May 18th 2011

ઈબાદત

ના પ્રાર્થના, ના ગુજારિશ
ભીતર ઈશ ને ઈબાદત

ના શિકાયત ના સજા
હરદમ માફી ને ઈબાદત

નયન ઢુંઢે, ખુદા ન પાસ
શ્વાસે શ્વાસે શિવ ને ઈબાદત.

જીવ ને શિવ થાય એકાકાર
બને મોક્ષનો મારગ ઈબાદત

શૈલા મુન્શા. તા.૦૫/૧૮/૨૦૧૧

May 5th 2011

નથી મળતી

રસ્તો નજર સામેને મંઝિલ નથી મળતી,
દિવાનગી દિલમાંને આશિકી નથી મળતી.

છાઈ છે ખુશી હર તરફને મતવાલી મોસમ
ઢુંઢતી નજર સાથીને, નિશાની નથી મળતી.

ક્યાંક ટહુકતી કોયલ ને ખીલતી વસંત,
હંમેશ હવામાં મહેક મંજરીની નથી મળતી.

કોઇ માને ન માને છે ખુદા આસપાસ
માંગવાથી હરદમ ખુદાઈ નથી મળતી.

રસ્તો નજર સામેને મંઝિલ નથી મળતી,
દિવાનગી દિલમાંને આશિકી નથી મળતી.

શૈલ મુન્શા. તા ૦૫/૦૫/૨૦૧૧

April 26th 2011

અલગ વાત છે

હોઠ તો હસે પણ, ભીતર હૈયું હોય વેદના સભર;
શબ્દ તો નીકળે, પણ વાચા મૌન તે તો અલગ વાત છે.

ગગન ગોરંભાય, વાદળ વરસીને વિખરાય;
વ્યાકુળ ચાતક તરસે એક બુંદ, તે તો અલગ વાત છે.

પનિહારી પનઘટને ઘાટ, નિહાળતી પિયુની વાટ;
ના દુર દુર ઊડતી કોઈ ડમરી, તે તો અલગ વાત છે.

આવતી જોઇ વિપદા,સહુ શાહમૃગ ખોસે શિર રેત મહીં;
ડણક એક સાવજની ધ્રુજાવે જંગલ તે તો અલગ વાત છે.

એક લસરકે બદલાય ફલકને, સર્જાય ચિત્ર અવનવું;
કોઈ ચિત્રકાર પીંછી ન પકડે, તે તો અલગ વાત છે.

જનમ મરણ સહુ પ્રભુને હાથ, સ્વીકારે સહુ નત મસ્તકે;
એક સાવિત્રી લાવે સત્યવાન પાછો, તે તો અલગ વાત છે.

શૈલા મુન્શા. તા. ૦૪/૨૬/૨૦૧૧
www.smunshaw.wordpress.com

April 20th 2011

કળી

ખીલતી કળી વાત કહેતી જાય,
વાયરા સંગ મહેક ફેલાવતી જાય.

જીંદગી ભલેને હોય નાની મધુરી,
ખીલીને કરમાય, તોય ખીલતી જાય;

બીજમાંથી કળીને વળી ખીલે ફુલ અનેરૂં
સહીને દુઃખ, બસ સુગંધ રેલાવતી જાય.

આવરદા હો લાંબી કે ટુંકી, વાત ના કોઈ મોટી,
વિરમી પ્રભુ ચરણે, જીવન સાર્થક કરતી જાય.

ખીલતી કળી વાત કહેતી જાય,
વાયરા સંગ મહેક ફેલાવતી જાય.

શૈલા મુન્શા. તા. ૦૪/૨૦/૨૦૧૧

March 29th 2011

વેદના

વિંધાય જો હૈયું તો નીતરે વેદના,
તીર જો પોતીકાનું, નીતરે વેદના.

અણજાણે ખાય ઠેસ તો, વિસારે વેદના,
જાણીને કરે કોઈ ઘાવ, નીતરે વેદના.

પશુ જગમાં ના કોઈ નિરર્થક વેદના,
શિકાર ક્ષુધા અર્થે, નહિ આપવા વેદના.

શબ્દોને પાલવડે હોય પ્રીતિ ને સ્નેહ,
ન કરો છિન્ન તાણાવાણા, અર્પી ને વેદના.

શૈલા મુન્શા તા.૦૩/૨૯/૨૦૧૧

March 25th 2011

કાલ

આજની તો ખબર નથી ને, શીદ કરે ચિંતા કાલની;

ઊગી સવાર કેમ આથમશે, શીદ કરે ચિંતા કાલની!

માનવ ધારે કાંઈ ને ઈશ્વર કરે કાંઈ, શીદ કરે ચિંતા કાલની;

નથી જો કાંઈ હાથ આપણે, શીદ કરે ચિંતા કાલની!

કીડી ને કણ ને હાથી ને મણ, શીદ કરે ચિંતા કાલની;

ભુખ્યો ઉઠે, ન સુવે ભુખ્યો, શીદ કરે ચિંતા કાલની!

મીનમેખ ના જ્યાં ઘડી પળનો, શીદ કરે ચિંતા કાલની;

રામ ના હોયે જ્યાં રખવાળા, શીદ કરે ચિંતા કાલની…

શૈલા મુન્શા. તા. ૦૩/૨૫/૨૦૧૧

March 21st 2011

આવી વસંત

ફૂટી એક કુંપળને આવી વસંત,
ટહુકી એક કોયલને લાવી વસંત!

રણકી ઝાંઝર નવોઢાની લજાતી વસંત,
છંટાયો ગુલાલ ભાઈ ને રંગાતી વસંત!

આંબે આવ્યાં મહોર, ચહેકી વસંત,
સોડમ ધરતીનીને મહેકી વસંત!

લહેરાતાં ઊભા મોલ, ઝુમતી વસંત,
મેળે મહાલતાં માનવીને રમતી વસંત!

ભુલાઈ એ પાનખર, ખીલતી વસંત;
સમીર સંગ ખુશ્બુને ફેલાવતી વસંત!

શૈલા મુન્શા તા. ૦૧/૨૯/૨૦૨૧

March 18th 2011

મૌન

કુદરત નો હાહાકાર, વાચા બને મૌન,
સ્થળ બને જળ, વાચા બને મૌન.

આંખના ઝરોખે ખાલીપો, વાચા બને મૌન,
ફેલાતી હથેળી નિઃસહાય, વાચા બને મૌન.

ધરતીને પેટાળ ભૂકંપ, વાચા બને મૌન,
મધદરિયે કાલિનાગનુ મંથન, વાચા બને મૌન

ક્ષણમા વિનાશ ને નષ્ટ નગર, વાચા બને મૌન
ખંડેર મહિં ઊભું એક બાળ, વાચા બને મૌન

માનવનુ વિજ્ઞાન ફેલાવતું ઝેર હવા મહીં,
કરી બુધ્ધિનો ઉપયોગ ભીડે બાથ એ નાદાન,
કોણ જાણે કોની ભુલ ને કોણ પામે સજા
બને જ્ઞાન સંહારનુ કારણ, વાચા બને મૌન.

શૈલા મુન્શા. તા. ૦૩/૧૮/૨૦૧૧. તાજેતરમા જાપાનમા થયેલ ભૂકંપ ની વ્યથા અને એમની સહનશીલતા ને બહાદુરી ને સલામ.

March 3rd 2011

સરહદ

ઊડતાં એ પંખી ના થંભે કોઈ સીમાડે ના કોઇ સરહદે
વહેતો એ વાયુ ના બંધાય કોઈ સીમાડે ના કોઈ સરહદે.

મુરખ બસ એક માનવી, નીત શોધે ઉપાય નવા નવા,
કરી યુધ્ધ ને હિંસા, બસ! કેમ બાંધવા સીમાડા ને સરહદ.

કોઈને વાડા જાતપાતના ને કોઈ બાંધે ભાષાની સરહદ
ક્યાંક ધનદોલતની સીમા, દોરે લોક મહી અણદીઠી સરહદ

કરવા સુરક્ષિત નીજ ખુરશી, ના કોઈ શેહ ના કોઈ શરમ,
રચે નવી રાજનીતિ નેતા, ખુદની સીમા ને ખુદની સરહદ

વિશ્વ-શાંતિ ને વિશ્વ-કલ્યાણ ને વાતો મોટી મોટી યુનોની,
ખરે જ શું કોઈ દિલ થી કરે કામના, તોડવા સીમા ને સરહદ?

જન્મ્યા ત્યારે નહોતી કોઈ માલિકી, મરશું ત્યારે રહેશે બધું અહીં
સાવ સાદી ને સરળ વાત, તો શીદ બાંધવી સીમા ને કોઈ સરહદ.

શૈલા મુન્શા. તા-૦૩/૦૩/૧૧

February 10th 2011

આંસુ

છલકે બની ખુશી એ આંસુ,
રેલાય બની વેદના એ આંસુ.

આંખથી જાય વહી એ આંસુ,
રહી જાય દિલમાં આહ બની આંસુ!

ના રંગ દિશે કોઈ એ આંસુનો,
છતાં ભાત અનેરી એ આંસુની.

કોઈ વહાવે મગરના આંસુ,
ક્યાંક વહે બની પશ્ચાતાપ આંસુ.

બાળની ઠોકર, સાગર બને માતના આંસુ,
હોય પાસે કે દૂર, બની આશીર્વાદ વહે માના આંસુ.

ચીરીને છાતી ધરાની વહે છે અગન લાવા જેમ,
બની જગદંબા હણે આતંકી વહાવી લોહીના આંસુ!

નથી કોઈ કમજોરી અબળાના એ આંસુ,
એક એક ટીપે કરે હેવાનિયતનો નાશ એ આંસુ.

શૈલા મુન્શા તા. ૦૨/૧૦/૧૧

« Previous PageNext Page »
Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.