સંભારણું – ૬
પાયાકેળવણી અને કેળવણીનો પાયો. કેળવણીની વાત કરીએ તો સાથે કર્તા પણ આવે અર્થાત કેળવણી આપનાર, અધ્યાપક, શિક્ષક; સાદી ભાષામાં કહીએ તો ગુરૂ.
જન્મભૂમિ પ્રવાસી મુંબઈના સમાચાર પત્રમાં તા.૧૪/૧૧/૨૦૨૧ એ શ્રી ઈન્દુબહેન પટેલ મારા શાળા જીવનના પ્રિન્સિપાલ માટે છપાયેલ લેખ આ સંભારણું લખવામાં નિમિત્ત છે, જોગાનુજોગ આજનો દિવસ ભારતમાં બાળદિન તરીકે ઉજવાય છે અને અમ બાળકોના જીવનમાં જન્મદાત્રી, તેનો પરિવાર અને ત્યારબાદનું ઘડતર નિશાળમાં થાય, એ શાળાના આજીવન શિક્ષિકા, પ્રિન્સિપાલ ઈન્દુબહેન વિશે વિસ્તારપૂર્વક લેખ છાપાંમાં આવે એનાથી વધુ બાળદિનની ઉજવણી બીજી કઈ હોઈ શકે!!!!
કલ્યાણી અને અલકા અમારી શાળાની સહપાઠી, છેલ્લાં ત્રણ મહિનાથી એક લેખ લખવાનો મનસૂબો કરી રહ્યાં હતાં, અને એ લેખ હતો અમારી શાળાના પ્રિન્સિપાલ, અમારાં સહુના માર્ગદર્શક ઈન્દુબહેન પટેલ. ભારત સ્વતંત્ર થયું એ અરસામાં વિલે પાર્લે પૂર્વમાં નાનકડી ગલીમાં આવેલી ગુજરાતી માધ્યમની શાળા. નામ એનું શ્રી નવસમાજ મંડળ સેકેંડરી હાઈસ્કૂલ. શરૂઆતમાં આ શાળા ચૈતન્ય બાળમંદિરના નામે ઓળખાતી. અમારા માટે એ ખૂબ જ ગૌરવની વાત છે કે આ શાળાનું ઉદઘાટન ભારતના તે સમયના ઉપરાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના વરદ હસ્તે થયું હતું. ઈન્દુબહેન શરૂઆતનાં વર્ષોથી જ શાળામાં જોડાયેલાં અને આજીવન શાળા સાથે સંકળાયેલા રહ્યાં. કેટકેટલાં ઉમદા શિક્ષકોએ અમારા ઘડતરમાં અગત્યનુ યોગદાન આપ્યું છે, એ સહુ મોતીઓને એક સૂત્રે સાંકળનાર એવું વિલક્ષણ મોતી એ અમારી શાળાનાં પ્રિન્સિપાલ ઈન્દુબહેન પટેલ.
અત્યારે ઈન્દુબહેન ૧૦૦ વર્ષ પૂરા કરી ચૂક્યાં છે, આજની તારીખે પણ એમની સાથેની પ્રત્યેક મુલાકાતમાં તાજગીનો અનુભવ થાય. કોઈ પ્રકારની ફરિયાદ નહિ, કોઈ અપેક્ષા નહિ, પોતે સંપૂર્ણ સ્વસ્થ. જ્યારે મળીએ ત્યારે ઉમળકાભેર આવકારે, અને ભાવભીનાં આદર સત્કારથી નવાજે. એમના નિખાલસ ચહેરા પર મંદ સ્મિત હમેશા હોય જ. જીવન જીવવાનો અભિગમ એમની પાસેથી શીખવા જેવો. આવી વિલક્ષણ વ્યક્તિએ કરેલા અથાક પરિશ્રમ અને નિઃસ્વાર્થ ત્યાગની સાધના દ્વારા અમારી કેળવણીનો પાયો મંડાયો હતો.
ઈન્દુબહેન દરેક વિધ્યાર્થીને વ્યક્તિગત રીતે ઓળખે. કોના કુટુંબમાં કેટલાં સભ્યો છે, ઘરની શું પરિસ્થિતિ છે, એ બધાથી વાકેફ રહેતાં.
મારા માટે ૨૦૧૮ની મારી ભારત યાત્રા એક વિશેષ સંભારણા જેવી બની ગઈ હતી. સહુથી વધુ મારો મહાઆનંદ વડીલ શ્રી ઈંદુબેન પટેલ મારા પ્રિન્સિપાલને મળવાનો. ત્રાણુ વર્ષની વયે એજ એકવડો બાંધો, ટટાર શરીર અને એ જ ખાદીના વસ્ત્રો. તેમના પિતાશ્રી સ્વ. જયસુખલાલ પટેલ ગાંધીજીના વિચારોથી પ્રભાવિત ખાદીધારી વ્યક્તિ. એમણે પોતાની લાડકી દીકરીને સંપૂર્ણ પીઠબળ આપેલુંં. આજીવન અવિવાહિત રહીને ઈન્દુબહેને કેળવણીના ક્ષેત્રમાં યોગદાન આપવાનું અને જીવનભર ખાદીના વસ્ત્રો અંગીકાર કરવાનું નક્કી કર્યું ત્યારે પિતાનો સંપૂર્ણ સહકાર મળેલો.
મુંબઈના વિલે પાર્લે પરાંમા વર્ષોથી એ જ મકાનમાં એમનો નિવાસ. સાદગીભર્યું જીવન,અપરણિત અને આજે પણ એકલા રહી પોતાની દૈનિક ક્રિયા બધું જાતે જ કરે છે.
મેં એસ.એસ.સી ૧૯૬૭માં પાસ કર્યું. મારી શાળા ચૈતન્ય બાળમંદિરમાંથી વિકાસ પામી માધમિક શાળા બની ગઈ. અમારી શાળામાં દર વર્ષે ત્યારે એક ક્લાસ વધારવામાં આવતો અને અમારો એસ.એસ.સી.નો બીજો ક્લાસ હતો. ૧૯૬૭ પછી ઈન્દુબહેનને મળવાના અવસર ઓછાં થતાં ગયાં, પણ એમણે જે સાહિત્યનો રંગ અમને લગાડ્યો એ મારા માટે આશીર્વાદ બની ગયો. મને બરાબર યાદ છે સાતમા ધોરણની શરૂઆતમાં અમને શ્રી કનૈયાલાલ મુન્શીની નવલકથા “પાટણની પ્રભુતા” વાંચવાનુ કહ્યું હતું અને બધા વાંચે એટલા માટે વાર્ષિક પરિક્ષામાં એ નવલકથામાંથી વીસ માર્કનો સવાલ પૂછશે એવી જાણ કરી હતી.
એ ઉમદા સાહિત્યના વાંચને મારામાં વધુ સારા પુસ્તકો વાંચવાની તલપ જાગી. આમ પણ નાનપણથી નિંબંધ સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધામાં ઘણા ઈનામ મળ્યાં હતાં અને અમેરિકા આવ્યા પછી થોડી સમયની મોકળાશે લેખનકાર્ય પણ શરૂ થયું. ભારતમાં શિક્ષિકા હતી અને અહીં આવ્યા પછી પણ શિક્ષિકા જ રહી, ફરક એટલો કે અહીં દિવ્યાંગ બાળકો સાથે કામ કર્યું. એ બાળકોના નિર્દોષ તોફાનો, એમની તકલીફો પર નાના રોજિંદા પ્રસંગો લખવાનુ શરું કર્યું અને પછી એ “બાળ ગગન વિહાર” પુસ્તક રુપે પ્રસિધ્ધ કર્યું. એ પુસ્તકની પ્રસ્તાવનામાં મેં ખાસ ઈન્દુબહેનનો ઉલ્લેખ કર્યો છે કે એમની પ્રેરણાએ જ મને ઉમદા સાહિત્ય વાંચની ટેવ પડી અને આગળ જતાં મારા લખાણમાં પ્રગતિ થતી રહી.
મેં “બાળ ગગન વિહાર” પુસ્તક ઈન્દુબહેનને મોકલાવ્યું હતું, જ્યારે હું ૨૦૧૮માં એમને મળી ત્યારે આટલા વર્ષો પછી પણ ઈન્દુબહેનને હું, મારા ઘરના સહુ, અમારી વિશેષતા યાદ હતી. નાની વયે માતા પિતાની છત્રછાયા ગુમાવી, મમ્મીની રસોઈના વખાણ અને મારી નાની બહેન પારુલ બધાના સમાચાર વિગતવાર પૂછ્યાં. મારા અમેરિકાના દિવ્યાંગ બાળકો પર લખેલા પ્રસંગોનુ પુસ્તક એમણે વાંચ્યું હતું અને મારી પ્રવૃતિથી એ ખુબ જ ખૂશ હતા. ઘણી વાતો કરી અને એ મારા જીવનનું એ અમૂલ્ય સંભારણું છે.
૨૦૧૮માં અમે બધા ૧૯૬૭ના S.S.C batch ના મિત્રો મળ્યા. ઘણાને હું પચાસ વર્ષે મળી. જુની યાદો ક્લાસમાં કરેલી ધમાલ મસ્તી, જાણે બાળપણ પાછું આવી ગયું. કેટલા સંભારણા અને કેટલીય વાતો લખતાં ખુટે એમ નથી.
પ્રભુ કૃપાથી ૨૦૧૮ની સફર ખુબ આનંદદાયક રહી. વરસાદે પુરી રહેમત રાખી, ક્યાંય અટકવા ના દીધી, તબિયતે પુરો સાથ આપ્યો. દશ વર્ષ પછી વતનની ધરતી પર પગ મુક્યો અને પુરા પ્રેમથી આપ્તજનોથી માંડી મિત્રોએ હરખભેર પોતાની બનાવી દીધી. એવું લાગ્યું હું જાણે અહીં જ છું, ક્યાંય ગઈ નથી, ક્યાંય ગઈ નથી!!
જન્મભૂમિના લેખે કેટલાં સ્મરણ તાજા કરાવી દીધાં. ઈન્દુબહેનના હાથ નીચે કેટલાય વિધ્ધાર્થીઓ તૈયાર થયા હશે પણ એમણે કોઈ પર હાથ ઉપાડ્યો નથી અને જ્યારે મેં એમને મારા ભારતના મારા હાથ નીચે ભણી ગયેલા ૧૯૮૫, ૧૯૮૭ના વર્ષના વિધ્ધ્યાર્થીઓએ મારા સન્માનમાં મોટા પાયે આયોજન કરેલાં મેળાવડાની વાત કરી અને જે આદરપૂર્વક એ સહુ આજે પણ યાદ કરે છે એ જાણી તો એ એટલાં ખૂશ થઈ ગયાં કે મારો ખભો થાબડી કહે “વાહ તેં એક શિક્ષિકા તરીકે આજે મારું પણ ગૌરવ વધારી દીધું”
મારી ૨૦૧૮ની ભારતયાત્રા મારા માટે અમૂલ્ય સંભારણું બની ગઈ છે. જે ઊર્જાથી ઈન્દુબહેને અમને સિંચ્યા હતાં તેનું આજ મૂળસ્ત્રોત, અમારી કેળવણીનો પાયો વર્ષો પહેલાં નંખાયેલો, પરંતુ પાયાની એ કેળવણીનો રંગ અમે વર્ષો પછી પારખ્યો.
ખૂબ આભાર કલ્યાણી અને અલકાનો. એમના લેખમાંથી ઘણી માહિતી મેં મારા લેખમાં લીધી છે.
અસ્તુ,
શૈલા મુન્શા તા. ૧૪ નવેમ્બર ૨૦૨૧