હાશકારો
હાશકારો
સ્વાતિ હાથમાં ચાનો કપ લઈ સવારનો કુમળો તડકો માણી રહી હતી. ચોમેર શાંતિ હતી, સ્વચ્છ તડકો વાતાવરણને હૂંફાળુ બનાવી રહ્યો હતો.
રવિવારની સવાર એટલે લોકો હજી ગોદડામાંથી બહાર નીકળ્યા નહોતા. સોસાયટીમાં ખાસ કોઈ ચહલ પહલ નહોતી.
સવારે ચાની ચુસ્કી લેતા સ્વાતિની નજર અમિતના ફોટા પર પડી. કેવા સપના અને કેવા અરમાન લઈ પોતે આ ઘરમાં આવી હતી. જિંદગીએ પણ કેવા અવનવા ખેલ દેખાડ્યા. સ્વાતિ ભૂતકાળની દુનિયામાં સરી પડી.
કોલેજના બીજા વર્ષે જ સ્વાતિ અમિતને મળી હતી. અમિત એનાથી એક વર્ષ આગળ અને કોમર્સ વિભાગમાં. અમિત ખુબ જ દેખાવડો. કોલેજની છોકરીઓ એની સાથે વાત કરવા તલપાપડ, પણ અમિત ખુબ શરમાળ. કોઈની સામે આંખ ઉઠાવીને પણ ના જુએ. એ ભલો અને એનું ભણવાનું, બીજા છોકરાઓની જેમ કોલેજની બહાર ટોળટપ્પાં કરતો તો ક્યારેય દેખાય નહિ. બીજી છોકરીઓની જેમ સ્વાતિને પણ અમિત ખુબ ગમતો પણ એની સાથે વાત કેમ કરવી એ મોટો સવાલ હતો. અચાનક જાણે કુદરતે જ એનો રસ્તો કરી આપ્યો. અમિતની નાની બેન અને સ્વાતિની નાની બેન સ્કુલમાં એક જ ક્લાસમાં, બન્ને એસ.એસ.સીમાં સાથે ભણે. મીતા સ્વાતીની બહેન સાથે વાંચવા એના ઘરે આવી અને રાતે મોડું થયું એટલે અમિત પોતાની બેનને લેવા સ્વાતિના ઘરે આવ્યો. ઘરનો ડોરબેલ વાગ્યો અને સ્વાતિએ બારણું ખોલ્યું. ક્ષણભર તો એ આંખ ચોળતી રહી ગઈ. અમિતના અવાજે ચોંકી ગઈ.
“મીતા છે? હું એનો ભાઈ છું, એને લેવા આવ્યો છું.” સ્વાતિના ગળામાંથી માંડ અવાજ નીકળ્યો. “અંદર આવો ને, બસ મીતા નાસ્તો કરી રહી છે, હું બોલાવી લાવું. તમે બેસો પ્લીઝ.”
આ એમની પહેલી મુલાકાત. પછી તો કોલેજમાં આમને સામને થાય ત્યારે સ્મિતની આપ લે થાય. શરમાળ અમિત સ્વાતિમાં શું જોઈ ગયો તે રામ જાણે, પણ સ્વાતિની હાજરી એને ગમવા માંડી.
પરિચયમાંથી પ્રેમ ક્યારે પાંગર્યો એની બન્નેમાંથી કોઈને સુધ રહી નહિ. મીતા અને રીમાના માધ્યમથી ચિઠ્ઠીની અદલા બદલી શરૂ થઈ, કોલેજમાં ગુટલી મારી શુક્રવારે પહેલા શો માં પિક્ચર જોવાના શરૂ થયા.
અમિત B.COM. થઈ બેંકમા નોકરીએ લાગ્યો, અને બીજા વર્ષે સ્વાતિની કોલેજ પણ પુરી થઈ. છોકરા જોવાની વાત આવી એટલે સ્વાતિ મુંઝાણી. અત્યાર સુધી તો ઘરનાથી અમિતની વાત છુપાવી હતી. ફક્ત રીમા સિવાય કોઈને આ પ્રેમ પ્રકરણની જાણ નહોતી, પણ હવે વધુ વખત વાત છુપાવાય એમ નહોતી. સ્વાતિ કોઈપણ રીતે અમિતને ગુમાવવા નહોતી માંગતી.
છેવટે હિંમત કરી એણે પોતાની મમ્મીને વાત કરી. અમિતને ઘરમાં સહુ મીતાના ભાઈ તરીકે ઓળખતા. છોકરો ડાહ્યો, ભણેલો અને કમાતો હતો. પરિવારમાં એક મોટી અને એક નાની બેન અને મમ્મી. સ્વાતિના મમ્મી પપ્પાને કોઈ વાંધો નહોતો.
અમિત અને સ્વાતિએ અમિતની માની રજા મળે એની રાહ જોવાની હતી.
અમિતની માને પોતાના કુળનું બહુ અભિમાન. તેઓ સહેલાઈથી માને એમ નહોતું, પણ દીકરાની જીદ આગળ કાંઈ ચાલ્યુ નહિ અને કમને લગ્ન માટે હા પાડવી પડી.
શરૂઆતના વર્ષો આનંદમાં ગયા. લગ્નના બીજા વર્ષે સ્વાતિએ દીકરાને જન્મ આપ્યો અને સાસુનું વર્તન થોડું કૂણું પડ્યું. સ્વાતિના સ્વભાવે પણ એમાં સારો ભાગ ભજવ્યો. સાસુનાં આકરાં શબ્દોને કે આકરાં સ્વભાવને એણે શાંતિથી સહન કર્યો, અને પવનના જન્મ પછી તો દાદીનો પ્રેમ પોતરા પર અનરાધાર વરસવા માંડ્યો.
સ્વાતિની નજર સામે પણ એ કાળઘડી એ દિવસ તાદૃશ્ય થઈ ગયો. એ ક્ષણ તો ક્યારેય લોપાઈ નથી પણ આજે એ યાદ ફરી ઊભરી આવી.
દિવાળીના દિવસો, ઘરની સફાઈને પિત્તળના કળશ લોટા અભરાઈથી ઉતારી ચકચકાટ કરવાના. મઠિયા, સુંવાળી, ઘૂઘરા, મગશની સોડમથી ઘરને મહોલ્લો મહેકી ઊઠે.
દિવાળીની એકાદશીનો દિવસ. ઘરમાં ફરાળની તૈયારી અને અચાનક અમિત બેંકથી ઘરે આવ્યો.
સ્વાતિ “અમિત કેમ આજે વહેલા આવ્યા? કાંઈ કામ હતું કે રજા શરૂ થઈ ગઈ?
અમિત “સ્વાતિ મારી સાથે દવાખાને ચાલને, જરા અસુખ લાગે છે, હમણાં રોજ તળેલુંને મીઠાઈ ખાવામાં આવે છે તે ગેસ થઈ ગયો લાગે છે, બેચેની લાગે છે. પંડ્યા સાહેબ બે ગોળી આપશે ને એટલે ઠીક થઈ જાશે. કાલથી તો પછી રજા જ છે.”
અમિત અને સ્વાતિ દવાખાને ગયાં. ડોક્ટરે તપાસી ગોળી અને દવાનો ડોઝ બોટલમાં ભરી આપ્યો.
બહાર આવી અમિત સ્કુટરને કીક મારવા ગયો અને ઢળી પડ્યો. હાર્ટએટેક અને ક્ષણમાં અમિતના પ્રાણ જતાં રહ્યા. બુમાબુમ થઈ રહી “શું થયું, શું થયું” કોઈ જઈ ડોક્ટરને બોલાવી લાવ્યું, પણ ખેલ ખતમ. ક્ષણમાં હલતો ચાલતો વ્યક્તિ નશ્વર બની ગયો. સ્વાતિ અવાક બની ગઈ, અમિતને હલબલાવી રહી.
હસતો અમિત મૃત દેહ બની પાછો આવ્યો. આખા મહોલ્લાની દિવાળી માતમમાં બદલાઈ ગઈ. ઘરનો દીવડો બુઝાઈ ગયો.
કનકબેનના અસલી સ્વભાવનો પરચો સ્વાતિને થવા માંડ્યો. અમિતના મોતની જવાબદાર સ્વાતિને ગણી. છપ્પરપગીને કાંઈ જાતજાતના શબ્દોના તીર એના માસુમ હૈયાને વીંધતા રહ્યા.
ઘરમાં એકમાત્ર કમાનાર અમિતના ઓચિંતા અવસાને ઘરને તિતર બિતર કરી નાખ્યું. બન્ને નણંદોએ પણ ભાભીને પજવવામાં કાંઈ બાકી ન રાખ્યું. ગુસ્સાના આવેશમાં કનકબેને ધક્કો મારી સ્વાતિને ઘરની બહાર કાઢી મુકી. અંધારી રાતે ચાર વર્ષના પવનને લઈ સ્વાતિ ઓટલે બેસી રહી. પાડોશીએ સ્વાતિના માબાપને ફોન કર્યો. બિચારાં દોડતા આવ્યા અને સ્વાતિને પોતાના ઘરે લઈ જવા કાલાવાલા કરવા માંડ્યા, પણ સ્વાતિ પોતાનું ઘર છોડી જવા તૈયાર ના થઈ.
છેવટે લોકલાજે કનકબેનને સ્વાતિને ઘરમાં લેવી પડી. સ્વાતિએ કમર કસી. આમ રોદણાં રડે જિંદગી ના જીવાય. કોઈકે ભલામણ કરી, L.I.C. agentનું કામ શરૂ કર. મોટુ પિયરયું છે. બધા તને મદદ કરવા તૈયાર છે. તારે ભીખ નથી માંગવાની. મહેનત કરી પૈસા કમાવાના છે.
સ્વાતિને ગળે વાત ઉતરી. જોઈતી તાલીમ લઈ કામ શરૂ કર્યું. શરૂઆતમાં કનકબેન વાંધા વચકા કાઢતા. ”તું સમય કસમય બહાર જાય છે, પવનને મારે સાચવવાનો, લોકો શું વાત કરશે, જુવાન વિધવા વહુનો પગ કોઈ કુંડાળામાં ના પડે” સ્વાતિ સામે જવાબના આપતી ને પોતાનુ કામ કરે જતી.
ધીરે ધીરે ઘરમાં પૈસા આવવા માંડ્યા અને સ્વાતિનો સંયમ જોઈ કનકબેન કુણા પડ્યા.
સ્વાતિને જીવવાનું બળ પવનને જોઈને મળતું. અમદાવાદની ગરમી ઠંડીનો વિચાર કર્યા વગર સ્કુટરની કીક મારી એ નીકળી પડતી. વર્ષો વિતતા ગયાં. કનકબેન જીવલેણ બિમારીનો ભોગ બન્યા. સ્વાતિએ ખડે પગે ચાકરી કરી. અંતરના આશિષ વરસાવતા કનકબેન પણ સ્વધામ પધાર્યા.
સ્વાતિનુ L.I.C.નું કામ તો હજુ ચાલુ જ હતું પણ કામનો બોજ ઓછો કરી નાખ્યો હતો. અઠવાડિએ એકવાર પાસેના વૃધ્ધાશ્રમમાં જઈ વૃધ્ધ લાચાર બહેનો ભાઈઓને મળી સારુ પુસ્તક વાંચી સંભળાવતી.
સ્વાતિના ચહેરા પરનો પરમ શાંતિ અને હાશકારાનો ભાવ જીવનની તપસ્યાનું સરવૈયું હતું.
શૈલા મુન્શા