુવતીઓમાં ખુબ પ્રચલિત. કોઈ લાલ ગુલાબ આપે કોઈ પીળું ગુલાબ આપે અને કોઈ સફેદ. મઝાના ગ્રીટીંગ કાર્ડ અને ચોકલેટ. ફુલોના વેપારી અને હોલમાર્ક જેવા સ્ટોરને કમાણીનો દિવસ!! આજે તો આ તહેવાર દુનિયાભરમાં ઉજવાય છે, પણ ખરો પ્રેમ જાણે અદ્રષ્ય થતો જાય છે. આજે મળવું અને કાલે બ્રેક અપ એ જુવાનિયાઓમાં સામાન્ય થતું જાય છે.
પ્રેમનો ઈજહાર એક જ દિવસ કેમ? સાચા પ્રેમને તો શબ્દોની પણ જરૂર પડતી નથી. મારા દાદા દાદીના જમાનામાં ઘરમાં ઢગલો માણસ વચ્ચે પણ દાદી દાદાની નજર પારખી લેતા અને બધાં કામ વગર બોલે પતી જતા.તેર ચૌદ વરસની હું ઘણી વાર દાદીને પુછતી, “દાદી તમને કેમ ખબર પડી કે દાદાનો ગુસ્સો સાતમા આસમાને છે અને એક મસાલેદાર ચા એમને શાંત કરી દેશે? દાદા તો કાંઈ બોલ્યા વગર ખુરશીમાં બેઠા છાપું વાંચે છે. દાદી તરત બોલતા, જોતી નથી, તારા દાદા છાપું નથી વાંચતા, પાના આમ થી તેમ ફેરવે છે. જ્યારે ગુસ્સો આવે અને કોઈને કહી ના શકે ત્યારે એમનુ મોઢું જોઈ મને ખ્યાલ આવી જાય અને એક મસાલેદાર ચા સાથે મારા મોઢાના ભાવ મારો ઈશારો એમને શાંત કરી દે. ”
ઘડપણના પ્રેમની આ જ તો ભાષા છે. એમને કોઈ વેલેન્ટાઈન્સ ડે ની જરૂર નથી.
મારી જિંદગીમાં પણ વેલેન્ટાઈન ડે ઘણીવાર ઉજવાયો છે, ક્યારેક બાળકોએ સરસ મઝાનુ કાર્ડ આપ્યું છે, તો પતિએ પણ ગુલાબનુ ફુલ કે મને ગમતી ચોકલેટ ઘણવાર આપી છે પણ એક વેલેન્ટાઈન્સ મારા માટે ખુબ જ યાદગાર છે.
મારા હૈયાને ખુશીથી સભર કરી સાથે આંખને પણ ખુશીના હર્ષબિંદુથી છલકાવી દે એવો એ વેલેન્ટાઈન્સ ડે મારા જીવનનુ અણમોલ સંભારણુ છે. આવી વેલેન્ટાઈન્સની ગીફ્ટ આજ સુધી મને મળી નથી.
વ્યવસાયે શિક્ષક એટલે હમેશ બાળકો સાથે જોડાયેલી. ભારતમાં મોટા બાળકો સાથે કામ કર્યું અને અમેરિકા આવી નાના બાળકો સાથે, અને એમા પણ માનસિક વિકલાંગ બાળકો. પંદર વર્ષમાં કેટલાય આવા ભુલકાઓની માવજત કરી અને બદલામાં અઢળક પ્રેમ પામી. કોઈને વાચા નહિ પણ વાણીથી વધુ બોલતી એમની આંખો, કોઈને શારિરીક કમી તો કોઈનો ગુસ્સો બેહિસાબ, કોઈ ખરેખર મંદ બુધ્ધિ, તો કોઈ માતા પિતાના ખોટા લાડનુ પરિણામ, અથવા તો એમ પણ કહી શકાય કોઈ માતા પિતાના ડિવોર્સનુ પરિણામ ભોગવતું બાળક. કેટલીય મમ્મી એકલા હાથે બાળકો ઉછેરે, જોબ કરે અને પોતાના બાળકને પુરતો સમય ના આપી શકે એ કમી ભૌતિક સુખોથી પુરી કરે.
આ બાળકોને અમે સમજદારીથી, થોડા લાડથી, થોડી સખ્તાઈથી ક્લાસની નિયમિતતા, વર્તણુક રીતભાત શીખવીએ, વાચા વિકસાવવામાં મદદ કરીએ ત્યારે ઘણીવાર માતા કે માતા પિતા બન્ને નવાઈ પામે કે અમારું બાળક પણ સામાન્ય બાળકની જેમ જીવી શકે છે.
આવો જ એક મેક્સિકન છોકરો લગભગ ચારેક વર્ષ પહેલા અમારા ક્લાસમાં આવ્યો, સેસાર એનુ નામ. ગોળમટોળ ચહેરો અને સુંવાળા વાળ. શરીરે તંદુરસ્ત અને ગડબડ ગડબડ કાંઈ બોલતો રહે પણ ચહેરાનુ નિર્દોષ હાસ્ય સામી વ્યક્તિનુ મન મોહી લે. માતા પિતાને સ્પેનિશ સિવાય બીજું કાંઈ આવડે નહિ, ભાંગ્યુ તુટ્યું અંગ્રેજી બોલે. થોડા દિવસ પહેલા જ મેક્સિકોથી આવ્યા હતા અને ડરતાં હતા કે સેસારને સ્પેસિઅલ નીડ બાળકોના ક્લાસમાં મુક્યો છે તો એને ગાંડા બાળકોમાં તો નહિ સમજી લે ને. અમે ધરપત આપી કે આ ક્લાસમાં થી બાળકો એમની આવડત પ્રમાણે બે વર્ષમાં રેગ્યુલર ક્લાસમાં પણ જાય છે માટે ચિતા નહિ કરો.
શરુઆતમાં તો સેસારભાઈ ટેબલ નીચે સંતાઈ જાય, બીજા બાળકોને જઈ મારી આવે પણ ધીરે ધીરે ક્લાસના રુટિનમાં ગોઠવાવા માંડ્યો, શબ્દો ચોખ્ખા બોલતા શીખ્યો, સવારે બસમાં થી ઉતરે એટલે લહેકાથી હાઈ મીસ મુન્શા કહેવા માંડ્યો. ફેબ્રુઆરી મહિનો આવ્યો અને ક્લાસમાં વેલેન્ટાઈન્સ ડે ની વાતો થવા માંડી, બાળકોને એના ગીતો સંભળાવવાનુ, મમ્મી પપ્પ, દાદા દાદી માટે કાર્ડ બનાવવાની તૈયારી ચાલવા માંડી.૧૪મી ફેબ્રુઆરી આખા અમેરિકામાં ધામધુમથી આ દિવસ ઉજવાય તો અમારા બાળકો કેમ પાછળ રહે!! ક્લાસમાં પાર્ટીનુ આયોજન કર્યું અને બાળકોને ક્લાસના એમના મિત્રો માટે નાની ગિફ્ટ કે કાર્ડ લાવવાનુ કહ્યુ. બધા બાળકો અઠવાડિઆથી એની તૈયારીમાં લાગી ગયા, એમા પણ સેસારનો ઉત્સાહ તો ગજબનો! હવે તો બધું બોલતા શીખી ગયો હતો. એની મીઠડી ભાષામાં કહે હું બધા માટે સરસ કાર્ડ લઈ આવીશ અને મીસ મુન્શા તમારા માટે ગુલાબ! એનો હરખ જોઈ અમે પણ ખુબ ખુશ હતા.
વેલેન્ટાઈન્સ ડે આવ્યો. ક્લાસને સરસ મજાના ગુલાબી ને લાલ કાગળના હાર્ટ શેપના તોરણથી શણગાર્યો, આગલા દિવસે જ પાર્ટી માટે ચીઝ પીઝાનો ઓર્ડર આપી દીધો હતો અને કુકી ને જ્યુસના બોક્ષ આવી ગયા હતા બધા બાળકોના ઘરેથી પણ જાતજાતની ભેટ આવી ગઈ હતી. સ્કૂલ બસ આવી બીજા બાળકો ઉતર્યા પણ સેસાર નહોતો. થોડીવારમાં જ એની મમ્મીનો ફોન આવ્યો કે સેસારને તાવ છે એટલે આવી નહિ શકે,અમે બધા ઉદાસ થઈ ગયા સૌથી વધુ સેસાર આ તહેવાર ઉજવવા ઉત્સુક હતો અને એની જ ગેરહાજરી!!
બે દિવસ પછી સેસાર આવ્યો, બસમાં થી ઉતરતાં જ દોડીને મને વળગી પડ્યો અને ચમકતી આંખે અને હસતાં ચહેરે બોલ્યો “હાઈ મીસ મુન્શા, હેપી વેલેન્ટાઈન્સ ડે”, સાથે હાથમાં લાલ ગુલાબ હતું. મને આપી ને કહે મારા મિત્રો માટે પણ કાર્ડ લાવ્યો છું. કેવી એ બાળકને તહેવાર ઉજવવાની ઉત્કંઠા કે બે દિવસ પછી પણ એને એ યાદ હતું
સેસારની એ વહાલભરી બાથ અને એ લાલ ગુલાબ મારા જીવનની સહુથી મોંઘી અણમોલ મીઠી યાદગીરી છે.
શૈલા મુન્શા તા ૨૪/૨/૨૦૧૮

June 29th 2015

ડાયરી!

thE6Z842YU diary

અમેરિકામાં તો આમ પણ જીવન એટલું વ્યસ્ત હોય કે બીજા કશાનો વિચાર કરવા જેટલો સમય જ હોતો નથી, તોય નિરાલી ના મનમાં કેટલાય દિવસથી એક વિચાર ઘુમરાયા કરતો હતો જે જાગતા, સુતા એનો પીછો નહોતો છોડતો. અચાનક બનેલો કોઈ બનાવ, કોઈ ઘટના માનવીને અંદર બહારથી ઝંઝોડી દે એવું ક્યારેક બની જતું હોય છે.

આમ તો છાપું ખોલો અને જાતજાતના સમાચાર વાંચવા મળે, ક્યાંક અકસ્માત, ક્યાંક આગ, ક્યાંક કોઈની બહાદુરી, રાજનેતાના દાવપેચ. બધુ વાંચીને મનમાં દયા કે નફરત કે ગુસ્સો થોડીવાર આવે અને પાછા પોતાની ઘટમાળમાં ગોઠવાઈ જઈએ. સૂરજની રોશની પડતાં જ જેમ ઝાકળબિંદુ અદ્રશ્ય થાય તેમ એ વાત સ્મૃતિપટ પરથી લોપાઈ જાય. સુનામી આવે કે ધરતીકંપ થાય, એક સાથે હજારો માણસો મોતને શરણ થાય, ત્યારે મનમા અનુકંપા જાગે, અરેરાટી નીકળે, પણ! નવો દિવસ ઊગે અને એ જ રોજીંદી જીંદગી.

અચાનક છેલ્લા બે મહિનામાં બનેલા બે બનાવો એ નિરાલીને જાણે હચમચાવી મુકી.

રવિવારનો દિવસ ને મધર્સ ડે. સરસ મુવી જોઈ નિરાલી એના પતિ નયન સાથે ઈન્ડિયન રેસ્ટોરન્ટમાં જમી ને ત્યાં પડેલા ન્યુસ પેપર લઈ ઘરે આવી. ટી.વી. જોતા અમસ્તા જ છાપાનાં પાના ફેરવતાં નયનની નજર એક ફોટા પર પડી ને એ ચમકી ગયો. છાપાંમાં જેનો ફોટો હતો એની સાથે આમ તો કોઈ સગાઈ નહોતી, પણ બસ મિત્રતા. મિત્રતા પણ એવી કે નિરાલી નયન માટે એ નાના ભાઈ જેવો.

૩ મે ૨૦૧૫. રવિવારની રાત. પત્નિ અને બાળકો માટે જમવાનુ લઈ પાછા આવતા કોઈ અજાણ્યાની ગાડી રસ્તા વચ્ચે ખોટકાયેલી એને મદદ કરવા પુનિત પોતાની ગાડીમાં થી ઉતર્યો, પાછળ થી ગાડીને ધક્કો મારવા જતાં બીજી એક પુરઝડપે આવતી ગાડીના નશામાં ચૂર ડ્રાઈવરે પોતાની ગાડી થી રસ્તા પર ખોટકાયેલી ગાડીને ટક્કર મારી ને એ ધક્કા થી પુનિત ઉછળી બાજુમાં જ વહેતી બ્રાઝો નદીમાં પડ્યો. ક્ષણભરમાં આ બની ગયું. અંધારામા કોઈને ખ્યાલ પણ ના આવ્યો. પત્નિ ફોન કરતી રહી કે પુનિત ખાવાનુ લઈ હજી આવ્યો કેમ નહિ? ફોન પુનિતની ગાડીમાં રણકતો રહ્યો. પોલિસનો ફોન આવ્યો કે ગાડીમાં કોઈ નથી. સાત દિવસે પુનિતનુ શરીર સો માઈલ દુર નદીમાંથી મળ્યુ.

સ્કુલમા સમર હોલીડે શરૂ થવામાં ચાર દિવસ બાકી. મી. ગુસ્તાવ પોતાના કુટુંબ સાથે મેસેચુસેટ્સ ભણતી પોતાની દિકરીના ગ્રેજ્યુએશનમાં હાજરી આપવા નીકળી પડ્યા. બે જુવાન દિકરા અને પત્નિ સાથે બાય રોડ પહોંચતા બે દિવસ થયા. રસ્તામાં ગુસ્તાવને પગમા જરા કળતર થતું પણ બહુ ગણકાર્યું નહિ.

શુક્રવાર શાળાનો છેલ્લો દિવસ. હ્યુસ્ટનમાં શિક્ષકો બધા ફરી મળીશુ કહી છુટા પડ્યા. ગુસ્તાવ પણ મેસેચુસેટ્સ દિકરીના ફેમેલી ગેધરીંગમા સરસ સુટ પહેરી પત્નિ ને દિકરાઓ સાથે પહોંચી ગયા. રાતે ને રાતે દિકરાએ ફેસબુક પર ફોટા પણ મુકી દીધા. સુખી પરિવાર દિકરી સહિત સહુના ચહેરા પર ચમકતી ખુશી. નસીબની બલિહારી, અડધી રાતે ગુસ્તાવના પગનો દુખાવો એટલો વધી ગયો કે એમને હોસ્પિટલ ભેગા કરવા પડ્યા. ડાયાબિટિશ થી પિડીત ગુસ્તાવ જોતજોતામાં કોમામાં સરી ગયા. પગે ગેંગેરીંગ થઈ ગયું, પગ કાપ્યો, થાય એટલા ઉપચાર કર્યા પણ ચાર દિવસમાં કોમાની અવસ્થામાં ગુસ્તાવે છેલ્લો શ્વાસ લીધો.

મંગળવારથી શરૂ થતી સમર સ્કુલ માટે જ્યારે નિરાલી અને બીજા શિક્ષકો સ્કુલે પહોંચ્યા ત્યારે ગુસ્તાવના મરણના સમાચાર મળ્યા. પત્નિ, દિકરી, અને બે દિકરા પિતાના શબને લઈ પાછા આવ્યા.

બસ! આ બનાવે નિરાલીને હચમચાવી મુકી. ક્ષણ બે ક્ષણના સમયમાં નદીમાં પડતા પુનિતના મનમાં શું થયું હશે? ગુસ્તાવને સ્વપ્ને પણ ખ્યાલ હશે કે પોતે પાછો હ્યુસ્ટન નહિ જાય?

એવું નથી કે આવું બનતુ નથી. હમેશ જ આવા બનાવો બનતા રહે છે, પણ ક્યારેય આપણે વિચારતા નથી. કંઈ કેટલીય વસ્તુ મનમાં ધરબાયેલી હોય છે. કેટલીય લાગણી, કોઈના તરફથી થતી ઉપેક્ષા, કોઈને વહાલના બે શબ્દ કહેવાની ઈચ્છા, જીવનભર સહેલી કોઈની જોહુકમી, પોતાનાનો પ્રેમ, અને પોતાનાનો જ તિરસ્કાર! સગાં, મિત્રો, કેટલાય સંબંધો આસપાસ વિંટળાયેલા હોય છે. ઘણીવાર વાત હોઠ સુધી પહોંચે પણ પ્રગટ ના થાય! કાલે જરૂર કરીશ ની રાહમાં કાલ કદાચ આવે જ નહિ! શું આમ જ જીવન પસાર થઈ જાય અને મનની વાત મનમા જ રહી જાય?

વાત કહેવાય નહિ પણ લખાય તો ખરી. મનમાં ઉપજેલો ગુસ્સો, પ્રેમ, નિરાધારપણુ, સહિષ્ણુતા, હતાશા, લાગણી કદાચ જીવતા જે ન કહી શક્યા તે આપણા ગયા પછી પણ લખાણ રૂપે કોઈના વાંચવામા તો આવે. આપણા ગયા પછી એ વાંચી કોઈનુ જીવન સુધરી પણ જાય અને ન સુધરે તો ય, આપણુ મન હલકું થઈ જાય!

બસ એ વિચારે નિરાલી એ ડાયરી ને પેન હાથમા લીધા.

(સત્ય ઘટના પર આધારિત)

શૈલા મુન્શા તા. ૦૬/૨૯/૨૦૧૫

June 15th 2015

હવે શું?

પિયુષ અને રૂપાનો સંસાર સુખથી ભર્યો ભર્યો. લગ્ન તો બન્નેના માતા પિતાની સંમતિ થી જ થયા હતા, પણ એક જ નાતના હોવાથી બન્ને એકબીજાને સારી રીતે ઓળખતા.

રૂપા નુ ભણવાનુ પત્યું અને મમ્મી એ નાતના જાણીતા ભણેલા મુરતિયાઓનુ લીસ્ટ રૂપાની સામે ધરી દીધું. દિકરીની મા જાણે દિકરીને જ જન્મ નથી આપતી, એના ભાવિ સંસારને પણ જન્મ આપે છે. પોતાના સંસાર સાથે કંઈ કેટલીય આશા અરમાનોના સુનહરા તાર દિકરીના ભાવિના પણ વણાતા જાય છે.

રૂપા નાનપણથી જ ખુબ શોખીન. હસતી રમતી ચંચળ હરણીની જેમ ઘરમા ફરી વળે. દાદાની સહુથી વધુ લાડકી. દાદા એનુ હુકમનુ પત્તું. કાંઈ જોઈતું હોય અને પપ્પા ના પાડે તો દાદા સમજાવી પટાવી પપ્પા પાસે મંજુરી અપાવી જ દે. રૂપા આમ તો ભણવામા હોશિયાર, પહેલો નંબર કદાચ ના આવે પણ ક્યારેય બીજા ત્રીજા નંબરથી પાછળ ના જાય. સ્કુલેથી આવે એટલે મમ્મીએ નાસ્તો અને દુધનો ગ્લાસ તૈયાર જ રાખ્યો હોય એ પતાવી સીધી દાદાના રૂમમા. દાદા જ એનુ સ્કુલનુ લેસન કરાવડાવે. બસ છ વાગતામા તો દાદાનો હાથ પકડી બાજુના બગીચામા રમવા પહોંચી જાય. દાદાને એમના સમવયસ્ક મળે અને રૂપાને એની સહેલીઓ.

વખત વિતતા ક્યાં વાર લાગે છે. રૂપા બાર વર્ષની થઈ અને દાદાનુ અવસાન થયું. દાદી તો રૂપાના જનમ પહેલા જ સ્વર્ગવાસી થઈ ગઈ હતી. રૂપાને દાદીનો કોઈ અહેસાસ નહોતો, પણ દાદાનુ અવસાન એને ખળભળાવી ગયું. જીવનમા જાણે શુન્યાવકાશ વ્યાપી ગયો. કંઈ કેટલાય દિવસ રૂપા સુનમુન થઈ પથારીમાં પડી રહી, સમય જાણે એને માટે સ્થગિત થઈ ગયો. રડી રડીને જાણે આંખમા આંસુ પણ સુકાઈ ગયા.

ધીરે ધીરે મમ્મી પપ્પાની પ્રેમભરી માવજતે રૂપા આઘાતમાં થી બહાર આવવા માંડી, એને હસતી રમતી કરવામાં શાળાના શિક્ષકો અને એની સહેલીઓનો પણ પુરો સાથ. જીંદગીની રફતાર સહજ ગતિએ આગળ વધવા માંડી.
સ્કૂલ અને પછી કોલેજ એમ જિંદગીના નવા આયામો સર કરતી રૂપા માટે એ દિવસ પણ આવી પહોંચ્યો જ્યારે રૂપા B.A. with Arts ની ડીગ્રી લઈ સ્નાતકની પદવી પામી ઘેર આવી.
યુવાની રુપાના અંગે પુરબહારમાં ખીલી હતી અને મમ્મી પપ્પા માટે રૂપા માટે યોગ્ય પતિ અને સંસ્કારી સાસરિયું શોધવાની માનસિક તૈયારી શરૂ થઈ ગઈ હતી.

મમ્મી એ ક્યારનુ ય જાણી લીધું હતું કે રૂપા એ કોઈ યુવાન જીવનસાથી તરીકે પસંદ નથી કર્યો એટલે જ નાતના જાણીતા ઘર જ્યાં રુપાને કોઈ દુઃખ નહિ પડે એવા માયાળુ ઘરના ભણેલા સંસ્કારી દિકરાઓની વાત રૂપા સાથે કરી અને બધાની સંમતિથી પિયુષની પસંદગી થઈ.
સારો દિવસ જોઈ રુપાના પપ્પાએ રુપા માટે પિયુષના હાથની માગણી કરી. બન્ને પરિવાર એકબીજાને મળ્યા, પિયુષને રુપા પહેલી નજરે જ ખૂબ ગમી ગઈ, બન્ને પરિવારોની સંમતિથી ગોળધાણા ખવાયા.
ધામધુમથી લગ્ન લેવાયા. રૂપા એકની એક દિકરી, મમ્મી પપ્પા એ કોઈ કસર ના રાખી. જાનૈયાઓનુ સ્વાગત, મહેંદીની રસમ, સંગીત સંધ્યા, મનભરીને પ્રસંગો ઉજવ્યા. હિંદુ જીમખાના ખાસ બે દિવસ માટે રીઝર્વ કરવામા આવ્યુ અને સામે લહેરાતા અરબી સમુદ્રના સાનિધ્યે અને ઝાકમઝાળ રોશનીની સાક્ષીએ રૂપા પિયુષની જીવનસંગિની બની.

તાજા ફુલોથી મઘમઘતી કાર મંડપના આંગણે આવી ઊભી. સહુને ભેટતી નયનોમાં આંસુને મનમા નવજીવનના ઉમંગે ઉલ્લાસતી રૂપા કારમાં બેઠી, મા એ પૈડું સિંચ્યુ અને ગાડી શુકનના વધામણા લેતી આગળ વધી. સહુ સ્વજનો રૂપાને હરખતા હૈયે અને છલકતા નયને પ્રેમભરી વિદાય આપવા આગળ વધ્યા.

મમ્મી પપ્પા એકબીજાનો હાથ હાથમાં લઈ કાળજાના કટકાને નજરથી ઓઝલ થતી જોઈ રહ્યા! હસતી રમતી હરિણી ઘરને પોતાના મધુર હાસ્યથી ભરી દેતી, ટહુકતી, ક્યારે મોટી થઈ ગઈ એની જાણે ખબર જ ના પડી. એકની એક દિકરીની આસપાસ જ વર્તુળના પરિઘ ની જેમ એમની ધરી ઘુમતી રહેતી. દિકરી પારકી થાપણ અને એક દિ’ પોતાના ઘરે જશે એ જાણતા હોવા છતાં જ્યારે એ પળ આવીને ઊભી રહી ત્યારે એમની જંદગી મા જાણે શુન્યાવકાશ છવાઈ ગયો!

વણ કહ્યો પ્રશ્ન એમની દર્દ ભરી આંખોમા ડોકાઈ રહ્યો, હવે શું?

શૈલા મુન્શા તા ૦૧/૨૮/૨૦૧૫

May 31st 2015

આઈસક્રીમ!

th.jpg icecreame

આઈસક્રીમ શબ્દ સાંભળી ને જ મોઢામા પાણી આવી જાય! મોટા ભાગે સહુને આઈસક્રીમ ભાવતો હોય. રીયાને ખબર હતી કે મેઘાને આઈસક્રીમ બહુ જ ભાવે છે. આમ તો મેઘાને ખાવાની બહુ પંચાત!ભાવવા કરતા ન ભાવવાનુ લીસ્ટ લાંબુ.મમ્મી બિચારી થાકી જાય. જુદી જુદી વાનગી બનાવી એના લંચ બોક્ષમા આપે, પણ મેઘા જેનુ નામ, એ તો એની સન ચીપ્સ ખાય અને એપલ જ્યુસ જ પીએ. ભુલમા જો મમ્મીએ બીજી બ્રાન્ડની ચીપ્સ મુકી તો ધમપછાડા.આખો દિવસ ખાધા વગર કાઢે પણ બીજી ચીપ્સને હાથ ના લગાડે.

આમ પણ ખાવાના બધા નખરા મમ્મી પાસે જ ચાલે. પપ્પા જો સ્કુલે મુકવા આવે તો મેઘા ચુપચાપ ક્લાસમા આવે. પપ્પા તો મુખ્ય દરવાજે જે શિક્ષક ત્યાં ફરજ પર હોય એના હાથમા મેઘાને સોંપી દે, અને મેઘા કશુ બોલ્યા વગર ક્લાસમા આવે.

જે દિવસે મમ્મી આવે ત્યારે બેનના હાથમા મોટો મેકડોનાલ્ડનો ઓરિયો કુકી આઈસક્રીમ મીલ્કશેક નો કપ હોય. કલાક સુધી અમારા બ્રેકફાસ્ટ ટેબલ પર બેસી મેઘા ચમચે ચમચે આઈસક્રીમ ખાય. આખે મોઢે આઈસક્રીમ, હાથે રેલા આઈસક્રીમના અને ટેબલ પર આઈસક્રીમના ટપકાં.

બે ત્રણ દિવસ તો રીયા એ ચલાવ્યું, કપ લઈ ફેંકી દેવાનો પ્રયત્ન કર્યો પણ મેઘા ના હાથમાથી કપ લેવો એ લોઢાના ચણા ચાવવા જેવું મુશ્કેલ કામ. ચોથે દિવસે મેઘા આઈસક્રીમનો કપ લઈ આવી અને જોગાનુજોગ પ્રીન્સીપાલ કાનન બેન ક્લાસમા કંઈ કામે આવ્યા હતા, એમણે મેઘાના હાથમાથી આઈસક્રીમનો કપ લઈ લીધો એનુ જેકેટ ઉતારવા મદદ કરવાને બહાને અને મેઘા પાછળ ફરી જેકેટ ખીલી પર લટકાવે ત્યાં સુધીમા કપ અંદરના રૂમના કચરાના ડબ્બામા નાખી દીધો.

કલાક સુધી મેઘાનુ રડવાનુ અને આઈસક્રીમના નામની ચીસાચીસ ચાલી. “મારો આઈસક્રીમ ક્યાં ગયો? મારો આઈસક્રીમ ક્યાં ગયો?” પછી જાણે મોંઘેરૂ રતન ખોવાઈ ગયુ હોય તેમ બપોર સુધી મારો આઈસક્રીમની રટ ચાલુ રાખી.

બીજા દિવસે મેઘા આવી તો જાણે મેઘાને બદલે એનુ ભૂત હોય તેમ સાવ નંખાઈ ગયેલી હાલતમા ટેબલ પર માથુ મુકી એકલા એકલા બોલ્યા કર્યું “મારો આઈસક્રીમ જતો રહ્યો, મારો આઈસક્રીમ જતો રહ્યો”

દિવસ એનો તો ખરાબ ગયો પણ સાથે રીયાનો પણ. એનાથી મેઘાની હાલત જોવાતી નહોતી પણ જે કર્યું તે એના સારા માટે જ. સવારના પહોરમા નાસ્તામા આઈસક્રીમ, એટલી બધી સુગર પછી આખો દિવસ મેઘાની ઉછળકુદ. એક જગ્યા એ ઠરી ને બેસી ના શકે, ન ભણવામા ધ્યાન આપી શકે.

મા ને સમજાવી આઈસક્રીમને બદલે દહીમા થોડી ખાંડ અને કેળું કે એવા કોઈ ફળ નાખી સ્મુધી બનાવી મેકડોનાલ્ડ જેવા કપમા ભરી આપવા કહ્યું. મા સમજદાર હતી અને દિકરીના ભલા માટે કંઈ પણ કરવા તૈયાર હતી.

અઠવાડિયું ગયુ ને મેઘા આઈસક્રીમને ભુલી પણ ગઈ અને સ્મુધી ખાતી થઈ ગઈ.

હતી તો છેવટે પાંચ વર્ષની બાળકી જ ને! કુમળો છોડ વાળીએ તેમ વળે.

શૈલા મુન્શા. તા. ૦૫/૧૨/૨૦૧૫

May 31st 2015

રક્ષા બંધન!!

કોણ પોતાના અને કોણ પારકાં! સંબંધોની આ માયાજાળ અને ગોરંભાતી અનેક જીંદગીઓ. લોહીના સંબંધોની લાગણી અને સુવાસ ક્યારેય મુરઝાતી નથી, પણ કદીક અંતર વધી જાય છે ત્યારે ઘવાયેલું હૈયું પોકારી ઉઠે છે કે પોતાના માનીએ એ ખરે જ શું પોતાના બને છે? અને જે પારકાં છે એ ક્યારે પોતાના બની જાય એનો આભાસ પણ નથી થતો.

આપ્તજનોના સંબંધમાં ઉતાર ચઢાવ આવે તોય છેવટે “ડાંગે માર્યા પાણી કદી છુટા ન પડે” એ કહેવત મોટાભાગે સાચી જ પડે છે, પણ મારે
વાત આજે એ સંબંધની કરવી છે, જે ક્યારે સ્વ થી ય વિશેષ પોતાનો બની ગયો એ ખબરે ના પડી.

સીમા જ્યારથી સમજણી થઈ ત્યારથી એક દિવસ એવો આવતો કે એનું બાળ માનસ કેટલાય સવાલોથી ઘેરાઈ ઉઠતું. મમ્મી સરસ તૈયાર થઈને હાથમાં પૂજાની થાળી ને મિઠાઈ લઈ હોંશભેર સીમાને કહેતી, “બેટા જલ્દી કર, મામાને ત્યાં રાખડી બાંધવા જવાનુ છે, મારો ભાઈ રાહ જોતો હશે” ને સીમાનો સવાલ દર વર્ષની જેમ મમ્મીને પુછાતો “મમ્મી મારે કોઈ ભાઈ નથી?"

એનો જવાબ પંદર વર્ષની સીમાને બળેવને દિવસે જ મળી ગયો.

મમ્મીની ખાસ બહેનપણીનો દિકરો રાકેશ દરવાજે આવી ઊભો અને પોતાનો હાથ લંબાવતા બોલી ઉઠ્યો, “સીમા મને રાખડી બાંધ, આજથી હું તારો ભાઈ”

સીમાને રાકેશ ઉનાળાની રજામાં સ્કુલના કેમ્પમાં દસ દિવસ સાથે હતા. રાકેશના મમ્મી જ્યોતિમાસી જે શાળામાં પ્રિન્સીપાલ હતા ત્યાંજ સીમાની મમ્મી શિક્ષીકા તરીકે નોકરી કરતી હતી, અને એ સ્કુલમાં ન ભણતા હોવાં છતા શિક્ષકોના બાળકો હોવાના નાતે સીમા અને રાકેશ કેમ્પમાં ભાગ લઈ શક્યા હતાં.

કેમ્પના છેલ્લા દિવસે એક રમત રમાડાઈ, એ રમતમાં દરેકને એમના સપના વિશે પૂછવામાં આવ્યું. કોઈ એ ડોક્ટર બનવાનુ સપનુ જોયું હતું તો કોઈએ વકીલ. કોઈએ શિક્ષક બનવાનુ તો કોઈએ ક્રિકેટર. જ્યારે સીમાનો વારો આવ્યો ત્યારે એનાથી મનની વાત કહેવાઈ ગઈ. “બાળપણથી મારૂં એક સપનુ હતું કે મારે એક ભાઈ હોય." મોટી થઈ ને હું કાંઈપણ બનીશ પણ મારા ભાઈને રાખડી બાંધવાનુ તો નહિ જ ને! મામા માસી ના દિકરાઓ મારા ભાઈ તો કહેવાય પણ!! બોલતાં બોલતાં એની આંખો છલકાઈ ઊઠી.

રાકેશના દિલમાં સીમાની એ દર્દભરી આંખો ઘર કરી ગઈ, ને બળેવના દિવસે ભાઈ બની દરવાજે આવી ઊભો. એ ઘડી ને આજનો દિવસ, સગા ભાઈથી સવાયા બની સંબંધને મહોરવા દીધો છે.

સીમા જીવનની એ કારમી પળ ક્યારેય ભુલી શકે એમ નથી જ્યારે એકસિડન્ટમાં મમ્મીને ગુમાવી. પિતાની છત્રછાયા તો કોલેજના પ્રથમ વર્ષે જ ગુમાવી હતી.
પપ્પાના અવસાનની કળ હજી તો માંડ વળી ત્યાં ચાર જ વર્ષમાં મમ્મીનુ એકસિડન્ટમાં નિધન થયું ત્યારે બન્ને બહેનો અને સાવ નાનકડો અબુધ ભાઈ જેને શું ગુમાવ્યું કે શું થયું એની કોઈ હજી સમજ નહોતી, સાવ નોંધારાં બની ગયા. આપ્તજનો તો હતા જ અને સહુની હુંફ પણ હતી પણ ત્રણે ભાઈ બહેનમાં મોટી સીમા જે માનસિક યાતનામાં થી પસાર થઈ રહી હતી એનો અંદાજ કોઈને નહોતો. સવારથી મળવા આવનાર એકનો એક સવાલ પુછે અને સીમા રડતાં રડતાં એજ દુઃખદ ઘટના દોહરાવે. એમાથી મુક્તિ બે જણે અપાવી. નાના, નાની જે સીમા અને નાના બહેન ભાઈનો અભ્યાસ ન બગડે એટલે મન પર પથ્થર રાખી એમની સાથે રહેવા આવ્યા હતા અને બીજું વીસ વર્ષના રાકેશે.

નાનાએ બધા મળવા આવનારને કડક ચેતવણી આપી કે કોઈ સીમાને દુર્ઘટના બાબત સવાલ ન કરે. રાકેશ બીજા દિવસે રાતે નવ વાગે ગાડી લઈ હાજર થઈ ગયો. સીમાથી નાનો પણ રાતોરાત જાણે એ મોટોભાઈ બની ગયો, અને નાનાને વિનંતી કરી કે થોડીવાર માટે એ ત્રણે પોતાના ભાઈ બહેનોને ખુલ્લી હવામાં બહાર લઈ જવા માંગે છે.

સીમાને પહેલીવાર અનુભવ થયો કે માથે દુઃખનો પહાડ તુટી પડ્યો હોય તોય કોઈ હાથ પકડી ખુલ્લી હવામાં બહાર લઈ આવે, સોસાયટીના બગીચામાં થોડો સમય મૌન બની સાથે બેસે અને નાનકડા ભાઈને એક આઈસક્રીમ અપાવે. સહુને આ દુઃખના દરિયામાં થી બહાર કાઢવા બનતો પ્રયાસ કરે. કાંઈ ન કહેવા છતાં એ મૌન કેટલો સધિયારો આપી જાય કેટલુંય કહી જાય કેટલી હિંમત આપી જાય “કોઈ ચિંતા ના કરતા, હું તમારો ભાઈ હમેશ તમારી ઢાલ બની ઊભો રહીશ.”

એ સધિયારો એ હિંમત આપનાર જેણે રક્ષા બંધન સાચા અર્થમાં સાર્થક કરી, આજે પણ સીમાનો વહાલસોયો ભાઈ બની જીવનભર સીમાની પડખે રહ્યો છે!!

સત્ય ઘટના પર આધારિત.

શૈલા મુન્શા તા.૦૫/૦૭/૨૦૧૫

March 30th 2015

આવી વસંત!!

૧૯૩૦ની સાલ અને ભારતભરમાં આઝાદીનો જુવાળ. ગાંધીજીની દાંડીકુચની હાકલ. ઘરે ઘરથી લોકો દાંડીકુચમાં જોડાવા નીકળી પડ્યા હતા. રમણભાઈ પણ એમાના એક હતા. શાંતાબેનની પણ ઘણી ઈચ્છા હોવા છતા એ જોડાઈ ના શક્યા કારણ એમને છેલ્લા દિવસો જતા હતા. રમણભાઈએ બરડા પર અંગ્રેજોની લાઠીના માર પણ ઝીલ્યા અને જેલની હવા પણ ખાધી. જ્યારે ઘરે આવ્યા ત્યારે આંગણામા ચાર મહિનાનો રૂપાળો રમતિયાળ દિકરો હીંચકે ઝુલતો હતો. દેશભક્તિની ભાવનાવાળા રમણભાઈએ દિકરાનુ નામ પાડ્યું સુદેશ.
બા બાપુજી, દાદા દાદી અને કાકા કાકીના સંયુક્ત પરિવારમાં લાડ પ્યારમાં સુદેશ મોટો થયો.એકબાજુ એ કોલેજના પહેલા વર્ષમાં આવ્યો અને ભારત અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયું. અમદાવાદમાં રમણભાઈની નાનકડી ડાય કેમિકલની ફેક્ટરી હતી. પપ્પાને મદદરૂપ થવાય એ આશયે સુદેશ કોલેજમાં સાયન્સ વિષય લઈ આગળ વધ્યો. ભણવામાં પહેલેથી જ ખૂબ હોશિયાર હોવાથી ચાર વર્ષમાં તો B.Sc with Chemistry ની પદવી લઈ પપ્પા સાથે ધંધામા જોડાઈ ગયો.
સુદેશની હોશિયારી અને આવડતને લીધે ફેક્ટરીનો સારો વિકાસ થવા માંડ્યો અને ડાય કેમિકલમાં નવા નવા ક્ષેત્રે આગવી પ્રતિભાના જોરે અમદાવાદ બહાર ગુજરાતના બીજા શહેરોમાં પણ ધંધાનો વિકાસ થવા માંડ્યો.
કુટુંબની પ્રતિષ્ઠા, સુદેશની આવડત એની રીતભાત અને મળતાવડાપણા ને લીધે નાતમાથી લગ્ન માટે સારી સારી દિકરીઓના માંગા આવવા માંડ્યા. એ જમાનામાં હજુ પ્રેમ લગ્નો એટલા પ્રચલિત નહોતા. લગ્ન એ ફક્ત બે વ્યક્તિ નહી પણ બે કુટુંબ વચ્ચે બંધાતો નાતો હતો, એટલે માબાપે પસંદ કરેલી બે ત્રણ કન્યામાં થી ઉમા પર સુદેશની પસંદગી ઉતરી. ઉમા દેખાવડી તો હતી જ પણ એથી ય વિશેષ ખુબ સમજુ અને વડિલોની માન મર્યાદા જાળવનારી હતી. ધામધુમથી લગ્ન લેવાયા અને રૂમઝુમ પગલે ઉમા નો ગૃહપ્રવેશ થયો.
માથે આશીર્વાદનો હાથ મુકતા રમણભાઈ અને સોડમાં ઉમાને લેતા શાંતાબેન બોલી ઉઠ્યા, “ઉમા આજ તું અમારે આંગણે વહુ નહી પણ અમારી દિકરી બનીને આવી છે.” વર્ષોથી મનમાં દિકરીની ખેવના કરતાં શાંતાબહેનની ઈચ્છા જાણે આજ પ્રભુએ પુરી કરી. ઘરની વહુને કોઈ વાતની કમી ના આવે એવા લાડથી ઉમા ઘરમાં સહુની લાડલી બની ગઈ.
ઉમા ધીરે ધીરે નવા ઘર નવા વાતાવરણમાં ગોઠવાતી ગઈ. વર્ષો વિતતા ગયા અને સુદેશ ઉમા પ્રેમમાં મગન જીવન માણતા રહ્યા. લગ્નની પાંચમી વર્ષગાંઠ ખુબ ધામધુમથી ઊજવાઈ. મોટા હોલમાં રમણભાઈએ દિકરા વહુ માટે પાર્ટી રાખી હતી અને સહુ સગાંવહાલા, મિત્ર મંડલને ભાવભીનુ આમંત્રણ મોકલ્યું હતું.
રાતે પાર્ટી પતાવી ગાડીમાં સહુ પાછા ફરી રહ્યા હતા અને કાકી સાસુએ મમરો મુક્યો, “ઉમા હવે આગળ શું વિચાર છે? ક્યારે અમને પોતરા પોતરીનુ મોં જોવા મળશે? તમારા બા બાપુજી, અમારા બધાની ઉમર વધતી જાય છે, હવે તો ઘરમા પારણુ બંધાય એની રાહ જોઈએ છીએ.”
શાંતાબેને ત્યારે તો વાત વાળી લીધી કે સમય આવે સહુ થઈ રહેશે, પણ મનમાં તો એ પણ ઈચ્છી રહ્યા હતા કે ક્યારે સારા સમાચાર સાંભળવા મળે. બીજા બે વર્ષ વીતી ગયા અને શાંતાબેને સુદેશને બોલાવી ઉમાને સારા ડોક્ટર પાસે લઈ જવાનુ કહ્યું.
ડોક્ટરોના મત પ્રમાણે બન્ને જણમાં કોઈ ખામી કે ઉણપ નહોતી ધીરજ અને રાહ સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો.
દશ વર્ષ થયા અને કુટુંબીજનો અને ખાસ કરીને ઘરના ઘરડાં ફોઈનો ઉતપાત અને ચણભણાટ શાંતાબા ને પરેશાન કરવા માંડ્યો. પહેલા તો ભુવા જતિની અને બાધા આખડીની વાત કરવા માંડ્યા. જ્યારે રમણભાઈએ કડક શ્બ્દોમાં એ વહેમ અંધવિશ્વાસ ને માનવાની ના પાડી ત્યારે ફોઈ પાસે બીજો વિકલ્પ હતો, સુદેશના બીજા લગ્ન કરાવવાનો.
ફોઈ અને બીજાં કહેવાતા સગાઓની રોજની કટકટથી થાકી છેવટે શાંતાબેને પહેલી અને છેલ્લીવાર સહુની બોલતી બંધ કરી દીધી. ” ખબરદાર કોઈએ સુદેશના બીજા લગ્નની વાત કરી છે તો, ઉમા મારી દિકરી છે અને નસીબમાં જે લખ્યું હશે તે થશે પણ કોઈએ મારી દિકરીને મહેણા ટોણા મારવાની જરૂર નથી.” રમણભાઈએ પણ એમા પોતાનો સુર પુરાવ્યો ત્યારે ફોઈ મોં મચકોડતા બોલ્યા ‘હું તો વંશ આગળ વધે માટે આટલા કાલાવાલાં કરતી હતી, બાકી તમે જાણો અને તમારી વહુ.”
દિવસો પસાર થતા રહ્યાં ઉમા ધર્મ ધ્યાનમાં વધુ ડુબતી ગઈ અને સુદેશ ધંધો વિસ્તારવામાં. ફક્ત ભારતમાં જ નહિ પણ વિદેશમાં જેવા કે મેક્સિકો, બ્રાઝીલ વગેરે દેશોમાં એમનો માલ જવા માંડ્યો.
જોત જોતામાં અઢાર અઢાર વર્ષો પસાર થઈ ગયા. શ્રાવણ મહિનો ચાલતો હતો અને હમેશની જેમ ઉમાએ એક વાર ફરાળ કરી આખો મહિનો ઉપવાસ કરવાનુ ચાલુ કર્યું. પાંચ છ દિવસ ગયા અને સવારે ઉઠતા ઉમાને સહેજ ચક્કર જેવું લાગ્યું, પણ ખાસ ધ્યાન આપ્યા વગર ઉમા કામે વળગી. બીજા દિવસે પણ એજ હાલત અને વધારામાં મોળ આવવા જેવું લાગ્યું. ઉબકા આવે પણ વિશેષ કાંઈ નહિ. ઉમાને લાગ્યું ફરાળ ખાવાને લીધે વાયુ પ્રકોપ થયો હશે. શાંતાબેન પણ બે દિવસથી જોઈ રહ્યા હતા કે ઉમા થાકી જતી લાગે છે.
દિવસના પણ એકાદ બે વાર જરા ચક્કર જેવું લાગ્યું એટલે ઉમા એ સુદેશને વાત કરી અને સુદેશ બધા કામ પડતાં મુકી ઉમાને ડોક્ટર પાસે લઈ ગયો. સુદેશને મનમાં ડર હતો કે ઉમાને કોઈ બિમારી તો નહોતી લાગુ પડી?
ડોક્ટર ઉમાને તપાસી બહાર આવ્યા, ચહેરો હસુ હસુ થતો હતો. સુદેશને ચિંતીત જોઈ ડોક્ટર બોલ્યા, ચિંતાની તો વાત છે જ. ઉમાને સારા દિવસો જાય છે પણ આટલી ઉમ્મરે ગર્ભાવસ્થા હોય તો ધ્યાન ખુબ રાખવું પડશે. ક્ષણભર તો સુદેશ ડોક્ટરનુ બોલવું સમજ્યો જ નહી, પણ બીજી જ ક્ષણે ડોક્ટરના હાથ પકડી ગળગળો થઈ ગયો.
ઘરે પહોંચતા વેંત શાંતાબાના ખોળામાં માથુ મુકી હીબકાંભેર રડી પડ્યો. આંખમાથી ચોધાર આંસુ સરતા હતા અને ચહેરો હસતો હતો. ઉમાનો ચહેરો શરમથી લાલ થઈ ગયો હતો. જ્યારે ખુશીના સમાચાર જાણ્યા કે તરત જ શાંતાબેને હુકમ બહાર પાડી દીધો ઘરના આપણા ચાર સિવાય અને ઉમાના માબાપ સિવાય કોઈને પણ આ સમાચાર જણાવવાના નથી. બહાર તો બધાને એમ જ જણાવવાનુ કે ઉમાને કમરનો દુખાવો છે અને ડોક્ટરે(complete bed rest) પુરે પુરો આરામ કરવાનો કહ્યો છે. સાતમે મહિને ડોક્ટરે કોઈ ખતરો નથી નો રિપોર્ટ આપ્યો ત્યારે ઘરમેળે ખોળો ભરી ઉમા સુખરૂપ બાળકને જન્મ આપે એ જ પ્રાર્થના કરી. નવ મહિના ઉમાની દેખભાળ સગી મા થી વિશેષ કરી.
આજે રામનવમી નો તહેવાર હતો. ઋતુ પણ બદલાવા માંડી હતી. ચારે તરફ વાસંતી વાયરા અને ફુલોની ખુશ્બુ હવામાં તાજગી ને તરવરાટ ફેલાવી રહી હતી.
ઉમા અને સુદેશના જીવનમાં પણ આજે અઢાર વર્ષે વસંત આવી હતી. રામના લવ કુશની જેમ ઉમાએ પણ બે તંદુરસ્ત જોડિયા દિકરાઓને જન્મ આપ્યો હતો.
(સત્ય ઘટના પર આધારિત)

ફૂટી એક કુંપળ, આવી વસંત,
ટહુકી એક કોયલ ને આવી વસંત.

રણકી ઝાંઝર નવોઢાની આવી વસંત,
છંટાયો ગુલાલ ભઈ આવી વસંત.

આંબે આવ્યાં મહોર, આવી વસંત
મહેકતી એ મંજરી, આવી વસંત

લહેરાતાં ઊભા મોલ, આવી વસંત,
મેળે મહાલતાં નર નારી આવી વસંત.

ગઈ ભુલાઈ એ પાનખરની ઉદાસી ને,
મહેકી ઉઠી ફુલવારી, ભાઈ આવી વસંત!

શૈલા મુન્શા. તા ૦૩/૨૯/૨૦૧૫

March 16th 2015

છુટાછેડા

સોનેરી વાંકડિયા વાળ, અને પચાસ વર્ષે પણ જાજરમાન લાગે એવી એલિઝાબેથ એના મિત્ર વર્તુળમા એલીના નામથી જાણીતી. ગોરી ગોરી અમેરિકન યુવતી. જો કે યુવતી તો ના જ કહેવાય પણ જ્યારે પણ માઈકલનો ફોન આવે તો જાણે સોળ વર્ષની ટીનએજ બાળકી પોતાના પ્રેમી સાથે વાત કરતી હોય એમ ચહેરા પર સુરખી છવાઈ જાય.

મારવીન એનો દિકરો. પચીસ વર્ષનો ગભરૂ જુવાન. મા ના સોનેરી વાળ એને પણ વારસામા મળ્યા.ખાસ્સો છ ફુટનો તંદુરસ્ત જુવાન. એલી રોજ એને પોતાની સાથે સ્કુલમા લઈ આવે અને એક ટેક્ષી એને ત્યાંથી બીજી ખાસ Autistic behavior childern ની સ્કુલમા લઈ જાય. બહારથી તંદુરસ્ત દેખાતો મારવીન માનસિક રીતે પાંચ વર્ષના બાળક જેવો. પહેલી નજરે કોઈ કલ્પી પણ ના શકે કે આવો સુંદર દેખાવડો યુવાન પુરૂં બોલી પણ શકતો નથી. ચહેરો હમેશ હસતો અને આંખો ખુબ બોલકી, પણ extremely Autistic. આ બાળકો હોશિયાર તો હોય પણ એમના દૈનિક કાર્યમા જો ફેરફાર થાય તો વિફરતા વાર ના લાગે.

વીસ વર્ષે કોલેજ પુરી કરી એલી ટ્રાવેલ એજન્સીમા નોકરી એ વળગી અને જોબ પર જ સ્મિથ સાથે ઓળખાણ થઈ બે વર્ષના સહવાસ બાદ બન્ને લગ્નબંધન મા બંધાયા. પ્રેમના પ્રતિક જેવો મારવીન જન્મ્યો અને બન્ને ની ખુશીનો પાર ના રહ્યો, પણ આ ખુશી ઝાઝું ના ટકી જ્યારે એમને ખબર પડી કે મારવીન કોઈ સામાન્ય બાળક નથી પણ એનામા માનસિક ખામી છે.

એલી એ મનોમન જ નક્કી કરી લીધું કે એ બીજા બાળકની મા નહિ બને અને મારવીન ના ઉછેરમા કોઈ કમી નહી આવવા દે. વર્ષો વિતતા ગયા અને સ્મિથ નો માલિકીપણાનો ભાવ વધતો ગયો. એવું નહોતું કે એ મારવીનને ચાહતો નહોતો પણ જાણે એલીની બીજા બાળક માટેની ના સામે વેર વાળતો હોય તેમ એલી પર વધુ ને વધુ હુકમ ચલાવતો થઈ ગયો. મારવીન ને સાંજે ફરવા કેમ ના લઈ ગઈ? મારવીન માટે આજે પાસ્તા કેમ ના બનાવ્યા? એવી નાની નાની વાતો નુ બતંગડ બનાવી ઝગડાનુ કારણ શોધતો રહ્યો.

બન્ને જણ જોબ કરતા હતા પણ એલી એકલી જ મારવીનની માનસિક પંગુતા માટે જવાબદાર હોય તેમ એલીને મદદરૂપ થવાને બદલે એના કામમા કાંઈને કાંઈ વાંધા વચકા કાઢવાની સ્મિથને આદત પડી ગઈ હતી. એલી ફક્ત ને ફક્ત મારવીન ને ખાતર જ આ ત્રાસ ભોગવતી રહી.ધીરે ધીરે એલીને લાગવા માંડ્યુ કે એને કોઈ એવો જોબ શોધવો જોઈએ જેમા એ વધુ સમય મારવીન સાથે રહી શકે. એલી એ ટીચર સર્ટીફીકેશન ની તૈયારી કરવા માંડી.

સંગીત એલી માટે એક શોખ અને મારવીનને ખુશ રાખવાનુ સાધન હતું. જ્યારે પણ મારવીન અપસેટ થાય એલી ગીટાર પર કોઈ ધુન છેડે અને મારવીન નો ઉપદ્રવ શાંત થઈ જાય. પચીસ વર્ષના વહાણા વીતી ગયા ને જ્યારે સહનશક્તિ ની હદ આવી ગઈ ત્યારે એલીએ ફેમીલી કોર્ટમા છુટાછેડા માટે અરજી કરી. સ્મિથનો ત્રાસ એ વધુ સહન કરવા માંગતી નહોતી. સરસ મઝાની સંગીત શિક્ષકની નોકરી સ્કુલમા મળી ગઈ હતી. મારવીન એની સાથે આવતો અને એની સાથે જ પાછો જતો.

કોર્ટે છુટાછેડા મંજુર કર્યા પણ અઠવાડિયામા અમુક કલાક મારવીન પિતા સાથે રહે એવી શરત કરી.મારવીન પોતાની પાસે હોય ત્યારે સ્મિથ એને મોડો સુવા દે, જાણી જોઈને એલી ને લેવા બોલાવે અને પોતે મારવીનને લઈ બહાર જતો રહે. છુટાછેડા થયા બાદ પણ એલીને પજવવામા કોઈ કસરના છોડે. જ્યારે મારવીન એલી પાસે હોય તો ફોન કરી હેરાન કરવાનુ છોડે નહી. મારવીન કેટલા વાગે સુતો? આજે મારવીન ને મોડો લઈને આવી એટલે મને બે કલાક ઓછા મળ્યા, મારવીનને કોક કેમ પીવડાવી? મારવીનને જીન્સ કેમ પહેરાવ્યું? એની દાઢી કરી નથી? જાણે એલી મારવીન પર કેટલોય અત્યાચાર કરી નાખતી હોય!

અત્યાચારનો કાયમી અંત આવી ગયો.

એલીને એનો હમદર્દ માઈકલ મળી ગયો. એ પુરી સ્વતંત્ર બની ગઈ. કોર્ટે મારવીનની પુરી કસ્ટડી એલીને સોંપી દીધી.

શૈલા મુન્શા તા. ૦૩/૧૬/૨૦૧૫

March 1st 2015

બિંબ પ્રતિબિંબ

ઉમાનો પાંચમો જન્મદિવસ. ખૂબ બોલકી એ લાડકી પૌત્રી ના સવાલોનો મારો કદી ખુટે નહિ. અજબની એની દુનિયા, અમારી એ ઢીંગલીનો સંસાર એની ઢીંગલીની આસપાસ જ ઘૂમે. ફોન કરીએ તો કહેશે “નાની હમણા હું બહુ બીઝી છું ઢીગલીને નવડાવું છું પછી મારે વોલમાર્ટમાં એના માટે શોપીંગ કરવા જવાનુ છે પછી વાત કરીશ. તો કોઈવાર સામેથી ફોન કરી એટલી વાત કરે, વચ્ચે અચાનક નાનાને આપ, નાના સાથે વાત કરતાં હવે નાનીને આપો કરતાં અમને થકવી દે.” મારે કહેવું પડે “ઉમા હવે હું મારી દીકરી સાથે વાત કરું? તો કહેશે એ મારી મમ્મી છે.” અમારી એ રોજની મીઠી તકરાર. “તારી મમ્મી એ મારી દીકરી છે, અને એનો લહેકો જાણે નજર સામે એનો ચહેરો તાદૃશ્ય કરી દે. ઓહો! મારી મમ્મી તમારી દીકરી છે જેમ મારા પપ્પા મારી દાદીના દીકરા છે.”

હજી કાલે તો ઉમાના જન્મદિવસ ઉજવણી, અને રાતે ને રાતે મહેશે દીકરીના ઢગલાબંધ ફોટા અને વિડીયો Whatsapp પર મોકલી આપ્યા. ટેક્નોલોજીની કમાલે દુનિયાને આપણી મુઠ્ઠીમાં કરી દીધી છે. ઉમા એની મમ્મીની જ પ્રતિકૃતિ છે. બિંબ ને પ્રતિબિંબ.

ફોટા જોતાં જોતાં મને મારી એ નાનકડી ગહેના યાદ આવી ગઈ. એની પાંચમી વર્ષગાંઠ પણ આમ જ ધામધૂમથી ઉજવી હતી. આજે ગહેના પોતે એક મમ્મી છે અને પાંચ વર્ષની એની દીકરી છે.
ગહેના સાચે જ અમારા ઘરનુ ઘરેણુ હતી. માતાપિતાને મન સહુ બાળકો સરખા જ વહાલા હોય એમાં કોઈ શક નથી. કહે છે ને કે પાંચ આંગળી ભલેને લાંબી ટૂંકી હોય, જેના પર પણ કાપો પડે, વેદના અને લોહી તો સરખું જ વહેવાનુ.
તો ય પહેલી વાર માતા બનવાનો એ અહેસાસ કાંઈ જુદા જ સ્પંન્દનો દિલમાં જગવે છે. પોતાના જ દેહમાં પાંગરતુ એક નવુ જીવન, નવ મહિના રોજ નવો અહેસાસ, રોજ નવી લાગણી. કદી ડર તો કદી રોમાંચ.
અને એ ક્ષણ! એક નવજીવન ધબકતું તમારા હાથમાં. એ ક્ષણ તમામ વેદના, દર્દ સહુ ભુલાવી માતૃત્વ નો અમરત કુંભ તમારા હાથમાં ધરી દે. એટલે જ તો કહ્યું છે કે માતાની મમતાની તોલે તો ભગવાન પણ ના આવે.
ગહેના ઘરની પહેલી દીકરી. માતાપિતાની તો લાડકી જ પણ દાદા દાદીને કાકા, ફોઈ સહુની આંખનો તારો. હસતી રમતી નાનકડા પગલે આખા ઘરમાં ફરી વળતી. દાદા ઓફિસથી આવે એટલે સહુથી પહેલા હાથ લાંબો કરી સવાલ, “શું લાવ્યા દાદા?” અને દાદનો પણ એક જ જવાબ. “મારી ઢીંગલી માટે ચીકુ કે દ્રાક્ષ કે કેળું જે ઋતુ એ પ્રમાણે ફળ” નાનપણથી જ દાદીની શીખામણ કે ગહેનાની માવજત બરાબર થવી જોઈએ. કોઈ ખોટી ટેવ નહિ પાડવાની. બહારના મહેમાન મળવા આવે અને ચોકલેટ લાવે તો ય સમજાવટથી કામ લે. મહેમાનને પણ સમજાવે કે બાળકોને નાનપણથી સારી ટેવ પાડીએ તો એમની તંદુરસ્તી સારી રહે. બાળકને તો સમજ નથી આપણે જે ખાવાની ટેવ પાડીએ એ પડે.

રાતે જમવા બધાએ સાથે જ બેસવાનુ અને ભાણામાં જે પીરસાય તે બધાએ ખાવાનુ. આમ નાનપણથી જ ગહેનાને બધા શાકભાજી કઠોળ વગેરે ભાવતા થઈ ગયા. દશ વર્ષની ગહેનાને લઈ જ્યારે અમદાવાદ લગનમાં ગઈ તો બીજા બાળકોના નખરા જોઈ મને મારા સાસુની કેળવણી પર ખૂબ જ ગર્વ થયો. સંયુક્ત કુટુંબમાં ઉછરી હોવા છતાં ગહેનાને કોઈ ખોટા લાડ ન લડાવતું અને જે સંસ્કાર એનામાં હતા એ મારા માટે ગૌરવ ની વાત હતી. લગ્નમાં આવેલી બીજી મમ્મીઓની કાયમની ફરિયાદ સાંભળી “મારા મનુને તો મોળા શાક જ જોઈએ , તીખું તો એ જરાપણ ખાઈ ના શકે, દીપક તો ખાલી બટાકાનુ શાક જ ખાય, મેઘા ને તો અઠવાડિયામાં બે વાર મેક્ડોનાલ્ડના પીઝા ખાવા લઈ જવી જ પડે” આ બધું સાંભળી ને વિચાર આવ્યો ભૂલ કોની?

આ બધા બાળકો પણ ગહેનાની ઉંમરના જ હતા છતાં આજે મમ્મીઓને ફરિયાદ કરવી પડતી પણ એ વિચાર નહોતા કરી શકતા કે આનુ કારણ શું? શું પોતાની જ ભૂલ નહોતી? નાનપણથી જ એક નિયમ બનાવ્યો હોત તો કદાચ આજે આ વારો ન આવત.

નાનકડી એ ગહેના ક્યારે મોટી થઈ ગઈ એ ખબરે ના પડી અને જોત જોતામાં તો એના લગ્ન ના વિચાર મનને ઘેરી વળ્યા. સાસુ સસરાનો સાથ પુરો થયો અને ગહેનાનુ નસીબ એને ક્યાં લઈ જશે નો એક છાનો ડર મનને ખોતરી રહ્યો. ગહેનાની મરજી જાણવાનો પ્રયાસ કર્યો, કોઈ યુવક એના ધ્યાનમાં હોય, કોઈને એ ચાહતી હોય પણ એવું કાંઈ નહોતું એટલે કોઈ સારો પરિવાર, કોઈ સુપાત્ર મળે એની શોધ શરૂ થઈ.

અમે અમેરિકામાં પણ કેનેડાથી એક સારા છોકરાની વાત આવી. બન્ને પરિવાર રૂબરૂ મળ્યા. ગહેના અને મહેશ થોડો સમય ઇન્ટરનેટ થી ચેટ કરતા રહ્યા અને બન્નેની સંમતિથી આ પરિચય લગ્નના બંધનમા બંધાયો.

ઉમાના ફોટા જોતા ગહેનાની યાદ આવી અને એનુ આલ્બમ લઈ બેઠી. એના જન્મથી માંડી અત્યાર સુધીના ફોટા. પહેલા બાળકના જેટલા ફોટા હોય કદાચ બીજાના એટલા નથી હોતા. ગહેનાના દરેક મહિનાના એ બેસતા શીખી, પહેલું ડગલું ભર્યું, પહેલી વર્ષગાંઠ કંઈ કેટલાય અગણિત ફોટા. ફોટાની વણઝાર એના લગ્નના ફોટાના આલ્બમ પર આવી અટકી.

મારી નજર હાથમાં લગ્નનુ શ્રીફળ લઈ નવવધુના પાનેતરમાં ઘરના ઉંબરે ઊભેલી ગહેનાની તસવીર પર અટકી. આંખોમાં નવજીવનનો ઉમંગ અને માતા પિતાનો હાથ છોડી નવા પરિવારમાં સમાવાનો એક છાનો ડર, બન્ને ભાવ એક સાથે એના ચહેરા પર સ્થિર થઈ ગયા હતા.

દશ વર્ષ થઈ ગયા ગહેનાના લગ્નને પણ હજી જાણે હમણાં જ એને વિદાય કરી અને આજે એ પણ એક દીકરીની મા બની ગઈ. આજે એના સાસુના મોઢે જ્યારે સાંભળું છું કે તમારી ગહેના તો અમારા ઘરનુ અમોલુ ઘરેણુ છે ત્યારે બસ છાતી ગજ ગજ ફુલે છે અને એજ આશીર્વાદ હૈયેથી ઝરે છે કે દીકરી આમ જ તારા સંસારને ઉજાળતી રહેજે અને ઉમાને તારૂં પ્રતિબિંબ બનાવજે.

અસ્તુ.

શૈલા મુન્શા

February 5th 2015

રૂપાના લગન

માધવ ગામ નો પગી, ભલભલા ચોરના પગલાં પારખે પણ આજે એના હૈયા માથી ઊંડા નિહાહા નેકરી રહ્યાં. રાત વરતની રૂપલી ની બેબાકળી ચીસો એના કાળજા પર જાણે કરવત ફેરવતી હોય એવુ લાગતું. મંગુ સામે તો એ ભડની જેમ હિંમત દાખવતો પણ રૂપલી ની ચીહ ભેગી એની છાતી ચિરાઈ જાતી. રહી રહીને એને પોતાની જાત પર ગુસ્સો આવતો. અભેસંગની બેહુદી માંગણી તો એને અડબોથ મારી જડમુળથી ઉખેડી નાખી હતી પણ દેવલા એ જ્યારે પહેલી વાર રૂપલી ની સોનલવરણી કાયા પર હાથ નાખ્યો, ત્યારે કેમ એ મંગુની વાત માની ટાઢો પડી ગયો? ત્યારે જ જો ભરબજારે દેવલાને પણ બે અડબોથ ફટકારી હોત તો કદાચ આજે આ દિ’ દેખવા વારો ન આવત.
જમીનદાર અને હવે તો પાછા રાજકારણમા સંકળાયેલા અભેસંગના આજકાલ વળતા દિ ચાલે છે એમા દેવલા નુ છિનાળુ એને સમુળગો ભોંયભેગો કરી દેત. અત્યારે માધવ પોતાને ગુનેગાર માની દિકરી થી નજર મિલાવી શકતો નહોતો. દિકરી પર હેવાનિયત વરસાવનાર નરાધમોને મોતને ઘાટ ઉતાર્યા સિવાય એના દિલમા ટાઢક થાવાની નહોતી. એ તો માંગીની કંઈ કેટલીય કાકલુદીએ એ ટાઢો પડ્યો હતો. વાત તો મંગુની સાચી હતી.
મંગુ જાણતી કે માધવ જેટલો પ્રેમાળ હતો એનાથી ય વધુ તીખા સ્વભાવનો હતો અને એમા પણ જો એની ફુલ જેવી દિકરી ની આબરૂની વાત હોય તો એને ઝાલી રાખવો કે સામાનુ માથુ ધડ પરથી ઉતારી લેતા રોકવો એ લોઢાના ચણા ચાવવા જેવી વાત હતી.
મંગુ ને દિ’રાત બસ એકજ ચિંતા હતી કે આ ભયંકર આઘાતમા થી રૂપાને બહાર કેમ કાઢવી ને લોકો મા વાત ચુંથાય એ પહેલા કોઈ ભલું ઘર ને વર જોઈ રૂપા ના હાથ પીળા કરી દેવા.
માધવને પણ એજ વાત સમજાવતી.
“માથુ વાઢતા તો વઢાઈ જાય પણ સાથે કારણ પણ લોકોની જાણમા આવી જાય. દિકરીને નરાધમો એ ચુંથી નાખી એ વાત લોકજીભે ચડે એમા સહન તો રૂપલીને જ કરવાનુ ને” બસ એ વિચારે માધવના હાથ હેઠા પડતાં.
માંગી દિવસ રાત રૂપાના પડછાયાની જેમ એની વાંહે રે’તી. ઘડીભર છોડીને એકલી ના મેલતી.
રૂપલીની વખ ઘોળવાની વાત એના હૈયામા તીક્ષ્ણ ભાલાની જેમ હરદમ ભોંકાતી રે’તી. રખેને મારી નજર ખહે ને છોડી ના કરવાનુ કરી બેહે. કાળ ચોઘડિયે છોડી કાંઈ કરી બેહે તો જે વાત ગામ આખા થી છુપાવી છે તે જગ જાહેર થાતાં કાંઈ વાર ના લાગે.
જે દાકતરણી એ રૂપાને જનમ આપ્યો હતો એને જ્યારે રૂપાને તપાસી તો એના હૈયામા થી પણ અરેરાટી નીકળી ગઈ. એ નરાધમો હેવાનિયતની હદ ઓળંગી ચૂક્યા હતા. આમ પણ રૂપા એને જનમથી વહાલી હતી. પોતાની દિકરી પર જ જાણે અત્યાચાર થયો હોય એમ એનુ હૈયું દ્રવી ગયું.
મંગુને એણે હૈયાધારણ આપીકે બસ હાલ તો તમે રૂપાની સંભાળ લ્યો. એના મનમાથી ડર અને ભય દુર કરવા પર જ ધ્યાન આપો. જે કાંઈ બની ગયું એમા એનો કોઈ દોષ નથી. એ પોતાને ગુનેગાર માને છે એ ભાવ એના દિલ મા થી દુર કરવામા એની મદદ કરો.
ઘરે આવી મંગુએ માધવને સાબદો કર્યો. હૌથી પેહેલું કામ તમે આસપાસ ના ગામમા રૂપલી માટે કોઈ મુરતિયાની તપાસ કરવાનુ કરો. વાત ચેહરાઈ જાય પહેલા રૂપલી ના લગન થઈ જાવા જોઈએ. હમણા તમારું પગીપણુ નેવે મેલો. માધવ પણ મંગુની વાત માની મુરતિયા ની શોધમા નીકળી પડ્યો.
જીવતા શબ જેવી ઘરના ખુણે પડેલી રૂપલી ને મંગુ સમય મળે કેટલુંય હમજાવતી. “દિકરા હિંમત રાખ્ય. તું તો અમારે મન અમારી મોંઘેરી મિરાત છો. તારૂં મન હાવ સોના જેવું છે, એને કાંઈ ડાઘ નથી લાગ્યો. એક ખરાબ શમણુ ગણી એને ભુલી જા, તારા બાપુ તારા હાટુ મુરતિયો હોધવા પાસેના ગામ ગયા છે અને મા અંબાની કૃપા હશે તો તારૂં લગન ઝટ નક્કી થઈ જાહે.
રૂપા ચુપચાપ માની વાત સાંભળતી રહેતી. એની આંખ્યું કોરીધાકોર દેખાતી. આંસુ પણ જાણે ખુટી પડ્યા હતા. જીભ પર જાણે સવા મણનુ તાળું લાગી ગયું હતું.
રાનીપુર સાવ નાનકડું ગામ. શહેરોની કહેવાતી પ્રગતિ થી સાવ અણજાણ. દુનિયા ભલે ૨૧મી સદીમા પહોંચી ગઈ ને મોટા મોટા શહેરોમા પરણ્યા વગર છોકરાં છોકરી સાથે રહે એને કોઈ લાંછન નહિ આધુનિક ભાષામા તો એને “Live-in relationship” કહેવાય. ગામડાના લોકને એની કોઈ ગતાગમ નહિ શહેરની જેમ ત્યાં કોઈ N G O, Social worker કે મનોચિકિત્સક ની સગવડ નહિ, કે જે રૂપા જેવી ગભરૂં પંખિણી ને બાજની જેમ પીંખી નાખનાર હેવાનો ના અત્યાચાર સામે લડવા, પોતાનુ આત્મ સન્માન જાગૃત કરવામા મદદ કરે. અહીં તો ગામડાંના અબૂધ લોકો જેમ તેમ પોતાની આબરૂ કેમ સચવાય એની પળોજણ મા જ હમેશ હોય. તેમા ગામના ઉતાર જેવા લોકો ગામના સરપંચ કે ચોવટિયા લોકોને ગામની વહુ દિકરીઓ ની છેડતી, ગંદા ઈશારા કે જાતજાતના બિભસ્ત ચાળા કરવામા કોક અનોખા રસનુ પાન થાતું હોય એવું લાગે.
આ બધાની શરીરને છિન્ન ભિન્ન કરી નાખે એવી તીક્ષ્ણ કાતિલ નજરોથી રૂપલીને બચાવવા નો એક જ ઉપાય માંગી ને માધવને સુઝતો હતો. રૂપલીના લગન. ક્યાં સુધી ગામ લોકો ને રૂપલી ની હાલતથી બેખબર રાખવા? કાશી તો મેળા ના બીજા જ દિવસે મળવા આવી હતી પણ માંગીએ રૂપલી થાકી ને સુઈ ગઈ છે એવું કાંક બહાનુ કાઢી કાશીને રવાના કરી, પણ એવા બહાના ક્યાં સુધી ટકે?
માધવ આજે પણ રોટલાનુ શિરામણ કરી ને સાથે બે રોટલાને ડુંગળી ને લીલાં મરચાં કાપડામા વિંટાળી રસ્તે પડ્યો.એના ધ્યાનમા આવ્યું કે બાજુના ગામનો શંકર હમણા થોડા વખત પહેલા જ વિધુર થયો છે.
શંકરની ખેતીવાડી સારી હતી માણસ પણ સ્વભાવે સુંવાળો હતો. એ ભલો અને એનુ કામ ભલું.એની બૈરી પાર્વતી પણ ભલી બાઈ હતી. બેઉ માણા અડધી રાતે પણ બીજાની તકલીફ મા ખડે પગે ઊભા રહેતા. શંકરે ચીકુની વાડી કરી હતી ને મીઠાં મધુરા ચીકુ ઉતરતા ને છેક મુંબૈ સુધી વેચાવા જાતા. વેપારી સહુ પહેલા એની વાડીએ પુગતા અને આગોતરા પૈહા આપી ચીકુની પેટીઓ નોંધાવી જાતા. શંકર પણ ઈમાનદારી થી કામ કરતો. વેપારીઓ ને ક્યારેય ફરિયાદ નો મોકો ના આપતો.
પારવતી ધણીને ખેતીના કામમા પુરી મદદ કરતી. ચીકુની વાડીમા ઝાડ પરથી ઉતરેલા ચીકુ પેટીમા ભરી વેપારી માટે તૈયાર રાખવા, એ બધા કામ મા શંકરની હારોહાર રે’તી. પારવતીને એક દિકરો જનમ્યો પછી ફરી સારા દા’ડા ના રહ્યા. એક જ દિકરો એટલે આંખ ના રતન જેવો. માબાપે લાડ કરવામા કોઈ કમી નહોતી રાખી. ગામમા શંકરનુ ખોરડું ખાધે પીધે સુખી ગણાતુ અને તેમાય એકનો એક દિકરો એટલે સૂરજ તો પાણી માંગતા દુધ મળે એવા લાડમા મોટો થયો હતો. કોઈ ટોકવા વાળું નહિ એટલે નાનપણથી સૂરજના તોફાને માઝા મુકી હતી. પારવતી ઘણીવાર શંકરને કહેતી “દિકરા પર જરા કડપ રાખો, અત્યારથી રોકશો નહિ તો મોટો થાતાં ઝાલ્યો નહિ ઝલાય” શંકર દર વખતે “તુ ચિંત્યા ના કર, કામ માથે પડશે એટલે હૌ હારા વાના થઈ જાહે” કહી વાત ટાળતો.
જુવાનીમા પગ મુકતા સૂરજના અપલખણ દેખાવા માંડ્યા. ભણતર કોઈ દિ કોઠે ચઢ્યું નહિ ને મનમા ખુમાર કે બાપાની વાડી ને મિલકત મારે ભાગે જ આવવાના છે તો મારે ચોપડા ફાડી હું કરવું શેં? તેમા બે વરહ પહેલા બાજુના ગામનો દેવલો અને એના મામાનો દિકરો જશલો મેળામા ભેળા થયા અને ભઈબંધી થઈ ત્યાર થી તો સૂરજ જમીન થી જાણે બે વેંત ઊંચો ચાલતો. સૂરજ નામ પણ જાણે એને જુનુ લાગતું. દેખાવડો તો હતો જ એટલે દેવલો એને સૂરજ ને બદલે સની કહી બોલાવતો અને સૂરજ ને પણ એ નામ ગમી ગયું હતું. પોતે જાણે સાચે જ “સની દેઉલ” હોય એવો વટ મારી ગામમા ફરતો.
શંકર કે પારવતી કોઈનુ ય હવે સાંભળે એ બીજા.શંકરને હવે પોતાની ભુલ સમજાતી પણ હવે નેવના પાણી મોભે ચઢી ગયા હતા.
દર સાલની જેમ જેઠ મહિનો આવતા તો ચોમાસાની શરુઆત થઈ ગઈ પણ આ વરસ કાંઇ મેહુલો હદ બહાર વરસી રહ્યો હતો. અષાઢ આવતા આવતા તો જાણે બારે મેઘ ખાંગા થયા હોય તેમ ત્રણ દહાડા થી ઝીંકાતો વરસાદ થંભવાનુ નામ નો’તો લેતો.
ખેતરે જવા નીકળેલો શંકર હારે બે રોટલા લઈને જ નીકળ્યો હતો. પારવતીને શિરામણ લઈને આવવાની ના જ પાડી હતી. આટલા ધોધમાર વરસાદમા પલળી, પારવતી માંદી પડે તો ઘર આખું ભેળાઈ જાય. બે ગાય અને બે ભેંશ ની માવજત ઉપરથી રોટલા ઘડવાથી માંડી ઘરના બધા કામ પારવતી સંભાળી લેતી.શંકરને ઘડી પણ પારવતી વગર ના ચાલતું.
શંકર હજુ તો ખેતરે પહોંચ્યો ને પાછળ હડી કાઢતો સોમો “શંકરભાઈ, શંકરભાઈ ઝટ ઘેરે હાલો, પારવતી ભાભીને એરૂ આભડ્યો છે” કરતોક ને ધસી આવ્યો.
શંકર ખેતરે જવા નીકળ્યો એટલે પારવતી ગમાણમા ગાયને નીરણ આપવા ગઈ.ભીંજાયેલા ઘાસના પુળા ઉપાડતા જાણે હાથ પર વીંછી એ ડાંખ માર્યો હોય એવી બળતરા થઈ ને લીલો કચ સાપ સરી જાતો જોયો. મોઢામા થી રાડ ફાટી ગઈ. “કોઈ સૂરજના બાપુને હાદ દ્યો, મુને એરૂ આભડ્યો છે”
નસીબે બાજુના ખોરડાનો સોમો હજી ઘરમા જ હતો, એ ને એની બૈરી સાવિત્રી
બેઉ માણા દોડી આવ્યા. સોમો હડી કાઢીને શંકરને બોલાવવા ધોડ્યો.
શંકર ઘરે આવે તે પહેલા તો ઝેર આખા શરીરમા ફેલાઈ ગયું ને પળભરમા શંકરની દુનિયા ઉજડી ગઈ.ઘરમા બાપ દિકરો જાણે સાવ અનાથ બની ગયા. ઘરને વાડી બન્ને સંભાળવા શંકર માટે દોહ્યલાં બની ગયા.
પારવતી ના મોતના સમાચાર જાણી શંકરના ફઈ જે બાળવિધવા હતા તે શંકરને દિલાસો આપવા અને ધણિયાણી વિનાનુ ઘર સાચવવા શંકર પાસે આવી રહ્યાં.
મહિનો વિત્યો ને ફઈ શંકરને સમજાવતા બોલ્યા,”પારવતી ગયાનુ દુઃખ મને પણ છે, પણ આ ઘર, તને, ને સૂરજને કોણ હાચવશે? હું તો ખર્યું પાન. કેટલા દા’ડા જીવીશ? સૂરજ તો હજી વીસીએ ય નથી પોંક્યો, ને તારે માથે ય આખી જીંદગી પડી છે માટે મારૂં માન અને કોઈ સારી છોડી જોઈ ફરી પૈણી જા”
માધવને શંકરની બૈરી ગુજરી જવાના સમાચાર મળ્યા અને ગામમા શંકરની આબરૂ એક ભલા માણહની છે એની ખબર પડતા જ એ શંકરના ઘરે ઉપડ્યો. શંકર ભલે બીજવર હતો પણ એટલો મોટો પણ નહોતો. રૂપાથી ઉમરમા અઢારેક વરસ મોટો હશે પણ ખોરડું ખાધે પીધે સુખી. વળી માધવ ને કોણ જાણે કેમ પણ ઊંડે ઊંડે એવો ભરોસો હતો કે રૂપાની આવી પરિસ્થિતીમા થૉડો ઠરેલ માણસ કદાચ એની યાતના સમજી શકશે.
શંકરને ઘરમા એક સ્ત્રીની જરૂર હતી, દહેજની નહી ને વાત નક્કી થઈ ગઈ.
દેવ ઊઠી અગિયારશના લગન લેવાયા.રૂપાને મન મા બાપુ જે કરે તે એના ભલા માટે જ.રૂપલી માટે જીવન જ જાણે અટકી ગયું હતુ. જ્યાં માબાપુ કહે ત્યાં પરણવા એ તૈયાર હતી. મંગુ એ વાત જરાય બહાર પડવા ના દીધી. ઘર મેળે તૈયારી કરી લીધી.આ રીતે છોડી પૈણાવી પડશે એવી તો બિચારી ને શમણા મા ય કલ્પના નહોતી. બસ મનમા એક જ ફડક રહેતી કે બધું હેમખેમ પાર પડી જાય.
ગામ લોક કાંઈ જાણે સમજે તે પહેલા તો અગિયારશે માધવને આંગણે ઢોલ વાગવા માંડ્યા ને નાનો સરીખો મંડપ ભાઈઓ એ ભેળા મળી ઊભો કરી દીધો.
ગોરજ ટાણે જાન આંગણે આવીને ઊભી. વરને જોઈ ગામમા ચણભણ શરૂ થઇ ગઈ. અરે! આ તો બાજુના ગામનો શંકર છે. એની તો બૈરી બે મહિના પહેલા જ મરી ગઈ અને માધવને પણ ગામમા કોઈ ના મળ્યું તે બીજવરને પોતાની રૂપ રૂપના અંબાર સમી દિકરી સોંપી રહ્યો છે? કોઈ તો વળિ નિંરાત નો શ્વાસ લઈ બોલ્યું જે થયું તે સારૂં જ થયું. “મુવા આ રૂપલીનુ રૂપ જોઈ ગામના ગૈઢાં પણ લાળ ટપકાવતાં હતા, ને જુવાનિયા પોતાના કામધામ ભુલી સાકર પર કીડી ઉભરાય તેમ રૂપલી ના ઘરની આસપાસ ઉભરાતા રહેતા. નખ્ખોદિયાઓ ને કાંઈ કામ જ નહોતું સુઝતું”
ગામલોક વાત કરતાં રહ્યાને રૂપાનુ કન્યાદાન થઈ ગયું. એક ઉગતી કળી ખીલે તે પહેલા જ કરમાઈ ગઈ.જીવતરના કેટલાય ઓરતા અંતરમા જ ગોપાવી રૂપા ને લઈ શંકરની જાન વિદાય થઈ.

મંગુ, માધવ ને રૂપાના ભાઈઓ આંસુ નીતરતી આંખે રૂપા ને નજરો થી દુર જતી જોઈ રહ્યા ને આબરૂભેર દિકરીને વિદાય કર્યાનો શ્વાસ લઈ રહ્યાં

February 1st 2015

હાશકારો

કેલિફોર્નિઆની વાર્તા સ્પર્ધા બેઠક જે શ્રીમતી પ્રજ્ઞાબેન દાદભાવાળા ના “શબ્દોનુ સર્જન” દ્વારા આયોજિત કરવામા આવી હતી, એમાં આ વાર્તા બીજા નંબરના ઈનામની હકદાર બની છે.

હાશકારો

સ્વાતિ હાથમાં ચા નો કપ લઈ સવારનો કુમળો તડકો માણી રહી હતી. ચારે કોર શાંતિ હતી, સ્વચ્છ તડકો વાતાવરણને વધુ હુંફાળુ બનાવી રહ્યો હતો. શિયાળો હમણાં જ પત્યો અને વાસંતી વાયરો શરૂ થવાનો આ સમય સવારના એક ખુશનુમા વાતાવરણ સર્જી જતું. હવામાં એક તાજગીનો અનુભવ થઈ રહ્યો હતો. સ્વાતિ એ તાજગી ને પોતાના શ્વાસોમાં ભરી રહી.

રવિવારની સવાર એટલે લોકો હજી ગોદડામાં થી બહાર નીકળ્યા નહોતા. સોસાયટીમાં ખાસ કોઈ ચહલ પહલ નહોતી.

આમ પણ અમદાવાદની જીંદગી આસાયેશ વાળી. હોતા હૈ ચલતા હૈ. લોકોને કોઈ કામની ઉતાવળ નહિ. રોજીંદા જીવનમાં પણ મોટાભાગે વેપારી બપોરે ઘરે જમવા આવે અને બપોરિયું કરી ચાર વાગે પાછા દુકાને જાય. એવામાં આ જતી ઠંડી ની સવારે કોઈ વહેલુ શા માટે ઊઠે?

હજી ગયા રવિવારે તો સ્વાતિ લંડન હતી. છ મહિના દિકરા વહુ અને પૌત્રી સાથે ભરપુર મજા કરી ત્રણ દિવસ પહેલા જ ભારત પાછી ફરી હતી. અમદાવાદ એરપોર્ટ પર ભાઈ લેવા આવ્યો હતો અને સીધો પોતાના ઘરે જ લઈ ગયો. છ મહિનાથી ઘર બંધ હતું, જો કે અવાર નવાર પંકજ જઈને સાફ સફાઈ કરાવતો. સ્વાતિની વર્ષો જુની બાઈને બોલાવી કામ પતાવતો. લક્ષ્મીબાઈ ઘરના સદસ્ય જેવી જ હતી. ઘરની એક ચાવી પણ એની પાસે રહેતી. સ્વાતિના આવતાં પહેલા પણ પંકજ આગલે દિવસે જઈ ઘર ખોલાવી સફાઈ કરાવી અને રેફ્રીજરેટર શરૂ કરી આવ્યો. જરૂરી સામાન દુધ, થોડા શાકભાજી વગેરે જરૂરિયાતની વસ્તુ પણ ભરી દીધી. સ્વાતિ તો એરપોર્ટથી સીધી જ ઘરે જવા માંગતી હતી પણ પંકજ જીદ કરીને પોતાના ઘરે લઈ આવ્યો.

“બેના બે દિવસ તો આરામ કર, જરા થાક ઉતાર પછી ઘર તો છે જ ને.” ભાઈની જીદ સામે સ્વાતિનુ કાંઈ ચાલ્યું નહિ. બે દિવસ રહી ગઈકાલે રાત્રે જ સ્વાતિ પોતાના ઘરે આવી. પોતાનુ ઘર અને પોતાની પથારી મળતા સ્વાતિ નિરાંતે ઊંઘી.

અત્યારે ચાની ચુસ્કી લેતા સ્વાતિની નજર અમિતના ફોટા પર પડી. કેવા સપના અને કેવા અરમાન લઈ પોતે આ ઘરમાં આવી હતી. જીંદગી એ પણ કેવા અવનવા ખેલ દેખાડ્યા. સ્વાતિ ભૂતકાળની દુનિયામાં સરી પડી.

વીસ વર્ષની ઉમર. હજી તો હમણા જ B.A. ની ડીગ્રી મળી અને મમ્મી પપ્પા છોકરો શોધવા માંડ્યા. સ્વાતિ પછી બે ભાઈ બહેન એટલે સ્વાભાવિક જ મા બાપને દિકરી પરણાવવાની ઉતાવળ.

કોલેજના બીજા વર્ષે જ સ્વાતિ અમિતને મળી હતી. અમિત એનાથી એક વર્ષ આગળ અને કોમર્સ વિભાગમાં અમિત ખુબ જ દેખાવડો. રાજેશ ખન્નાને મળતો એનો ચહેરો. આખી કોલેજની છોકરીઓ એની સાથે વાત કરવા તલપાપડ, પણ અમિત ખુબ શરમાળ. કોઈની સામે આંખ ઉઠાવીને પણ ના જુએ. એ ભલો અને એનુ ભણવાનુ. ક્યારેય કોઈ ક્લાસ બંક ના કરે. બીજા છોકરાઓની જેમ કોલેજની બહાર ટોળટપ્પાં કરતો તો ક્યારેય દેખાય નહિ.

બીજી છોકરીઓની જેમ સ્વાતિને પણ અમિત ખુબ ગમતો પણ એની સાથે વાત કેમ કરવી એ મોટો સવાલ હતો. અચાનક જાણે કુદરતે જ એનો રસ્તો કરી આપ્યો. અમિતની નાની બેન અને સ્વાતિની નાની બેન સ્કુલમાં એક જ ક્લાસમાં, બન્ને એસ.એસ.સીમાં સાથે ભણે. મીતા સ્વાતીની બહેન સાથે વાંચવા એના ઘરે આવી અને રાતે મોડુ થયું એટલે અમિત પોતાની બેનને લેવા સ્વાતિના ઘરે આવ્યો.

ઘરનો ડોરબેલ વાગ્યો અને સ્વાતિએ બારણુ ખોલ્યું. ક્ષણભર તો એ આંખ ચોળતી રહી ગઈ. પોતે જાગે છે કે સપનામાં એ જાણવા પોતાના હાથ પર જાતે જ ચુંટી ખણી બેઠી. અમિતના અવાજે ચોંકી ગઈ.

“મીતા છે? હું એનો ભાઈ છું, એને લેવા આવ્યો છું.” સ્વાતિના ગળામાં થી માંડ અવાજ નીકળ્યો. “અંદર આવો ને, બસ મીતા નાસ્તો કરી રહી છે, હું બોલાવી લાવું. તમે બેસો પ્લીઝ.”

આ એમની પહેલી મુલાકાત. પછી તો કોલેજમાં આમને સામને થાય ત્યારે સ્મિતની આપ લે થાય. શરમાળ અમિત સ્વાતિમાં શું જોઈ ગયો તે રામ જાણે, પણ સ્વાતિની હાજરી એને ગમવા માંડી.

પરિચયમાં થી પ્રેમ ક્યારે પાંગર્યો એની બન્નેમાં થી કોઈને સુધ રહી નહિ. મીતા અને રીમાના માધ્યમથી ચીઠ્ઠીની અદલા બદલી શરૂ થઈ, કોલેજમાં ક્યારે ગુટલી મારી શુક્રવારે મેટિની શો માં પિક્ચર જોવાના શરૂ થયા એનો હિસાબ ના રહ્યો.

અમિત B.COM. થઈ બેંકમા નોકરીએ લાગ્યો, અને બીજા વર્ષે સ્વાતિની કોલેજ પણ પુરી થઈ. છોકરા જોવાની વાત આવી એટલે સ્વાતિ મુંઝાણી. અત્યાર સુધી તો ઘરના થી અમિતની વાત છુપાવી હતી. ફક્ત રીમા ને પોતે એ સિવાય કોઈને આ પ્રેમ પ્રકરણની જાણ નહોતી, પણ હવે વધુ વખત વાત છુપાવાય એમ નહોતી. સ્વાતિ કોઈપણ રીતે અમિતને ગુમાવવા નહોતી માંગતી.

છેવટે હિંમત કરી એણે પોતાની મમ્મીને વાત કરી. અમિતને ઘરમાં સહુ મીતાના ભાઈ તરીકે ઓળખતા. છોકરો ડાહ્યો, ભણેલો અને કમાતો હતો. પરિવારમાં એક મોટી અને એક નાની બેન અને મા. સ્વાતિના મમ્મી પપ્પને કોઈ વાંધો નહોતો.

અમિત અને સ્વાતિ એ અમિતની માની રજા મળે એની રાહ જોવાની હતી.

અમિતની માને પોતાના કુળનુ પોતાની નાતનુ બહુ અભિમાન. તેઓ સહેલાઈથી માને એમ નહોતું, પણ દિકરાની જીદ આગળ કાંઈ ચાલ્યુ નહિ અને કમને લગ્ન માટે હા પાડવી પડી.

શરૂઆતના વર્ષો આનંદમાં ગયા. લગ્નના બીજા વર્ષે સ્વાતિએ દિકરાને જન્મ આપ્યો અને સાસુનુ વર્તન થોડું કુણુ પડ્યું. સ્વાતિના સ્વભાવે પણ એમાં પુરો ભાગ ભજવ્યો. સાસુના આકરાં શબ્દોને કે આકરાં સ્વભાવને એણે શાંતિથી સહન કર્યો. ક્યારેય સામે જવાબ ન આપ્યો, અને પવનના જન્મ પછી તો દાદીનો પ્રેમ પોતરા પર અનરાધાર વરસવા માંડ્યો.

અમિતે મોટીબેન ના લગ્ન પણ ધામધુમથી કર્યા. ગજા બહાર ખર્ચો કર્યો. બેનને પરણાવવાની હોંશમાં થોડું દેવુ પણ માથે ચઢ્યું, પણ મનમાં ગણતરી હતી કે વાંધો નહિ, હજી તો જીંદગી આખી પડી છે. થોડી મહેનત વધુ કરીશ અને વધુ કમાઈ લઈશ.

માનવી ભરે બે ડગલાં ને કુદરત ચાર. “વક્ત” ફિલ્મનો સીન યાદ આવી ગયો. ચા નો કપ અને રકાબી. કોઈ અભિમાન કામનુ નથી. રકાબી હોઠે મંડાય એટલામાં તકદીરનુ પાનુ પલટાઈ જાય.

સ્વાતિની નજર સામે પણ એ કાળઘડી એ દિવસ તાદૃશ્ય થઈ ગયો. એ ક્ષણ તો ક્યારેય લોપાઈ નથી પણ આજે એ યાદ ફરી ઊભરી આવી.

દિવાળીના દિવસો, ચારે તરફ ઘરની સફાઈ ને પિત્તળના કળશ લોટા અભરાઈથી ઉતારી ચકચકાટ કરવાના. મઠિયા ને સુંવાળી, ઘૂઘરા મગશ ની સોડમથી ઘર ને મહોલ્લો મહેકી ઉઠે. આડોશ પાડોશના બૈરાં આજ મારે ત્યાં તો કાલ તારે ત્યાં એમ સહિયારા દિવાળીના નાસ્તા બનાવવા મંડી પડે.

દિવાળીની એકાદશીથી દિવાળીના તહેવાર શરુ થાય. એકબાજુ ફરાળની તૈયારી અને બીજી બાજુ સ્વાતિને એની સાસુ ઘરમંદિરને શણગારવાની. દિવાળીના દિવડાં તૈયાર કરવામાં મશગુલ, અને અચાનક અમિત બેંકથી ઘરે આવ્યો.

સ્વાતિ “અમિત કેમ આજે વહેલા આવ્યા? કાંઈ કામ હતુ કે રજા શરૂ થઈ ગઈ?

અમિત “સ્વાતિ જરા મારી સાથે દવાખાને ચાલને, જરા અસુખ લાગે છે, હમણા રોજ તળેલું ને પકવાન ખાવાના થાય છે તે ગેસ થઈ ગયો લાગે છે, બેચેની લાગે છે. પંડ્યા સાહેબ બે ગોળી આપશે ને એટલે ઠીક થઈ જાશે. કાલ થી તો પછી રજા જ છે.”

અમિત અને સ્વાતિ દવાખાને જવા નીકળ્યા. ડોક્ટરે તપાસી ગોળી અને દવાનો ડોઝ બોટલમાં ભરી આપ્યો.

બહાર આવી અમિત સ્કુટરને કીક મારવા ગયો અને ઢળી પડ્યો. માસિવ એટેક અને ક્ષણમાં અમિતના પ્રાણ જતાં રહ્યા. બુમાબુમ થઈ રહી “શું થયું, શું થયું” કોઈ જઈ ડોક્ટરને બોલાવી લાવ્યું, પણ ખેલ ખતમ. ક્ષણમાં હલતો ચાલતો વ્યક્તિ નશ્વર બની ગયો. સ્વાતિ અવાક બની ગઈ, અમિતને હલબલાવી રહી.

“અમિત ઊઠો, શું ચક્કર આવી ગયા? અરે! કોઈ પાણી લાવો, મ્હોં પર છાંટો, અમિત હમણા ઊઠશે.”

હસતો અમિત મૃત દેહ બની પાછો આવ્યો. આખા મહોલ્લાની દિવાળી માતમમાં બદલાઈ ગઈ. અમિત ક્યારેય ખતમ ના થાય એવી રજા પર ઊતરી ગયો. ઘરનો દિવડો બુઝાઈ ગયો.

કનકબેનના અસલી સ્વભાવનો પરચો સ્વાતિને થવા માંડ્યો. અમિતના મોતની જવાબદાર સ્વાતિને ગણી. છપ્પરપગી ને છિનાળવી ને કાંઈ જાતજાતના શબ્દોના તીર એના માસુમ હૈયાને વિંધતા રહ્યા.

ઘરમાં એકમાત્ર કમાનાર અમિતના ઓચિંતા અવસાને ઘરને તિતર બિતર કરી નાખ્યું. બાકી હતું તે બન્ને નણંદો એ પણ ભાભીને પજવવામાં કાંઈ બાકી ન રાખ્યું. હદ તો ત્યારે થઈ કે ગુસ્સાના આવેશમાં કનકબેને ધક્કો મારી સ્વાતિને ઘરની બહાર કાઢી મુકી. અંધારી રાતે ચાર વર્ષના પવન ને લઈ સ્વાતિ ઓટલે બેસી રહી. પાડોશીએ સ્વાતિના માબાપને ફોન કર્યો. બિચારાં દોડતા આવ્યા અને સ્વાતિને પોતાના ઘરે લઈ જવા કાલાવાલા કરવા માંડ્યા, પણ સ્વાતિ પોતાનુ ઘર છોડી જવા તૈયાર ના થઈ.

છેવટે લોકલાજે કનકબેન ને સ્વાતિને ઘરમાં લેવી પડી. સ્વાતિ એ કમર કસી. આમ રોદણા રડે જીંદગી ના જીવાય. પવનને ઉછેરવાની મારી જવાબદારી છે. ભણેલી છું. કાંઈક તો કામ મળી જશે. કોઈકે ભલામણ કરી, L.I.C. agent નુ કામ શરૂ કર. મોટુ પિયરયું છે. બધા તને મદદ કરવા તૈયાર છે. તારે ભીખ નથી માંગવાની. મહેનત કરી પૈસા કમાવાના છે.

સ્વાતિને ગળે વાત ઉતરી. જોઈતી તાલીમ લઈ કામ શરૂ કર્યું. શરૂઆતમાં કનકબેન વાંધા વચકા કાઢતા.”તું સમય કસમય બહાર જાય છે, પવનને મારે સાચવવાનો, લોકો શું વાત કરશે, જુવાન વિધવા વહુનો પગ કોઈ કુંડાળામા ના પડે” સ્વાતિ સામે જવાબ ના આપતી ને પોતાનુ કામ કરે જતી.

ધીરે ધીરે ઘરમાં પૈસા આવવા માંડ્યા અને સ્વાતિનો સંયમ જોઈ કનકબેન કુણા પડ્યા.

બે વરસ પસાર થઈ ગયા. ત્રીસ વર્ષે વિધવા થયેલ સ્વાતિ સામે લાંબી જીંદગી પડી હતી. માબાપે બીજા લગ્ન કરી લેવાની વાત છેડી, પણ સ્વાતિનો એક જ જવાબ હતો, મારે પવન માટે બીજા પિતા કે મારા માટે બીજા પતિની જરૂર નથી.

સ્વાતિને જીવવાનુ બળ પવનને જોઈને મળતું. અમદાવાદની ગરમી ઠંડી નો વિચાર કર્યા વગર સ્કુટરની કીક મારી એ નીકળી પડતી. વર્ષો વિતતા ગયાં. કનકબેન જીવલેણ બિમારીનો ભોગ બન્યા. સ્વાતિ એ ખડે પગે ચાકરી કરી. અંતરના આશિષ વરસાવતા કનકબેન પણ સ્વધામ પધાર્યા.

શાંતિથી વહેતી સ્વાતિની જીંદગીમાં ફરી એક વળાંક આવ્યો.

પવન “મમ્મી ઘણા દિવસથી મારા મનમા એક વાત છે, તને પુછું કે નહિ એની અવઢવમા છું” “બેટા તારે કાંઈ પુછવાની જરૂર નથી. તારી મા છું, શું હું નથી જાણતી કે તારી ઈચ્છા વધુ અભ્યાસ માટે વિદેશ જવાની છે? તારા વિદેશ વસતા મિત્રો સાથેની તારી ફોન પર થતી વાતો, ઈન્ટરનેટ પર ભેગી કરતો માહિતી, બધાની મને જાણ છે. હું તો રાહ જોતી હતી કે ક્યારે તુ મને પુછશે?”

પવન એમબીએ કરવા અમેરિકા કે લંડન જવા માંગતો હતો પણ બે વાતની એને ચિંતા હતી કે મમ્મી એકલી પડી જશે અને આટલા બધા ફી માટેના પૈસાની જોગવાઈ ક્યાંથી થશે? સ્વાતિએ એની ચિંતાનો નિકાલ કરી દીધો.

પવનને અમેરિકા તો નહિ પણ લંડનની ઓક્સફર્ડ યુનિવર્સિટીમા એડમિશન મળી ગયું. હસતા મોઢે પોતાના આંસુ દિલમાં છુપાવી સ્વાતિએ પવનને લંડન વળાવ્યો. લોકોએ જાતજાતની શિખામણ આપી.

“સ્વાતિબેન તમે મોટી ભુલ કરો છો, દિકરો હાથમાં થી જતો રહેશે. એકવાર વિદેશ ગયેલા બાળકો ક્યારેય પાછા નથી આવતા”

સ્વાતિને ક્યાં કોઈની પરવા હતી. પહેલા પણ સમાજ સામે ઝઝુમી હતી અને હવે પણ. દિકરાને પાંખો આપી છે ઉડવા માટે, નહિ કે એની ગતિ રોકવા માટે. સ્વાતિ એ પોતાની દુનિયાનુ નિર્માણ ખુદ કર્યું હતું. દિકરા પર એને વિશ્વાસ હતો, એ જે પણ પગલું ભરે એમા એ ખુશ હતી.

એમબીએ થઈ પવનને લંડનમા જ સારી નોકરીની ઓફર મળી અને સાથે કામ કરતી રિયાના પ્રેમમાં પડ્યો. રિયા પંજાબી હતી પણ સ્વભાવની ખુબ સારી હતી. સ્વાતિએ ખુબ ધામધુમથી દિકરાના લગ્ન કર્યા અને હસીખુશી દિકરા વહુને લંડન રવાના કર્યા.

પવનની ખૂબ ઈચ્છા હતી કે મમ્મી લંડન એમની સાથે આવી રહે, પણ સ્વાતિએ સમજાવટથી કામ લીધું. દિકરાને બાહેંધરી આપી કે અવાર નવાર એ લંડન આવતી જતી રહેશે પણ હાલ તો ભારતની દુનિયા એને માટે વધુ અનુકૂળ છે.

સ્વાતિનુ L.I.C. નુ કામ તો હજુ ચાલુ જ હતું પણ કામનો બોજ ઓછો કરી નાખ્યો હતો. વાંચનનો જે શોખ હતો એ હવે એ પુરો કરી રહી હતી અને એટલું જ નહિ પણ અઠવાડિએ એકવાર પાસેના વૃધ્ધાશ્રમમા જઈ વૃધ્ધ લાચાર બહેનો ભાઈઓને મળી સારુ પુસ્તક વાંચી સંભળાવતી.

એક દિવસ સવારના પહોરે ફોનની ઘંટડી બજી. લંડનથી પવનનો ફોન હતો. “મમ્મી તું દાદી બનવાની છે, થોડા સમયમાં જ લંડન આવવાની તૈયારી કર. હું ટિકીટ મોકલાવું છું.”

સ્વાતિના હાથમાં પવને નેહાને મુકી ને સ્વાતિ ભાવવિભોર બની ગઈ. પોતાના પવનની દિકરી, આબેહુબ પવનની જ પ્રતિકૃતિ. હા રંગ રિયાનો છે, ગોરો ગોરો, બાકી તો નાનો પવન જ જાણે ફરી મારા હાથમાં.

છ મહિના પૌત્રીને રમાડવામાં એને માલિશ કરી નવડાવવામાં, રિયાનુ ધ્યાન રાખવામાં, અને પવનને ભાવતી વાનગી બનાવી ખવડાવવામાં ક્યાંય પુરા થઈ ગયા. ભારત પાછા જવાનો સમય થઈ ગયો. રિયાના મમ્મી હવે આવવાના હતા એટલે સ્વાતિને ચિંતા નહોતી. નેહા વરસની થઈ જાય પછી જોયું જશે.

રસ્તેથી પસાર થતી રિક્ષાના હોર્ને એને ભાવ સમાધિમાથી જાગૃત કરી. અંદર જઈ બેગમાંથી નેહાનો હસતો ફ્રેમમા જડેલો ફોટો બહાર કાઢી અમિતના ફોટાની બાજુમાં મુકતા અમિતને જાણે દેખાડી રહી, “ જુઓ તમારી પૌત્રી, તમારી જ કાર્બન કોપી છે ને, કારણ પવન પણ તો તમારી જ પ્રતિકૃતિ છે.”

સ્વાતિના ચહેરા પરનો પરમ શાંતિ અને હાશકારાનો ભાવ જીવનની તપસ્યાનુ સરવૈયું હતું.

(સત્ય ઘટના પર આધારિત)

શૈલા મુન્શા

હ્યુસ્ટન ટેક્ષ્સાસ.

તા. ૧૧/૨૮/૨૦૧૪

« Previous PageNext Page »
Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.