દિવાળી
કોઈ દીપ પ્રગટાવે,
કોઈ તોરણ લટકાવે,
કોઈ સજાવે રંગોળી,
ઉજવે સહુ દિવાળી.
નવલા દિને નવા વસ્ત્ર,
ખરીદી ધૂમ થાય.
વેપારીને ચહેરે ખુશાલી
ઉજવે સહુ દિવાળી.
ભાતભાતના પકવાન
ને ભાતભાતની મિઠાઈ,
કોડીલી વહુ ભરતી થાળ
ઉજવે સહુ દિવાળી.
બાળગોપાળ સજીને તૈયાર,
ચરણ સ્પર્શી દાદા-દાદી કેરા,
પામે આર્શીવાદ નવા વર્ષના
ઉજવે સહુ દિવાળી.
મંદિરોમાં ઘંટારવ બજે,
થાય શણગાર મુર્તિના,
કરે ઝાંખી છપ્પનભોગની સહુ,
ઉજવે સહુ દિવાળી.
કદી કર્યો વિચાર ક્ષણભર?
પ્રગટાવું આનંદ કોઈ દુઃખીજનને હૈયે!
બનું ભાગ્યવાન, જો રોકું અશ્રુ કોઈના,
ઉજવું દિવાળી કોઈ રંક સંગ?
દીવડાં પ્રગટે કાંઈ થાય નહિ દિવાળી,
પ્રગટે જો પ્રેમને દયાનો દીપ અંતરમાં;
બને જો હૈયું દીન દુખિયાનો વિસામો
તો બસ હર દિન ઉજવાય દિવાળી!
હર દિન ઉજવાય દિવાળી.
શૈલા મુન્શા તા. ૧૧/૨૩/૧૦
પ્રગટૅ જો પ્રેમને દયાનો દીપ અંતરમાં
ઉમદા ભાવ
Comment by indushah — November 29, 2010 @ 8:47 pm