July 28th 2011
ભરી મહેફિલમાં કોણ આ એકલું!
મસ્તીના માહોલમાં કોણ આ એકલું?
આમ તો કહેવાય, જળ બિન પ્યાસી મીન,
લહેરાતા સાગરની મોજ મહીં કોણ આ એકલું?
ઉદાસી મહીં ટપકે આંસુ એ તો સાવ સાચું!
પચાવી હળાહળ, રેલાવે સ્મિત કોણ આ એકલું?
પાનખરે ખરતાં પર્ણ એ તો ક્રમ કુદરતનો
ફૂટશે ફરી કુંપળ, સમજે બસ કોણ આ એકલું!
જ્વાળામુખીની ટોચે બેઠો માનવી, આગ ચારેકોર
ઠારવા એ અગન છેડતું મલ્હાર કોણ આ એકલું!
શૈલા મુન્શા. તા. ૦૭/૨૮/૨૦૧૧
July 9th 2011

નાનકડી આ બહેની મારી, લાગે સહુને વહાલી.
બાળપણની યાદો અમારી, એક શાંત ને બીજી તોફાની.
સવાર પડે કાંઈ આવતા વિચાર નવા, નિત કરતી તોફાન નવા
કદી કુદતી ઝાડ પરથી, ને કદી જખમ મસ્તકે,
ક્યાંક ટાંકા, ને ક્યાંક નિશાની, જીવન ભરની યાદ સુહાની.
લાડકી એ પપ્પાની, ને ખવડાવતી વઢ મમ્મીને,
રવિવારની બપોર, ને હાજરી પપ્પાની સાધતી એ તક મજાની
કાળા ભમ્મર વાળમાં તેલ સીંચતી મમ્મી ને કરતી એ ઉંહકારો
એક ઉંહકારે એના, બસ ઉઠતા પપ્પા સફાળા
કહેતા મમ્મીને, જરા ધીમે જરા ધીમે, બહુ દુઃખાય એને.
મમ્મી જાણતી, બહેની જાણતી, આ તો બધા નખરાં એના,
પપ્પાની દુલારી, પામવા લાડ કરતી એ ચાળા બધા.
નાનકડી એ બહેની મારી ક્યારે બની ગઈ મોટી
ગઈ મુજથી દુર પણ પામી સાથી મજાનો
સાથી પણ એવો, હસતાં મોઢે ઝીલ્યો ભાર સહુનો
હર મુસીબત, હર સંકટમા આપ્યો સાથ સહુનો.
આ છે કહાણી અમ બે બહેનોની
જીંદગી વિતાવી રહી દુર એકબીજાથી સદા,
કર્મ સંજોગે મળ્યા પાછાં, પણ પાછાં જુદા;
પ્રાર્થના બસ એટલી જ નીકળે અંતરથી
હસતી ને રમતી રહે જોડલી પારૂલ જશુની
સદા રહે સલામત ને ખુશહાલ હરદમ,
જીવનની સફરમાં સદા એકબીજાના બની પુરક જીવે.
(સ્વાગત તમારૂં ફરી હ્યુસ્ટનમા.)
શૈલા- પ્રશાન્ત. તા.૦૭/૦૯/૨૦૧૧
June 27th 2011
કોઈ રાહ બની, તો કોઈ ખાસ બની ધબકે છે,
સાચું પુછો તો જીવન મહીં સહુ આશ બની ધબકે છે.
કોઈ નિરાધાર, તો બને કોઇ આધાર સ્તંભ,
કોણ જાણે કોણ બસ વિશ્વાસ બની ધબકે છે!
ભભૂકતો જ્વાળામુખી ભીતરને, સપાટી સમતલ,
ઠારવા અગન ન જાણે કોણ અમીરસ બની ધબકે છે!
વહેરાય કરવતે વૃક્ષ, ને વહેરાય શબદે માનવી,
ચીરીને છાતી ધરાની, કોણ કુમાશ બની ધબકે છે!
માનો તો સંગીત, નહિતર કોલાહલ આ જીવન,
જમનાને તીર કોણ ગોપી સંગ રાસ બની ધબકે છે!
પામરથી પરમ તત્વને પામવા ઝુઝે નિત માનવી,
ના કોઈ સૂધ, બસ ભીતર કોઈ ઈશ બની ધબકે છે!!
શૈલા મુન્શા. તા ૦૬/૨૭/૨૦૧૧.
May 27th 2011

કોઈ ભીંતેથી આયના ઉતારો,
કે નજરૂં ના નુર ઝાંખા પડે!
કોઈ ટોડલે થી તોરણ ઉતારો,
કે શરણાઈ ના સુર ધીમા પડે!
કોઈ મેડીએ થી માણ ઉતારો,
કે તાલ મંજીરા ના ઓછા પડે!
કોઈ ઓઢાડો ચુંદડીએ લાડકડીને,
કે ભુલી મહિયરને, કુમકુમ પગલી પડે!
કોઇ હૈયા ના ગુમાન ઉતારો,
કે ખોરડું ને મન સાવ ખાલી પડે!
કોઈ ભીંતેથી આયના ઉતારો,
કે ઓરતા જીવતરના ઓછા પડે!!!
શૈલા મુન્શા. તા ૦૫/૨૭/૨૦૧૧
May 25th 2011
પથ્થર જો રહે પથ્થર,
ઉગામી, બનાવે હથિયાર
સહી ઘા ટાંકણા નો
પુજાય સર્વત્ર બની મૂરત.
ઉગે ફુલ વનરાવન,
ખીલે ખીલે ને કરમાય,
વિણતી એ ફુલ પ્રેમભીની રાધિકા,
બને ફુલમાળ, કાનાનો શણગાર
ઘા શબ્દનો તાતો તલવારથી,
વિંધાય મનડું, કદી ના સંધાય
બોલ બે વહાલપના ને મીઠી નજર
તરી જાય, હોય ભલેને મહેરામણ.
ફાની આ દુનિયા થાશે નષ્ટ,
આકાર નિરાકાર સહુ એકાકાર
મળી જીંદગાની મહેરબાની
ફેલાવો હરદમ ખુશીને ઉલ્લાસ.
શૈલા મુન્શા તા. ૦૫/૨૫/૨૦૧૧
May 18th 2011
ના પ્રાર્થના, ના ગુજારિશ
ભીતર ઈશ ને ઈબાદત
ના શિકાયત ના સજા
હરદમ માફી ને ઈબાદત
નયન ઢુંઢે, ખુદા ન પાસ
શ્વાસે શ્વાસે શિવ ને ઈબાદત.
જીવ ને શિવ થાય એકાકાર
બને મોક્ષનો મારગ ઈબાદત
શૈલા મુન્શા. તા.૦૫/૧૮/૨૦૧૧
May 5th 2011
રસ્તો નજર સામેને મંઝિલ નથી મળતી,
દિવાનગી દિલમાંને આશિકી નથી મળતી.
છાઈ છે ખુશી હર તરફને મતવાલી મોસમ
ઢુંઢતી નજર સાથીને, નિશાની નથી મળતી.
ક્યાંક ટહુકતી કોયલ ને ખીલતી વસંત,
હંમેશ હવામાં મહેક મંજરીની નથી મળતી.
કોઇ માને ન માને છે ખુદા આસપાસ
માંગવાથી હરદમ ખુદાઈ નથી મળતી.
રસ્તો નજર સામેને મંઝિલ નથી મળતી,
દિવાનગી દિલમાંને આશિકી નથી મળતી.
શૈલ મુન્શા. તા ૦૫/૦૫/૨૦૧૧
April 26th 2011
હોઠ તો હસે પણ, ભીતર હૈયું હોય વેદના સભર;
શબ્દ તો નીકળે, પણ વાચા મૌન તે તો અલગ વાત છે.
ગગન ગોરંભાય, વાદળ વરસીને વિખરાય;
વ્યાકુળ ચાતક તરસે એક બુંદ, તે તો અલગ વાત છે.
પનિહારી પનઘટને ઘાટ, નિહાળતી પિયુની વાટ;
ના દુર દુર ઊડતી કોઈ ડમરી, તે તો અલગ વાત છે.
આવતી જોઇ વિપદા,સહુ શાહમૃગ ખોસે શિર રેત મહીં;
ડણક એક સાવજની ધ્રુજાવે જંગલ તે તો અલગ વાત છે.
એક લસરકે બદલાય ફલકને, સર્જાય ચિત્ર અવનવું;
કોઈ ચિત્રકાર પીંછી ન પકડે, તે તો અલગ વાત છે.
જનમ મરણ સહુ પ્રભુને હાથ, સ્વીકારે સહુ નત મસ્તકે;
એક સાવિત્રી લાવે સત્યવાન પાછો, તે તો અલગ વાત છે.
શૈલા મુન્શા. તા. ૦૪/૨૬/૨૦૧૧
www.smunshaw.wordpress.com
April 20th 2011
ખીલતી કળી વાત કહેતી જાય,
વાયરા સંગ મહેક ફેલાવતી જાય.
જીંદગી ભલેને હોય નાની મધુરી,
ખીલીને કરમાય, તોય ખીલતી જાય;
બીજમાંથી કળીને વળી ખીલે ફુલ અનેરૂં
સહીને દુઃખ, બસ સુગંધ રેલાવતી જાય.
આવરદા હો લાંબી કે ટુંકી, વાત ના કોઈ મોટી,
વિરમી પ્રભુ ચરણે, જીવન સાર્થક કરતી જાય.
ખીલતી કળી વાત કહેતી જાય,
વાયરા સંગ મહેક ફેલાવતી જાય.
શૈલા મુન્શા. તા. ૦૪/૨૦/૨૦૧૧
March 29th 2011
વિંધાય જો હૈયું તો નીતરે વેદના,
તીર જો પોતીકાનું, નીતરે વેદના.
અણજાણે ખાય ઠેસ તો, વિસારે વેદના,
જાણીને કરે કોઈ ઘાવ, નીતરે વેદના.
પશુ જગમાં ના કોઈ નિરર્થક વેદના,
શિકાર ક્ષુધા અર્થે, નહિ આપવા વેદના.
શબ્દોને પાલવડે હોય પ્રીતિ ને સ્નેહ,
ન કરો છિન્ન તાણાવાણા, અર્પી ને વેદના.
શૈલા મુન્શા તા.૦૩/૨૯/૨૦૧૧