
શ્રી નવીનભાઈ બેન્કર,
એક ઉમદા વ્યક્તિત્વ, બહુમુખી પ્રતિભા અને હ્યુસ્ટનની ભારતિય કોમ્યુનિટીમાં આદરથી લેવાતું નામ. સિનિયર્સ એસોસિએશનના કાયમી સભ્ય. ક્યારેય પદની લાલસા કર્યાં વગર સહાયક રુપે હમેશા મદદગાર, કેટલાને પોતાની ગાડીમાં લીફ્ટ આપી એમના ઘરે પહોંચાડવા હમેશ આગળ. ગુજરાતી સમાજના કાર્યક્રમો જુના સ્ટાફર્ડ થિએટરમાં ભજવાય ત્યાં હાથમાં ટોર્ચ લઈ મહેમાનોને એમની સીટ સુધી પહોંચાડવાનુ કામ સેવાભાવે કરવા સદા તત્પર.
પોતાની માંદગીની જાણ મિત્રોને ૬ સપ્ટેંબરે જાતે ઈમૈલથી કરતાં જણાવે આ મારી છેલ્લી ઈમૈલ છે, અને એના જવાબમાં કોઈ ડોશીમા એમના પત્નિને ફોન કરી પુછે હવે “નવીનભાઈનુ કેટલે આવ્યું?” આવી પોતાની જાત પર રમૂજ પણ કરી શકે; એ વિભુતિને નશ્વર દેહ છોડીને ગયે હજુ ચોવીસ કલાક પણ નથી થયા અને આખા અમેરિકા, ભારત, લંડન અને ના જાણે ક્યાં ક્યાંથી શોક સંદેશા, શ્રધ્ધાંજલિ અને આપ્તજન ગુમાવવાની વેદના ફોન, ઈમૈલ, વોટ્સેપ, ફેસબુક દ્વારા એમના કુટુંબને મળી રહી છે.
એમના અંગત મિત્રોમાં સ્થાન મેળવવાનુ સૌભાગ્ય પ્રશાંત અને મને મળ્યું ત્યારે એમની યાદમાં, (જે ક્યારેય દિલમાંથી ભુંસાવાની નથી} એક ભાવ અંજલિ અમારા અને ગુજરાતી સાહિત્ય સરિતાના તમામ સભ્યો વતી,
अच्छा चलता हुं,
दुआओमें याद रखना;
मेरे झिकरका जुबांपे स्वाद रखना।
दिलके संदूकोमें
मेरे अच्छे काम रखना,
चिठ्ठि तारोमें भी;
मेरा तु सलाम रखना।
अंधेरा तेरा मैने ले लिया,
मेरा उजला सितारा तेरे नाम किया;
महेफिलमें तेरी,
हम ना रहे जो;
गम तो नहि है!
तेरे रुखसे अपना रास्ता,
मोडके चला!
चांद हुं मैं,
अपनी खुश्बू छोडके चला।
मनकी माया रख के
तेरे तकिये तले,
बैरागीका सुती चौला;
ओढके चला।
આ ગીત એના બોલ અને આ મુવી “ઐ દિલ હૈ મુશ્કિલ” મને ગમતાં ઘણા મુવીઓમાંનુ એક છે. આજે આ ગીત સાંભળી રહી હતી અને યાદ કરી રહી નવિનભાઈ બેન્કરને!!
જિંદગીના અંતિમ પડાવે આ ગીત એના શબ્દો એમની જિંદગીની દાંસ્તા વર્ણવે છે. મન મોજીલા નવીનભાઈ મરણને કેટલી સહજતાથી લઈ શક્યા એ એમની ઈમૈલ દ્વારા ઘણા મિત્રોને ખબર છે. નાટકના જીવ છેલ્લી ઘડી સુધી એમની વાતો સાચી છે કે કોઈ નાટકિય અદા એના ભ્રમમાં જ અપણે રહીએ. કેટલો ખજાનો ભર્યો છે એમની પાસે! એમના લખાણોમાં કેટલાય કલાકારો, લેખકો, કવિઓની મુલાકાતથી ભરેલા એમના આલ્બમો, અઢળક ફોટા, પુસ્તકોનો ખજાનો!!!
એમના જ શબ્દોમાં,
“આ યાદોની તવારિખની વાતો લખું તો એક આખુ પુસ્તક થઈ જાય”
સલમાનખાનને હું વેસ્ટહેમર સ્ટ્રીટ પર એક ગીટાર સ્ટોરમાં લઈ ગયેલો. સંજય દત્તને હોટેલ હિલ્ટનની બાજુમાં આવેલી કોલોરાડો નાઈટક્લબમાં રાત્રે એક વાગ્યે લઈ ગયેલો. શક્તિકપૂરને વોલમાર્ટ માં ખરીદી કરવા લઈ ગયેલો. વીલન રણજીતને અને એક્ટ્રેસ મધુને હિલક્રોફ્ટ પર આવેલા એક રેસ્ટોરન્ટમાં ઢૉસા ખવડાવવા લઈ ગયેલો.. લતા મંગેશકર માટે ડીનર લઈને હોટલ પર ગયેલો અને તેમણે જમી લીધું ત્યાં સુધી હું તેમની સાથે રહેલો. સલમાન અને સંગીતા બિજલાનીના ફોટા, મેં હિલ્ક્રોફ્ટ પરની હિલ્ટન હોટલના પાર્કીંગ લોટમાં પાડ્યા હતા. બબિતા ( કરિશ્મા અને કરીનાની મમ્મી) ને લઈને આઇ-ટેન અને ગેસ્નર પાસેના એક મોલમાં ખરીદી કરાવવા લઈ ગયેલો અને કરિશ્માનો શો અમે સાથે બેસીને માણ્યો હતો. જયા ભાદુરી, પદ્મારાણી, હેમા માલિની સાથે પણ ખુબ યાદો છે.”
પોતાની જાત વિશે પણ હસી શકે એવું ઉમદા વ્યક્તિત્વ નવિનભાઈનુ.
પોતાની ઓળખ આપવાની એમની રમુજી રીત તો જુઓ,
“અમારે હ્યુસ્ટનમાં એક ‘કાકા’ રહે છે. આમ તો એ ખરેખર ઉંમરને હિસાબે કાકા જ છે. પણ એ જુદા જુદા સ્થળે જુદા જુદા નામથી ઓળખાય છે.
દર ગુરૂવારે એ હિલક્રોફ્ટ એવન્યુ પર આવેલા પટેલ બ્રધર્સમાં ગુજરાત સમાચાર અને ગુજરાત ટાઇમ્સ નામના ગુજરાતી છાપાં ખરીદવા જાય ત્યારે પહેલા ફોન પર પુછી લે કે ‘ભાઈ, છાપાં આવી ગયા ? કાઉન્ટર પરથી જવાબ મળે કે ‘હા…આવી ગયા. આવી જાવ, કાકા’. એ પછી જ કાકા સ્ટોર પર જાય એટલે પેલો કાઉન્ટર પર ઉભેલો માણસ બીજાને કહે કે ‘પેલા છાપાવાળા કાકા આવી ગયા છે . તેમને બન્ને છાપાં આપી દો..’ અહીં એ કાકા,’ છાપાવાળા કાકા ‘તરીકે જ ઓળખાય.
એ જ સ્ટ્રીટ પર, શુભલક્ષ્મી ગ્રોસરી સ્ટોર પર, ગરમ ગરમ રોટલીનું પેકેટ લેવા જાય ત્યારે, કાઉન્ટર પરની છોકરી , અંદર રોટલી કરતા બહેનને ફોન પર જણાવે કે ‘પેલા રોટલીવાળા કાકા આવી ગયા છે. તેમનું પેકેટ બહાર કાઉન્ટર પર આપી જાવ.’
અહીં આ કાકાનું નામ ‘રોટલીવાળા કાકા’ તરીકે જ જાણીતું.
મંદીરમાં, પત્નીના ડ્રાઇવર તરીકે , જાય ત્યારે બાંકડે બેઠેલા અન્ય કાકાઓ તેમને ‘નાસ્તિક કાકા’ તરીકે ઓળખે. બાંકડે બેઠેલાઓને ‘નાસ્તિક’ અને ‘રેશનલ’ વચ્ચેના ભેદની ખબર નથી હોતી.
મંદીરાના કોઇ ઉત્સવ વખતે, મંદીરની દીકરીઓ આ કાકાને તેમના ગ્રુપના ફોટા પાડવા અને એ અંગે અહેવાલ લખવા વિનંતિ કરે ત્યારે એ કાકા ‘ફોટાવાળા કાકા’ તરીકે ઓળખાય.
અહીં કોઇને તેમના ઓરીજીનલ નામની ખબર જ નથી. અને આ ફુલણજી કાગડો પોતે કોઇ બહુ મોટો જાણીતો માણસ થઈ ગયો છે એવા ભ્રમમાં જીવે છે.
શ્રીરામ…શ્રીરામ…”
આવા અને કેટલાય અનુભવો ગુજરાતી સાહિત્ય સરિતાના એમના બ્લોગ “એક અનુભૂતિ એક અહેસાસ” પર વાંચવા મળશે.
એમના જીવન વિશે, ભાઈ બહેનો, પત્નિ, સમાજ, વિશેષ મુલાકાતો અને એમના વિવિધ ફોટાઓ થી આ બ્લોગ પોતે જ એક ખજાનાથી કમ નથી.
મારું અને પ્રશાંતનુ એ સૌભાગ્ય છે કે એમની સાથે કેટલીય ઉમદા પળો માણવાનો મોકો મળ્યો છે, એમના નાટકિય હાવભાવમાં ખૂબ બધા પ્રસંગોનુ વર્ણન સાંભળતા સમયનુ ભાન નથી રહ્યું. ખાવાના શોખીન પણ ગુજરાતી વાનગી સિવાય ખાસ બીજું ના ભાવે પણ મારા ઘરમાં નાસ્તાના ડબ્બા, એમને ભાવતી કાજુ કતરી બધું એમને ખબર અને જાતે ડબ્બો ખોલી ખાવાની આઝાદી!!!
પોતાના વિચારોને કોઈ ડર વગર રજૂ કરવાની ખુમારી ધરાવતા, આવી બહુમુખી પ્રતિભા માટે જ જાણે આ ગીત સર્જાયું હોય એવું લાગે છે.
अच्छा चलता हुं,
दुआओमें याद रखना;
मेरे झिकरका जुबांपे स्वाद रखना।
महेफिलमें तेरी,
हम ना रहे जो;
गम तो नहि है!
तेरे रुखसे अपना रास्ता,
मोडके चला!
चांद हुं मैं,
अपनी खुश्बू छोडके चला।
અસ્તુ,
પ્રમુખ-ગુજરાતી સાહિત્ય સરિતા હ્યુસ્ટન
શૈલા પ્રશાંત મુન્શા તા.૦૯/૨૧/૨૦૨૦