May 15th 2020

ઊઘાડી આંખે!

ઊઘાડી આંખે સપના જોવાય કેટલાં?
ઉતરડાયેલ જીવતરના ટાંકા લેવાય કેટલાં!!

સંબંધોના તુટ્યા તાર લાગણીમાં.
વેંત ઓછી પડી ઈચ્છા માપણીમાં;
ઉજ્જડ ધરા પર ચાસ કેવા,
ધીખતાં હૈયાની આગ જેવા!

એક સાંધો તુટે તેર, તો સંધાય કેટલાં?
ઊઘાડી આંખે સપના જોવાય કેટલાં!!

ઘાણીએ ફરતાં બળદ દિનરાત ઘુમે
આજ જિંદગી, બસ એ ભ્રમમાં રમે;
થાય પીડા કે નહિ, છુપાવે દરદ.
માનવી કે પશુ, આખરે તો મરદ!

હસતાં ચહેરાને વ્યથા, મપાય કેટલાં?
ઊઘાડી આંખે સપના જોવાય કેટલાં!!

શૈલા મુન્શા તા.૫/૧૫/૨૦૨૦

May 3rd 2020

મુક્તક

૧- ભગવાન પણ ભુલો પડ્યો,
શોધી શોધીને એવો અડ્યો,
ભજવવા નાટક સ્વર્ગમાં,
શું અદાકારોને જ નડ્યો?

૨- આંચકા પર આંચકો આપે છે,
ધીરજ બસ લોકોની માપે છે,
વાસ્તવિકતા તો છે કપરી,
એ ગણિત શ્રધ્ધાનુ નાપે છે!!

3- દુઃખના દહાડા પણ જશે
ને સુખ જ સુખ રહેશે,
એ તરણાએ તરી જાશું,
વાત સાચી, સમય કહેશે.

4- ખુદ પર ભરોસો તો રાખ,
દર્દને ભીતર છુપાવી નાખ,
નજર હો ઉન્નતિના શિખરે,
તો આપીશ તકદીરને થાપ!

શૈલા મુન્શા ૦૫/૦૩/૨૦૨૦

April 25th 2020

સુખ!!

સુખ આપશે તો આપશે ક્યાં લગી હાથતાળી,
સૂરજ કિરણે સોહતું પ્રભાત, દુઃખોને લે વાળી!

માણસ માણસ વચ્ચે વધ્યું અંતર,
મરણનો મલાજો દુરથી કરે નિરંતર,
કોઈ રે બોલાવો ભુવાને,જપે જંતર,
તીર કે તુક્કો,પડે સાચો કોઈ મંતર.

ડુસકે ચઢી તિમિરભરી રાત કાળી કાળી,
સુખ આપશે તો આપશે કયાં લગી હાથતાળી!

થઈ વસતી અઢળક ઉપરવાસ,
સૂકાતો જન પ્રવાહ નીચે ચોપાસ,
નેજવે ટેકી હાથ, દ્રષ્ટિમાં આકાશ,
પારિજાતસા દેવદૂતોની થઈ નિકાસ!

ફેલાઈ રહી છે આસપાસ ભ્રમોની જાળી,
સુખ આપશે તો આપશે ક્યાં લગી હાથતાળી!

જ્યાં ના પહોંચે રવિ, ત્યાં કવિ એવી,
કોરોનાએ વાત ખોટી પાડી કેવી?
દોરા ધાગાની કેવી કેવી બાધા લેવી,
ડોક્ટર એ જ દેવદુત સચ્ચાઈ કહેવી!!

કરે છે એ જ સિંચન બની બગિયાના માળી
સુખ આપશે તો આપશે ક્યાં લગી હાથતાળી!

જગતના સર્વ ડોક્ટરો, નર્સ અને ઓફિસ સ્ટાફને સમર્પિત.
શૈલા મુન્શા તા. ૨૫ એપ્રિલ ૨૦૨૦

April 9th 2020

હાઈકુ

૧ – સૂરજ ડુબે,
ને આથમતી સાંજ
જેમ જિંદગી!

૨ – પીગળે શીલા,
ધસમસતા ધોધે
માનવી નહિ!

૩ – ટાંગવા છબી,
ઘાવ સહે છે ખીલો,
પીડ પરાઈ!!

૪ – રહેવું મૌન ,
સાચવવા સંબંધો,
મુરઝાયેલા!!

૫ – ઝુલતી ડાળ,
જગવે છે શું આશ?
ફુલ ખીલ્યાની!!!

શૈલા મુન્શા તા. ૦૪/૦૯/૨૦૨૦

April 4th 2020

વેન્ટીલેટર

દિપક માતા પિતાનુ એકનુ એક સંતાન. ઘણા ડોક્ટર,ઘણી માનતા, બાધા, દોરાધાગા પછી બાર વર્ષે શારદા શેઠાણીનો ખોળો ભરાયો. પુરૂષોત્તમ શેઠને ત્યાં આનંદ મંગલનો માહોલ રચાઈ ગયો.
પુરૂષોત્તમભાઈ કાપડ બજારના જાણીતા વેપારી. વીસ વર્ષની ઉંમરે ગામ છોડી નોકરીની આશાએ મુંબઈ પ્રયાણ કર્યું. ભણતર કાંઈ ખાસ નહિ, બસ મહેનત કરવાની લગન. કાપડ બજારમાં ગાંસડી ઉપાડવાથી કામની શરૂઆત કરી, આપબળે આગળ આવ્યા અને આજે એ જ કાપડ બજારના જાણીતા વેપારી તરીકે માન મોભાના અધિકારી બન્યા.
નવ મહિને શારદા શેઠાણીએ પુત્રરત્નને જન્મ આપ્યો, નોકર ચાકરથી ઉભરાતા ઘરમાં બાળકની કિલકારીનો અવાજ ગુંજવા માંડ્યો. લાડલા દિકરાનુ, કુળને આગળ વધારનાર કુળદિપકનુ નામ જ દિપક રાખ્યું.
પાણી માંગતા દુધ હાજર થાય એવી દોમ દોમ સાહ્યબીમાં દિપક નો ઉછેર થવા માંડ્યો. ધનની કોઈ કમી નહોતી ને દિપકની કોઈ માંગ અધુરી રહેતી નહોતી.
મધનુ એક ટીપું પડેને કીડીઓનુ ઝુંડ જામી જાય એમ દિપક જેમ જેમ મોટો થતો ગયો, લાલચી મિત્રોનુ ઝુંડ એની આસપાસ મંડરાવા માંડ્યું.
ટ્યુશન ટિચરોની મહેરબાનીએ જેમતેમ બારમુ ધોરણ પાસ કર્યું અને પિતાની લાગવગે કોલેજમાં પ્રવેશ કર્યો.
દિપકની સ્વછંદતાને છુટો દોર મળી ગયો. દુનિયામાં આવી સ્વછંદતાને પોષનારાઓની ક્યાં કમી હોય છે? પારકે પૈસે મોજ કરવી સહુને ગમે છે.
પૈસાના જોરે બધું જ ખરીદી શકાય એ અભિમાનમાં રાચતા દિકરાની અધોગતિથી મા નુ દિલ કકળી ઉઠતું, પણ દિકરો કાબુ બહાર હતો, પુરૂષોત્તમભાઈ માટે હાથના કર્યાં હૈયે વાગ્યાં જેવી સ્થિતિ હતી.
સીધી સમજાવટની કોઈ અસર થાય એમ નહોતી, છેવટે સીધી આંગળીએ ઘી ના નીકળે તો આંગળી ટેઢી કરવી પડે એ યુક્તિ અજમાવી દિપકને અમેરિકા ભણવા જવાની લાલચ આપી.
ડુંગરા હમેશ દુરથી જ રળિયામણા લાગે એમ અમેરિકાની ચમક, વધુ આઝાદી, કોઈની રોકટોક નહિ એ ભ્રમમાં જીવતા દિપકને તો તાલાવેલી લાગી અમેરિકા જવાની.
ન્યુયોર્કની કોલંબિઆ યુનિવર્સિટીમાં એડમિશન મળી ગયું. પપ્પાએ જતી વખતે તાકીદ કરી “દિકરા ત્યાં રહેવા, ભણવાનો એક વરસનો બધો ખર્ચ હું ઉપાડીશ, પણ પછી તારે જાતમહેનત કરવી પડશે.અમે ઈચ્છીએ છીએ કે તું જ્યારે પાછો આવે ત્યારે તારૂં જ્ઞાન આપણા ધંધાને વિકસાવવામાં કામ લાગે. અહીં જે છે એ તારું જ છે, એને સાચવવું, એમાં વધારો કરવો અથવા એનુ ધનોત પનોત કાઢવું તારા હાથમાં છે,”
દિપકે અમેરિકા આવી કોલેજ કેમ્પસમાં રહી ભણવાનુ શરું કર્યું. વખત જતાં એને જોયું કે અહીં પૈસાદાર કે ગરીબ જેવું કાંઈ નથી વિધ્યાર્થી પાર્ટ ટાઈમ નોકરી કરી પોતાની ફી ભરે છે, કોઈને કોઈની પ્ણ વાતમાં દખલગીરી કરવાની આદત નથી. એક નવી દુનિયાનો અનુભવ થવા માંડ્યો.
૨૦૧૯ સપ્ટેમ્બરના નવા સત્રથી દિપકે કોલંબિઆ યુનિવર્સિટીમાં અભ્યાસ શરૂ કર્યો,
માર્ચ ૨૦૨૦ અવતાં સુધીમાં દુનિયા કોરોના વાઈરસના ભરડાંમા ઝડપાઈ ચુકી હતી. ચીનથી ફેલાયેલો આ વાઈરસ હવા દ્વારા નહિ પણ માનવ દ્વારા ફેલાતો હતો, કોઈની છીંક, કોઈની ઉધરસથી ફેલાતો વાઈરસ જે વસ્તુ પર હોય એને અજાણતા હાથ લાગે અને એ હાથે આપણે આપણા મોઢાને અડીએ અને આપણે વાઈરસના શિકાર બનીએ. વાઈરસને ફેલાતો અટકાવવા શાળા, કોલેજો, જાહેર પાર્ક, બધું બંધ કરવામાં આવ્યું.
દિપક પણ રજા પડતાં પોતાના મિત્ર સાથે એના ઘરે ન્યુયોર્ક રહેવા આવી ગયો. મમ્મી પપ્પાના ફોન પર ફોન આવવા માંડ્યા, “દિકરા તું પાછો આવી જા, દિપકે પણ પાછા જવાની તૈયારી કરવા માંડી, પણ અફસોસ દિપક કોરોનાની ઝપટમાં આવી ગયો.
શરદીને બે દિવસ પછી તાવની શરૂઆત અને પાંચ દિવસ પછી સખત તાવ અને શ્વાસ લેવામાં તકલીફ સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો.
વેન્ટીલેટર સાથે જીવન મરણ વચ્ચે ઝોલા ખાતાં દિપકને ડોક્ટરોના અથાક પ્રયત્ને મોતના મુખમાં થી બચાવી લીધો.
હોસ્પિટલથી ઘરે જતાં ડોક્ટરે દિપકને કહ્યું, “તમારે હોસ્પિટલમાં રહેવાના તો નહિ, પણ વેન્ટીલેટરના પૈસા આપવા પડશે”
દિપકની આંખમાંથી ચોધાર આંસુ સરી પડ્યાં. ડોક્ટર ગભરાઈ ગયા, કહેવા લાગ્યાં, ચિંતા નહિ કરો, અત્યારે સગવડ નહિ હોય તો કાંઈ વાંધો નહિ. અત્યારે સરકાર તરફથી ઘણી જાતની રાહત મળે છે.
રડતાં રડતાં દિપકે કહ્યું પૈસાનો તો કોઈ સવાલ નથી. મારા પપ્પા ખૂબ ધનવાન છે, હું એક ફોન કરીશ અને પૈસા તરત હોસ્પિટલના ખાતામાં જમા થઈ જશે, પણ હું ઈશ્વરની જે અવહેલના કરતો હતો, જનમથી હર પળ જે હવા શ્વાસમાં લઈ હું જીવતો હતો, એનો એક પૈસો પણ મેં ચુકવ્યો નથી, ને આજે થોડા દિવસ આ મશીનની મદદથી કૃત્રિમ શ્વાસોચ્છશ્વાસ થી જિવ્યો એનુ આટલું મોટું બિલ!!!
જેની આપણે કોઈ કદર નથી કરતાં એ કુદરત, એ જગનિયંતાનુ કેટલું ઋણ આપણી ઉપર છે, જે ક્યારેય ચુકવી શકાય એમ નથી.

(ઈટાલીમાં એક દર્દીનો પ્રસંગ છાપામાં વાંચી, વાર્તા રૂપે નિરૂપણ કર્યું છે.)

અસ્તુ,
શૈલા મુન્શા. તા. ૦૪/૦૪/૨૦૨૦

March 30th 2020

ઓળખ!!

સુની પગદંડી એ ચણતા ને ચહેકતાં આ પંખી,
ઝુમતી આ ડાળીઓ ઝુકી જાણે મળવાને ઝંખી.
સમીર સંગ ડોલતાં એ પર્ણ છેડે શું તાન મધુરી,
મળી જે પળ, માણી લે આ શાંતિની અનેરી.

નહો’તી ખબર ને મળી અણધારી આ નિંરાત,
વાચા મૌન ને ભીતર બોલે, મોંઘી એ મિરાત.
ન જોયું ના માણ્યું એ સંગીત છે આસપાસ,
સાંભળો જો દિલથી તો મીઠો કલરવ ચોપાસ.

વાદળોની કોરે ફુટે સૂર્યકિરણની સોનેરી આભા,
ફેલાવતી જગે શમણાભરી ઉમ્મીદોની નવ પ્રભા.
મારતું એ જ પોષતું, રાખ નિયતી પર વિશ્વાસ,
ઘડી આજની, વિતી જાશે કાલ એ જ છે આશ.

બની અલ્લડ માણી રહી નજારો એકાંતનો,
સમય છે આ ખુદને ખુદની ઓળખ પામવાનો!!

શૈલા મુન્શા તા.૦૩/૩૦/૨૦૨૦

March 21st 2020

રમત ખિસકોલીની!

કરે સહુ લોક ચિંતા કાલની,
ને પેલી ખિસકોલી બેઠી વંડીની ધારે,
ખાય મજેથી કતર કતર ઠળીયું.

જોયું જ્યા મેં સામે એની,
ડોળા કાઢી થઈ ઉભી ને,
પૂછડી કરી એવી ટટ્ટાર,
જાણે પડ્યો ભંગ સ્વાદમાં!

તતડાવી ડોળા નજર ઘુમાવી,
છે કોઈ બીજું ખલેલ કરનાર?
વટથી કર્યું સ્થાન ગ્રહણ એવું
સમજી મુજને કોઈ તુચ્છ જંતુ!

રમતી હશે આ ખિસકોલી રોજ,
તોય કદી મળીના ફુરસદ એવી,
સૂરજ ઉગે પહેલાં દોડવું ને,
આથમે સૂરજ પહોંચવું ઘેર.

નહિ જવાની દૂર ક્યાંય,
નજારો કુદરતનો ચોપાસ,
કોરોનાએ વર્તાવ્યો કેર જ્યાં,
રાખ્યા સહુને ઘરમાં નજરકેદ!

ભુલીને સહુ ચિંતા કાલની,
મળી જે પળ નિંરાતની,
સંગત મારીને ખિસકોલીની,
મજેથી માણી રહી છું આજ!!!

શૈલા મુન્શા તા ૦૩/૨૧/૨૦૨૦

March 20th 2020

હાઈકુ

૧ – વિચારવું શું?
કાંઈ જ નહિ આજે,
ફક્ત કરોના!!

૨ – મળી આઝાદી,
ઘરમાં પુરાવાની,
વણ માગેલી!!

૩ – મુલ્ય કેટલું?
સમજાયું જ આજે,
સહવાસનુ!

૪ – ભેગું કરેલું,
રહી જાશે પાછળ,
મોત તો સામે.

૫ – વરસે આભ,
દે દિલાસો જગને,
કાલ ઉજળી!!

શૈલા મુન્શા તા. ૦૩/૨૦/૨૦૨૦

March 19th 2020

જરૂરી હોય છે!

એક ધારાએ પહોંચ્વું તો જરૂરી હોય છે,
માનવું ના માનવું તો શું ફકીરી હોય છે?

કોણ આપે સાથ, એ ક્યાં હાથ કોઈના કદી,
વાત છુપાવા દિલોની, તો અમીરી હોય છે!

મોજથી જીવો, કરો ના કાલની ચિંતા ભલા,
જોમ દેખાડી શકો તો, એ ખુમારી હોય છે!

જિંદગી હારી ગયા જોઈ નજારો મોતનો,
બાથ ભીડો મોત સામે, બેકરારી હોય છે.

ને બધું છોડી જવું ભારે પડે છે દીલને,
જાણકારી હોય, તો શું એ બિચારી હોય છે?

ખાસ રસ્તો શોધવો એ હોય શમણાં લોકના,
એ જ તો ઈચ્છા ખુશાલી લાવનારી હોય છે!!

શૈલા મુન્શા તા ૦૩/૧૭/૨૦૨૦

March 17th 2020

વળતર!

સાત વરસનો મનુ ત્રણ વાગ્યે શાળાએથી પાછો આવ્યો ને બાપાને ઘરની બહાર નીકળતા જોયા.
રાવજીભાઈનો ધંધો દરજીનો. સ્વભાવના સાલસ અને સહુ કોઈના કપડાં પ્રેમથી સીવી આપે. વારે તહેવારે કોઈની સગવડ ના હોય તો ઉધારીમાં પણ કપડાં સીવી આપે. વાત ૧૯૫૩ ૫૪ના જમાનાની. મુંબઈ જેવા શહેરમાં પણ લોકો એકબીજાનો વિશ્વાસ કરે. હેત પ્રેમ અને સંબંધને લોકો માન આપે. સગવડે એકબીજાની ઉધારી ચુકવાય. રવજીભાઈ પણ મહિનાના અંતે એક દિવસ ઉઘરાણીનો રાખે. દુકાન એ દિવસે બંધ હોય.
ઘરેથી જમી આરામ કરી, નાનકડો મનુ શાળાએથી ઘરે આવ્યો અને રાવજીભાઈ ઉઘરાણીએ નીકળ્યા. નાનકડા મનુના માથે પ્રેમભર્યો હાથ ફેરવતા કહેતા ગયા “મનિયા આજ તો તારા માટે ખાટી મીઠી ગોળીને નાનકડી રમવાની ગાડી લઈ આવીશ, બહુ દિવસથી જીદ કરતો હતોને!” સાથે સાથે સવિતાબહેન “મનિયાની મા ને ” કહેતા ગયા કે રાતે આવતાં મોડું થાશે, ઉઘરાણી માટે ઘણા ઘરાકોને ત્યાં જાવાનુ છે માટે તમે જમીને સુઈ જાજો.
સાત વરસના મનુને માથે પિતાનો એ છેલ્લો પ્રેમભર્યો સ્પર્શ.
રાવજીભાઈ એ દિવસે બપોરે ઘરેથી નિકળ્યા, એ દિવસને આજની ઘડી. ક્યાં ગયા, કોઈને ખબર નથી. બે દિવસ ઘરના લોકોએ બધે શોધખોળ કરી, જાણતા હતા એટલા ઘરાકોના ઘર ફરી વળ્યા, હોસ્પિટલોમાં કોઈ અકસ્માતનો કેસ આવ્યો છે કે નહિ એની તપાસ કરી, છેવટે થાકીને પોલિસમાં ફરિયાદ નોંધાવી. વરસ સુધી પોલિસ ચોકીએ ધક્કા ખાધા, પણ રાવજી ભાઈનો કોઈ પત્તો ના લાગ્યો.
ઘરમાં સવિતાબહેનનુ જીવવું મુશ્કેલ થતું ગયું. સાસુ સસરાં દિયર સહુ સવિતાબહેનને જવાબદાર ઠેરવવા માંડ્યા. “તું જ છપ્પરપગી છે, અમારા દિકરાને ભરખી ગઈ એવું લાંછન રોજનુ થઈ ગયું”
વરસ દહાડો મેણાટોણા સાંભળ્યા બાદ સવિતા બહેને પોતાને પિયર જતા રહેવાનુ નક્કી કર્યું. પિયરમાં એક ભાઈ ભાભી હતાં, એમની સ્થિતિ પણ સામાન્ય જ હતી એ નો સવિતાબહેનને ખ્યાલ હતો.
માતાના દિલે એક કપરો નિર્ણય કર્યો.
એક રાતે આઠ વરસના મનુને પાસે બેસાડી પુછ્યું ” દિકરા તું ઘરનુ વાતાવરણ જુએ છે, રોજના આ કંકાસથી હું થાકી ગઈ છું, ગામડે મામાને ત્યાં જવાનો વિચાર કરૂં છું, ત્યાં તારે મારી સાથે આવવું છે કે અહીં રહી ભણવું છે. દાદા, દાદી કાકાને મારા પર ગુસ્સો છે, તું તો એમનો લાડકો છે. તારા ભવિષ્યનો વિચાર કરી નિર્ણય લેજે.”
આઠ વરસના મનુ પર એ નાનકડી ઉંમરે કપરો નિર્ણય લેવાનો વારો આવ્યો. એક તરફ મા અને બીજી તરફ પોતાનુ ભવિષ્ય.
કાકાએ ખાતરી આપી કે મનુને મારા દિકરાની જેમ રાખીશ અને સવિતાબહેન કકળતે હૈયે ભાઈને ત્યાં જતા રહ્યાં.
ત્રણ ચાર વર્ષ તો મા દિકરાનો સંપર્ક પત્ર વ્યવહારથી જળવાયો, પણ ધીરે ધીરે ભણવાની લગનમાં મનુનો સંપર્ક માથી છુટતો ગયો. ભણવામાં હોશિયાર અને કિશોરાવસ્થા, મુંબઈનુ જીવન, અને કાકા કાકીના પ્રેમમાં ધીરે ધીરે મનુના દિલમાંથી મા ની છબી ક્યારે ઝાંખી થવા માંડી એનો પણ ખ્યાલ ન રહ્યો.
સવિતાબહેન ગામમાં લોકોના ઘરે કપડાં વાસણ કરી ભાઈને જે મદદ થાય એ કરતાં, દિકરાના કાગળની રાહ જોતાં.
યુવાન મનુ કેમિકલ એંજિનીયર થયો, કોઈકે એની કાબેલિયત જોઈ અમેરિકા આગળ ભણવા જવાનુ સૂચન કર્યું, સારા નસીબે અને મનુની હોશિયારીને લીધે અમેરિકામાં કેલિફોર્નિઆની બર્ક્લે યુનિવર્સીટીમાં એડમિશન મળી ગયું.
અમેરિકા જતાં પહેલા મનુ પોતાની માને એકવાર મળવા માંગતો હતો, પણ મા ક્યાં છે, એનુ સરનામુ શું છે, કાંઈ ખબર નહોતી. કાકાને પુછ્યું તો એમને પણ કોઈ ખબર નહોતી. છેવટે મનુને પોતાના ફોઈ યાદ આવ્યાં જે દ્વારકા રહેતા હતા અને મા નુ ગામ પણ ક્યાંક ત્યાં જ હતું એવું મનુને યાદ હતું.
દ્વારકા પહોંચી મનુએ ફોઈને આજીજી કરી, “ફોઈ મહેરબાની કરી મને એકવાર મા નો મેળાપ કરાવો.” લાગણીશીલ ફોઈએ તરત જ પોતાના દિકરાને ગામ મોકલ્યો અને ભાભીને સાથે લઈ આવવાની તાકીદ કરી.
બાર વર્ષે મા દિકરાનુ મિલન થયું. મનુની આંખમાંથી પસ્તાવાના અને મા ની આંખમાંથી સ્નેહના આંસુ સરવા માંડ્યા. ફુઆએ હસતાં હસતાં સવિતા બહેનને કહ્યું “તમારો દિકરો અમેરિકા જાય છે, એને પૈસાની જરૂર છે, તમે કાંઈ મદદ કરશો?”
આટલા વર્ષોથી લોકોના ઘરના કપડાં વાસણ કરી સવિતાબહેને જે પૈસા મળતાં એમાંથી ભાઈ ભાભીને પોતાનો ખર્ચ આપી થોડા થોડા રૂપિયા ક્યારેક દિકરાને મળીશ એ આશમાં ભેગા કર્યાં હતા તે ચારસો રૂપિયા તરત કમખાના ગજવામાંથી કાઢી દિકરાની હથેલીમાં ધરી દિધાં.
મનુને અમેરિકા જવાની મુડી ભેગી કરવામાં સહુ પ્રથમ દાન મા પાસેથી મળ્યું. મા દિકરાને એક જ અફસોસ રહ્યો, રાવજીભાઈના જિવ્યાં મર્યાં ના કોઈ વાવડ આજ સુધી ના મળ્યાં!
અમેરિકા આવી મનુએ માસ્ટર ડીગ્રી મેળવી અને સાથે ભણતી માલતી સાથે લગ્ન કર્યાં. સરસ મજાની નોકરી મળી અને જેવું અમેરિકાનુ નાગરિત્વ મળ્યું, મનુએ માલતીની સમ્મતિથી માને અમેરિકા બોલાવી લીધી.
સત્તર વર્ષ સાથે રહ્યાં પછી ફક્ત દિકરા વહુનો પ્રેમ જ નહિ પણ બબ્બે પૌત્રીઓના પ્રેમનુ વળતર પામી સવિતાબહેન સ્વર્ગે સિધાવ્યા.

શૈલા મુન્શા તા.૦૩/૧૬/૨૦૨૦

« Previous PageNext Page »
Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.