February 12th 2020
૧ – અજબ આ દુનિયાની રીત છે,
માંગતા ના મળે એવી પ્રીત છે,
કોઈ કરે ના કરે કિંમત પ્યારની
ગોપીને મન તો કહાન મીત છે!
૨ – જિંદગીની કહાની બાકી છે,
કોઈ વાત અધુરી રાખી છે,
કહેવું ના કહેવું એ સોચમાં
આવરદા વિતાવી નાખી છે.
૩ – રંગોની બિછાત જાણે વસંત,
ખીલે ફુલ સુગંધી, માણે વસંત,
ભુલાય છે ઉદાસી પાનખરની,
નવપલ્લવિત ધાનના દાણે વસંત!
૪ – આશા નથી આંગણે આવશો તમે,
કોઈ ખુશી ખબર લાવશો તમે,
નિત પ્રભાતે તોય રાહ જોઉં છું,
કોઈ નિશાની પ્રેમની મોકલશો તમે!
શૈલા મુન્શા તા. ૦૨/૦૯/૨૦૨૦
February 9th 2020
રાત્રિ નો અંધકાર ઘેરો થતો ગયો. પ્રિયંકા નો દેહ જાણે મુલાયમ કોઈ પીંછા પર સવાર થઈ વાદળો વચ્ચે લહેરાઈ રહ્યો. નિષ્ફળતા નાકામિયાબી બધું ક્ષીણ થતું ગયું. ગહેરી નીંદમા ઘેરાતી આંખો ક્યારે સદા માટે મિંચાઈ ગઈ અને પ્રિયંકાનુ અસ્તિત્વ લોપ થઈ ગયું.
સવારના આઠ વાગ્યા, જિગર ક્યારનો પ્રિયંકાને ફોન કરી રહ્યો હતો. આગલી રાતે એ મિત્રો સાથે બહાર હતો અને પાછાં વળતાં મોડું થયુ એટલે પ્રિયંકાને ફોન કરવાનો રહી ગયો. વહેલી સવારે એના મિત્ર પ્રથમનો ફોન આવ્યો કે મેડિકલ ના પ્રથમ વર્ષનુ પરિણામ તો કાલે સાંજે જ આવી ગયું અને પ્રિયંકા ના કેટલા ટકા આવ્યા? જિગર એકદમ ચમકી ગયો, અરે! જો પરિણામ કાલે આવી ગયું તો પ્રિયંકાનો ફોન કેમ ના આવ્યો? શું ટકા ઓછા આવ્યા હશે? તરત જ એણે ફોન હાથમા લીધો ને નંબર ડાયલ કર્યો. સામા છેડે ઘંટડી વાગતી રહી ને આન્સરીંગ મશીન પર પ્રિયંકાનો મેસેજ સંભળાયો.(મહેરબાની કરી આપનુ નામ અને નંબર જણાવો) વારંવાર ફોન પર આ જ મેસેજ આવતાં જિગરનો જીવ ઊંચો થઈ ગયો.
થોડા દિવસ પહેલાની વાત એને યાદ આવી ગઈ. પ્રિયંકા થોડી સુનમુન જણાતી હતી, પરિક્ષા થી ગભરાતી હતી, લગ્ન કરી લેવાની વાત કરતી હતી, બસ જિગરની ચિંતા ગભરાટમા બદલાઈ ગઈ તરત જ એણે પ્રિયંકાના ડોર્મ તરફ પ્રયાણ કર્યું.
આજ સવારથી દિશા ના મનમા ન જાણે કેમ પ્રિયંકા ના વિચાર આવી રહ્યા હતા. જે ગુમાવ્યું તે પાછું મળી શકે એમ નથી પણ પ્રિયંકા ની બધી મનોકામના કેવી રીતે પુરી થાય, એના પર જ ધ્યાન આપવું છે. દિકરી મારી તો એટલી સાદી છે કે ક્યારેય પોતાના મનની ઈચ્છા નહી જણાવે પણ મારે જ એને હમેશ ખુશ રાખવાની છે. પ્રશાંત અને સુહાગીના પ્રેમ સંબંધની જાણ પણ એને જ કરી હતી અને સુહાગીને ઘરે પણ એજ તો લઈ આવી હતી અમને મળાવવા માટે.
જ્યારે પ્રશાંતનુ અકસ્માતમાં મોત થયું ત્યારે પ્રશાંત ના મોતના કારમા આઘાતમાથી અમને બહાર કાઢવા એ કેટલી ઝઝુમી. ભાઈ તો એણે પણ ગુમાવ્યો પણ પોતાનુ દુઃખ ભુલી અમારા બધાની મા બની અમને સાચવી લીધા.
એની સમજાવટ થી જ ક્ષિતિજ પ્રશાંતની કિડની લેવા તૈયાર થયો. આજે પ્રશાંતની હયાતિ ન હોવા છતાં જાણે એ સુક્ષ્મ રીતે ક્ષિતિજમા જીવી રહ્યો છે. બસ પ્રભુ હવે તો પ્રિયંકા ડોક્ટર બને અને એનુ ઘર વસે એ સિવાય કોઈ કામના બાકી નથી રહી.
ક્ષિતિજ માટે સવારનો ચા, નાસ્તો તૈયાર કરતાં આવા બધાં ખુલ્લી આંખે સપના જોતા ધ્યાન ન રહ્યું ને બીજા ગેસ પર મુકેલું દુધ ઉભરાયું. આટલા વર્ષો અમેરિકા મા રહ્યાં છતાં અમુક વહેમ મા દિશા હજુ વિશ્વાસ રાખતી ને “કાગનુ બેસવું ને ડાળનુ પડવું” જેમ કોઈવાર એ વહેમ સાચો પડતો.
હજી તો એ ચા નાસ્તાની ટ્રે લઈ રસોડાની બહાર નીકળી ને ફોનની ઘંટડી રણકી. ક્ષિતિજ બાજુમા જ બેસીને છાપું વાંચતો હતો એટલે એણે ફોન ઉપાડ્યો.
ક્ષણભરમા એના ચહેરા ના હાવભાવ બદલાઈ ગયા. એના મોઢામાં થી ચીસ સરી પડી, ને દિશાના હાથમાં થી ટ્રે સરી પડી. બેબાકળી એ ક્ષિતિજ પાસે દોડી ગઈ. એનો ખભો હચમચાવતાં પુછી રહી “શું થયું” કાંઈ બોલો તો ખરા પણ ક્ષિતિજ બસ સ્તબ્ધ બની એને જોઈ રહ્યો. ઝુલતા ફોનને હાથમા લઈ દિશાએ કાને માંડ્યો, સામા છેડે જિગર બોલી રહ્યો હતો અંકલ તમે હિંમત રાખો, દિશા આન્ટી નેસંભાળો, દિશા ને કાંઈ સમજ ના પડી આ શું થઈ રહ્યું છે એણે ગભરાઈને પુછ્યું જિગર બોલ તો ખરો શું થયું? ક્ષિતિજ કેમ એકદમ જડ જેવો બની ગયો છે? શું કહ્યું તે એને? જિગરથી કાંઈ બોલાયું નહિ. ફોન એણે અંબર ફોઈના હાથમાં આપી દીધો, અંબર રડતાં અવાજે બોલી ભાભી હિંમત રાખો અને જલ્દી ક્ષિતિજ ને લઈ પ્રિયંકા ના ડોર્મ પર આવી જાવ. પ્રિયંકા એ ઊંઘની ગોળીઓ ખાઈ લીધી છે.
દિશાના હાથમાં થી ફોન સરી ગયો ને ધબ દઈને જમીન પર બેસી પડી.
બન્ને ડોર્મ પર પહોંચ્યા ત્યાં સુધી મા પોલીસ, એમ્બ્યુલન્સ બધું આવી ગયું હતું. પ્રિયંકા ચિર નિંદ્રા મા પોઢી હતી ને પલંગની બાજુમા પરિક્ષા ના પરિણામ નો કાગળ પડ્યો હતો. પોલીસ જરૂરી કારવાઈ કરી ને રવાના થઈ ને પ્રિયંકાનો મૃત દેહ એમ્બ્યુલન્સ મા મોર્ગ લઈ જવા ગોઠવાયો. કાળજા ના કટકા જેવી દિકરી એ કયા આવેશ ને કયા પ્રેશર મા આ પગલું ભર્યું એનુ ભાન ક્ષિતિજ ને થવા માંડ્યું.મેડિકલ લાઈન પ્રત્યે ની સુગ અને ભણતર નો ભાર એ ઝીલી શકતી નથી એ વાત પ્રિયંકા એ જણાવી હતી પણ પોતે જ એને મજબુર કરી હતી. હવે જીંદગીભર રૂદન અને પસ્તાવા સિવાય કાંઈ હાથ મા રહ્યું નહી. દિશા તો જાણે સુનમુન બની ગઈ. એક જ વાત એના મન ને કોરી રહી. “અરે! બેટા એકવાર તો તારા મન ની હાલત મને જણાવવી હતી. હું મા છું, જો મારા સંતાનો ના જીવ પર આવી પડે તો હું આખી દુનિયા સામે લડી ને પણ એમને બચાવું.”
જિગર ની હાલત પણ કાંઈક એવી જ હતી, રહી રહી ને એને પ્રિયંકા સાથે ની આખરી મુલાકાત અને વાતો યાદ આવતી હતી. એ બિચારી એ તો મને ઘણુ સમજાવવાનો પ્રયાસ કર્યો કે “આ મેડિકલ નુ ભણવાનુ મારા થી નહી થાય, ચાલ આપણે લગન કરી લઈએ, હું કમાઈશ ને તું ભણજે” પણ મેં એની વાતને હસવા મા ઉડાવી દીધી ને આજે પ્રિયંકા અમને બધા ને છોડીને જતી રહી. પ્રશાંત નુ મોત તો એક અકસ્માત હતો પણ પ્રિયંકા ને અમે બધા એ ભેગા થઈ મરવા માટે મજબુર કરી. એનુ મોત એક આપઘાત નથી પણ અમારા દ્વારા થયેલું ખુન છે.
કહેવાય છે ને કે દુઃખ આવે ત્યારે ચારેબાજુ થી આવે છે. ક્ષિતિજ ને દિશા માટે આ ઘા સહેવો બહુ અઘરો હતો. દિશા જાણે કોઈ જાતના ભાન વગર યંત્રવત રોજીંદુ કાર્ય કરતી. ક્ષિતિજ દિશા થી નજર ના મેળવી શકતો.એને એમ જ થતું કે પ્રિયંકા ના મોત નો હું જ જીમ્મેદાર છું.મેં જો આટલી મોટી અપેક્ષા ના રખી હોત તો કદાચ આ દિવસ ના આવત.ક્ષિતિજનો મિત્ર સ્વયંમ લગભગ રોજ સાંજે આવતો અને ક્ષિતિજ ને બીજી વાતોમા પરોવવાનો પ્રયાસ કરતો.
અંબર પણ જેમ બને તેમ જલ્દી મોટેલનુ કામ પતાવી ઘરે આવી જતી. દિશાને રસોઈમા મદદ કરતી, એનુ મન બીજે વાળવા ક્ષિતિજ માટે કઈ રસોઈ બનાવવી જેથી એની તબિયત જલ્દી સુધરે વગેરે વાતો કરતી.
બા ના ભજનો ને પ્રાર્થના નો સમય લંબાતો ગયો. એમનો ભક્તિ ભાવ આ દુઃખ સહન કરવામા બધાને તાકાત આપતો ગયો. કુદરતની ચાલ કોઇ સમજી શકતું નથી અને દરેક પોતાની આવરદા લખાવી ને આવે છે, એમા એક ક્ષણનો પણ મીનમેખ થતો નથી વગેરે વાતો થી ધીરે ધીરે દિશાને ક્ષિતિજ દુઃખના દરિયામા થી બહાર આવી રોજીંદા કાર્યમા મન પરોવવા માંડ્યા.ક્ષિતિજ ફરી ધંધા પર ધ્યાન આપવા માંડ્યો. પ્રશાંતની કિડની એને બરાબર માફક આવી ગઈ અને સામાન્ય વિટામીન સિવાય હવે કોઈ દવાની જરૂર ના રહી.
બબ્બે કારમા ઘા ઝીલવામા સહુથી વધુ હિંમત અને પ્રેમ સુહાગી પાસે થી મળ્યા. સુહાગી રાત દિવસ એ જ ચિંતા મા રહેતી કે કેમ કરી ક્ષિતિજ અને દિશાને આ દુઃખ મા થી બહાર કાઢવા. ઘર ની બધી જવાબદારી એણે ઉપાડી લીધી. ક્ષિતિજને નિયમિત દવા કે વિટામીન આપવા, દિશાને વાનગી શીખવાને બહાને કીચનમા બોલાવી કઈક નવી ડિશ શીખવી અને એમ કરી દિશાને પ્રિયંકાના વિચાર મા થી બીજે વાળવી. કંઈ અવનવી વાતો કરી બધા ના મન પ્રફ્ફુલિત કરવા. બા પાસે બેસી ઈન્ડિયા ની વાતો સાંભળવી, ઘણીવાર લાડ થી તો કોઈવાર હુકમ ચલાવી સાંજ પડે દિશા અને ક્ષિતિજ ને બહાર ખુલ્લી હવામા ચાલવા મોકલવા. સુહાગી ની આ પ્રેમ ભરી માવજતે ધીરે ધીરે ઘરનુ વાતાવરણ રાબેતા મુજબનુ થવા માંડ્યું.
દિશા ક્યારેક વિચારે ચઢી જતી કે થોડા સમય પહેલા એ સુહાગી ને ઓળખતી પણ નહોતી અને આજે એ મારી બીજી દિકરી બની ને રહી છે. ખરે જ શું કોઈ પૂર્વ જનમ ની લેણાદેણી હશે. એના માથે પણ કાંઈ ઓછી વીતી છે. લગ્ન પણ નહોતા થયા ને પ્રેમી ગુમાવ્યો. પ્રિયતમ નો અંશ પોતાના મા ઉછરી રહ્યો છે એ જાણી અમારા આશરે આવી અને અમને ખુશી આપવા અમારી વહુ બની અમારી સાથે રહી.
અહીં અમેરિકા ની છોકરીઓ માટે કદાચ લગ્ન પહેલા દેહ સંબંધ એ સાવ સામાન્ય વાત હશે, પણ જો પ્રેમી નુ મૃત્યુ થાય તો કોઈ છોકરી પોતાનુ પુરૂં જીવન છોકરા ના કુટુંબ માટે ભોગ ના ચડાવી દે. સુહાગી સાચે જ અનોખી છે. કેવી અમારા બધા સાથે ભળી ગઈ છે. ક્ષિતિજ ને કદાચ દવા આપવાનુ હું ભુલી જાવ પણ સુહાગી નિયમિત દવા આપવાનુ મને યાદ કરાવે જ. પપ્પાને શું ભાવે છે એનો ખ્યાલ રાખી હોંશે હોંશે મારી પાસે વાનગી બનાવતાં શીખે.
બા ને શરૂઆતમા એના પર બહુ ભરોસો ન હતો, પણ હવે તો બા બે મોઢે એના વખાણ કરે છે ને રોજ વહાલ થી પુછે છે, “સુહાગી બેટા તને કાંઈ ખાસ ખાવાનુ મન થાય છે? જે મન થાય તે મને કહેજે. તારા માટે ખાસ હું મારા હાથે એ વાનગી બનાવી તને ખવડાવીશ.”
બા આમ તો પ્રશાંત ના બાળક ને રમાડી ઈન્ડિયા જવા માંગતા હતા પણ ઘર નુ વાતાવરણ થાળે પડવા માંડ્યુ અને એમને પાછા જવાની ઉતાવળ થવા માંડી. ઘર ના વડીલ હોવાને કારણે એ પોતાનો ગમ કોઈની સામે જાહેર ન્હોતા કરતાં પણ એમના દિલમા થી પ્રશાંત ને પ્રિયંકા ના મોત ની ઘટના ભુલાતી નહોતી. ક્ષિતિજ ને ખાતર એ આવ્યા હતા અને શું નુ શું થઈ ગયું.
એક દિવસ લાગ જોઈ એમણે વાત છેડી. “દિશા બસ હવે મારૂં મન પાછું જવા ઝંખી રહ્યું છે. થોડા વખતમાં જે બની ગયું એને તો આપણે બદલી શકીએ તેમ નથી પણ હવે બસ ઈન્ડિયા જઈ દેવ-દર્શન અને બાળકોના આત્મા ની શાંતિ માટે કાંઇ કરૂં એમ થાય છે. હું તો કહ્યું છું કે તમે પણ પાછા આવી જાવ. જો કે સુહાગી ના ભવિષ્ય નો પણ તમારે વિચાર કરવાનો એટલે જે તમને યોગ્ય લાગે તેમ કરજો.”
સાથે સુહાગી માટે પણ એક સુચન કર્યું.”દિશા કદાચ મારા મનમાં જે વિચાર છે તે તને પણ જરૂર આવ્યો જ હશે. સુહાગી બાળકને જન્મ આપે પછી એને નવો જીવન સાથી શોધી લેવા સમજાવજે. એકલા જીંદગી કાઢવી કેટલી અઘરી છે અને અમેરિકા કે હવે તો ઈન્ડિયા મા પણ સહજતા થી લોકો આ વિચારને અપનાવે છે અને યોગ્ય જીવન સાથી પણ મળી રહે છે.”
ક્ષિતિજ ને બા ની ઈન્ડિયા જવાની વાત ગમી તો નહિ પણ એ જાણતો હતો કે બા અહીં વધુ ને વધુ મનમાં સોરાયા કરશે એના કરતાં ભલે ઈન્ડિયા પાછા જાય. એ દિવસ પણ આવી ગયો. બધા ઉદાસ હતા પણ બહાર થી મોઢું હસતું રાખવાનો પ્રયાસ કરતાં હતા. સ્વયંમ ને ક્ષિતિજ બા ને મુકવા એરપોર્ટ ગયા. ઘરમાં દિશા, સુહાગી અને અંબર ફોઈ રહ્યાં. ઘરમાં એક જાતનો સુનકાર વ્યાપી ગયો. ઘરડાં માણસો ની ખાસિયત પ્રમાણે બા આખો દિવસ કાં તો કોઈ ભજન ની ધુન ગણગણતા હોય અથવા પોતાના જમાના ની કોઈ વાત યાદ કરીને કહેતા હોય. ઘણીવાર તો એક ની એક વાત વારંવાર કરતા હોય, પણ એને લીધે ઘરમાં એક જાતની જીવંતતા લાગે.
બા ગયા ને અંબર પહેલી વાર છૂટ્ટા મોઢે રડી પડી. સુહાગી ની જેમ એને પણ પોતાના દુઃખ ને છુપાવી બધાને આધાર આપવાનો હતો. આમ તો બધા જ એકબીજાથી આંસુ છુપાવતા હતા પણ સુહાગી અને અંબર બહારથી વધુ નોર્મલ દેખાવાનો પ્રયાસ કરતા. અંબરફોઈને જોઈ સુહાગી પણ રૂદન નો આવેગ રોકી ના શકી.
દિશા એ બન્ને ને પાંખમા લઈ રડવા દીધા. હૈયાનો ઉભરો ખાલી થઈ જાય એ ઘણુ જરૂરી છે એ વાત દિશા સારી રીતે સમજતી હતી. ધીરે ધીરે બધા સ્વસ્થ થયા. વાત ને બીજે વાળવા અંબરે દિશા અને સુહાગીને સુચન કર્યું કે “ભાભી તમે બન્ને જણ પણ થોડીવાર મોટેલ પર આવો તો મને ખાસી મદદ મળી રહે. સુહાગી ને બીજી કોઈ પ્રવૃતિ કરવી હોય તોય વાંધો નથી પણ જેમ જલ્દી તમે કોઈ કાર્યમા મન પરોવશો તેમ જલ્દી દુઃખમા થી બહાર આવી શકશો.
ક્ષિતિજ હવે વધુ સમય પોતાના ધંધા મા આપવા માંડ્યો. દિશા એ સુહાગીને ખુશ રાખવા યોગા ક્લાસ શરૂ કર્યા ને સુહાગીને પણ પોતાની સાથે લઈ જવા માંડી. બધા હવે આવનારા બાળક ની કલ્પના કરી ખુશ થતા અને અવનવા પ્લાન કરી જાતને કાર્યરત રાખતા.
પાંચ મહિના સુહાગી ને થયા, દર મહિને ચેક અપ અને જરૂરી વિટામીન લેવાના સુહાગી એ શરૂ કરી દીધા. અમેરિકા મા તો સોનોગ્રાફી મા બાળકની જાતિ વિશે ખબર પડે એટલે જો મા બાપ ની ઈચ્છા હોય તો ડો. જણવી દે, પણ સુહાગી દિશા કે ક્ષિતિજ જાણવા તૈયાર ન હતા. એમને મન બાળક ભગવાન નુ રૂપ, અને દિકરી આવે કે દિકરો એમની એટલી જ આશા કે બાળક સ્વસ્થ આવે.
સુહાગી ની તબિયત અને વજન બધું બરાબર હતું બાળક નો વિકાસ પણ બરાબર હતો એટલે ચિંતાની કોઈ વાત નહોતી.
સુહાગી ની ખાસ મિત્ર ના લગ્ન હતા અને અમેરિકા ના રિવાજ મુજબ લગ્ન પહેલા બધી બહેનપણી સાથે બેત્રણ દિવસ મોજ મસ્તી કરવા ભેગી થવાની હતી.મોના જેના લગ્ન થવાના હતા એ ન્યુ જર્સી રહેતી હતી. આમ તો બધા ને એણે સાન ફ્રાન્સિસ્કો બોલાવ્યા હતા. ત્યાંના એક રિસોર્ટ મા બધી બહેનપણી રહીને ધમાલ કરવાની હતી પણ સુહાગી એની ખાસ સહેલી અને એની સાથે થોડો વધુ વખત રહેવાય એટલે ખાસ આગ્રહ કરી ન્યુ જર્સી આવવા કહ્યું.
દિશા એ જ્યારે આ વાત જાણી તો એણે જ સુહાગી ને આગ્રહ કર્યો ” બેટા આ સારો મોકો છે. તારૂં મન પણ જરા છુટું થશે અને અત્યારે સીઝન પણ સારી છે. હજી સપ્ટેમ્બર ચાલે છે એટલે ઠંડીની શરૂઆત થઈ નથી અને તને પણ પાંચમો મહિનો જાય છે એટલે મુસાફરીમા પણ તકલીફ નહિ પડે.” ક્ષિતિજ પણ વાતમા જોડાયો.”સુહાગી બેટા હવે તો તારી ખુશી મા જ અમારી ખુશી છે. તું જેટલી આનંદિત રહેશે એટલી તારી તબિયત સારી રહેશે ને બાળક પણ તંદુરસ્ત આવશે.”
સુહાગી ની ઈચ્છા દિશા ને ક્ષિતિજને એકલા મુકીને જવાની નહોતી પણ બન્નેના આગ્રહ ને વશ થઈ સુહાગીએ ન્યુ જર્સી જવાનો પ્લાન કર્યો. સ્વયંમ અને અંબર ફોઈએ પણ હૈયા ધારણ આપી અને કહ્યું “તું બેટા જરાય ચિંતા વગર જા, અમે બરાબર કંપની આપશું.”
સપ્ટેમ્બર ૮ ૨૦૦૧ સુહાગી ન્યુ જર્સી જવા નીકળી અને ત્યાં થી ૧૧મી સપ્ટેમ્બરે બન્ને બહેનપણીઓ સવાર ની ૮.૦૦ વાગ્યાની યુનાઈટેડ એર લાઈન્સ ની ફ્લાઈટ નંબર ૯૩ મા સાન ફ્રાન્સિસ્કો જવાના હતા.
દિશા અને ક્ષિતિજ બન્ને સુહાગીને એરપોર્ટ મુકવા ગયા હતા. આખે રસ્તે દિશા જાતજાતની સુચના આપતી રહી. છેવટે થાકીને ક્ષિતિજે કહેવું પડ્યું, “દિશા સુહાગી કાંઈ નાની કીકલી નથી. એ પોતાનુ ધ્યાન બરાબર રાખશે.”
સુહાગી થી છુટા પડતા ન જાણે કેમ દિશાની આંખો ભરાઈ આવી. ઉપરા છાપરી લાગેલા કારમા ઘા નો આઘાત હજી પુરેપુરો ગયો નહતો. ખબર નહિ કેમ જાણે એના મનમા પેલો ભય પાછો જાગૃત થઈ ગયો. સુહાગી જ્યાં સુધી નજર થી ઓઝલ ના થઈ ત્યાં સુધી એકીટશે એને જોયા કરી.
સુહાગી એ ન્યુ જર્સી ઉતરીને તરત ઘરે ફોન કરી દીધો. દિશા નો જીવ જરા હેઠે બેઠો. ઘર એકદમ ખાલી ખાલી લાગતું હતું. સુહાગી બોલકી હતી ને એની વાતો કદી ખુટતી નહિ. સાંજે સ્વયંમ આવ્યો જમીને ત્રણે જણ ચાલવા નીકળ્યા. વાતો નો વિષય સુહાગી જ હતી, ને આવનારા બાળક ની મધુર કલ્પના.
માનવી ધારે છે કાંઈ ને કુદરત કરે છે કાંઇ. ક્ષણમા સુનામી આવી જાય ને નજર સામે ગામ ના ગામ તણાઈ જાય. સપ્ટેમ્બર ૧૧ ૨૦૦૧ અમેરિકાના ઈતિહાસમા માનવી ની પશુતાના એક આતંક રૂપે લખાશે. સવારે છ વાગે મોના ના ઘરે થી નીકળતા સુહાગીએ દિશા ને ફોન કર્યો. અને જણાવ્યું “મમ્મી ચિંતા નહિ કરતા, બસ ૧૪મી સવારે તો હું ઘરે આવી જઈશ. તમને સાન ફ્રાન્સિસ્કો પહોંચી પાછો ફોન કરીશ.” દિશા એ પણ સામે જણાવ્યું. ” બેટા ખુબ મજા કરજો. અહીં ની જરા પણ ચિંતા ના કરીશ.” બસ તું આવી જાય એટલે આપણે અહીં બેબી શાવર ની તૈયારી શરૂ કરશું. બધા દુઃખ ભુલી મારે આ પ્રસંગ મન ભરી ને ઉજવવો છે.
પ્રશાંત કે પ્રિયંકા ના લગ્ન પ્રસંગ ઉજવવાની તો ભગવાને તક ના આપી પણ મારે હવે કોઈ કસર નથી રાખવી.
મોના ને સુહાગી એરપોર્ટ પહોંચ્યા. આમ તો સવાર ની ફ્લાઈટ મોટા ભાગે ફુલ હોય પણ આજે તો માંડ ૩૩ પેસેન્જર હતા. એક કારણ એ પણ હોઇ શકે કે સ્કુલ કોલેજ હમણા જ ચાલુ થઈ હતી અને સાન ફ્રાન્સિસ્કો જેવા ફરવા ના સ્થળે હવે કોઈ ખાસ જાય નહિ.પ્લેન નો ઉપડવાનો સમય તો ૮.૦૦ નો હતો પણ રનવે પર લગભગ ચાલીસ મિનીટ પ્લેન ઊભું રહ્યું. અંતે જ્યારે ઉપડ્યું અને થોડિવારમા પાછું પુર્વ તરફ વળ્યું.
બધા પેસેન્જર વિચારમા પડ્યા. ત્યાં સુધી મા તો ન્યુ યોર્ક ના ટ્વીન ટાવર પર અમેરિકન એર લાઈન્સ અને યુનાઈટેડ એર લાઈન્સ ના બે બોઈંગ વિમાનો અથડાઈ ચુક્યા હતા. નેવાર્ક થી ઉપડેલા પ્લેન ના એક પેસેન્જર ને એની પત્નિ નો ફોન આવ્યો કે ન્યુ યોર્ક મા શું થયું, એણે પ્લેન મા ચીસાચીસ કરી મુકી. પાઈલોટ જે પોતે જ આતંકવાદી હતો એણે પ્લેન મા બોમ્બ છે માટે પાછા જઈએ છીએ એવી વાતો કરી ફ્લાઈટ એટેન્ડન્ટે પણ પોતાની એર લાઈન્સ ને ફોન કરવાની કોશિશ કરી. બિજા ઘણા પેસેન્જરે પોતાના ઘરે ફોન કરવાના પ્રયત્ન કર્યા.
ક્ષિતિજ ને સવારે ટીવી પર બીબીસી ના ન્યુસ જોવા ગમે .એનો રોજનો એ ક્રમ. એણે પહેલું વિમાન ટ્વીન ટાવર ને અથડાતાં જોયું. એક દુર્ઘટના સમજી બહુ વિચાર ના કર્યો. પણ થોડીવારમા બીજું અથડાયું અને એને કાંઈક કાવતરા ની ગંધ આવી. તરત એણે દિશા ને બોલાવી ત્યાંતો ત્રીજું વિમાન પેન્ટાગોન ના બિલ્ડીંગને અથડાયું. બન્ને સ્તબ્ધ બની ટીવી જોઈ રહ્યા. દિશાનો જીવ ઊંચો થઈ ગયો. મનોમન કેટલીય માનતા માની લીધી “હે પ્રભુ! સુહાગી ની રક્ષા કરજે. બસ એ હેમખેમ ઘરે આવી જાય”
ફોન ની ઘંટડી રણકી. બન્નેના હાથને જાણે લકવો મારી ગયો હોય તેમ કોઈ થી ફોન લેવા હાથ લંબાવાયો નહિ. હિંમત ભેગી કરી ક્ષિતિજે ફોન લીધો. સુહાગી નો ભયથી કાંપતો અવાજ સંભળાયો. પપ્પા અમારૂં પ્લેન હાઈજેક થયું છે. સાન ફ્રાન્સિસ્કો ને બદલે ખબર નહિ ક્યાં લઈ જાય છે. અમે ટ્વીન ટાવર પર એટેક થયો સાંભ્ળ્યું પપ્પા અમે નહિ બચીએ.
બસ એ છેલ્લા શબ્દો સુહાગી ના સાંભળ્યા ને લાઈન કપાઈ ગઈ.
પેન્સિલવેનિયા ના શેન્ક્સવિલે કાઉન્ટી ના ખેતરોમા પ્લેન ક્રેશ થયું. ૩૩ પેસેન્જરો ૭ ક્રુ મેમ્બર અને ૪ આતંકવાદી સહિત ૪૪ જણા મોત ને ઘાટ ઉતરી ગયા.
દિશા ને ક્ષિતિજ ની નજર સામે ક્ષણ મા સુહાગી એના બાળક સાથે પ્રશાંત પાસે પહોંચી ગઈ. દિશા બેભાન થઈ જમીન પર પડી ગઈ.
મહિનો વીતી ગયો એ વાત ને. દિશાને ક્ષિતિજ જીવતા શબ ની જેમ દિવસો પસાર કરી રહ્યા.
ક્ષિતિજ-”દિશા ચાલ આપણે ભારત પાછા જતા રહીએ. આ ઘર મને ખાવા ધાય છે. આ અઢળક પૈસો આ નવી જીંદગી શું કામની. બા પણ રોજ ફોન કરી એ જ તો કહી રહ્યા છે. અમેરિકા નો મોહ આવું પરિણામ લાવશે, નહોતું ધાર્યું.”
દિશા-”ક્ષિતિજ તેં તો મારા મન ની વાત છીનવી લીધી. કદાચ ઈશ્વર નો એ જ સંકેત હશે. શા માટે આપણા પર જ આટલું દુઃખ ને આઘાત.”
ઈશ્વર નો એમા પણ કાંઈક આશય હશે. બા ભારત પાછા આવી જવા કહે છે. ત્યાં કદાચ આપણા બાળકો ની યાદમા આપણે કાંઈક પરમાર્થ નુ કામ કરી શકીએ. તુ જેમ બને તેમ જલ્દી ધંધો અને બધું સમેટી લે આ ઘર અંબર બેન ને કે સ્વયંમ જેને જોઈતું હશે એને આપી દઈશું.
બસ જાણે મન પર થી મોટો ભાર ઉતરી ગયો હોય તેમ પહેલી વાર બન્ને ને શાંત નિંદ્રા આવી.
શૈલા મુન્શા તા.૦૨/૦૯/૨૦૨૦
January 15th 2020
અમથું અમથું મલકે,
ને અમથું અમથું છણકે.
વાતમાં કાંઈ હોય નહિ,
ને અમથું અમથું છલકે!
લહેરે લહેરે લહેરાય,
ને સમીર સંગ ઘુમરાય.
વાતમાં કાંઈ હોય નહિ,
ને અમથું અમથું મરડાય!
થોડું થોડું છટકે,
ને થોડું થોડું મટકે.
વાતમાં કાંઈ હોય નહિ,
ને થોડું થોડું લટકે!
તાળીએ તાળીએ ઝીલાય,
ને વલોણે નીત વલોવાય,
હોય દીલડામાં ઘણુય,
તોય નાર સદા મુસ્કુરાય!
શૈલા મુન્શા તા. ૦૧/૧૫/૨૦૨૦
January 9th 2020
સંબંધ વર્ષોનાં બધા ક્ષણમાં વિલાઈ જાય કેવા,
ને પળ મહીં ઋણાનુબંધોથી કદી બંધાય કેવા!
જ્યાંત્યાં મળે અણજાણ લોકો આ જગતમાં અહીં બધે,
પણ તાર દિલોના વળી સંધાય તો સંધાય કેવા!
જીતી જવાની લ્હાયમાં ખોટી ખુમારી દિલે રહે,
પછડાય જ્યાં મોંભર બધા, હાર્યા જુગારી જાય કેવા!
અવહેલના જ્યારે કરે ગુમાનમાં આ માનવી,
ઈશ્વર કરે કઠપૂતળી ચાવી વગર, તો થાય કેવા!
આપે જખમ કોઈ, વેર લેવા સાબદા થાયે સહુ,
બાજી લગાવે જાનની વીરો ભલા, વીસરાય કેવા!
મજબુરી છે કે વાત હૈયાની જબાને આવે ના,
કોણે લખી આ જીંદગી, ભીતર દરદ છૂપાય કેવા!
ના આપશો આશા બધું થાશે બરાબર એ ખુદા,
તૂટે મિનારા આશના, જીવતર એના નંદવાય કેવા!
શૈલા મુન્શા તા.૦૧/૦૮/૨૦૨૦
January 3rd 2020
૧ – ડમરી ઊડી,
નભ ધરતી એક,
છંટાઈ ધુપ!
૨ – તાડના વૃક્ષો
ઊભા કતાર મહીં,
દમામભેર!
૩ -દર્દ છે જુનુ,
વાઘા નવ વર્ષના,
કેમ છુપાય!!!
૪ -આંખો બોલતી,
સિવાઈ ગયા હોઠ,
મૌન ભીતર!
૫ – એકત્રીસ ને,
વરસ બદલાયું,
સમય નહિ!
શૈલા મુન્શા તા. ૦૧/૦૨/૨૦૨૦
November 24th 2019
મારિયા આજે પણ કોઈનો ઊંચો અવાજ ખમી શકતી નથી. આજથી પચાસ વરસ પહેલાની વાત છે, અમેરિકા જેવા દેશમાં પણ સ્ત્રીનું સ્વાતંત્ર્ય એટલું મહત્વનું નહોતું. પુરૂષ કમાય અને સ્ત્રી ઘર સાચવે એજ જીવન હતું. મારિયાનું બાળપણ એવા જ ઘરમાં પસાર થયું હતું. ચાર બહેનો અને બે ભાઈ એવા ઘરમાં મોટા થયા જ્યાં માતા પિતા વચ્ચે કોઈ મનમેળ નહોતો. બાપનો કડપ ઘરમાં એવો કે બધા હમેશા ફફડતા રહે. એટલાન્ટા પાસેના નાનકડા ગામમાં હજી આધુનિક જમાનાની અસર પહોંચી નહોતી. ઘરમાં કમાનાર વ્યક્તિ એક જ અને તે પણ પોતાની મરજીનો માલિક, કામ કરે ના કરે પણ ગુસ્સો નાકની ટોચ પર રહે.
નાનપણથી મારિયાએ પોતાની માતાને બાપના ગુસ્સાનો ભોગ બનતી જોઈ હતી. સહુની હાજરીમાં માર ખાતા જોઈ હતી. મારિયાથી મોટા બે ભાઈઓ અને એક બહેન, નાની બે બહેનો તો ખાસ સમજતી નહિ પણ દસ વરસની મારિયાના મનમાં આક્રોશ વધતો જતો. રવિવારની ચર્ચની સર્વિસ હોય કે ક્રીસમસની મીડનાઈટ પ્રેયર, મારિયાના બાપની સખત મનાઈ! કોઈ તહેવારોમાં બાળકોએ ભાગ નહિ લેવાનો.
સાઠ વર્ષની મારિયા આજે સ્કૂલમાં ડ્રામા થિયેટરની શિક્ષીકા છે. ચુલબુલી હસતી રમતી, બાળકોને વહાલથી સમજાવતી એક જિંદાદીલ વ્યક્તિ! ઈતિહાસ એનો પ્રિય વિષય અને બધા ધર્મો વિશે જાણવાની, વાંચવાની જિજ્ઞાસા અને ઘણુ બધું જાણે પણ ખરી! ગીતા એણે વાંચી નહોતી, પણ કર્માની થીયરી વિશે જાણે અને માને પણ ખરી કે તમારૂં કરેલું તમારે અહિંયા જ ભોગવવાનુ છે.
થોડા દિવસ પહેલા અમે બે ત્રણ શિક્ષકો સામાન્ય વાતચીત કરતા હતા. બાળકો એમના કલર કરવાના કામમાં મશગુલ હતા. પુનઃજન્મની વાત ચાલતી હતી. મારિયા પોતાની માની વાત કરતી હતી, મરતા પહેલા એની માના આખરી શબ્દો હતા, “મારો હાથ છોડતી નહિ, ઘબરાતી નહિ, મારા ગયા પછી પણ મારો આત્મા ત્યાં હોસ્પિટલ રૂમના છત પરથી તને જોતો રહેશે”
અચાનક મારિયાના મોઢેથી શબ્દો સરી પડ્યા, “my brother killed my father” મારા ભાઈએ મારા પિતાનુ ખૂન કર્યું. અમે બધા એકદમ સ્તબ્ધ થઈ ગયા.
મારિયાના માતા પિતાની ૨૫મી લગ્ન જયંતિનો દિવસ હતો, એ દિવસે પણ પિતાનો ગુસ્સો બેકાબુ બન્યો અને પોતાની પત્નિ પર હાથ ઉપાડ્યો.આટલા વર્ષોનો ગુસ્સો, નફરત, ક્રોધને આંખમાં આંસુ સાથે માના મોં મા થી શબ્દો નીકળ્યા, “કોઈ આને મારી નાખે તો સારું” પંદર વર્ષનો માઈકલ દોડ્યો, પિતાની ગન લઈ આવ્યો, ધાંય ધાંય ત્રણ ગોળી પિતાની છાતીમાં ધરબી દીધી. બોલતા બોલતા મારિયા ચોધાર આંસુએ રડી પડી.
પચાસ વર્ષથી છાતીમાં ધરબાયેલો લાવા વિસ્ફોટ બનીને ઉભરાઈ ગયો. હળવાશ અનુભવતી મારિયા બોલી, આ વાત આજ સુધી મેં કોઈને કહી નહોતી. મારું કુટુંબ આખું તિતરબિતર થઈ ગયું, ગામ છોડી અમે દાદીને ત્યાં ગયા, મારા ભાઈ બહેનો ફોસ્ટર પેરેંટ્સ પાસે ઉછર્યા.એક ભાઈ જેલમાં ગયો, બીજો ડ્રગ્સના રવાડે ચઢી ગયો. નસીબે મને સારા કુટુંબમાં મોકલી અને મેં ભણવામાં મન પરોવ્યું.
કોલેજમાં રોજર સાથે મૈત્રી થઈ અને ચાર વર્ષના સંવનન પછી અમે પરણ્યા. થોડા જ વખતમાં મને ખ્યાલ આવી ગયો કે લગ્ન પહેલાના રોજરમાં અને લગ્ન પછીના રોજરમાં આસમાન જમીનનો તફાવત છે. થોડા વર્ષો તો નિભાવ્યું પણ જે દિવસે રોજરે મને ઊંચા અવાજે ગાળો ભાંડીને મારા પર હાથ ઉપાડ્યો, મેં એને છોડી દીધો.
મારી માની જિંદગીનુ પુનરાવર્તન મારી જિંદગીમા હું નહોતી કરવા માંગતી.
મારિયા આજે પણ કોઈનો ઊંચો અવાજ ખમી શકતી નથી.
શૈલા મુન્શા તા.૧૧/૨૩/૨૦૧૯
November 16th 2019
ખોવાયું બાળપણ!!
ગિલ્લી દંડા ગયા ક્યાં ખોવાઈ?
ને ઉભો ખો તો ગયો સાવ બેસી,
લંગડી તો થઈ ગઈ સાવ લંગડી,
ને છુપન છુપાઈ તો બસ ગઈ છુપાઈ!
બાળપણ જે માણ્યું અમે, મિત્રોની સાથ,
ગાંઠ એ દોસ્તીની રહી મજબૂત આજ!
પડે નિશાળમાં રજા, ને જામતી મહેફિલ,
ક્યાં થાતા બપોરાં, ને કોને ત્યાં રાત?
મમ્મી ક્યાં રહેતી કોઈ એકની ક્યારેય,
જમવા ટાણે બેસતી મિત્રોની લંગાર,
બની ગયો એ જમાનો ઈતિહાસ આજે,
ઉન્નતિને પ્રગતિ કે વિજ્ઞાનની હરણફાળ!
ભુલાવી મિત્રો, આપે આઈપેડનો સાથ,
બધું આવડે, હો ગુગલનો જયજયકાર!
આ વોટ્સેપ ને ફેસબુક શું આવ્યું?
ને સમાયું ફોનમાં જ જગત આખું!
મેદાનમાં બોલ ઝીલતી આંગળીઓ,
હથેળીના નેટ પર દોડતી થઈ ગઈ!
વહેંચીને ખાવાની વાત ગઈ ભુલાઈ,
મારું ને મારામાં જ દુનિયા ગઈ સમાઈ!!
શૈલા મુન્શા તા ૧૧/૧૬/૨૦૧૯
September 30th 2019
ધીરજરાય પાતળો બાંધો અને નિરોગી શરીર. બધા સાથે હસીને વાત કરે, બિલ્ડીંગમાં કોઈને મદદની જરૂર હોય તો ધીરજરાય સહુ પહેલા હાજર થઈ જાય. સ્વભાવના મોજીલા પણ પોતાની જાત માટે જ.લોકોમાં એમની છાપ મસ્તમૌલા માણસની. તક મળીને મુંબઈ થી સીધાં લંડન પહોંચી ગયા. ગરમી ઠંડી બરફની પરવા કર્યાં વગર સતત કામમાં મશગુલ. મુંબઈની જેમ લંડનમાં પણ ટ્રેનમાં કામે જતાં ઘણા મિત્રો બનાવી લીધા. સુરેખા એમની પત્નીના સાલસ સ્વભાવે એક મકાનને ઘર બનાવ્યું હતું.સંબંધોની સુવાસ ચારેતરફ ફેલાવી હતી, ફક્ત ધીરજરાયને એની કોઈ કિંમત નહોતી.
સુરેખાનો સ્વભાવ પહેલેથી નરમ. ચુપચાપ બાળકો ને ઘરની જવાબદારી ઉપાડી લીધી. બાળકો કયા ધોરણમાં ભણે, કેવું રીઝલ્ટ આવે એની ધીરજરાયને કોઈ ચિંતા નહોતી. હાથીના જાણે દેખાડવાના અને ચાવવાના દાંત જુદા હોય એમ ધીરજરાયનુ વ્યક્તિત્વ બહાર અને ઘરમાં સાવ જુદું.નામ પ્રમાણેનો એક ગુણ જાણે જોવા ના મળે ઘરના સભ્યોને.
બાળકોએ ફક્ત પપ્પાનો ગુસ્સો અને મમ્મી પર હુકમ ચલાવતાં જ હમેશા જોયા હતા. જમવાનુ જરા ઠંડુ થઈ ગયું તો થાળીનો છુટ્ટો ઘા થાય. સુરેખા કાંઈ કહેવા જાય તો ચીસાચીસ કરી સુરેખાને ડારી દે. બાળકો મોટા થતાં ગયા. મોટી દિકરીએ પોતાના મનગમતા છોકરાં સાથે કોર્ટ મેરેજ કરી લીધાં અને પોતાનો સંસાર વસાવી લીધો. મોટો દિકરો અમેરિકાથી આવેલ છોકરીનો છેડો પકડી અમેરિકા ભેગો થઈ ગયો. નાનો ફક્ત મા ના પ્રેમને કારણે પરણીને પણ મમ્મી પપ્પા સાથે રહ્યો, પણ બાપ દિકરા વચ્ચે બોલવાના સંબંધ નહિ.
સુરેખા નુ બોલવાનુ ઓછું થતું ગયું પણ મનમાં એક તિરસ્કારની ઈંટ પથ્થર વગરની દિવાલ ચણાતી ગઈ અને એનુ ભારણ એટલું વધી ગયું કે સુરેખાને એટેક આવ્યો. તાત્કાલિક સારવારને લીધે જીવ તો બચી ગયો પણ શરીરમાં નબળાઈ આવી ગઈ. છાતીમાં કાયમ દુખાવોને બેચેની રહે. ડોક્ટરોને કેટલીવાર બતાવ્યું પણ માનસિક તકલીફ સિવાય કાંઇ નથી એવો જ જવાબ ડોક્ટરો પાસે થી મળતો. આવી સ્થિતીમાં પણ ધીરજરાયના સ્વભાવમાં કે જોહુકમીમાં કોઈ ફરક નહિ.
અચાનક સ્વસ્થ નિરોગી એવા ધીરજરાયનુ ઊંઘમાં જ અવસાન થયું
સુરેખા શાક સમારતાં સમારતાં સામેની દિવાલ પરના કરોળિયાના જાળાંને જોઈ રહી હતી. તાંતણો તાંતણો ખેંચીને જાળું બનાવ્યું હતું. કેટલું સફાઈદાર કામ. સુરેખાએ પણ એમ જ પાઈ પૈસો ભેગો કરી એક મકાનને ઘર બનાવ્યું હતું, પણ એ ઘરમાં સંબંધોની સુવાસ નહોતી.
આજે એ ઈંટ પથ્થર વગરની દિવાલ જમીનદોસ્ત થઈ ગઈ હતી અને સુરેખા દુખાવો બેચેની ક્યાંય ગાયબ થઈ ગયા હતા.
રહળવી ફુલ સુરેખા મુકત મને ગણગણી રહી!
“पंछी बनु उडती फिरूं मस्त गगनमें,
आज मैं आझाद हूं दुनियाकी चमनमें”
શૈલા મુન્શા તા. ૯/૩૦/૨૦૧૯
September 16th 2019

જિંદગાનીની કહાની વિખરાઈ જાય છે,
તે છતાં યાદો કદી ક્યાં વિસરાઈ જાય છે!
ફૂલ લાવી ગોઠવો મોંઘા, સજાવો કેટલા,
આંગણાની ફૂલવારી કાં ભુલાઈ જાય છે?
વાદળોની પાર મોતી તારલાંઓ ટમટમે,
હેત તોય, ચંદ્રમાં પર ઊભરાઈ જાય છે!!
લાખ સંતાડે કપટથી માનવી જ્યાં પાપને,
જાત માણસની સદાએ ઓળખાઈ જાય છે!
હાથ આવે ના કદી બાજી, જે હારી દાવમાં,
તોય આશા જીતવાની, શું રખાઈ જાય છે!!
બિરદાવે ખૂદને, સમજી કુશળ ને હોંશિલો,
પણ વખત આવે, હમેશા ભોળવાઈ જાય છે!
જિંદગીને મોત ક્યાં બંધાય છે મુઠ્ઠી મહીં,
જે પળે જે થાય, એવું જીરવાઈ જાય છે!
શૈલા મુન્શા તા. ૦૯/૧૫/૨૦૧૯
September 14th 2019
કાગડા એ ખાધી ખીર, સહુએ કર્યાં યાદ પૂર્વજોને,
વિચારે કાગડો કેમ કરૂં યાદ હું પૂર્વજો ખુદના,
કરી એક દિવસ પૂજા, પ્રભુની, ને મળી ગયું પુણ્ય,
બાકીના દિવસોએ પાપ કરવાની પાવતી મળી જાય!!
ખુદ લોકો જ આપે છે હવા પાખંડીઓને જ્યાં,
ધુતારા ફાવી જાય તો નિઃસાસા કેમ નંખાય છે?
ગર્ભમાં ખુદ કરો વિનાશ અણજન્મી બાળકીનો
ને મંદિરોમાં મા અંબાનો જયજયકાર થાય છે!!
વિસર્જિત કરી દઈએ બાપ્પાને ધામધૂમથી સાગરમાં,
મંડાય મોકાણ પર્યાવરણની એની શી ચિંતા સમાજને!!
માણસાઈ જ ધર્મ, અને વિશ્વ એ જ કુટુંબ સાચું,
અમલમાં મુકવાની કરો શુભ શરુઆત આજથી.
આપો સંસ્કાર એ જ ગળથૂથી થી નવી પેઢીને,
કરો નવનિર્માણ બનાવી વસુંધરાને સ્વચ્છ સુંદર!!
શૈલા મુન્શા તા. ૦૯/૧૪/૨૦૧૯