May 7th 2012
જીવન રહે સદા વહેતું,કોઈ આવે ને કોઈ જાય છે.
ખીલ્યું તે કરમાય,ને આદિ તેનો અંત આવી જાય છે.
જ્યાં ધીખતી ધરા ચાતક જેમ તરસે એક બુંદ પાણી,
ત્યાં પ્રચંડ જલપ્રપાતે અખૂટ પાણી વહેતા જાય છે.
ધારી નહોતી જીવન મહી એકલતા આમ ઘેરાઈ જાશે,
સહુ પોતાના તોય, ન જાણે ક્યારે પારકાં બની જાય છે.
સુખ ને દુઃખ, ચડતી ને પડતી ક્રમ આ જીવનનો,
એક આશા અમર ને આશરે જીવન વહી જાય છે.
શૈલા મુન્શા. તા. ૦૫/૦૭/૨૦૧૨
April 10th 2012
રૂપલે મઢી આ રાત, વિણ સાજન ઘોર અંધાર
એકાંતે આવી તારી યાદ સજન.
સજી શોળ શણગાર, ભરી નયનોમા પ્યાર,
એકાંતે આવી તારી યાદ સજન.
કેવો કઠોર પ્રભુ, પિયુ સામે ને તોય ચુપચાપ
એકાંતે આવી તારી યાદ સજન.
ગળી ગયો કાળ મુજ પ્રિતમ, નહિ દર્શન ની કોઈ આશ
એકાંતે આવી તારી યાદ સજન.
મિંચાય નયન ને,બસ એક છબી અંતર મહીં આજ,
એકાંતે આવી તારી યાદ સજન.
શૈલા મુન્શા. તા૦૩/૨૪/૨૦૧૨
February 15th 2012
પાંપણ ઝુકે ન ઝુકે ત્યાં તીર સંધાયને,
હોઠ ખુલે ન ખુલે ત્યાં ગોઠડી મંડાય.
નયણે નીંદરે ઘેરાય ના ઘેરાયને
શમણાંની મધુરી મહેફીલ મંડાય.
કળી એક ખીલે ન ખીલે ઉપવનેને,
ભીની એ સુગંધનો મહેરામણ મંડાય.
બંસરી નો સુર ક્યાંક બજે ન બજેને,
ગોપી સંગ કાના નો રાસડો મંડાય.
કૃષ્ણ પ્રિતમની પ્રીતનું શમણું સર્જાયને,
મથુરા ને મારગ ઘેલી રાધાની નજરૂં મંડાય.
શૈલા મુન્શા. તા. ૦૨/૧૫/૨૦૧૨
January 20th 2012
લાલ પીળીને વાદળી
ઈંન્દ્રધનુના રંગે સોહાતી
જાય લહેરાતી વાદળો સંગ
પતંગ મારી ઊંચે ને ઊંચે.
કદી મરડાતી ડાબેને જમણે
કદી હોય ઉપર ને કદી નીચે
રંગોની આભા ભરી ગગને
પતંગ મારી ઊંચેને ઊંચે.
ઉન્નત મસ્તકે હોડ હવા સંગ
તોય ડોર મજબુત ધરા પર
ઝુમતી પટરાણી અંબર પર
પતંગ મારી ઊંચેને ઊંચે.
જીવન મારૂં વહે પતંગ સમ
સુખ દુઃખ રહે નીચે કે ઉપર
આત્મબળ ને સ્વમાન સદૈવ
ઉજાળે જીવન-જ્યોત ઊંચે.
શૈલા મુન્શા. તા ૦૧/૨૦/૨૦૧૨
January 4th 2012
અંતર ન રહે સ્વજનો થી
કદી ય અંતર થી.
ભલે વસે સૌ જોજનો દુર,
તોય કદીના અંતર, અંતર થી.
કદી કો સાવ નજદીક ને
પુરાયના અંતર કદી,
ભલે નજરો થી ઓઝલ તો યે
છલકાય જાય અંતર કદી.
રહી જાય રાત અધુરી,
ને રહી જાય વાત અધુરી.
રોક્યું રોકાયના જો હૈયું,
તો વહી જાય વાત અંતર થી.
વહેતી નદીના કિનારા બે,
રહે સામ સામે તોય અંતર,
જો હો ચાહતને, બસ વિશ્વાસ
એક પુલ મિટાવે સદા એ અંતર.
અંતર ન રહે સ્વજનો થી
કદી ય અંતર થી,
એક જ્યોત ઝગમગે
શ્ર્ધ્ધાને પ્રેમ ની અંતર થી.
શૈલા મુન્શા. તા ૦૧/૦૪/૨૦૧૨
December 14th 2011

વીતેલાં વર્ષો યાદોનો ખજાનો ભરી જાય,
ને બાકી જે પળ, દિલનુ ચેન હરી જાય!
વર્ષોની બાદબાકીને જીવનનો ગુણાકાર,
સરવાળે તો થઈ જાય દુઃખોનો ભાગાકાર!
વર્ષ એક ઉમેરાયને, અંત ઘડીનો ભાસ,
મનની મુરાદ એવી, મળે અમરત્વ કાશ!!
ચકડોળ ચાલે જિંદગીના સુખ દુઃખનું કેવું,
વલોવી હળાહળ, નિતારે અમૃતકુંભ જેવું!
વહીખાતાંમાં હિસાબ નફાતોટાનો જ લખાય,
મરણ બાદ માનવીના સત્કર્મો સદા જોવાય!
શૈલા મુન્શા. તા. ૧૨/૨૨/૨૦૨૦
November 7th 2011
રેખા હથેળીની બદલતી નથી કોઇ મંઝિલ,
ના હો હથેળી તોય બસ સલામત મંઝિલ.
સડક લાંબી યા ટુંકી, માનવી પહોંચે ના કદી મંઝિલ,
અડગ વિશ્વાસને દડમજલ, પહોંચાડે મંઝિલ.
આશ હૈયે ફુલનીને, ચુભ્યા કાંટા ન દિશે મંઝિલ,
જખમ એ વેદનાના, પહોંચાડશે જરૂર મંઝિલ.
ધુળ કચરાતી પગ તળે, નહિ કોઈ મંઝિલ
બની કોડિયું પાથરે ઉજાશ, પામે નિજ મંઝિલ.
ઓ માનવી!
ન બેસ ભરોસે નસીબને, ખુદ બનાવ મંઝિલ,
હામ બસ એવી, ખુદ ઢુંઢતી આવે તુજને મંઝિલ.
શૈલા મુન્શા. તા ૧૧/૭/૧૧
October 12th 2011
ભરમ બધાંય સંબંધ કેરા,
છણાવટ કોણ કરે?
કોણ પારકાં ને કોણ પોતીકાં,
છણાવટ કોણ કરે?
લીલેરી વનરાઈમાં ડાળ એક સુકી,
છણાવટ કોણ કરે?
બારે મેઘ ખાંગા ને તોય સાવ કોરાં,
છણાવટ કોણ કરે?
હોય પ્રિત સાચી ને પડે જો તિરાડ,
છણાવટ કોણ કરે?
મન, મોતી, ને કાચ ભાંગ્યા ના સંધાય,
ના ઈશ્વર, ના માનવી, કોઈની ના હામ.
છણાવટ કોણ કરે?
શૈલા મુન્શા. તા. ૧૦/૧૨/૧૧
September 9th 2011
વહેતો આ વાયુ લઈ જાય વાત ને,
ગોઠડી મંડાય.
સરખી સહિયર, ઘાટ પનઘટ ને,
ગોઠડી મંડાય.
ભરી સભા પંખીઓ સહુ ઝુલતા તારેને,
ગોઠડી મંડાય.
યૌવનને પગથાર બસ મળે નજરને,
ગોઠડી મંડાય.
ઝુલતા હિંડોળે રૂકમણિ સંગ કૃષ્ણને,
ગોઠડી મંડાય.
ઘડપણના આરે સાથી વિણ ઝુરતું હૈયુંને,
બસ ભીતર ગોઠડી મંડાય.
શૈલા મુન્શા. તા ૦૯/૦૯/૨૦૧૧
August 5th 2011
ગમ છુપાવી, છલકાવે ખુશી હૈયું
કંઈ કેટલા રાઝ છુપાવે આ હૈયું.
શ્રાવણ ની ઝરમર ને પિયુ પરદેશ
મિલન ની ઝંખના છુપાવે આ હૈયું.
ધન દોલત ને અમીરી ચારેકોર,
છુપાવે હાય ગરીબની આ હૈયું.
જીંદગીની સફરમાં સુખને દુઃખ,
પહોંચવા મુકામે જગવતું હામ આ હૈયું.
દીઠો ન પ્રભુ પણ માનવતા ઠેર ઠેર
દીપ એ શ્રધ્ધા નો પ્રગટાવતું આ હૈયું.
શૈલા મુન્શા. તા. ૦૮/૦૫/૨૦૧૧