
સ્મૃતીની છીપમાંથી…
ઈન્હેં ના ભુલાના…” (ભાગ ૧)
સ્મૃતીની છીપમાં સુષુપ્તાવસ્થામાં પડી રહેલાં મોતી ગુપ્ત ભંડાર સમા હોય છે. અચાનક આ છીપના હાર્દને એકાદ સ્વર, સૂર કે નાદના ઝંકારની લહેર સ્પર્શ કરી જાય ત્યારે આ છીપ ખુલે છે, અને તેમાંથી નીકળે છે ઝળહળતાં મોતી. આવી જ એક લહેર આવી ગઈ મારા મિત્ર શ્રી તુષારભાઇ ભટ્ટના એક લેખમાં વાંચેલા બે શબ્દોમાંથી: “ખરજનો સ્વર”.
આ શબ્દોએ સ્મૃતીની છીપ ખોલી અને તેમાંથી પ્રશાંત મહાસાગરના ખળખળ કરતા મોજાંઓનો ધ્વનિ સંભળાતો હોય તેવું લાગ્યું. કોણ જાણે કઇ ધરા પરથી કે અદૃષ્ટ પરા-ભૂમિ પરથી ઉતરતા ગંધર્વની પડછંદ તાન અંતર્મને સાંભળી અને શબ્દો નીકળ્યા:
“મદ ભરી…..” અને એ ઉત્તાન તાનનું આવર્તન અદ્ભૂત વિશ્વમાં લઇ ગયું તાન પૂરી થતાં ગીતના શબ્દો ‘ઋત જવાન હૈ!’ ગીતની બીજી પંક્તિના અંતમાં ગીતના અંતરાના શબ્દ, ‘ઋતુ જવાન હૈ! ગાલ રંગ ભરે, મન ઉમંગ ભરે! આંખ રસ ટપકાયે, ઋતુ જવાન હૈ..” ગીતના શબ્દે શબ્દમાં યૌવનભરી વનશ્રીનું વર્ણન સાંભળીને ગીતના શબ્દોની જેમ હું પણ સૂરજગતમાં ખોવાઇ ગયો!
હા, આ ગીત અને અવાજ હતા ખરજના અભૂતપૂર્વ ગાયક પંકજ કુમાર મલ્લિકનાં! પોતાની જાતિવંત ઋજુતા અને નમ્રતાએ તેમને કેવળ પંકજ મલ્લિકના નામે ઓળખાવ્યા.
પંકજબાબુનું આ ગીત પહેલી વાર સાંભળ્યું ત્યારે જિપ્સી કેવળ પાંચ કે છ વર્ષનો હતો. તેમના ગીત-અવાજમાં કોણ જાણે કેવી મોહિની હતી, શો જાદુ હતો, મેં પિતાજીને આ ગીત ફરી વગાડવા વિનંતિ કરી. તેમણે HMVના ગ્રામોફોનને ચાવી આપી ગીત ફરી વાર વગાડ્યું. ગીત પૂરૂં થતાં મેં પિતાજીને ‘હજી એક વાર’ વગાડવાનું કહ્યું.
“તને પંકજબાબુનાં બીજા ગીત સંભળાવું. દરેક ગીત સુંદર છે. તને ઘણો આનંદ આવશે,” કહી તેમણે બીજી રેકર્ડ ચઢાવી. મૃદુતા અને ગંભીરતાના અજબ સંમિશ્રણમાં ગવાયેલું બીજું ગીત સાંભળી જિપ્સી અવાક્ થઇ સાંભળતો ગયો! અને ગીતોની હારમાળા શરૂ થઇ ગઇ:
“યહ કૌન આજ આયા સવેરે સવેરે!”
“તેરી દયાસે..”
“પ્રેમકા નાતા ઝૂઠા”
મારૂં હૃદય તો પહેલા ગીતની પહેલી પંક્તિના પહેલા શબ્દ ‘મદભરી’ની તાન સાંભળીને એક વિશાળ ધોધના cascading આવર્તન પર સવાર થઇ જાણે સાતમા આસમાન પર પહોંચી ગયું હતું!
ગીતો પૂરા થયા ત્યારે પિતાજીએ કહ્યું, “આ અવાજના ઓક્ટેવને ખરજ કહેવાય છે. ખરજનો ગાયક ભાવપૂર્ણ ગીતને પંકજબાબુ જેવી તન્મયતાથી ગાય ત્યારે તે ગીત, સંગીત તથા ગાયક, બધા અમર થઇ જાય છે. તેમને સાંભળવા એક અભૂતપૂર્વ લહાવો બની જાય છે.”
પાંચ છ વર્ષના બાળકને આ બધી વાતો શી રીતે સમજાય? હું તો કેવળ મંત્રમુગ્ધ બની સાંભળતો રહ્યો. બસ ત્યાર પછી તો પંકજબાબુનાં ગીતો ચિત્તમાં કાયમ માટે અંકાઇ ગયા. ઘણી વાર ટ્રેનમાં પ્રવાસ કરતી વખતે બારી પાસે બેઠો હોઉં ત્યારે નિશ્ચીત અંતરે આવેલા પાટાના જોડાણ પરથી ડબો પસાર થાય ત્યારે તબલાંનો ઠેકો વાગતો હોય તેવું લાગે. ખુલ્લી બારીમાંથી આવતા હવાના મધુર અવાજ અને પાટાના ઠેકામાં પંકજબાબુનું ગીત સંભળાવા લાગ્યું: “ચલે પવનકી ચાલ, જગમેં ચલે પવનકી ચાલ…”*
વર્ષો વિતતા ગયા. સ્મૃતીપટલ પર પંકજબાબુનાં નવાં ગીતો ઉમેરાતા ગયા અને RAMની છીપમાં કંડારાઇ ગયા. એવી કોઇ હવાની લહેર આવે જેમાં જુની યાદો છુપાયેલી હોય, જેનો સંબંધ સંગીત સાથે હોય, આ છીપ ધીરેથી ખુલવા લાગતી અને તેમાંથી એકાદું ગીત બહાર આવતું. તે પણ પંકજબાબુનું. બસ ત્યારથી મનમાં ઝંખના જાગી, પંકજબાબુને પ્રત્યક્ષ સાંભળવા. ભાવનગરમાં તો એ શક્ય જ નહોતું. બસ, અમારી એમ.જે. કૉમર્સ કૉલેજના ફંક્શનમાં મારા ક્લાસમેટ દેવીપ્રસાદ દવે “સંસારકે આધાર” અથવા કોઇ ‘મોટા’ મહેમાન કૉલેજની મુલાકાતે આવવાના હોય ત્યારે “ઘુંઘરીયા બાજે રૂમઝુમ..” ગાતાં તેમાં મનનું સમાધાન કરી લેતો.
ભાવનગર છોડ્યા બાદ જિપ્સી અમદાવાદ આવીને વસ્યો હતો. ૧૯૫૮ કે ૧૯૫૯ની સાલ હતી. એક દિવસ અચાનક રિલીફ સિનેમાના પગથિયા પર પાટિયું જોયું: “શ્રીયુત પંકજ મલ્લીકના ગીતોના ફક્ત બે કાર્યક્રમ યોજવામાં આવ્યા છે. ટિકીટ માટે બુકીંગ ઓફિસનો સંપર્ક સાધો.” હું તરત દોડતો ગયો. કમનસીબે બન્ને કાર્યક્રમોની ટિકીટો વેચાઇ ગઇ હતી. ઘણો નિરાશ થયો. મનમાં પ્રાર્થના કરી, “હે ભગવાન! આ જન્મમાં એક વાર તો પંકજબાબુનાં ગીતો સાંભળવાનો લહાવો લેવાનું સદ્ભાગ્ય બક્ષો!”
પ્રભુએ પ્રાર્થના સાંભળી. બે વર્ષ બાદ પંકજબાબુના ખાસ ચાહક – બનતાં સુધી અજીતભાઇ અને નિરૂપમાબેન શેઠના ખાસ નિમંત્રણથી પંકજબાબુ અમદાવાદ આવ્યા. એલીસબ્રીજના છેડે આવેલા ટાઉનહૉલમાં તેમના બે કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા. મને બન્ને દિવસની ટિકીટો મળી. કાર્યક્રમની રાતે તેમનાં નજીકથી દર્શન કરવાના આશયથી મારા મિત્ર રમણીકભાઇ પુજારાની સાથે સ્ટેજ ડોરની પાસે ઉભો રહ્યો. થોડી વારે એક મોટર આવી અને તેમાંથી છ ફીટ ઉંચા, ભવ્ય આભાથી નિતરતા દિવ્યપુરૂષ અવતરીત થતા હોય તેમ પંકજબાબુ ઉતર્યા. મેં આગળ વધીને તેમને નમીને બંગાળી ઢબથી ચરણસ્પર્શ કરીને બંગાળીમાં જ અભિવાદન કર્યા.
નમસ્કારનો પ્રત્યુત્તર આપી તેમણે પૂછ્યું, “બાંગ્લા પોઢતે પારો તો?” (બંગાળી વાંચતા આવડે છે?)
જી હા! મને બંગાળી વાંચતા આવડે છે.
મારા ખભા પર હાથ મૂકી તેમણે કહ્યું, “આમાર શોંગે ચોલો.” કોઇ પણ કાર્યક્રમમાં પંકજબાબુ એક ગીત પૂરૂં થયા બાદ બીજા ગીતની પ્રથમ પંક્તિ ગાય ત્યારે તેમની સાથે બેસેલા સહકારી તેમની નોટબુકના ઇંડેક્સ પરથી તે ગીતનું પાનું ખોલી આપે. તેઓ પોતે તો હાર્મોનિયમની ધમણ ચલાવતા હોય તેથી ગીતના સૂર-લયમાં વિઘ્ન ન પડે તે માટે આવું કરતા. મને આ કામ માટે તેમણે આજ્ઞા કરી કરી હતી. આ વાતની મને તે વખતે જાણ નહોતી. મેં તેમને નમ્રતાપૂર્વક કહ્યું કે હું મારા મિત્રની સાથે આવ્યો છું. તેમને મૂકીને હું કેવી રીતે આવી શકું? મેં કહેતાં તો કહી દીધું, પણ તેનું મને તત્કાળ દુ:ખ થયું. તેમણે કહ્યું, “કશો વાંધો નહિ. તમે તમારા મિત્ર સાથે જઇ શકો છો.”
મેળાપની આ અદ્ભૂત તક હતી જે હું કોઇ હિસાબે ખોવા તૈયાર નહોતો. મેં તેમને પૂછ્યું, “આપ ક્યાં ઊતર્યા છો? આપને મળવા આવી શકું?”
“જરૂર. અમે હોટેલ રૂપાલીમાં રોકાયા છીએ. કાલે સવારે દસ વાગે આવી શકો છો.”
અમે અમારી બેઠક પર બેસી ગયા.
શરૂઆતમાં કવિગુરૂ રવીંદ્રનાથની એક પ્રાર્થના ગાયા બાદ તેમણે હાર્મોનિયમ પર એક સૂર પકડ્યો, ધમણ ચાલુ રાખીને માઇકમાં કહ્યું, “હવે જે ગીત હું ગાઇ સંભળાવવાનો છું, તેમાં આપ સહુએ જોડાવાનું છે. આ ગીત એકઠા ગાવામાં કેટલો આનંદ છે તે આપ સહુ જરૂર અનુભવશો.”
હવે ધમણ વેગથી હાલવા લાગી અને બચપણમાં પ્રથમ વાર સાંભળેલ અને ત્યાર બાદ શબ્દહીન, અવાજહીન એવી અદૃષ્ટ અને અગમ્ય આકાશગંગામાંથી અવતરતા ઝરણાંની જેમ આવી મારા મનને સંભળાવતું ગીત તે દિવસે અન્ય કોઇને ન દેખાય, પણ મારા અંતર્મનને દેખાતા દિવ્ય પ્રપાતની જેમ સ્ટેજ પર છલક્યું અને આખા ટાઉનહૉલમાં પ્રકાશની જેમ પથરાયું.
“આયી બહાર આજ, આયી બહાર!!!”
સંકોચને કારણે કે કેમ, શ્રોતાઓ તરફથી પ્રતિભાવ ન મળતાં પંકજબાબુ રોકાયા અને ફરીથી બોલ્યા, “ગાઓ, હમારે સાથ ગાઓ!”
હવે શ્રોતાઓ ખીલ્યા અને મુક્ત સ્વરે બધા ગીતના કોરસમાં જોડાયા. ગીતના શબ્દ આગળ વધતા ગયા. પંકજબાબુ ગાઇ રહ્યા હતા…
“આજ ગુલોંકા બુલબુલસે બ્યાહ, હોને કો હૈ!
આજ થાલોંમેં ચંદન હોને કો હૈ,
આજ પ્યાલોંમેં ઉબટન હોને કો હૈ,
આઓ તરાને છેડે નયે,
આઓ મિલજુલકે ગાને ગાયેં નયે,
આઓ શાદી રચાયેં હમ સબ નયી,
હૈ યે શાદી નયી, આઓ દુનિયા બદલને કા દિન આ ગયા..”
અને ખીચોખીચ ભરાયેલા ટાઉનહોલમાં અમે શ્રોતાઓ જોડાયા, “લિયે ફૂલોંકે હાર, બહાર આજ.
આયી બહાર!”
અમને કોઇને સમયનું ભાન નહોતું. તે સમયે અમને કોઇને ખ્યાલ ન રહ્યો કે અમદાવાદમાં તો શું, આખા ભારતમાં એક નવો પ્રયોગ જન્મ લઇ રહ્યો હતો. તે હતો સ્ટેજ પર ગાઇ રહેલ મહાન ગાયકની સાથે audience participation નો! અને પ્રયોગના જન્મદાતા હતા શ્રી પંકજ કુમાર મલ્લિક!
ત્યાર પછી તો કાર્યક્રમમાં કંઇ રંગત જામી છે! વાહ! ગીત-મૌક્તિકોનો થાળ ઉછાળતા હોય તેમ પંકજબાબુ એક પછી એક ગીત પ્રસ્તુત કરતા રહ્યા:
પિયા મિલનકો જાના…
યહ કૌન આજ આયા સવેરે સવેરે…
મદભરી, ઋત જવાન હૈ…
આજ અપની મહેનતોં કા..
મહેક રહી રહી ફૂલવારી…
મુઝે ભૂલ જાના, ઇન્હેં ના ભુલાના…
સમય કેવી રીતે વીતી ગયો કોઇને ભાન ન રહ્યું. કયા પ્રકારની મદહોશીમાં ઘેર પહોંચી ગયો તેનો જિપ્સીને ખ્યાન ન રહ્યો.
ઇન્હેં ના ભૂલાના (ભાગ ૨- અંતિમ)
બીજા દિવસે જિપ્સી પંકજબાબુને મળવા પહોંચી ગયો. તેમની પાસે એક વૃદ્ધ બંગાળી સજ્જન બેઠા હતા. ચરણસ્પર્શ, અભિવાદન બાદ તેમણે મને બેસવાનું કહ્યું અને વાતચીત બંગાળીમાં શરૂ થઇ. હું તેમને કશું પૂછું તે પહેલાં તેમણે મને જ પ્રશ્ન પૂછ્યો.
“તમે અમદાવાદમાં રહો છો?
“જી.”
“તમે કવિગુરૂનું ‘ક્ષુધીત પાષાણ’ વાંચ્યું છે?”
“જી. મારા કૉલેજના અભ્યાસક્રમમાં ‘Hungry Stones and Other stories’ નામનું પુસ્તક હતું. હું તે શીખ્યો છું!’
“તમને ખબર છે આ કથામાં જે નદી, તેના ઓવારા અને ઘાટનું વર્ણન છે તે ક્યાં આવ્યા છે?”
મેં આ બાબતમાં મારૂં અજ્ઞાન જાહેર કર્યું.
“એ તમારા શહેરના જ છે! અત્યારે જે રાજ ભવન છે, તે મૂળ શહેનશાહ શાહજહાનનો મહેલ હતો. કવિગુરૂના મોટા ભાઇ સત્યેન્દ્રનાથ અમદાવાદમાં રીજનલ કમીશ્નર હતા ત્યારે આ મહેલ તેમનું ‘ઓફિશિયલ રેસીડન્સ’ હતું. રવીન્દ્રનાથ ૧૮-૧૯ વર્ષના હતા ત્યારે તેઓ તેમની પાસે રહેવા આવ્યા હતા. તેમને થયેલ અનુભવનું તેમણે તાદૃશ વર્ણન કર્યું છે આ ‘ક્ષુધીત પાષાણ’માં!”
મને હવે વાત કરવાનો વિષય મળી ગયો. આમ તો મેં તેમનો ઇન્ટરવ્યૂ લેવાનો વિચાર કર્યો નહોતો. મારે તો તેમના સાન્નિધ્યમાં પાંચ-પંદર મિનીટ ગાળવાનો લહાવો લેવો હતો.
“દાદા, મેં સાંભળ્યું છે કે કવિગુરૂએ તેમના ગીતોને સુરબદ્ધ કરવાની પરવાનગી આપના સિવાય અન્ય કોઇને આપી નહોતી.”
“હા. ગુરૂદેવની મારા પર અસીમ કૃપા હતી. તેમનાં ગીતોથી હું તો શું, આખું વિશ્વ પ્રભાવિત હતું. મને તેમના ગીતને સુરબદ્ધ કરવાની અદમ્ય ઇચ્છા હતી. અનેક પ્રયત્નો બાદ તેમણે મને બોલાવ્યો અને મેં સ્વરબદ્ધ કરેલ ગીત સંભળાવવાનો આદેશ આપ્યો. મેં તેમને ‘દિનેર શેષે,ઘૂમેર દેશે’ ગાઇ સંભળાવ્યું. તેમણે મને તે પ્રકાશિત કરવાની રજા આપી.”
એક રીતે તો આ એક ઇતિહાસ રચાયો હતો. ગુરૂદેવે પંકજદા’ સિવાય કોઇને પોતાના ગીતોને સૂર આપવાની રજા આપી નથી. ‘દિનેર શેષે..’ અમર ગીત બની ગયું!
“ઘણા સમયથી મારા મનમાં એક પ્રશ્ન ઉઠતો રહ્યો છે. આપની અનુમતિ હોય તો પૂછું? આપે ગાયેલા હિંદી ગીતોમાંના બે ગીત સાવ જુદા તરી આવે છે. તેમાં આપને સાથ આપનાર વાદ્યવૃંદ પૂરી રીતે પાશ્ચાત્ય છે!” મારો નિર્દેશ ‘યાદ આયે કે ન આયે તુમ્હારી’ તથા ‘પ્રાણ ચાહે નૈન ન ચાહે’ તરફ હતો.
પંકજદા’ સ્મિત સાથે બોલ્યા, “ઓ રે બાબા! જરૂર કહીશ. તે જમાનામાં કલકત્તામાં કૅસાનોવાનો ડાન્સ બૅન્ડ અત્યંત પ્રખ્યાત હતો. ફિર્પોઝ જેવી મોટી પ્રતિષ્ઠિત રેસ્ટોરાં તથા હોટેલમાં તેમનો કાર્યક્રમ રખાતો. એવા સંજોગો બની આવ્યા કે ભારતીય ગીત કોઇ પાશ્ચાત્ય ઓર્કેસ્ટ્રાના સંગીત પર ગાઇ શકાય કે કેમ એવો વિચાર આવ્યો. આ એક મોટી ચૅલેન્જ હતી. અમે ફ્રાન્ચેસ્કો કૅસેનોવા સાથે મળી રવીન્દ્ર સંગીતના ગીતનું સમન્વય કરવાનું નક્કી કર્યું. મૂળ ગીત હતું ‘મોને રોબે કિના રોબે આમારે’. અમે તેનું હિંદી રૂપાંતર કર્યું, “યાદ આયે કે ના આયે તુમ્હારી!” બીજું ગીત હતું ‘પ્રાણ ચાહે નૈના ન ચાહે”. આ બન્ને ગીતો બેહદ લોકપ્રિય થયા. ત્યાર પછી ત્રીજું ગીત “જબ ચાંદ મેરા નીકલા/છાયીંથીં બહારેં” પ્રસિદ્ધ થયું.
આ વાત થઇ તે સાલમાં – અને અત્યારના જમાનામાં પણ કોઇને ખ્યાલ નહોતો કે વિશ્વમાં કદાચ પહેલી વાર કોઇ લોકપ્રિય ગીતના આધુનિક બૅન્ડ કે ઓરકેસ્ટ્રા સાથે ‘રિમિક્સ’નો પ્રયોગ પંકજદા’એ કર્યો હતો! સંગીતની દુનિયામાં તેઓ સાચે જ સ્વપ્નદૃષ્ટા હતા. આનો અનુભવ સતત રીતે લોકોને થતો રહ્યો. શરૂઆતમાં રવીન્દ્રસંગીતમાં તબલાંનો સાથ નહોતો અપાતો. ગુરૂદેવની રજાથી પંકજદા’એ સૂર સાથે તાલનું આયોજન કર્યું અને રવીન્દ્રસંગીતના પ્રસારમાં અગ્રેસર બની બંગાળના ઘરઘરમાં તેને પહોંચાડ્યું. કન્યાને જોવા જનાર વરપક્ષના લોકો પહેલો પ્રશ્ન એ પૂછવા લાગ્યા કે કન્યાને રવીન્દ્રસંગીત આવડે છે કે કેમ, અને આવડતું હોય તો તેની પાસે ગવડાવતા. પંકજદા’એ તો બિન-બંગાળી એવા સાયગલસાહેબ પાસે રવીંદ્રસંગીત ગવડાવીને તેમને એટલી પ્રસિદ્ધિ અપાવી કે તેનું વર્ણન ન થઇ શકે. આજે પણ સાયગલસાહેબે ગાયેલ ‘આમી તોમાય જાતો” કોઇ ભુલી શક્યું નથી. આનાં ઘણા કારણ હતા. એક તો સાયગલ high pitch એટલે હાર્મોનિયમની કાળી પાંચની પટ્ટી પર ગાતા. પંકજદા’એ તેમની પાસેથી ઉપરના સૂરમાં ગવડાવ્યું. બીજું, કુંદનલાલ સાયગલ ઉર્દુ/પંજાબી ભાષીક ગાયક હતા. પંકજદા’એ તેમની પાસેથી અણીશુદ્ધ બંગાળી ઉચ્ચાર કરાવ્યા! એવી જ રીતે તેમણે કાનનદેવીને રવીંદ્રસંગીતનો મર્મ, તેના nuances, ભાવાર્થ એવી રીતે સમજાવ્યા, કાનનદેવીએ તેમના ગીતો ભાવપૂર્ણ થઇને ગાયા. તેમના ફિલ્મી ગીતો સુદ્ધાં લોકો હજી યાદ કરે છે. ‘ઐ ચાંદ છુપ ના જાના/જબ તક મૈં ગીત ગાઉં’ યાદ છે ને?
કલકત્તામાં તેમણે સાયગલ સાહેબ, કાનનદેવી, રાય ચંદ બોરાલ, કે.સી.ડે, ઉમાશશી વ. સાથે મળીને એવું સંગીત રચ્યું, એવું ગાયું, બસ, વાહ! સિવાય બીજો શબ્દ ન નીકળે. તેમણે સાયગલસાહેબ અને ઉમા શશી સાથે મળીને ‘ધરતીમાતા’ ફિલ્મમાં ગાયેલા ગીતો ‘દુનિયા રંગ રંગીલી બાબા‘ તથા ‘મનકી બાત બતાઉં‘ જેવા ગીતોમાં ધરતીની ખુશ્બૂ પમરાતી જણાશે.
પંકજદા’એ કેટલીક ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમાં ગીતોને સંગીત આપવા ઉપરાંત તેમણે તે ગાયા હતા. તેમાંની સૌથી પ્રખ્યાત ફિલ્મ હતી ‘ડૉક્ટર’. ભારતીય સિનેમામાં ઘોડાગાડીમાં બેસી, ઘોડાની ચાલના ઠેકા પર સૌથી પહેલું કોઇ ગીત ગવાયું હોય તો તે પંકજદા’નું ‘ચલે પવનકી ચાલ’ હતું. ત્યાર પછી તો ઘણાં ગીતો આવ્યા અને ગયા – દિદારનું ‘બચપનકે દિન ભુલા ન દેના’થી માંડીને નયા દૌર, હાવરા બ્રીજ (ઇંટકી દુગ્ગી, પાનકા ઇક્કા..”) આવ્યા અને ગયા, પણ ‘ચલે પવનકી ચાલ’ જેવી તાજગી, તેનું તત્વજ્ઞાન (કટ ના સકે યે લંબા રસ્તા, કટે હજારોં સાલ/જહાં પહુંચને પર દમ છૂટે, હૈ વહી કાલા કાલ, જગમેં ચલે પવનકી ચાલ) કદી પણ જુનું લાગતું નથી.
પંકજદા’ના જીવનમાં દુ:ખદ બનાવો બની ગયા તેમાં બે મુખ્ય હતા. એક તો સાયગલસાહેબ કલકત્તા છોડી મુંબઇ જતા રહ્યા, અને ત્યાં દારૂની લતમાં આવી અકાળે કાળવશ થઇ ગયા. બીજો બનાવ હતો ન્યુ થિયેટર્સના બી.એન. સરકારે આંતરીક ખટપટ કરનારાઓની કાનભંભેરણીથી અચાનક, એક કલાકની નોટિસ પર તેમને કામ પરથી કાઢી મૂક્યા. આ થયું તેના એક વર્ષ પહેલાં મુંબઇના નિર્માતાઓ તેમને ભારે પગારે બોલાવી રહ્યા હતા. ન્યુ થિયેટર્સ પરત્વે તેમની વફાદારી એટલી મજબૂત હતી, તેમણે પ્રસ્તાવ નમ્રતાપૂર્વક નકાર્યા હતા. હવે પરિસ્થિતિ એવી આવી ગઇ કે તેમની પાસે ન કોઇ પેન્શન, ન કોઇ આજીવિકાનું સાધન હતું. જુની મૈત્રીના આધારે તેમને કેટલીક ફિલ્મોમાં સંગીત નિર્દેશનનું કામ મળ્યું અને તેમાં તેમણે સાયગલસાહેબ માટે આપેલ સંગીત ‘અય કાતિબે તકદીર મુઝે ઇતના બતા દે’, ‘દો નૈના મતવાલે, તિહારે, હમ પર ઝૂલ્મ કરે’ હજી સંભળાય છે અને યાદ કરાય છે.
પંકજદા’ના સંગીતની ખુબી તેમની સાત્ત્વીકતા, દાર્શનિકતા અને ભારતીય સંગીતની પરંપરાની સભરતામાં હતી. ફિલ્મ ‘યાત્રીક’માં તેમણે આપેલ સંગીત ‘તુ ઢુંઢતા હૈ જીસકો, બસતી હૈ યાદ મનમેં/વહ સાંવરા સલોના રહતા હૈ તેરે મનમેં’, અથવા બિનોતા ચક્રવર્તીએ ગાયેલ ‘સાધન કરના ચાહે રે મનવા/ભજન કરના ચાહે’ શ્રોતાને ભક્તિરસમાં તરબોળ કરી દે. આવા જ બિન-ફિલ્મી ભજન, ‘મેરે હઠીલે શ્યામ’, ‘તેરે મંદિરકા હું દીપક જલ રહા..’ મનને એવી સ્થિતિએ પહોંચાડે કે આપણે પોતે આપણા આરાધ્યને પ્રશ્ન કરતા હોઇએ એવું લાગે.
અહીં તેમના સાત્વીક ગીતોની વાત કરીએ તો તેમણે ગાયેલા બે પ્રેમગીતોનો ઉલ્લેખ કર્યા વગર રહી શકતો નથી. એક તો ચિરસ્મરણીય ગીત છે “યે રાતેં, યે મૌસમ, યે હંસના-હંસાના/મુઝે ભુલ જાના – ઇન્હેં ના ભુલાના…” મનમાં એવી કસક ઉઠાવે, એવા સ્મરણ-ક્ષિતીજને પેલે પાર લઇ જાય, આકાશમાં ઉગતા પહેલા તારકમાં આપણી મુગ્ધાવસ્થામાં જ વિખુટી થયેલી પ્રિયતમાની ભાવનાસભર છબી ઉપસતી લાગે. હા, મને ભૂલી જશો, પણ….” બીજું ગીત યાદ આવે છે, ‘મૈંને આજ પિયા હોંઠોંકા પ્યાલા..” આ ગીતમાં કેવળ ઉલ્લાસની ભાવના જણાઇ આવે છે. નથી તેમાં અશીષ્ટ શૃંગાર, નથી અતિ મોહનો આવિર્ભાવ.
પંકજદા’નું જીવન એક ચિત્રપટકથા જેવું હતું. તેમણે સંગીત શીખવા માટે કેવા પરિશ્રમ કર્યા અને ઘેર ઘેર જઇ સંગીત શીખવતા તે જાણવા જેવું છે. કલકત્તાની ભિષણ વર્ષામાં તેમની પાસે છત્રી પણ નહોતી! અને તેને કારણે જ તેમને જીવનમાં પ્રથમ ‘બ્રેક’ મળ્યો! એક દિવસ વરસાદથી બચવા નજીકના મકાનના ઓટલા પર તેઓ ઉભા રહ્યા. વરસાદ રોકાતો નહોતો. તેમણે ખરજના સ્વરમાં રવીંદ્રસંગીતમાંનું એક વર્ષા ગીત ગાવાનું શરૂ કર્યું. તેમનો અદ્ભૂત અવાજ સાંભળ્યો મકાનમાં રહેતા સજ્જને. તેમણે પંકજદા’ને અંદર બોલાવ્યા અને પૂછપરછ કર્યા બાદ તેમના ખાસ મિત્ર, જે ઓલ ઇન્ડીયા રેડીયોના સ્ટેશન ડિરેક્ટર હતા, તેમની પાસે મોકલ્યા. અને બસ, ભારતને એક અણમોલ રત્ન મળી ગયું.
પંકજદા’એ આત્મકથા લખી, અને તેનું ભાષાંતર/સંપાદન કર્યું તેમના શિષ્ય શ્રી. અજીત શેઠે. ગુજરાતી પુસ્તકનું નામ છે “ગુજર ગયા વહ જમાના‘ અને પ્રસિદ્ધ કરનાર છે મુંબઇના ‘સંગીત ભવન ટ્રસ્ટ’.
‘અખંડ આનંદ’માં જ્યારે આ લેખ પ્રસિદ્ધ થયો ત્યારે તે સમયના તેના સંપાદક આચાર્યશ્રી દિલાવરસિંહજી જાડેજાએ લેખને અંતે પંકજદા’નું આખું ગીત ઉતાર્યું હતું: ‘ગુજર ગયા વહ જમાના…’
સાચે જ, એક જમાનો વિતી ગયો, પણ નથી ઓસરી યાદ પંકજદા’ની કે તેમના ગીતની, “ઇન્હેં ના ભુલાના…’ની.
તમે મને ભલે ભૂલી જજો, પણ આપણે સાથે ગાળેલી પેલી સુવર્ણમય, ખુશનૂમા સંગીતમય રજનીને ભૂલતાં નહીં… બસ, પંકજદાની આ પંક્તિઓ સંગીત જગતમાં અવિસ્મરણીય બની રહી છે.
(આ લેખમાળા મારા પિતા મધુસુદન દેસાઈને સમર્પિત છે, જેઓ પંકજદાના અનન્ય ભક્ત હતાં. દિલથી આભાર કેપ્ટન નરેન્દ્રભાઈ “જિપ્સી” નો જેમની આ લેખમાળાએ મારી બચપણની યાદોને જીવંત કરી. પંકજદાના ગીતો રોજ મારા પિતાના કંઠે ગવાતા સાંભળી અમે મોટા થયાં છીએ.
શૈલા મુન્શા)
લેખક શ્રી નરેન્દ્રભાઈ ફણસે “જિપ્સી”