December 11th 2013

બ્રીટની

ત્રણ વર્ષની બ્રીટની થોડા દિવસ પહેલા ક્લાસ મા આવી. સાવ નાનકડી, કાંડુ તો એટલું નાજુક કે કાનમા પહેરવાની કડી જરા મોટી હોય તો બંગડી ની જેમ હાથમા આવી જાય. એની નાની બેન એના કરતાં મોટી લાગે. પહેલા દિવસથી જ હળી ગઈ રડવાનુ નામ નહિ. હા જરા ચુપ ચુપ રહી પણ એકાદ બે દિવસમા બરાબર ગોઠવાઈ ગઈ.મા ને બાપ બન્ને મુકવા આવે. મા જરાય અંગ્રેજી ના બોલે બાપને સમજાય એટલું આવડે.
બ્રીટની ક્લાસ ના બધા નિયમ નુ પાલન ઝડપથી કરવા માંડી. પહેલે દિવસે જ એને બાથરૂમ લઈ જતા મે જ્યારે એનુ પેટ જોયું ત્યારે જ મને કાંઈક જુદું લાગ્યું. આંતરડાં જાણે ગણી શકાય. મે મીસ સમન્થાને તરત બોલાવી દેખાડ્યું પણ બીજી કોઈ તકલીફ ના જણાઈ. થોડા દિવસમા બ્રીટનીબેન ક્લાસના રંગે રંગાઈ ગયા. તોફાની ડેનિયલ ને ડુલસે ની સોબતમા થોડા તોફાન મસ્તીમા ભાગ લેવા માંડી.ડેનિયલ ની સોબતે મને તરત મુન્શા મુન્શા કરી બોલાવવા માંડી, અને થોડી થોડીવારે મમ્મી આવશે નો રાગ આલાપવા માંડી.
ચાર પાંચ દિવસ પહેલા મીસ સમન્થાની માબાપ તથા નર્સ, સાયકોલોજીસ્ટ C.P.S.(child protection service) બધા સાથે મીટિંગ હતી.અમારા ક્લાસમા જ્યારે પણ નવું બાળક આવે ત્યારે આ બધી વિધી થતી હોય. અમેરિકામા પેપર વર્કનુ જબરું તૂત છે.જાતજાતના રેકોર્ડ અમારે સાચવવાના હોય.મીટિંગ પતીને મીસ સમન્થા ક્લાસમા આવી મને કહે મીસ મુન્શા બ્રીટની નુ આપણે ખાસ ધ્યાન રાખવાનુ છે. મને કાઈ સમજ ના પડી તો કહે “બ્રીટની લિવર ટ્રાન્સપ્લાન્ટ ના waiting list પર છે.” હું તો સ્તબ્ધ જ બની ગઈ. એટલું જ નહિ એનુ વજન ઘટી રહ્યું હતું એટલે એને ચોક્કસ આહાર આપવાનો હતો જેમા ૨૪ ગ્રામ પ્રોટીન દરરોજ એના શરીરમા જવું જોઈએ. માબાપને સ્વાભાવિક જ બ્રીટની ની ઘણી ચિંતા હતી એ બિચારા બધું કરવા તૈયાર હતા પણ C.P.S.એમને ધમકી આપતું કે વજન નહિ વધે તો બ્રીટની નો કબ્જો અમે લઈ લેશું. મા એટલી બધી ગભરાયેલી લાગતી હતી.બ્રીટની નુ શું થશે એ ચિંતા તો સ્વભાવિક જ હતી ઉપરાંત આ બધી કાયદાને કાનૂનની વાતો મા એને બહુ સમજ ના પડતી.
માબાપ તરત પ્રોટીન પાવડરનો ડબ્બો લઈ આવ્યા અને સ્કુલમા આપી ગયા અને અમારે દિવસમા ત્રણ વાર બબ્બે ઔંસ પાવડર પાણીમા ભેળવી આપવાનો.
પહેલે દિવસે જ જ્યારે બ્રીટની ને પ્રોટીન પાવડર વાળું પાણી આપ્યું તો એણે જરાય પીધું નહિ. મીસ સમન્થા એ જરા ચાખી જોયું તો મને કહે ” મીસ મુન્શા આનો સ્વાદ એટલો ખરાબ છે કે મારા ગળે ન ઉતર્યું તો બ્રીટની કેવી રીતે પીવાની છે?” શું કરીએ અને કેમ કરીએ એનો વિચાર કરતાં મને એક વાત સુઝી. મે સમન્થાને કહ્યું “આપણે એને દહીં મા ભેળવીને આપીએ.” અહિં અમેરિકા મા જાતજાતની ફ્લેવર વાળા તૈયાર દહીં ના નાના કન્ટેનર મળતા હોય છે.સ્કુલમા પણ સવારના નાસ્તામા દહીં ની નાની ડબ્બીઓ બાળકોને આપવામા આવે.
બીજે દિવસે એમા પાવડર ભેળવી બ્રીટની ને આપ્યો. જાતે તો એણે ખાવાનો પ્રયાસ ન કર્યો પણ મે એને બાજુમા બેસાડી એક એક ચમચી કરી પુરું કરાવ્યું. દિવસમા બે વાર આવી રીતે ખવડાવી બને એટલો પ્રોટીન પાવડર એના શરીરમા જાય એનો પુરો પ્રયત્ન અમે કરીએ છીએ. બ્રીટની ની મા એટલી આભારવશ બની ગઈ. એને બિચારીને બીજા કયા પર્યાય હોઈ શકે બ્રીટનીને પ્રોટીન પાવડર ખવડાવવાના એની સમજ નહોતી. મીસ સામન્થા પણ નવાઈ પામી ગઈ. મને કહે “ખરેખર મીસ મુન્શા તારા અનુભવ અને આટલા વર્ષો બાળકો સાથે કામ કરવાથી તું કોઈપણ સમસ્યા નો ઉકેલ જલ્દી લાવી શકે છે.”
હમેશ ફક્ત શિક્ષકના જ નહિ પણ એક ભારતીય મા ના અનુભવ પણ કામ લાગે છે એની સમન્થાને ખબર નહોતી. બાળકો ને ન ભાવતી વસ્તુ પણ કેવી રીતે સ્વાદિષ્ટ કરી ખવડાવવી એ માટે પુસ્તકનુ નહિ પણ અનુભવનુ જ્ઞાન કામ લાગેછે.
બસ અમારી બ્રીટની જલ્દી સ્વસ્થ બને અને તંદુરસ્તી ભર્યું જીવન જીવે એજ પ્રાર્થના સહિત,
અસ્તુ.

શૈલા મુન્શા તા. ૧૨/૧૧/૧૩

December 3rd 2013

એ.જે.

આજ નો દિવસ, મારા અને મીસ સમન્થા માટે હૈયામા ટીસ ઉત્પન કરનારો બની રહ્યો.
પાંચ દિવસના થેંક્સ ગીવિંગ વેકેશન (અમેરિકામા ઉજવાતો સર્વ પ્રત્યે આભાર પ્રગટ કરવાનો ઉત્સવ) પછી આજે સ્કુલે જવાનો જ કંટાળો આવતો હતો પણ થોડા દિવસમા નાતાલની બે અઠવાડિયાની રજા પડશે એને યાદ કરતાં સ્કુલે જવા તૈયાર થઈ. સ્કુલમા બધા એકબીજાને રજાની મજા વિશે વાત કરતાં હતા.
અમારા ક્લાસમા હાલ ૧૧ બાળકો છે પણ ૭.૩૦ સુધી કોઈ આવ્યું નહિ એટલે હું ને સમન્થા મજાક કરતા હતા કે ચાલો આજે તો આપણે જ આ બધો નાસ્તો કરવાનો છે ત્યાં તો એક બાજુ બસ નુ હોર્ન વાગ્યું અને બીજી બાજુ એ.જે. ની મા એને લઈને ક્લાસમા આવી.થોડા વખતથી એ.જે.ના મા બાપના સંબંધ મા સુમેળ દેખાતો હતો. સાથે તો નહોતા રહેતા, પણ ક્યારેક શનિ-રવિ એ.જે મા પાસે રહેતો અને સોમવારે સવારે મા એને સ્કુલમા લઈ આવતી.મા એ પોતાની નાદાનિયતમા એ.જે ને જ્યારે જમીન પર પછાડ્યો ત્યારે એ.જે. બે વર્ષનો હતો. માને એને માટે જેલ પણ થઈ હતી અને એ.જે. ની કસ્ટડી પિતા પાસે હતી.
એ.જે ના પિતાએ આ જવાબદારી ખુબ પ્રેમ અને નિષ્ઠાપુર્વક ઉપાડી લીધી હતી. શાળાની પિકનીક પર જવાનુ હોય તો એ હાજર, એ.જે ની તબિયત થોડી ખરાબ હોય અને ફોન કરીએ તો પંદર મીનિટ મા એને લઈ જવા હાજર. પેરેન્ટ-ટીચર કોન્ફરન્સ હોય તો હાજર. ઊંચા પહોળા અને વજન પણ ખાસું. હમેશ નરમાશ અને વિવેકથી વાત કરે અને અને અમારો એટલો આભાર માને કે જાણે એ.જે. માટે અમે શું નુ શું કરી નાખ્યું હોય.
આજે જ્યારે એ.જે. ની મા એને સ્કુલમા લઈને આવી ત્યારે હું બસમા થી અમારા બાળકોને ઉતારતી હતી. બાળકોને લઈને ક્લાસમા આવતા મે ડ્રાઈવરને કહ્યું પણ ખરૂં કે એ.જે. રજામા એની મમ્મી પાસે રહ્યો લાગે છે એટલે આજે એ લઈને આવી.
ક્લાસમા દાખલ થઈ તો એ.જે.ની મા ની આંખમા ઝળઝળિયાં અને સમન્થા સ્તબ્ધ ઊભી હતી. એ.જે. ના પિતા અઠવાડિયા પહેલા વહેલી સવારે ઊંઘમા જ અવસાન પામ્યા હતા. એ.જે. એકલો ઘરમા.નસીબજોગે મા એ રજા મા શું કરવું છે તે પુછવા એ.જે.ના પિતાને ફોન કર્યો. વારંવાર ફોન કરવા છતાં જ્યારે સામેથી કોઈ જવાબ ન મળ્યો ત્યારે ગભરાઈ ને એણે એપાર્ટમેન્ટની ઓફીસમા ફોન કર્યો અને વિનંતી કરી કે મહેરબાની કરી દરવાજો ખોલી જુવો કે બધું બરાબર છે કે નહિ? પછી તો પોલીસ બોલાવી એમની હાજરીમા દરવાજો ખોલ્યો ત્યાં સુધીમા સાંજના પાંચ વાગી હતા અને એ.જે.બાથરૂમના દરવાજા પાસે જમીન પર પડ્યો હતો.
પિતાની બાજુમા સુતેલો બાળક શું બની ગયું એનાથી અજ્ઞાત, ક્યારે સરકી જમીન પર આવ્યો અને આટલા કલાકો શું વિત્યું એના પર એ તો ભગવાન જ જાણે. હવે શું થશે એ પણ ખબર નથી. મા પાસે બાળકની કસ્ટડી નથી, હાલમા તો એ.જે. મા પાસે છે પણ કાલની કોને ખબર.
આજની સવાર આ સમાચાર લઈ આવશે એની કોઈને ખબર નહોતી.સમન્થા અને હું આઘાત માથી બહાર આવવાની કોશિશ કરી રહ્યા હતાં.
એ.જે. મા ફક્ત એક જ ફેરફાર દેખાતો હતો. આજે એ જે એની પાસે આવે એનો હાથ સખત રીતે પકડી જાણે સુરક્ષિતા ને હુંફ માટે ફાંફા મારતો હોય એવું એવું લાગતું હતું. હમેશનો હસતો અને સહુને હાયને બાય કહેતો અણસમજુ એ.જે. શાંત બની ગયો હતો.

શૈલા મુન્શા. તા.૧૨/૦૨/૨૦૧૩

October 28th 2013

એમી

એમી હવે તો સાત વર્ષની થઈ. મને યાદ છે જ્યારે એ ત્રણ વર્ષની હતી અને મારા ક્લાસમા આવી ત્યારે એનો રૂવાબ જોવા જેવો હતો. એ જાણે અમારા બધાની બોસ હતી. નાનકડી અમથી પણ જમાદાર. રમતિયાળ હસમુખી પણ ધાર્યું ન થાય તો ગુસ્સો જોવા જેવો.
ખરેખર તો એના જાતજાતના તોફાનો અને બાળ સહજ કરતુતો એ મને રોજીંદા પ્રસંગો લખવા પ્રેરણા આપી અને આજે તો એ રોજીંદા પ્રસંગો “બાળ ગગન વિહાર” પુસ્તક રૂપે પ્રસિધ્ધ થયા છે.
હું માનસિક રીતે પછાત બાળકો સાથે કામ કરૂં છું પણ બધા બાળકો એ શ્રેણીમા ના આવે. ઘણાની વાચા પુરી રીતે ખુલી ન હોય અથવા ઘણા “Autistic” બાળકો હોય જે દરેક વસ્તુ અમુક પધ્ધતિસર કરવા ટેવાયેલા હોય અને એમા બદલાવ આવે તો એમનો ગુસ્સો સંભાળવો મુશ્કેલ થઈ પડે. આ બાળકો ત્રણ વર્ષે સ્કુલ શરૂ કરી શકે અને ઘણા અમારી એમી જેવા હોય જે માબાપના વધુ પડતા લાડ પ્યારને કારણે થોડા જીદ્દી થઈ ગયા હોય.
એમી જ્યારે આવી ત્યારે એવી જ હતી. બધા પર એની દાદાગીરી ચાલે. હસમુખી એવી કે વઢવાનુ મન ન થાય પણ ધીરે ધીરે એ બધા સાથે ભળવા માંડી અને એક વર્ષમા તો એવી હોશિયાર થઈ ગઈ કે ચાર વર્ષની થઈ કે અમે એને નિયમિત Pre-K ના ક્લાસમા મોકલી આપી. નાની હતી ત્યારે પણ કાંઈ થાય તો દોડતી મારી પાસે આવતી અને મારી સોડમા લપાતી. દાંત દુખતો હોય, કોઈ બાળકો સાથે રમતના મેદાનમા કાંઇ થાય, મીસ મુન્શા એને માટે અંતિમ આશરો.
આજે એમી સાત વર્ષની થઈ. બીજા ધોરણમા આવી. રોજ સવારે બસમાથી ઊતરી મને આવીને ભેટે. હજી પણ મારી સોડમા લપાય. કાલે તો બસમા થી ઉતરતા વેંત મને આવી વળગી પડી. ચહેરો રડું રડું. કારણ પુછ્યું તો કહે “મીસ મુન્શા પેટમા દુખે છે”. બધા કામ પડતા મુકી મારે એને નર્સ પાસે લઈ જવી પડી.
એમી જાણે મારૂં પહેલું માનસ સંતાન. એની લાગણી ને પ્રેમ મારા માટે હજી પણ એટલો જ. આજે પણ એની વાત, ફરિયાદ એના ક્લાસ ટીચરને કરવાને બદલે મને કરે.
આ બાળકો ની લાગણી એમનો પ્રેમ જ મને જાણે જીવંત રાખે છે ને ખુદની તકલીફ ભુલી ને કામ કરવાનો ઉત્સાહ પ્રેરે છે.

શૈલા મુન્શા.. તા૧૦/૨૮/૨૦૧૩

September 5th 2013

જસ્ટીન

આ વર્ષે અત્યાર સુધી લગભગ ચાર નવા બાળકો મારા ક્લાસમા આવ્યા છે એમા ત્રણ છોકરી અને એક છોકરો છે. કુલ મળી ને પાંચ છોકરીઓ છે. આટલા વર્ષોમા ભાગ્યે એક કે બે છોકરી હોય એટલે જ અમારી એમી જેવી છોકરી નો રૂવાબ બધા પર ચાલે.
આ વખતે જે બાળકીઓ છે બધી નાનકડી નાજુક અને પરાણે વહાલી લાગે એવી છે.
મારે તો જો કે આજે વાત જસ્ટીન ની કરવી છે.સાડા ત્રણ વર્ષનો જસ્ટીન કેમ અમારા ક્લાસમા છે એ જ નવાઈ ની વાત છે. પહેલે દિવસે આવ્યો ત્યારે એની મમ્મી કહે જસ્ટીન જરા શરમાળ છે. જલ્દી બધા સાથે ભળી નથી શકતો.એમની વાત સાચી પણ લાગી.ચુપચાપ ખુરશી પર બેઠો. મમ્મી ગઈ તો રડ્યો નહિ. રડ્યો નહિ એ જ અમારા માટે મોટી વાત હતી, નહિ તો બાળકો શરૂઆતના થોડા દિવસો સંભાળવા મુશ્કેલ થઈ જાય.
એક બે દિવસ થયા અને જસ્ટીન બધા સાથે ભળી ગયો. બધી પ્રવૃતિ મા ભાગ લેવા માંડ્યો. હોશિયાર એટલો કે જાતે કોમ્પ્યુટર પર અમારી (Educational web site starfall) જેમા બાળકોને એ.બી.સી.ડી સાથે પિક્ચર, સંગીત વાર્તા બધુ જ હોય એ પોતાની જાતે કરવા માંડ્યો. લાલ પીળો વાદળી ભુરો વગેરે રંગના સરસ મજાના ગીત એ એની ગમતી વસ્તુ. માટે જ તો અમને લાગે છે કે જસ્ટીન અમારા ક્લાસમા કેમ છે?
કાલે રમતના મેદાન મા હું બાળકો સાથે રમતા જસ્ટીનને ગલીપચી કરી હસાવતી હતી. થોડીવાર થઈ અને પાછળથી આવી જસ્ટીન મને ગલીપચી કરવા માંડ્યો. મને એની મમ્મીની વાત યાદ આવી ગઈ “જસ્ટીન જરા શરમાળ છે”
ના ભઈ ના જસ્ટીન તો શરમાળ નથી મજાનો રમતિયાળ હોશિયાર બાળક છે. મને ખાતરી છે કે અમારા મીકેલની જેમ એને પણ અમે જલ્દી બીજા નોર્મલ Pre-K ના ક્લાસમા મોકલશું.

શૈલા મુન્શા. તા ૦૯/૦૫/૨૦૧૩

August 29th 2013

પહેલો દિવસ બાળકો સાથે

૨૦૧૩ નુ નવુ વર્ષ શરૂ થયું. શિક્ષકો માટે તો બે અઠવાડિયા પહેલા જ સ્કુલ શરૂ થઈ ગઈ હતી, પણ બાળકો ગઈકાલ થી આવવાના શરૂ થયા. પહેલો દિવસ બાળકો માટે એટલે સ્કુલમા ચારેબાજુ માબાપ નાના બાળકો સાથે અને શિક્ષકોની દોડાદોડી.Pre-K ના બાળકો પહેલીવાર સ્કુલમા આવે એટલે રડવાનો અવાજ અને મમ્મીને છોડવા તૈયાર નહિ. આ તો આખી સ્કુલનો ચિતાર પણ મારા બાળકો (PPCD-pre Primary children with disability)વેકેશન પછી પાછા આવ્યા. મારા ક્લાસમા બે વર્ષ આ બાળકો હોય એટલે થોડા જુના અને થોડા નવા.આ વર્ષે ટીચર પણ નવી અને ચારેક બાળકો પણ નવા આવ્યા.
ડેનિયલ અને ડુલસે તો જેવા બસમા થી ઉતર્યા કે મને બાઝી પડ્યા. બે મહિના ઘરે રહીને ડેનિયલભાઈ બધું ભુલી ગયા હતા. ગયા વર્ષે શીખવાડેલું અંગ્રેજી બધું ભુસાઈ ગયુ હતું અને કડકડાટ સ્પેનિશ ચાલુ થઈ ગયુ. ખરી મઝા સવારના નાસ્તા વખતે આવી. સીરીયલ ને દુધ ને બદલે ડેનિયલને ટાકો જોઈતો હતો. (મેક્સિકન લોકો મકાઈ ની રોટલીમા ચિકન ને સાલસા બધુ ભરી ગોળ વીંટો વાળી ને ખાય.)વેકેશન ની મજા શરીર પર દેખાતી હતી. આમ પણ ગોળમટોળ હતો અને હવે થોડો લાંબો અને ગાલ ભરાયા હતા. તોફાન થોડા ઓછા થયા હતા.
એ.જે ઘણુ બોલતા શીખી ગયો હતો. મારૂ નામ બરાબર બોલતો હતો. “હલો મુન્શા” અને નવા ટિચરને “હલો ટિચર” કહી બોલાવતો. “help me” કહેતો. ફક્ત તકલીફ એક જ હતી, વારંવાર એ એક ની એક વાત કહ્યા કરતો. જમવાના સમયે જ્યારે એક એક કોળિયે “Thank you” કહેવા માંડ્યો અને એ કહેવાની રીત એટલી સરસ હતી કે મને “ઈન્ડિયન આઈડોલ” ની નાનકડી હસતી સુગંધા દાતે, (જેના બે દાંત નહોતા) એ યાદ આવી ગઈ.
ડુલસે જેવી જ બીજી નાની છોકરી બ્રીટ્ની આવી છે. જસ્ટીન અને તઝનીન વગેરે નવા બાળકો છે. પાણીની ધારને “Rain bow” કહેવાવાળો મીકેલ આ વર્ષે અમારા ક્લાસમા નથી, પણ હજી અમારી બસમા જ આવે છે. બસમા થી ઉતરી ક્લાસમા જઈ દફતર લટકાવવા માંડ્યો. મારે એને એના ક્લાસમા લઈ જવો પડ્યો,ત્યાં પહોંચતા સુધી તો કેટલું બોલી નાખ્યુ. બે મહિના મા વધુ ડાહ્યો અને સમજુ થઈ ગયો.
સમન્થા અમારી નવી ટિચર સકારાત્મક રીતે આ બાળકો સાથે ભળી રહી છે.મને કહે,”મીસ મુન્શા પ્રિન્સીપાલ થી માંડી જે ટિચરને હું મળી એ બધા એ મને કહ્યું જરાય ચિંતા ના કરીશ. મીસ મુન્શા તારી સાથે છે અને એ આ બાળકો સાથે ઘણા સમયથી કામ કરે છે માટે તને જરાય વાંધો નહિ આવે” સમન્થા મારા અનુભવોનુ માન રાખે છે, માટે અમે બન્ને મળી આ બાળકો ની પ્રગતિ માટે પુરા પ્રયત્નો કરીશું.
આ વર્ષ પણ આ બાળકોની મસ્તી તોફાન થી યાદગાર બનશે એની મને પુરી ખાતરી છે.

બસ તો નવા બાળકોની નવી કહાણી મારા “બાળ ગગન વિહારમા”

શૈલા મુન્શા તા.૦૮/૨૮/૨૦૧૩

August 29th 2013

૨૦૧૩-૨૦૧૪ નવુ વર્ષ

૨૦૧૩ નો ઓગસ્ટ મહિનો આવી ગયો અને શાળાનુ નવુ વર્ષ શરૂ થઈ ગયું. બાળકો ને આવવાને તો હજી વાર છે પણ અમારી પ્રવૃતિ શરૂ થઈ ગઈ. શાળાકિય પધ્ધતિ ભારત કરતા ઘણી જુદી. શાળા બંધ થાય ત્યારે બધું અભરાઈએ ચઢાવવાનુ અને શરુ થાય ત્યારે ફરી બધું ગોઠવવાનુ. શિક્ષકોની દશા અત્યારે શિક્ષક કરતાં મજુર જેવી વધારે લાગે. નિસરણી લાવો, કબાટ પરથી વસ્તુ ઉતારો, ક્લાસની દિવાલો ફરી સજાવો, અને સહશિક્ષકોનુ તો આવી બને. પુસ્તકોના થોકડે થોકડા ટ્રોલીમા ભરી દરેક ક્લાસમા પહોંચાડો. અમેરિકામા બાળકને સ્કુલમા સગવડ બધી મળે. ભારતની જેમ કેડ વળી જાય એવું દફતર ઊંચકીને ના આવવું પડે, બધા પુસ્તકો સ્કુલમા થી જ મળે. દર વર્ષે બોક્ષ ના બોક્ષ ભરી પુસ્તકો ડિસ્ટ્રીક ઓફિસમા થી આવે. અને જુના પુસ્તકો રફેદફે થાય. પુસ્તકોનો આવો વેડફાટ મે બીજે ક્યાંય જોયો નથી.
ખેર હું તો મારી વાત કરૂં.મારો ક્લાસ ગોઠવતા મને મારા બાળકો યાદ આવી ગયા. હરિકેન ટ્રીસ્ટન અને આઈન્સ્ટાઈન મિકાઈ બીજી સ્કુલમા ગયા. ગોળમટોળ ડેનિયલ અને જમાદાર ડુલસે ફરી મારા ક્લાસમા આવશે. મીઠડો વેલેન્ટીનો પણ પાછો આવશે. થોડા નવા બાળકો પણ આવશે. સાથે સાથે આ વર્ષે ટીચર પણ નવા છે.મીસ બર્કના લગ્ન થઈ ગયા અને એ સ્કુલ છોડીને ગઈ. નવી ટીચર નુ નામ સમન્થા છે. અત્યારે તો ઘણી ઉત્સુક છે અને બાળકોને મળવા આતુર છે, પણ ખરી મજા તો પહેલે દિવસે આવશે. આજ પહેલા એણે ક્યારેય માનસિક રીતે થોડા પછાત બાળકો સાથે કામ નથી કર્યું. બે મહિના ની રજા પછી આ બાળકો જ્યારે પાછા આવે ત્યારે અમારે ફરી શ્રી ગણેશાય નમઃ કરવું પડે. એટલે પહેલો દિવસ ચોક્કસ યાદગાર બની રહેશે.
ગમે તે હોય પણ હું મારા ફુલવાડીના ફુલડાં ને મળવા આતુર છું, સાથે સાથે તમને પણ અવનવા એમના તોફાનોથી પરિચીત કરવા આતુરછું. બસ થોડી ધીરજ ધરો. એમના પરાક્રમો ની સરિતા મા તમને પણ વહેતાં રાખીશ.

શૈલા મુન્શા. તા.૦૮/૨૧/૨૦૧૩

June 27th 2013

મિકાઈ

હાલમા તો મારે સ્કુલમા રજા છે. સમર વેકેશન ચાલે છે એટલે બાળકોનુ સાનિધ્ય પણ નહિ ને એમના મસ્તી તોફાન પણ નહિ, પણ અચાનક આજે મને મિકાઈ યાદ આવી ગયો.”Autistic child” વિશે કોઈ લેખ મારા વાંચવામા આવ્યો અને મને મિકાઈ યાદ આવી ગયો.આ બાળકો ખરેખર બહુ બુધ્ધિશાળી હોય છે પણ એમનુ મગજ કોઈ જાતનો ફેરફાર જલ્દી સ્વીકારી નથી શકતું. એમનુ જે રૂટિન ગોઠવાયું હોય એમા બદલાવ આવે તો એમને સંભાળવા ભારે થઈ પડે.
મિકાઈ જ્યારે અમારા ક્લાસમા આવ્યો ત્યારે ઘણો આક્રમક હતો. પાંચ વર્ષ સુધી કોઈ સ્કુલમા નહોતો ગયો. મા બાપ ખરા પણ પરણેલા નહિ એટલે બાળકની જોઈન્ટ કસ્ટડી, પણ મિકાઈ વધુ સમય મા પાસે રહે. બાપ નોકરી ના હિસાબે હ્યુસ્ટન થી બહાર વધુ હોય.અમે જોઈ શક્યા કે મા કરતાં બાપને મિકાઈ માટે કશું પણ કરી છુટવાની તમન્ના વધુ હતી.ક્લાસમા મિકાઈ કશું બોલતો નહિ પણ એને આંકડાઓમા ખુબ રસ પડતો.નંબર સોંગની સીડી વાગે તો ધ્યાનથી સાંભળે. સવારે જ્યારે ક્લાસમા આજના હવામાન વિશે વાત કરીએ કે એને લગતાં ગીત સંભળાવીએ તો એ એકીટશે જોયા કરે. મા બાપ સાથે વાત કરવાથી ખબર પડી કે એને ગણિત બહુ ગમે છે અને કોમ્પ્યુટર બહુ ગમે છે.
ધીરે ધીરે એ ક્લાસના રૂટિનમા ગોઠવાતો ગયો.એને શાંત કરવો હોય તો કોમ્પ્યુટર પર બેસાડી દો તો એના કલાકો એમા નીકળી જાય.જેમ જેમ એ ક્લાસમા અંગ્રેજી આલ્ફાબેટ અને એના સાઉન્ડ અને સાથે શબ્દો શીખતો ગયો તેમ તેમ કોમ્પ્યુટર પર પોતાની જાતે એ શબ્દો ટાઈપ કરી જાતજાતના ચિત્રો જોવા લાગ્યો.
એક દિવસ અમે બાળકોને જમવા માટે કાફેટેરિઆ મા લઈ જતા હતા ત્યાં અચાનક મારો હાથ છોડી મિકાઈ પહેલા ધોરણના ક્લાસમા ધસી ગયો ને ટીચરના ટેબલ પર પડેલો પૃથ્વીનો ગોળો ઉપાડી લીધો.કેટલી સમજાવટે છેવટે એ ક્લાસમાથી બહાર નીકળ્યો. અમે નવાઈ પામી ગયા કે બીજું કશું નહિ ને પૃથ્વીનો ગોળો કેમ? પિતા સાથે વાત કરતાં ખબર પડી એને પૃથ્વીના ગોળામા નક્શા જોવા ખુબ ગમે છે. એના માટે ખાસ પૃથ્વીનો ગોળો લઈ આવ્યા અને રોજ થોડીવાર ખાસ એની સાથે બેસી જુદા જુદા દેશ નક્શામા બતાડવા માંડ્યા.
અમારા અચંબાનો પાર ન રહ્યો, જ્યારે એ જાતે દેશના નામ આલ્ફાબેટના સાઉન્ડ પ્રમાણે ટાઈપ કરી કોમ્પ્યુટર પર જોવા માંડ્યો. ફક્ત દેશ જ નહિ, ત્યાંની જોવાલાયક જગ્યા, હવામાન, લોકો, કાંઈક જાતજાતનુ શોધી કાઢી એમા રમમાણ રહેવા લાગ્યો.વાચા પણ ઘણી ખુલી ગઈ. અમારો હાથ પકડી “કેનેડા, રશિયા સ્કેન્ડેવેનિઆ, આફ્રિકા વગેરે દેશ અમને પણ બતાડવા માંડ્યો.બસમા થી ઉતરી વહાલથી ભેટવા માંડ્યો. યાદશક્તિ એટલી તીવ્ર કે એકવાર બતાડેલો દેશ બરાબર યાદ રહી જાય.કોઈવાર કશી વસ્તુની ના કહીએ તો “help help” નુ રટણ ચાલુ કરી છેવટે એની વાત મનાવીને જ રહે.
આટલી માયા લગાડી હવે આ વર્ષે એ નવી સ્કુલમા જશે, જ્યાં ત્રણ થી ચાર બાળકો ક્લાસમા હોય અને એટલાં જ શિક્ષકો. લગભગ દરેક બાળકની જરૂરિયાત પ્રમાણે એમના વિકાસ ને વધુ વેગ મળે એની ખાસ કાળજી લેવાય.
મિકાઈની બુધ્ધિપ્રતિભા ખીલે અને એને સાચી દોરવણી મળે એ જ પ્રાર્થના સહિત………..
અસ્તુ

તા.૬/૨૬/૨૦૧૩

June 11th 2013

ડુલસે

૨૦૧૨ થી ૨૦૧૩ નુ શાળાકિય વર્ષ પુરૂં થયું. અમેરિકામા જુન મહિનાથી સ્કુલમા વેકેશન શરૂ થાય અને લગભગ ઓગસ્ટના ત્રીજા અઠવાડિયાથી બાળકો આવવાની શરૂઆત કરે અને નવા સ્કુલ વર્ષની શરૂઆત થાય.
આજે મારે મારા ક્લાસની નટખટ, તોફાની અને સાથે સાથે ખુબ ચબરાક એવી ટેણકી ડુલસે ની વાત કરવી છે. સ્કુલ ના અંતભાગમા એટલે કે માર્ચની શરૂઆત મા એ મારા ક્લાસમા આવી.ત્રણ વર્ષ પુરા થયા ને એ દાખલ થઈ. નાનકડી સ્પેનિશ છોકરી, નાનુ મોઢું ને સાવ હલકી ફુલ્કી. બોલવામા હોશિયાર પણ સ્પેનિશ બોલે, અંગ્રેજી ખાસ આવડે નહિ. એના ડાબા હાથમા થોડી તકલીફ એ કારણસર એ મારા ક્લાસમા.(ફિજીકલ ડીસએબીલીટી)
જ્યારે આવી ત્યારે દેખાવમા ટેણકી પણ સ્વભાવે જમાદાર. નાની અમસ્થી પણ બધાને ભારે પડે. વાતવાતમા હાથ ઉપડે. કોઈ જરા એને હાથ લગાડે તો સામો જવાબ મળી જ જાય. બાળકો મા આવું ચાલતું હોય અને અમારી એ જ ફરજ કે બાળકોને આવી ખોટી આદતોમા થી છોડાવીએ અને સારા નરસા ની તાલીમ આપીએ.
ધીરે ધીરે ક્યારેક સમજાવટથી તો ક્યારેક સખત થઈને એની એ આદત છોડાવી. ડુલસે જેટલી હોશિયાર બાળકી મે જોઈ નથી. નવુ શીખવાની ધગશ એટલી. ક્લાસમા જેટલી પ્રવૃતિ કરાવીએ એમા ખુબ ઉત્સાહ પુર્વક ભાગ લે. સંગીત એને ખુબ ગમે અને જેટલા બાળગીત ગવડાવીએ એ બધા પુરા અભિનય સાથે ગાય અંગ્રેજી પણ ઝડપભેર શીખવા માંડી.
એની એક ખાસિયત. જ્યારે પણ એને ગુસ્સો કરીએ એટલે મમ્મી મમ્મી કરીને રડવા માંડે પણ બે જ મીનિટમા આવીને મારી સોડમા ભરાય, હું જાણી કરીને એને દુર કરૂં તો એવું મીઠું હસીને લાડ કરે, અથવા કોઈનુ નામ આપે “મુન્શા ડેનિયલએ મને માર્યું” મને ખબર હોય કે ડેનિયલ તો એનાથી દુર છે, પણ એટલું કહીને ખિલખિલ હસી પડે.આપણો ગુસ્સો પળમા ગાયબ કરી દે.
હવે તમે જ કહો, આવા બાળકોથી તમે ક્યાં સુધી ગુસ્સે રહી શકો? આ બાળકો કદાચ માનસિક રીતે થોડા નબળાં હોઈ શકે, પણ એમની નિર્દોષતા આપણને મોટી શીખ આપી જાય છે.
દરેક વ્યક્તિ જો પોતાના ગુસ્સા પર આમજ કાબુ મેળવે તો દુનિયાની મોટાભાગની સમસ્યાનો અંત આવી જાય.

શૈલા મુન્શા તા.૦૬/૧૨/૧૩

May 30th 2013

એ.જે. (એડિયાસ)

એ.જે. એટલે કે એડિયાસ ગયા વર્ષે અમારા ક્લાસમા આવ્યો. આફ્રિકન અમેરિકન બાળક. માની ભુલની સજા એ ભોગવી રહ્યો છે. અમેરિકા મા સ્વતંત્રતા થોડી વધારે છે. નાની ઉમરે મા બાપ બનવાનુ, વગર પરણે મા બાપ બનવાનુ સ્વભાવિક છે. બાળક જન્મે પણ વણજોઈતું બની જાય. એ.જે. ના કિસ્સામા પણ એવું જ કાંઈક બન્યુ.મા ની ઉમર માંડ સોળ વર્ષની જ્યારે એ.જે. નો જન્મ થયો. બાળક ઉછેર નુ કોઈ જ્ઞાન નહિ પોતે પણ ફોસ્ટર હોમમા મોટી થયેલી એટલે કુટુંબ શું કહેવાય એની કોઈ ખબર કે લાગણી નહિ. એક દિવસ નશાની હાલતમા બે વર્ષના એ.જે.ને પછાડ્યો. કમરના મણકા પર દબાવ આવ્યો અને એ.જે.નો ડાબો હાથ અને ડાબો પગ કામ કરતાં અટકી ગયા. મગજ પર અસર થઈ અને જ્ઞાનતંતુ પુરી રીતે કામ કરતાં અટકી ગયા. મા ને તો જેલ થઈ પણ નસીબે એ.જે.ના પિતા ઘણા સમજુ અને એ.જે નો પુરો ખ્યાલ રાખે.
જ્યારે એ.જે. અમારા ક્લાસમા આવ્યો ત્યારે વ્હીલ ચેર મા હતો, પણ એના જેવો આનંદી બાળક મે જોયો નથી. જેવો બસમા થી ઉતારીએ એટલે લહેકાથી હાઆઆઆય કહે. વધુ બોલતા તો નહોતું આવડતું પણ હાય અને બાય કહેતા આવડે. હમેશા હસતો ચહેરો. ડાબો હાથ બરાબર ના ચાલે પણ જમણો હાથ મજબુત એટલે જમણા હાથની પરિઘમા જે વસ્તુ આવે એને પકડવા જાય. એક વસ્તુ અમેરિકામા ખાસ જોવા મળે. આવા બાળકો માટે એટલી બધી સગવડ હોય કે આપણુ મગજ કામ ના કરે. એને જમવા માટે લાકડાની ટ્રે સાથે પૈડાંવાળી ખુરશી. કસરત કરાવવા ફીજીકલ થેરાપીસ્ટ આવે. એને સીધો ઊભો રાખી શકાય એવી લાંબી પૈડાંવાળી ખુરશી. ક્લાસમા જુઓ તો ત્રણ ચાર જાતની ખુરશી ફક્ત એકલા એ.જે.માટે જ.
એના આનંદી સ્વભાવને લીધે આખી સ્કુલનો લાડકો.જતાં આવતાં સહુ એને બોલાવે અને એ હસીને સહુને હાય કહે.આવ્યો ત્યારે ત્રણ વર્ષ નો હતો પણ થોડા દિવસમા અમને સારી રીતે ઓળખી ગયો.જેવું અમે બસનુ વ્હીલ ચેર ઉતારવાનુ બારણુ ખોલીએ કે એની કિલકારી સંભળાય.
એના આનંદનો ચેપ બધાને લાગે અને સહુના ચહેરા પર સ્મિત આવી જાય. નાનકડું બાળક પણ અજાણતા અને ગમે તે પરિસ્થિતીમા સહુને આનંદિત રહેવાની કેવી શીખ આપી જાય છે!
આ બાળકો મને પણ જીવન હસતાં રમતાં જીવી જવાની પ્રેરણા આપે છે.

તા.૫/૨૮/૨૦૧૩.

January 28th 2013

મીકેલ-૨

મીકેલ જ્યારે ક્લાસમા નવો હતો ત્યારે થોડું શરમાતો અને બધા સાથે જલ્દી ભળી નહોતો જતો., પણ ક્લાસના નિયમો પાળવામા એક નંબર. આટલા વર્ષોમા મેં એના જેવો ડાહ્યો છોકરો જોયો નથી. કોઈપણ વાત એને બે વાર કહેવી ના પડે. સરસ રીતભાત અને મીઠા હાસ્ય વડે એ કોઈનુ પણ દિલ પલકવાર મા જીતી લે.
હમણા ક્લાસમા અમે બાળકો ને રંગો ની ઓળખાણ કરાવીએ છીએ. લાલ પીળો વાદળી લીલો વગેરે અને એ માટે સરસ મજાના ગીતોની ડીવીડી અમારી પાસે છે. એમા એક ઈંન્દ્રધનુષ દેખાય અને સાથે ઈંન્દ્રધનુષ ના રંગના ક્રમ પ્રમાણે લાલ કેસરી પીળો વગેરે રંગ આવતાં જાય અને સરસ રાગમા ગીત ગવાતું જાય. લગભગ રોજ સવારે અમે આ ડીવીડી બાળકો ને બતાડીએ.
અહીં વાત મારે બાળકો ની કલ્પનાશક્તિ ની કરવી છે. બધા બાળકો સાથે જ આ ડીવીડી જોતા હોય છે પણ મીકેલ ની કલ્પનાશક્તિએ ક્યાંનો તાળો ક્યાં મેળવ્યો એ અમારા માટે આનંદ અને અજાયબપણા ની લાગણી હતી.
સવારનો ક્લાસનો નિત્ય ક્રમ પતાવી બાળકોને અમે કાફેટેરિઆ મા જમવા લઈ જતા હતા ત્યાં “water fountain” જોઈ મીકેલને તરસ લાગી ગઈ અને મને કહેવા માંડ્યો”મીસ મુન્શા પાણી પીવું છે” જેવી હું એને વોટર ફાઉન્ટન પાસે લઈ ગઈ અને પાણી ચાલુ કર્યું કે મીકેલ બોલી પડ્યો “rainbow Ms Munshaw, its a rainbow”
એ બાળમાનસ મા ઈંન્દ્રધનુ નાઅર્ધ ગોળાકાર આકારની છાપ એવી જડાઈ ગઈ હતી કે જ્યારે પાણી ના ફુવારામા થી અર્ધ ગોળાકાર આકારમા પાણી ની ધાર થઈ કે મીકેલ ને ક્લાસમા થોડીવાર પહેલા જોયેલ ઇંન્દ્રધનુષ યાદ આવી ગયું.
બાળમાનસ અને એમની કલ્પનાશક્તિ ક્યાં થી ક્યાં પહોંચી જતી હોય છે એના અનુભવો અમને હમેશ થતાં હોય છે અને સાથે એક આત્મસંતોષ ની લાગણી પણ થતી હોય છે કે એમની આ કલ્પનાશક્તિ સપ્ત રંગે રંગાય અને એને જીવન રંગસભર બને એમા થોડોઘણો પણ મારો પ્રયાસ હોય છે.
બસ આમજ આ ભુલકાંઓની દુનિયા હસતી રમતી રહે અને એ નિર્દોષ બાળપણ મારામા પણ હમેશ જીવતું રહે.

અસ્તુ.

શૈલા મુન્શા. તા. ૦૧/૨૮/૨૦૧૩

« Previous PageNext Page »
Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.