May 5th 2009

જીંદગી જીવી જાણો

લાંબી આ સફરમાં જીંદગીના ઘણા રૂપ જોયા છે
તમે એકલા શાને રડો છો, સાથી તો અમેય ખોયા છે

આપ કહો છો આમને શું દુઃખ છે, આ તો સદા હસે છે
અરે! આપ શું જાણો આ સ્મિતમા કેટલા દુઃખ વસે છે

મંઝીલ સુધી ના પહોંચ્યા તમે એ વાતથી દુઃખી છો
અરે! ચાલવા મળ્યો રસ્તો તમને, એટલા તો સુખી છો

આપને ફરિયાદ છે કે કોઇને તમારા વિશે સુઝ્યુ નથી
અરે! અમને તો “કેમ છો?” એટલુંય કોઈએ પુછ્યું નથી

જે થયું નથી એનો અફસોસ શાને કરો છો,
આ જીંદગી જીવવા માટે છે, આમ રોજ રોજ શાને મરો છો?

આ દુનિયામા સંપુર્ણ સુખી તો કોઈ નથી
એક આંખ તો બતાવો મને જે ક્યારેય રોઈ નથી.

બસ એટલુંજ કહેવું છે કે જીંદગીની દરેક ક્ષણ દિલથી માણો
નસીબથી મળી છે જીંદગી તો એને જીવી જાણો.

“અનામી કવિ ”
મિત્ર દ્વારા ઈમેલ મા મળેલું કાવ્ય જે મનને અસર કરી ગયું .

શૈલા મુન્શા – તા.૫/૫/૨૦૦૯

April 13th 2009

ગુજરાતી શબ્દ સ્પર્ધા પૂર્વ તૈયારી

ક્રમ શબ્દ  અર્થ શબ્દ પ્રયોગ
મંગલારંભ ગણેશ મંગલારંભ બોલીને શુભ કાર્ય કરવું.
મંથજ માખણ  દહીં વલોવવાથી મંથજ નીકળે.
મકરંદ આંબો ભમરો,પુષ્પ રજ્  મકરંદ ફળોનો રાજા ગણાય છે.
 મચાન માંચડો   સિંહના શિકાર માટે ઝાડ પર મચાન બાંધવામા આવે.
મડ  વ્યંગ  તે મડમા બોલે છે કે મજાકમા તે ખબર નથી.
મત્યા ધન   આ યુગમા જેની પાસે મત્યા હશે તેની બોલબાલા હશે.
મધુજા પૃથ્વી  મધુજા નવ ગ્રહમા નો એક ગ્રહ છે.
મધુલી જેઠીમધ   ઉધરસની ખાસ દવા મધુલી.
મરાલ કાજળ  મરાલથી આંખોની શોભા વધે છે.
૧૦ મલદલ દળવું   અનાજને મલદલ કરવાનો જમાનો ગયો.
૧૧ મહ તેજ  સાચા સંતનુ મહ છાનુ ન રહે.
૧૨ મહાકાંત શિવ   મહાકાંત એ પ્રલયના દેવ ગણાય છે.
૧૩ મહિષી પટરાણી, ભેંસ  રૂક્ષ્મણી ક્રુષ્ણની મહિષી હતી.
૧૪  માનભોગ મહાપ્રસાદ  મંદિરમાથી માનભોગ લીધા વગર પાછા ન જવાય.
૧૫ મુંગરા મોગરાનુ ફૂલ મુંગરાની સુગંધ ચારેકોર ફેલાય, મકરંદ ગુંજન સંભળાય રે
૧૬ મુખર કાગડો  મુખર અને કોયલ વાને કાળા, ને ગાને તરત પરખાય જી
૧૭ મુદા  આનંદ  મુદા વહેંચવાથી વધે છે.
૧૮ મ્રુગશિર માગશર માસ  કારતક પછીનો માસ એ મ્રુગશિર માસ.
૧૯ મંદાદર અવિનયી    વડીલ સામે મંદાદર ના થવાય.
૨૦ મણહર રમણીય   ચાંદની રાતની શોભા મણહર હોય છે
March 16th 2009

વસંત

વાસંતી વાયરાએ કીધું અડપલું
ને ખિલ્યો ગુલમહોર મારે અંગ
ભૂલી ને ભાનસાન હું તો વહેતી રહી
એ વાયરાની સંગ સંગ.

ફોર્યો ફાગણને ફોર્યો ઓલો કેસૂડો
ને છંટાયો ગુલાલ મારે અંગ
છંટાણી લાલિમા એ રંગોની ચારેકોર
ને ભૂલીને ભાનસાન હું તો રમતી રહી
એ રંગોની સંગ સંગ.

રૂખા એ વૃક્ષો બન્યા સજીવન,
ને મહેકી ઉઠ્યા ફૂલડાં વન ઉપવન
ફેલાણી એની મહેક ચારેકોર
ને ભૂલીને ભાનસાન હું તો મહેકી રહી
એ ફૂલોની સંગ સંગ

ટહુકો મધુરો ગુંજતો કોયલનો
જાણે રેલાયા બંસીના સૂર
સૂરોને તાલ ખેલંતો કાનૂડો ફાગ
ને ભૂલીને ભાનસાન હું તો રંગાતી રહી
એ કાનૂડાની સંગ સંગ

વાસંતી વાયરાએ કીધું અડપલું
ને ખિલ્યો ગુલમહોર મારે અંગ.

શૈલા મુન્શા. ૩/૧૫/૨૦૦૯.

March 16th 2009

શબ્દ

શબ્દ ને મૌન હોય એમ પણ બને
અને વળી શબ્દથી કોઈ ઘવાય,
એમ પણ બને.

શબ્દની માયાજાળ અનોખી
કોઈને તારે, કોઈને ડુબાડે,
કોઈને હસાવે, કોઈને રડાવે
એ ખુબી શબ્દની.

પહોંચે માનવી ઉન્નતિના શિખરે
બસ એક શબ્દ થકી,
અને વળી એજ શબ્દ બને
સીડી પતન કેરી.

છૂટ્યું તીર કમાનથી વળે ન પાછું,
ન વળે પાછો શબ્દ છૂટ્યો જે જબાનથી
ઘડી સોચે ઘડી થોભે જો માનવી બોલતા પહેલા,
ન રહે કોઈ વેરઝેર, ના કોઈ લડાઈ જગમા.

કદી બને એવું, બને શબ્દ નિઃશબ્દ
સાથ જો હો પ્રિયજન તો
બસ બોલતી રહે આંખો અને
મૌન બને શબ્દ.

શૈલા મુન્શા. ૨/૧૧/૨૦૦૯

January 30th 2009

હાઈકુ

૧- આથમી સાંજ,
 રજનીનો ઊજાશ
ચમક્યાં તારા

૨ ઉગ્યું પ્રભાત
નવોઢા નું સિંદુર
સુર્ય લાલીમા

૩-વાસંતી વાયુ
વાયરાનુ અડવુ
ફુલો મલક્યાં

૪- ધવલ રૂપે
બરફનાં ઢગલા
જો હિમાલય્.

શૈલા મુન્શા- તા.૧/૨૯/૨૦૦૯

January 29th 2009

મુહોબ્બત

મળવી મુશ્કેલ મુહોબ્બત જગમાં
મળે તો સાચવવી મુશ્કેલ
મુહોબ્બત જગમાં;

ના કિંમત સમજાય એની
હોય નજર સામે જ્યારે,
થાય પસ્તાવો જીવનભરનો
જાય સરકી પલમાં જ્યારે.

માગે કુરબાની ઘણી મુહોબ્બત
બસ આપવાનું જાણે મુહોબ્બત
મુહોબ્બત ખુદાનુ રૂપ બીજું
હ્રદય સિવાય ઘર ના બીજું

ન રહે તારા મારાનો ભેદ મુહોબ્બતમાં
બસ જીવાય જીંદગી સાચી મુહોબ્બતમાં.

મળવી મુશ્કેલ મુહોબ્બત જગમાં
મળે તો સાચવવી મુશ્કેલ
મુહોબ્બત જગમાં!

શૈલા મુન્શા તા.૧/૨૯/૨૦૦૯

January 18th 2009

નિવૃતિ નિવાસ

પુરુષોત્તમ ભાઈ -લેખિકા-શૈલા મુન્શા (વાર્તા)

મહાબળેશ્વરનાં કુદરતી સાનિધ્યમાં પહાડો અને ખળખળ વહેતાં ઝરણાની પાડોશમા એક વિશાળ બંગલો. કોઈ અમીરની કૃપાથી એ બંગલાનુ નિવૃતિ નિવાસમાં રુપાંતર થયું જ્યાં પંદર થી વીસ વ્યક્તિઓ આરામથી દરેક પ્રકારની સુખસગવડ સાથે રહી શકે.જ્યાં સ્વજનોથી તરછોડાયેલા વ્યક્તિને પોતાપણાનો અહેસાસ થાય. જ્યાં જાતપાત કે ધર્મના વાડામાં બંધાયા વગર જીવનની પાછલી અવસ્થા શાંતિથી પસાર થાય.
એવા એ નિવૃતિ નિવાસમાં સવાર તો રળિયામણી ઊગી હતી પણ અચાનક કાળું વાદળ આવીને સૂરજને ઢાંકી દે અને ચોપાસ સૂનકાર છવાઈ જાય તેમ અચાનક અવંતિકાબેનની બુમ પડી. અરે! વલ્લભદાસ, ડો. પરાંજપે, પુરુષોત્તમભાઈ બધા જલ્દી આવો. આ સરગમબેનને કાંઇક થઈ રહ્યું છે, પરસેવે રેબઝેબ થઈ ગયા છે, અને બધા પહોંચે કાંઇક સારવાર શરુ કરે એ પહેલા તો સરગમબેને ડોક ઢાળી દીધી.
નિવૃતિ નિવાસના રહેવાસીઓમાં આ પહેલું મૃત્યુ બધાને ખળભળાવી ગયું. વલ્લભદાસતો છુટ્ટા મોઢે રડી પડ્યા, અવંતિકાબેનની તો જાણે વાચા જ હરાઈ ગઈ. બધા હાંફળા ફાંફળા થઈ ગયા. ઘડી બે ઘડી તો સર્વને શું કરવું એની જાણે સુઝબુઝ જ ના રહી. પેસ્તનજી તો જાણે બાવરા બની બોલવા માંડ્યા અરે! સરગમબેન ઘડી તો રાહ જોવી હતી, અરે તમારી આગળ હું ઊભો રહી ગયો હોત. મારી તો અહીં કાંઈ જરુર નથી પણ તમે સર્વેના મા સમાન, બધાને ઘડીમાં નોંધારા કરી ગયા.
સરગમબેન ભણતરે નર્સ એટલે અહીંયા પણ બધાંની મા અને મોટીબેન બનીને હંમેશા સાચી સલાહ આપતા, અને નવી આવનાર વ્યક્તિને સંભાળી લેતા. અવંતિકાબેન તો જ્યારે નિવૃતિ નિવાસમાં આવ્યા ત્યારે કેટલાય દિવસ સુધી સૂનમૂન હતા. એ વૃધ્ધ માને એક જ વાત કોરી ખાતી કે મા ના ગરીબ ખોરડામાં પાંચ પાંચ દીકરા સમાઈ શક્યા પણ ઘરડી મા અમીર પાંચ દીકરાના મહેલમાં ન સમાઈ શકી. ત્યારે સરગમબેને જે હુંફ અને ધીરજથી એમની લાગણીની માવજત કરી, એ યાદ એમની આંખમાંથી આંસુના રેલા બનીને વહી રહી હતી.
પુરુષોત્તમભાઈ જીવાણી ધંધે વકીલ અને નિવૃત થયા પછી પણ વકીલશાહી સ્વભાવમાંથી ગઈ ન હતી. એ તુમારશાહીને સરગમબેને કેવી સહજતાથી માનવતાવાદમાં ફેરવી નાખી એનો પુરુષોત્તમભાઈને ખ્યાલ સુધ્ધા ના આવ્યો. દુઃખના પ્રથમ આંચકામાંથી બહાર આવીને બધાએ સરગમબેનના આત્માને શાંતિ મળે એ માટે પ્રભુપ્રાર્થના કરવાનું નક્કી કર્યું.
સંધ્યા ધીમેધીમે રાતમાં પલટાઈ ગઈ, અને દરેક જણે પોતપોતાના રૂમમાં જઈ નિંદ્રાદેવીનું શરણ લેવાનો પ્રયત્ન કર્યો. દરેક રૂમમાં બે વ્યક્તિ રહી શકે એવી સગવડ રાખવામાં આવી હતી જેથી કોઈ વ્યક્તિને એકલવાયું ના લાગે અને રાતવરત જરૂર પડે એકબીજાની હુંફ રહે.
પુરુષોત્તમભાઈ અને સોહિલ સાઠે બન્ને એક જ જમાતના લોકો. પુરુષોત્તમભાઈ વકીલ તો સોહિલ સરકારી અધિકારી, અને સાથે થોડી વકીલાત પણ કરી હતી તેથી એ બન્નેને ભૂતકાળના પ્રસંગો અને કોર્ટના કેસની વાત કરવાની મઝા આવે તેથી એ બન્ને એ એક જ રૂમમાં સાથે રહેવાનું રાખ્યું હતું.
આમ તો બહાર રાતનો સોપો પડી ગયો હતો પણ સોહિલ જોઈ રહ્યો હતો કે પુરુષોત્તમભાઈ પડખાં ઘસી રહ્યાં છે. છેવટે ન રહેવાતા સોહિલે ધીરેથી હાંક પાડી, પુરુષોત્તમભાઈ ઊંઘ નથી આવતી? શા વિચારે ચઢી ગયા છો? અને સોહિલના સવાલે પુરુષોત્તમભાઈ ની આંખમાં આંસુ આવી ગયાં. સોહિલ, સરગમબેનના મૃત્યુએ મને વિચાર કરતો કરી દીધો. કાલ ઊઠીને આપણે સર્વે એ એજ માર્ગે જવાનુ છે. સરગમબેન તો નસીબદાર કે કોઈની પાસે પાણીનો પ્યાલો માંગવા પણ ના રોકાયા અને છૂટી ગયા. ખરો પુણ્યશાળી આત્મા પણ આપણું શું? એમ વાતો કરતા આંખ ઘેરાવા માંડી અને અર્ધનિંદ્રિત અવસ્થામાં પુરુષોત્તમભાઈ પણ જાણે સરગમબેન સાથે ચિત્રગુપ્તના દરબારમાં પહોંચી ગયા, અને ચિત્રગુપ્ત જાણે એમના જીવનનું સરવૈયું કાઢી રહ્યાં છે. “પુરુષોત્તમભાઈ જીંદગીનાં જમા ઉધારમાં કયું પલ્લું ભારે છે?” અને પુરુષોત્તમ્ભાઈની નજર સામે જીવનના પાના એક પછી એક ઉઘડવા માંડ્યા.
પાંચ વર્ષનો પુરુષોત્તમ. માબાપનું એકનું એક સંતાન, લાડકોડમાં મોટો થયો. બાપાની ઇચ્છા વકીલ થવાની હતી પણ ઘરની જવબદારીએ ઈચ્છા પૂરી ના થઈ શકી. એ ઇચ્છાનું બીજ એમણે પુરુષોત્તમમાં રોપ્યું, અને પુરુષોત્તમ ભણીગણીને મોટો વકીલ થયો. વકીલાતની સનદ લઈ બરોડાની કોર્ટમાં કેસ લડવાની શરુઆત કરી. ફોજદારી કેસમાં ધીરેધીરે ફાવટ આવતી ગઈ અને ત્રણ વર્ષમાં તો વકીલાતની દુનિયામાં પુરુષોત્તમભાઈનુ નામ આગળ પડતું ગણાવા માંડ્યું.
સારા ઘરની કન્યાના માંગા આવવા માંડ્યા અને બાપાએ ખાનદાન જોઈને સંસ્કારી ઘરની કન્યા રમાને પસંદ કરી દીકરાના રંગેચંગે લગ્ન કરાવી આપ્યા. લગ્નજીવનની શરુઆત થઈ.રમા ખુબજ શાંત સ્વભાવની, પુરુષોત્તમભાઈની એકેઍક વાતમાં સંમત કદિ કોઈ વાતમા વિરોધ કે પોતાનો અંગત અભિપ્રાય નહિ. જેના કારણે પુરુષોત્તમભાઈ વધુ ને વધુ આપખુદ બનતા ગયા. સમાજમાં મોભો વધતો ચાલ્યો અને કોર્ટની દુનિયામા નામના વધતી ચાલી.
કેસની તૈયારી એટલી ઝીણવટપૂર્વક કરે કે ભલભલા વકીલોના છક્કા છુટી જાય. નબળો લાગતો કેસ પણ પુરુષોત્તમભાઈના હાથમા આવે કે કાયદાની એટલી બારીકાઈથી એ લડીને સચ્ચાઈ સબિત કરી આપે, અને હારની બાજી જીતમા પલટાવી નાખે. જેમ જેમ વકીલાતની દુનિયામા નામના મેળવતા ગયા તેમ તેમ જાણે ઘરથી દૂર થતા ગયા.
ઘરમા બે સરસ મજાના દિકરા રમતા થયા-નિલેશ અને નિલય, પણ પુરુષોત્તમભાઈને બાળકો સાથે વાત કરવાનો પણ સમય નહી તો પછી સાથે બેસીને રમવાની તો વાત જ ક્યાં? ઘરમા પણ એક રુમ ને એમણે પોતાની ઓફીસ બનાવી હતી. રમાને સખત તાકીદ કે બાળકો ભુલેચુકે પણ એ રુમની આસપાસ ના ફરકે. બાળકોને મન તો પિતા જાણે એક અગમ્ય અસ્પ્રુશ્ય વ્યક્તિ. મોટાભાગે તો એમનો મેળાપ જ ના થાય. નિલેશ નિલયની શાળાનો સમય સવારનો, મમ્મી જ બંનેને તૈયાર કરી સ્કૂલ બસમા રવાના કરે અને રાતે જ્યારે પુરુષોત્તમભાઈ ઘર આવે ત્યારે બંને બાળકો ઊંઘી ગયા હોય.શનિ રવિ પણ ઘર અસીલોથી ભરેલું હોય. ઘરમા જ્યાં સુધી પપ્પાની હાજરી હોય ત્યાં સુધી બાળકોથી મોટા અવાજે ટીવી ના ચાલુ કરી શકાય કે ના જોરથી હસીરમી શકે.
નિલેશ મોટો અને સમજુ, ભણવામા હમેશા પહેલો નંબર લાવે. માની કાળજીને કારણે શાળામા બીજી ઈતર પ્રવૃતિઓમા પણ ઘણો આગળ અને હમેશા વકૃત્વ સ્પર્ધામા પ્રથમ ઈનામ જીતી લાવે, પણ પિતાની હાજરીમા સાવ મૂંગો બની જાય. નાનો નિલય રમતિયાળ. શાળામા હમેશા રમતગમતની હરિફાઈમા ઈનામ જીતી લાવે. શાળામા જ્યારે પણ ઈનામ વિતરણ સમારોહ કે બીજા કાર્યક્રમો હોય ત્યારે હમેશા રમા જ બધે હાજરી આપે. પુરુષોત્તમ્ભાઈને તો સમય જ ક્યાં?
નાનો નિલય જ્યારે બીજાના મમ્મી પપ્પાને જુએ તો રમાને સવાલ કરી બેસે કે મારા પપ્પા કેમ મારી સ્કુલમા નથી આવતા? ક્યારેક રવિવારે ઘરની બારીમાથી નીચે મેદાનમા એના મિત્રોને એના પપ્પ સાથે ક્રિકેટ રમતાં જોઈને એ બાળ માનસને અચૂક મનમાં સવાલ જાગે કે મારા પપ્પા કેમ અમારી સાથે નથી રમતાં? એ અણસમજુ બાળકનાં સવાલનો રમા પાસે કોઈ જવાબ નહીં. બાળકોનું મન બીજે વાળવા એ પતિનો બચાવ કરતી કે તમારા ભવિષ્ય માટે પપ્પા ખુબ મહેનત કરે છે જેથી એ ખૂબ પૈસા કમાય અને તમને સારું ભણતર આપી શકે, પણ એ જોઈ શકતી હતી કે બાપ દિકરાઓ વચ્ચેની ખાઈ પહોળી થઈ રહી છે. ના તો એ પતિને કાંઈ કહી શકતી કે ના તો બાળકોનાં મનને સંતોષી શકતી. એ ફક્ત એકજ વસ્તુ કરી શકતી, પોતાનો બધો પ્રેમ એ બાળકો પર ન્યોછાવર કરી દેતી.
એક તરફ બાળકો મોટા થતાં ગયા અને બીજી તરફ પુરુષોત્તમભાઈ પ્રગતિના સોપાનો સર કરતાં ગયા. માનવી હંમેશા નશાની દુનિયામાં ખોવાયેલો રહેતો હોય છે. કોઈને દારુનો નશો ગમતો હોય તો કોઈ રુપના નશાનો પાગલ, કોઈ સત્તાના નશામા ગરક તો કોઈ જીતનાં નશામાં તરબોળ. જેને જીતના નશાની આદત પડી હોય એ કદી કોઈ સંજોગોમાં હાર સ્વીકારવા તૈયાર ના થાય. પુરુષોત્તમભાઈ સાથે પણ કંઇક એવું જ બની રહ્યું હતું. એક પછી એક કેસની સફળતાએ એમને જાણે સાતમા આસમાને બેસાડી દીધા હતાં. પુરુષોત્તમભાઈ કદી ગુનેગાર નો કેસ હાથમા ના લેતા, એમને ખાતરી હોય કે પોતાનો અસીલ નિર્દોષ છે તો જ એ કેસને લેતા અને પુરાવા અને સાબિતી સહીત કોર્ટમા એ અસીલની નિર્દોષતા સાબિત કરી આપતા. ઘણીવાર તો ભયંકર %A

September 22nd 2008

નમસ્તે કેનેડા

બેસી ચુકી છે ઋતુ વસંતની
પણ શિયાળો જવાનુ
નામ લેતો નથી.

ક્યારેક ઠંડીના ચમકારા
તો ક્યારેક વરસાદના સપાટા
ક્યારેક પવનના સુસવાટા.

વિત્યા દિવસો અને મહિનાઓ
વરસતી હિમવર્ષા અને કાતિલ ઠંડીના
તો પણ ન જાણે, એવું અનુભવીએ છીએ
કે હજુ કેટલો દુર છે ઉનાળો.

થઈ હતીવર્ષ છાંસઠ પહેલા હીમવર્ષા
તેનાથી પણ વિશેષ વરસી હીમવર્ષા
જાણે રેકોર્ડ તોડવાની લગની લાગી.

કેવી છે કેનેડા નગરી, ચાલે યથાવત કામકાજ
નિયમ મુજબ ટેવાઈ ગયાં છે,
હિમવર્ષા સંગ કાતીલ ઠંડી થકી.

આઠ મહીનાની કાતીલ ઠંડી લાવે છે વસંત સંગ
સમર, કોમળ, માણી લઈએ છીએ સૌ કેનેડા નિવાસી
આનંદ મસ્તી મા ડુબી, ભુલી કેનેડાની અખુટ ઠંડી.

સૌજન્ય શ્રી અમૃતભાઈ ગાંધી. કેનેડા નિવાસી (શૌલા મુન્શા)

September 21st 2008

દીકરી

દીકરો ભલેને હોય ડહાપણનો દરિયો,
પણ દીકરી તો વહાલનો દરિયો.

નાનકડી નમણી એ આંખો મટકાવતી
ને ગુલાબી ગાલો પર સ્મિત મધુરું રેલાવતી.

પગલી એ નાનકડી પાડતી
ને હૈયા એ સૌના રણઝાવતી.

ટહુકો મધુરો એનો ગુંજતો
ને ભરતો ઉલ્લાસ ખુણે ખુણે.

વહ્યા વર્ષો બની દીકરી
ગૃહલક્ષ્મી નિજ ગૃહ તણી
કરી અવકાશ અમ હૃદયમાં.

અજબ ખેલ કુદરત તણો
લીધું તે આપ્યું નવા રુપે.

પુરાયો અવકાશ,
પામી તુજને હે દીકરી
અમ ગૃહ તણી લક્ષ્મી રુપે.

બસ આશિષ એટલીજ અમ હૈયા તણી
મહેકી રહે જીંદગાની સદા તમારી.

શૈલા મુન્શા ૯/૨૦/૨૦૦૮

March 9th 2008

માર્ચ બેઠક નો અહેવાલ

માર્ચની પહેલી તારીખે યોજાયેલી ગુજરાતી સાહિત્યસરિતાની ૭૨ મી બેઠક નુ આયોજન શાંગ્રિલા આર્ટ ગેલેરીમાં રાખવામાં આવ્યું હતું. ત્યાં ત્રણ પ્રસંગોમાં બે લલિત કળાઓનો અદભુત સંગમ યોજાયો હતો. ભારતમાં જન્મેલા અને અમેરિકામાં વસેલા ચિત્રકારોના ચિત્રોનુ પ્રદર્શન ( કે જેમા આપણા ચિત્રકાર મિત્ર અને સભ્ય વિનોદ પટેલનાં પણ ચિત્રો રજુ થયા હતા) અને હ્યુસ્ટન ની ગુજરાતી સાહિત્ય સરિતાની બેઠક અને કવિઓની કવિતાનો રસાસ્વદ સાથે શેર અન્તાક્ષરી ભાગ-૨ માં ૫૭ જેટલા જાણીતા અને મનવંતા ગઝલકારોનાં શેરોની રમઝટ.

રંગબેરંગી રંગોના સાનિધ્યમા પ્રશાન્તભાઈએ સભાની શરુઆત સહુ મહેમાનો ને આવકારી ને કરી, અને પ્રકાશભાઈને ને પ્રાર્થના માટે આવકાર્યા. પ્રકાશભાઈએ કવિ નાનાલાલ ની પ્રાર્થના “અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા” ભાવવાહી સ્વરે ગાઈને સભાનુ મંગળાચરણ કર્યું. સર્વ વક્તા અને શ્રોતાઓએ પણ સુર પુરાવ્યો.

ત્યારબાદ પ્રશાન્તભાઈએ દેવિકાબેનને આવકારી સભાનુ સંચાલન પદ ગ્રહણ કરવા વિનંતી કરી.

દેવિકાબેને કવિઓના નામ ની ચિઠ્ઠી બનાવી હતી અને જે પ્રમાણે નામ નીકળે એ પ્રમાણે કવિ પોતાની કૃતિ રજુ કરે એ પ્રથા રાખી હતી.બેઠક્નો વિષય હતો “નજર”

સૌ પ્રથમ હેમંતભાઈ ગજરાવાલા નો વારો આવ્યો. એમણે યુવાવસ્થાથી એમના જીવનમા મહત્વનો ભાગ ભજવનાર વ્યક્તિ ની નજર . “તારી નજરે યુવા મનને સપના દર્શાવ્યા થી માંડી ને ત્રીજા નેત્ર સુધીની વાત સરસ રીતે કાવ્યમા વણી લીધી. દેવિકાબેને સરસ પંક્તિઓ એ માટે રજુ કરી “મળી મળી ને પડી વિખુટી નજર તમારી મળી શકીના.” આગળ ધપતા દેવિકાબેને મનોજભાઈને કૃતિ રજુ કરવા આમંત્ર્યા. મનોજભાઈએ નજરને કર્તાનુ રુપ આપી લગતા વિશેષણોની વાત કરી.”નજર સારી, નજર ખરાબ, વગેરે ગઝલ રજુ કરી.

“નજર નજર મા ફરક પડે છે,
 શોલા મળે ક બરફ મળે છે.”

દેવિકાબેને ગઝલને બિરદાવતા નજરના જુદાજુદા નજારાની વાત કરી. અને ડો વિવેક ટેલર ની કવિતા “ફાંસ”ની એક નજર “ભર બપોરે ભર મેળામા નજરુની વાગી ગઈ ફાંસ.” રજુ કરી ત્યારબાદ પ્રશાન્તભાઈનુ નામ નીકળતા એમણે આપણા બહુ જાણીતા કવિ કરસનદાસ માણેકનુ ખુબ જ જાણીતું કાવ્ય “તે દિન આંસુભીના રે હરિના લોચનિયા મે દીઠા” સંભળાવ્યુ સાથે દુનિયાની વિષમતા ની વાત કરી. આ પછી વિજયભાઈએ એમના ત્રીસ વર્ષના લગ્નજીવન પર લખાયેલું એમનુ કાવ્ય “પેલી સારસ બેલડી સરકે સંગસંગ” સુંદર રીતે રજુ કર્યુ. આ પછી ફતેહઅલીભાઈએ” જીંદગી” પર નાનકડું કાવ્ય

“જિંદગી એક કિતાબ હૈ, આકારમે દિલસી,
 પવિત્ર ગીતા, કુરાન, બાઈબલ જૈસી”

રજુ કરી. પ્રકાશભાઈએ શુન્યપાલનપુરી ની ગઝલ “નજર મેળવીશું ને ખોવાઈ જાશુ” ભાવવાહી સ્વરે સહુને સંભળાવી. એનો પ્રત્યુત્તર આપતા દેવિકાબેને નજરુ મેળવવાની વાત પર ” નયનમાં જો કોઈની નજર ના હોત” ની વાત કરી મુરબ્બી ધીરુભાઈ શાહે ગાંધી નિર્વાણ દિન અને યુધ્ધના સૈનિકો પર પોતાની રચના રજુ કરી. સુમનભાઈ અજમેરીએ “પનિહારી” પર નુ ગીત રજુ કરી ગ્રામ્ય જીવનનુ દર્શન કરાવ્યુ અને “જવાની જ્વાળ થઈ જાશે” ગઝલ રજુ કરી. ત્યારબાદ આપણા સહુના જાણીતા વિશાલ મોણપરાએ “તને જોઈ જોઈ તો પણ તુ અજાણી” કાવ્ય ની પંક્તિઓ રજુ કરી.ચીમનભાઈએ

“કરે કથામા વાતો લોકો કારણો વગર
અને બગાડે સમય પોતાનો કારણો વગર”

સંભળાવી સહુને હાસ્ય તરબોળ કર્યા.

જ્યારે રસિક મેઘાણીએ નાના બે શેર અને એક ગઝલ ગાઈને રજુ કરી.

“પલક પલક પાંખડી ના ગુલાબ જેવા નયન તમારા,
 છે કાળી કાળી લટોની સાથે વદન ની શોભા નયન તમારા.”

દેવિકાબેને શબ્દારંભે અક્ષર એક” નો નવતર પ્રયોગ રજુ કર્યો અને “ન” અક્ષર પરથી શબ્દ શરુ થાય એમ આખુ કાવ્ય રચ્યું.

“નીલમ નામે નાર નવેલી,
 નાજુક નમણી નખશિખ નિરાળી”

નમણાશ થી રજુ કર્યુ. શૈલાબેને “દ્રષ્ટિ” કાવ્ય જે હળવાશ થી શરુ થઈને દ્રષ્ટિ ની ગહનતા પર સહુને લઈ ગયુ એ રજુ કર્યું. છેવટે અશોકભાઈ પટેલે નાના બે મુક્તક રજુ કર્યા.

આ રીતે દેવિકાબેને સભાના કાવ્યમય પ્રથમ દોરની સમયસર પુર્ણાહુતી કરી વિજયભાઈને શેર અન્તાક્ષરી ની બાગડોર સોંપી.આ અન્તાક્ષરીના એક પક્ષમાં દેવિકાબેન્ ધ્રુવ , શૈલાબેન્ મુન્શા રસિક્ભાઈ મેઘાણી અને ચિમનભાઈ પટેલ અને બીજા પક્ષમાં મનોજભાઈ મહેતા, અશોક્ભાઈ પટેલ્, સુરેશભાઈ બક્ષી તથા ગીતાબેન ભટ્ટૅ ભાગ લીધો હતો.

આપ સર્વેને જણાવતા અમને આનાંદ થાય છે કે આ કાર્યક્રમ ટુંક સમયંમાં AUDIO-VIDEO માં ગુજરાતી સાહિત્ય સરિતાની વેબસાઈટ પર મુકાશે. જેનો જીવંત અનુભવ આપ સૌ માણી શકશો.

શ્રી વિનોદ પટેલ ના સુચનથી હાજર રહેલા તમામ કવિ મિત્રોએ ત્યાં દિવાલો પર મુકાયેલ Hand paintingના ચિત્રો પર પોતાની બે થી ચાર પંકતિના શિઘ્ર મુક્તકો રજુ કર્યાં જેનો વિગતવાર અહેવાલ આપ અહીં  માણો

ફત્તેહ અલીભાઈએ સૌનો અભાર માનીને સભાની પુર્ણાહુતી કરી.

પ્રશાંત મુન્શા- ફત્તેહ અલી

« Previous PageNext Page »
Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.