February 24th 2014

તસનીમ

ચાર વર્ષની તસનીમ એક અરેબીક છોકરી. સોનેરી વાંકડિયા વાળ અને માંજરી આંખો. રૂપાળી ઢીંગલી જેવી લાગે. નાતાલની રજા પહેલા સ્કુલમા આવી. ખુબ બોલકી અને આખો દિવસ એના મોઢે એના પિતાનુ નામ હોય. મારા ડેડીએ મને તૈયાર કરી, મને કુકી આપી, વગેરે. એક મોટો અને એક નાનો ભાઈ, પણ દેખાઈ આવે કે તસનીમ ઘરમા બોસ છે.
શરૂઆતમા જે મન થાય તે ડ્રેસ પહેરી આવે,સ્કુલે આવવાનો કોઈ સમય નહિ, આઠ, નવ કોઈ પણ સમયે આવે.મીસ સમન્થાએ પહેલા ઘરે લેટર મોકલાવ્યો, પછી ફોન પર રૂબરૂ વાત કરી. પિતાનુ કહેવુ એમ કે આટલી ઠંડી મા તસનીમને વહેલી કેવી રીતે ઉઠાડુ?
પછી ખબર પડી કે મા બાપ છૂટાછેડા લઈ જુદા થયા છે અને બાળકો પિતા પાસે છે. આટલા નાના બાળકોની કસ્ટડી પિતા પાસે એટલે જરૂર મા કોઈ મોટા ગુનામા હશે. બાપ ને જુઓ તો હમેશ રઘવાયો લાગે. પોતે પણ સ્કુલમા જાય એટલે બાળકો ને લેવા કોઈવાર બીજા લોકો આવે. અલબત્ત બધાના નામ અમારા લીસ્ટમા હોય.
તસનીમ એની ખુબ વહાલી એ દેખાઈ આવે કારણ તસનીમ હમેશ એના પિતાની જ વાત કરતી હોય. ધીરેધીરે તસનીમ ક્લાસના નિયમ નુ પાલન કરવા માંડી. સ્કુલ બસમા આવવા માંડી. મારી કોઈ દિવસ પિતા સાથે રૂબરૂ મુલાકાત થઈ નહોતી. મે એમને દુરથી જોયા હતા, કોઈવાર બાળકોને મુકવા આવે ત્યારે, પણ વાતચીત નહોતી થઈ. હમણા જ વેલેનટાઈન ડે ગયો અને અમે બાળકો પાસે કાર્ડ બનાવડાવ્યા અને દરેક બાળકે પોતાના કાર્ડમા “I love you Mom and Dad” એવું લખાવ્યું. કોઈએ વળી “I love you Mom” લખાવ્યું, પણ જ્યારે તસનીમને પુછ્યું તો એ તરત બોલી “I love my Daddy”.
જો કે ક્લાસમા તસનીમને મારી અને મીસ સમન્થા સાથે ખુબ ફાવે. બધી વાત લહેકાથી કરે. એકવાર એની ગાડી ખરાબ થઈ ગઈ હશે અને સ્કુલે આવતાં મોડુ થયું તો જાણે ફરિયાદ કરવા માંડી. ડેડી ગાડી નવી લાવતા નથી, મને મોડુ થાય છે વગેરે. બે દિવસ પહેલા ઓફિસમા થી ક્લાસમા બઝર વાગ્યું અને તસનીમને ઘરે લઈ જવા ડેડી આવ્યા હતા એટલે એને લઈને હું ઓફિસમા ગઈ.
ડેડીને તસનીમ સોંપી કેમ છો કહ્યું. ડેડીએ મજામા નો વળતો જવાબ આપી મને પુછ્યું “મીસ મુન્શા કોણ છે”? હું કાંઈ બોલું તે પહેલા તસનીમ મને વળગતા કહે “આ મારી મીસ મુન્શા છે” હું તસનીમના ચહેરાની ખુશી અને આંખની ચમક જોઈ જ રહી. તસનીમના પિતા મને કહે ઘરે આવી તસનીમ ના મોઢે આખો દિવસ મીસ મુન્શા એ ગીત ગવડાવ્યા, મીસ સમન્થાએ એ.બી.સી.ડી કરાવી, મીસ મુન્શા બગીચામા લઈ ગઈ, એ જ વાતો સાંભળવા મળે છે. હું ખરેખર ખુબ આભારી છું કે તમે મારી દિકરીનો આટલો ખ્યાલ રાખો છો અને પ્રેમ કરો છો.
આ બાળકો ને જરા સરખો પ્રેમ આપતા કેટલા વ્યાજ સહિત એમનો પ્રેમ અમે પામીએ છીએ એ તો હું જ જાણુ છું. કોઈવાર એમના ભલા માટે કડક થઈને વાત કરીએ પણ બીજી મીનિટે આવીને વળગે ત્યારે બધો ગુસ્સો પળમા ગાયબ થઈ જાય.
આજે પણ તસનીમના પિતાના મોઢા પર છલકતી શાંતિ અને તસનીમના ચહેરા પર ની ચમક મારા માટે સૌથી મોટી વેલેન્ટાઈનની ભેટ બની ગઈ.

શૈલા મુન્શા. તા૦૨/૨૪/૨૦૧૪

February 3rd 2014

ખુમારી

આઈરીન એટલે હાસ્ય નો ખજાનો. હમેશ હસતો મુસ્કુરાતો ચહેરો. જ્યારે એ આઠ વર્ષની હતી ત્યારે માબાપ બ્રઝિલ થી અમેરિકા આવીને વસ્યા.આઈરીન ને નાનપણથી શિક્ષીકા બનવાનો શોખ અને તે એણે પુરો પણ કર્યો. છેલ્લા પચીસ વર્ષથી પ્રાથમિક શાળામા ચોથા ધોરણ ના વિધ્યાર્થીઓ ને ભણાવતી. ક્યારેય એને ઘરે રહેવુ ના ગમે.
મોટાભાગની સ્પેનિશ સ્ત્રી ની જેમ આઈરીનની સામાન્ય ઊંચાઈ પણ બાંધો એકવડો એટલે ચાલ પણ ઝડપી. જ્યાં જાય ત્યાં આજુબાજુ ખુશી ને સ્ફૂર્તિ નો માહોલ આપોઆપ રચાઈ જાય.
મારો ને એનો પરિચય લગભગ દશ વર્ષથી. અમે બન્ને એક જ શાળામા સાથે કામ કરીએ.૨૦૧૨ ની શરૂઆતમા એને ખબર પડી કે લીવર નુ કેન્સર છે. પ્રાથમિક અવસ્થામા જ ખબર પડવાથી તરત જ સારવાર શરૂ થઈ ગઈ. રેડિએશન કેમો થેરપી વગેરે. એની આડ અસર પણ દેખાવા માંડી. વાળ ખરવા માંડ્યા, આંખની પાંપણ પણ ખરી ગઈ, પણ એના ચહેરાનુ હાસ્ય ના ખર્યું. રેડિએશન લઈને પણ સ્કુલે આવવાનુ અને માથે સ્કાર્ફ બાંધીને પણ આવવાનુ. વેદના ની કોઈ નિશાની ચ્હેરા પર ફરકવા ના દે.
થોડા વખત પછી જ્યારે રેડિએશન બંધ થયું ત્યાર પછી સરસ મજાની વીગ પહેરીને આવવા માંડી. પોતાની જાત પર પણ હસી શકે. જમવાના સમયે કોઈ શિક્ષીકા ને સરસ મેકપ મા જુવે એટલે હસે “યાર હમણા સવારના મારો સમય ઘણો બચી જાય છે. મેકપ કરવા માટે વહેલા નથી ઉઠવું નથી પડતું.
ગયા વર્ષે નિવૃતિ લેવાનો વિચાર કરતી હતી, પણ માંડી વાળ્યો. ઘરે રહી ને શું કરવું?
હમણા બે દિવસ પહેલા અમે જમવાના સમયે સાથે થઈ ગયા. એ જ ખુશખુશાલી ચહેરા પર. મને કહે “Ms Munshaw 55 and up” મને તો કાંઈ સમજ જ ના પડી. મને કહે “હવે આ વર્ષે તો હું ખરેખર નિવૃતિ લેવાની છું, અને અમે અહીં થી બીજે રહેવા જવાના છીએ. ઘણા વર્ષ નોકરી કરી હવે જીવનની બીજી બાજુ પણ માણી લઉં.”
અહીં ટેક્ષ્સાસ મા જ એક નાનુ શહેર છે જ્યોર્જ ટાઉન અને ત્યાં એક કોમ્યુનીટી ખાસ બનાવવામા આવી છે જ્યાં ૫૫ વર્ષથી વધુ વયના માણસો માટે ઘર ઘણા ઓછા ભાવે મળે. ઉપરાંત અંદર જ ઘણી જાતની પ્રવૃતિ માટે નાની નાની ક્લબ. તમને જે શોખ હોય તે તમે પુરા કરી શકો. માટી ના વાસણ બનાવવા હોય, બાગકામ કરવું હોય, પત્તા રમવા હોય, તરતા શિખવું હોય, ટુંકમા તમને તમારી ઉમરના લોકો નો સાથ મળી રહે.
હું ને મારા પતિ અમે બન્ને જણ ત્યાં રહીશું.મને મન થશે તો ત્યાં પાસેની સ્કુલમા અઠવાડિયામા બેત્રણ દિવસ જઈને લાઈબ્રેરી મા પુસ્તકો ગોઠવવામા મદદ કરીશ. પાછી મને હસતાં હસતાં કહે “મે તો મારા પતિને કહી દીધું છે કોઈ ગમી જાય તો મને બતાડી રાખજે, એને જરા તારા સ્વભાવથી પરિચીત કરી દઉં જેથી હું ઉપર જઉં ત્યારે એને તકલીફ ના પડે”
આઈરીન ગઈ પછી મને બીજા શિક્ષકે કહ્યું કે આઈરીન નુ કેન્સર વકર્યું છે અને ખબર નહિ હવે વરસ કે છ મહિના કેટલો સમય એની પાસે છે?
આઈરીનની ની આ ખુમારીને હું મનોમન વંદી રહી.
(સત્ય ઘટના પર આધારિત)

શૈલા મુન્શા. તા ૦૨/૦૨/૨૦૧૪

January 31st 2014

ઈસ્માઈલ

આ વર્ષે એક નવો છોકરો ક્લાસમા આવ્યો છે નામ એનુ ઈસ્માઈલ. પહેલા તો નામ સાંભળી મને થયું કે કોઈ મુસ્લિમ બાળક હશે, પણ જ્યારે જોયો ત્યારે ખ્યાલ આવ્યો કે આ તો મેક્સિકન બાળક છે. મેક્સિકન ભાષા ના શબ્દો અને ભારતિય ભાષા ના શબ્દો ઘણા મળતા આવે છે. સંસ્કૃતિ પણ ઘણી મળતી આવે.
બીજા મેક્સિકન બાળકો ની જેમ ઈસ્માઈલ પણ તંદુરસ્ત અને ગોળ ચહેરો. મા બાપ ઘણા જુવાન અને પ્રેમી પંખીડા ની જેમ બન્ને સાથે મુકવા આવે. દેખાઈ આવે કે ઈસ્માઈલ ને વધુ પડતા લાડ લડાવવામા આવી રહ્યા છે. ઈસ્માઈલ એમના રહેઠાણ ના સ્થળે બીજા બાળકોને રમતા ધક્કો મારી પાડી નાખે વગેરે વાતો એમણે જ અમને કહી હતી અને રમત ના મેદાન મા અમે પણ એ જોયું.
સ્વભાવિક જ અમારે ફક્ત ઈસ્માઈલ નહિ પણ બીજા બાળકોની સુરક્ષા નો પણ ખ્યાલ રાખવાનો હોય એટલે થોડી સમજાવટ થોડા કડક થઈને એ આદત દુર કરવામા સફળ થયા. ધીરે ધીરે ઈસ્માઈલ બધા સાથે હળી ગયો.
ખરી મજાની વાત હવે આવે છે. આ વર્ષે અમારા બાળકો દર વખત કરતાં બોલકાં વધારે છે. ત્રણ વર્ષનુ બાળક ક્લાસમા આવે ત્યારે ચુપચાપ હોય પણ થોડા જ સમય મા સંગત ની રંગત લાગી જાય. બીજું દુનિયા મા આમ તો મદદ કરનાર શોધવા પડે પણ અમારા ક્લાસમા એની કોઈ કમી નહિ.
અમારા ક્લાસની જેનેસિસ બપોરે ઘરે જવાના સમયે જે મા કે બાપ પોતાના બાળકને લેવા આવે એમને તરત જ દોડીને બાળકનુ દફતર એનો નાસ્તાનો ડબ્બો કે જે વસ્તુ હોય તે મા બાપના હાથમા જઈને આપી આવે. હમેશ મદદ કરવા તત્પર.
આજે જ્યારે મોનિકા ના પિતા એને લેવા આવ્યા કે તરત જેનેસિસ દફતર લેવા દોડી અને દફતર લઈ મોનિકા ના પિતા ના હાથમા આપ્યું. અચાનક ઈસ્માઈલનો ભેંકડો સંભળાયો. એક ક્ષણ તો હું ને સમન્થા હક્કબક્કા થઈ ગયા. અચાનક ઈસ્માઈલને શું થયું! એ ભાઈ પણ ઊભા થઈને સેવાનુ કામ કરવા માંગતા હતા પણ મોડા પડ્યાં.ઈસ્માઈલના રડવાનુ કારણ સમન્થાને ના સમજાયું પણ મને ખ્યાલ આવી ગયો. તરત મે મોનિકા ના પિતાને કહ્યું”મહેરબાની કરી મને દફતર પાછું આપો”
દફતર લઈ ઈસ્માઈલના હાથમા આપ્યું અને જાણે આખી દુનિયા પર વિજય પ્રાપ્ત કર્યો હોય તેમ ઈસ્માઈલ ગર્વભેર દફતર મોનિકા ના પિતા ના હાથમા આપી આવ્યો. એનો ચહેરો ખુશીથી ચમકી ઉઠ્યો.
ગાલ પર આંસુ અને હાસ્ય નુ એ અનુપમ ર્દશ્ય આ બાળકો સાથે કામ કરવાનો ઉત્સાહ હમેશ જીવંત રાખે છે.
રોજની આ મસ્તી અને એમનો વિશ્વાસ એમની માનસિક વિકલાંગતા ને ભુલાવી વધુ વહાલ જગવે છે.

શૈલા મુન્શા. તા ૦૧/૩૦/૨૦૧૪

January 21st 2014

આવી પાનખર!

કદી ધાર્યું નહોતુ આવશે પાનખર,
પણ ભર વસંતે આવી પાનખર!

વૃક્ષે વિંટળાતી એ વેલ ને ફુટી એક કુંપળ,
લહેરાય એ કુંપળ, તે પહેલા આવી પાનખર!

છબી મનોહર કલ્પી મનગમતા સાથ ની
ચિતરાય અવનવા રંગે, તે પહેલા આવી પાનખર!

હૈયા મહી સળવળે સપના માઝમરાત ના,
આવે અસવાર આંગણ, તે પહેલા આવી પાનખર!

કદી એમ ધાર્યું નહોતું, આવશે પાનખર,
ઘવાઈ જીંદગી ને, ભર વસંતે આવી પાનખર!

શૈલા મુન્શા. તા ૦૧/૨૧/૨૦૧૪

January 19th 2014

“વિચાર લહેરી” બ્લોગ નો વેબ ગુર્જરી પર પરિચય

શૈલા મુન્શાનો બ્લૉગ – વિચાર લહેરી – લેખિકા મૌલિકા દેરાસરી

ઇચ્છાઓની વાત કરી આપણે તો ઇચ્છા વિષે એક ઑર વાત એક અન્ય બ્લૉગમાં પણ વ્યક્ત થઈ છે.

“જે ના થઈ પૂરી એ ઇચ્છા અકળાય છે. શોધી નવી કેડી ધપવા આગળ થાય છે.”

વર્ષોને સંગ જિંદગી પણ સતત બદલાતી રહે છે એવી વાત એમના કાવ્યમાં વ્યક્ત થાય છે. આમ તો આ એક શિક્ષકનો બ્લૉગ છે. શિક્ષક અર્થાત શીખવાડનાર…બાળકો સાથેની નાની નાની ઘટનાઓ રોજિંદા પ્રસંગોમાં એમણે એ રીતે આલેખી છે કે, દરેક પ્રસંગ આપણાં મન પર એક છાપ છોડી જાય. પુસ્તકનું નહીં પણ અનુભવનું જ્ઞાન કઈ રીતે જીવનમાં કામ લાગે છે એ સમજાવી જાય છે.

વળી આ પ્રસંગોના એમના અનુભવો “બાળ ગગન વિહાર” નામના પુસ્તકરૂપે પણ પ્રગટ થયા છે. શબ્દ, અર્થ અને વાક્યપ્રયોગો નામની એક શ્રુંખલામાં આ દરેકનું સરસ સંકલન મળશે તો, સાથે વાર્તા, હાઈકુ, વ્યંગકાવ્ય અને ગઝલ પણ નીકળતી રહી છે એમની કલમ દ્વારા…

સ્વાતંત્ર્ય નામની વાર્તામાં આજ-કાલ ઝડપથી તૂટતાં લગ્નજીવનોમાં યુવા પેઢીની સહનશક્તિની મર્યાદા છે કે, વડીલોના ઉછેરમાં ખામી – આ પ્રશ્ન બહુ વિષદતાથી ઉઠાવ્યો છે. તો ‘મિશેલ’ નામની વાર્તામાં પ્રેમાળ પતિ અને દીકરાના મોતનો બેવડો આઘાત છાતી પર ઝીલીનેય હોઠો પર સ્મિત અને પતિ તથા દીકરાને ગમતું રૂપ ધારણ કરીને ખુમારીથી જીવતી સ્ત્રીની વાત છે.

નિઃસંતાન દંપતી માટે દત્તક બાળક કઈ રીતે આશીર્વાદ બનીને આવે છે અને એમની એકલવાયી જિંદગીને ખુશીઓથી ભરપૂર બનાવે છે એ વાત ‘આવકાર’ વાર્તામાં મળશે. મનમેળ કે તનમેળ ના હોવા છતાં આખી જિંદગી પતિને નિભાવતી પત્નીની વાત હોય કે અંતરમાં વેદના છુપાવી હસતા મુખે પત્નીનો દુ:ખમાંય સાથ ન છોડતા પતિની વાત હોય – સાવ સરળ અંદાજમાં મૂકી છે એમણે આપણી સમક્ષ.

હાઈકુ પર હાથ અજમાવતાં એમણે લખ્યું છે કે,

વાસંતી વાયુ

વાયરાનું અડવું,

ફૂલો મલક્યાં…

શૈલા મુન્શાનો બ્લોગ – વિચાર લહેરી

તો… વિચારોની ફૂંકાતી લહરો જ્યાં આપણને સ્પર્શે છે એવો આ બ્લૉગ છેઃ ‘વિચાર લહેરી‘. શૈલા મુન્શાની કલમે ઑગસ્ટ-૨૦૦૭થી જે સતત લખાતો રહ્યો છે. જિંદગીના છ દાયકાની ફિલ્મ રિવાઇન્ડ કરતાં તેઓ કહે છે કે, ‘ બાળ માસિકો, વાંચનનો શોખ, સ્પર્ધાઓએ સાહિત્ય માટે મનમાં લગાવ પેદા કર્યો અને ગુજરાતી સાહિત્યના માંધાતાઓને વાંચવાની પ્રેરણા એક શિક્ષિકાએ એમને આપી. એ પછી સાહિત્ય માટેનો લગાવ સતત વધતો રહ્યો.

કલકત્તા નગરીમાં જન્મ અને મુંબઈમા ઉછેર થયો. B.A., B.Ed થઈ શિક્ષિકા બન્યાં અને ત્યાર પછી અમેરિકા જઈ વસ્યાં. ત્યાર પછી ત્યાંના એમના અનુભવો, અનુભવો પછીનું મનોમંથન શબ્દો થકી આ બ્લૉગ પર પ્રગટ થતું રહ્યું છે… સતત.. બેહિસાબ…

” ખરે એક પાન વૃક્ષથી ને ખરે એક જિંદગી જીવનથી,

કચરાય એક પગ તળે, એક મન તળે… હિસાબ કોણ રાખે!!”

વિના હિસાબ વહેતી વિચાર લહેરોની આ ઝિલમિલ માટે કરો એક ક્લિક અહીં –

શૈલા મુન્શાનો બ્લૉગ – વિચાર લહેરી
www.smunshaw.wordpress.com

•આ લેખનાં લેખિકા મૌલિકા દેરાસરીનાં સંપર્કસૂત્રઃ ◦ઇ-પત્રવ્યવહારઃ maulikaderasari@yahoo.in

December 31st 2013

થાય છે.

વરસ ની સાથે જીવન પણ બદલાય છે,
જુનુ હતું જે કાલે, આજે નવું થાય છે.

જે ના થઈ પુરી, એ ઈચ્છા અકળાય છે,
શોધી નવી કેડી, ધપવા આગળ થાય છે.

સંબંધો ના તુટે ક્યાંક તાણા, ક્યાંક જોડાય છે,
રૂઝવવા ઘા સાથ કોઈનો, મરહમ થાય છે.

માગતા મળે મદદ એ તો સહજ વાત છે,
સુણે કો નાદ અંતરનો, એવું ભાગ્યે જ થાય છે.

કાલ ને ભુલી આવકારીએ આ વરસ નવું,
સહુ પ્રત્યે ના ર્પ્રેમથી, હૈયું તૃપ્ત થાય છે.

વરસ ની સાથે જીવન પણ બદલાય છે,
જુનુ હતું જે કાલે, આજે નવું થાય છે.

શૈલા મુન્શા. તા.૧૨/૩૧/૨૦૧૩

December 29th 2013

“મ” શબ્દ-અર્થ-વાક્યપ્રયોગ

ક્રમ- શબ્દ- અર્થ- વાક્યપ્રયોગ

૨૧-મકરપતિ-કામદેવ-
મકરપતિના બાણ વાગ્યા હોય તે જાણે.

૨૨-મકરાખ્ય-મગર- મોટું માછલું
પાણીમા રહીને મકરાખ્ય સાથે વેર ના બંધાય.

૨૩-મક્ષ-ક્રોધ, ગુસ્સો
મક્ષમા બોલાયેલ શબ્દો નિજને અને બીજાને, બન્નેને નુકશાન કરે છે.

૨૪-મખત્રાણ-યજ્ઞનુ રક્ષણ
બ્રાહ્મણો મખત્રાણ નુ કામ ક્ષત્રિય રાજાને સોંપતા.

૨૫-મખરાજ-યજ્ઞોમા શ્રેષ્ઠ એવો રાજસૂય યજ્ઞ
પાંડવોના મખરાજમા દ્રૌપદી એ દુર્યોધન નુ અપમાન કર્યું હતું.

૨૬-મઘવા-ઈંદ્ર, દેવરાજ
દેવો ના દેવ ઈંદ્રનુ એક નામ મઘવા પણ છે.

૨૭-મઘેરુ-શિયાળાનો વરસાદ
માહ મહિનામા આવતા વરસાદને મઘેરુ કહે છે.

૨૮-મઘોની-શચી, ઈંદ્રની પત્નિ
ઈંદ્રાણી, નુ એક નામ મઘોની પણ છે.

૨૯-મજ્જનગૃહ- નાહવાનો ઓરડો
ધનિકોના મજ્જનગૃહ ગરીબોની ઝુંપડી થી મોટા હોય છે.

૩૦-મજ્જારી-બિલાડી
અમેરિકામા મજ્જારીને માણસ કરતા વધુ લાડ મળે છે.

૩૧-મણિક-માટીનો ઘડો
પનિહારી મણિક લઈ કુવે પાણી ભરવા જાય.

૩૨-મણિતારક-સારસ પક્ષી
મણિતારક હમેશ એની માદા સાથે જ જોવા મળે.

૩૩-મણિભૃત-શેષનાગ
કૃષ્ણે બાલ્યાવસ્થા મા મણિભૃત ને નાથ્યો હતો એવી કથા છે.

૩૪-મણિવીજ-દાડમનુ ઝાડ
મણિવીજ ના ફળ ખાવામા ખટમધુરા હોય છે.

૩૫-મત્તકીશ-હાથી
મત્તકીશ જીવતો લાખનો અને મરેલો સવા લાખનો.

૩૬-મત્તશ્વાન-હડકાયેલું કૂતરું
મત્તશ્વાન કરડે તો પેટમા ૧૪ ઈંજેક્શન લેવા પડે.

૩૭-મદકરી-મદિરા, દારૂ
મદકરીનુ અતિ સેવન નુકશાનકારક છે.

૩૮-મદનકદન-શંકર, મહાદેવ
કામદેવને મારનાર શંકર મદનકદન ના નામે પ્રસિધ્ધ છે.

૩૯-મદનકાકુરવ- કબૂતર, પારેવું
પ્રાચીનકાળમા રાજા મદનકાકુરવ નો ઉપયોગ સંદેશવાહક તરીકે કરતાં.

૪૦-મધુ-અશોક વૃક્ષ, આસોપાલવનુ ઝાડ
મધુના પાન શુભ પ્રસંગે તોરણ બનાવવા ના ઉપયોગમા આવે છે.

૪૧-મધુઋતુ-વસંતઋતુ
મધુઋતુમા કુદરત અવનવા રંગે સોહી ઊઠે છે.

૪૨-મધુગર-ભમરો
જ્યાં ફુલોના બગીચા હોય ત્યાં મધુગર જોવા મળે.

૪૩-મનભંગ-નિરાશા, અસંતોષ
મનભંગ થાય તો માણસ હિંમત હારી જાય.

૪૪-મનાક-થોડું, જરાક
સંતોષી જીવ મનાક મા ઘણુ માની તૃપ્ત રહે છે.

૪૫-મનીષિત-ઈચ્છા, મનથી ઈચ્છેલું
માગ્યા વગર મનીષિત પુર્ણ થાય એના જેવું કોઈ સુખ નહિ.

૪૬-મનોજ્ઞતા-મનોહરતા, સુંદરતા
મનુષ્યમા મનોજ્ઞતા ફક્ત બાહ્ય નહિ પણ ભીતરની પણ હોવી જોઈએ.

૪૭-મનોતાપ-માનસિક દુઃખ
શારિરીક દુઃખ કરતાં મનોતાપ માણસને ખલાસ કરી નાખે.

૪૮-મનોલૌલ્ય-મનનો તરંગ, મનનુ ચંચળપણુ
મનોલૌલ્યના સહારે માનવી ક્યાંનો ક્યાં જાય.

૪૯-મમત-હઠ, આગ્રહ
નાના બાળકોની મમત સામે ક્યારેક નમવું પડે છે.

૫૦-મષિધાન-શાહીનો ખડિયો
પહેલા ના જમાનામાં મષિધાન અને બરૂની કલમ વડે સંદેશા લખાતા.

શૈલા મુન્શા

December 27th 2013

“ઘ” શબ્દ, અર્થ અને વાક્ય પ્રયોગ

૧- ઘટપટ -અર્થ-અસંગત વગર સંબંધનુ ભાષણ
આજકાલના નેતાઓના ભાષણ ઘટપટ હોય છે.

૨-ઘટિઘટ-મહાદેવ, શંકર
ઘટિઘટ જેટલા ભોળા દેવ છે, તેટલા જ ક્રોધિત પણ છે.

૩-ઘચૂમલો-ગુંચવાડો, અવ્યવસ્થા
શાંત ચાલતા સરઘસમાં પથરો પડ્યો અને ઘચૂમલો થઈ ગયો.

૪-ઘટકાર-કુંભાર
ઘટકાર જેવા માટીના વાસણ કોઈ બનાવી ના શકે.

૫-ઘટડું-અંતર, હ્રદય
પોતાના પારકાં થાય તો ઘટડું વલોવાય.

૬-ઘડોઘાટ-નિકાલ, ફેંસલો
બદલાની ભાવનાથી એણે મિત્રનો ઘડોઘાટ કરી નાખ્યો.

૭-ઘણિયું-ડોકનુ એક ઘરેણુ
રબારણનુ ઘણિયું અનેરી ભાતનુ હોય છે.

૮-ઘતન-મારનાર
આવરદા હોયતો ઘતન પણ વાળ પણ વાંકો ના કરી શકે.

૯-ઘનકફ-વરસાદમા પડતાં કરાં
અતિશય ઠંડીમા ઘણીવાર વરસાદ સાથે ઘનકફ જોવા મળે છે.

૧૦-ઘન કવચ- જાડું પડ, આવરણ
ઘન કવચનો ધાબળો ઠંડીથી રક્ષણ કરે.

૧૧-ઘનકોદંડ-ઈન્દ્રધનુષ
ધનકોદંડ એ વર્ષાઋતુ જવાની નિશાની છે.

૧૨-ઘનઘનૌઘ-જળ ભરેલા મેઘનો સમૂહ
ઘનઘનૌઘ જોઈ ખેડૂતનુ હૈયું આનંદિત થઈ જાય.

૧૩-ઘનજ્વાલા-વીજળી
ઘનજ્વાલાના ચમકારે વરસાદ પડે એ જરૂરી નથી.

૧૪-ઘનતનવરણ- કૃષ્ણ, વાદળાના રંગ જેવા શરીરવાળું
મેઘસમાન વર્ણને કારણે કૃષ્ણનુ એક નામ ઘનતનવરણ પણ છે.

૧૫-ઘનઘોષ-વરસાદનો અવાજ
નિરવ શાંતિમાં ઘનઘોષ કદી ડરાવનારો પણ લાગે છે

૧૬-ઘનતોલ-ચાતક પક્ષી
ઘનતોલ હમેશ વરસાદની આશમા ઊંચે આભમા જોતું હોય છે.

૧૭-ઘરણી-પત્ની
ઘરણી એ તો ઘરની લાજ છે.

૧૮-ઘરઘળું-સ્ત્રી નુ પુનઃલગ્ન
કાચી વયે વિધવા થનાર સ્ત્રીનુ ઘરઘળું થવું જરૂરી છે.

૧૯-ઘરબોળ-પાયમાલી, સત્યાનાશ
આવડત ન હોય એવો ધંધો કરવાથી ઘરબોળ થાય.

૨૦-ઘર્મોદક-પરસેવો
ગરમી મા દોડવાથી શરીરે ઘર્મોદક વળે છે.

૨૧-ઘર્ઘરિકા-નાની ઘંટી
પહેલા ના જમાનામાં લોકો ઘર્ઘરિકામા અનાજ દળતાં.

૨૨-ઘસડબોરો-કામનો બોજો, વૈતરૂં, વેઠ
જમીનદાર મજૂરો પાસે ઘસડબોરો કરાવે.

૨૩-ઘસ્ત્ર-કેસર
ઘસ્ત્ર ઘૂંટવાથી તેનો રંગ અસલ પીળાશવાળો નીકળે છે.

૨૪-ઘંટાતાડન-ઘંટ વગાડવો તે
મંદિરો મા મોટી આરતી સમયે ઘંટાતાડન થાય છે.

૨૫-ઘંટાપથ-જાહેરમાર્ગ, રાજમાર્ગ
રાજસવારી નીકળે ત્યારે ઘંટાપથ શણગારવામા આવે છે.

૨૬-ઘાણ્ય-સુગંધ, મહેક
મોગરા ના ફુલની ઘાણ્ય દુરથી પણ પરખાય.

૨૭-ઘાતતિથિ-અશુભ દિવસ
ઘાતતિથિએ લોકો કોઈ શુભ કાર્ય કરતાં નથી.

૨૮-ઘામોડો-ચોરી
ઘામોડો કરી કોઈની ચીજ લઈ લેવી તે યોગ્ય ના કહેવાય.

૨૯-ઘાંયજો-વાળંદ, હજામ
ઘાંયજા પાસે વાળ કપાવનારે મૂંડી નીચી કરવી જ પડે.

૩૦-ઘાંસણી- ક્ષયરોગ
પહેલાના જમાનામાં ઘાંસણી એ ભયંકર બિમારી ગણાતી.

૩૧-ઘુષિત-પ્રખ્યાત, જાહેર કરેલું
ગાંધીજીની છબીનુ અનાવરણ ઘુષિત કરવામા આવે છે.

૩૨-ઘૂકારિ-કાગડો
ઘૂકારિ બધે કાળા જ હોય.

૩૩-ઘૂઘર-અવાજ કરવો
બળદની ડોકે બંધાતી ઘૂઘર મધુર અવાજ કરે છે.

૩૪-ઘૂઘરપાટ-ઘૂઘરી વાળી ઘાઘરી
ઘૂઘરપાટ પહેરીને ઘૂમતી કન્યા ઘરને સંગીતથી ભરી દે છે.

૩૫-ઘૂર્ણન-ગોળ ચક્કર ફરવું તે
રાસ રમતા નરનારી ઘૂર્ણન ફરે છે.

૩૬-ઘૂંચવવું-આંટી પાડી દેવી.
ઊન નો દડો એવો ઘૂંચવાયો કે છૂટો પડે જ નહિ.

૩૭-ઘૄણાલું-અનુકંપાવાળું,દયાળું
ઘૃણાલું માણસ હમેશ બધાની મદદ કરે છે.

૩૮-ઘૃણાવતી-ગંગાનદી
ગંગા નદીનુ એક નામ ઘૃણાવતી પણ છે.

૩૯-ઘૃતકેશ-અગ્નિ
ઘૃતકેશની ઝપટમાં જે આવે તે બધું સ્વાહા થઈ જાય.

૪૦-ઘૃતપક્વ-ઘીમાં પકવેલ, ઘીમાં તળેલું
આજકાલના જુવાનિયા ઘૃતપક્વ વાનગી ખાસ ખાતા નથી.

૪૧-ઘૃતહેતુ-દહીં, દૂધ, માખણ
ઘૃતહેતુ ગોપીની મટકી ફોડી ખાવાની કાનાને મજા આવતી.

૪૨-ઘૃષ્ણા-અધીરતા, અધીરાઈ
દરેક કામમા ઘૃષ્ણા સારી નહી.

૪૩-ઘોઘળો-ઘાંટો, સાદ, ભારે અવાજ
શરદી ઉધરસમા અવાજ ઘોઘળો થઈ જાય.

૪૪-ઘોટકશાલ-ઘોદાનો તબેલો
રાજાઓના ઘોટકશાલમાં ઉમદા ઘોડા જોવા મળે.

૪૫-ઘોરતમ-ખરાબમાં ખરાબ
જીવહિંસા એ ઘોરતમ પાપ છે.

૪૬-ઘોરદર્શન-ઘુવડ
ઘોરદર્શન એક પ્રકારનુ પક્ષી છે.

૪૭-ઘોષવતી-વરિયાળી
ભોજન ના અંતે ઘોષવતી નો મુખવાસ સહુને ભાવે.

૪૮-ઘ્રાણદુઃખદા-છીંક
ઘણા માણસોની ઘ્રાણદુઃખદા આજુબાજુ વાળાને ગભરાવી દે એવી હોય છે.

૪૯-ઘૂંજુ-ખીસું, ગજવું
ઘણી જાતિમાં કુળવાન વર મેળવવા વરના બાપના ઘૂંજે ધન ઘાલવું છે.

૫૦-ઘટન-પ્રયત્ન
ઘટન કર્યા સિવાય કોઈ કાર્ય પૂર્ણ થાય નહિ.

શૈલા મુન્શા.

December 11th 2013

બ્રીટની

ત્રણ વર્ષની બ્રીટની થોડા દિવસ પહેલા ક્લાસ મા આવી. સાવ નાનકડી, કાંડુ તો એટલું નાજુક કે કાનમા પહેરવાની કડી જરા મોટી હોય તો બંગડી ની જેમ હાથમા આવી જાય. એની નાની બેન એના કરતાં મોટી લાગે. પહેલા દિવસથી જ હળી ગઈ રડવાનુ નામ નહિ. હા જરા ચુપ ચુપ રહી પણ એકાદ બે દિવસમા બરાબર ગોઠવાઈ ગઈ.મા ને બાપ બન્ને મુકવા આવે. મા જરાય અંગ્રેજી ના બોલે બાપને સમજાય એટલું આવડે.
બ્રીટની ક્લાસ ના બધા નિયમ નુ પાલન ઝડપથી કરવા માંડી. પહેલે દિવસે જ એને બાથરૂમ લઈ જતા મે જ્યારે એનુ પેટ જોયું ત્યારે જ મને કાંઈક જુદું લાગ્યું. આંતરડાં જાણે ગણી શકાય. મે મીસ સમન્થાને તરત બોલાવી દેખાડ્યું પણ બીજી કોઈ તકલીફ ના જણાઈ. થોડા દિવસમા બ્રીટનીબેન ક્લાસના રંગે રંગાઈ ગયા. તોફાની ડેનિયલ ને ડુલસે ની સોબતમા થોડા તોફાન મસ્તીમા ભાગ લેવા માંડી.ડેનિયલ ની સોબતે મને તરત મુન્શા મુન્શા કરી બોલાવવા માંડી, અને થોડી થોડીવારે મમ્મી આવશે નો રાગ આલાપવા માંડી.
ચાર પાંચ દિવસ પહેલા મીસ સમન્થાની માબાપ તથા નર્સ, સાયકોલોજીસ્ટ C.P.S.(child protection service) બધા સાથે મીટિંગ હતી.અમારા ક્લાસમા જ્યારે પણ નવું બાળક આવે ત્યારે આ બધી વિધી થતી હોય. અમેરિકામા પેપર વર્કનુ જબરું તૂત છે.જાતજાતના રેકોર્ડ અમારે સાચવવાના હોય.મીટિંગ પતીને મીસ સમન્થા ક્લાસમા આવી મને કહે મીસ મુન્શા બ્રીટની નુ આપણે ખાસ ધ્યાન રાખવાનુ છે. મને કાઈ સમજ ના પડી તો કહે “બ્રીટની લિવર ટ્રાન્સપ્લાન્ટ ના waiting list પર છે.” હું તો સ્તબ્ધ જ બની ગઈ. એટલું જ નહિ એનુ વજન ઘટી રહ્યું હતું એટલે એને ચોક્કસ આહાર આપવાનો હતો જેમા ૨૪ ગ્રામ પ્રોટીન દરરોજ એના શરીરમા જવું જોઈએ. માબાપને સ્વાભાવિક જ બ્રીટની ની ઘણી ચિંતા હતી એ બિચારા બધું કરવા તૈયાર હતા પણ C.P.S.એમને ધમકી આપતું કે વજન નહિ વધે તો બ્રીટની નો કબ્જો અમે લઈ લેશું. મા એટલી બધી ગભરાયેલી લાગતી હતી.બ્રીટની નુ શું થશે એ ચિંતા તો સ્વભાવિક જ હતી ઉપરાંત આ બધી કાયદાને કાનૂનની વાતો મા એને બહુ સમજ ના પડતી.
માબાપ તરત પ્રોટીન પાવડરનો ડબ્બો લઈ આવ્યા અને સ્કુલમા આપી ગયા અને અમારે દિવસમા ત્રણ વાર બબ્બે ઔંસ પાવડર પાણીમા ભેળવી આપવાનો.
પહેલે દિવસે જ જ્યારે બ્રીટની ને પ્રોટીન પાવડર વાળું પાણી આપ્યું તો એણે જરાય પીધું નહિ. મીસ સમન્થા એ જરા ચાખી જોયું તો મને કહે ” મીસ મુન્શા આનો સ્વાદ એટલો ખરાબ છે કે મારા ગળે ન ઉતર્યું તો બ્રીટની કેવી રીતે પીવાની છે?” શું કરીએ અને કેમ કરીએ એનો વિચાર કરતાં મને એક વાત સુઝી. મે સમન્થાને કહ્યું “આપણે એને દહીં મા ભેળવીને આપીએ.” અહિં અમેરિકા મા જાતજાતની ફ્લેવર વાળા તૈયાર દહીં ના નાના કન્ટેનર મળતા હોય છે.સ્કુલમા પણ સવારના નાસ્તામા દહીં ની નાની ડબ્બીઓ બાળકોને આપવામા આવે.
બીજે દિવસે એમા પાવડર ભેળવી બ્રીટની ને આપ્યો. જાતે તો એણે ખાવાનો પ્રયાસ ન કર્યો પણ મે એને બાજુમા બેસાડી એક એક ચમચી કરી પુરું કરાવ્યું. દિવસમા બે વાર આવી રીતે ખવડાવી બને એટલો પ્રોટીન પાવડર એના શરીરમા જાય એનો પુરો પ્રયત્ન અમે કરીએ છીએ. બ્રીટની ની મા એટલી આભારવશ બની ગઈ. એને બિચારીને બીજા કયા પર્યાય હોઈ શકે બ્રીટનીને પ્રોટીન પાવડર ખવડાવવાના એની સમજ નહોતી. મીસ સામન્થા પણ નવાઈ પામી ગઈ. મને કહે “ખરેખર મીસ મુન્શા તારા અનુભવ અને આટલા વર્ષો બાળકો સાથે કામ કરવાથી તું કોઈપણ સમસ્યા નો ઉકેલ જલ્દી લાવી શકે છે.”
હમેશ ફક્ત શિક્ષકના જ નહિ પણ એક ભારતીય મા ના અનુભવ પણ કામ લાગે છે એની સમન્થાને ખબર નહોતી. બાળકો ને ન ભાવતી વસ્તુ પણ કેવી રીતે સ્વાદિષ્ટ કરી ખવડાવવી એ માટે પુસ્તકનુ નહિ પણ અનુભવનુ જ્ઞાન કામ લાગેછે.
બસ અમારી બ્રીટની જલ્દી સ્વસ્થ બને અને તંદુરસ્તી ભર્યું જીવન જીવે એજ પ્રાર્થના સહિત,
અસ્તુ.

શૈલા મુન્શા તા. ૧૨/૧૧/૧૩

December 3rd 2013

એ.જે.

આજ નો દિવસ, મારા અને મીસ સમન્થા માટે હૈયામા ટીસ ઉત્પન કરનારો બની રહ્યો.
પાંચ દિવસના થેંક્સ ગીવિંગ વેકેશન (અમેરિકામા ઉજવાતો સર્વ પ્રત્યે આભાર પ્રગટ કરવાનો ઉત્સવ) પછી આજે સ્કુલે જવાનો જ કંટાળો આવતો હતો પણ થોડા દિવસમા નાતાલની બે અઠવાડિયાની રજા પડશે એને યાદ કરતાં સ્કુલે જવા તૈયાર થઈ. સ્કુલમા બધા એકબીજાને રજાની મજા વિશે વાત કરતાં હતા.
અમારા ક્લાસમા હાલ ૧૧ બાળકો છે પણ ૭.૩૦ સુધી કોઈ આવ્યું નહિ એટલે હું ને સમન્થા મજાક કરતા હતા કે ચાલો આજે તો આપણે જ આ બધો નાસ્તો કરવાનો છે ત્યાં તો એક બાજુ બસ નુ હોર્ન વાગ્યું અને બીજી બાજુ એ.જે. ની મા એને લઈને ક્લાસમા આવી.થોડા વખતથી એ.જે.ના મા બાપના સંબંધ મા સુમેળ દેખાતો હતો. સાથે તો નહોતા રહેતા, પણ ક્યારેક શનિ-રવિ એ.જે મા પાસે રહેતો અને સોમવારે સવારે મા એને સ્કુલમા લઈ આવતી.મા એ પોતાની નાદાનિયતમા એ.જે ને જ્યારે જમીન પર પછાડ્યો ત્યારે એ.જે. બે વર્ષનો હતો. માને એને માટે જેલ પણ થઈ હતી અને એ.જે. ની કસ્ટડી પિતા પાસે હતી.
એ.જે ના પિતાએ આ જવાબદારી ખુબ પ્રેમ અને નિષ્ઠાપુર્વક ઉપાડી લીધી હતી. શાળાની પિકનીક પર જવાનુ હોય તો એ હાજર, એ.જે ની તબિયત થોડી ખરાબ હોય અને ફોન કરીએ તો પંદર મીનિટ મા એને લઈ જવા હાજર. પેરેન્ટ-ટીચર કોન્ફરન્સ હોય તો હાજર. ઊંચા પહોળા અને વજન પણ ખાસું. હમેશ નરમાશ અને વિવેકથી વાત કરે અને અને અમારો એટલો આભાર માને કે જાણે એ.જે. માટે અમે શું નુ શું કરી નાખ્યું હોય.
આજે જ્યારે એ.જે. ની મા એને સ્કુલમા લઈને આવી ત્યારે હું બસમા થી અમારા બાળકોને ઉતારતી હતી. બાળકોને લઈને ક્લાસમા આવતા મે ડ્રાઈવરને કહ્યું પણ ખરૂં કે એ.જે. રજામા એની મમ્મી પાસે રહ્યો લાગે છે એટલે આજે એ લઈને આવી.
ક્લાસમા દાખલ થઈ તો એ.જે.ની મા ની આંખમા ઝળઝળિયાં અને સમન્થા સ્તબ્ધ ઊભી હતી. એ.જે. ના પિતા અઠવાડિયા પહેલા વહેલી સવારે ઊંઘમા જ અવસાન પામ્યા હતા. એ.જે. એકલો ઘરમા.નસીબજોગે મા એ રજા મા શું કરવું છે તે પુછવા એ.જે.ના પિતાને ફોન કર્યો. વારંવાર ફોન કરવા છતાં જ્યારે સામેથી કોઈ જવાબ ન મળ્યો ત્યારે ગભરાઈ ને એણે એપાર્ટમેન્ટની ઓફીસમા ફોન કર્યો અને વિનંતી કરી કે મહેરબાની કરી દરવાજો ખોલી જુવો કે બધું બરાબર છે કે નહિ? પછી તો પોલીસ બોલાવી એમની હાજરીમા દરવાજો ખોલ્યો ત્યાં સુધીમા સાંજના પાંચ વાગી હતા અને એ.જે.બાથરૂમના દરવાજા પાસે જમીન પર પડ્યો હતો.
પિતાની બાજુમા સુતેલો બાળક શું બની ગયું એનાથી અજ્ઞાત, ક્યારે સરકી જમીન પર આવ્યો અને આટલા કલાકો શું વિત્યું એના પર એ તો ભગવાન જ જાણે. હવે શું થશે એ પણ ખબર નથી. મા પાસે બાળકની કસ્ટડી નથી, હાલમા તો એ.જે. મા પાસે છે પણ કાલની કોને ખબર.
આજની સવાર આ સમાચાર લઈ આવશે એની કોઈને ખબર નહોતી.સમન્થા અને હું આઘાત માથી બહાર આવવાની કોશિશ કરી રહ્યા હતાં.
એ.જે. મા ફક્ત એક જ ફેરફાર દેખાતો હતો. આજે એ જે એની પાસે આવે એનો હાથ સખત રીતે પકડી જાણે સુરક્ષિતા ને હુંફ માટે ફાંફા મારતો હોય એવું એવું લાગતું હતું. હમેશનો હસતો અને સહુને હાયને બાય કહેતો અણસમજુ એ.જે. શાંત બની ગયો હતો.

શૈલા મુન્શા. તા.૧૨/૦૨/૨૦૧૩

« Previous PageNext Page »
Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.