March 18th 2024

ચાંદ સૂરજ આંબવાનું રે’વાદે,
આભ આઘે માપવાનું રે’વાદે.
જાત પર રાખી ભરોસો જીવી જો,
વારસામાં આપવાનું રે’વાદે.
સુખની પળ આવશે જીવનમાં જો,
વાત સાચી માનવાનું રે’વાદે
ઢાળ હો ત્યાં ચાલશો પગ સંભાળી,
સીધે મારગ, ભાગવાનું રે’વાદે.
ખેલ પૈસાનો અમીરોના જગમાં,
વાંક હરદમ કાઢવાનું રે’વાદે!
શૈલા મુન્શા. તા.૧૮/૦૩/૨૦૨૪
www.smunshaw.wordpress.com
February 12th 2024

ભીંત કાચી ને તિરાડો દીસતી ના,
વાડ ઊંચી, શાખ ઘરની ઢાંકતી ના!
મૂળ ઊંડા, ફૂટશે ફણગો કદીએ,
આશ અંતરમાં એવી શું જાગતી ના?
આવશે અવસર ખુશીનો આંગણે જો,
દ્વાર ઊઘાડા વેરીના રાખતી ના!
રાત આખી જાગતી તારા ગણીને,
આંખમાં આવે સપન, જે તોડતી ના!
છળકપટ દોલત નિયતી માનવીની,
ફળ દુષ્કર્મના જિંદગીમાં ચાખતી ના!
શૈલા મુન્શા તા. ૧૨/૦૨/૨૦૨૪
November 23rd 2022

ભીખ જોઈતી નથી, બસ જીતવું છે;
દોડ પાકી, સવલતોથી હારવું છે!
કાં દિશા દેખાડ, કાં હિંમત લડતની;
ઘા ભલે મન પર, હસીને ખેલવું છે!
હાથચાલાકી કરે સહુ લોક જગમાં,
અવગણી ધારા, સહજ થૈ જીવવું છે!
ગમ નથી કોઈ, ગુમાવ્યું મેળવ્યું શું;
મોહ માયા આવરણને તોડવું છે!
મોતનો ડર ના બને અવરોધ મારો,
હર ડગર જીવન ખુશીથી માણવું છે!!
શૈલા મુન્શા તા. ૧૧/૨૦/૨૦૨૨
January 30th 2022

મુરાદોના ચણાશે મ્હેલ શમણામાં,
ને પળમાં ભાંગશે એ ખેલ શમણામાં!
મળી જાશે અચાનક, જો વિના કારણ,
હરખની તો ઉમડતી હેલ શમણામાં!
અધૂરી કામના આપે જખમ ઊંડા,
કરમ ફૂટ્યા નસીબે લેખ શમણામાં!
રમત સાચી કે ખોટી હોય જીવનમાં,
પરાજય આપશે તો ભેખ શમણામાં?
હરીફાઈ નહોતી જીતવાની એ,
ને થૈ જાશે નિયમની કેદ શમણામાં!!
શૈલા મુન્શા તા. ૦૧/૩૦/૨૦૨૧
December 22nd 2021

શ્વાસોની આવનજાવનમાં ભરમાતી રહી,
ક્ષણ આવરદાની એ નાહક ખર્ચાતી રહી?
નૈયા હાલક ડોલક મઝધારે અટવાતી,
સાગર તરવા જૂઠી આશા જોવાતી રહી!
તોફાની તાંડવ ઊછળતાં મોજા વેગે,
ધસમસતા ઓવારે સીમા લોપાતી રહી!
ઈચ્છાઓ ટળવળતી નાગણસી વળ ખાતી,
લાલચની રેશમ દોરી તો ગૂંથાતી રહી!
સૂરત હો ભોળી, આશય ભલમનસાઈનો;
દાનત ખોરી ઝૂંટવવાની પરખાતી રહી!
સચ્ચાઈ પારખવી એ તો કોઈ ના જાણે,
મંશા માણસની અંદર અમળાતી રહી!
આવરદા ઓછી સરકે જીવન રેતી સમ
સૌરભ તો યે માનવતાની ફેલાતી રહી!!
શૈલા મુન્શા તા.11/22/2021
October 9th 2021

સવાલોની ઝડી વરસે, જવાબો ના મળે;
શરુ તો થાય, પણ એનો કિનારો ના મળે!
સિતારો થૈ ચમકવું આસમાને જો કદી,
થશે અરમાન પૂરા, એ ઈશારો ના મળે!
અમીરી કે ગરીબી હોય મનની લાગણી,
અભરખાં રે અધૂરા, તો દિશાઓ ના મળે!
ગઈ તારીખ જો બનશે તવારીખ યદી,
લખાશે ચોપડાં, એનો હવાલો ના મળે!
ન તખ્તોતાજ, ના રજવાડું, ના માથે તિલક;
વિચારોમાં બને રાજા, રસાલો ના મળે!
શૈલા મુન્શા તા.૧૦/૦૪/૨૦૨૧
August 1st 2021

વાત કાગળ પર લખાતી ગઈ,
બસ કહાની એ રચાતી ગઈ.
રોજનીશી તો ભરાતી સદા,
નોંધ ખાતામાં લેવાતી ગઈ.
કાલની ઘટના તવારીખ થૈ,
આજની છાપે છપાતી ગઈ.
દાવ સાચો પડે, ના પડે;
સોગઠી તો બસ રમાતી ગઈ.
કાળજી માળી કરે પ્યારથી,
પાન લીલા, જડ સુકાતી ગઈ.
લાગણીના પૂર ખળખળ વહે,
આગ ભીતર ઓલવાતી ગઈ.
દ્વારથી પાછાં વળે ડગ એના,
જ્યોત જીવનની બુઝાતી ગઈ.
શૈલા મુન્શા તા. ૧ ઓગસ્ટ ૨૦૨૧
July 23rd 2021

પરવા ના કોઈની તીર સીધું તાક્યું છે,
ધસમસતું વ્હેણ, સામી છાતીએ ખાળ્યું છે!
ના રાખ્યો જીવનભર ડર, જગની નિંદાનો;
વિખવાદો સામે તો, જંગ છેડી જાણ્યું છે!
ઊકળતો લાવા હૈયે સંતાડ્યો ખૂબ,
ચ્હેરા પર ના ગમ, બસ હાસ્ય દેખાડ્યું છે!
છપ્પર ફાડીને ક્યાં આપે ઈશ્વર સૌને,
મુઠ્ઠીમાં મેં તકદીર ગોપાવી રાખ્યું છે!
ઓગળતી જાઉં માટી સંગ,ભીતર ભીતર;
ખીલીને ફૂલો સમ જીવન દીપાવ્યું છે!
શૈલા મુન્શા તા.૨૨ જુલાઈ ૨૦૨૧
May 30th 2021

શ્વાસોની આવન જાવનમાં ભરમાતી રહી,
ક્ષણ આવરદાની શું નાહક ખર્ચાતી રહી?
કાલે હો ને આજે નહીં, પંજો ઘાતકનો;
અણધાર્યો ત્રાટકતો, યાદો જખમાતી રહી!
દોરાં ધાગા મંત્રો, કોઈએ રોકે ના પળ;
બદલાશે રેખા આશા એ બંધાતી રહી!
ઘા આપે જો ઈશ્વર તો કોને કહેવું દર્દ,
મન મક્કમ તો એ પીડા પણ સહેવાતી રહી!
તણખો ઊડ્યો ને ઝાળ આકાશે ઊડી,
બળતી ચેહ ને, ઘટના જગમાં ચર્ચાતી રહી!
ચાહી છે એકલતા પળભર જીવી લેવા,
ભીતર ભાવોની સરવાણી રેલાતી રહી!
કોઈ રહે ના સંગ હરદમ જીવન આખુંયે,
ભીની આંખે ભવની ભાવટ જીરવાતી રહી!
શૈલા મુન્શા તા. ૦૫/૩૦/૨૦૨૧
May 16th 2021

શબોના ઢગ ઉપર ફૂલો બિછાવી દે,
નગર એવું સુગંધીમય વસાવી દે!
ભમે થૈ કાળ માથે, કાળચક્ર એવું;
મરણ થંભાવતી ધૂણી ધખાવી દે!
સજા મળતી રહી, વાવ્યું ધરા પર જે;
નયન કોરાં, જખમ ઊંડા, ભિંજાવી દે!
નિકટ આવે ન કોઈ, ભીડથી ભાગે;
ઉદાસી ટળવળે, માતમ મિટાવી દે!
નથી ઈચ્છા લડી લેવા પરાયાંથી,
બને દુશ્મન જો પોતાના, બચાવી દે!
ચઢી ઠેબે અકારણ માણસાઈ જો,
દયાને સ્નેહનો સાગર વહાવી દે!
મહામારી ડરાવે, ના જડે મારગ;
ખમૈયા કર હવે, જીવન સજાવી દે!
શૈલા મુન્શા તા. ૦૫/૦૯/૨૦૨૧