November 9th 2009
હૈયાની ઉદાસી મહીં પણ,
હોય જો સાથ સ્વજન કેરો,
જગતનિયંતા એથી વધુ ન હોય,
આભાર તુજ કૃપા તણો.
મિંચાતી આંખલડી રાત્રિના અંધકાર મહીં,
ને રવિ કિરણો સંગ ખુલતી સ્વસ્થ તનમને,
એથી વધુ ન હોય જગતનિયંતા,
આભાર તુજ કૃપા તણો.
વૃક્ષ ઝુકાવી ડાળ આપે ફળ સહુને મધુરા,
વહેતો સમીર ભરતો તાજગી રોમેરોમ;
વહેતી નદી ન બાંધે કોઈ પાળ
સહુને પ્યાસ બુઝાવવાનો સમાન અધિકાર.
કુદરત કેરા શબ્દકોશમાં
બસ આપ આપ ને આપ;
ન કોઈ આશ ન કોઈ અપેક્ષા.
ન જાણે એક માનવી અટવાય
વ્યર્થ શબ્દ કેરી માયાજાળમાં,
ફક્ત બોલવાથી આભાર, નવ કોઈ અર્થ સરે.
નીકળે હૈયાના ઉંડાણથીને વર્તને,
એજ સાચો આભાર.
શૈલા મુન્શા તા.૧૧/૦૮/૨૦૦૯
November 9th 2009

દિલમાં હોય ઉમંગ તો હમેશ દિવાળી,
હોય કાજળ કાળી રાત અમાસની
તોય દિવાળી
દીવડે દીવડે ઝગમગ દિવાળી
હૈયે ઉમટે ઉલ્લાસ દિવાળી
આંગણું અજવાળે નવલા રંગે
રંગોળીની ભાત દિવાળી
બાળુડા હરખાય ઝાલી ફુલઝારી
આતશબાજીનો ધમકાર દિવાળી
પકવાનોની સોડમ દિવાળી
ગૃહીણી ના હૈયે આનંદ દિવાળી
મહેમાનોનુ સ્વાગત દિવાળી
નવા વર્ષની શુભકામના દિવાળી
બસ આશ સૌ હૈયે એટલી
નવું વરસ લાવે સુખશાંતિ દિવાળી.
શૈલા મુન્શા તા.૧૧/૦૮/૨૦૦૯
August 15th 2009
આ માણસ જાણે મોબાઇલ થઈ ગયો
જરૂર જેટલી જ લાગણીઓ
રિચાર્જ કરતો થઈ ગયો
ખરે ટાણે જ ઝીરો બેલેન્સ
દેખાડતો થઈ ગયો
આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!
સામે કોણ છે એ જોઈને
સંબંધ રિસિવ કરતો થઈ ગયો
સ્વાર્થનાં ચશ્મા પહેરી મિત્રતાને પણ
સ્વીચ ઓફ કરતો થઈ ગયો
આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!
આજે રીટા તો કાલે ગીતા એમ
મોડેલ બદલતો થઈ ગયો
મિસિસને છોડીને મિસને
એ કોલ કરતો થઈ ગયો
આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!
પડોશીનુ ઊંચું મોડેલ જોઈ
જુઓને જીવ બાળતો થઈ ગયો
સાલું, થોડી રાહ જોઈ હોત તો!
એવું ઘરમાં યે કહેતો થઈ ગયો
આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!
હોય બરોડામાં અને છું સુરતમાં
એમ કહેતો એ થઈ ગયો
આજે હચ તો કાલે રિલાયન્સ એમ
ફાયદો જોઈ મિત્રો પણ બદલતો થઈ ગયો
આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!
ઈનકમિંગ – આઉટ ગોઈંગ ફ્રીનાં ચક્કરમાં
કુટુંબનાં જ કવરેજ બહાર એ થઈ ગયો
હવે શું થાય બોલો
મોડેલ ફોર ટુ ઝીરો એ થઈ ગયો
આ માણસ જાણે મોબાઈલ થઈ ગયો!
પારૂલ(મારી બહેન) દ્વારા ઈમૈલ મા મળેલું કાવ્ય.અનામિ કવિ
સંકલન શૈલા મુન્શા તા.૮/૧૫/૨૦૦૯
August 3rd 2009
ક્રમ- શબ્દ- અર્થ- શબ્દપ્રયોગ
૧- પંકગ્રાહ-મગરમચ્છ-પાણીમા રહેવું અને પંકગ્રાહથી વેર એ ન બને.
૨- પંકરૂહ- સારસબેલડી-પંકરૂહ હમેશા જોડીમા જ હોય છે.
૩- પંચબાહુ-શંકર,શિવ- પંચબાહુ ત્રીજું નેત્ર ખોલે તો સર્વનાશ સર્જાય.
૪- પંચબીજ-કાકડી- પંચબીજ અને દહીંનુ રાયતું સરસ લાગે.
૫- પંકાર- પગથિયું- પંકાર ચુકી જાવ તો ભોંયભેગા થાવ.
૬- પંજિકા- પંચાંગ- રાશિ, નક્ષત્ર,તિથિ જોવા પંજિકા ની જરૂર પડે.
૭- પાઓલું- ચરણ, પગ- એને પાઓલે ઘરમા સુખશાંતિ આવ્યા.
૮- પાકકાર- રસોઈયો- પાકકાર કદી ભુખે ન મરે.
૯- પાખ- તરફેણ, બાજુ- પૂરી વાત જાણ્યા વગર કોઈની પાખ ના લેવાય.
૧૦- પાચની- હરડે- પાચની નુ સેવન બાળકો માટે ખુબ સારૂં છે.
૧૧- પટલાવતી- દુર્ગા- પટલાવતી શક્તિનો અવતાર ગણાય છે.
૧૨- પટલિમા- ગુલાબીરંગ- નવયૌવના ના ગાલે પાટલિમા ની સુરખી જોઈ કવિની કલ્પના શક્તિ ખીલી ઉઠે.
૧૩- પાટીર–ચંદન- પાટીર પુજામા વપરાય.
૧૪- પરવત્તા- પરાધીનપણું- પરવત્તાથી જીવવું એ કરતાં મૃત્યુ બહેતર.
૧૫- પરશ- પારસમણિ- પરશના સ્પર્શથી લોખંડ સોનુ બની જાય.
૧૬- પરાપૂત- ઘણું પવિત્ર- પરાપૂત થઈને પુજાકાર્ય કરવું.
૧૭- પરારિ- પરમ દુશ્મન- અહંકાર એ સૌથી મોટો પરારિ છે.
૧૮- પરાંગવ- સમુદ્ર- પરાંગવ માઝા મુકે તો પ્રુથ્વીનો નાશ થાય.
૧૯- પરિકર- આરંભ- શ્રી ગણેશનુ નામ લઈ પરિકર કરો.
૨૦- પરિભંગ- અપમાન- પરિભંગ કરવું સહેલું છે, પણ સહેવું મુશ્કેલ.
શૈલા મુન્શા- તા. ૮/૩/૨૦૦૯
July 20th 2009
જુલાઈ માસની સાહિત્યસરીતા ની બેઠકનુ સંચાલન મારે કરવાનુ હતું અને વિષય હતો “વર્ષારૂતુ”
વાતાવરણને વધુ રસમય અને ઝરમરતું બનાવવા મે જે કવિમીત્રો ની પંક્તિઓ નો સાથ લીધો હતો
અત્રે એને રજુ કરતા વિશેષ આનંદ અનુભવું છું, અને ખરા દિલથી એમનો આભાર વ્યક્ત કરું છું.
મનોજ ખંડેરિયા-
૧- એવા ભર્યાં છે શું ભલા જંતર અષાઢમાં
ફૂલોની જેમ ફોરતાં પથ્થર અષાઢમા
ભુરકી છવાઈ જાય છે આંખોમાં એવી કે
જે જે નિહાળો તે બધું સુંદર અષાઢમાં.
૨-મારો અભાવ મોરની જેમ ટહુકશે
ઘેરાશે વાદળો અને હું સાંભરી જઈશ.
મુકેશ માલવણકર –
૧- ખાલી આંગણ ભર ચોમાસે
કોરી પાંપણ ભર ચોમાસે
રેશમના ઢગલાની વચ્ચે
ડંખે નાગણ ભર ચોમાસે
‘કાનો લાવો’ ‘કાનો લાવો’
રાધા માગણ ભર ચોમાસે.
૩-ભગવતી કુમાર શર્મા-
મોસમ અહીં તો કોઈપણ છલનાની હોય છે
શ્રાવણ અષાઢ રાખીએ આ ઝાંઝવા નુ નામ.
૪-સૈફ પાલનપુરી
અમારી જીંદગીનો આ સરળ સીધો પરિચય છે
રુદનમાં વાસ્તવિકતા છે ને હસવામા અભિનય છે.
૫-મેઘબિન્દુ
મહેકશે માટી ફરીથી પ્રીતની
આંખમાં જળજળ થતો વરસાદ છે.
૬-દિલીપ જોશી
આવનારી પળ બધી વાદળ બની ઘેરાય છે
આ અષાઢી આંગણું કાં ઝરમરી શકતું નથી?
૭-મધુકર રાંદેરિયા
આકાશી વાદળને નામે આ વાત
તમોને કહી દઉ છું
કાં વરસી લો કાં વીખરાઓ
આ અમથાં ગાજો શા માટે?
૮-અંબાલાલ ડાયર
કરશો ન ડોકિયાં ઓ સિતારા! છુપાઈને
સમજે છે કૈંક શિસ્ત દીવાકર અષાઢમા
વાદળ વરસતા હોત તો શું થાત એમનુ!
એના વિના ભીંજાય છે શાયર અષાઢમા.
૯-હરિન્દ્ર દવે
રાધાની લટની લહેરાતી કાળાશે
ખોવાયો કાન કેમ શોધું?
આખું આકાશ એક રંગે છવાયું
એમાં મનગમતો વાન કેમ શોધું?
૧૦-નીતા રામૈયા
પહેલે વરસાદે કેમ કરી પામવા
મોસમના અઢળક મિજાજ,
ઊભા રહો તો રાજ, આંખ ભરી જોઈ લઉં
વાદળને વીજના રૂઆબ.
૧૧-કૈલાશ પંડિત
અમસ્તી કોઈપણ વસ્તુ નથી બનતી જગત માંહે
કોઈનુ રૂપ દિલના પ્રેમને વાચા અપાવે છે
ગઝલ સર્જાય ના “કૈલાશ” દિલમા દાહ લાગ્યા વિણ
પ્રથમ ઘેરાય છે વાદળ, પછી વરસાદ આવે છે.
ખરે જ તમ કવિઓના સથવારે અમે સહુ વાણીના વરસાદે તરબોળ થઈ ઊઠ્યા.
ફરી ફરીને આભાર સર્વનો.
સંકલન -શૈલા મુન્શા તા.૭/૧૯/૨૦૦૯.
July 20th 2009
ગોરંભાતું ગગન ગાજતું ને,
સનસન વીજ સબાકા.
ઘનઘોર વાદળની ગર્જન
જાણે ધ્રબુકતાં ઢોલ નગારા
ઝીંકાતો મેહુલિયો સાંબેલાધાર
કરતો ધરા ને ગગન એકાકાર
પાણીની રેલમછેર ચારેકોર ને
છબછબિયાં કરતા નંદકિશોર
વિમાસે ગોરી નીરખીને હેલી
થાય અધીરા નયન, મળવાને ઘેલી.
કેમ થાશે પૂરા ઓરતા,
ક્યારે મળશે પ્રીતમ અનેરા?
સાગરની ભરતી ઉભરાય એના હૈયે
ઘેરાયો ઉન્માદ એના અંગેઅંગે.
હૈયાના ઉમટ્યા પુર તોડીને કાંઠા બેફામ
આશ હ્રદયે, ભેટશે સુકાની થામીને તોફાન
લઈ હલેસાં હાથમાં કરશું જીવનનૈયા પાર
થઈ પ્રેમસમાધિમાં મગન છેડશું રાગ મલ્હાર.
શૈલા મુન્શા તા.૭/૧૮/૨૦૦૯
July 10th 2009
દરિયો તો દરિયો જ છે,
હોય ભલેને ગેલવેસ્ટનનો આરો કે,
પછી મરીન ડ્રાઈવનો કિનારો.
ઊભી’તી ઝબોળી પગ પાણીમાં ઉછળતાં મોજામાં
હતી રળિયામણી સંધ્યા ક્ષિતિજે ડુબતાં સૂરજ સંગે
પુરવની કોર ઉગતો ચંદ્ર શોભાવતો ગગન રૂપેરી રંગે
દરિયો એ હુસ્ટન ગેલવેસ્ટનનો
ને દિવસ ઉનાળા ના લાંબા
બચવા અસહ્ય ગરમીથી
કરતાં છબછબિયાં સહુ પાણીમા.
યાદ અપાવે એ દરિયાની પાળી
મુજને મરીનડ્રાઈવની પાળી,
વિતાવી કંઈ કેટલીય સાંજ
જ્યાં સપનો ની મહેલાત રચી.
નહોતી કલ્પના હોઈશ દરિયાની પેલેપાર કદી,
બસ હૈયે ખુશી એટલી જ
સાથ હતો પ્રીતમનો ત્યારે પણ
ને સાથ છે પ્રીતમનો આજે પણ.
તાજેતરમા ગેલવેસ્ટન ના દરિયા કિનારે ગાળેલી
સાંજ સમયે સ્ફુરેલું કાવ્ય.
શૈલા મુન્શા- ૭/૫/૨૦૦૯
July 6th 2009
રેતનુ ઘર ટકે તો કેટલું ટકે
ને લાગણી વિનાના સંબંધ
ટકે તો કેટલા ટકે?
સીંચ્યુ પાણી કર્યું મજબુત
બસ એક દરિયાનુ મોજું
ને જમીનદોસ્ત એ ઘર.
કેટલા અરમાન ને કેટલી આશ
બાળુડાની એ દુનિયા
થઈ પળમા નાશ.
જીંદગી પણ બસ એમજ
રેતના ઘર સમી
સીંચીને હૈયાનુ અમૃત
કર્યું મજબુત ઉપવન
પડ્યો દુકાળ લાગણીનો ને
પળમા થયું નષ્ટ ઉપવન
શીદ બાંધવા ઘર રેતના
ને શીદ રાખવી આશ
નિજની જિંદગી જીવવાનો
સહુને અધિકાર.
શૈલા મુન્શા તા.૭/૬/૨૦૦૯
July 5th 2009
મહેક રહી ફુલવારી હમરી, મહેક રહી ફુલવારી
ઝુમ રહી હૈ ડારી ડારી{૨}
મહેક રહી……..
કૈસી કૈસી ચલી હવાએ{૨}
ફુલ ઔર ફલ બિખરાએ
મન આશા કા પેડ સુખાયા
દુઃખ પ દુઃખ પહોંચાયે
મેરા બનતા કામ ન બિગડા,{૨}
મૌત ભી થકકે હારી
મહેક રહી……..
સુખ કે બાદલ ફિર ઘીર આયે,
બિગડા કામ બનાયા,
જીવન જલમે બરસ બરસ કે
નયા સમા પલટાયા.
ફિરસે મહેકી ફિરસે લહેકી{૨}
સુખી હુઈ હર ક્યારી
મહેક રહી ફુલવારી હમરી, મહેક રહી ફુલવારી.
સંગીતકાર અને ગાયક શ્રી પંકજ મલ્લિક નુ આ ગીત
મારા પિતા નુ પ્રિય ગીત હતુ જે મને પણ પ્રિય છે અને
નિરાશા માંથી આશા અને પ્રભુ પર શ્રદ્ધા ની વાત છે.
ફાધર ડે ના દિવસે પિતા ની યાદમા જે સદૈવ મારી અનુભુતિ મા છે.
૬/૨૦/૨૦૦૯
શૈલા મુન્શા.
May 6th 2009
થઈ જીંદગીની શરૂઆત યૌવને
વસાવ્યો સંસાર યૌવને.
બન્યું જીવન મધુરૂં,
બાળકોના આગમને.
ન રહ્યું સાનભાન સમય કેરૂં
પહોંચ્યા બાળુડા યૌવનને પગથારે.
જીવનની એ ઘટમાળ મહી
જોયા રંગ અવનવા
કદી ચડતી કદી પડતી, પણ વહેતી રહી જીંદગી
એકબીજાના સથવારે.
પાંખો આવી ઊડી ગયા પંખી
ગોઠવાયા નિજ માળામાં
વહેતી રહે જીવનનૌયા એમની સદા
સુખ શાંતિના વહેણમાં.
જીવનસાથી, સાથ આપણો એકબીજાને
આધાર આપણો એકબીજાને
બસ જીવી લઈએ આ જીંદગાની
એકબીજાના સથવારે.
શૌલા મુન્શા તા.૫/૯/૨૦૦૯
વૌશાખ સુદ પુનમ. (૩૬મી લગ્ન જયંતી નિમિત્તે પ્રશાંતને અર્પણ)