September 5th 2013

જસ્ટીન

આ વર્ષે અત્યાર સુધી લગભગ ચાર નવા બાળકો મારા ક્લાસમા આવ્યા છે એમા ત્રણ છોકરી અને એક છોકરો છે. કુલ મળી ને પાંચ છોકરીઓ છે. આટલા વર્ષોમા ભાગ્યે એક કે બે છોકરી હોય એટલે જ અમારી એમી જેવી છોકરી નો રૂવાબ બધા પર ચાલે.
આ વખતે જે બાળકીઓ છે બધી નાનકડી નાજુક અને પરાણે વહાલી લાગે એવી છે.
મારે તો જો કે આજે વાત જસ્ટીન ની કરવી છે.સાડા ત્રણ વર્ષનો જસ્ટીન કેમ અમારા ક્લાસમા છે એ જ નવાઈ ની વાત છે. પહેલે દિવસે આવ્યો ત્યારે એની મમ્મી કહે જસ્ટીન જરા શરમાળ છે. જલ્દી બધા સાથે ભળી નથી શકતો.એમની વાત સાચી પણ લાગી.ચુપચાપ ખુરશી પર બેઠો. મમ્મી ગઈ તો રડ્યો નહિ. રડ્યો નહિ એ જ અમારા માટે મોટી વાત હતી, નહિ તો બાળકો શરૂઆતના થોડા દિવસો સંભાળવા મુશ્કેલ થઈ જાય.
એક બે દિવસ થયા અને જસ્ટીન બધા સાથે ભળી ગયો. બધી પ્રવૃતિ મા ભાગ લેવા માંડ્યો. હોશિયાર એટલો કે જાતે કોમ્પ્યુટર પર અમારી (Educational web site starfall) જેમા બાળકોને એ.બી.સી.ડી સાથે પિક્ચર, સંગીત વાર્તા બધુ જ હોય એ પોતાની જાતે કરવા માંડ્યો. લાલ પીળો વાદળી ભુરો વગેરે રંગના સરસ મજાના ગીત એ એની ગમતી વસ્તુ. માટે જ તો અમને લાગે છે કે જસ્ટીન અમારા ક્લાસમા કેમ છે?
કાલે રમતના મેદાન મા હું બાળકો સાથે રમતા જસ્ટીનને ગલીપચી કરી હસાવતી હતી. થોડીવાર થઈ અને પાછળથી આવી જસ્ટીન મને ગલીપચી કરવા માંડ્યો. મને એની મમ્મીની વાત યાદ આવી ગઈ “જસ્ટીન જરા શરમાળ છે”
ના ભઈ ના જસ્ટીન તો શરમાળ નથી મજાનો રમતિયાળ હોશિયાર બાળક છે. મને ખાતરી છે કે અમારા મીકેલની જેમ એને પણ અમે જલ્દી બીજા નોર્મલ Pre-K ના ક્લાસમા મોકલશું.

શૈલા મુન્શા. તા ૦૯/૦૫/૨૦૧૩

August 29th 2013

પહેલો દિવસ બાળકો સાથે

૨૦૧૩ નુ નવુ વર્ષ શરૂ થયું. શિક્ષકો માટે તો બે અઠવાડિયા પહેલા જ સ્કુલ શરૂ થઈ ગઈ હતી, પણ બાળકો ગઈકાલ થી આવવાના શરૂ થયા. પહેલો દિવસ બાળકો માટે એટલે સ્કુલમા ચારેબાજુ માબાપ નાના બાળકો સાથે અને શિક્ષકોની દોડાદોડી.Pre-K ના બાળકો પહેલીવાર સ્કુલમા આવે એટલે રડવાનો અવાજ અને મમ્મીને છોડવા તૈયાર નહિ. આ તો આખી સ્કુલનો ચિતાર પણ મારા બાળકો (PPCD-pre Primary children with disability)વેકેશન પછી પાછા આવ્યા. મારા ક્લાસમા બે વર્ષ આ બાળકો હોય એટલે થોડા જુના અને થોડા નવા.આ વર્ષે ટીચર પણ નવી અને ચારેક બાળકો પણ નવા આવ્યા.
ડેનિયલ અને ડુલસે તો જેવા બસમા થી ઉતર્યા કે મને બાઝી પડ્યા. બે મહિના ઘરે રહીને ડેનિયલભાઈ બધું ભુલી ગયા હતા. ગયા વર્ષે શીખવાડેલું અંગ્રેજી બધું ભુસાઈ ગયુ હતું અને કડકડાટ સ્પેનિશ ચાલુ થઈ ગયુ. ખરી મઝા સવારના નાસ્તા વખતે આવી. સીરીયલ ને દુધ ને બદલે ડેનિયલને ટાકો જોઈતો હતો. (મેક્સિકન લોકો મકાઈ ની રોટલીમા ચિકન ને સાલસા બધુ ભરી ગોળ વીંટો વાળી ને ખાય.)વેકેશન ની મજા શરીર પર દેખાતી હતી. આમ પણ ગોળમટોળ હતો અને હવે થોડો લાંબો અને ગાલ ભરાયા હતા. તોફાન થોડા ઓછા થયા હતા.
એ.જે ઘણુ બોલતા શીખી ગયો હતો. મારૂ નામ બરાબર બોલતો હતો. “હલો મુન્શા” અને નવા ટિચરને “હલો ટિચર” કહી બોલાવતો. “help me” કહેતો. ફક્ત તકલીફ એક જ હતી, વારંવાર એ એક ની એક વાત કહ્યા કરતો. જમવાના સમયે જ્યારે એક એક કોળિયે “Thank you” કહેવા માંડ્યો અને એ કહેવાની રીત એટલી સરસ હતી કે મને “ઈન્ડિયન આઈડોલ” ની નાનકડી હસતી સુગંધા દાતે, (જેના બે દાંત નહોતા) એ યાદ આવી ગઈ.
ડુલસે જેવી જ બીજી નાની છોકરી બ્રીટ્ની આવી છે. જસ્ટીન અને તઝનીન વગેરે નવા બાળકો છે. પાણીની ધારને “Rain bow” કહેવાવાળો મીકેલ આ વર્ષે અમારા ક્લાસમા નથી, પણ હજી અમારી બસમા જ આવે છે. બસમા થી ઉતરી ક્લાસમા જઈ દફતર લટકાવવા માંડ્યો. મારે એને એના ક્લાસમા લઈ જવો પડ્યો,ત્યાં પહોંચતા સુધી તો કેટલું બોલી નાખ્યુ. બે મહિના મા વધુ ડાહ્યો અને સમજુ થઈ ગયો.
સમન્થા અમારી નવી ટિચર સકારાત્મક રીતે આ બાળકો સાથે ભળી રહી છે.મને કહે,”મીસ મુન્શા પ્રિન્સીપાલ થી માંડી જે ટિચરને હું મળી એ બધા એ મને કહ્યું જરાય ચિંતા ના કરીશ. મીસ મુન્શા તારી સાથે છે અને એ આ બાળકો સાથે ઘણા સમયથી કામ કરે છે માટે તને જરાય વાંધો નહિ આવે” સમન્થા મારા અનુભવોનુ માન રાખે છે, માટે અમે બન્ને મળી આ બાળકો ની પ્રગતિ માટે પુરા પ્રયત્નો કરીશું.
આ વર્ષ પણ આ બાળકોની મસ્તી તોફાન થી યાદગાર બનશે એની મને પુરી ખાતરી છે.

બસ તો નવા બાળકોની નવી કહાણી મારા “બાળ ગગન વિહારમા”

શૈલા મુન્શા તા.૦૮/૨૮/૨૦૧૩

August 29th 2013

૨૦૧૩-૨૦૧૪ નવુ વર્ષ

૨૦૧૩ નો ઓગસ્ટ મહિનો આવી ગયો અને શાળાનુ નવુ વર્ષ શરૂ થઈ ગયું. બાળકો ને આવવાને તો હજી વાર છે પણ અમારી પ્રવૃતિ શરૂ થઈ ગઈ. શાળાકિય પધ્ધતિ ભારત કરતા ઘણી જુદી. શાળા બંધ થાય ત્યારે બધું અભરાઈએ ચઢાવવાનુ અને શરુ થાય ત્યારે ફરી બધું ગોઠવવાનુ. શિક્ષકોની દશા અત્યારે શિક્ષક કરતાં મજુર જેવી વધારે લાગે. નિસરણી લાવો, કબાટ પરથી વસ્તુ ઉતારો, ક્લાસની દિવાલો ફરી સજાવો, અને સહશિક્ષકોનુ તો આવી બને. પુસ્તકોના થોકડે થોકડા ટ્રોલીમા ભરી દરેક ક્લાસમા પહોંચાડો. અમેરિકામા બાળકને સ્કુલમા સગવડ બધી મળે. ભારતની જેમ કેડ વળી જાય એવું દફતર ઊંચકીને ના આવવું પડે, બધા પુસ્તકો સ્કુલમા થી જ મળે. દર વર્ષે બોક્ષ ના બોક્ષ ભરી પુસ્તકો ડિસ્ટ્રીક ઓફિસમા થી આવે. અને જુના પુસ્તકો રફેદફે થાય. પુસ્તકોનો આવો વેડફાટ મે બીજે ક્યાંય જોયો નથી.
ખેર હું તો મારી વાત કરૂં.મારો ક્લાસ ગોઠવતા મને મારા બાળકો યાદ આવી ગયા. હરિકેન ટ્રીસ્ટન અને આઈન્સ્ટાઈન મિકાઈ બીજી સ્કુલમા ગયા. ગોળમટોળ ડેનિયલ અને જમાદાર ડુલસે ફરી મારા ક્લાસમા આવશે. મીઠડો વેલેન્ટીનો પણ પાછો આવશે. થોડા નવા બાળકો પણ આવશે. સાથે સાથે આ વર્ષે ટીચર પણ નવા છે.મીસ બર્કના લગ્ન થઈ ગયા અને એ સ્કુલ છોડીને ગઈ. નવી ટીચર નુ નામ સમન્થા છે. અત્યારે તો ઘણી ઉત્સુક છે અને બાળકોને મળવા આતુર છે, પણ ખરી મજા તો પહેલે દિવસે આવશે. આજ પહેલા એણે ક્યારેય માનસિક રીતે થોડા પછાત બાળકો સાથે કામ નથી કર્યું. બે મહિના ની રજા પછી આ બાળકો જ્યારે પાછા આવે ત્યારે અમારે ફરી શ્રી ગણેશાય નમઃ કરવું પડે. એટલે પહેલો દિવસ ચોક્કસ યાદગાર બની રહેશે.
ગમે તે હોય પણ હું મારા ફુલવાડીના ફુલડાં ને મળવા આતુર છું, સાથે સાથે તમને પણ અવનવા એમના તોફાનોથી પરિચીત કરવા આતુરછું. બસ થોડી ધીરજ ધરો. એમના પરાક્રમો ની સરિતા મા તમને પણ વહેતાં રાખીશ.

શૈલા મુન્શા. તા.૦૮/૨૧/૨૦૧૩

June 27th 2013

મિકાઈ

હાલમા તો મારે સ્કુલમા રજા છે. સમર વેકેશન ચાલે છે એટલે બાળકોનુ સાનિધ્ય પણ નહિ ને એમના મસ્તી તોફાન પણ નહિ, પણ અચાનક આજે મને મિકાઈ યાદ આવી ગયો.”Autistic child” વિશે કોઈ લેખ મારા વાંચવામા આવ્યો અને મને મિકાઈ યાદ આવી ગયો.આ બાળકો ખરેખર બહુ બુધ્ધિશાળી હોય છે પણ એમનુ મગજ કોઈ જાતનો ફેરફાર જલ્દી સ્વીકારી નથી શકતું. એમનુ જે રૂટિન ગોઠવાયું હોય એમા બદલાવ આવે તો એમને સંભાળવા ભારે થઈ પડે.
મિકાઈ જ્યારે અમારા ક્લાસમા આવ્યો ત્યારે ઘણો આક્રમક હતો. પાંચ વર્ષ સુધી કોઈ સ્કુલમા નહોતો ગયો. મા બાપ ખરા પણ પરણેલા નહિ એટલે બાળકની જોઈન્ટ કસ્ટડી, પણ મિકાઈ વધુ સમય મા પાસે રહે. બાપ નોકરી ના હિસાબે હ્યુસ્ટન થી બહાર વધુ હોય.અમે જોઈ શક્યા કે મા કરતાં બાપને મિકાઈ માટે કશું પણ કરી છુટવાની તમન્ના વધુ હતી.ક્લાસમા મિકાઈ કશું બોલતો નહિ પણ એને આંકડાઓમા ખુબ રસ પડતો.નંબર સોંગની સીડી વાગે તો ધ્યાનથી સાંભળે. સવારે જ્યારે ક્લાસમા આજના હવામાન વિશે વાત કરીએ કે એને લગતાં ગીત સંભળાવીએ તો એ એકીટશે જોયા કરે. મા બાપ સાથે વાત કરવાથી ખબર પડી કે એને ગણિત બહુ ગમે છે અને કોમ્પ્યુટર બહુ ગમે છે.
ધીરે ધીરે એ ક્લાસના રૂટિનમા ગોઠવાતો ગયો.એને શાંત કરવો હોય તો કોમ્પ્યુટર પર બેસાડી દો તો એના કલાકો એમા નીકળી જાય.જેમ જેમ એ ક્લાસમા અંગ્રેજી આલ્ફાબેટ અને એના સાઉન્ડ અને સાથે શબ્દો શીખતો ગયો તેમ તેમ કોમ્પ્યુટર પર પોતાની જાતે એ શબ્દો ટાઈપ કરી જાતજાતના ચિત્રો જોવા લાગ્યો.
એક દિવસ અમે બાળકોને જમવા માટે કાફેટેરિઆ મા લઈ જતા હતા ત્યાં અચાનક મારો હાથ છોડી મિકાઈ પહેલા ધોરણના ક્લાસમા ધસી ગયો ને ટીચરના ટેબલ પર પડેલો પૃથ્વીનો ગોળો ઉપાડી લીધો.કેટલી સમજાવટે છેવટે એ ક્લાસમાથી બહાર નીકળ્યો. અમે નવાઈ પામી ગયા કે બીજું કશું નહિ ને પૃથ્વીનો ગોળો કેમ? પિતા સાથે વાત કરતાં ખબર પડી એને પૃથ્વીના ગોળામા નક્શા જોવા ખુબ ગમે છે. એના માટે ખાસ પૃથ્વીનો ગોળો લઈ આવ્યા અને રોજ થોડીવાર ખાસ એની સાથે બેસી જુદા જુદા દેશ નક્શામા બતાડવા માંડ્યા.
અમારા અચંબાનો પાર ન રહ્યો, જ્યારે એ જાતે દેશના નામ આલ્ફાબેટના સાઉન્ડ પ્રમાણે ટાઈપ કરી કોમ્પ્યુટર પર જોવા માંડ્યો. ફક્ત દેશ જ નહિ, ત્યાંની જોવાલાયક જગ્યા, હવામાન, લોકો, કાંઈક જાતજાતનુ શોધી કાઢી એમા રમમાણ રહેવા લાગ્યો.વાચા પણ ઘણી ખુલી ગઈ. અમારો હાથ પકડી “કેનેડા, રશિયા સ્કેન્ડેવેનિઆ, આફ્રિકા વગેરે દેશ અમને પણ બતાડવા માંડ્યો.બસમા થી ઉતરી વહાલથી ભેટવા માંડ્યો. યાદશક્તિ એટલી તીવ્ર કે એકવાર બતાડેલો દેશ બરાબર યાદ રહી જાય.કોઈવાર કશી વસ્તુની ના કહીએ તો “help help” નુ રટણ ચાલુ કરી છેવટે એની વાત મનાવીને જ રહે.
આટલી માયા લગાડી હવે આ વર્ષે એ નવી સ્કુલમા જશે, જ્યાં ત્રણ થી ચાર બાળકો ક્લાસમા હોય અને એટલાં જ શિક્ષકો. લગભગ દરેક બાળકની જરૂરિયાત પ્રમાણે એમના વિકાસ ને વધુ વેગ મળે એની ખાસ કાળજી લેવાય.
મિકાઈની બુધ્ધિપ્રતિભા ખીલે અને એને સાચી દોરવણી મળે એ જ પ્રાર્થના સહિત………..
અસ્તુ

તા.૬/૨૬/૨૦૧૩

June 11th 2013

ડુલસે

૨૦૧૨ થી ૨૦૧૩ નુ શાળાકિય વર્ષ પુરૂં થયું. અમેરિકામા જુન મહિનાથી સ્કુલમા વેકેશન શરૂ થાય અને લગભગ ઓગસ્ટના ત્રીજા અઠવાડિયાથી બાળકો આવવાની શરૂઆત કરે અને નવા સ્કુલ વર્ષની શરૂઆત થાય.
આજે મારે મારા ક્લાસની નટખટ, તોફાની અને સાથે સાથે ખુબ ચબરાક એવી ટેણકી ડુલસે ની વાત કરવી છે. સ્કુલ ના અંતભાગમા એટલે કે માર્ચની શરૂઆત મા એ મારા ક્લાસમા આવી.ત્રણ વર્ષ પુરા થયા ને એ દાખલ થઈ. નાનકડી સ્પેનિશ છોકરી, નાનુ મોઢું ને સાવ હલકી ફુલ્કી. બોલવામા હોશિયાર પણ સ્પેનિશ બોલે, અંગ્રેજી ખાસ આવડે નહિ. એના ડાબા હાથમા થોડી તકલીફ એ કારણસર એ મારા ક્લાસમા.(ફિજીકલ ડીસએબીલીટી)
જ્યારે આવી ત્યારે દેખાવમા ટેણકી પણ સ્વભાવે જમાદાર. નાની અમસ્થી પણ બધાને ભારે પડે. વાતવાતમા હાથ ઉપડે. કોઈ જરા એને હાથ લગાડે તો સામો જવાબ મળી જ જાય. બાળકો મા આવું ચાલતું હોય અને અમારી એ જ ફરજ કે બાળકોને આવી ખોટી આદતોમા થી છોડાવીએ અને સારા નરસા ની તાલીમ આપીએ.
ધીરે ધીરે ક્યારેક સમજાવટથી તો ક્યારેક સખત થઈને એની એ આદત છોડાવી. ડુલસે જેટલી હોશિયાર બાળકી મે જોઈ નથી. નવુ શીખવાની ધગશ એટલી. ક્લાસમા જેટલી પ્રવૃતિ કરાવીએ એમા ખુબ ઉત્સાહ પુર્વક ભાગ લે. સંગીત એને ખુબ ગમે અને જેટલા બાળગીત ગવડાવીએ એ બધા પુરા અભિનય સાથે ગાય અંગ્રેજી પણ ઝડપભેર શીખવા માંડી.
એની એક ખાસિયત. જ્યારે પણ એને ગુસ્સો કરીએ એટલે મમ્મી મમ્મી કરીને રડવા માંડે પણ બે જ મીનિટમા આવીને મારી સોડમા ભરાય, હું જાણી કરીને એને દુર કરૂં તો એવું મીઠું હસીને લાડ કરે, અથવા કોઈનુ નામ આપે “મુન્શા ડેનિયલએ મને માર્યું” મને ખબર હોય કે ડેનિયલ તો એનાથી દુર છે, પણ એટલું કહીને ખિલખિલ હસી પડે.આપણો ગુસ્સો પળમા ગાયબ કરી દે.
હવે તમે જ કહો, આવા બાળકોથી તમે ક્યાં સુધી ગુસ્સે રહી શકો? આ બાળકો કદાચ માનસિક રીતે થોડા નબળાં હોઈ શકે, પણ એમની નિર્દોષતા આપણને મોટી શીખ આપી જાય છે.
દરેક વ્યક્તિ જો પોતાના ગુસ્સા પર આમજ કાબુ મેળવે તો દુનિયાની મોટાભાગની સમસ્યાનો અંત આવી જાય.

શૈલા મુન્શા તા.૦૬/૧૨/૧૩

May 30th 2013

એ.જે. (એડિયાસ)

એ.જે. એટલે કે એડિયાસ ગયા વર્ષે અમારા ક્લાસમા આવ્યો. આફ્રિકન અમેરિકન બાળક. માની ભુલની સજા એ ભોગવી રહ્યો છે. અમેરિકા મા સ્વતંત્રતા થોડી વધારે છે. નાની ઉમરે મા બાપ બનવાનુ, વગર પરણે મા બાપ બનવાનુ સ્વભાવિક છે. બાળક જન્મે પણ વણજોઈતું બની જાય. એ.જે. ના કિસ્સામા પણ એવું જ કાંઈક બન્યુ.મા ની ઉમર માંડ સોળ વર્ષની જ્યારે એ.જે. નો જન્મ થયો. બાળક ઉછેર નુ કોઈ જ્ઞાન નહિ પોતે પણ ફોસ્ટર હોમમા મોટી થયેલી એટલે કુટુંબ શું કહેવાય એની કોઈ ખબર કે લાગણી નહિ. એક દિવસ નશાની હાલતમા બે વર્ષના એ.જે.ને પછાડ્યો. કમરના મણકા પર દબાવ આવ્યો અને એ.જે.નો ડાબો હાથ અને ડાબો પગ કામ કરતાં અટકી ગયા. મગજ પર અસર થઈ અને જ્ઞાનતંતુ પુરી રીતે કામ કરતાં અટકી ગયા. મા ને તો જેલ થઈ પણ નસીબે એ.જે.ના પિતા ઘણા સમજુ અને એ.જે નો પુરો ખ્યાલ રાખે.
જ્યારે એ.જે. અમારા ક્લાસમા આવ્યો ત્યારે વ્હીલ ચેર મા હતો, પણ એના જેવો આનંદી બાળક મે જોયો નથી. જેવો બસમા થી ઉતારીએ એટલે લહેકાથી હાઆઆઆય કહે. વધુ બોલતા તો નહોતું આવડતું પણ હાય અને બાય કહેતા આવડે. હમેશા હસતો ચહેરો. ડાબો હાથ બરાબર ના ચાલે પણ જમણો હાથ મજબુત એટલે જમણા હાથની પરિઘમા જે વસ્તુ આવે એને પકડવા જાય. એક વસ્તુ અમેરિકામા ખાસ જોવા મળે. આવા બાળકો માટે એટલી બધી સગવડ હોય કે આપણુ મગજ કામ ના કરે. એને જમવા માટે લાકડાની ટ્રે સાથે પૈડાંવાળી ખુરશી. કસરત કરાવવા ફીજીકલ થેરાપીસ્ટ આવે. એને સીધો ઊભો રાખી શકાય એવી લાંબી પૈડાંવાળી ખુરશી. ક્લાસમા જુઓ તો ત્રણ ચાર જાતની ખુરશી ફક્ત એકલા એ.જે.માટે જ.
એના આનંદી સ્વભાવને લીધે આખી સ્કુલનો લાડકો.જતાં આવતાં સહુ એને બોલાવે અને એ હસીને સહુને હાય કહે.આવ્યો ત્યારે ત્રણ વર્ષ નો હતો પણ થોડા દિવસમા અમને સારી રીતે ઓળખી ગયો.જેવું અમે બસનુ વ્હીલ ચેર ઉતારવાનુ બારણુ ખોલીએ કે એની કિલકારી સંભળાય.
એના આનંદનો ચેપ બધાને લાગે અને સહુના ચહેરા પર સ્મિત આવી જાય. નાનકડું બાળક પણ અજાણતા અને ગમે તે પરિસ્થિતીમા સહુને આનંદિત રહેવાની કેવી શીખ આપી જાય છે!
આ બાળકો મને પણ જીવન હસતાં રમતાં જીવી જવાની પ્રેરણા આપે છે.

તા.૫/૨૮/૨૦૧૩.

January 28th 2013

મીકેલ-૨

મીકેલ જ્યારે ક્લાસમા નવો હતો ત્યારે થોડું શરમાતો અને બધા સાથે જલ્દી ભળી નહોતો જતો., પણ ક્લાસના નિયમો પાળવામા એક નંબર. આટલા વર્ષોમા મેં એના જેવો ડાહ્યો છોકરો જોયો નથી. કોઈપણ વાત એને બે વાર કહેવી ના પડે. સરસ રીતભાત અને મીઠા હાસ્ય વડે એ કોઈનુ પણ દિલ પલકવાર મા જીતી લે.
હમણા ક્લાસમા અમે બાળકો ને રંગો ની ઓળખાણ કરાવીએ છીએ. લાલ પીળો વાદળી લીલો વગેરે અને એ માટે સરસ મજાના ગીતોની ડીવીડી અમારી પાસે છે. એમા એક ઈંન્દ્રધનુષ દેખાય અને સાથે ઈંન્દ્રધનુષ ના રંગના ક્રમ પ્રમાણે લાલ કેસરી પીળો વગેરે રંગ આવતાં જાય અને સરસ રાગમા ગીત ગવાતું જાય. લગભગ રોજ સવારે અમે આ ડીવીડી બાળકો ને બતાડીએ.
અહીં વાત મારે બાળકો ની કલ્પનાશક્તિ ની કરવી છે. બધા બાળકો સાથે જ આ ડીવીડી જોતા હોય છે પણ મીકેલ ની કલ્પનાશક્તિએ ક્યાંનો તાળો ક્યાં મેળવ્યો એ અમારા માટે આનંદ અને અજાયબપણા ની લાગણી હતી.
સવારનો ક્લાસનો નિત્ય ક્રમ પતાવી બાળકોને અમે કાફેટેરિઆ મા જમવા લઈ જતા હતા ત્યાં “water fountain” જોઈ મીકેલને તરસ લાગી ગઈ અને મને કહેવા માંડ્યો”મીસ મુન્શા પાણી પીવું છે” જેવી હું એને વોટર ફાઉન્ટન પાસે લઈ ગઈ અને પાણી ચાલુ કર્યું કે મીકેલ બોલી પડ્યો “rainbow Ms Munshaw, its a rainbow”
એ બાળમાનસ મા ઈંન્દ્રધનુ નાઅર્ધ ગોળાકાર આકારની છાપ એવી જડાઈ ગઈ હતી કે જ્યારે પાણી ના ફુવારામા થી અર્ધ ગોળાકાર આકારમા પાણી ની ધાર થઈ કે મીકેલ ને ક્લાસમા થોડીવાર પહેલા જોયેલ ઇંન્દ્રધનુષ યાદ આવી ગયું.
બાળમાનસ અને એમની કલ્પનાશક્તિ ક્યાં થી ક્યાં પહોંચી જતી હોય છે એના અનુભવો અમને હમેશ થતાં હોય છે અને સાથે એક આત્મસંતોષ ની લાગણી પણ થતી હોય છે કે એમની આ કલ્પનાશક્તિ સપ્ત રંગે રંગાય અને એને જીવન રંગસભર બને એમા થોડોઘણો પણ મારો પ્રયાસ હોય છે.
બસ આમજ આ ભુલકાંઓની દુનિયા હસતી રમતી રહે અને એ નિર્દોષ બાળપણ મારામા પણ હમેશ જીવતું રહે.

અસ્તુ.

શૈલા મુન્શા. તા. ૦૧/૨૮/૨૦૧૩

January 20th 2013

મીકેલ-૧

વેલેન્ટીનો અને મીકેલ લગભગ સાથે જ સ્કુલમા આવ્યા. મીકેલ વેલેન્ટીનો કરતાં બે મહિના મોટો એટલે એ બે મહિના પહેલા આવ્યો. જેવા ત્રણ વર્ષ પુરાં થયા કે એ સ્કુલમા આવવા માંડ્યો. અમારા ક્લાસમા ત્રણ વર્ષે બાળક આવવાનુ શરૂ કરે અને જલ્દી બધા સાથે ભળી ના જાય. થોડો સમય લાગે પણ મીકેલ આવ્યો ત્યારથી જ એટલો ડાહ્યો લાગ્યો. એક બે દિવસ મમ્મી મુકવા આવી ત્યારે થોડું રડ્યો પણ જેવી મમ્મી ગઈ કે થોડીવારમા ક્લાસની પ્રવૃતિ મા ભાગ લેવા માંડ્યો.
અમારા બાળકોને બસ સેવા મફતમા મળે અને જેવું બાળક દાખલ થાય કે અઠવાડિયામા એનુ નામ બસ લિસ્ટમા આવી જાય અને ઘરે થી સ્કુલ અને સ્કુલ થી ઘર બાળક એ બસમા આવી શકે. મીકેલ પણ સ્કુલ બસ મા આવવા માંડ્યો. ત્રણ વર્ષના બાળક માટે સવારના ૭.૩૦થી બપોરના ૩.૦૦ વાગ્યા સુધીનો સમય ઘણો લાંબો સમય કહેવાય. ખાસ કરીને શરૂઆતમા એક વાગ્યા સુધીમા તો એ બાળકો થાકી જાય. એટલે આ બાળકોને અમે લગભગ એ સમયે સુવાડી દઈએ. કલાકની ઊંઘ મળી જાય એટલે ઘરે જતા પહેલા થોડા સ્વસ્થ બને.બપોરના અમે એમને જ્યુસ ને કુકી કે પોપકોર્ન એવો કાંઈક હળવો નાસ્તો આપીએ ને બાળગીતો ની ગમતા કાર્ટુનો ની મુવી ચાલુ કરીએ. બાળકો હસતાં રમતા ઘરે જાય.
મીકેલ ને સુવાડવા લઈ જઈએ એટલે રોજ એક સવાલ પુછે “મુન્શા બસ?” (એટલે કે બસ કેટલા વાગે આવશે?) અને હું રોજ મારી ત્રણ આંગળી બતાડી જવાબ આપું કે ત્રણ વાગે. જવાબ સાંભળતા ની સાથે ખીલખીલાટ હસીને પોતાની નાનકડી ત્રણ આંગળી બતાવી બોલે “ત્રણ વાગે” ને એક મીનિટ મા જરા થાબડતાંની સાથે ઊંઘી જાય એવી ધરપત સાથે કે બસ આવશે અને એ મમ્મી પાસે પહોંચી જશે.
ઊંઘતા મીકેલ ના મોઢા પર એ હાસ્ય જાણે સ્થિર થઈ જાય અને એવું લાગે કે એની એ નાનકડી નિર્દોષ આંખોમા એને મા જાણે થાબડીને સુવાડાતી હશે એવું લાગતું હશે. મોટાભાગે મારો હાથ ત્યારે એના હાથમા હોય અને સલામતી નો અહેસાસ એના ચહેરા પર.
બાળકોની દુનિયા કેટલી નિરાળી છે. બાળકો ને જ્યાં પ્રેમ મળે ત્યાં એ કેટલી સહજતા ને કેટલી સલામતી ની લાગણી અનુભવતા હોય છે.
મીકેલ ની પ્રગતિ ના પ્રસંગો વારંવાર વાંચવા મળશે. બસ થોડી ધીરજ!

(મારી દિકરી શ્વેતાનો આજે જન્મ દિવસ અને એની દિકરી ઈશાની આવતા મહિને ત્રણ વર્ષની થશે. મારા સ્કુલના બાળકો ના તોફાનો ને નિર્દોષ હાસ્ય મસ્તી મા મને ઈશાની જાણે મારી પાસે છે અને એનુ બચપણ દુર રહીને પણ હું અનુભવી રહી છું એવું લાગે છે.)

શૈલા મુન્શા. તા. ૦૧/૨૦/૨૦૧૩

January 10th 2013

વેલેન્ટીનો-ભાગ-૩

રમતિયાળ અને સોનેરી ઝુલ્ફાવાળા વેલેન્ટીનો ને તો હવે આપ સહુ સારી રીતે ઓળખી ગયા હશો. ક્યારેક હસીને ક્યારેક જીદ કરીને તો ક્યારેક ભેંકડો તાણીને પોતાની વાત મનાવવામા એ પાવરધો છે. એટલો તો મીઠડો છે કે એની સાથે સખત હાથે કામ લેવું મુશ્કેલ છે.
હમણા નાતાલની પંદર દિવસની રજા પછી એ સ્કુલમા આવ્યો તો જાણે મોટો થઈ ગયો હોય એવું લાગ્યું.થોડો શાંત અને વધુ સમજણો થઈ ગયો હોય એવું લાગ્યું. સવારના નાસ્તો અમે બધા બાળકો સાથે ક્લાસમા જ કરતા હોઈએ છીએ. બધાને નાસ્તાના ટેબલ પર બેસાડી મે સિરીયલ ને દુધ ના કાર્ટન બધાને એક પછી એક આપવા માંડ્યા. જેવું મે સિરીયલને દુધ વેલેન્ટીનો ની સામે મુકયું તરત એ બોલ્યો “thank you” હું ને મીસ બર્ક એની સામે જોતાં જ રહી ગયા. આજ પહેલા ક્યારેય અમે એના મોઢે આ શબ્દો સાંભળ્યા નહોતા. થોડીવાર પછી મે પુછ્યું વેલેન્ટીનો તારે સફરજન જોઈએ છીએ તો કહે “no thank you” કહેવાની રીત એટલી મીઠી મધુરી હતી કે મારાથી ઊભા થઈને એને બાથમા લેવા સિવાય રહેવાયું નહિ.
સારી રીતભાતના આ શબ્દો અમે હમેશ બોલતા હોઈએ અને ઘરમા પણ માબાપ આ શબ્દો બાળકોને બોલતા શીખવતાં હોય કારણ અમેરિકા ની સંસ્કૃતિમા દરેક વસ્તુ નો આભાર બોલીને દર્શાવાનો રિવાજ છે. રોજબરોજના વ્યવહારમા પણ પતિ પત્નિ કે ભાઈબહેન કે બાળકો કેસહ કાર્યકરો નજીવી બાબતમા પણ “thank you, welcome” વગેરે શબ્દો બોલતા હોય છે પણ વેલેન્ટીનો ના મોઢે પહેલી વાર એ શબ્દો સાંભળી જેમ એક મા ને પોતાનુ બાળક પહેલી વાર કાંઈ પણ કરે અને જેવો આનંદ થાય એવા આનંદનો અનુભવ મને થયો.
આમ પણ સ્કુલ ના આ નાના ભુલકાંઓ મારે મન મારા બાળકો જેવા જ છે. એનુ એક કારણ એ પણ છે કે આ બાળકો માની ગોદ છોડી પહેલીવાર કોઈ બીજી દુનિયામા આવ્યા હોય અને અમે અમારૂં નામ ભલે ગમે તેટલી વાર શીખવાડીએ પણ એમના મોઢામાં થી મમ્મી શબ્દ જ નીકળે.
વેલેન્ટીનો મને મમ્મી કહે ને હું એને સુધારૂં કે મમ્મી નહિ મીસ મુન્શા કહેવાનુ, પણ એ ભાઈ તો દોડતાં દોડતાં આવી ને બુમ મારે મમ્મી, મમ્મી. પછી જ્યારે એને પુછીએ કે મારૂં નામ શું છે તો હસીને કહે મીસ મુન્શા, પણ મિયાં પાછા ઠેર ના ઠેર.
આ બાળકો ની આવી નાની નાની વાતો ને એક મીઠું હાસ્ય દિવસ ને મધુરતાથી ભરી દે છે.

શૈલા મુન્શા. તા.૦૧/૧૦/૨૦૧૩

December 13th 2012

વેલેન્ટીનો-ભાગ-૨

વેલેન્ટીનો ની ઓળખાણ મે તમને કરાવી છે.સરસ મજાનો પરાણે વહાલ ઉપજે એવો.જેમ ભાઈ ક્લાસમા જુના થવા માંડ્યા, મતલબ કે એને સ્કુલમા દાખલ થયે થોડા મહિના થયા અને ભાઈ નો અસલી રંગ દેખાવા માંડ્યો.
વાત એમ બની કે જેમ મે આગળ પણ જણાવ્યું હતું તેમ વેલેન્ટીનો ને જોતા જ બધાને વહાલ ઉપજે એવો સરસ ગોરો ને ગઠિયો બાળક, એટલે અમે જ નહિ પણ જતાં આવતાં બધા જ શિક્ષકો એને વહાલ કરે. આવ્યો ત્યારે માંડ ત્રણ વર્ષનો એટલે બીજા બાળકો ની સરખામણી મા નાનો પણ લાગે.ઘરમા પણ નાનો ભાઈ એટલે મા પણ કદાચ વધારે લાડ લડાવતી હશે એટલે ક્લાસમા એની જીદ વધવા માંડી. એનુ ધાર્યું ના થાય તો ખુણામા ભરાઈ જાય અને એને બોલાવવાની કોશિશ કરીએ તો ભાઈ જોરથી ભેંકડો તાણે. ઊભો કરવા જઈએ તો પગ વાળી દે. આટલા નાના બાળકને તમે બીજું શું કરી શકો?
ઘણી વસ્તુ બાળકો એકબીજા ના અનુકરણે શીખતા હોય છે અને તોફાન તો જરૂર બીજાનુ જોઈ અનુકરણ કરતા હોય છે. વેલેન્ટીનો પણ જ્યારે ટેબલ નીચે ભરાવા માંડ્યો,ક્લાસમા બધા જ્યારે કલર કરતા હોય ત્યારે કલર કરવાને બદલે ક્રેયોન ના ટુકડા કરવા માંડ્યો અને એને રોકવાની કોશિશ કરીએ તો રડીને પોતાની જીદ પુરી કરવા માંડ્યો ત્યારે અમારે એને ક્લાસના નિયમો સમજાવવા એની મા ની મદદ લેવી પડી.
અમેરિકામા બધી જ વાત મા “counseling” નુ જબરું તુત છે. અહીં વાતવાતમા લોકો એકબીજા પર દાવો ઠોકી દેતા હોય છે એટલે કોઈ પોતા પર કોઈ જવાબદારી લેવા તૈયાર નથી.
અમેરિકા મા બાળક જન્મે ત્યારથી એના જાતજાતના ટેસ્ટ થતા હોય છે, અને ટેસ્ટના પરિણામ પ્રમાણે બાળક તંદુરસ્ત છે કે કઈ ખામી છે અને એનો ઉપાય શું તે નક્કી થતું હોય. અમારા ક્લાસમા બાળક જ્યારે ત્રણ વર્ષનુ થાય ને દાખલ થાય ત્યારે એ સામાન્ય પણ હોઈ શકે અથવા મંદ-બુધ્ધિ પણ હોઈ શકે.વેલેન્ટીનો જેવા બાળકમા કદાચ બીજી કોઈ ખામી ન હોય પણ વધુ પડતા લાડ નુ પરિણામ પણ હોઈ શકે, માટે જ મા-બાપને સ્કુલમા બોલાવી શિક્ષક અને સ્કુલ ના કાઉન્સિલર ભેગા થઈ સમસ્યા નો હલ લાવવાનો પ્રયત્ન કરે.
મારા મતે અને કદાચ મારી અડધી જીંદગી મે ભારતમા શિક્ષીકા તરીકે કામ કર્યું છે એટલે મારો અભિપ્રાય ઘણી વાર આ બાબતમા જુદો પડતો હોય છે. મારા મતે બાળકને અમુક નિયમ અને શિસ્તનુ પાલન કરવાની ટેવ ઘર થી શરૂ થવી જોઈએ અને સ્કુલમા જ્યારે એ શિસ્ત બાળકને શીખવાડવા મા આવે તો મા-બાપે એમા આડખીલી રૂપ ના થવું જોઈએ.
અમારા સારા નસીબે વેલેન્ટીનો ની મા ઘણી સમજુ નીવડી અને પુરો સાથ સહકાર આપવાની તૈયારી બતાવી, ને ઘરમા પણ એ શિસ્ત જાળવવાની ખાત્રી આપી.
બાકી વેલેન્ટિનો જેવા બાળક સાથે કડક થવું જ અઘરૂં છે. ગમે તેટલું તોફાન કર્યું હોય પણ તમારી સામે જોઈ એવું મીઠડું હસી પડે કે તમારો ગુસ્સો બરફની જેમ પીગળી જાય ને એને વહાલ કરવાનુ મન થઈ જાય. દુનિયા ના બધા બાળકો મા આ ખુબી છે.બાળકના એ નિર્દોષ હાસ્યમા ભલભલા દુઃખ હરણ કરવાનુ અમોઘ શસ્ત્ર છે.

અસ્તુ.

શૈલા મુન્શા. તા ૧૨/૧૩/૨૦૧૨

« Previous PageNext Page »
Type in
Details available only for Indian languages
Settings Settings reset
Help
Indian language typing help
View Detailed Help