September 20th 2022

નવીનભાઈ બેન્કર -શ્રધ્ધાંજલિ

બીજી પુણ્યતિથિએ નવીનભાઈને ભાવભરી શ્રધ્ધાંજલિ

अच्छा चलता हुं,
दुआओमें याद रखना;
मेरे झिकरका जुबांपे स्वाद रखना।

दिलके संदूकोमें
मेरे अच्छे काम रखना,
चिठ्ठि तारोमें भी;
मेरा तु सलाम रखना।

अंधेरा तेरा मैने ले लिया,
मेरा उजला सितारा तेरे नाम किया;

महेफिलमें तेरी,
हम ना रहे जो;
गम तो नहि है!

तेरे रुखसे अपना रास्ता,
मोडके चला!
चांद हुं मैं,
अपनी खुश्बू छोडके चला।

मनकी माया रख के
तेरे तकिये तले,
बैरागीका सुती चौला;
ओढके चला।

આ ગીત એના બોલ અને આ મુવી “ઐ દિલ હૈ મુશ્કિલ” મને ગમતાં ઘણા મુવીઓમાંનું એક છે. આજે આ ગીત સાંભળી રહી હતી અને યાદ આવી ગયા નવીનભાઈ.
જિંદગીના અંતિમ પડાવે આ ગીત એના શબ્દો એમની જિંદગીની દાંસ્તા વર્ણવે છે. મન મોજીલા નવીનભાઈ મરણને કેટલી સહજતાથી લઈ શક્યા એ એમની ઈમૈલ દ્વારા ઘણા મિત્રોને ખબર છે. નાટકના જીવ છેલ્લી ઘડી સુધી એમની વાતો સાચી છે કે કોઈ નાટકિય અદા એના ભ્રમમાં જ અપણે રહીએ. કેટલો ખજાનો ભર્યો હતો એમની પાસે! કેટલાય કલાકારો, લેખકો, કવિઓની મુલાકાતથી ભરેલા એમના આલ્બમો, અઢળક ફોટા, પુસ્તકોનો ખજાનો!!!
એમના જ શબ્દોમાં,
“આ યાદોની તવારિખની વાતો લખું તો એક આખું પુસ્તક થઈ જાય”
સલમાનખાનને હું વેસ્ટહેમર સ્ટ્રીટ પર એક ગીટાર સ્ટોરમાં લઈ ગયેલો. સંજય દત્તને હોટેલ હિલ્ટનની બાજુમાં આવેલી કોલોરાડો નાઈટક્લબમાં રાત્રે એક વાગ્યે લઈ ગયેલો. શક્તિકપૂરને વોલમાર્ટ માં ખરીદી કરવા લઈ ગયેલો. વીલન રણજીતને અને એક્ટ્રેસ મધુને હિલક્રોફ્ટ પર આવેલા એક રેસ્ટોરન્ટમાં ઢૉસા ખવડાવવા લઈ ગયેલો.. લતા મંગેશકર માટે ડીનર લઈને હોટલ પર ગયેલો અને તેમણે જમી લીધું ત્યાં સુધી હું તેમની સાથે રહેલો. સલમાન અને સંગીતા બિજલાનીના ફોટા, મેં હિલ્ક્રોફ્ટ પરની હિલ્ટન હોટલના પાર્કીંગ લોટમાં પાડ્યા હતા. બબિતા ( કરિશ્મા અને કરીનાની મમ્મી) ને લઈને આઇ-ટેન અને ગેસ્નર પાસેના એક મોલમાં ખરીદી કરાવવા લઈ ગયેલો અને કરિશ્માનો શો અમે સાથે બેસીને માણ્યો હતો. જયા ભાદુરી, પદ્મારાણી, હેમા માલિની સાથે પણ ખુબ યાદો છે.”
પોતાની જાત વિશે પણ હસી શકે એવું ઉમદા વ્યક્તિત્વ નવીનભાઈનુ.
પોતાની ઓળખ આપવાની એમની રમુજી રીત તો જુઓ,

“અમારે હ્યુસ્ટનમાં એક ‘કાકા’ રહે છે. આમ તો એ ખરેખર ઉંમરને હિસાબે કાકા જ છે. પણ એ જુદા જુદા સ્થળે જુદા જુદા નામથી ઓળખાય છે.

દર ગુરૂવારે એ હિલક્રોફ્ટ એવન્યુ પર આવેલા પટેલ બ્રધર્સમાં ગુજરાત સમાચાર અને ગુજરાત ટાઇમ્સ નામના ગુજરાતી છાપાં ખરીદવા જાય ત્યારે પહેલા ફોન પર પુછી લે કે ‘ભાઈ, છાપાં આવી ગયા ? કાઉન્ટર પરથી જવાબ મળે કે ‘હા…આવી ગયા. આવી જાવ, કાકા’. એ પછી જ કાકા સ્ટોર પર જાય એટલે પેલો કાઉન્ટર પર ઉભેલો માણસ બીજાને કહે કે ‘પેલા છાપાવાળા કાકા આવી ગયા છે . તેમને બન્ને છાપાં આપી દો..’ અહીં એ કાકા,’ છાપાવાળા કાકા ‘તરીકે જ ઓળખાય.

એ જ સ્ટ્રીટ પર, શુભલક્ષ્મી ગ્રોસરી સ્ટોર પર, ગરમ ગરમ રોટલીનું પેકેટ લેવા જાય ત્યારે, કાઉન્ટર પરની છોકરી , અંદર રોટલી કરતા બહેનને ફોન પર જણાવે કે ‘પેલા રોટલીવાળા કાકા આવી ગયા છે. તેમનું પેકેટ બહાર કાઉન્ટર પર આપી જાવ.’
અહીં આ કાકાનું નામ ‘રોટલીવાળા કાકા’ તરીકે જ જાણીતું.

મંદીરમાં, પત્નીના ડ્રાઇવર તરીકે , જાય ત્યારે બાંકડે બેઠેલા અન્ય કાકાઓ તેમને ‘નાસ્તિક કાકા’ તરીકે ઓળખે. બાંકડે બેઠેલાઓને ‘નાસ્તિક’ અને ‘રેશનલ’ વચ્ચેના ભેદની ખબર નથી હોતી.

મંદીરાના કોઇ ઉત્સવ વખતે, મંદીરની દીકરીઓ આ કાકાને તેમના ગ્રુપના ફોટા પાડવા અને એ અંગે અહેવાલ લખવા વિનંતી કરે ત્યારે એ કાકા ‘ફોટાવાળા કાકા’ તરીકે ઓળખાય.

અહીં કોઇને તેમના ઓરીજીનલ નામની ખબર જ નથી. અને આ ફુલણજી કાગડો પોતે કોઇ બહુ મોટો જાણીતો માણસ થઈ ગયો છે એવા ભ્રમમાં જીવે છે.
શ્રીરામ…શ્રીરામ…”
આવા અને કેટલાય અનુભવો ગુજરાતી સાહિત્ય સરિતાના એમના બ્લોગ “એક અનુભૂતિ એક અહેસાસ” પર વાંચવા મળશે.
એમના જીવન વિશે, ભાઈ બહેનો, પત્ની, સમાજ, વિશેષ મુલાકાતો અને એમના વિવિધ ફોટાઓથી આ બ્લોગ પોતે જ એક ખજાનાથી કમ નથી.
મારૂં અને પ્રશાંતનુ એ સૌભાગ્ય છે કે એમની સાથે કેટલીય ઉમદા પળો માણવાનો મોકો મળ્યો છે, એમના નાટકિય હાવભાવમાં ખૂબ બધા પ્રસંગોનુ વર્ણન સાંભળતાં સમયનુ ભાન નથી રહ્યું. ખાવાના શોખીન પણ ગુજરાતી વાનગી સિવાય ખાસ બીજું ના ભાવે. મારા ઘરમાં નાસ્તાના ડબ્બા, એમને ભાવતી કાજુ કતરી બધું એમને ખબર અને જાતે ડબ્બો ખોલી ખાવાની આઝાદી!!!

પોતાના વિચારોને કોઈ ડર વગર રજૂ કરવાની ખુમારી ધરાવતા, આવી બહુમુખી પ્રતિભા માટે જ જાણે આ ગીત સર્જાયું હોય એવું લાગે છે.

अच्छा चलता हुं,
दुआओमें याद रखना;
मेरे झिकरका जुबांपे स्वाद रखना।

महेफिलमें तेरी,
हम ना रहे जो;
गम तो नहि है!

तेरे रुखसे अपना रास्ता,
मोडके चला!
चांद हुं मैं,
अपनी खुश्बू छोडके चला।

અસ્તુ,

શૈલા મુન્શા તા.૨૦/૦૯/૨૦૨૨

September 9th 2022

સંભારણું -૧૧- શ્રધ્ધાંજલિ

શ્રાવણ મહિનો આવે અને ભારતમાં તહેવારોની મોસમ શરુ થઈ જાય. ભારતમાં આમ તો બારેમાસ કોઈને કોઈ તહેવાર ઉજવાતા હોય છે. અનેકતામાં એકતા અને સર્વધર્મ સમભાવનાના આપણા દેશમાં તહેવારોની ક્યાં ઓછપ હોય છે!
હમણા ગણેશોત્સવના તહેવારની ખૂબ ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. પરંપરાગત ઘરમાં અને સાર્વજનિક રુપે આ તહેવાર ઉજવાય છે. શ્રી લોકમાન્ય ટિળકે પરતંત્ર ભારતની જનતામાં જોશ અને દેશભાવના જાગૃત કરવા આ તહેવારની શુભ શરૂઆત કરી હતી અને આજે ફક્ત ભારતમાં જ નહિ, દુનિયાભરમાં ખૂબ ઉત્સાહપૂર્વક બાપ્પાની પધરામણી અને વિસર્જન થાય છે.
તહેવારો સાથે મારા અંગત સંબંધો અને લાગણી જોડાયેલા છે.સામાન્યતઃ કદાચ બધાને અમુક તહેવાર પ્રતિ વિશેષ લાગણી કે લગાવ હોઈ શકે!!
જ્યારે પણ ગણેશોત્સવનો તહેવાર આવે છે, મારું મન અચૂક સ્મરણોના એ મુકામ પર પહોંચી જાય છે જે મારા જીવનની વસમી વાસ્તવિકતા, દર્દને ઝંઝોડી દે છે!!
૧૯૭૨ ભાદરવા સુદ બીજ! એ કાળ ચોઘડિયે અમે ભાઈ બહેનોએ અમારી માતાને અકસ્માતમાં ગુમાવી. એ કારમી પળ એ યાતના મારા જીવન સાથે સતત વણાયેલી છે જેને હું એક પળ પણ વીસરી શકતી નથી. પિતા તો અમે પહેલા જ ગુમાવ્યા હતા અને આ બીજો કારમો વજ્રાઘાત!! મારી સાથે નાની બહેન અને સાવ નાનકડો ભાઈ જેને સમજ પણ નહોતી કે શું થઈ રહ્યું છે?
મારું આ સંભારણું ફક્ત દુઃખદ યાદોનુ જ નથી, પણ એ દુઃખમાં જે સહારો મળ્યો એ સ્મરણનોને મોગરાના ફુલની જેમ મઘમઘતા રાખવાનો છે. નાના, નાનીએ તો અમને સંભાળી જ લીધાં, પણ મારી બાળપણની સખી નયના અને એનો પરિવાર જે મને એમની ત્રીજી દીકરી જ ગણતા એની બહુ મોટી ઓથ મળી.
બે દિવસ પછી ભાદરવા સુદ ચોથ. ગણપતિ બાપ્પાની પધરામણીનો દિવસ. નયનાને ત્યાં વર્ષોથી બાપ્પાની પધરામણી થાય અને હું અને મારો પરિવાર એ ઉત્સવનો અવિભાજ્ય અંગ હોઈએ.
મને બરાબર યાદ છે ૧૯૭૨નો એ દિવસ!! મમ્મીના અવસાનને બે દિવસ થયા હતા, મારી એ નાસમજ ઉમરમાં મને કોઈ ધાર્મિક રિવાજોનો ખ્યાલ નહોતો, કે કોઈ સૂતક લાગે એવો ખ્યાલ નહોતો. નાના ઘણા સુધારાવાદી હતા અને મારા મમ્મીની ખાસ બહેનપણીનો દીકરો રાજુ અમને નયનાને ત્યાં લઈ ગયો. ત્યાં પણ બધાએ સહજતાથી અમને આવકાર્યા, આરતીમાં ભાગ લેવા દીધો અને ખાસ તો મારા નાનકડા ભાઈ પાસે પ્રેમથી આરતી કરાવી, મોદક ખવડાવી ખુશ કરી દીધો.

મમ્મીના અવસાન પછી અને મારા લગ્ન પછી મારા માટે પિયર જવાના એક નહિ પણ ત્રણ ત્રણ ઘર હતાં. નાના નાની તો કલકત્તા હતા અને મારા ભાઈ બહેન પણ એમની સાથે કલકત્તા હતાં, પણ મુંબઈમાં નયનાનુ ઘર, જ્યોત્સનાબહેન અને નીલા જે મારી નાની બહેનની ખાસ સખી હતી એનુ ઘર.
આજે એ દિવસો યાદ કરું છું ત્યારે મન અહોભાવથી તૃપ્ત થઈ જાય છે. નયનાને ત્યાં મારા બાળકોના જન્મ પછી જ્યારે પણ જઉં, ઘર આખું મારા બાળકો પાછળ ઘેલું થઈ જાય, કારણ ઘરમાં હજી બીજા કોઈ નાના બાળકનુ આગમન નહોતું થયું. એ લાડ અને પ્રેમ નાના, નાનીનો મારા બાળકોને અનરાધાર મળ્યો અને આજે પણ મારી દીકરી અને દીકરો એમને મામા, કે માસી કહીને જ બોલાવે છે.

મને બરાબર યાદ છે નયનાનો નાનો ભાઈ રાજેશ ત્યારે મુછ રાખતો અને મારી નાનકડી દીકરી શ્વેતા જ્યારે પણ રાજેશના હાથમાં હોય, શ્વેતાના ગાલને મુછથી હેરાન કરતો, પણ શ્વેતાને મજા આવતી અને એ મુછ ખેંચવાનો પ્રયાસ કરતી. આજે પણ જ્યારે વાત થાય રાજેશ શ્વેતાના નટખટ તોફાનોને યાદ કરતો રહે છે.
નીલાના મમ્મી પદ્માબહેન જેને અમે સહુ બા કહેતા, એમણે ઘરમાં પારણાઘર શરું કર્યું હતું અને હું લગભગ બે ચાર મહિને એમને ત્યાં રહેવા જતી. મારા બાળકોને ત્યાં ખૂબ મજા આવતી અને પારણાંઘરના શિક્ષકો પણ એમને વિશેષ લાડ કરતાં. નીલાના લગ્ન પછી દિપક એના પતિનો પણ એટલો જ સાથ સહકાર મળતો રહ્યો.
જ્યોત્સનાબહેન મારા મમ્મીના અવસાન પછી તરત મારે ત્યાં આવ્યા, પપ્પાના અવસાન પછી મમ્મી હમેશા આછા કલરની સાડી પહેરતી, ભુરી, કે બદામી કે રાખોડી. જ્યોત્સનાબહેન જેને રાજુ, વિહારની જેમ અમે પણ મા કહીને જ બોલાવતા એમણે મારા કબાટમાંથી એ બધી સાડીનુ પોટલું વાળી અનાથાશ્રમમાં મોકલાવી દીધું અને સરસ રંગીન સાડીઓનો જથ્થો મારા કબાટમાં ગોઠવી દીધો. મમ્મી જે સ્કૂલમાં શિક્ષિકા હતી ત્યાં મને મમ્મીની જગ્યાએ નોકરી આપી મમ્મી પ્રત્યેનો આદર વ્યક્ત કર્યો હતો અને મા નહોતા ઈચ્છતા કે હું એવી આછા કલરની સાડી પહેરી નોકરીએ જઉં. જ્યોત્સનાબહેનનો દીકરો રાજુ જ્યારે અમે બે બહેનોને ભાઈ નહોતો ત્યારે એક રક્ષાબંધને દરવાજે આવી ઊભો, રાખડી બંધાવી અને આજ પર્યંત સગા ભાઈથી વિશેષ સંબંધ જાળવ્યો છે.
સ્મરણોની આ કેડી પર જ્યારે પાછળ ફરીને નજર કરું છું ત્યારે હૈયું ખુશીથી છલકાઈ ઉઠે છે. કેટલો પ્રેમ, આદર, લાગણી હું પામી છું. બા નથી રહ્યાં, મા નથી રહ્યાં, નયનાના મમ્મી, પપ્પા નથી રહ્યાં પણ સંબંધોના તાર એટલા જ મજબૂત રહ્યાં છે.
આ બધામાં અત્યારે મારી મમ્મીની જગ્યાએ સુશીમામી મમ્મી બની રહ્યાં એ તો કેમ જ વિસરાય! મારા નાના ભાઈ બહેનને પોતાની સોડમાં લીધાં અને અમને ક્યારેય મમ્મીની ખોટ ના વરતાવા દીધી, એ મોસાળ એ મામા માસી સહુના અતૂટ પ્રેમે હમેશ અમારા જીવનને સહ્ય બનાવ્યું છે.
ભાદરવા સુદ બીજ ફક્ત મારા મમ્મી જ નહિ પણ મારા સાસુની પણ પુણ્ય તિથિ. લગ્ન પછી જયાબહેન, મારા સાસુએ કદી મને મમ્મીની ખોટ વરતાવા દીધી નહોતી અને મારા બાળકો પણ પુરા નસીબદાર કે દાદા દાદીની છત્રછાયા અને હેતમાં મોટા થયાં.
આટલો પ્રેમ મેળવવા હું ભાગ્યશાળી બની એનુ સઘળું શ્રેય મારી મમ્મીએ જે આંબો વાવ્યો હતો એના મીઠા ફળ મને માણવા મળ્યાં
આજે ૯ સપ્ટેમ્બર ૨૦૨૨ મમ્મીના અવસાનને બરાબર પચાસ વર્ષ થયાં.
એ મમ્મીના ગુણ અને સંબંધ સાચવવાની સુઝ અને પ્રેમાળ સ્વભાવ વ્યાજ સહિત હું અને મારા ભાઈ બહેન માણી રહ્યાં છીએ. માતા પિતાની યાદ તો સદા આપણા જીવન સાથે જોડાયેલી હોય છે, એ સુવાસ ક્યારેય કરમાતી નથી, એક મીઠું સંભારણું બની સદા મહેકતી રહે છે!
નત મસ્તકે આ શ્રધ્ધાંજલિ મારી મમ્મી અને સાથે મા સ્વરુપે પ્રેમ વરસાવનાર સર્વ માતાઓને!!

અસ્તુ,

શૈલા મુન્શા સપ્ટેમ્બર ૯/૨૦૨૨
www.smunshaw.wordpress.com

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.