February 10th 2008

ષષ્ટીપૂર્તિ

વિશ્વદિપ નામ તમારુ, વિશ્વના દીપ બની રહો
ઊજાળ્યુ જિવન જેમ પ્રેમે જીવી, જગને ઊજાળી રહો

વર્ષો વિત્યા પરદેશ તણી ભૂમિ પર,
કિંતુ હ્રદયે હમેશ દેશપ્રેમ ભર્યો
તત્પર સદા થાવા મદદરુપ સર્વને.

જીંદગી ની સફરમા સાથ રેખા તણૉ સાંપડ્યો
જીવન બાગ મહેકી ઊઠ્યો દિપ્તી આશિષ તણા કલરવે
સોનામા સુગંધ ભળી રાજીવ તણા આગમને.

વટવૃક્ષ વિસ્તરતું ગયું જીવન તણું
બન્યા દાદાજી બે પુષ્પકળી ના આગમને
ખીલતી રહી કળી વધતો રહ્યો ઉમંગ હૈયે.

આજ સંધ્યા સલુણી તમ ષષ્ટીપુર્તિ તણી
ખુશાલી આપની, બની સર્વ પરિવાર જનો તણી
જોડાયા સર્વ મિત્રો સ્નેહીજનો કરી કામના દિર્ઘાયુ તણી.

શૈલા મુન્શા (૨/૧૮/૨૦૦૬)

વિશ્વદિપ ભાઈ ની ષષ્ટીપુર્તિ ઉજવણી પ્રસંગે લખાયેલ કાવ્ય

February 6th 2008

પ્રેમ

પ્રેમ કાંઇ ત્રાજવે તોળાતો નથી,
એ તો બસ થઈ જાય છે.

કર્યા દિદાર તારા જે ઘડી
બે ઘડી મિલન ની આશમા,
કાંઇક ઘડીઓ વહી જાય છે.

ન નડે ઉમર નો તકાજો ન ભાષાની ભૂતાવળ
નજરું મળી ન મળી ત્યાં હૈયું હરખાય છે.

ક્યાં નડે છે એને સ્થળ કાળ ની સીમા
ઘંટડી રણકે જ્યાં ફોન ની,
ઘંટારવ થઈ જાય છે.

થયો ઘંટારવ મળ્યા જે ક્ષંણે, બન્યા સાથી જીવનભરના
મહેકી ઊઠ્યો જીવનબાગ બે માસુમ ફુલોના સથવારે.

ન તોળવાની જફા ના કાંઇ લેખાજોખા
પ્રેમ તો એ જે દિનરાત બસ વધતો જાય છે.

પ્રેમ કાંઇ ત્રાજવે તોળાતો નથી
એ તો બસ થઈ જાય છે.

શૈલા મુન્શા (૨/૫/૦૮)

January 21st 2008

યાદ છે

યાદ છે મને એ ઘર જ્યાં હું જન્મી,
જ્યાં સૂરજ ના કુમળા કિરણો
ભરતા ઉજાશ મુજ નયનોમા

યાદ છે મને એ માનો પ્રથમ સ્પર્શ,
જેને જગવી ચેતના મુજ જિવનમા
પાઈને અમૃત રસ

યાદ છે મને પિતાનો એ પ્રથમ સ્પર્શ
ભરીને વહાલભરી ચુમી મુજ ભાલ પર
બન્યા વટવ્રક્ષ જીવન તણાં

યાદ છે મને એ બાળપણ
જ્યાં સાંપડ્યો સ્નેહ નાનકડી બહેનનો
સંગ જેના વહ્યા દિવસો હસતા રમતા

યાદ છે મને એ યુવાનીનુ પ્રથમ ચુંબન
જેને પગલે સાંપડ્યો સાથી જીવનભરનો
દિપી ઊઠી જીંદગી મારી જેના સથવારે

યાદ છે મને એ ક્ષણ, જાણ્યુ જે પળે
ઉછરી રહી નવજીંદગી મુજમા
બની ધન્ય પામી માતૃત્વ
સ્પર્શી નવચેતના મુજ હાથોમા.

શૈલા મુન્શા
૧/૧/૦૮

January 21st 2008

ધરતી નો છોરું

હાંરે હું તો ધરતી નો છોરું હું તો ધરતી નો છોરું
હોય સમજ નાસમજ તોય હું તો ધરતી નો છોરું

ઉડતા પતંગિયા ની સાથ મારે ઉડવું છે ડાળ ડાળ,
પામવો છે પ્રેમરસ થઇને ગુલાબ લાલ લાલ.

સરતી માછલીઑ સંગ મારે સરવું સર સર,
જાણે દરિયો લહેરાતો આંખોમાં રંગરંગ.

અક્ષરના અંકોડા ભિડાય મારી આસપાસ
તોડવાને સાંકળ નજરું ઘુમાવું હું ચોપાસ

શુન્ય મા ભાસતો સૂરજ ચીતરે રંગો અવનવા મુજ હૈયે
શાને બની કઠોર સંખ્યા મા અટવાવો મુજને

હૈયું મારું ઞંખે બની નીલપરી વિહરૂં વન ઉપવને
શીદને કાપો પાંખો મારી નિતી નિયમો કેરી તલવારે

હું તો ધરતી નો છોરું હું તો ધરતી નો છોરું
હોય સમજ નાસમજ તોય હું તો ધરતી નો છોરું.

“તારે જમીન પર” જોયા પછી રચાયેલી કવિતા.

શૈલા મુન્શા(૧૨/૨૫/૦૭)

January 21st 2008

વરસ

જોડાયું જે જન્મ સાથે મારા, વધતું રહ્યુ મુજ સાથે સદા
હે વરસ! કાયા સંગ પડછાયાની માયા આપણી સદા.

કદી ન લાગ્યો ભાર તુજને,અનહદ પળોનો હિસાબ તુજ શિરે
હૈયું તારું સાગર સમું વિશાળ, શમાવે જિવન કેરી પળો બેહિસાબ.

આંખ મીચતા ચાલે રીલ, પળમાં પહોંચું બાળપણને તીર
વહ્યાં વરસો છૂટયો સાથ સ્વજન કેરો, ન છૂટ્યો સાથ કદી તારો.

કદી ચડતી કદી પડતી, ખેલ કંઇ અવનવા ખેલાવે.
બાજીગર બની દોર હાથમાં સદા રાખે.

હર પળ હર દિન લાવે નવો ઉમંગ નવી આશ જીવનમાં,
ગત વાતોને વિસરાવી કરાવે તું સંકલ્પો નવા નવા.

નૂતન વર્ષ કરું તુજ અભિવાદન
સજાવી સપના નવા નવા.

શૈલા મુન્શા
૧/૪/૦૮

November 24th 2007

કુદરત

એક તરફ ચાંદની બીજે ચમકારા,
એક તરફ તારલા ટમટમે બીજે વીજ લીસોટા.

કુદરત કેરા ખેલ અવનવા,
હર પળ દર્શાવે રુપ નવાનવા.

એક તરફ ઢળતો સૂરજ,બીજે ઉગતો ચાંદ
એક તરફ સોનેરી સંધ્યા, બીજે ઉમડતા વાદળ ઘનેરા.

ક્યાંક છલકાતું ઘોડાપુર ને ક્યાંક પાણી કેરા સાંસા,
ક્યાંક ધરા ધખધખે, ને ક્યાંક બરફ કેરી શીતળતા.

ક્યાંક નભને ચૂમતા ડુંગરો, ને ક્યાંક પાતાળે પહોંચતી ખીણો
ખીલે ક્યાંક ફુલો રંગબેરંગી ક્યાંક અડાબીડ જંગલો.

પતંગિયા ની પાંખો રંગીલી,
જાણે મેઘધનુ કેરી છટા અનેરી.

કોણ જાણે કોણ મદારી ને કોના હાથમાં દોર,
બસ એટલું ભાસે, એતો કુદરત કેરા ખેલ.

શૈલા મુન્શા.
૨૩/૧૧/૦૭

November 17th 2007

ઝરણુ

ખળખળ વહેતું ઝરણુ નિજાનંદ માં મસ્ત
હસતું રમતું વહે પ્રક્રુતિની ગોદમા વ્યસ્ત.

કલકલ નાદે કરે એ તો પંખી સાથે કલરવ
ખીલ્યા ઉપવને જાણે ભ્રમર કરતો ગુંજારવ.

તરસ્યા પ્રાણીઓની ભાંગે તૃષા
નહિ કોઈ આશ નહિ અપેક્ષા

ક્યાં જનમ્યું ક્યાં વિલીન થયું કોણ કરે પરવા?
મળી જે જિંદગાની વિતાવી ધરતીએ વિહરવા.

ના પર્વતનો વિયોગ, ના સાગરને મળવાની મહેચ્છા;
નિત કામ આવું બસ સર્વને, હોય હૈયે એજ ઈચ્છા!

પ્રભુ પ્રાર્થના બસ એટલીજ મુજ હૈયે રહેતી,
વહે મુજ જિંદગી નિર્મળ ઝરણા સમી વહેતી!!

શૈલા મુન્શા તા. ૦૮/૨૫/૨૦૨૦

October 28th 2007

જરૂર છે

અહિંસાના પુજારી દેશને,
ક્રુષ્ણ જન્મની તાતી જરૂર છે.

કૌરવરુપી ભાઈઓને હણવા
સમર્થ બાણાવળી પાર્થની જરૂર છે.

એક ગાલ પર તમાચો પડતા બીજો ગાલ ધરવાને બદલે,
ગાલ સુધી પહોંચતા હાથને ઉખેડી નાખવાની જરૂર છે.

ક્યાં સુધી જનતાનુ ભાવિ,
બીજાને આશરે ઘડવા દેશું?(યુનોના)

શુળીનો ઘા સોયે સર્યો સમજવાને બદલે,
દેશની શાંતિ હણનારને શુળીએ ચઢાવવાની જરૂર છે.

દેશભક્તિ અને વફાદારીની વાતો કરવાને બદલે,
વફાદારી હરદમ દેખાડવાની જરૂર છે.

અમીચચંદોના આ દેશમાં
એક લોખંડી પુરુષ સરદારની જરૂર છે.
અને હવે એક નરેન્દ્ર મોદીની જરૂર છે!!

અહિંસાના પુજારી દેશને,
કૃષ્ણ જન્મની તાતી જરૂર છે!!!

આઝાદી પર્વની ઉજવણી
શૈલા મુન્શા ૧૪ ઓગસ્ટ ૨૦૨૩

October 28th 2007

તર્પણ

માએ આપ્યો જન્મ, પિતા એ આપ્યું નામ,
આંગળીના ટેરવે શિખવ્યું ડગલું ભરવાનુ કામ.

કરી લાડ ઝુલાવી મુજને,
ડારી નજરથી ડરાવી મુજને.

શૈશવના એ સુંવાળા દિવસો વહ્યાં
બસ પ્રેમે હસતાં રમતાં વિહરતા.

શૈશવથી કિશોરાવસ્થા વિતાવી હર ક્ષણે,
શિખી જીવન તણા મુલ્યો તમ પાસે.

બેટા હંમેશ રહેવુ નીતિમય સદા જીવનમાં,
પડકાર ઝીલવા સામી છાતીએ મુસીબતમાં;

યુવાની આવતા આવશે સમસ્યા ઘણીએ,
યાદ રહે તરવું હરદમ સામા વહેણે.

પિતા તમ શીખ પ્રેરે બળ જીવનમાં,
આગવું અસ્તિત્વ પ્રગટાવે મુજમાં.

ઈચ્છા સર્વ પિતા તણી,
સંતાન સવાયા બાપથી!

તર્પણ મારું એજ તવ ચરણે,
સાર્થક કરું જીંદગી મારી
નામ તમારું દિપાવી.

શૈલા મુન્શા (Father’s day) ૧૮/૬/૨૦૨૩
www.smunshaw.wordpress.com

October 23rd 2007

જિન્દગી

જિન્દગી જીવતા આવડે તો જીવી જવાય છે
નહિ તો વ્યર્થ ફાંફામાં ખપી જવાય છે.

ફૂલ ને ખીલતા કોણ શીખવે છે?
પંખી ને ઉડતા કૉણ શીખવે છે?
સૂરજ ને ઉગતા અને આથમતા કોણ શીખવે છે?

રે માનવી! જરા ચોપાસ નજર તો કર
તક ઝડપતા આવડે તો ઝડપી લેવાય છે
નહિ તો વ્યર્થ ફાંફામા ખપી જવાય છે.

કરોળિયા ના જાળાં જેવી આ જિન્દગી
જાળાં ઉકેલતાં આવડે તો જીવી જવાય છે.
નહિં તો વ્યર્થ ફાંફામા ખપી જવાય છે

માનવીની ઉડાણ ચન્દ્રને તો આંબી શકી
આત્માના ઉંડાણને પામી શકાય
તો મોક્ષને દ્વાર પહોંચી શકાય છે.
નહિં તો વ્યર્થ ફાંફા મા ખપી જવાય છે
જિન્દગી જીવતા આવડે તો જીવી જવાય છે.

શૈલા મુન્શા તા. ૧૦/૨૯/૨૦૦૭

« Previous Page
Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.