July 24th 2012

નજર નજર નો ભેદ

જીંદગી અને એને જોવાની દ્રષ્ટિ બધાની કેટલી નિરાળી હોય છે. માન્યતા ઓ પણ ઉમર સાથે બદલાતી રહેતી હોય છે. બાળપણ કે કુમારાવસ્થામા જ્યારે હું મારી આસપાસ કોઈ વડીલને જોતી કે એમની વાતો સાંભળતી ત્યારે લાગતું કે સાઠ વર્ષે ખરે જ એ ફક્ત તન થી જ નહિ પણ મન થી પણ વૃધ્ધ થઈ ગયા છે. એમને કાકા કે દાદા કે કાકી કે દાદી કહી બોલાવતા જરાય અજુગતું નહોતુ લાગતું. કદાચ એમા એમના ખુદના વર્તન નો પણ મોટો ફાળો હોઈ શકે. તેઓ ખુદ પોતાને વૃધ્ધ માની ને “બસ હવે તો દેવ દર્શન કરી ભગવાન નુ નામ લઈ જીંદગી પુરી કરવાની” જેવા વિચારો દર્શાવતા. બધાને આ વાત લાગુ પડે એ જરૂરી નથી પણ આ પ્રવાહ વધુ જોવા મળતો.
આ વાત કરવાનુ મન થયું એનુ એક કારણ છે.મારી અને મારા માસી ની વર્ષગાંઠ એક જ દિવસે આવે છે. હમણા બે દિવસ પહેલાં જ એમની દિકરીઓ એ માસી ની ૭૫મી વર્ષગાંઠ ઉજવી અને જે કેક બનાવડાવી હતી એ ખરેખર માસીના જીવનનુ પ્રતિબિંબ હતું. કેક પર ક્રિકેટ રમતા પ્લેયર નુ ચિત્ર, રમતના પત્તા વગેરે એમના શોખ ની ઝાંખી થાય એ જાતની કેક હતી.
માસીને ક્રિકેટ મેચ જોવાનો અનહદ શોખ છે, બહેનપણીઓ સાથે અઠવાડિએ એક વાર ભેગા થઈ પત્તા રમવાનો શોખ છે, ફરવાનો શોખ છે અને હું ખુબ ખુશ છું કે એમને આ બધા શોખ ચાલુ રાખ્યા છે.
મને બરાબર યાદ છે ૧૯૯૬ મા જ્યારે માસાનુ ઓચિંતુ અવસાન થયું ત્યારે માસી ભાંગી પડ્યા હતા. હવે જીંદગી કેમ જશે અને કેમ જીવાશે એ વિચારો મા એ ગુમસુમ રહેતા. મે એમને એક જ વાત ત્યારે કરી હતી કે “માસી રડી ને પણ જીવવાનુ છે ને હસતા મોઢે પરિસ્થિતી નો સામનો કરી ને પણ જીવવાનુ છે. તમે શું એમ ઈચ્છો છો કે તમે રોજ માંદા પડો ને દિકરીઓ પોતાની કૌટુંબિક જવાબદારી છોડી તમારી ચાકરી કરવા દોડી આવે?”
આજે મને ખુબ આનંદ છે કે માસીએ હિંમત દાખવી પોતાની જીંદગી સહ્ય બનાવી અને પોતાને મનગમતા શોખ દ્વારા જીવન જીવી ૭૫ વર્ષે પણ સદાબહાર મનથી જુવાન રહી જીવન જીવી રહ્યા છે.
મારી પણ ઉમર કાંઈ નાની નથી.સાઈઠ પુરા થયા પણ મને નથી લાગતું કે હું વ્રુધ્ધાવસ્થા ની નજીક પણ છું. આજે પણ સંગીતના તાને મને ઝુમી ઉઠવાનુ મન થાય છે. વરસતા વરસાદ મા દોડી જઈ પલળવાનુ મન થાય છે કસિનો મા જઈ ગેમ્બલિંગ જીતવા માટે નહિ, પણ મજા કરવા જવાનુ ગમે છે.
નાની હતી ત્યારે કદાચ સાઠ વર્ષની વ્યકતિ મને વૃધ્ધ લાગતી હશે પણ આજે જ્યારે હું એ વયે પહોંચી છું ત્યારે ખ્યાલ આવે છે કે ભાઈ એ તો નજર નજર નો ભેદ છે. માનો તો હમેશ જુવાન નહિ તો કાયમ ઘરડાં.
માસી ને એમની ૭૫મી વર્ષગાંઠે એટલી જ શુભેચ્છા કે બસ આમ જ સદા ખુશ રહી જીવન માણતા રહો.

શૈલા મુન્શા. તા ૦૭/૨૪/૨૦૧૨

1 Comment »

  1. ખુબ જ સરસ અને સાચી વાત.
    જીવીએ ત્યાં સુધી મનની જુવાની અને જીંદાદિલ જીંદગાની.

    Comment by devikaa dhruva — July 24, 2012 @ 6:26 pm

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.