July 27th 2021

સંભારણું – ૧

આજે દુનિયા રોકેટની ઝડપે પ્રગતિ કરી રહી છે. વિજ્ઞાનના ક્ષેત્રે તો જાણે હરણફાળ ભરી હોય એવું લાગે. સહુનુ જીવન એટલું વ્યસ્ત હોય કે બીજા કશાનો વિચાર કરવા જેટલો સમય જ હોતો નથી, તે છતાં મનમાં કેટલાય દિવસથી એક વિચાર ઘુમરાયા કરતો હતો જે જાગતા, સૂતા પીછો નહોતો છોડતો. એ વિચાર અને એ લાગણી મનને ખૂણે એવી તો સ્થાન જમાવીને બેસી ગઈ હતી કે એને મારી એક નોંધપોથી એક સંભારણા રુપે કાગળ પર આલેખ્યા વગર ચેન પડે એમ નહોતું. અચાનક બનેલો કોઈ બનાવ, કોઈ ઘટના માનવીને અંદર બહારથી ઝંઝોડી દે એવું ક્યારેક બની જતું હોય છે, અને એ બનાવ સાથે આપણા સ્મરણપટ પર અચાનક ભૂતકાળનો કોઈ પ્રસંગ કે બનાવ અચાનક સંકળાઈ જાય છે અને મન એ સુખ, દુઃખ ખુશી નારાજગીને યાદ કરી લે છે.
આ વિચાર પ્રક્રિયાએ આ સંભારણા લખવા મને પ્રેરિત કરી અને આપ સહુ સુધી પહોંચાડવાનો નમ્ર પ્રયાસ રુપે આ પહેલું સંભારણું.
સવાર પડે છાપું ખોલો અને જાતજાતના સમાચાર વાંચવા મળે, ક્યાંક અકસ્માત, ક્યાંક આગ, ક્યાંક કોઈની બહાદુરી, રાજનેતાના દાવપેચ. બધું વાંચીને મનમાં દયા કે નફરત કે ગુસ્સો થોડીવાર આવે અને પાછાં પોતાની ઘટમાળમાં ગોઠવાઈ જઈએ. સૂરજની રોશની પડતાં જ જેમ ઝાકળબિંદુ અદ્રશ્ય થાય તેમ એ વાત સ્મૃતિપટ પરથી લોપાઈ જાય. સુનામી આવે કે ધરતીકંપ થાય, એક સાથે હજારો માણસો મોતને શરણ થાય, ત્યારે મનમા અનુકંપા જાગે, અરેરાટી નીકળે, પણ! નવો દિવસ ઊગે અને એ જ રોજની ઘટમાળમાં વ્યસ્ત થઈ જઈએ, પણ વાત જ્યારે પોતાના પર આવે ત્યારે માનવી કેવો હચમચી જતો હોય છે.
૨૦૦૧ ૨૬ જાન્યુઆરીની સવાર કચ્છ, ગુજરાત માટે ધરતીકંપનો વિનાશ લઈ આવી. આ વિનાશે મારાં સ્વજનોનો પણ ભોગ લીધો. અમે અમેરિકા હજી વરસ પહેલાં જ આવ્યા હતાં. દિલમાં હજુ ભારત અને ત્યાં રહેલાં આપ્તજનોની યાદ તાજી હતી. ૨૫ જાન્યુઆરીએ જ મારા દિયર કુમાર સાથે વાત થઈ હતી. પંદર દિવસ પહેલાં એ અમદાવાદથી કેલિફોર્નિઆ આવી નવી ઓફિસને સેટ કરવામાં વ્યસ્ત હતો. ફોનમાં વાત થઈ ત્યારે બે મહિના પછી અમદાવાદ જઈ પત્ની બાળકોને લઈ આવવાની વાત કરતો હતો અને આજે અમદાવાદનુ એ મકાન ધારાશાયી થતાં કોઈ ના બચ્યું.
મન પણ અજીબ યાદોને સંગ્રહ કરતો પટારો છે, ક્યાંનો સંબંધ ક્યાં જોડી દે છે. ૨૦૧૫નો મધર્સ ડે નો દિવસ. સરસ મજાનુ મુવી જોઈ સારી ભારતીય રેસ્ટોરન્ટમાં જમી ઘરે પાછાં ફરતાં ત્યાં પડેલું છાપું લઈ ઘરે આવ્યા. ટી.વી. જોતાં અમસ્તા જ છાપાનાં પાના ફેરવતાં નજર એક ફોટા પર પડી ને આઘાતથી ચમકી જવાયું. છાપાંમાં પુનિતનો ફોટો હતો, એની સાથે આમ તો કોઈ સગાઈ નહોતી, પણ બસ મિત્રતા. મિત્રતા પણ એવી કે એ નાના ભાઈ જેવો.
રવિવારની રાત. પત્ની અને બાળકો માટે જમવાનુ લઈ પાછાં આવતાં કોઈ અજાણ્યાની ગાડી રસ્તા વચ્ચે ખોટકાયેલી, એને મદદ કરવા પુનિત પોતાની ગાડીમાં થી ઊતર્યો, પાછળ થી ગાડીને ધક્કો મારવા જતાં બીજી એક પુરઝડપે આવતી ગાડીના નશામાં ચૂર ડ્રાઈવરે પોતાની ગાડીથી રસ્તા પર ખોટકાયેલી ગાડીને ટક્કર મારી ને એ ધક્કા થી પુનિત ઉછળી બાજુમાં જ વહેતી બ્રાઝો નદીમાં પડ્યો. ક્ષણભરમાં આ બની ગયું. અંધારામા કોઈને ખ્યાલ પણ ના આવ્યો. પત્ની ફોન કરતી રહી કે પુનિત ખાવાનુ લઈ હજી આવ્યો કેમ નહિ? ફોન પુનિતની ગાડીમાં રણકતો રહ્યો. પોલિસનો ફોન આવ્યો કે ગાડીમાં કોઈ નથી. સાત દિવસે પુનિતનુ શરીર સો માઈલ દુર નદીમાંથી મળ્યુ.
એક મીઠી યાદ પણ સાથે જ ઝબકી ગઈ. દુઃખ કે આઘાતને ભુલવાનો એ જ તો સરળ ઉપાય છે. મન ક્ષુબ્ધ બને તો એને બીજી દિશામાં વાળવું જ પડે છે. ૧૯૮૩માં મેટ્રિકની પરિક્ષામાં પાસ થયેલા વિધ્યાર્થીઓએ ૨૦૧૫માં ગુરુપુર્ણિમા ઉજવવાનુ નક્કી કર્યું. ભારતમાં જ્યાં જ્યાં શિક્ષકો રહેતાં એમનો સંપર્ક સાધી પ્રેમપૂર્વક નિમંત્રણ પાઠવ્યું, એટલુંજ નહિ એમને લઈ આવવાની વ્યવ્સ્થા પણ કરી, વિદેશમાં રહેતા શિક્ષકોનો સંપર્ક સાધ્યો, એમના આશીર્વાદ મેળવવા, વિડીયો ઉતારવા કોઈ ત્યાં રહેતા મિત્રોની સગવડ કરી. એક સવારે મને જ્યારે ફોન આવ્યો કે “હું તમારી વિધ્યાર્થી બોલું છું, તમારા વિધ્યાદાન થકી અમે જીવનમાં પ્રગતિ પામ્યા છીએ, બેન તમારા આશીર્વાદની ઝંખના છે” બત્રીસ વર્ષ પછી એ બાળકો, જે પોતે અત્યારે યુવાન વયે પહોંચ્યા છે એ કોઈ શિક્ષકને યાદ કરે, આવો અહોભાવ દર્શાવે, જાહેરમાં પગ પૂજી સન્માન કરે; એનાથી મોટી જીવતરની શું કમાણી હોઈ શકે!! લોકો આજની ટેક્નોલોજી વખાણે કે વખોડે પણ મારા માટે એ આશીર્વાદરુપ છે, જેના કારણે આજે મારા ફોનના ટેરવે હું મારા વિધ્યાર્થીઓના સંપર્કમાં છું, ભૌગોલિક અંતર ગાયબ થઈ ગયું છે. મન થાય ત્યારે એકબીજા સાથે વાત થાય એકબીજાને રુબરુ જોવાય.
સૂરજનુ ઉગવું ને આથમવું જેટલું અફર છે, એટલું જ જીવનમાં સુખ દુઃખની ઘટમાળમાં પરોવાનુ નિશ્ચિત હોય છે. કંઈ કેટલીય વસ્તુ મનમાં ધરબાયેલી હોય છે. કેટલીય લાગણી, કોઈના તરફથી થતી ઉપેક્ષા, કોઈને વહાલના બે શબ્દ કહેવાની ઈચ્છા, જીવનભર સહેલી કોઈની જોહુકમી, પોતાનાનો પ્રેમ, અને પોતાનાનો જ તિરસ્કાર! સગાં, મિત્રો, કેટલાય સંબંધો આસપાસ વિંટળાયેલા હોય છે. ઘણીવાર વાત હોઠ સુધી પહોંચે પણ પ્રગટ ના થાય! કાલે જરૂર કરીશ ની રાહમાં કાલ કદાચ આવે જ નહિ! શું આમ જ જીવન પસાર થઈ જાય અને મનની વાત મનમા જ રહી જાય?
વાત કહેવાય નહિ પણ લખાય તો ખરી. મનમાં ઉપજેલો ગુસ્સો, પ્રેમ, નિરાધારપણુ, સહિષ્ણુતા, હતાશા, લાગણી કદાચ બોલી ના શકાય પણ લખવાથી મન હલકું થી જાય.
બસ આ જ વિચારે આ સંભારણા લખવાની શરુઆત કરી છે, આશા છે આ યાદો આપ સહુને પણ કોઈ તાંતણે અવશ્ય જોડશે.
અસ્તુ,
શૈલા મુન્શા
www.smunshaw.wordpress.com

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.