February 24th 2014

તસનીમ

ચાર વર્ષની તસનીમ એક અરેબીક છોકરી. સોનેરી વાંકડિયા વાળ અને માંજરી આંખો. રૂપાળી ઢીંગલી જેવી લાગે. નાતાલની રજા પહેલા સ્કુલમા આવી. ખુબ બોલકી અને આખો દિવસ એના મોઢે એના પિતાનુ નામ હોય. મારા ડેડીએ મને તૈયાર કરી, મને કુકી આપી, વગેરે. એક મોટો અને એક નાનો ભાઈ, પણ દેખાઈ આવે કે તસનીમ ઘરમા બોસ છે.
શરૂઆતમા જે મન થાય તે ડ્રેસ પહેરી આવે,સ્કુલે આવવાનો કોઈ સમય નહિ, આઠ, નવ કોઈ પણ સમયે આવે.મીસ સમન્થાએ પહેલા ઘરે લેટર મોકલાવ્યો, પછી ફોન પર રૂબરૂ વાત કરી. પિતાનુ કહેવુ એમ કે આટલી ઠંડી મા તસનીમને વહેલી કેવી રીતે ઉઠાડુ?
પછી ખબર પડી કે મા બાપ છૂટાછેડા લઈ જુદા થયા છે અને બાળકો પિતા પાસે છે. આટલા નાના બાળકોની કસ્ટડી પિતા પાસે એટલે જરૂર મા કોઈ મોટા ગુનામા હશે. બાપ ને જુઓ તો હમેશ રઘવાયો લાગે. પોતે પણ સ્કુલમા જાય એટલે બાળકો ને લેવા કોઈવાર બીજા લોકો આવે. અલબત્ત બધાના નામ અમારા લીસ્ટમા હોય.
તસનીમ એની ખુબ વહાલી એ દેખાઈ આવે કારણ તસનીમ હમેશ એના પિતાની જ વાત કરતી હોય. ધીરેધીરે તસનીમ ક્લાસના નિયમ નુ પાલન કરવા માંડી. સ્કુલ બસમા આવવા માંડી. મારી કોઈ દિવસ પિતા સાથે રૂબરૂ મુલાકાત થઈ નહોતી. મે એમને દુરથી જોયા હતા, કોઈવાર બાળકોને મુકવા આવે ત્યારે, પણ વાતચીત નહોતી થઈ. હમણા જ વેલેનટાઈન ડે ગયો અને અમે બાળકો પાસે કાર્ડ બનાવડાવ્યા અને દરેક બાળકે પોતાના કાર્ડમા “I love you Mom and Dad” એવું લખાવ્યું. કોઈએ વળી “I love you Mom” લખાવ્યું, પણ જ્યારે તસનીમને પુછ્યું તો એ તરત બોલી “I love my Daddy”.
જો કે ક્લાસમા તસનીમને મારી અને મીસ સમન્થા સાથે ખુબ ફાવે. બધી વાત લહેકાથી કરે. એકવાર એની ગાડી ખરાબ થઈ ગઈ હશે અને સ્કુલે આવતાં મોડુ થયું તો જાણે ફરિયાદ કરવા માંડી. ડેડી ગાડી નવી લાવતા નથી, મને મોડુ થાય છે વગેરે. બે દિવસ પહેલા ઓફિસમા થી ક્લાસમા બઝર વાગ્યું અને તસનીમને ઘરે લઈ જવા ડેડી આવ્યા હતા એટલે એને લઈને હું ઓફિસમા ગઈ.
ડેડીને તસનીમ સોંપી કેમ છો કહ્યું. ડેડીએ મજામા નો વળતો જવાબ આપી મને પુછ્યું “મીસ મુન્શા કોણ છે”? હું કાંઈ બોલું તે પહેલા તસનીમ મને વળગતા કહે “આ મારી મીસ મુન્શા છે” હું તસનીમના ચહેરાની ખુશી અને આંખની ચમક જોઈ જ રહી. તસનીમના પિતા મને કહે ઘરે આવી તસનીમ ના મોઢે આખો દિવસ મીસ મુન્શા એ ગીત ગવડાવ્યા, મીસ સમન્થાએ એ.બી.સી.ડી કરાવી, મીસ મુન્શા બગીચામા લઈ ગઈ, એ જ વાતો સાંભળવા મળે છે. હું ખરેખર ખુબ આભારી છું કે તમે મારી દિકરીનો આટલો ખ્યાલ રાખો છો અને પ્રેમ કરો છો.
આ બાળકો ને જરા સરખો પ્રેમ આપતા કેટલા વ્યાજ સહિત એમનો પ્રેમ અમે પામીએ છીએ એ તો હું જ જાણુ છું. કોઈવાર એમના ભલા માટે કડક થઈને વાત કરીએ પણ બીજી મીનિટે આવીને વળગે ત્યારે બધો ગુસ્સો પળમા ગાયબ થઈ જાય.
આજે પણ તસનીમના પિતાના મોઢા પર છલકતી શાંતિ અને તસનીમના ચહેરા પર ની ચમક મારા માટે સૌથી મોટી વેલેન્ટાઈનની ભેટ બની ગઈ.

શૈલા મુન્શા. તા૦૨/૨૪/૨૦૧૪

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.