January 13th 2013

વિદાય

જે વિદાય થઈ ગયું,
એને આપણે ઈતિહાસ કહીએ છીએ.

સર્જન થઈ ને જે ગયું,
એને આપણે વિસર્જન કહીએ છીએ.

અરે! આ જગમા રહીને,
ગર્વ થાય એને મિથ્યાભિમાન કહીએ છીએ.

જે મળ્યું એને મહાલ કર,
જે નથી તારૂં, ન રહ્યું કદી તારૂં, તે દિલથી વિદાય કર.

જો વિદાય થી આંખ ભરી આવે,
તો સમજ, જે જાય તેને દિલનુ દર્દ કહીએ છીએ.

કાવ્ય ના રચનાકાર-પ્રશાન્ત મુન્શા. તા. ૦૧/૧૩/૨૦૧૩

January 10th 2013

વેલેન્ટીનો-ભાગ-૩

રમતિયાળ અને સોનેરી ઝુલ્ફાવાળા વેલેન્ટીનો ને તો હવે આપ સહુ સારી રીતે ઓળખી ગયા હશો. ક્યારેક હસીને ક્યારેક જીદ કરીને તો ક્યારેક ભેંકડો તાણીને પોતાની વાત મનાવવામા એ પાવરધો છે. એટલો તો મીઠડો છે કે એની સાથે સખત હાથે કામ લેવું મુશ્કેલ છે.
હમણા નાતાલની પંદર દિવસની રજા પછી એ સ્કુલમા આવ્યો તો જાણે મોટો થઈ ગયો હોય એવું લાગ્યું.થોડો શાંત અને વધુ સમજણો થઈ ગયો હોય એવું લાગ્યું. સવારના નાસ્તો અમે બધા બાળકો સાથે ક્લાસમા જ કરતા હોઈએ છીએ. બધાને નાસ્તાના ટેબલ પર બેસાડી મે સિરીયલ ને દુધ ના કાર્ટન બધાને એક પછી એક આપવા માંડ્યા. જેવું મે સિરીયલને દુધ વેલેન્ટીનો ની સામે મુકયું તરત એ બોલ્યો “thank you” હું ને મીસ બર્ક એની સામે જોતાં જ રહી ગયા. આજ પહેલા ક્યારેય અમે એના મોઢે આ શબ્દો સાંભળ્યા નહોતા. થોડીવાર પછી મે પુછ્યું વેલેન્ટીનો તારે સફરજન જોઈએ છીએ તો કહે “no thank you” કહેવાની રીત એટલી મીઠી મધુરી હતી કે મારાથી ઊભા થઈને એને બાથમા લેવા સિવાય રહેવાયું નહિ.
સારી રીતભાતના આ શબ્દો અમે હમેશ બોલતા હોઈએ અને ઘરમા પણ માબાપ આ શબ્દો બાળકોને બોલતા શીખવતાં હોય કારણ અમેરિકા ની સંસ્કૃતિમા દરેક વસ્તુ નો આભાર બોલીને દર્શાવાનો રિવાજ છે. રોજબરોજના વ્યવહારમા પણ પતિ પત્નિ કે ભાઈબહેન કે બાળકો કેસહ કાર્યકરો નજીવી બાબતમા પણ “thank you, welcome” વગેરે શબ્દો બોલતા હોય છે પણ વેલેન્ટીનો ના મોઢે પહેલી વાર એ શબ્દો સાંભળી જેમ એક મા ને પોતાનુ બાળક પહેલી વાર કાંઈ પણ કરે અને જેવો આનંદ થાય એવા આનંદનો અનુભવ મને થયો.
આમ પણ સ્કુલ ના આ નાના ભુલકાંઓ મારે મન મારા બાળકો જેવા જ છે. એનુ એક કારણ એ પણ છે કે આ બાળકો માની ગોદ છોડી પહેલીવાર કોઈ બીજી દુનિયામા આવ્યા હોય અને અમે અમારૂં નામ ભલે ગમે તેટલી વાર શીખવાડીએ પણ એમના મોઢામાં થી મમ્મી શબ્દ જ નીકળે.
વેલેન્ટીનો મને મમ્મી કહે ને હું એને સુધારૂં કે મમ્મી નહિ મીસ મુન્શા કહેવાનુ, પણ એ ભાઈ તો દોડતાં દોડતાં આવી ને બુમ મારે મમ્મી, મમ્મી. પછી જ્યારે એને પુછીએ કે મારૂં નામ શું છે તો હસીને કહે મીસ મુન્શા, પણ મિયાં પાછા ઠેર ના ઠેર.
આ બાળકો ની આવી નાની નાની વાતો ને એક મીઠું હાસ્ય દિવસ ને મધુરતાથી ભરી દે છે.

શૈલા મુન્શા. તા.૦૧/૧૦/૨૦૧૩

December 28th 2012

સરી જતી રેતી,

સરી જતી રેતી ને સરી જતી ક્ષણ,
લાખ કરો જતન, ના ઝીલાય કદી.

જન્મ્યુ તે જાય ને ખીલ્યું તે કરમાય,
લાખ કરો જતન, ના બદલાય કદી.

કાળ ન આંબે કદી, એ ઉમ્મીદ પર જીવાય,
લાખ કરો જતન, મોતની ક્ષણ ના ઠેલાય કદી.

એક જાય ને બીજું આવે, ના થંભે વહેવાર જગનો,
રહો તૈયાર મનથી સદા, તો શું કપરી છે વિદાય કદી?

ક્યાંક વિસર્જન ને ક્યાંક સર્જન અવિરત રહે સદા,
મનાવો વિદાયનો ઉત્સવ મનભર, તો શું રહે ગમ કદી?
www.smunshaw
શૈલા મુન્શા તા. ૧૮/૧૧/૨૦૨૫
www.smunshaww.wordpres.com

December 16th 2012

તહેવાર

December 13th 2012

વેલેન્ટીનો-ભાગ-૨

વેલેન્ટીનો ની ઓળખાણ મે તમને કરાવી છે.સરસ મજાનો પરાણે વહાલ ઉપજે એવો.જેમ ભાઈ ક્લાસમા જુના થવા માંડ્યા, મતલબ કે એને સ્કુલમા દાખલ થયે થોડા મહિના થયા અને ભાઈ નો અસલી રંગ દેખાવા માંડ્યો.
વાત એમ બની કે જેમ મે આગળ પણ જણાવ્યું હતું તેમ વેલેન્ટીનો ને જોતા જ બધાને વહાલ ઉપજે એવો સરસ ગોરો ને ગઠિયો બાળક, એટલે અમે જ નહિ પણ જતાં આવતાં બધા જ શિક્ષકો એને વહાલ કરે. આવ્યો ત્યારે માંડ ત્રણ વર્ષનો એટલે બીજા બાળકો ની સરખામણી મા નાનો પણ લાગે.ઘરમા પણ નાનો ભાઈ એટલે મા પણ કદાચ વધારે લાડ લડાવતી હશે એટલે ક્લાસમા એની જીદ વધવા માંડી. એનુ ધાર્યું ના થાય તો ખુણામા ભરાઈ જાય અને એને બોલાવવાની કોશિશ કરીએ તો ભાઈ જોરથી ભેંકડો તાણે. ઊભો કરવા જઈએ તો પગ વાળી દે. આટલા નાના બાળકને તમે બીજું શું કરી શકો?
ઘણી વસ્તુ બાળકો એકબીજા ના અનુકરણે શીખતા હોય છે અને તોફાન તો જરૂર બીજાનુ જોઈ અનુકરણ કરતા હોય છે. વેલેન્ટીનો પણ જ્યારે ટેબલ નીચે ભરાવા માંડ્યો,ક્લાસમા બધા જ્યારે કલર કરતા હોય ત્યારે કલર કરવાને બદલે ક્રેયોન ના ટુકડા કરવા માંડ્યો અને એને રોકવાની કોશિશ કરીએ તો રડીને પોતાની જીદ પુરી કરવા માંડ્યો ત્યારે અમારે એને ક્લાસના નિયમો સમજાવવા એની મા ની મદદ લેવી પડી.
અમેરિકામા બધી જ વાત મા “counseling” નુ જબરું તુત છે. અહીં વાતવાતમા લોકો એકબીજા પર દાવો ઠોકી દેતા હોય છે એટલે કોઈ પોતા પર કોઈ જવાબદારી લેવા તૈયાર નથી.
અમેરિકા મા બાળક જન્મે ત્યારથી એના જાતજાતના ટેસ્ટ થતા હોય છે, અને ટેસ્ટના પરિણામ પ્રમાણે બાળક તંદુરસ્ત છે કે કઈ ખામી છે અને એનો ઉપાય શું તે નક્કી થતું હોય. અમારા ક્લાસમા બાળક જ્યારે ત્રણ વર્ષનુ થાય ને દાખલ થાય ત્યારે એ સામાન્ય પણ હોઈ શકે અથવા મંદ-બુધ્ધિ પણ હોઈ શકે.વેલેન્ટીનો જેવા બાળકમા કદાચ બીજી કોઈ ખામી ન હોય પણ વધુ પડતા લાડ નુ પરિણામ પણ હોઈ શકે, માટે જ મા-બાપને સ્કુલમા બોલાવી શિક્ષક અને સ્કુલ ના કાઉન્સિલર ભેગા થઈ સમસ્યા નો હલ લાવવાનો પ્રયત્ન કરે.
મારા મતે અને કદાચ મારી અડધી જીંદગી મે ભારતમા શિક્ષીકા તરીકે કામ કર્યું છે એટલે મારો અભિપ્રાય ઘણી વાર આ બાબતમા જુદો પડતો હોય છે. મારા મતે બાળકને અમુક નિયમ અને શિસ્તનુ પાલન કરવાની ટેવ ઘર થી શરૂ થવી જોઈએ અને સ્કુલમા જ્યારે એ શિસ્ત બાળકને શીખવાડવા મા આવે તો મા-બાપે એમા આડખીલી રૂપ ના થવું જોઈએ.
અમારા સારા નસીબે વેલેન્ટીનો ની મા ઘણી સમજુ નીવડી અને પુરો સાથ સહકાર આપવાની તૈયારી બતાવી, ને ઘરમા પણ એ શિસ્ત જાળવવાની ખાત્રી આપી.
બાકી વેલેન્ટિનો જેવા બાળક સાથે કડક થવું જ અઘરૂં છે. ગમે તેટલું તોફાન કર્યું હોય પણ તમારી સામે જોઈ એવું મીઠડું હસી પડે કે તમારો ગુસ્સો બરફની જેમ પીગળી જાય ને એને વહાલ કરવાનુ મન થઈ જાય. દુનિયા ના બધા બાળકો મા આ ખુબી છે.બાળકના એ નિર્દોષ હાસ્યમા ભલભલા દુઃખ હરણ કરવાનુ અમોઘ શસ્ત્ર છે.

અસ્તુ.

શૈલા મુન્શા. તા ૧૨/૧૩/૨૦૧૨

October 21st 2012

માનવી

માનવી તો ઘણુ ય ઈચ્છે આંબવા સૂરજ,
ભૂલે, જ્યાં એક ડગલું આગળ રહે કુદરત.

નજર સામે દેખાય નભ ને ધરતી એકાકાર,
ન મળે કદી, ભ્રમ નજર નો સરજાવે કુદરત.

કરી ભેગાં તણખલાં બનાવે નિજ માળો પંખી,
આંધીના સપાટે તણખલાં વિખરાવે કુદરત.

ઊભો સુકાની ઝાલીને સઢ, કિનારો નજર સામે,
ડુબી એ નાવ, ક્ષણમાં લાવે સુનામી એ કુદરત.

માનવી તો ઘણુ ય ઈચ્છે આંબવા સૂરજ,
ભૂલે, જ્યાં એક ડગલું આગળ રહે કુદરત.

શૈલા મુન્શા. તા ૧૦/૨૧/૨૦૧૨.

October 18th 2012

વેલેન્ટીનો-૧

ત્રણ વર્ષનો વેલેન્ટીનો આમ તો ગયા વર્ષના અંતમા મારા ક્લાસમા આવ્યો. ગોરો મજાનો અને રેશમી સોનેરી ઝુલ્ફા વાળો.પરાણે વહાલ કરવાનુ મન થાય એવો. થોડું થોડું બોલતા શીખ્યો હતો. મા ની ગોદ છોડી પહેલીવાર અજાણ્યા બાળકો ને સ્કુલ ના વાતાવરણ મા આવ્યો હતો. પહેલે દિવસે જ રડ્યો નહિ પણ જરા ડઘાયેલો રહ્યો. ધીરે ધીરે બધા સાથે હળવા ભળવા માંડ્યો.
વાચા ઉઘડી અને બધી પ્રવૃતિ મા ભાગ લેવા માંડ્યો. રમતનુ મેદાન એની પ્રિય જગ્યા. એકવાર ત્યાં ગયા કે એને પાછો લાવવો મુશ્કેલ. મીસ બર્ક(ટીચર) ઊંચી ને હાડપાડ. ગલુડિયાની જેમ એને બગલમા ઘાલી અંદર લઈ આવે.
ઓક્ટોબર મહિનો આવ્યો અને વાતાવરણ મા થોડો ફરક પડવા માંડ્યો. ક્યારેક વહેલી સવારે થોડી ઠંડી નો અનુભવ થાય. વેલેન્ટીનો ની મા એને જાત જાત ના સરસ મજાના સ્વેટર રોજ પહેરાવે.
આજે સવારે જ્યારે વેલેન્ટીનો સ્કુલમા આવ્યો ત્યારે એના સ્વેટર પર એક ટ્રેન ના એંજીન નુ ચિત્ર હતું
બસમા થી જેવો બહાર આવ્યો અને અમે ક્લાસ તરફ જતા હતા અને પોતાના સ્વેટર તરફ આંગળી કરી થોમસ થોમસ કહેવા માંડ્યો.
પહેલા તો મને સમજ જ ના પડી કે એ કહેવા શું માગે છે.પ્ણ જ્યારે ધ્યાન થી એના સ્વેટર પર જોયું ત્યારે મને ખ્યાલ આવ્યો કે એ થોમસ આલ્વા એડિસન ની વાત કરે છે જેણે એંજીન ની શોધ કરી.
એની મમ્મી જરૂર એને રાતના સુતી વખતે નાની ફોટાવાળી વાર્તાની ચોપડી વાંચી સંભળાવતી હશે અને વેલેન્ટીનો એટલો હોશિયાર છે કે એના બાળ મગજ મા એ વાત યાદ રહી ગઈ હશે અને એંન્જીન વાળું સ્વેટર જોઈ એને થોમસ આલ્વા એડિસન યાદ આવી ગયો.
અમેરિકા મા મેં જોયું છે કે માબાપ જાણે બાળક જન્મતા ની સાથે જ એને રાતે કાંઈ ને કાંઈ સરસ વાંચી સંભળાવે ને બાળક ની યાદશક્તિ વિકસવામા એ ખુબ મદદરૂપ થાય.
ભલે બાળક માનસિક રીતે પુરો વિકસિત નાહોય તો પણ એ બાળકો સાથે વાત કરવાથી એમને એક ની એક વસ્તુ રોજ કરાવવાથી એમની માનસિક પરિસ્થિતી મા જરૂર સુધારો થાય છે, અને મને એ વાત નો ખુબ આનંદ છે કે હું આવા બાળકો સાથે કામ કરી એમને મદદરૂપ થવા મારાથી બનતો પ્રયત્ન કરૂં છું.

શૈલા મુન્શા. તા ૧૦/૧૮/૨૦૧૨

September 24th 2012

સમી સાંજે

વડલાની ડાળે બેઠા પોપટ ને પોપટી સમી સાંજે
દિનભરની ઉડાણનો ઉતારતા એ થાક સમી સાંજે

વાગોળતા એ વીત્યો દિન કેવો આજ
ને વળી વિતશે દિન કેવો કાલ,
કાલની તો કોને ખબર ભાઈ?
વીતી ઘડી આજની રળિયામણી ભાઈ.

મહેર મોટી કુદરતની એ પંખીડા પર,
કેવી વહેતી સરલ ને સહજ જીંદગી હરદમ!
કલ્લોલતા આનંદે ભરીને ઊંચી ઉડાણ
ગગન ભણી વહેતા સમીર સંગ સંગ.

ઝુલતા હિંચકાની કોર બેઠા એ દંપતી સમી સાંજે
જીંદગીની સફરનો ઉતારતા એ થાક સમી સાંજે.

વીત્યાં વર્ષોના વહાણા, વાગોળતા એ યાદ ખટમધુરી
હતા એ દિવસો યૌવનના તરવરાટથી ભરેલા
હતી હામ હૈયે, ઝીલી લેવા પડકાર સહુ આફતોનો
મિલાવી હાથમાં હાથ,બસ વધ્યા આગળ સફરમાં.

જીવન વહીખાતાનો માંડ્યો હિસાબ આજ અચાનક
સુખ દુઃખમાં પણ ન ચૂક્યા ફરજ કદી માત-પિતાની
ને દીધા સંસ્કાર, કેળવણી બાળકોને જીવવા સંસાર સાગરે
થયો આત્મ સંતોષ, ખરા ઉતર્યાં એ બાળુડાં દિપાવી નામ.

બસ આથી વધુ શું જોઈએ પ્રભુ, અમ જીવનમાં આજ,
બસ આથી વધુ શું જોઈએ પ્રભુ, અમ જીવનમાં આજ!!

રહે સાથ અમારો સદા આમ પુરક બની જીવનની સમી સાંજે.

( બસ આમ જ જીવન ની સફર મા હમેશ એકબીજાનો સાથ રહે એજ શુભેચ્છા સહિત)

સપ્રેમ,

શૈલા પ્રશાન્ત મુન્શા. તા. ૦૪/૦૨/૨૦૧૨

Posted in: કાવ્યો Edit This

September 24th 2012

સુગુણમાસી

મા મર જો પણ માસી નહિ,
કહેવત બની એ સાચી.
ગુમાવી મા અમે ભાઈ બહેનોએ,
પણ માસી બની મા અમારી.

મા-સી એટલે મા જેવી લાગણીભરી,
માસી બની મા જ અમારી વહાલભરી;
સાચવ્યાં અમને બસ પ્રેમ જતન થી,
ન સાલવા દીધી ખોટ મા તણી કદી.

પ્રભુ ને કરૂં પ્રાર્થના આજ જન્મદિને,
માસી અમારી રહે સદા સ્વસ્થ નિરોગી,
વહે આશીર્વાદ અને પ્રેમભર્યો હસ્ત
સદા અમ સહુ ભાઈ બહેનો પર.

શૈલા-પારૂલ-સ્નેહલ તા. ૨૨ જુલાઈ ૨૦૧૨.

July 24th 2012

નજર નજર નો ભેદ

જીંદગી અને એને જોવાની દ્રષ્ટિ બધાની કેટલી નિરાળી હોય છે. માન્યતા ઓ પણ ઉમર સાથે બદલાતી રહેતી હોય છે. બાળપણ કે કુમારાવસ્થામા જ્યારે હું મારી આસપાસ કોઈ વડીલને જોતી કે એમની વાતો સાંભળતી ત્યારે લાગતું કે સાઠ વર્ષે ખરે જ એ ફક્ત તન થી જ નહિ પણ મન થી પણ વૃધ્ધ થઈ ગયા છે. એમને કાકા કે દાદા કે કાકી કે દાદી કહી બોલાવતા જરાય અજુગતું નહોતુ લાગતું. કદાચ એમા એમના ખુદના વર્તન નો પણ મોટો ફાળો હોઈ શકે. તેઓ ખુદ પોતાને વૃધ્ધ માની ને “બસ હવે તો દેવ દર્શન કરી ભગવાન નુ નામ લઈ જીંદગી પુરી કરવાની” જેવા વિચારો દર્શાવતા. બધાને આ વાત લાગુ પડે એ જરૂરી નથી પણ આ પ્રવાહ વધુ જોવા મળતો.
આ વાત કરવાનુ મન થયું એનુ એક કારણ છે.મારી અને મારા માસી ની વર્ષગાંઠ એક જ દિવસે આવે છે. હમણા બે દિવસ પહેલાં જ એમની દિકરીઓ એ માસી ની ૭૫મી વર્ષગાંઠ ઉજવી અને જે કેક બનાવડાવી હતી એ ખરેખર માસીના જીવનનુ પ્રતિબિંબ હતું. કેક પર ક્રિકેટ રમતા પ્લેયર નુ ચિત્ર, રમતના પત્તા વગેરે એમના શોખ ની ઝાંખી થાય એ જાતની કેક હતી.
માસીને ક્રિકેટ મેચ જોવાનો અનહદ શોખ છે, બહેનપણીઓ સાથે અઠવાડિએ એક વાર ભેગા થઈ પત્તા રમવાનો શોખ છે, ફરવાનો શોખ છે અને હું ખુબ ખુશ છું કે એમને આ બધા શોખ ચાલુ રાખ્યા છે.
મને બરાબર યાદ છે ૧૯૯૬ મા જ્યારે માસાનુ ઓચિંતુ અવસાન થયું ત્યારે માસી ભાંગી પડ્યા હતા. હવે જીંદગી કેમ જશે અને કેમ જીવાશે એ વિચારો મા એ ગુમસુમ રહેતા. મે એમને એક જ વાત ત્યારે કરી હતી કે “માસી રડી ને પણ જીવવાનુ છે ને હસતા મોઢે પરિસ્થિતી નો સામનો કરી ને પણ જીવવાનુ છે. તમે શું એમ ઈચ્છો છો કે તમે રોજ માંદા પડો ને દિકરીઓ પોતાની કૌટુંબિક જવાબદારી છોડી તમારી ચાકરી કરવા દોડી આવે?”
આજે મને ખુબ આનંદ છે કે માસીએ હિંમત દાખવી પોતાની જીંદગી સહ્ય બનાવી અને પોતાને મનગમતા શોખ દ્વારા જીવન જીવી ૭૫ વર્ષે પણ સદાબહાર મનથી જુવાન રહી જીવન જીવી રહ્યા છે.
મારી પણ ઉમર કાંઈ નાની નથી.સાઈઠ પુરા થયા પણ મને નથી લાગતું કે હું વ્રુધ્ધાવસ્થા ની નજીક પણ છું. આજે પણ સંગીતના તાને મને ઝુમી ઉઠવાનુ મન થાય છે. વરસતા વરસાદ મા દોડી જઈ પલળવાનુ મન થાય છે કસિનો મા જઈ ગેમ્બલિંગ જીતવા માટે નહિ, પણ મજા કરવા જવાનુ ગમે છે.
નાની હતી ત્યારે કદાચ સાઠ વર્ષની વ્યકતિ મને વૃધ્ધ લાગતી હશે પણ આજે જ્યારે હું એ વયે પહોંચી છું ત્યારે ખ્યાલ આવે છે કે ભાઈ એ તો નજર નજર નો ભેદ છે. માનો તો હમેશ જુવાન નહિ તો કાયમ ઘરડાં.
માસી ને એમની ૭૫મી વર્ષગાંઠે એટલી જ શુભેચ્છા કે બસ આમ જ સદા ખુશ રહી જીવન માણતા રહો.

શૈલા મુન્શા. તા ૦૭/૨૪/૨૦૧૨

« Previous PageNext Page »
Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.