September 24th 2012
વડલાની ડાળે બેઠા પોપટ ને પોપટી સમી સાંજે
દિનભરની ઉડાણનો ઉતારતા એ થાક સમી સાંજે
વાગોળતા એ વીત્યો દિન કેવો આજ
ને વળી વિતશે દિન કેવો કાલ,
કાલની તો કોને ખબર ભાઈ?
વીતી ઘડી આજની રળિયામણી ભાઈ.
મહેર મોટી કુદરતની એ પંખીડા પર,
કેવી વહેતી સરલ ને સહજ જીંદગી હરદમ!
કલ્લોલતા આનંદે ભરીને ઊંચી ઉડાણ
ગગન ભણી વહેતા સમીર સંગ સંગ.
ઝુલતા હિંચકાની કોર બેઠા એ દંપતી સમી સાંજે
જીંદગીની સફરનો ઉતારતા એ થાક સમી સાંજે.
વીત્યાં વર્ષોના વહાણા, વાગોળતા એ યાદ ખટમધુરી
હતા એ દિવસો યૌવનના તરવરાટથી ભરેલા
હતી હામ હૈયે, ઝીલી લેવા પડકાર સહુ આફતોનો
મિલાવી હાથમાં હાથ,બસ વધ્યા આગળ સફરમાં.
જીવન વહીખાતાનો માંડ્યો હિસાબ આજ અચાનક
સુખ દુઃખમાં પણ ન ચૂક્યા ફરજ કદી માત-પિતાની
ને દીધા સંસ્કાર, કેળવણી બાળકોને જીવવા સંસાર સાગરે
થયો આત્મ સંતોષ, ખરા ઉતર્યાં એ બાળુડાં દિપાવી નામ.
બસ આથી વધુ શું જોઈએ પ્રભુ, અમ જીવનમાં આજ,
બસ આથી વધુ શું જોઈએ પ્રભુ, અમ જીવનમાં આજ!!
રહે સાથ અમારો સદા આમ પુરક બની જીવનની સમી સાંજે.
( બસ આમ જ જીવન ની સફર મા હમેશ એકબીજાનો સાથ રહે એજ શુભેચ્છા સહિત)
સપ્રેમ,
શૈલા પ્રશાન્ત મુન્શા. તા. ૦૪/૦૨/૨૦૧૨
Posted in: કાવ્યો Edit This
September 24th 2012
મા મર જો પણ માસી નહિ,
કહેવત બની એ સાચી.
ગુમાવી મા અમે ભાઈ બહેનોએ,
પણ માસી બની મા અમારી.
મા-સી એટલે મા જેવી લાગણીભરી,
માસી બની મા જ અમારી વહાલભરી;
સાચવ્યાં અમને બસ પ્રેમ જતન થી,
ન સાલવા દીધી ખોટ મા તણી કદી.
પ્રભુ ને કરૂં પ્રાર્થના આજ જન્મદિને,
માસી અમારી રહે સદા સ્વસ્થ નિરોગી,
વહે આશીર્વાદ અને પ્રેમભર્યો હસ્ત
સદા અમ સહુ ભાઈ બહેનો પર.
શૈલા-પારૂલ-સ્નેહલ તા. ૨૨ જુલાઈ ૨૦૧૨.
July 24th 2012
જીંદગી અને એને જોવાની દ્રષ્ટિ બધાની કેટલી નિરાળી હોય છે. માન્યતા ઓ પણ ઉમર સાથે બદલાતી રહેતી હોય છે. બાળપણ કે કુમારાવસ્થામા જ્યારે હું મારી આસપાસ કોઈ વડીલને જોતી કે એમની વાતો સાંભળતી ત્યારે લાગતું કે સાઠ વર્ષે ખરે જ એ ફક્ત તન થી જ નહિ પણ મન થી પણ વૃધ્ધ થઈ ગયા છે. એમને કાકા કે દાદા કે કાકી કે દાદી કહી બોલાવતા જરાય અજુગતું નહોતુ લાગતું. કદાચ એમા એમના ખુદના વર્તન નો પણ મોટો ફાળો હોઈ શકે. તેઓ ખુદ પોતાને વૃધ્ધ માની ને “બસ હવે તો દેવ દર્શન કરી ભગવાન નુ નામ લઈ જીંદગી પુરી કરવાની” જેવા વિચારો દર્શાવતા. બધાને આ વાત લાગુ પડે એ જરૂરી નથી પણ આ પ્રવાહ વધુ જોવા મળતો.
આ વાત કરવાનુ મન થયું એનુ એક કારણ છે.મારી અને મારા માસી ની વર્ષગાંઠ એક જ દિવસે આવે છે. હમણા બે દિવસ પહેલાં જ એમની દિકરીઓ એ માસી ની ૭૫મી વર્ષગાંઠ ઉજવી અને જે કેક બનાવડાવી હતી એ ખરેખર માસીના જીવનનુ પ્રતિબિંબ હતું. કેક પર ક્રિકેટ રમતા પ્લેયર નુ ચિત્ર, રમતના પત્તા વગેરે એમના શોખ ની ઝાંખી થાય એ જાતની કેક હતી.
માસીને ક્રિકેટ મેચ જોવાનો અનહદ શોખ છે, બહેનપણીઓ સાથે અઠવાડિએ એક વાર ભેગા થઈ પત્તા રમવાનો શોખ છે, ફરવાનો શોખ છે અને હું ખુબ ખુશ છું કે એમને આ બધા શોખ ચાલુ રાખ્યા છે.
મને બરાબર યાદ છે ૧૯૯૬ મા જ્યારે માસાનુ ઓચિંતુ અવસાન થયું ત્યારે માસી ભાંગી પડ્યા હતા. હવે જીંદગી કેમ જશે અને કેમ જીવાશે એ વિચારો મા એ ગુમસુમ રહેતા. મે એમને એક જ વાત ત્યારે કરી હતી કે “માસી રડી ને પણ જીવવાનુ છે ને હસતા મોઢે પરિસ્થિતી નો સામનો કરી ને પણ જીવવાનુ છે. તમે શું એમ ઈચ્છો છો કે તમે રોજ માંદા પડો ને દિકરીઓ પોતાની કૌટુંબિક જવાબદારી છોડી તમારી ચાકરી કરવા દોડી આવે?”
આજે મને ખુબ આનંદ છે કે માસીએ હિંમત દાખવી પોતાની જીંદગી સહ્ય બનાવી અને પોતાને મનગમતા શોખ દ્વારા જીવન જીવી ૭૫ વર્ષે પણ સદાબહાર મનથી જુવાન રહી જીવન જીવી રહ્યા છે.
મારી પણ ઉમર કાંઈ નાની નથી.સાઈઠ પુરા થયા પણ મને નથી લાગતું કે હું વ્રુધ્ધાવસ્થા ની નજીક પણ છું. આજે પણ સંગીતના તાને મને ઝુમી ઉઠવાનુ મન થાય છે. વરસતા વરસાદ મા દોડી જઈ પલળવાનુ મન થાય છે કસિનો મા જઈ ગેમ્બલિંગ જીતવા માટે નહિ, પણ મજા કરવા જવાનુ ગમે છે.
નાની હતી ત્યારે કદાચ સાઠ વર્ષની વ્યકતિ મને વૃધ્ધ લાગતી હશે પણ આજે જ્યારે હું એ વયે પહોંચી છું ત્યારે ખ્યાલ આવે છે કે ભાઈ એ તો નજર નજર નો ભેદ છે. માનો તો હમેશ જુવાન નહિ તો કાયમ ઘરડાં.
માસી ને એમની ૭૫મી વર્ષગાંઠે એટલી જ શુભેચ્છા કે બસ આમ જ સદા ખુશ રહી જીવન માણતા રહો.
શૈલા મુન્શા. તા ૦૭/૨૪/૨૦૧૨
July 12th 2012
છેલ્લા ચાર પાંચ દિવસ થી હ્યુસ્ટન (અમેરિકા) મા વરસાદની મોસમ જામી છે એમ કહીએ તો કાંઈ ખોટું નથી. આમ તો અત્યારે ગરમી નો સમય છે અને પારો ૧૦૦ ડીગ્રી થી ઉપર હોય એમા કાંઈ નવાઈ પણ નથી,પણ જે રીતે આકાશ નીતરી રહ્યું છે અને ચારેકોર પાણી ની રેલમછેલ છે એ જોઈ ને મને મુંબઈના વરસાદ ની યાદ આવી ગઈ.
વરસતો વરસાદ ને નરીમાન પોઈંટની પાળ કુદાવી ભરતી ના મોજાંની વાછટ યાદ આવી ગઈ. દરિયા કિનારે બેસવું ને મોજા ની આવન જાવન બસ જોતાં રહેવું મને ખુબ ગમે છે ને જ્યારે પણ વરસાદ અનરાધાર ઝીંકાય એમા ભીજાવું ખુબ ગમે છે.કેટલીય વાર ગાડી રોકાવી નરીમાન પોઈંટ ની પાળે ઊભા ભરતી ના મોજાની વાછટ માણી છે.
આજે સવારે પણ આંખ ખુલતાં પહેલા જ ગોરંભાતા વાદળો ને ગરજંતા વાદળો વચ્ચે ફોરાંની રમઝટ ની તાન કાને પડી જાગી ને પહેલાં જ નજર કાચના દરવાજા બહાર ગઈ. દોડીને બેકયાર્ડમા જઈ ભીંજાવાનુ મન થઈ ગયું પણ કામ પર જવાની ઉતાવળ યાદ આવી ગઈ.જેવી ગાડી મા બેસી ગાડી સ્ટાર્ટ કરી અને સાથે રેડિયો શરૂ કર્યો ને ગીત ગુંજી ઉઠ્યું “આજ રપટ જઈયો તો હમે ના ભુલઈઓ” નમક હલાલ મુવી નુ ગીત અને અમિતાભ સ્મિતા પાટિલ ની જોડી નુ વરસાદ ગીત. મન તરબતર થઈ ગયું. જણે હ્યુસ્ટન ના હાઈવે પર નહિ પણ મુંબઈ લોનવલા ના રસ્તે ગાડી જઈ રહી હોય.
વરસાદ મને હમેશ નાની બાળકી બનાવી દે છે ને બધા દુઃખ દર્દને ભુલાવી મન આનંદિત કરી દે છે.
શૈલા મુન્શા. તા ૦૭/૧૨/૨૦૧૨
May 14th 2012
શ્રી બરકત વિરાણી-“બેફામ” ની ગુજરાતી ગઝલ.
નયનને બંધ રાખીને મે જયારે તમને જોયા છે
તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે
ઋતુ એકજ હતી પણ રંગ નો ‘તો આપણો એક જ
મને સહેરા એ જોયો છે બહારે તમને જોયા છે
પરંતુ અર્થ એનો એ નથી કે રાત વીતી ગઇ
નહીં તો મેં ઘણી વેળા સવારે તમને જોયા છે
હકીકતમાં જુઓ તો એય એક સપનું હતું મારુ,
ખુલી આખે મે મારા ઘરના દ્રારે તમને જોયા છે
નહિ તો આવી રીતે તો તરે નહિ લાશ દરિયામાં
મને લાગે છે કે એણે કિનારે તમને જોયા છે
ગણી તમને જ મઝિલ એટલા માટે તો ભટકુ છુ,
હૂ થાક્યો છુ તો એક એક ઉતારે તમને જોયા છે.
નિવારણ છો કે કારણ્ ના પડી એની ખબર કઈએ,
ખબર છે એ જ કે મનના મુઝારે તમને જોયા છે.
નથી મસ્તી મહોબ્બત એવુ કઈ કહેતો હતો ‘બેફામ’
એ સાચુ છે અમે એના મઝારે તમને જોયા છે.
(મારી ગમતી ગઝલો મા આ ગઝલનુ વિશેષ સ્થાન છે.)
May 10th 2012
આજે હું જે મારિઆ ની વાત કરવા માંગુ છું એ મારા ક્લાસમા નથી. એના નિર્દોષપણા ની વાત મને મારી સખી દીના એ કરી.દીના પણ મારી જેમ ખાસ જરૂરિયાત વાળા બાળકો સાથે કામ કરે છે. દરેકની જરૂરિયાત જુદી જુદી હોય, અને આપણે એમની ખાસિયતને ધ્યાનમા રાખી, એમના સ્વભાવને અનુરૂપ કુનેહથી કામ કરવાનુ હોય.
મારિઆ અને એના જેવા બાળકો ની ખાસિયત એવી હોય કે એમનુ દરેક કામ એક નિયમ અનુસાર ચાલે. એમા બદલાવ આવે તો એ બાળકો વિચલીત થઈ જાય ચિઢાય જાય, ચીસાચીસ કરી મુકે. જે સમયે રમવાનુ હોય તે સમયે રમવાનુ. જો રમવાને બદલે ભણવા બેસાડીએ તો આવી બન્યું.
દીના બાળકોને રોજ સવાર ના અગિયાર વાગ્યાની આસપાસ સ્કુલના પાર્કમા રમવા લઈ જાય. એ પહેલા ક્લાસના ટીવી પર બાળકોને એજ્યુકેશનલ વીડિયો બતાડે. જ્યારે ટીવી બંધ કરવાનો સમય થાય ત્યારે રીમોટ કંટ્રોલથી ટીવી બંધ કરે. મારિઆ રોજ એ જુવે. મારિઆ “A child with autism” જેને કહે તે પ્રકારની બાળકી. આ બાળકો મંદ બુધ્ધિના ના હોય પણ એક પ્રકારના નિયમ મા જકડાયેલા હોય.
થોડા દિવસ પહેલા હ્યુસ્ટનમા લગાતાર ત્રણ ચાર દિવસ વરસાદ પડ્યો. પહેલે દિવસે તો દીના એ મારિઆને જેમતેમ સમજાવી ક્લાસમા જ રમવા નુ કહ્યું. બારી બહાર વરસાદ પડતો દેખાડ્યો. બીજે દિવસે પણ વરસાદ ને વીજળી ના કડાકા ચાલુ જ હતા. બહાર રમવા જઈ શકાય એ શક્ય જ નહોતુ દીના એ બાળકો ને જેવું કહ્યું કે આજે પણ વરસાદને કારણે બહાર રમવા નહિ જઈ શકાય કે તરત જ મારિઆ દોડતી જઈને રીમોટ લઈ આવી ને દીના ને આપતાં બોલી “stop the rain, stop the rain” (વરસાદ બંધ કરી દો, વરસાદ બંધ કરી દો)
એ નાનકડી બાળકીની સમજ પ્રમાણે બધું જ રીમોટ થી ચાલુ અને બંધ થઈ શકે.દીના બે ઘડી એની હોશિયારી અને ચપળતા જોઈ જ રહી, અને શું જવાબ આપવો એ વિચારી રહી.
કોણ કહી શકે કે આ બાળકો બીજાથી કોઈ વાતમા ઉણા ઉતરે એમ છે? “special need” ના બાળકો સાથે કામ કરવાનો આનંદ કંઈ ઓર જ હોય છે. આવા નાનકડાં પ્રસંગોથી થાક વિસરાઈ ને મન આનંદથી સભર બની જાય છે.
(દીના એ કહેલો આ પ્રસંગ એની અનુમતિ થી મારા “રોજીંદા પ્રસંગો” ની કલગી મા એક વધુ પીંછુ ઉમેર્યુ છે.)
શૈલા મુન્શા. તા ૦૫/૧૦/૨૦૧૨
May 7th 2012
જીવન રહે સદા વહેતું,કોઈ આવે ને કોઈ જાય છે.
ખીલ્યું તે કરમાય,ને આદિ તેનો અંત આવી જાય છે.
જ્યાં ધીખતી ધરા ચાતક જેમ તરસે એક બુંદ પાણી,
ત્યાં પ્રચંડ જલપ્રપાતે અખૂટ પાણી વહેતા જાય છે.
ધારી નહોતી જીવન મહી એકલતા આમ ઘેરાઈ જાશે,
સહુ પોતાના તોય, ન જાણે ક્યારે પારકાં બની જાય છે.
સુખ ને દુઃખ, ચડતી ને પડતી ક્રમ આ જીવનનો,
એક આશા અમર ને આશરે જીવન વહી જાય છે.
શૈલા મુન્શા. તા. ૦૫/૦૭/૨૦૧૨
April 13th 2012
રમતિયાળ ને ગોળમટોળ ડેનિયલ ને તો આપ સહુ ઓળખો જ છો. હસતો ચહેરો અને બોલતી આંખો. અમારા ક્લાસમા બાળકો ની સંખ્યા વધતી જાય છે. હમણા જ એક અઠવાડિયા મા બે નવા ત્રણ વર્ષની વયના બાળકો આવ્યા. મિકેલ અને વેલેન્ટીનો. ક્લાસમા સહુથી નાના, હલકાં ફુલકા. સહજતાથી ઉંચકી શકાય. એમના વિશે વધુ વાત તો પછી કરીશ. આજે તો વાત ડેનિયલની કરવી છે અને બાળકો મા પણ કેવી અદેખાઈ હોય છે એની વાત કરવી છે.
અમારા બાળકો ને અમે રોજ એક કલાક જુદી જુદી પ્રવૃતિ માટે બીજા ક્લાસમા લઈ જતા હોઈએ. ક્યારેક સંગીતનો ક્લાસ કે ક્યારેક કોમ્પ્યુટર કે ક્યારેક કસરત નો ક્લાસ. આ બધા મા એમને મજા પણ આવે અને જ્ઞાન સાથે ગમ્મત થાય.
કાલે અમે કસરતના ક્લાસમા હતા. ત્યાં બાળકો ને સંગીત સાથે કસરત કરાવવા મા આવે. સંગીત સાથે હું પણ બાળકો સાથે કસરત કરતી હતી અને એમ કરતાં સહજ મે મિકેલ ને બે હાથમા લઈ ડાબે જમણે ઝુલાવવા માંડ્યો. એને તો મજા પડી ગઈ. એ જોઈ ને વેલેન્ટીનો તરત દોડતો મારી પાસે આવ્યો અને હાથ લાંબો કરી એને ઝુલાવવાનો ઈશારો કરવા માંડ્યો. મિકેલ ને મુકી હું વેલેન્ટીનો ને ઝુલાવવા માંડી. એ પણ ખુશખુશાલ.
હવે તકલીફ ની શરૂઆત થઈ. ડેનિયલભાઈ પણ દડબડ દોડતાં ચમકતી આંખે ને હસતાં ચહેરે મારી પાસે આવી પહોંચ્યા, ને હાથ લાંબો કરી એને પણ ઝુલાવવાની માંગ કરવા માંડ્યા. એ ગોળમટોળ ને તંદુરસ્ત ડેનિયલને મારા એકલાથી બે હાથે ઝુલાવાય એમ નહોતુ એટલે મે એને પટાવવાની કોશિશ કરી ને ધ્યાન બીજે દોરવાનો પ્રયાસ કર્યો પણ એ ભાઈ તો ખોટું ખોટું રડી ને જમીન પર લાંબા થઈ ગયા.
મારે તો જાણે ધરમ કરતાં ધાડ પડી. છેવટે મે મીસ બર્ક ને કહ્યું “મારી મદદ કર. એક બાજુથી તું ડેનિયલનો હાથ પકડ, અને બીજી બાજુ થી હું પકડું છું.” આમ અમે બન્ને જણે થઈ ડેનિયલભાઈ ને ઝુલાવ્યા ને મનમા ને મનમા હું ગણગણી રહી “ઓળી ઝોળી પીપળ પાન મીસ મુન્શાએ પાડ્યું નકલખોર વાંદરો નામ”
આમ પણ ડેનિયલ ને કાર્ટુન સ્ટોરી મા “curius George a monkey” જોવું બહુ ગમે છે. અમારા ક્લાસનો એ નટખટ ક્યુરિયસ જ્યોર્જ જ છે.
શૈલા મુન્શા. તા ૦૪/૧૩/૨૦૧૨
April 10th 2012
રૂપલે મઢી આ રાત, વિણ સાજન ઘોર અંધાર
એકાંતે આવી તારી યાદ સજન.
સજી શોળ શણગાર, ભરી નયનોમા પ્યાર,
એકાંતે આવી તારી યાદ સજન.
કેવો કઠોર પ્રભુ, પિયુ સામે ને તોય ચુપચાપ
એકાંતે આવી તારી યાદ સજન.
ગળી ગયો કાળ મુજ પ્રિતમ, નહિ દર્શન ની કોઈ આશ
એકાંતે આવી તારી યાદ સજન.
મિંચાય નયન ને,બસ એક છબી અંતર મહીં આજ,
એકાંતે આવી તારી યાદ સજન.
શૈલા મુન્શા. તા૦૩/૨૪/૨૦૧૨
February 16th 2012
રાજા દશરથ પ્રખર બાણાવળી હતા અને અવાજ ના આધારે અંધારા મા પણ અચૂક નિશાન સાધી શકતા એ રામાયણ કથા તો બધા જાણે છે, પણ મારે આજે મારા અનુભવની વાત કરવી છે.
હ્યુસ્ટન એ અમેરિકા નુ એક એવું શહેર છે જ્યાં એક જ દિવસમા જુદી જુદી ઋતુનો અનુભવ થઈ શકે. આમ તો હમણા શિયાળો ચાલે છે એમ કહેવાય પણ સવારે ઠંડક બપોરે ગરમી ને સાંજ પડે વરસાદ. છેલ્લા થોડા દિવસથી સૂરજ દેવ જાણે અમારા થી રિસાઈ ગયા હોય તેમ પ્રગટવાનુ નામ લેતા નથી. દર્શન તો થાય પણ મોંઘેરા મહેમાન ની જેમ અલપ ઝલપ.
બે ત્રણ દિવસ થી તો રોજ હવામાન ના સમાચાર મા બોલાય કે સવારે ગાઢ ધુમ્મસ હશે પણ મારા સારા નસીબે મને એનો અનુભવ નહોતો થયો. કાલે રાતે સુવા જતા પહેલા સહજ જ બારી બહાર ડોકિયું કર્યું અને રાતે દશ વાગે પણ મારી ગલીમા ધુમ્મસ ઘેરાતું જોયું. મનોમન નક્કી કર્યું કે સવારે રોજ કરતાં થોડી વહેલી કામે જવા નીકળીશ.
સવારે ઝટપટ તૈયાર થઈ ગઈ કારણ ધુમ્મસ વધુ ગાઢ લાગી રહ્યું હતુ. જેવી મારી ગલીમાથી બહાર આવી ફ્રીવે તરફ પ્રયાણ કર્યું કે જાણે આંખ સામે સફેદીનો ઘેરો રંગ અને આગળ જતી ગાડી ની ઝબુકતી લાલ લાઈટ. બસ એ લાલ લાઈટ ના પ્રકાશ ના આધારે આગળ વધતા રહેવાનુ. ફ્રીવે પણ અહીંયાના સીધા સપાટ નહિ. એમા પણ ઉતાર ચઢાવ આવે. જ્યારે ઉપર જતા હોઈએ તો લાગે કે બસ આ સફેદી ના સાગરમા સમાઈ જશુ ત્યાં જ તો ગીર ના સાવજ જેવી બે ઝબુકતી લાલ લાઈટ દેખાય.
રોજની એ પંદર મીનિટ ની સફર પાર કરતાં પચીસ મીનિટ થઈ પણ ત્યારે જ મનમા વિચાર આવ્યો કે ભલે દશરથ મહાન શબ્દવેધી બાણાવળી ગણાતા હતા પણ આજે જાણે હું પ્રકાશવેધી બાણાવળી બની હતી. ઝબુકતી લાલ લાઈટ ના પ્રકાશ ના આધારે મારી ગાડી રૂપી બાણ છુટ્યું હતું અને નિર્ધારીત સ્થાને પહોંચ્યું હતું.
ધુમ્મસ ના અગાધ સાગરમા ગાડી ચલાવવાનો રોમાંચ અનોખો જ હતો.
શૈલા મુન્શા. તા ૦૨/૧૬/૨૦૧૧