May 22nd 2026

માનવતાનો જય?

આગ ઓકતો સૂરજ, ધીખતી ધરતી,
વૃક્ષો થયા નષ્ટ, ચીખતી વસતી.

જંગલો સિમેન્ટના ફૂટ્યાં કાળ જેવા,
નોંધારા બન્યા પશુ પક્ષી આશરો લેવા.

ઊકળતો લાવા તો જાય ઠરી, લીલીછમ્મ ધરતી કરી;
અગનગોળો વરસાવે આગ દિનરાત એક કરી.

ગુમાન માનવીનું સર્જે અણુબોમ્બ વિનાશકારી,
લાવશે પ્રલય બની બીજું હિરોશીમા નાગાશાકી.

જળ ત્યાં સ્થળ, સ્થળ ત્યાં જળ સર્જાયું મહાભારત;
વિનાશકાળે વિપરીત બુધ્ધિ, સર્જાશે બીજું મહાયુધ્ધ.

અવતાર લેશે ક્રુષ્ણ ફરી, કોણ જાણે?
થાશે માનવતાનો જય ફરી, કોણ જાણે?
થાશે માનવતાનો જય ફરી, કોણ જાણે?

શૈલા મુન્શા. તા. ૨૨/૦૫/૨૦૨૬

May 16th 2026

મૌનમાં છે સંમતિ!

મૌનમાં છે સંમતિ માની ના લેશો,
કરી ઉતાવળ કાંઈ માપી ના લેશો.
છે ગતિ વધુ વિચારોની વાયરાથી,
વાડ બાંધી છે સદીના દાયરાથી.

પ્રારબ્ધ આપશે બધું ધારી ના લેશો,
મૌનમાં છે સંમતિ માની ના લેશો.

રમત છે જિંદગી, તો જીરવો હાર;
પડતાંને પાટુ, બસ સહી લો માર.
આવશે સુખ તું હિંમત એવી ધાર,
કર્મ કર, ફળની આશા ના રાખ.

કાલ અજાણી, વાત જાણી ના લેશો;
મૌનમાં છે સંમતિ માની ના લેશો.
મૌનમાં છે સંમતિ માની ના લેશો!

શૈલા મુન્શા તા. ૧૪/૦૫/૨૦૨૬
www.smunshaw.wordpress.com

May 11th 2026

મા

વહી જાય વર્ષો મા કદી ભુલાતી નથી,
આરઝુ એક હાલરડાંની બુઝાતી નથી.

ઝબોળતી કદી પ્રેમના સાગર મહી,
ભૂલી અમારી સંતાડતી પાલવ મહી,

નીંદરે ઘેરાતી આંખલડી સજાવતી,
સપનાની ડાળે મુજને ઝુલાવતી;

હસી પાછળ દરદ એ છુપાવતી,
શીખ એ જ સદા અમને આપતી.

રહી ગઈ યાદ, તસવીરમાં ગઈ સમાઈ,
મા સ્મરણોની માળા સંવારતી ગઈ.

વહી જાય વર્ષો મા કદી ભુલાતી નથી,
આરઝુ એક હાલરડાંની બુઝાતી નથી.

શૈલા મુન્શા. તા. ૧૧/૦૫/૨૦૨૬
www.smunshaw.wordpress.com

May 11th 2026

ઉંમરનો તકાજો!

ઉંમરનો તકાજો છે શાણપણનો,
પણ મનનો તકાજો છે ગાંડપણનો.

ડહાપણની સીધી રેખા ચાલવામાં,
મન ગૂંચવાય છે દુનિયા ભાળવામાં.

નજરો આંબતી રહી ચાંદ પામવામાં,
વેંત ઓછા પડ્યાં સપના માપવામાં.

ઢીંગલી સજાવી રમતાં થઈ મોટી,
જિંદગીની રમતમાં થઈ સાવ ખોટી.

વાઘાં બધાં ફગાવી લઉં જીવી આજે,
મરી મરીને જીવવું શીદ કાજે?

બસ ઊડું આજે ગગન આંબવા,
ઊડું આજે ગગન આંબવા!!

શૈલા મુન્શા. તા.૧૧/૦૫ ૨૦૨૬
www.smunshaw.wordpress.com

March 6th 2026

કાગળ કોરો રહી ગયો!

ભીતર ભંડારી જે વાત બહાર આવે છે,
ટહુકો એક પ્રેમનો એકરાર લાવે છે.

લખવો હતો કાગળ જે કોરો રહી ગયો,
લાગણીનો સંદેશ બસ અધૂરો રહી ગયો.

ઊગતી જવાનીના ઓરતાં ફોરે છે હર દિલમાં,
જગ જીતવાની તમન્ના જાગે છે હર દિલમાં.

ઉઘાડી કમાડ દિલના, નજર જ્યાં કરી;
તસ્વીર સચ્ચાઈની બસ પાંપણે આવી.

તરંગને તુક્કા ક્યાં પડે છે સાચા,
લાગે છે પ્રેમમાં છે હજી કાચા!

કાચી ઉંમરનો પ્રેમ જન્મે છે દિલમાં,
ધડકન બની સદા રહી જાય છે દિલમાં!
બસ રહી જાય છે દિલમાં!!

શૈલા મુન્શા તા.૦૬/૦૩/૨૦૨૬
www.smunshaw.wordpress.com

February 27th 2026

તહેવાર હોળીનો!

બદલાતી મોસમનો ઈશારો છે,
ખીલતાં ગુલમહોરનો નજારો છે.

આંબા ડાળે મંજરી ફેલાવતી સુવાસ,
ગુંજતો કોયલનો ટહુકો ચોપાસ.

દહન હોલિકાનું કરે બુરાઈનો નાશ,
પ્રેમ ભક્તિનો માર્ગ જીવનની આશ.

ઉજવે નર નારી સહુ રંગોનો તહેવાર,
કાનુડો ખેલતો ગોપી સંગ ફાગણનો ફાગ.

હોળીનો તહેવાર લાવે ખુશી હર જીવનમાં,
ભુલાવી વેરઝેર, ચઢે પ્રેમનો રંગ હર દિલમાં.
બસ ચઢે પ્રેમનો રંગ હર દિલમાં!!

શૈલા મુન્શા તા.૨૭/૦૨/૨૦૨૬
www.smunshaw.wordpress.com

December 26th 2025

આવકાર ૨૦૨૬નો

વિદાય ભલેને હો અઘરી,
પણ યાદોની પેટી છે ભરેલી.

સમય ભલેને થાતો પસાર,
પણ નવીનતાનો છે આસાર.

વિત્યું વરસ ભલેને ચકડોળ જેવું,
સુખ દુઃખ, આશા નિરાશાથી ભરેલું;

હો સત્તા પલટો કે કુદરતનો કેર,
જીતે માનવતા ભુલીને વેરઝેર.

અંત ભલેને થાય ૨૦૨૫નું,
પણ સ્વાગત છે દિલથી ૨૦૨૬નું.

નવ વર્ષ લાવે નવજીવનની આશ,
હો સુખ શાંતિને સમૃધ્ધિ ચોપાસ;
હો સુખ શાંતિને સમૃધ્ધિ ચોપાસ.

શૈલા મુન્શા તા.૨૬/૧૨/૨૦૨૫
www.smunshaw.wordpress.com

December 7th 2025

સપના જો વેચાય તો!

સપના જો વેચાય તો લઉં ખરીદી,
પણ જિંદગી ક્યાં ખરીદાય છે!

સુધારાય જો ભૂલ તો લઉં સુધારી,
પણ માફી ક્યાં મંગાય છે!

બાળપણ મળે પાછું, તો લઉં બચાવી;
પણ બુઢાપો ક્યાં રોકાય છે!

મળે જો તક તો માસુમિયત લઉં સાચવી,
પણ હેવાનિયત ક્યાં અટકાવાય છે!

મોત જો રોકાય તો લઉં રોકી,
ક્ષણ ક્યાં એક આઘીપાછી થાય છે!

મનની મુરાદ જો ફળે તો માંગુ ઈશ્વરી શક્તિ,
માણસાઈ ભરી દુનિયા બનાવી લઉં!

સપના જો વેચાય તો લઉં ખરીદી,
પણ જિંદગી ક્યાં ખરીદાય છે!

શૈલા મુન્શા. તા.૭/૧૨/૨૫
www.smunshaw.wordpress.com

November 18th 2025

ફુટી એક કુંપળને આવી વસંત!

ફૂટી એક કુંપળને આવી વસંત,
ટહુકી એક કોયલને લાવી વસંત!

રણકી ઝાંઝર નવોઢાની લજાતી વસંત,
છંટાયો ગુલાલ ભાઈને રંગાતી વસંત!

આંબે આવ્યાં મહોર, ચહેકી વસંત,
સોડમ ધરતીનીને મહેકી વસંત!

લહેરાતાં ઊભા મોલ, ઝુમતી વસંત,
મેળે મહાલતાં માનવીને રમતી વસંત!

ભુલાઈ એ પાનખર, ખીલતી વસંત;
સમીર સંગ ખુશ્બુ ફેલાવતી વસંત!

શૈલા મુન્શા૨૯/૦૨/૨૦૨૧

October 15th 2025

દીવાળી આધુનિક

આવી દીવાળી ભાઈ આવી દિવાળી,
ધનતેરશે લક્ષ્મીપૂજન થાયને,
આસોની અમાસે ચોપડાપૂજન થાય
કરી મંગળ કામના નવું વર્ષ ઉજવાય!

ગઈ ક્યાં ખોવાઈ એ દિવાળીને નવ વર્ષની ઉજવણી,
રજા પાંચ દિવસનીને, દિવાળી બને શોભા હિલ સ્ટેશનની
મઠિયા ચોળાફળી થયાં આઉટ ઓફ ફેશન,
ડ્રાયફ્રુટને, ચોકલેટ કુકી ઘરને કરે રોશન!

તેલનાં કોડિયાં રંગોળી ગયાં વિસરાય
તૈયાર રંગોળી દરવાજેને, બેટરી કોડિયાંના તોરણ બંધાય
દિવાળી તો આમ ઉજવાય ભાઈ,
હવે તો દિવાળી આમ ઉજવાય!!

શૈલા મુન્શા તા.૧૫/૧૦/૨૦૨૫

Next Page »
Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.