January 3rd 2012

ડેનિયલ-૪

જાન્યુઆરી ૨૦૧૨. નવું વર્ષ શરૂં થયું. નાતાલની સ્કુલમા બે અઠવાડિયાની રજા પડે. બાળકો સહિત અમે પણ ખુબ ખુશ થઈ જઈએ. સ્કુલની નોકરી મા આ એક અગત્યનો લાભ. દર બે ત્રણ મહિને નાનુ મોટું વેકેશન આવ્યા કરે, અને એમા પણ જ્યારે તમે મંદ બુધ્ધિના બાળકો સાથે કામ કરતાં હો ત્યારે આવા વેકેશન અતિ આવશ્યક હોય છે. ક્લાસમા બાળકો ની સંખ્યા ભલે ઓછી હોય પણ દિવસ પુરો થતાં તમે તન અને મન બન્ને રીતે થાકી ગયા હો.
વેકેશન પછી આજે સ્કુલનો પ્રથમ દિવસ હતો. મારા ક્લાસમા ત્રણ થી પાંચ વર્ષના બાળકો છે. તમે કલ્પના કરી શકો છો કે આટલા નાના બાળકો પંદર દિવસ ઘરે રહીને પાછા સ્કુલમાં આવે ત્યારે અમારી શી હાલત થતી હશે.
એક તો ઠંડી નો સમય અને સવારે વહેલા ઊઠી ને આવવાનુ. બધાના ચહેરા ઉંઘરેટા લાગતાં હતા. ડેનિયલ આવ્યો અને વેકેશન ની અસર એના શરીર પર દેખાઈ. આમ પણ મેક્સિકન છોકરાં થોડા ગોળમટોળ તો હોય જ પણ રજા ની મજા બરાબર દેખાતી હતી. વાચા વધુ ઉઘડી હતી. વધુ બોલતો થઈ ગયો હતો પણ બધું સ્પેનિશમા. આટલા મહિનાની મહેનત પર પાણી ફરી વળ્યું હતું. રજા પડતાં પહેલા ઘણુ અંગ્રેજી બોલતા શીખ્યો હતો પણ ઘરે રહી બધું ભુલી ગયો.
એટલું બધું બોલતો હતો અને એની કાલી કાલી ભાષા સાંભળવી એટલી મીઠી લાગતી હતી કે પરાણે વહાલ કરવાનુ મન થઈ જાય. પંદર દિવસમાં જાણે મોટો થઈ ગયો હોય એવો લાગતો હતો સાન્તા ક્લોઝે આપેલું નવુ જેકેટ બતાડી કાંઈને કાંઈ બોલી નાખ્યું.
સાંભળી ને અમારી સવાર સુધરી ગઈ. હસી હસીને નવા વર્ષના શુભ દિવસની શરૂઆત થઈ.

શૈલા મુન્શા. તા. ૦૧/૦૩/૨૦૧૨.

December 12th 2011

ટ્રીસ્ટન-૨

ટ્રીસ્ટન ગયા વર્ષે મારા ક્લાસમા આવ્યો. ત્યારે એની ઉંમર લગભગ સાડા ત્રણ વર્ષની હતી એટલે એ અડધા દિવસ માટે આવતો હતો, પણ એટલો સમય પણ એને સાચવવો એ અમારા માટે જાણે મોટી જવાબદારી હતી. જે છોકરાને કશી વાતનો ડર ન હોય અને વિફરે ત્યારે શુ કરે છે એનુ ભાન ન હોય ત્યારે ટીચરની જવાબદારી ઘણી વધી જાય. એને કાંઈ ઈજા ના થાય , કોઈ બીજુ બાળક એની અડફેટ મા ના આવી જાય એ બધી બાબતો નો ખ્યાલ રાખવો પડે.
મીસ મેરી એ તો રીટાયર થવાનુ નક્કી જ કર્યું હતું પણ મજાક મા કહેતી આ ટ્રીસ્ટન ના કારણે હું વહેલી રીટાયર થાઉં છું, કારણ આવતા વર્ષે તો એ આખા દિવસ માટે સ્કુલ મા આવશે.
આ વર્ષે Miss Burk નવી ટીચર મારી સાથે છે. શરૂઆતમાં તો એને પણ સુઝ ન પડી કે ટ્રીસ્ટન ને કેમ સંભાળવો? એના માટે આટલા નાના બાળકો સાથે કામ કરવાનો અનુભવ નવો હતો. રોજ મને કહે “મીસ મુન્શા તુ છે તો મને ઘણી રાહત છે. તારો આ બાળકો સાથે આટલા વર્ષ કામ કરવાનો અનુભવ મને ઘણો કામ લાગે છે.”
એક વાત નક્કી હતી કે ટ્રીસ્ટન ને પોતાની મા ની કમી ઘણી મહેસુસ થતી. સવારે સાત વાગે એ બાળક ડે કેર મા થી સ્કુલે આવે. બપોરે ત્રણ વાગે છુટી પાછો ડે કેરમા જાય. મા કદાચ પાંચ વાગે નોકરી પરથી છુટી એને લઈને ઘરે જતી હશે ને પછી નવડાવી, ખવડાવી ઊંઘાડી દેતી હશે. જે થોડો સમય મળતો હશે એમા એ ટ્રીસ્ટન નુ ધાર્યું કરવા દેતી હશે માટે ટ્રીસ્ટન ને બધે જ પોતાનુ ધાર્યં કરાવવાની ટેવ પડી હશે.
બપોરે જ્યારે બાળકો ને ઊંઘાડીએ ત્યારે રોજ ટ્રીસ્ટન ની ધમાચકડી ચાલુ થાય. એક દિવસ મને વિચાર આવ્યો કે એની મા નુ કોઈ શર્ટ કે કોઈ કપડું જેમા માની કોઈ સુગંધ હોય જેનાથી ટ્રીસ્ટન ને મા પોતાની પાસે છે એવી અનુભૂતિ થાય તો કદાચ ફરક પડે, કારણ મે ભારત મા ને અહીં અમેરિકા આવ્યા બાદ પણ એ જોયું છે કે બાળક જેમા એને મા ની સુગંધ નો અહેસાસ થાય એ કપડું કે સાડલાનો ટુકડો કે શાલ હમેશ પોતાની પાસે રાખે, જાણે એનાથી એને શાંતિ ને સલામતી નો અહેસાસ થતો હોય. ટ્રીસ્ટન ને પણ શાંત કરવા આ ઉપાય મે મીસ બર્ક ને સુચવ્યો. મીસ બર્ક તો કોઈ પણ ઉપાયે ટ્રીસ્ટન ને શાંત અને હસતો રમતો રહે એમા રાજી હતી.
માને જણાવ્યું કે તમે જે પરફ્યુમ છાંટતા હો તે એક જુના શર્ટ પર છાંટી ને મોકલાવો અને જ્યારે મા એ શર્ટ મોક્લાવ્યું તે અમે ટ્રીસ્ટન ના ઓશીકા પર ચડાવી બપોરના સુવાના સમયે ટ્રીસ્ટન ને આપ્યું ને જાણે ચમત્કાર થઈ ગયો.
ટ્રીસ્ટન રડ્યા વગર પહેલી વાર પાંચ મીનિટ મા સુઈ ગયો, અને હવે દરરોજ સુવા ના સમયે અમને કોઈ હેરાનગતિ થતી નથી.
નવ મહિના જેની કોખમાં જીવન પાંગર્યું એ નાતો ને એ સોડમ બાળક ક્યારેય ભુલતું નથી, માટે જ તો એંસી વરસની ઘરડી માનો ખરબચડો હાથ જ્યારે પણ દિકરાને માથે ફરે એમા મળતું સુખ કોઈ સ્વર્ગ ના અહેસાસ થી કમ નથી.
શૈલા મુન્શા. તા. ૧૨/૧૨/૧૦૧૧

December 6th 2011

ડેનિયલ-૩

ડેનિયલ અમારો નાનકડો મેક્સિકન છોકરો. હજી તો મે એની ઓળખાણ જ કરાવી છે અને અમારા મિત્રો મે એ લાડકો પણ થઈ ગયો. હમણા ઘણા દિવસથી એના વિશે લખાયું નહોતુ તો નવીનભાઇ ની તાલાવેલી વધી ગઈ. મને કહે ડેનિયલ ક્યારે આવશે?
તો લો આજે ડેનિયલ વિશે વધુ રસપ્રદ વાતો.
ડેનિયલ ની અમારા ક્લાસની પ્રવૃતિ મા પ્રગતિ ઘણી સરસ છે. સ્માર્ટ બોર્ડ પર જાતે ક્લીક કરતા શીખી ગયો છે અને જ્યારે અમે એ બી સી ડી વગેરે બધા બાળકો ને સાથે કરાવતા હોઈએ તો પોતાના વારાની રાહ જોઈને ખુરશી પર બેઠો રહે છે.
ક્લાસમા થી જ્યારે કાફેટેરિયા મા જમવા જઈએ તો લોબીમા દરેક ક્લાસની બહાર બુલેટીન બોર્ડ હોય જ્યાં એ ક્લાસના બાળકોએ કરેલું કામ, મુકેલુ હોય. ડેનિયલ એ ચિત્રો ને ઓળખતો થઈ ગયો છે. અને જો વાઘ જુએ તો મારી સામે બે હાથના પંજા બતાવી ગર્જે. સફરજન નુ ચિત્ર જુવે તો તરત એપલ, એપલ, બોલવા માંડે.
બધી હોશિયારી સાથે મા ના લાડની અસર પણ દેખાય. જો ભાઈ નુ ધાર્યું ના થાય તો ચાલતા ચાલતા જમીન પર ચત્તોપાટ સુઈ જાય. મા કદાચ લાડ કરીને ઉંચકી લેતી હશે પણ અમને તો એમ કરવું પાલવે નહિ, બધા બાળકો એનુ અનુકરણ કરે તો અમારૂં કામ ખોરંભે પડી જાય.નિયમિતતા અને શિસ્તબધ્ધતા શીખવવા તો મા બાપ બાળકો ને સ્કુલ મા મોકલે છે.
હમણા નવેમ્બર મહિના મા “થેંક્સ ગીવીંગ”નો તહેવાર ગયો. અમેરિકા મા આ તહેવાર બહુ મોટા પાયા પર ઉજવાય અને એ દિવસે જમવામા ટર્કી એ મુખ્ય વાનગી કહેવાય. કોણ જાણે બિચારી કેટલીય ટર્કી નુ નિકંદન એ દિવસે નીકળતું હશે.સ્કુલ મા પણ આખો મહિનો જાત જાત ની ટર્કી ના ચિત્રો ને બધું આર્ટ વર્ક ક્લાસમા થતું હોય અને પછી ક્લાસની બહાર બોર્ડ પર મુકાતું હોય.
પહેલે દિવસે ડેનિયલે જ્યારે એ ચિત્ર જોયું તો ખુશ થઈને મારો હાથ પકડી “કુકી” “કુકી” કરવા માંડ્યો. પહેલા તો મને સમજ જ ન પડી પણ પછી ખ્યાલ આવ્યો કે ભાઈસાબ ટર્કી ટર્કી કહેતા હતા. અમે કેટલીય વાર એને સાચો ઉચ્ચાર કરાવવાની કોશિશ કરી પણ એની જીભ તો “કુકી” પર જ અટકી ગઈ હતી.
એટલું મીઠડું એ તોતડી જબાન મા બોલતો હતો કે પરાણે વહાલ ઉભરાઈ આવે. ઘણીવાર મને એને ઉંચકીને વહાલથી બાથમા લઈ લેવાનુ મન થાય પણ માથે હાથ ફેરવીને અટકી જઉં.
આ બાળકો ની આવી મીઠી મધુરી વાતો મન ને ખુશ કરી દે છે ને, કામનો થાક ઉતારી દે છે.

શૈલા મુન્શા. તા ૧૨/૦૬/૨૦૧૧

November 1st 2011

બ્રેન્ડન-૩

ગયા વર્ષના અંતે બ્રેન્ડન ના મા બાપે એનુ નામ સ્કુલમાં થી કઢાવી લીધું હતું કારણ એ લોકો શહેર છોડી બીજે જવાના હતા ને અમારા સહિત સ્કુલના બીજા બધાં પણ દુઃખી થઈ ગયા હતા. બ્રેન્ડન બધાનો જ ખુબ લાડકો હતો. P.E.ના શિક્ષક Mr. Keahy તો એને જોતાની સાથે જ ઊંચકી લે. પોતે તાડ જેવા ઊંચા અને બ્રેન્ડન બટુકજી એટલે વાંકા વળીને રમાડવાને બદલે સીધો ઊંચકી જ લે. બ્રેન્ડન પણ એમનો ખુબ હેવાયો, જેવા એમને દુરથી જુવે કે દોડીને સામે જાય.
ખબર નહિ કે શું થયું પણ બ્રેન્ડન ના મા બાપ નુ જવાનુ મોકુફ રહ્યું ને ઉઘડતી સ્કુલે અમે બ્રેન્ડનને પાછો અમારા ક્લાસમાં જોયો. બધા ખુશ ખુશ થઈ ગયા. બ્રેન્ડન પણ અમને બધાને જોઇ રાજી રાજી થઈ ગયો. બે મહિનામાં જાણે મોટો થઈ ગયો હોય એવો લાગતો હતો.
વાચા પણ થોડી ખુલી હતી. ક્લાસની બધી પ્રવૃતિ મા ભાગ લે.બધા સાથે ગીત ગાય ભલે બીજાને સમજ ના પડે કે એ શું ગાઈ રહ્યો છે, પણ આ આ આ કરી સુર પુરાવે. એના નામના અક્ષરો ઓળખતાં શીખ્યો અને સમજાય એમ બોલતાં પણ શીખ્યો.
રીતભાત મા અને બધા નિયમો નુ પાલન કરવામાં ક્લાસના બધા છોકરઓમાં બ્રેન્ડન મોખરે. બધા રમતા હોય અને પાછા ભણવાના ટેબલ પર બોલાવીએ તો એક બુમે કોઈ આવે નહિ પણ બ્રેન્ડન તરત જ આવે. સંગીત કે કોમ્પ્યુટરના ક્લાસમા લઈ જઈએ ત્યાં બધાનો એ લાડકો.
આજે હું જમીને પાછી આવી તો Miss Burk એ મને બ્રેન્ડન વિશે વાત કરી. “છેલ્લા બે ત્રણ દિવસથી બ્રેન્ડન તારી ગેરહાજરી માં તોફાને ચઢે છે. ટ્રીસ્ટન નુ જોઈ હવે એ પણ ટેબલ નીચે ભરાઈ જાય છે અને જે કામ કરવાનુ કહુ એને બદલે પોતાની મરજી પ્રમાણે જ કરે છે, ખોટું ખોટું હસ્યા કરે અને જાણે એમા બહાદુરી કરી હોય તેમ મારી સામે જુવે છે. એક જગ્યા એ બેસવાને બદલે ક્લાસમાં દોડાદોડી કરે છે”
હું તો માની જ ના શકી, કારણ મારી હાજરી મા મેં એને ક્યારેય એવી રીતે જોયો નહોતો. એક કારણ એ પણ હોઈ શકે કે બ્રેન્ડન ગયા વર્ષે પણ મારા જ ક્લાસમા હતો અને જાણતો હતો કે મારી સાથે કામ વખતે કામ અને રમવા વખતે રમવાનુ. પહેલેથી જ એ શાંત હતો એટલે ક્લાસના નિયમો નુ પાલન જલ્દી શીખી ગયો હતો, જે બીજા બાળકો ને વાર લાગે.
મીસ બર્ક ની વાત સાંભળી મને હસવું આવ્યું. એને નવાઈ લાગી, પણ મને ખ્યાલ આવી ગયો કે બ્રેન્ડન હવે પહેલાનો શાંત બ્રેન્ડન નથી રહ્યો.
ડાહ્યો તો હજી પણ છે પણ હવે બીજા બાળકો સાથે વધુ ભળી ગયો છે અને આમ પણ જ્યારે ક્લાસમાં ટ્રીસ્ટન જેવો તોફાની બારકસ હોય તો ભલા સંગ નો રંગ તો લાગે જ ને.
નાના કે મોટા સહુ કોઇને સારી કરતાં ખોટી વસ્તુનુ અનુકરણ કરતાં વાર નથી લાગતી.

શૈલા મુન્શા. તા/૧૧/૦૧/૧૧

October 7th 2011

ડેનિયલ -૨

આ વર્ષે મારા ક્લાસમાં આવેલો નવો છોકરો ડેનિયલ, એની ઓળખાણ તો આગળ મેં કરાવી જ છે.
નાનકડો રમતિયાળ મેક્સિકન છોકરો. શરૂ શરૂ માં બધું નવું નવું હતું એના માટે પણ મહિનામાં જ તો ભાઈ ક્લાસના રંગમા રંગાઈ ગયા. જે ન શીખવું જોઈએ એ બહુ ઝડપથી ગ્રહણ કરી લીધું.
મારા ક્લાસમા એક છોકરો છે ટ્રીસ્ટન જેને અમે હરિકેન ટ્રીસ્ટન કહીએ છીએ. એ ખુશ હોય ત્યાં સુધી ઠીક પણ તોફાને ચઢે ત્યારે સંભાળવો મુશ્કેલ.
ડેનિયલ ને તો મજા પડી ગઈ જે ચાળા ટ્રીસ્ટન કરે તે એને કરવા જોઈએ. ક્લાસમાં દોડાદોડી કરવાની ને વારે વારે પોતાની ખુરશી પરથી ઊભા થઈ રમકડાં લઈ આવવા વગેરે ની નકલ તો સંભાળી શકાય પણ ટ્રીસ્ટન ની જેમ ચીસાચીસ અને વસ્તુ ફેંકવાની ટેવ તો ઉગતાં જ ડામવી પડે.
શરૂઆત થી જ અમે એ માટે તકેદારી લીધી પણ જો ગુસ્સો કરીએ તો એવું મીઠડું ખોટું હસે કે આપણા થી પણ હસી પડાય. જો બીજાને ગુસ્સો કરીએ તો પાછો આપણી સાથે સાથ પુરાવે. એમની પાસે જઈ આંગળી હલાવી ” no no” કરે. કામ કરવા તત્પર. ઊંઘીને ઉઠે એટલે પોતાની મેટ અને ઓઢવાનુ લઈ મારી પાસે આવે.
આજે એ વાળ કપાવીને આવ્યો. મજાના રેશમી સુંવાળા કાળા વાળ. આપણે જેને તપેલી કટ કહીએ એવી એની હેર સ્ટાઈલ. માથાપર ગોળ વાડકો મુકી વાળ કાપ્યા હોય એવું લાગે. સવારે બસમાં થી ઉતરતાં જ હસતો હસતો આવી માથા પર હાથ ફેરવવા માંડ્યો. જાણે બતાવવા માંગતો હોય જુઓ મારી હેર સ્ટાઈલ.
કેવું નિર્દોષ મીઠું હાસ્ય જે દિવસ સુધારી દે.

શૈલા મુન્શા. તા ૧૦/૦૭/૨૦૧૧.

September 21st 2011

સેસાર

સેસાર તમને બધાને યાદ હશે. મજાનો, સદાય હસતો ને ગોળમટોળ મેક્સિકન છોકરો. બે વર્ષ અમારા PPCD(Pre-primary children with disability) ક્લાસ મા રહ્યો. આ ક્લાસના બધા છોકરા માનસિક રીતે પછાત નથી હોતા. ઘણા બોલતા મોડા શીખે અથવા થોડો વર્તણુક ને તોફાન નો પ્રશ્ન હોય.
સેસાર જ્યારે ત્રણ વર્ષ ની ઉંમરે ક્લાસમાં આવ્યો ત્યારે એક ઘડી ખુરસી પર બેસે નહિ, ટેબલ નીચે ભરાઈ જાય કે પછી આખા રૂમમાં દોડાદોડી.વાચા પણ ખુલી નહોતી. અંગ્રેજી જરાય સમજે નહિ. ઘરે થી સાથે લાવેલું રમકડું જો એની પાસેથી લઈ લઈએ તો રડીને, ચીસાચીસ કરીને આખો ક્લાસ માથે લે.
ધીરે ધીરે અમારી મહેનત રંગ લાવી. તોફાનો થોડા કાબુમાં આવ્યા. ક્લાસની રીતભાત પ્રમાણે વર્તતા શીખ્યો. બોલતાં શીખ્યો. સવારે ક્લાસમા આવે ત્યારે એટલા લહેકા થી કહે (“Hi Ms Munshaw”) એવું નિર્દોષ હાસ્ય એના મોં પર હોય જાણે પરાણે વહાલો લાગે.
બે વર્ષમા તો એણે એટલી પ્રગતિ કરી કે આ વર્ષે અમે એને રેગ્યુલર કીંડર ના ક્લાસમા મોકલ્યો. એની બહેન પણ આ વર્ષે સ્કુલ મા Pre-K મા દાખલ થઈ.
ગઈકાલે અમારી સ્કુલમા ઓપન હાઉસ હતું. સ્કુલ ખુલે લગભગ મહિનો થયો એટલે મા બાપ ટીચર ને મળવા આવે અને પોતાના બાળક ની પ્રગતિ વિશે જાણે, સલાહ સુચન મેળવે.
હું મારા ક્લાસમાં અમારા વાલીઓ સાથે વાત કરતી હતી ત્યાં જાણે તુફાન મેલ ધસી આવ્યો હોય તેમ સેસાર ધસી આવ્યો. આવી ને જોરથી વળગી પડ્યો અને એ જ લહેકો ને એ જ હસતો ગોળમટોળ ચહેરો “Hi Ms Munshaw” એક સાથે કેટલા સવાલો ને કેટલી વાતો. ક્લાસમા નવા ટીચર ને જોઈ કહે મીસ મેરી ક્યાં છે? આ કોણ છે? મારો હાથ પકડી મને કહે ચાલો તમને મારી બેન પાસે લઈ જઉં.
પોતે મોટો ભાઈ અને આ સ્કુલ એની પોતાની એવી બહાદુરી એ બેન પાસે બતાડવા માંગતો હતો. એની મમ્મી ને મળી તો મને કહે સેસાર તમને ખુબ યાદ કરે છે. ઘર માં પણ દરેક વાતમાં ક્યાંક ને ક્યાંક તમારો ને મેરી નો ઉલ્લેખ આવે જ. હું તો જોતી જ રહી ગઈ
બે વર્ષ પહેલાનો સેસાર મને યાદ આવી ગયો. જરા સરખી લાગણી ની આ બાળકો કેટલી મોટી કિંમત આપે છે, એક નમણું હાસ્ય કે બાથમા જકડીને વરસતું વહાલ.
આ વર્ષે ડેનિયલ એવો જ નવો છોકરો મારા ક્લાસમાં છે. એની વાતો અવાર નવાર પીરસતી રહીશ.

શૈલા મુન્શા. તા.૦૯/૨૧/૨૦૧૧.

September 8th 2011

નવું વર્ષ

ઓગસ્ટ ૨૦૧૧ સ્કુલનુ નવુ વર્ષ શરૂં થયું. પંદર દિવસ પુરા પણ થઈ ગયા. આ વર્ષે મારા ક્લાસમા ઘણા ફેરફાર થયા છે. સહુ પ્રથમ મીસ મેરીએ સ્કુલની નોકરી માથી નિવૃતિ લીધી, એટલે મારી સાથે Miss Burk કરીને નવી ટીચર આવી. એ થોડી જુવાન છે એટલે થોડા નવા વિચાર અને નવા આઈડીઆ એ અમલ મા મુકવા માંગે છે.
મારા ક્લાસમા ત્રણ થી પાંચ વર્ષના બાળકો હોય એટલે પાંચ વર્ષ પછી એ બધા ક્યાં તો “life skill” અથવા kindergarten ક્લાસમા જાય એટલે મારી જમાદાર એમી અને હસમુખો સેસાર kindergarten મા ગયા અને દમાની ને લેસ્લી life skill ક્લાસમા ગયા. બ્રેન્ડન એન્થોની વગેરે હજુ મારા ક્લાસમા છે અને હરિકેન ટ્રીસ્ટન જે અડધો દિવસ આવતો હતો એ હવે પુરા દિવસ માટે આવે છે અને નવા બાળકો જે આવ્યા છે બ્રાયન અને ડેનિયલ એ બન્ને માટે સ્કુલ એ જ નવી શરૂઆત છે એટલે તમે કલ્પના કરી શકો છો કે પહેલું અઠવાડિયું અમારા માટે જાતજાતના અવાજો વચ્ચે વિત્યું.આજે હું ડેનિયલ ની ઓળખાણ તમને કરાવું.
ડેનિયલ મજાનો છોકરો છે. મેક્સિકન એટલે ગઠિયો અને વજનમા પોપલો નહિ પણ મજબુત. પરાણે વહાલો લાગે એવો પણ ઠરીને એક જગ્યાએ બેસે નહિ. એને માટે બધું જ નવું અને બધું એને અડવા જોઈએ. અંગ્રેજી સમજે નહિ એટલે અમારૂં ભાંગ્યું તુટ્યું સ્પેનિશ થી અમે કામ ચલાવીએ. પહેલા બે દિવસ તો રડવાનો કાર્યક્રમ ચાલ્યો. સ્વભાવિક છે કે મા ને છોડી આખો દિવસ અજાણ્યા વાતાવરણ મા રહેવાનુ, પણ ધીરે ધીરે ક્લાસમા વાગતી નાના બાળકોના ગીત ની સીડી ને કોમ્પ્યુટર પર (જે મોટા સ્માર્ટ બોર્ડથી જોડાયેલું છે) એમને ગમતા કાર્ટુન વગેરે થી રડવાનુ થોડું થાળે પડ્યું, પણ ખરી મજા બપોરે આવી. બપોરે આ બાળકોને અમે કલાક માટે સુવાડીએ જેથી એમને થોડો આરામ મળે અને ત્રણ ચાર વર્ષના બાળકો સવારે ૭.૩૦ થી બપોરના ૩.૦૦ વાગ્યા સુધી સ્કુલમા હોય એ બહુ લાંબો સમય થઈ જાય એમના માટે.
ડેનિયલ મારો ગઠિયો એને એની મા ખોળામા લઈને સુવાડતી હશે એટલે જ્યારે મે એને એની મેટ પર સુવાડ્યો તો ભાઈએ ભેંકડો તાણ્યો અને મને વળગીને મારા ખોળામા માથું મુકવાનો પ્રયત્ન કર્યો. હું સમજી ગઈ કે એને એની મા આમ જ સુવાડતી હશે. મે એને થાબડીને સુવાડ્યો અને મારો હાથ પકડીને પાંચ જ મીનિટ મા સુઈ ગયો. જરાવાર રહીને મે હાથ છોડાવવાનો પ્રયત્ન કર્યો તો ઝબકી ને વધુ સખત રીતે પકડી લીધો.
અડધો પોણો કલાક જ્યાં સુધી એ સુતો મને ત્યાંથી ઊઠવા ના દીધી. બાળક માત્ર પ્રેમનુ ભુખ્યું હોય છે અને જ્યાં પ્રેમ મળે ત્યાં એ સહજતાથી હળી જાય છે. ઘણીવાર આ બાળકોની ધમાલથી હું થાકી જાવ છું પણ જ્યારે એક મીઠડું સ્મિત એમના ચહેરા પર છલકી ઉઠે અને વહાલ થી આવી વળગી પડે ત્યારે બધો થાક વિસરાઈ જાય છે.
બસ આ વર્ષે તમને મારા આ નવા બાળકોના નવા નવા તોફાનો ને અડપલાં પિરસતી રહીશ ને સહુને મારા “રોજીંદા પ્રસંગો” મા શામેલ કરતી રહીશ.

શૈલા મુન્શા. તા.૦૯/૦૮/૨૦૧૧

August 29th 2011

તરસ

આ દ્રશ્ય ફક્ત બે મીનિટ માટે મે જોયું અને મને કાંઈક લખવાની પ્રેરણા મળી. દુનિયા ભરમા પ્રકૃતિનુ પરિવર્તન જોવા મળી રહ્યું છે.જ્યાં ઠંડક હોવી જોઈએ ત્યાં વરસાદ ને હરિકેન, અણધારી જગાએ ધરતીકંપના આંચકા. અમેરિકાનો નકશો જુઓ તો પોણા ભાગનુ અમેરિકા કેસરી રંગના પટ્ટામા છવાયેલું.આખા દેશમા ગરમી નો પારો ધાર્યા કરતાં ઘણો ઊંચો.
ટેક્ષાસ તો આમ પણ ગરમ પ્રદેશ જ ગણાય.હ્યુસ્ટન મા લગભગ જુલાઈ ઓગસ્ટ એટલે ભયંકર ગરમી ના મહિના પણ સાથે સાથે અઠવાડિએ વરસાદ પડી જાય એટલે થોડી રાહત થઈ જાય, પણ આ વખતે લગભગ દોઢ મહિનાથી વરસાદ જ નથી એમ કહીએ તો ચાલે. કાળઝાળ ગરમી જાણે લૂ વાતી હોય એમ લાગે.
અમેરિકામા પણ પાણીનો કાપ એમ કોઈને કહીએ તો એને મજાક લાગે પણ ખરેખર અત્યારે હ્યુસ્ટનમા પાણીનો કાપ છે. હજી ઘર વપરાશના પાણી પર કાપ નથી આવ્યો પણ જેઓ હાઉસ મા રહે છે એમને એમના બેકયાર્ડ કે ફ્રન્ટ મા પાણી છાંટવા માટે મેયરે અમુક દિવસ નક્કી કર્યો છે અને એ દિવસે પણ રાતના ૮.૦૦ વાગ્યા પછી જ પાણી છાંટી શકાય.
આટલી લાંબી પળોજણ કર્યા પછી મુળ વાત પર આવું. આવી કાળઝાળ ગરમી મા માણસો શેકાય એજ વિચાર આવે પણ કાલે ગાડીમા બહાર જવા નીકળ્યા અને ટ્રાફીક લાઈટ પાસે ગાડી ઊભી રહી ને અનાયાસ મારી નજર બારી ની બહાર ગઈ. રસ્તાના ખુણે ખબર નહી કેવી રીતે પાણીનુ ખાબોચિયું ભરાયેલુ હતું અને પંદર વીસ ચકલી પાંખો ફફડાવીને પાણીમા પોતાના શરીરને ઠંડક આપવાનો પ્રયત્ન કરી રહી હતી ને ચાંચ બોળી બોળીને પાણી પીવાનો પ્રયત્ન કરી રહી હતી. કોઈ ગાડી પસાર થાય તો ફરર કરીને ઊડી જાય પણ તરત પાછી આવીને છબછબિયાં કરવા માંડે. ગાડી તો મીનિટ મા આગળ વધી ગઈ પણ હું વિચાર કરતી રહી ગઈ.
આટલા નાનકડા જીવને પણ તરસ અને એનો ઉપાય શોધવાનો રસ્તો કુદરત ચીધે જ છે.

શૈલા મુન્શા. તા. ૦૮/૨૯/૨૦૧૧

August 15th 2011

ઘટના

આજે ૧૫મી ઓગસ્ટ ૨૦૧૧, ભારતને આઝાદી મળે ચોસઠ વર્ષ પુરા થયા. અહીં અમેરિકામા પણ ભારતથી દુર રહી ભારતીય જન ધુમધામથી આઝાદી નુ જશન મનાવે છે. ફરક એટલો જ છે કે અહીં બધા તહેવાર અને જશન શનિ રવિ મા જ ઉજવાય.
આઝાદી મળે આટલા વર્ષો વિત્યા પછી પણ ખરેખર આપણે સામાજિક અને વૈચારિક સ્તરે ક્યાં છીએ એનો અનુભવ ગઈકાલે બનેલી ત્રણ ઘટના એ મને કરાવ્યો અને મારૂં મન પણ જુદા જુદા ભાવનો અનુભવ કરી રહ્યું.
ટીવી પર એક કાર્યક્રમ આવે છે, અલબત્ત આપણી હિંદી ચેનલ પર “અભી તો મૈ જવાન હું” સરસ મજાના ગીતો સાંભળવા મળે. આઝાદી નો દિવસ એટલે બધા દેશ ભક્તિના ગીતને ફીલ્મનુ દ્રશ્ય. ૧૯૫૪ ની ફીલ્મ “જાગૃતિ” નુ ગીત આવ્યું. “हम लायें हैं तुफान से किस्ती निकालके, ईस देशको रखना मेरे बच्चो संभालके” મન મારૂં ખુશી નો અનુભવ કરી રહ્યું. કેવી સુંદર કલ્પના અને કેવો સરસ ભાવ. આઝાદી મળ્યે થોડા જ વર્ષો થયા હતા.ખરે જ અંગ્રેજ રૂપી તોફાન નો સામનો કરી નાવ સલામત કિનારે લાવ્યા હતા અને ઉગતી પેઢી પાસે એને જતનથી સંભાળવાની એક યાચના હતી.
બપોરે એક હિંદી સિરિયલ જોતી હતી “ક્રાઈમ રીપોર્ટ” આ સીરીયલ સાચા બનેલા બનાવો પર આધારિત હોય છે. ૨૦૧૧ ના જુન મા જ બનેલી સત્ય ઘટના નુ નાટ્ય રૂપાંતર હતું. મહારાષ્ટ્ર ના સાંગલી જીલ્લામા બનેલી ઘટના હતી. આઝાદી પુર્વે જમીનદારો જે રીતે ખેડુતોનુ શોષણ કરતા હતા અને જીંદગીભર પોતાના ખેતરોમા ગુલામની જેમ કામ કરાવતા એ વસ્તુ આજે ૨૦૧૧ મા પણ એ જ રીતે બની રહી છે. એકવાર જમીનદાર પાસે પૈસા ઉધાર લીધા પછી ખેડુત જીંદગીભર વ્યાજના ચક્કર મા થી બહાર ના નીકળી શકે અને કોલ્હુના બેલની જેમ જીવનભર જમીનદાર ના પગ નીચે દબાયેલો રહે.
સાંગલી મા એક ખેડુતે જમીનદારને પૈસા વ્યાજ સહિત સમયસર પાછા આપી દેવાની હિંમત કરી. એની સત્તર વર્ષની દિકરીએ ટ્યુશન કરી પૈસા ભેગા કરી બાપને દેવું ચુકવવામા મદદ કરી અને એનો અંજામ એ આવ્યો કે જમીનદાર ના માણસો દિકરીને ઉપાડી ગયા અને સાત સાત દિવસ ગભરૂ કન્યા પર હેવાનિયત વરસાવી બાપના આંગણે નાખી ગયા. સુનમુન દિકરી એ કેરોસીન છાંટી આપઘાત નો રસ્તો અપનાવ્યો અને જમીનદાર સત્તા નો ઉપયોગ અને ખોટા સાક્ષી ઊભા કરી પોલીસ ને લાચાર કરી મુકી.
સીરીયલ જોતા જોતા મન વિષાદથી ભરાઈ ગયું. ભારત ભલે આજે દુનિયા સાથે કદમ મિલાવી પ્રગતિના સોપાન ચઢી રહ્યું છે પણ ગામડાંઓ મા પરિવર્તન ક્યાં આવ્યું છે.
સાંજે બહાર નીકળ્યા અને અચાનક ફીલ્મ જોવાનો વિચાર કર્યો. અમિતાભ બચ્ચન આમ પણ મારો મનગમતો એક્ટર છે અને એની નવી ફીલ્મ “આરક્ષણ” હમણા જ રીલીઝ થઈ છે એટલે એ જ જોવાનુ નક્કી કર્યું. એમા પણ એજ સવાલ પર ફિલ્માંકન કરવામા આવ્યું છે. કોલેજ મા એડમિશન માટે અમુક સીટ દલિત વિધ્યાર્થી માટે ખાસ રીઝર્વ રાખવા મા આવે જેમા આ બાળકોને ઓછા ટકા આવ્યા હોય તો પણ એડમિશન મળે. મંડલ કમિશન નામે સુપ્રિમ કોર્ટનો ચુકાદો અને એના પ્રત્યાઘાતો. પ્રકાશ ઝા એ આ સાંપ્રત સમસ્યા લઈને ફીલ્મ બનાવી અને જે રીતે એનો સુઝાવ દર્શાવ્યો એનાથી મન પ્રસન્ન થઈ ગયું.
એક જ દિવસ અને ત્રણ જુદી જુદી ઘટના. દરેક ઘટના મન પર જુદી અસર કરી ગઈ અને જુદા જુદા પ્રતિભાવો મનમા જગવતી ગઈ સાથે સાથે મનમા અનેક સવાલો પણ ઉઠતા રહ્યા. જે કમી છે એને દુર કરવા આપણે જ વધુ સજાગ થવાની જરૂર છે. ઝંઝાવાત માથી બહાર આવેલી નૈયા કિનારે આવી ને ડુબી ના જાય તે જોવાની ફરજ પણ આપણી જ છે. આઝાદી મેળવવાની કિંમત આપણે ચુકવી નથી પણ એને જાળવવાની તકેદારી તો આપણે રાખી જ શકીએ.
અસ્તુ.

શૈલા મુન્શા. તા. ૦૮/૧૫/૨૦૧૧.

May 31st 2011

બ્રેન્ડન-૨

બ્રેન્ડન જ્યારે અમારા ક્લાસમા આવ્યો ત્યારે ચાર વર્ષનો હતો. મા બાપ બન્ને બહેરા મુંગા પણ બ્રેન્ડન સાંભળી શકતો. વાચા પુરી ખુલી નહોતી. ઉમરના પ્રમાણ મા નાનો લાગે પણ ગોરો ચિટ્ટો અને હસતો ચહેરો. બધા સાથે હળી મળી જાય, પરાણે વહાલો લાગે એવો. જોત જોતામાં તો સ્કુલ મા બધાનો લાડકો થઈ ગયો.
રોજની અમારી મહેનત ના કારણે ધીરે ધીરે પોતાની જાતે કોમ્પ્યુટર પર બાળકોના પ્રોગ્રામ જેવા કે www.starfall.com, pbskids વગેરે ક્લીક કરતો થઈ ગયો. બાળકોની નકલ કરવાની આદત બધે સરખી જ હોય છે. એમા બ્રેન્ડન પણ બાકાત નહોતો.
સારી વસ્તુની સાથે ધમાલિયા સેસાર અને જમાદાર એમીની સાથે રહી એ ભાઈસાબ પણ તોફાન કરતા શિખ્યા. પહેલા તો રમતના મેદાનમા જ્યારે બાળકોને લઈ જઈએ અને બ્રેન્ડન લસરપટ્ટી પર હોય તો એક જ બુમે તરત અમારી પાસે આવી જાય પણ હવે જેવો ક્લાસમા જવાનો વખત થાય અને અમે બધાને બોલાવવાના શરૂ કરીએ એટલે એ ભાઈસાબ સંતાઈ જાય અને ઘણીવાર તો અમને એની પાછળ દોડાવે. ક્લાસમા રમાડતા હોઈએ અને પછી ભણવાના ટેબલ પાસે બોલાવીએ તો જાણે સાંભળ્યું જ નથી એમ ચાળા કરે
આવો નટખટ અમારો બ્રેન્ડન આજે અમને છોડીને જાય છે. નોકરી અર્થે માબાપે બીજા શહેરમાં જવાનુ નક્કી કર્યું અને બ્રેન્ડન ને અમારાથી વિખુટા પડવાનુ થયું. જેટલાને ખબર પડી એટલા બધા એને મળવા ખાસ ક્લાસમા આવ્યાં ને બ્રેન્ડન પણ બધાને વહાલથી ભેટ્યો. અમારા P.E. (Physical Education) ના સર પોતે ઊંચા તાડ જેવા, એની પાસે તો બ્રેન્ડન નાનકડા ગલુડિયાં જેવો લાગે. જ્યારે પણ એ બ્રેન્ડન ને જુવે કે ઊંચકી લે. બધાને દુઃખ થયું.
આ દેશની ખાસિયત છે લોકો ગમે ત્યારે ગમે ત્યાં મુવ થતા રહે અને બાળકો પણ એમની સાથે ફરતાં રહે એટલે જ કદાચ બધા દિલ ને બદલે દિમાગથી વધુ કામ લેતા હોય છે.
“Be prectical” એ અહીંયા નો જીવનમંત્ર છે.

શૈલા મુન્શા. તા. ૦૫/૩૧/૨૦૧૧.

« Previous PageNext Page »
Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.