સ્ટોપ સાઈન
સ્ટોપ સાઈન પર સંપુર્ણપણે રોકાવાની ‘ગુડ હેબીટ’ જરુરી છે! યોગ્ય કાળજી ન લેનારને 100 ડોલરનો (રુપીયા 8,300/-) દંડ થાય. રોડ એક્સીડેન્ટ ત્યારે જ રોકાય જ્યારે ટ્રાફીકા નીયમો સખ્તાઈપુર્વક પાળવામાં આવે. આપણે ત્યાં ટ્રાફીકના નીયમોની જાણકારી જ ઓછી છે એટલે નીયમોનું પાલન થતું નથી.
જ્યાં સ્ટોપ સાઈન ત્યાં
આખું અમેરીકા ઉભું રહી જાય છે !
✒ રમેશ સવાણી
નીખીલ બદલાણી
રોડ એક્સીડેન્ટ ત્યારે જ રોકાય જ્યારે ટ્રાફીકા નીયમો સખ્તાઈપુર્વક પાળવામાં આવે. આપણે ત્યાં ટ્રાફીકના નીયમોની જાણકારી જ ઓછી છે એટલે નીયમોનું પાલન થતું નથી.
ન્યુજર્સીના પારસીપેની વીસ્તારની વસાહતમાં દરેક ક્રોસ રોડ આગળ ‘Stop’ની સાઈન હોય છે. વાહન ચાલકે આ સાઈન પાસે વાહનને ઉભું રાખી દેવું પડે અને ક્રોસ રોડ પરથી આવતા વાહનોને પસાર થવા દેવા પડે. કોઈ વાહન આવતું ન હોય તો ‘સ્ટોપ’ સાઈન પાસે રોકાયા વીના વાહન ચલાવી શકાય નહીં. રાત્રે બે વાગ્યે વાહન લઈને જતા હોઈએ ત્યારે કોઈ ટ્રાફીક આવતો ન હોય તો પણ સ્ટોપ સાઈન પર એક વખત ઉભા રહીને જ આગળ વધી શકાય. આ બાબતની મને શરુઆતમાં નવાઈ લાગતી હતી; પરન્તુ સ્ટોપ સાઈન પર સંપુર્ણપણે રોકાવાની ‘ગુડ હેબીટ’ જરુરી છે! ટુંકમાં જ્યાં સ્ટોપ સાઈન ત્યાં આખું અમેરીકા ઉભું રહી જાય છે! યોગ્ય કાળજી ન લેનારને 100 ડોલરનો (રુપીયા 8,300/-) દંડ થાય.
ડ્રાઈવર મેન્યુઅલના પેજ-32 પર ‘Safety Pledge to Nikhil/Stop for Nikhil–સલામતીની પ્રતીજ્ઞા/નીખીલ માટે ઉભા રહો’ વીશે જણાવ્યું છે. આ માટે 1 માર્ચ 2016ના રોજ કાયદો બન્યો છે. શું છે આ પ્રતીજ્ઞા?
ધ પ્લેજ-પ્રતીજ્ઞા
“રસ્તા પરના અન્ય લોકોની સલામતી સુનીશ્ચીત કરવા માટે, મારી કારના મુસાફરો અને હું ડ્રાઈવર તરીકે, જ્યારે હું વાહન ચલાવીશ ત્યારે ટ્રાફીક નીયમોનું પાલન કરવાની/વધુ સાવધ/ સર્વોચ્ચ સચેત રહેવા પ્રતીજ્ઞા લઉં છું-
સંપુર્ણ સ્ટોપ થઈશ!
સ્ટોપ સાઈન પર સંપુર્ણપણે સ્ટોપ થઈશ. અને લાલ લાઈટ હોય ત્યારે ક્યારેય પસાર થઈશ નહીં.
એલર્ટ રહીશ!
હું મારા હાથને સ્ટીયરીંગ વ્હીલ પર અને મારું મન રસ્તા પર રાખીશ.
સલામત વાત કરીશ!
હું ડ્રાઈવીંગ કરતી વખતે હેન્ડ્સ-ફ્રી સેલફોન સીસ્ટમનો ઉપયોગ કરીશ; પરન્તુ ટેક્સ્ટ મેસેજ નહીં કરું કે હેન્ડહેલ્ડ ફોનનો ઉપયોગ કરીશ નહીં, જરુર પડે તો રોડની એક બાજુ વાહન ઉભું રાખી વાત કરીશ.
આગળથી પ્લાન કરીશ!
હું મારી જાતને કોઈપણ ગંતવ્ય પર જવા માટે વધારાની 5 મીનીટ આપીશ.”
મને જીજ્ઞાસા થઈ કે નીખીલનું નામ અહીં કેમ? 11 જુન 2011 રોજ, સાઉથ ઓરેન્જમાં એક કાર લેનોક્સ એવન્યુને ક્રોસ કરતી વખતે ‘સ્ટોપ’ સાઈન ચુકી ગઈ હતી. જેથી સુનીલ બદલાણીના વાહન સાથે અથડાઈ હતી. તે સમયે ત્રીજી કારે સુનીલ બદલાણીની કારને ટક્કર મારી હતી. સુનીલભાઈનો પુત્ર નીખીલ (11) પાછળની સીટમાં બેઠો હતો, તેને માથામાં જીવલેણ ઈજા થતાં ઘટનાસ્થળે જ તે મૃત્યુ પામ્યો! નીખીલના પરીવારે નીખીલને ઉદાસીમાં નહીં પરન્તુ આનન્દમાં યાદ કરવામાં આવે તે માટે વીચાર્યું. પીતા સુનીલભાઈ, માતા સંગીતાબેન બદલાણી અને તેમના ભાઈ Anay-અનયે નીખીલના નામે એક ફાઉન્ડેશન બનાવ્યું અને ‘સ્ટોપ ફોર નીખીલ’ સુત્ર સાથે રાહદારીઓ અને ટ્રાફીક સુરક્ષા માટે ઝુંબેશ શરુ કરી. નીખીલ માયાળુ/સંગીત પ્રત્યે ઉત્સાહી/શૈક્ષણીક રીતે હોશીયાર હતો. તેથી વીદ્યાર્થીઓ, સંગીતકારો તરીકે ઉત્કૃષ્ટ દેખાવ કરનારા યુવાનોને શીષ્યવૃત્તી પુરી પાડવાનું કામ શરુ કર્યું. સાઉથ ઓરેન્જ વીલેજની ટાઉનશીપે ક્રોસરોડને ‘નીખીલ માર્ગ’ નામ આપ્યું છે. નીખીલના પીતાએ પોસ્ટ ટ્રોમેટીક સ્ટ્રેસ ડીસઓર્ડર, અનીદ્રા, ચીંતા અને ડીપ્રેશન સબબ દાવો કર્યો હતો, જે 3.55 મીલીયન ડોલરમાં (રુપીયા 29,42,49,915/-માં) સેટલ થયો હતો !
અમદાવાદની જ વાત કરીએ. વસ્ત્રાપુરની વસાહતોના ક્રોસ રોડ પાસે ‘Stop’ સાઈન જોવા મળતી નથી, એના કારણે ઘણા અકસ્માતો થાય છે. બીજા શહેરોની પણ આ હાલત છે. સ્ટોપ એટલે સ્ટોપ, આટલું આપણે શીખી શક્યા નથી! વળી રોડ પર બાળકો ભોગ બને ત્યારે તેમાંથી બોધપાઠ લઈ ‘સ્ટોપ ફોર નીખીલ’ જેવી ઝુંબેશ શરુ કરવા કે સ્થળ/રોડને ભોગ બનનાર બાળકનું નામ આપવાને બદલે ખંધા રાજકીય નેતાના/સંપ્રદાયોના સ્વામીઓના નામ આપવામાં આવે છે!
‘નીખીલ પ્રતીજ્ઞા’ સુચવે છે કે અમેરીકામાં નાગરીકનું મહત્વ છે!
તા. 4 માર્ચ, 2024ના રોજ ‘ફેસબુક’ પર પ્રગટ થયેલ લેખકની પોસ્ટ (સ્રોત : https://www.facebook.com/ramesh.savani.756/posts/pfbid034jtGDqX3Nqvyr1eJoroSxQuXea7vuScFPMMfS5xGvPWUAQYAHG3cuaggaiyZibsjl )માંથી, લેખકના અને ‘ફેસબુક’ના સૌજન્યથી સાભાર…
લેખક સમ્પર્ક : શ્રી રમેશ સવાણી, નીવૃત્ત આઈ.પી.એસ. અધીકારી ઈ.મેલ : rjsavani@gmail.com
નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા દર શુક્રવારે સવારે મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. તમારી આતુરતા ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ.
અક્ષરાંકન : ગોવીન્દ મારુ – govindmaru@gmail.com
પોસ્ટ કર્યા તારીખ : 12–04–2024