August 16th 2020

મિત્રતા For Ever !!!! કોરોનાના ફાયદા

કોરોના નામનો એક વાયરસ જગતમાં કાળો કેર વર્તાવી રહ્યો છે, ભલભલાની બોલતી બંધ થઈ ગઈ છે, કારણ મોઢે માસ્ક આવી ગયો છે. લોકો એકબીજાને મળતા ગભરાય, હાથ મિલાવતા ગભરાય, અરે! ઘરની બહાર નીકળતા પણ ગભરાય!!
કોરોનાનો વાંક જ કાઢીએ એવું નથી, કોરોનાએ લોકોને એકબીજાની મદદ કરતાં શિખવ્યું, એકબીજાની કદર કરતાં શિખવ્યું અને આધિનિક ટેકનોલોજીએ દુર રહેતા સ્વજનો,મિત્રોને પાસે લાવવાનુ કામ પણ કર્યું.
આજે મારે પણ એવીજ કોઈ વાત કરવી છે. નસીબદાર છું કે જીવનના આ પડાવે ઘણા મિત્રોનો સાથ મળ્યો છે અને ફેસબુક, વોટ્સેપે જગતને આંગળીના ટેરવે લાવી દીધું છે.
મૈત્રી, એનુ મહત્વ તો એને જ સમજાય, જેણે જીવનમાં એવા સાચા મિત્રો મેળવ્યા હોય.સહુથી પાકી દોસ્તી જે નાનપણથી આપણા પડછાયાની જેમ સતત સાથે રહેતી હોય. અંધકારમાં ભલે એ દેખાય નહિ પણ હોય તો હમેશ સાથે જ.
શાળાના મિત્રો, કોલેજના મિત્રો, યુવાનીના મિત્રો!! કેટલાય સંબંધો બંધાય, કોઈની આવરદા ટુંકી હોય, કોઇ જીવનના અંતિમ પડાવ સુધી અકબંધ!
થોડા વર્ષોથી વિખુટી પડી ગયેલી મારી બહેનપણીઓ ને આ નવરાશના સમયમાં શોધવાનો પ્રયાસ કર્યો. દિલમાં તો યાદ લીલીછમ્મ જ હતી, પણ અવાજ કાનોથી દૂર હતો.
એકને ફોન કરતાં બીજી સખીનો નંબર મળ્યો. શાળામાં અમ ચાર બહેનપણીઓ ની મૈત્રી વધુ ગાઢ હતી. વર્ષા, મીના, દિપ્તી અને હું શૈલા. દિપ્તીને વર્ષા જરા શાંત પણ મીનાને હું રમતિયાળ. મોટાભાગે હમેશ સાથે જ હોઈએ. કોઈ મસ્તી, કોઈ શિક્ષકોની નકલ બધું કરવામાં આગળ, પણ એમના એટલા લાડકા પણ ખરા!
થોડા દિવસ પહેલા વર્ષાને ફોન કર્યો અને મીનાનો ફોન નંબર માંગ્યો, તરત મળી ગયો. મારી જાતને હું જ કોસતી રહી, “આટલા સમય સુધી ફોન કરવાનુ યાદ કેમ ના આવ્યું”
મીનાને ફોન કરતાં એ તો એકદમ ખુશ થઈ ગઈ, કેટલી યાદો તાજી થઈ ગઈ. દિપ્તીને હું તો બરાબર વાતો કરતા. મીનાને જ ખ્યાલ આવ્યો,”આપણે બધા ઝુમ પર ભેગા થઈએ” મીના, વર્ષા અને હું અમેરિકામાં, દિપ્તી એક જ ભારતમાં. વાત કરતા દિપ્તીએ અરુણાનો ઉલ્લેખ કર્યો. હું સાતમા ધોરણમા નવી શાળામાં ગઈ અને અરુણા એકાદ વર્ષમાં બીજી શાળામાં એટલે મને પરિચય ઓછો, પણ અમેરિકા આવ્યા પછી પરિચય વધ્યો.
સહુને એકબીજાને મળવાની તાલાવેલી એવી કે કેમ એકબીજાને જોવાય અને વાતો થાય એના પ્રયાસો શરૂ થયા.
અમારા પાંચ જણ માટે વોટ્સેપ વિડિઓ કોલ સહુથી સરળ માધ્યમ હતું. તરત જ અમારા પાંચ જણનુ ગ્રુપ બનાવી દીધું.
ગ્રુપ તો બની ગયું, પણ બધાને કયો સમય ફાવે એ જોવાનુ હતું.
હું હ્યુસ્ટનમાં, મીના શિકાગો, વર્ષા ન્યુ જર્સી, અરુણા કેલિફોર્નીઆ અને દિપ્તી ભારત. હ્યુસ્ટનના ને શિકાગોના રાતના 8.૩૦ ન્યુ જર્સીના ૯.૩૦, કેલિફોર્નીઆના ૬.૩૦ અને ભારતના સવારના ૭.૦૦ એવું નક્કી કરી અમે બધા વોટ્સેપ પર ભેગા થયા.
એક ક્ષણમાં અમે પત્ની, મા, દાદીમાંથી શાળાના દિવસોમાં પહોંચી ગયા. યાદના ઝરુખેથી પળો સરકવા માંડી. મસ્તીનો માહોલને હાસ્યની રમઝટ!! અમારી સાથે સંકળયેલા કેટલાય મિત્રોને યાદ કર્યાં, પરિક્ષાના નામે જાગરણ અને વાંચવા કરતાં વાતોના વડા વધુ. એકબીજાના ઘરે ગમે ત્યારે પહોંચી જવું અને એક થાળીમાં જમવા બેસી જવું.યાદોના પટારામાંથી એક પછી એક કેટલાય પ્રસંગો બહાર આવવા માંડ્યા.
સમય જાણે થંભી ગયો હતો અમારા માટે. ઘડિયાળનો કાંટો ભલે આગળ વધતો હતો, પણ અમે અમારી દુનિયામાં ગુલતાન હતાં. અઢી કલાક ક્યાં પસાર થઈ ગયા, બધાની ફોનની બેટરી ખતમ થવાનુ સિગ્નલ દેખાડી રહી ત્યારે નાછૂટકે ફરી પંદર દિવસ પછી પાછા મળવાનુ નક્કી કરી બધા છૂટા પડયાં!!
કોરોનાએ જગમાં કાળૉ કેર વર્તાવ્યો અને લાખ્ખો લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યા. સહુથી વધુ જ્યારે ડોક્ટર, નર્સ કે લોકોની સેવા કરતાં સહુ એની ચપેટમાં આવી પોતાની આહુતિ આપતાં અને આપે છે ત્યારે નત મસ્તકે એમના બલિદાનને બિરદાવવા સિવાય બીજું આપણે એ કરી શકીએ કે આ મહામારી વધુ ના ફેલાય એના માટે સઘળાં નિયમોનુ પાલન કરી એને જડમૂળથી નાશ કરવામાં સાથ આપીએ.
આ સંકટના સમયમાં પોતાનુ કુટુંબ તો છે જ પણ, મિત્ર એવો સાથી છે જે તમને જિવવાનુ, ખુશ રહેવાનુ, આ ઘડી પણ ટળી જશે એ હિંમત આપવાનુ કામ કરે છે.

સહુ મિત્રોને સમર્પિત આ કાવ્ય,

મિત્રોની પરિભાષા કદી બદલાતી નથી,
યાદ એ બચપણની કદી જાતી નથી!

સંબંધો સહુ જિંદગીના થાય ભલે ઉપર નીચે,
કરી જે દોસ્તી એકવાર, ભુલાતી નથી!

રેતની એ લકીર નથી, ભુંસાય જે વાયરે,
મિત્રતાની એ ઈમારત કાળ થી એ મિટાતી નથી!

મળ્યા ન મળ્યા રોજ, રહ્યા આઘા ભલે વર્ષોથી,
મળ્યા જે ક્ષણે, એ જ મસ્તી રોકી રોકાતી નથી!

પહોંચ્યા ઉમરના એ મુકામે, કદી સાંપડે એકલતા,
વાતો એ દિલની, મિત્ર વિના કોઈને કહેવાતી નથી!

મિત્રોની પરિભાષા કદી બદલાતી નથી,
યાદ એ બચપણની કદી જાતી નથી!

શૈલા મુન્શા તા. ૦૮/૧૬/૨૦૨૦

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.