October 8th 2010

શમણુ એક આવીને સરી ગયું ને યાદોના ઉપવન ખીલવી ગયુ.
પળ પળ કરી એકઠી ને સીંચ્યો એ બાગ, ઝુમતા એ ફુલ ફેલાવી સુવાસ,
પંખીણી એ મારી પરી સમ લહેરાતી, લહેરાતા એ ફુવારા સંગ
નાચતી ને કુદતી એ હરિયાળા તૃણ પર બની નાનકડી બાળ
દિકરો થયો પતિ, તોય લડાવતો મુજને લાડ,
દિકરી રૂપે આવી ગૃહલક્ષ્મી ભરીને હૈયામા ભાવ
હરખાતું હૈયું ને ઠરતી એ આંખ નીરખી એ જોડલીનુ વહાલ.
થઈ બાળક બસ કરતાં ધમાલ, આ ખાવું ને તે ખાવું નીત નવી માંગ.
સપનાનો દોર પહોંચે બાળપણને તીર, નાનકડો બટુક આવે પાંપણને કોર
ભાસ કે આભાસ, કે સ્વપ્ન એ જ સત્ય, હતા શું બટુક ને રીકુ અમારી પાસ?
થોડી એ પળો ને થોડો એ સાથ, બની સભર સભર બાકીની રાત
શમણું એક આવીને સરી ગયું ને યાદોના ઉપવન ખીલવી ગયું.
શૈલા મુન્શા તા.૧૦/૦૭/૧૦ (દિકરા-વહુની મીઠડી પણ ટુંકી મુલાકાત બાદ)
September 23rd 2010
ક્યાં રે! ખોવાયો કહાન આજ, ક્યાં રે! ખોવાયો કહાન.
નાથ્યો રે કાલિનાગ તુને, કેમ ન નાથે કાલિનાગ આજ
ફેલાવી સહસ્ત્ર ફેણ સત્તારૂપી, ઓકતા ઝેર ચારેકોર.
ક્યાં રે! ખોવાયો કહાન આજ, ક્યાં રે! ખોવાયો કહાન.
ધાયો તું દ્રુપદીની વહાર, પૂર્યાં તે ચીર ને રાખી લાખેણી લાજ
બન્યા બધિર તારા કાન, ના સુણાતી કોઈ હાક આજ
લુટાતી કાંઇ કેટલીય અબળા કેરી લાજ.
ક્યાં રે! ખોવાયો કહાન, આજ ક્યાં રે! ખોવાયો કહાન
આપી તક તે નવ્વાણુ વાર અંતે હણ્યો શિશુપાળ
કરાવ્યો વધ જરાસંઘ કેરો, કરી મોઘમ ઈશારો ભ્રાત.
કંઈ કેટલાય શિશુપાળ ને જરાસંઘ ફરતાં છૂટ્ટા સાંઢ આજ
ક્યાં રે! સંતાયો કહાન આજ, ક્યાં રે! સંતાયો કહાન.
બનીને સારથી અર્જુન કેરો દીધો મહાઉપદેશ,
કર્મ કર, ફળની ન તુ રાખ આશ
ન કંપ્યા હાથ અર્જુન કેરા, છેદતાં મસ્તક સ્વજન કેરા તમામ
સગાં સ્વજનનો શંભુમેળો, કરીને લોકશાહી નુ તાપણુ
પકવતાં ખુદની ખીચડી આજ, જનકલ્યાણનુ થવું હોય તે થાય
ક્યાં રે! છુપાયો કહાન આજ ક્યાં રે! છુપાયો કહાન.
સદા સુણી તે હાક ભક્તોની, ભાંગી તે ભીડ ભક્તોની
કહેવાયો તું સંભવામિ યુગે યુગે, રક્ષક સહુ પ્રિયજનનો.
ક્યારે થાશે સંભવ ને ક્યારે ધાશે વહારે, વાટ જુએ આપ્તજન
ક્યાં રે! ખોવાયો કહાન આજ, ક્યાં રે! ખોવાયો કહાન.
શૈલા મુન્શા.
July 13th 2010

ઝંખનાની ડાળીએ ઉગે ન ફૂલ કદી,
ઝાંઝવાના જળ બુઝાવે ન તરસ કદી.
હથેળીમાં સમાય ન આકાશ કદી,
ગાગરમાં સમાય ન સાગર કદી.
વહેતી હવા બંધાય ન મૂઠ્ઠીએ કદી,
ઊડતી ડમરી, ઝીલાય ન ખોબલે કદી.
ઝંખવાથી ઝાંખી પ્રભુની થાય ન કદી,
ઝંખનામાં ઉમેરાય ભક્તિ,
પૂર્ણ થાયે ઝંખના પ્રભુદર્શનની.
શૈલા મુન્શા. તા.૦૭/૧૩/૨૦૧૦
July 10th 2010

બિંબ ને પ્રતિ-બિંબ ને નીરવ એ એકાંત
ઈશ્વરી માયા નો સર્જાયો અનોખો ચમત્કાર.
રંગોની મેળવણી ને અનોખી દ્રષ્ટિનો પાસ
જળ લાગે સ્થળ સમુ, પથરાયો બિલોરી કાચ!
ડુબતાં એ સૂરજનું અનેરૂં પ્રતિ-બિંબ,
છલકતું સમાધિસ્થ જળ પરે;
ને ઉગતા એ ચંદ્રનું પ્રતિ-બિંબ
દીસતું સમાધિસ્થ જળ પરે;
મૌન પર્વત માણે લીલા કુદરતની,
અદ્ભૂત અનુપમ સૃષ્ટિની કમાલ,
પ્રતિકૃતિ સૂર્ય ચંદ્રની જળપર લહેરાય.
જોઈ અનેરું દ્રશ્ય, બને વાચા મૌન!
ને નીરખી અદભૂત બિંબ-પ્રતિબિંબ!
મન સભર સભર, ઈશ્વરનો સાક્ષાત્કાર!!
શૈલા મુન્શા તા. ૦૭/૦૬/૨૦૧૦
July 9th 2010
પચાસ વર્ષનુ સાયુજ્ય, ને પચાસ વર્ષનો સહવાસ
જીવન ઝુમી ઉઠે બાળ ગોપાળોની સાથ.
પાંગરતી ગઈ જીવન વેલ ને પાંગરતો ગયો સંસાર
જીવન બાગની ડાળીએ ખીલતા ગયા
અનીતા, શૈલેશ, રીટા, રીમ્પલ ને અક્ષય
નાજુક ફૂલ સમાન.
વહેતી રહી જીવન નૈયા મધુબેનની અમ્રુતભાઈ સંગ
ખીલ્યા ફૂલ ને ભરાતો ગયો સંસાર,
દેવર્ષિ, જયેશ, પંકજ, દર્શના, ને શ્વેતાની સાથ.
સોનામા સુગંધ ભળે તેમ મહેકી રહી ફુલવાડી
દાયકાઓ વહેતા રહ્યા ને વિકસતી ગઈ સંસારવાડી
સાગર, રવિ, જીમ, સૂરજ, આકાશ,
ને વળી સરિતા, પરિતા, ઈશાની સાથ.
જીવનના હર સુખદુઃખના સાથી અમ્રુતભઈ ને મધુબેન
વહે તમ જીવન દીર્ઘ આયુને સ્વસ્થપણે
શુભકામના ને અમ અંતરની અભિલાષ
ઉજવો હિરક જયંતિ લગ્નની પ્રપૌત્ર-પ્રપૌત્રી સાથ.
(શ્રી અમ્રુતભાઈ ને મધુબેનને પચાસમી લગ્ન જયંતિ નિમિત્તે ખુબ ખુબ વધાઈ)
અમારી દિકરી શ્વેતા ના સાસુ સસરા નહિ પણ માત-પિતા સમાન)
રૂબરૂ હાજર ન રહી શક્યા પણ આ નાનકડી કવિતા દ્વારા શુભેચ્છા અને શુભકામના વ્યક્ત કરી રહ્યા છીએ.
શૈલા-પ્રશાન્ત.
July 1st 2010

વરસાદી આ મોસમમાં, ચાલ વરસતા જઈએ,
ને ભીની એ મોસમ સંગ, ચાલને ભીંજાતા જઈએ.
ટહુક્યો એ મોરલોને વરસી રે હેલી,
મોરલાના ટહુકારે, ચાલને ટહુકતા જઈએ.
નીતરતું એ નીર, નેવાની ધારે ધારે,
ટપકંતા એ ટીપે ટીપે, ચાલને ટપકતાં જઈએ.
કાનો રમતો ગેડીદડે,ચમકંતી વીજ સંગ,
વીજળીના ચમકારે,ચાલને ચમકતા જઈએ.
ધરતી નભ બન્યા એકાકાર,ગરજંતા એ મેઘ-મલ્હારે,
સખા થઈ એકાકાર બસ તુંને હું આ વરસાદી મોસમે,
ચાલને મનભર વરસતા જઈએ!
શૈલા મુન્શા. તા૦૭/૦૪/૨૦૧૦
June 19th 2010
પૃથ્વી કરતી પરિભ્રમણ સૂર્યની આસપાસ,
ને વળી કરતો ચંદ્ર પરિભ્રમણ પૃથ્વીની આસપાસ.
બાળ કરતું પરિભ્રમણ માની આસપાસ,
ને વળી ભમરો કરતો પરિભ્રમણ ફૂલની આસપાસ.
કરતી નાર પરિભ્રમણ વડલાની આસપાસ,
હરએક પરિભ્રમણે માંગતી દીર્ઘાઆયુ પતિને કાજ.
નીસર્યા કાર્તિકેય ને ગણેશ પરિભ્રમણે,
બન્યા આદિદેવ ગણેશ,
કરીને પરિભ્રમણ માતપિતાની આસપાસ.
ચીંધ્યો માર્ગ સહજ પ્રભુએ, ચૂંટીને પ્રતિનીધિ માબાપને
ભલે ન દિશે ઈશ્વર ચોપાસ, ઠારીને હૈયા માબાપના,
થશે ઉન્નત જીવન, જાણે પરિભ્રમણ ઈશ્વરની આસપાસ.
શૈલા મુન્શા તા. ૬/૧૯/૨૦૧૦
June 3rd 2010
દરિયા વચ્ચે તરસ પ્યાસની,
હોય પાણી ચોપાસ તોય
ના બુઝાય તરસ પ્યાસની.
રણ વચાળે દોટ મુકતો માનવી,
નીર એ તો ઝાંઝવાના
ના બુઝાય તરસ પ્યાસની.
ભર્યા અખૂટ ભંડાર,
તોય આ પામુંને તે પામું
ના બુઝાય તરસ લાલસાની.
પહેરી અમરત્વનો પટ્ટો
જીવે અબુધ આ માનવી
ન થાય મરણની પળ એક આઘી,
તોયે ના બુઝાય તરસ જીજીવિષાની.
રે માનવી ક્યારે ખુલશે આંખ?
પ્રભુએ દીધો માનવ અવતાર
બસ સાર્થક આ જીવન કરી જગભલાઈ.
શૈલા મુન્શા. તા. ૦૬/૦૨/૨૦૧૦
April 30th 2010
હૈયા મહી ઉદાસીને હોઠ મલકે,
કદી ગરજતું મન, અને હોઠ સિવાય
એમ પણ બને.
દિશાની કોઈ સુઝ નહિને, નીકળી પડે જણ
ખોવાય ભીડ મહી, અણજાણ રસ્તે
એમ પણ બને
ખાલી હતી જીંદગી, મળી મિરાત દોસ્તીની,
પુરાયો અવકાશને, રંગત જીંદગાની
એમ પણ બને
ગરજતા વાદળ ને વીજલીસોટા
નીતરતું આકાશ ભર વૈશાખે
વૈશાખમાં અષાઢ
એમ પણ બને.
શૈલા મુન્શા તા.૪/૩૦/૨૦૧૦
April 8th 2010
નાનકડી પરી આવી અમ જીવનમા
ને પ્રેમ ની પરિભાષા બદલાઈ ગઈ
દિકરી બની મા ને હું બની નાની
સમજાયો અર્થ આજ,
મુડી કરતાં વહાલું વ્યાજ
નાનાજી ના હરખ નો નહિ પાર.
દાદા રચે કવિતા પર કવિતા આજ
દાદી થાય હરખઘેલા લઈ ઈશાની હાથ.
પપ્પા ના આંખની એ તારલી
રૂપે ને રંગે પ્રતિકૃતિ બાપની.
બેનીનો ભાઇ તો બન્યો મામો લાડકડી ભાણીનો
ને મામીને હૈયે ઉમંગ અતિ, બસ ક્યારે ઝુલાવુ ઈશાની મુજ હાથ.
કાકા કાકી ને ફોઇ ફુઆ સહુની એ લાડકી
ભાઈ બહેનો મા સહુથી એ નાની ને સહુની એ વહાલી
નાનકડી પરી આવી અમ જીવનમા
ને પ્રેમની પરિભાષા બદલાઈ ગઈ.
શૈલા મુન્શા તા. ૦૪/૦૬/૨૦૧૦