June 12th 2021

વળતર!

સાત વરસનો મનુ ત્રણ વાગ્યે શાળાએથી પાછો આવ્યો ને રવજીભાઈને ઘરની બહાર નીકળતા જોયા.
રાવજીભાઈનો ધંધો દરજીનો. સ્વભાવના સાલસ અને સહુ કોઈના કપડાં પ્રેમથી સીવી આપે. વારે તહેવારે કોઈની સગવડ ના હોય તો ઉધારીમાં પણ કપડાં સીવી આપે. વાત ૧૯૫૩ ૫૪ના જમાનાની. મુંબઈ જેવા શહેરમાં પણ લોકો એકબીજાનો વિશ્વાસ કરે. હેત પ્રેમ અને સંબંધને લોકો માન આપે. સગવડે એકબીજાની ઉધારી ચુકવાય. રવજીભાઈ પણ મહિનાના અંતે એક દિવસ ઉઘરાણીનો રાખે. દુકાન એ દિવસે બંધ હોય.
નાનકડો મનુ શાળાએથી ઘરે આવ્યો અને પિતાને ઉઘરાણી માટે ઘરની બહાર નીકળતા જોયા. મનુના માથે પ્રેમભર્યો હાથ ફેરવતા કહેતા ગયા “મનિયા આજ તો તારા માટે ખાટી મીઠી ગોળીને નાનકડી રમવાની ગાડી લઈ આવીશ, બહુ દિવસથી જીદ કરતો હતોને!” સાથે સાથે સવિતાબહેન “મનિયાની મા ને ” કહેતા ગયા કે રાતે આવતાં મોડું થાશે, ઉઘરાણી માટે ઘણા ઘરાકોને ત્યાં જાવાનુ છે માટે તમે જમીને સુઈ જાજો.
સાત વરસના મનુને માથે પિતાનો એ છેલ્લો પ્રેમભર્યો સ્પર્ષ.
રાવજીભાઈ એ દિવસે બપોરે ઘરેથી બહાર ગયા તે ગયા. એ દિવસને આજની ઘડી, ક્યાં ગયા, એ કોઈને ખબર નથી. બે દિવસ ઘરના લોકોએ બધે શોધખોળ કરી, જાણતા હતાં એટલા ઘરાકોના ઘર ફરી વળ્યા, હોસ્પિટલોમાં કોઈ અકસ્માતનો કેસ આવ્યો છે કે નહિ એની તપાસ કરી, છેવટે થાકીને પોલિસમાં ફરિયાદ નોંધાવી. વરસ સુધી પોલિસ ચોકીએ ધક્કા ખાધા, પણ રાવજી ભાઈનો કોઈ પત્તો ના લાગ્યો.
ઘરમાં સવિતાબહેનનુ જીવવું મુશ્કેલ થતું ગયું. સાસુ સસરાં દિયર સહુ સવિતાબહેનને જવાબદાર ઠેરવવા માંડ્યા. “તું જ છપ્પરપગી છે, અમારા દિકરાને ભરખી ગઈ એવું લાંછન રોજનુ થઈ ગયું”
વરસ દહાડો મેણાંટોણા સાંભળ્યા બાદ સવિતા બહેને પોતાને પિયર જતા રહેવાનું નક્કી કર્યું. પિયરમાં એક ભાઈ ભાભી હતાં, એમની સ્થિતિ પણ સામાન્ય જ હતી એ નો સવિતાબહેનને ખ્યાલ હતો.
માતાના દિલે એક કપરો નિર્ણય કર્યો.
એક રાતે આઠ વરસના મનુને પાસે બેસાડી પુછ્યું ” દિકરા તું ઘરનુ વાતાવરણ જુએ છે, રોજના આ કંકાસથી હું થાકી ગઈ છું, ગામડે મામાને ત્યાં જવાનો વિચાર કરૂં છું, ત્યાં તારે મારી સાથે આવવું છે કે અહીં રહી ભણવું છે. દાદા, દાદી કાકાને મારા પર ગુસ્સો છે, તું તો એમનો લાડકો છે. તારા ભવિષ્યનો વિચાર કરી નિર્ણય લેજે.”
આઠ વરસના મનુ પર એ નાનકડી ઉંમરે કપરો નિર્ણય લેવાનો વારો આવ્યો. એક તરફ મા અને બીજી તરફ પોતાનુ ભવિષ્ય.
કાકાએ ખાતરી આપી કે મનુને મારા દિકરાની જેમ રાખીશ અને સવિતાબહેન કકળતે હૈયે ભાઈને ત્યાં જતા રહ્યાં.
ત્રણ ચાર વર્ષ તો મા દિકરાનો સંપર્ક પત્ર વ્યવહારથી જળવાયો, પણ ધીરે ધીરે ભણવાની લગનમાં મનુનો સંપર્ક માથી છુટતો ગયો. ભણવામાં હોશિયાર અને કિશોરાવસ્થા, મુંબઈનુ જીવન, અને કાકા કાકીના પ્રેમમાં ધીરે ધીરે મનુના દિલમાંથી માતાની છબી ક્યારે ઝાંખી થવા માંડી એનો એને પણ ખ્યાલ ન રહ્યો.
સવિતાબહેન ગામમાં લોકોના ઘરે કપડાં વાસણ કરી ભાઈને જે મદદ થાય એ કરતાં, દિકરાના કાગળની રાહ જોતાં.
યુવાન મનુ કેમિકલ એંજિનીયર થયો, કોઈકે એની કાબેલિયત જોઈ અમેરિકા આગળ ભણવા જવાનું સૂચન કર્યું, સારા નસીબે અને મનુની હોશિયારીને લીધે અમેરિકામાં કેલિફોર્નિઆની બર્ક્લે યુનિવર્સીટીમાં એડમિશન મળી ગયું.
અમેરિકા જતાં પહેલા મનુ પોતાની માને એકવાર મળવા માંગતો હતો. મામાને ગામ કાગળ મોકલ્યો પણ કોઈ ત્યાં નહિ હોવાના શેરા સાથે કાગળ પાછો આવ્યો. હવે મા ક્યાં છે, એનુ સરનામુ શું છે, કાંઈ ખબર નહોતી. કાકાને પુછ્યું તો એમને પણ કોઈ ખબર નહોતી. છેવટે મનુને પોતાના ફોઈ યાદ આવ્યાં જે દ્વારકા રહેતા હતા અને માતાનુ ગામ પણ ક્યાંક ત્યાં જ હતું એવું મનુને યાદ હતું.
દ્વારકા પહોંચી મનુએ ફોઈને આજીજી કરી, “ફોઈ મહેરબાની કરી મને એકવાર મા નો મેળાપ કરાવો.” લાગણીશીલ ફોઈએ તરત જ પોતાના દિકરાને ગામ મોકલ્યો.અને ભાભીને સાથે લઈ આવવાની તાકીદ કરી. મામા મામીના અવસાન બાદ મા એ જ ગામમાં બીજા નાનકડાં ઘરમાં રહેતી હતી. માંડ માંડ માતા ના સગડ મળ્યા અને બાર વર્ષે મા દિકરાનું મિલન થયું. મનુની આંખમાંથી પસ્તાવાના અને મા ની આંખમાંથી સ્નેહના આંસુ સરવા માંડ્યા. ફુઆએ હસતાં હસતાં સવિતા બહેનને કહ્યું “તમારો દિકરો અમેરિકા જાય છે, એને પૈસાની જરૂર છે, તમે કાંઈ મદદ કરશો?”
આટલા વર્ષોથી લોકોના ઘરના કપડાં વાસણ કરી સવિતાબહેને જે પૈસા મળતાં એમાંથી ભાઈ ભાભીને પોતાનો ખર્ચ આપી થોડા થોડા રૂપિયા ક્યારેક દિકરાને મળીશ એ આશમાં ભેગા કર્યાં હતા તે ચારસો રૂપિયા તરત કમખાના ગજવામાંથી કાઢી દિકરાની હથેલીમાં ધરી દિધાં.
મનુને અમેરિકા જવાની મુડી ભેગી કરવામાં સહુ પ્રથમ દાન મા પાસેથી મળ્યું. મા દિકરાને એક જ અફસોસ રહ્યો, રાવજીભાઈના જિવ્યાં મર્યાં ના કોઈ વાવડ આજ સુધી ના મળ્યાં!
અમેરિકા આવી મનુએ માસ્ટર ડીગ્રી મેળવી અને સાથે ભણતી માલતી સાથે લગ્ન કર્યાં. સરસ મજાની નોકરી મળી અને જેવું અમેરિકાનુ નાગરિત્વ મળ્યું, મનુએ માલતીની સમ્મતિથી માને અમેરિકા બોલાવી લીધી.
જિંદગીભર કરેલી મજુરી, દિકરાનો વિરહ; સઘળી તપસ્યાનો અંત આવ્યો. અમેરિકા આવી સવિતાબહેન સત્તર વર્ષ દિકરા વહુ સાથે રહ્યાં, ફક્ત દિકરા વહુનો પ્રેમ જ નહિ પણ બબ્બે પૌત્રીઓના પ્રેમનું વળતર પામી સવિતાબહેન સ્વર્ગે સિધાવ્યા.

શૈલા મુન્શા તા. ૦૬/૧૨/૨૦૨૧

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.