October 3rd 2017

વિસ્મય!

હોઈ શકે શું દુનિયા ન્યારી,

વિમાસુ બેસીને બારીએ.

જાગતી ઈચ્છા ભરૂં એક ડગ,

નાનકડી કીકીમાં ડોકાતું વિસ્મય.

હશે શું મુજ જેવી નટખટ, ન્યારી!

ઝુમતા આ ફુલો સમ રંગીન, પ્યારી,

ભરૂં હરણફાળને વહું સમીર સંગ!

પગલું રહે અધ્ધરને થાય વિચાર ભંગ.

જો ગઈ ખોવાઈ તો,

મળશે કદી પાછી મુજ મા એ વહાલી?

મળશે કદી પાછી મુજ મા એ વહાલી?

શૈલા મુન્શા

July 15th 2015

શિખામણ ધીરૂદાદાની

(૯૭ વર્ષના ધીરૂદાદા, અમારી ગુજરાતી સાહિત્ય સરિતા ના માનવંતા વડીલ, અડીખમ લેખક, બધા માટે પ્રેરણાદાયી, સદા યુવાન શ્રી ધીરૂભાઈ શાહ પર લખાયેલી અછાંદસ કવિતા જે દાદા ને અર્પણ છે.)

કહેવાની વાત કોઈ રહી જાય ના,

જીવવાની રીત કોઈ વહી જાય ના!

આજ તો આજ છે, વિતેલા નો વિચાર શું!

કાલ ગઈ વીતી, ને કાલની ચિંતા શું?

બસ આજ છે જિંદગી, રળિયામણી!

છે એક ગુપ્ત રહસ્ય દીર્ઘ વયનુ કહું છું ખાસ,

દોસ્તી પુસ્તકો સંગ, તો ઉંમર નો શો હિસાબ!

લીધી કલમ હાથમાં પત્નિ વિયોગે ઢળતી વયે,

શરૂ થયો નવો અધ્યાય જીવનનો સાહિત્ય સંગ

સરળતા અને ભાવ ભક્તિ વહી કાવ્ય રૂપે,

થયો આત્મસંતોષ, પામ્યા પ્રસિધ્ધિ દેશ પરદેશ!

ચાલશે, ફાવશે અને ગમશે જો ઉતારો જીવનમાં,

એ મંત્રને, પ્રેમાળ સ્વભાવ અપાવે આદર ને માન!

છે નિરામય તંદુરસ્ત જીવન ચાર પેઢી સંગ,

ના કોઈ ફરિયાદ કદી, રહસ્ય એ સત્તાણુ વર્ષનુ!

ભરી દીધું જોમ દાદા તમે, આજ અમ જીવનમા,

મળીને તમને, મળ્યો મારગ આ જીંદગી માણવાનો.

શૈલા મુન્શા. તા ૧૧/૧૮/૨૦૧૮

June 22nd 2015

મલકતું મૌન!

thcti2tkmtgoing-down-slides1

મૌન ને પણ હોય છે ભાષા,સાંભળી છે કદી,

કશું કહેવાની ક્યાં જરૂર, અનુભવી છે કદી?

કીડીઓ ની ચાલતી હાર ને,નિહાળતુ બાળ

વાંચ્યુ છે કુતૂહલ આંખમાં એની કદી?

રોજ લસરવું લસરપટ્ટી પર, રોજ આનંદને ખુશી,

કલકલતું હાસ્ય, એ નિર્દોષતા માણી છે કદી?

આવે કોઈ યાદ પાંપણને કોર, ને થનગને હૈયુ,

મલકતા એ મૌન ની મોંઘેરી મિરાત જાણી છે કદી?

ખરબચડા હાથ વરસાવે વહાલ તમ શિરે,

શબ્દ બને મૌન, એ મમતા પામી છે કદી?

મૌનને પણ હોય છે ભાષા, સાંભળી છે કદી?

શૈલા મુન્શા તા. ૦૬/૧૭/૨૦૧૫

May 31st 2015

પ્રકોપ – વા વાયાને વાદળ ઉમટ્યાં

વા વાયાને વાદળ ઉમટ્યા, ત્યાં સુધી તો ઠીક છે મારા ભાઈ!
પણ વિફરે જો વાદળને કરે કડાકા તો કરીએ શું મારા ભાઈ?

ગગન ગોખલે ઉજાશ કરે જો વિજળી, ત્યાં સુધી તો ઠીક છે મારા ભાઈ!
પણ ત્રાટકે જો વિજળીને વન બળે લીલુડાં, તો કરીએ શું મારા ભાઈ?

રણની રેત જાણે લાગે મખમલી સેજ, ત્યાં સુધી તો ઠીક છે મારા ભાઈ!
ફુંકાય બની વંટોળ એ રેતને નગર બને કબર તો કરીએ શું મારા ભાઈ?

વરસાદી મોસમને નદીનો કિનારો, ત્યાં સુધી તો ઠીક છે મારા ભાઈ!
ધસમસતા વેગે વહેતી એ નદી ફેલાવે વિનાશ, તો કરીએ શું મારા ભાઈ?

ભલાઈનો બદલો મળે ભલાઈથી, ત્યાં સુધી તો ઠીક છે મારા ભાઈ!
કદી મળે ઉપકારનો બદલો અપમાનથી, તો કરીએ શુંમારા ભાઈ?

વા વાયાને વાદળ ઉમટ્યા, ત્યાં સુધી તો ઠીક છે મારા ભાઈ!
પણ વિફરે જો વાદળ તો કરીએ શું મારા ભાઈ, કરીએ શું મારા ભાઈ!!

શૈલા મુન્શા. તા ૦૫/૨૯/૨૦૧૫

May 31st 2015

મા ની આશિષ!

ઝુરતી આંખો આજે પણ ને,
નીતરતા આંસુ આજે પણ!

રહેતી જે છબી દિલના ખુણે,
હર શ્વાસમાં વસે તું આજે પણ!

ક્યાંથી લાવું એ વહાલભર્યો સ્પર્શ,
નથી પાસે તોય, શોધું આજે પણ!

હતી પાસે તો કરી ના માવજત,
શીખ તારી કરૂં યાદ આજે પણ!

પાલવે બાંધી તુજ વહાલની પોટલી
માવડી નત મસ્તકે વંદુ આજે પણ!

શૈલા મુન્શા. તા. મે ૭/૨૦૧૫

गमगीन है आंखे आज भी, और;
बरस रही है आंखे आज भी।

रहेती थी जो छबि दिलके कोने में,
हर श्वासमें बसी तुं आज भी!

कहांसे लाउं वह प्यारा सा अहेसास,
नहि आसपास, ढुंढु फिर तुझे आज भी।

जब थी पास, न कि कोई तरफदारी,
मशवरा तेरा करती हुं याद आज भी।

पल्लुसे बांध रख्खी है तेरे स्नेहकी अमानत,
मां नत मस्तक करती हुं प्रणाम आज भी!

शैला मुन्शा
www.smunshaw.wordpess.com

November 23rd 2014

તે પહેલા!

માણવી છે એકલતા કોઈ આપે તે પહેલા,
છુપાવવા છે જખમ કોઈ પામે તે પહેલા.

સમેટી લઉં હાથેળીમાં રેત આ સરી જતી,
બાંધવા છે મિનારા હેતના, તુટે તે પહેલા.

દોરંગી આ દુનિયાની રીત સાવ નિરાળી,
કરૂં સાબદું મન, હૈયું ઝુરે તે પહેલા.

સંબંધોની વણઝારમાં અટવાય માનવી,
સહેવી છે વેદના, કોઈ થોપે તે પહેલા.

પ્રેમ ને વિશ્વાસ માગ્યા મળે ના કદી,
ગોપાવી દુઃખ વહેંચુ પ્રેમ,કોઈ રોકે તે પહેલા.

શૈલા મુન્શા તા. ૧૧/૨૩/૨૦૧૪

January 21st 2014

આવી પાનખર!

કદી ધાર્યું નહોતુ આવશે પાનખર,
પણ ભર વસંતે આવી પાનખર!

વૃક્ષે વિંટળાતી એ વેલ ને ફુટી એક કુંપળ,
લહેરાય એ કુંપળ, તે પહેલા આવી પાનખર!

છબી મનોહર કલ્પી મનગમતા સાથ ની
ચિતરાય અવનવા રંગે, તે પહેલા આવી પાનખર!

હૈયા મહી સળવળે સપના માઝમરાત ના,
આવે અસવાર આંગણ, તે પહેલા આવી પાનખર!

કદી એમ ધાર્યું નહોતું, આવશે પાનખર,
ઘવાઈ જીંદગી ને, ભર વસંતે આવી પાનખર!

શૈલા મુન્શા. તા ૦૧/૨૧/૨૦૧૪

October 15th 2013

ઈશ્વર

કોઈ રાખે ન રાખે, ઈશ્વર ખબર રાખે છે!
એજ તો આસ્થાનો ખજાનો ભરપુર રાખે છે.

નિયતમાં ન હો ખોટને, માણસાઈ જ ધરમ,
એજ તો આસ્થાનો ખજાનો ભરપુર રાખે છે

વાવો તેવું લણો ને કરો તેવું પામો,
એજ તો આસ્થનો ખજાનો ભરપુર રાખે છે.

સફર હો લાંબી કે ટુંકી, વિશ્વાસ સાથીનો,
એજ તો આસ્થાનો ખજાનો ભરપુર રાખે છે.

કાજળ કાળી રાતને અંતે ઉગતું સોનેરી પ્રભાત,
એજ તો આસ્થાનો ખજાનો ભરપુર રાખે છે.

કોઈ રાખે ન રાખે ઈશ્વર ખબર રાખે છે.
એજ તો અમારી આસ્થાનો ખજાનો ભરપુર રાખે છે.

શૈલા મુન્શા તા. ૧૦/૧૫/૨૦૧૩

September 22nd 2013

હિસાબ કોણ રાખે!

ખરે એક પાન વૃક્ષથીને ખરે એક જીંદગી જીવનથી,
કચરાય એક પગ તળે, એક મન તળે, હિસાબ કોણ રાખે!

આથમેના સૂરજ, તો મૂલ્ય ના કોઈ અજવાસનું,
હો ઉજાસ હરદમ, ના કિંમત અંધારની, હિસાબ કોણ રાખે!

જાળવ્યાં જેને જતન માવજતથી ગણી આંખની કીકી,
આંખડી તરસતી રહે પામવા જતન, હિસાબ કોણ રાખે!

હો સાથી સંગ જીવવાની આરઝુને, મોત રોકે મારગ,
અંતિમ પડાવે ઝુરે હૈયું એકાંતે, હિસાબ કોણ રાખે!

ખરે એક પાન વૃક્ષથીને ખરે એક જીંદગી જીવનથી,
ક્ચરાય એક પગ તળે, એક મન તળે, હિસાબ કોણ રાખે!

શૈલા મુન્શા તા. ૦૯/૨૨/૨૦૧૩

May 21st 2013

સદા

હોય ભલે ને પાસે તોય દુર સદા,
મિલનની આશ તોય વિરહ સદા.

ક્ષિતીજે મળતાં આ ધરતીને નભ,
ભ્રમણા નજરની, બસ છે દુર સદા.

પ્રેમીને મન કૃષ્ણ રાધાની પ્રીત અમર,
ગયો કાનો છોડી ગોકુળ, અટુલી રાધા સદા.

મુસીબતોની ખાઈમાં છોને ઘેરાય માનવી,
હો હામ હૈયે તો, થાય ઊભો માનવી સદા.

વિનંતી બસ પ્રભુ ને કરૂં આજ એટલી,
ઝીલી પડકાર, ઝઝુમું જીવનભર સદા.

હોય ભલેને પાસે તોય દુર સદા,
મિલનની આશ તોય દુર સદા.

શૈલા મુન્શા. તા ૦૫/૨૦/૨૦૧૩

« Previous PageNext Page »
Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.