September 24th 2026

ખાટી મીઠી હળવી પળો

“ઉંમરનો તકાજો છે શાણપણનો,
પણ મનનો તકાજો છે ગાંડપણનો.

ડહાપણની સીધી રેખા ચાલવામાં,
મન ગૂંચવાય છે દુનિયા ભાળવામાં.”
(કાવ્ય પંક્તિ-શૈલા મુન્શા)

જીવનના આ પડાવે ઘણીવાર મન યાદોના ઉપવનમાં ફરવા નીકળી પડે છે, અને ખટ મીઠા પ્રસંગોની હારમાળા નજર સમક્ષ તરવરી ઉઠે છે.
એવા જ એક બે મધુરા પ્રસંગોની વાત આજે મારે કરવી છે.
અમેરિકામાં રહેતા ભારતીય લોકો બધા તહેવારો કે સીમંત લગ્નપ્રસંગ જેવા પ્રસંગો ઉજવતા હોય એમાં અને ભારતમાં ઉજવાતા પ્રસંગો, તહેવારોમાં ઘણો ફરક હોય છે. લગ્નપ્રથાની ઉજવણીમાં પણ ફરક. અહીં વસતા ભારતીય લોકો હજી તો પરંપરાગત રીતે એમના દીકરા કે દીકરીના લગ્ન કરે છે જો બન્ને પાત્ર ભારતીય હોય તો, પણ સાથે સાથે અહીં જન્મીને મોટા થયેલા બાળકો અહીંની પ્રથા પણ અનુસરતા હોય છે.
એવીજ એક પ્રથા “Bridal shawer” જેમાં જેના લગ્ન થવાના હોય એ છોકરીની બધી બહેનપણી અને મમ્મીની બધી બહેનપણીઓ ભેગી થાય, રમત રમે અને છેલ્લે બધા ભેટસોગાદ અને આશીર્વાદ આપીને છુટા પડે. ગઈકાલે આવીજ રીતે અમે બહેનો અમારા મિત્રની દીકરીના ” Bridal shawer” માટે બપોરે એક મિત્રના ઘરે ભેગા થયા અને ત્રણ ચાર કલાક ધમાલ મસ્તી ચાલી. સાંજે બધાના પતિદેવો પણ રાત્રિભોજન માટે ત્યાં આવ્યા.
સરસ રીતે બધો કાર્યક્રમ પાર પડ્યો. મોટાભાગના મિત્રો રવાના થઈ ચુક્યા હતા અને અમે ચાર-પાંચ દંપતી ગપ્પાં મારતા હતા. લગ્નના પ્રસંગનો માહોલ હતો અને એક બહેનને પોતાના લગ્નજીવનના દિવસો યાદ આવી ગયા. એમના પતિનો ઉછેર ભારત બહાર થયો હતો અને એમને ગુજરાતી બોલતા આવડે પણ વાંચતા ના આવડે. એ બહેને તો સગાઈ થઈ એટલે હોંશમાં આવી ને પ્રથમ પ્રેમપત્ર લખ્યો. ભાઈને ગુજરતી વાંચતા આવડે નહિ એટલે એણે એની બહેનને કહ્યું, બહેનને પણ ગુજરાતી વાંચતા આવડે નહિ. એમને એમની બાને કહ્યું તો બા કહે મારાથી તારો કાગળ ના વંચાય.
આખરે લગ્નની પહેલી રાતે એમણે પત્નીને કાગળ આપીને કહ્યું આ વાંચી સંભળાવ. હું ક્યારનો એ જાણવા આતુર છું કે તે મને શું લખ્યું હતું? અમે બધા એ સાંભળીને ખડખડાટ હસી પડ્યા. કાગળ ઉપરથી વાત સાહિત્ય તરફ ફંટાઈ. બીજા એક ભાઈ બોલી ઊઠ્યા કે જુવાનીના કાળમાં હું બહુ અલંકારિક ભાષામાં લખતો હતો. બાજુમાં જ એમના પત્ની બેઠા હતાં એ બોલી ઊઠ્યા કે આપણા લગ્નને ચાલીસ વર્ષ થશે મેં તો ક્યારેય કોઈ અલંકારિક ભાષા સાંભળી નથી, અને બીજા મિત્રે ટહુકો કર્યો કે હવે તમને અલંકારિક ભાષામાં નહિ પણ સોનાના અલંકારોમા રસ છે.
આમ હળવી પળો માણીને બધા છુટા પડ્યા.
અસ્તુ,
શૈલા મુન્શા

April 19th 2011

જો જો ગંભીર ના થતાં

આમ તો માનનીય બ્રહ્માજીએ અમુક એવા મોડેલ ટેસ્ટીંગ વગર નીચે ધરતી પર મોકલી આપ્યા છે કે ઉપરથી ભગવાન આવીને લાખ યત્ન કરે તો પણ કોઈ વાતે ખુશ ના થાય. પણ પડ્યું પાનું નિભાવી લેવું એ ભારતીય સંસ્કૃતિ છે, અને પુરુષે આ પોતાની પત્નીને ખુશ રાખવા વિષયે યથાશક્તિ પ્રયત્ન કરવો જોઈએ. તો અહી પત્નીને ખુશ રાખવાના થોડાક ઉપાય બતાવ્યા છે. એ તમારે જાણવા જોગ.
1. તમે તમારી પત્ની સાથે વાતચીત કરતા હોવ ત્યારે વચ્ચે ના બોલો
2. સવારે ઓફિસ જતા મોજા જાતે શોધી લો
3. ઓફિસથી ઘેર આવીને મોજા બાથરુમમાં જાતે ધોવા નાખો
4. સાસુ સસરા કે કોઇ પણ પિયરીઆ ઘેર આવે તો એક નકલી પૂછડી ચોટાડી જોર જોરથી હલાવો (પણ એમને ચાટવાની કોશિશ ન કરશો!)
5. એ બીજા શહેરની હોય તો એના શહેરની કોઇ પણ ખુબી શોધી એના વખાણ કરો (અરે, આ તો શાયરોનુ શહેર નહી? પેલા કવિ “બેવકુફ” અહીનાં જ નહીં?)
6. એની કોઇ પણ સહેલીના રુપના વખાણ ક્યારેય ન કરો
7. એની સહેલી ઘેર આવી હોય તો ડ્રોઇંગ રૂમમાં વારેઘડીયે આંટા ન મારો
8. એની મમ્મીની રસોઇના વખાણ કરો
9. “હું કેવી લાગુ છુ” નો પ્રમાણિકપણે જવાબ આપવો શકય ના હોય તો એમ કહો કે “ આજે તો તું સાવ જૂદીજ લાગે છે”
10. એના મામાની સરકારમાં બહુ પહોંચ છે એવુ કહો, સાસુ પણ ખુશ રહેશે
11. “તારા પપ્પા બહુ સોશિયલ છે” એવુ મહિને ઓછામા ઓછુ એક વાર કહો
12. ટીવી જોતી વખતે : “અરે, જોતો, આ કેટરિનાએ તારા જેવી જ હેરસ્ટાઇલ કરી છે” એવુ કહો.
13. તમારી વાત ટુંકમાં કરો.
14. એના પિયરિયાનો ફોન હોય અને “આજે શાક કેવી રીતે દાઝી ગયુ?” એ વિષય પર લાંબી વાતચીત ચાલતી હોય તો તમે તમારા અગત્યના કામ પડતા મુકી ધીરજપુર્વક એ ફોન પુરો થાય ત્યાં સુધી રાહ જુઓ.
15. જમવા બેસતી વખતે પાણી જાતે ભરી લો
16. એની વાત ધ્યાન પુર્વક સાંભળો છો એવુ એટલીસ્ટ બતાવો તો ખરા જ.
17. એ કશુ કહેવા આવે તો છાપુ બાજુ પર મુકી વાત સાંભળો.
18. એ વાત કહેતી હોય ત્યારે ટી.વી. મ્યુટ કરી દો!
19. ઉતરન અને ક્રિકેટ મેચ સાથે ચાલતા હોય તો ઉતરન ચાલતી હોય તે ચેનલ મુકો. એ જો ભુલે ચુકે સામો વિવેક કરે તો એમ કહો કે “મેચ તો રોજ આવે છે”
20. એ એમ કહે કે “આજે બહુ ગરમી છે” તો પંખો ફાસ્ટ કરો યાર!
21. એ એમ કહે કે “આજે બહુ થાકી ગઇ છુ ” તો તરત કહો કે “ચાલ, આજે બહાર જમવા જઇએ”
22. એ એમ કહે કે “આજે રસોઇ કરવાનો મુડ નથી” તો તરત કહો કે “સાચુ કહુ, હું તો પીઝા મંગાવવાનુ જ વિચારતો હતો”
23. વાત વાતમાં એના સોગંદ ખાવ (તારા સમ, તુ સાચે આજે જુદી લાગે છે!)
24. બેડરુમમાં બામની વાસ સહન ના થાય તો ફરિયાદ કર્યા વગર કોક દિવસ ડ્રોઇંગરુમમા સુઇ જાવ.
25. કોઇ પણ ફરિયાદ કરવી હોય તો સીધી નહી પણ આડકતરી રીતે કરો જેમ કે: દાળ પાણી જેવી હોય તો “ આજે દાળ કંઇક જુદી જ હતી!” અને રોટલી કાચી બને તો “આ વખતે ઘંઉ સારા નથી આવ્યા” એમ કહો.
નોંધ:
૧) આ ઉપાયો અંગે લખનાર કોઈ ગેરેંટી નથી આપતા, તેમજ ઉપાય કારગત ના નીવડે તો આ અંગે કોઈ પણ પ્રકારની તકરાર કરાવી નહિ.
૨) આ ઉપાયો મેં અજમાવેલા છે કે નહિ તેવો બેવકુફ જેવો પ્રશ્ન કરવો નહિ. બેવકુફ જેવા પ્રશ્નો પૂછવાની પેટન્ટ મારી પાસે છે.
૩) ઉપરના ઉપાયો પર Analysis કરી સમય બગાડવો નહિ. એટલા સમયમાં પત્નીની ઘણી સેવા થઇ શકે છે.
૪) કુંવારાઓ માટે શું? એવા વાહિયાત સવાલો અહી ન કરવા. ૫)છોકરીઓએ આ આર્ટીકલ ફક્ત જાણ ખાતર વાંચવો.
માનવીની શાંતિની કસોટી સમાજમાં જ થઈ શકે. હિમાલયના શિખર પર નહિ.

હળવા દિલે વાંચો અને ઊપાય પોતાના જોખમે અજમાવો.
(મિત્ર દ્વારા ઈ મૈલમા મળેલ.)

શૈલા મુન્શા. તા. ૦૪/૧૯/૨૦૧૧

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.