December 27th 2013

“ઘ” શબ્દ, અર્થ અને વાક્ય પ્રયોગ

૧- ઘટપટ -અર્થ-અસંગત વગર સંબંધનુ ભાષણ
આજકાલના નેતાઓના ભાષણ ઘટપટ હોય છે.

૨-ઘટિઘટ-મહાદેવ, શંકર
ઘટિઘટ જેટલા ભોળા દેવ છે, તેટલા જ ક્રોધિત પણ છે.

૩-ઘચૂમલો-ગુંચવાડો, અવ્યવસ્થા
શાંત ચાલતા સરઘસમાં પથરો પડ્યો અને ઘચૂમલો થઈ ગયો.

૪-ઘટકાર-કુંભાર
ઘટકાર જેવા માટીના વાસણ કોઈ બનાવી ના શકે.

૫-ઘટડું-અંતર, હ્રદય
પોતાના પારકાં થાય તો ઘટડું વલોવાય.

૬-ઘડોઘાટ-નિકાલ, ફેંસલો
બદલાની ભાવનાથી એણે મિત્રનો ઘડોઘાટ કરી નાખ્યો.

૭-ઘણિયું-ડોકનુ એક ઘરેણુ
રબારણનુ ઘણિયું અનેરી ભાતનુ હોય છે.

૮-ઘતન-મારનાર
આવરદા હોયતો ઘતન પણ વાળ પણ વાંકો ના કરી શકે.

૯-ઘનકફ-વરસાદમા પડતાં કરાં
અતિશય ઠંડીમા ઘણીવાર વરસાદ સાથે ઘનકફ જોવા મળે છે.

૧૦-ઘન કવચ- જાડું પડ, આવરણ
ઘન કવચનો ધાબળો ઠંડીથી રક્ષણ કરે.

૧૧-ઘનકોદંડ-ઈન્દ્રધનુષ
ધનકોદંડ એ વર્ષાઋતુ જવાની નિશાની છે.

૧૨-ઘનઘનૌઘ-જળ ભરેલા મેઘનો સમૂહ
ઘનઘનૌઘ જોઈ ખેડૂતનુ હૈયું આનંદિત થઈ જાય.

૧૩-ઘનજ્વાલા-વીજળી
ઘનજ્વાલાના ચમકારે વરસાદ પડે એ જરૂરી નથી.

૧૪-ઘનતનવરણ- કૃષ્ણ, વાદળાના રંગ જેવા શરીરવાળું
મેઘસમાન વર્ણને કારણે કૃષ્ણનુ એક નામ ઘનતનવરણ પણ છે.

૧૫-ઘનઘોષ-વરસાદનો અવાજ
નિરવ શાંતિમાં ઘનઘોષ કદી ડરાવનારો પણ લાગે છે

૧૬-ઘનતોલ-ચાતક પક્ષી
ઘનતોલ હમેશ વરસાદની આશમા ઊંચે આભમા જોતું હોય છે.

૧૭-ઘરણી-પત્ની
ઘરણી એ તો ઘરની લાજ છે.

૧૮-ઘરઘળું-સ્ત્રી નુ પુનઃલગ્ન
કાચી વયે વિધવા થનાર સ્ત્રીનુ ઘરઘળું થવું જરૂરી છે.

૧૯-ઘરબોળ-પાયમાલી, સત્યાનાશ
આવડત ન હોય એવો ધંધો કરવાથી ઘરબોળ થાય.

૨૦-ઘર્મોદક-પરસેવો
ગરમી મા દોડવાથી શરીરે ઘર્મોદક વળે છે.

૨૧-ઘર્ઘરિકા-નાની ઘંટી
પહેલા ના જમાનામાં લોકો ઘર્ઘરિકામા અનાજ દળતાં.

૨૨-ઘસડબોરો-કામનો બોજો, વૈતરૂં, વેઠ
જમીનદાર મજૂરો પાસે ઘસડબોરો કરાવે.

૨૩-ઘસ્ત્ર-કેસર
ઘસ્ત્ર ઘૂંટવાથી તેનો રંગ અસલ પીળાશવાળો નીકળે છે.

૨૪-ઘંટાતાડન-ઘંટ વગાડવો તે
મંદિરો મા મોટી આરતી સમયે ઘંટાતાડન થાય છે.

૨૫-ઘંટાપથ-જાહેરમાર્ગ, રાજમાર્ગ
રાજસવારી નીકળે ત્યારે ઘંટાપથ શણગારવામા આવે છે.

૨૬-ઘાણ્ય-સુગંધ, મહેક
મોગરા ના ફુલની ઘાણ્ય દુરથી પણ પરખાય.

૨૭-ઘાતતિથિ-અશુભ દિવસ
ઘાતતિથિએ લોકો કોઈ શુભ કાર્ય કરતાં નથી.

૨૮-ઘામોડો-ચોરી
ઘામોડો કરી કોઈની ચીજ લઈ લેવી તે યોગ્ય ના કહેવાય.

૨૯-ઘાંયજો-વાળંદ, હજામ
ઘાંયજા પાસે વાળ કપાવનારે મૂંડી નીચી કરવી જ પડે.

૩૦-ઘાંસણી- ક્ષયરોગ
પહેલાના જમાનામાં ઘાંસણી એ ભયંકર બિમારી ગણાતી.

૩૧-ઘુષિત-પ્રખ્યાત, જાહેર કરેલું
ગાંધીજીની છબીનુ અનાવરણ ઘુષિત કરવામા આવે છે.

૩૨-ઘૂકારિ-કાગડો
ઘૂકારિ બધે કાળા જ હોય.

૩૩-ઘૂઘર-અવાજ કરવો
બળદની ડોકે બંધાતી ઘૂઘર મધુર અવાજ કરે છે.

૩૪-ઘૂઘરપાટ-ઘૂઘરી વાળી ઘાઘરી
ઘૂઘરપાટ પહેરીને ઘૂમતી કન્યા ઘરને સંગીતથી ભરી દે છે.

૩૫-ઘૂર્ણન-ગોળ ચક્કર ફરવું તે
રાસ રમતા નરનારી ઘૂર્ણન ફરે છે.

૩૬-ઘૂંચવવું-આંટી પાડી દેવી.
ઊન નો દડો એવો ઘૂંચવાયો કે છૂટો પડે જ નહિ.

૩૭-ઘૄણાલું-અનુકંપાવાળું,દયાળું
ઘૃણાલું માણસ હમેશ બધાની મદદ કરે છે.

૩૮-ઘૃણાવતી-ગંગાનદી
ગંગા નદીનુ એક નામ ઘૃણાવતી પણ છે.

૩૯-ઘૃતકેશ-અગ્નિ
ઘૃતકેશની ઝપટમાં જે આવે તે બધું સ્વાહા થઈ જાય.

૪૦-ઘૃતપક્વ-ઘીમાં પકવેલ, ઘીમાં તળેલું
આજકાલના જુવાનિયા ઘૃતપક્વ વાનગી ખાસ ખાતા નથી.

૪૧-ઘૃતહેતુ-દહીં, દૂધ, માખણ
ઘૃતહેતુ ગોપીની મટકી ફોડી ખાવાની કાનાને મજા આવતી.

૪૨-ઘૃષ્ણા-અધીરતા, અધીરાઈ
દરેક કામમા ઘૃષ્ણા સારી નહી.

૪૩-ઘોઘળો-ઘાંટો, સાદ, ભારે અવાજ
શરદી ઉધરસમા અવાજ ઘોઘળો થઈ જાય.

૪૪-ઘોટકશાલ-ઘોદાનો તબેલો
રાજાઓના ઘોટકશાલમાં ઉમદા ઘોડા જોવા મળે.

૪૫-ઘોરતમ-ખરાબમાં ખરાબ
જીવહિંસા એ ઘોરતમ પાપ છે.

૪૬-ઘોરદર્શન-ઘુવડ
ઘોરદર્શન એક પ્રકારનુ પક્ષી છે.

૪૭-ઘોષવતી-વરિયાળી
ભોજન ના અંતે ઘોષવતી નો મુખવાસ સહુને ભાવે.

૪૮-ઘ્રાણદુઃખદા-છીંક
ઘણા માણસોની ઘ્રાણદુઃખદા આજુબાજુ વાળાને ગભરાવી દે એવી હોય છે.

૪૯-ઘૂંજુ-ખીસું, ગજવું
ઘણી જાતિમાં કુળવાન વર મેળવવા વરના બાપના ઘૂંજે ધન ઘાલવું છે.

૫૦-ઘટન-પ્રયત્ન
ઘટન કર્યા સિવાય કોઈ કાર્ય પૂર્ણ થાય નહિ.

શૈલા મુન્શા.

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.