September 14th 2018

૨૦૧૮ ભારતની મુલાકાત

૨૦૦૮ મારા દિકરા સમીતના લગ્ન નિમિત્તે હું ભારત ગઈ હતી પછી દસ વર્ષનો ગાળો વીતી ગયો. કંઈને કંઈ કારણસર છેલ્લા દસ વર્ષથી ભારત જઈ શકી નહોતી. અમેરિકા આવીને પણ મેં મારો શિક્ષક તરીકેનો વ્યવસાય જ ચાલુ રાખ્યો હતો અને જ્યાં જન્મ પામ્યા, બાળપણ વીત્યું, શિક્ષણ, સંસાર, આપ્તજનો, સગાં સ્નેહી બધા હોય , અડધી જિંદગી જ્યાં વીતી હોય ત્યાં જવા સમય પણ વધારે જોઈએ, જે લાંબી રજા વગર શક્ય ના બને.
ઉનાળાની રજા સ્કૂલમાં હોય એ જ યોગ્ય સમય, એમ કરતાં દસકો નીકળી ગયો, પણ આ વર્ષે મેળ પડ્યો. મહિનાભરમાં મુંબઈ, કલકત્તા, અમદાવાદ અને બરોડા ચાર શહેરો વચ્ચે સમય વહેંચી બને એટલા આપ્તજનો, મિત્રો, વડિલોને મળવાનો અનેરો આનંદ માણ્યો. કેટલીય યાદો અને સ્મૃતિ માનસપટ પર ઉભરી આવી, ક્યાંય ધરવ ના થયો પણ રહ્યાં એટલા બધા સ્વજનોને મળવાનો આનંદ ચોક્કસ થયો. ઘણી ખોટ સાલી જેમને હું અંત સમયે મળી ના શકી.
પોતાના સહુ તો અઢળક પ્રેમ વરસાવે. કોઈકની ભાણી, કોઈની ભત્રીજી, કોઈની ભાભી તો કોઈની નણંદ, કોઈની જેઠાણી તો કોઈની દેરાણી, મસિયાઈ બહેનો ભાઈઓ ને મામાના,ફોઈના કાકાના કેટકેટલા સંબંધો. અમેરિકાના મારી સાથે કામ કરતાં સહકર્મી તો આભા જ બની જાય.
મારે આજે વાત કરવી છે એ નિઃસ્વાર્થ અને નિર્ભેળ પ્રેમની. ભારતમાં બાવીસ વર્ષ નુતન વિધ્યામંદિરમાં ગુજરાતી અને ઈતિહાસ ભુગોળના શિક્ષિકા તરીકે હાઈસ્કૂલના વિધ્યાર્થીઓને ભણાવ્યા.આ શાળા સાથે અમારો ત્રણ પેઢીનો સંબંધ. મારા મમ્મી એ સ્કૂલમાં શિક્ષિકા તરીકે જોડાયા. એમના આકસ્મિક અવસાન બાદ એમની જગ્યાએ મેં શિક્ષિકા તરીકે કાર્ય શરૂ કર્યું, અને જ્યારે નુતન વિધ્યામંદિરમાં ગુજરાતી સાથે અંગ્રેજી માધ્યમ શરૂ થયું ત્યારે મારી દિકરી અંગ્રેજી માધ્યમમાં Pre-K ની શિક્ષિકા તરીકે જોડાઈ.
બાવીસ વર્ષમાં કેટલાય વિધ્યાર્થીઓ મારી પાસે ભણી આગળ વધી ગયા. એમાના કેટલાક વિધ્યાર્થીઓને મારી ભારત મુલાકાતની આગોતરી જાણ હતી અને જે પ્રેમભાવે એ બધા મને મળ્યા, એમનો અહોભાવ અમ શિક્ષકો માટેનો આદરભાવ ને લાગણી જોઈ મારી આંખમાં હરખના આંસુ આવી ગયા. એ બધા પણ અત્યારે પચાસે પહોંચવા આવ્યા. એમની પ્રગતિ, એમના બાળકોની પ્રગતિની વાતો સાંભળી મન ભાવવિભોર બની ગયું…. કેટલાક તો વટથી પોતાની જાતને છેલ્લી પાટલીના બેસનારા તોફાની બારકસમાં પોતાની જાતને ગણાવતા, પણ આજે જીવનમાં જે ઉચ્ચ મુકામે પહોંચ્યા એનો બધો યશ અમ શિક્ષકોને આપતાં જે ચમક એમના ચહેરા પર દેખાઈ એ મારે મન મોંઘેરી મુડીથી કમ નથી. કોઈ અમદાવાદ તો કોઈ વલસાડ તો કોઈ મુંબઈના ખુણે ખુણેથી મને મળવા આવ્યા હતા. વાતોનો ખજાનો તો ખુટતો જ નહોતો. જે હોટેલમાં ભેગા થયા હતા ત્યાં હાસ્યની રમઝટ જામી હતી. જે શિક્ષકો આવીશક્યા એ બધા પણ આવ્યા હતા અને જોવાની ખુબી એ હતી કે મારી મમ્મી સાથે કામ કરેલ જયશ્રીબેન નાણાવટી પણ ત્યાં હતા અને મેંં પણ બાવીસ વર્ષ એમની સાથે કામ કર્યું. કેટલીય યાદો એમની સાથે સંકળાયેલી. રૂક્ષ્મણીબેન જે મમ્મી સાથે હતા, એમની ભાળ મળતા હું એમને મળવા ગઈ તો એટલા રાજી રાજી થઈ ગયા. સ્ત્યાસી વર્ષે એમના પતિના અવસાન બાદ એકલા રહે છે અને પોતાનુ બધું કામ રસોઈ જાતે જ કરે છે. મને કહે “મારે તો તને મારી પાસે રાખવી હતી, ક્યાં અમેરિકા ભાગી ગઈ?”
વડોદરા કલાબેન બુચ પણ મમ્મી સાથેના સમયથી અને પછી અમે સાથે કામ કર્યું. જાતિએ નાગર એટલે રમુજ એમના જીવન સાથે જોડાઈ ગઈ હોય. નલીન ભાઈ એમના પતિ. નાનપણથી મમ્મી સાથે હું ને મારી બેન પારૂલ એમને ત્યાં જઈએ એટલે અમે તો એમના માટે છોકરી જેવા. મળવા માટે ફોન કર્યો અને મેં કહ્યું મારે કલાબેનને મળવું છે તો નલીનભાઈ બોલી ઉઠ્યા “કેમ મને નથી મળવાનુ? તું આવીશને તો મને પણ ગળ્યું ખાવાનુ મળશે, બાકી કલા તો મને કંદમુળ ખવડાવે છે આ ડાયાબિટીશની લાહ્યમાં” બન્નેની વય નેવું ની આસપાસની. ઘરમાં પણ વોકર લઈને ફરે. આ ઉમ્મરે પણ કલાબેનનો ઠસ્સો એવો ને એવો જ. કપાળે મોટો ચાંદલો અને એ જ હાસ્યની રેખા મોઢા પર. રસોડામાં ભેળની બધી સામગ્રી તૈયાર રાખી હતી. મને કહે બનાવવાની તારે છે, તારા ટેસ્ટ પ્રમાણે. પાછળ જ નલીનભાઈનો ટહુકો સંભળાયો મજેદાર તીખી મીઠી બનાવજે. તને દિકરી માની છે તો આટલો લાહવો તો લઈએને કામ કરાવવાનો.
કેવું મારૂં સૌભાગ્ય કે હું આ બધાને મળી શકી અને કેટલીય યાદો ફરી પાછી લીલીછમં વેલની જેમ મનને વીંટળાઈ વળી.
બીજો મારો મહાઆનંદ વડિલ શ્રી ઈંદુબેન પટેલ મારા પ્રિન્સીપાલને મળવાનો. ત્રાણુ વર્ષની વયે એજ એકવડો બાંધો, ટટાર શરીર અને એ જ ખાદીના વસ્ત્રો. મુંબઈના વિલે પાર્લે પરાંમા વર્ષોથી એ જ મકાનમા નિવાસ. સાદગીભર્યું જીવન,અપરણિત અને આજે પણ એકલા રહી પોતાની દૈનિક ક્રિયા રસોઈ બધું જાતે જ કરે છે.
S.S.C. 1967 મા પાસ કર્યું. અમારી શાળામાં દર વર્ષે એક ક્લાસ વધારવામાં આવતો અને અમારો S.S.C નો બીજો ક્લાસ હતો. આટલા વર્ષો પછી પણ ઈન્દુબેનને અમે અમારી વિશેષતા યાદ હતી. મારા અમેરિકાના સ્પેસીઅલ નીડ બાળકો પર લખેલા પ્રસંગોનુ પુસ્તક મેં એમને મોકલાવ્યું હતું અને મારી પ્રવૃતિથી એ ખુબ જ ખુશ હતા. ઘણી વાતો કરી અને એ મારા જીવનનુ અમૂલ્ય સંભારણુ છે.
છેલ્લે અમે બધા ૧૯૬૭ના S.S.C. ના ક્લાસ મિત્રો મળ્યા. ઘણાને હું પચાસ વર્ષે મળી. જુની યાદો ક્લાસમાં કરેલી ધમાલ મસ્તી, જાણે બાળપણ પાછું આવી ગયું. કેટલા સંભારણા અને કેટલીય વાતો લખતાં ખુટે એમ નથી.
પ્રભુ કૃપાથી આ સફર ખુબ આનંદદાયક રહી. વરસાદે પુરી રહેમત રાખી,ક્યાં અટકવા ના દીધી, તબિયતે પુરો સાથ આપ્યો. દશ વર્ષ પછી વતનની ધરતી પર પગ મુક્યો અને પુરા પ્રેમથી આપ્તજનોથી માંડી મિત્રોએ હરખભેર પોતાની બનાવી દીધી. એવું લાગ્યું હું જાણે અહિં જ છું, ક્યાંય ગઈ નથી, ક્યાંય ય ગઈ નથી!!!!!
અસ્તુ,

શૈલા મુન્શા તા સપ્ટેંબર ૧૩/ ૨૦૧૮

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.