વાત અમારા બ્રેનડનની – મણકો – ૪૪
ચાર વર્ષનો બ્રેનડન અમારા ક્લાસમાં નવો દાખલ થયો હતો. ગોરો ગોરો અને માથે બહુ ઓછા વાળ. મમ્મી અમેરિકન અને પપ્પા વિયેતનામી. એ બન્નેની છાપ એના ચહેરા પર દેખાતી. રંગ ગોરો પણ નાક ચીબું. જોતા જ વહાલ ઉભરાય એવો હતો અમારો બ્રેનડન.
મમ્મી પપ્પા બન્ને બહેરા અને મુંગા. બ્રેનડનથી મોટી ત્રણ બહેનો, બધી હોશિયાર અને સારી રીતે બોલી શકે અને સાંભળી શકે. બ્રેનડન પણ સાંભળી બરાબર શકે પણ વાચા પુરી ઊઘડી નહોતી. મુંગો નહોતો પણ બોલતો પણ નહોતો. સ્કુલમાં આવીને સ્પીચ થેરાપીસ્ટની મદદ અને અમારી મહેનતના પરિણામે ધીરે ધીરે થોડા અક્ષરો બોલવા માંડ્યો હતો. અમેરિકામાં દિવ્યાંગ બાળકોને ઘણી સગવડ મળતી હોય છે, સ્પીચ થેરાપીસ્ટ,ફીજીકલ થેરાપીસ્ટ, કાઉંસીલર વગેરે આ બાળકોને વિશેષ કેળવણી આપતા હોય છે.
એક વખત બ્રેનડન સ્કૂલમાં આવ્યો ત્યારે એને ઘણી શરદી હતી અને ત્યારે “લુ” શરદી, તાવના વાયરા ખૂબ હતા. ઋતુ બદલાય ત્યારે એ વધુ જોવા મળે, નાના બાળકો અને ખાસ કરીને દિવ્યાંગ બાળકો એના જલ્દી શિકાર બને.
મને યાદ છે ત્યારે હું ઘણી ગભરાઈ ગઈ હતી. મને થયું કે જો કદાચ બ્રેનડનને તાવ ચઢે અને ઘરે ફોન કરીને મમ્મી-પપ્પાને જણાવવું પડે તો બહેરા મુંગા તેઓ વાત કેવી રીતે કરી શકે?
મારી આ ચિંતા મેં મીસ મેરીને જણાવી તો એણે તરત જ મને કહ્યું, “અરે! મીસ મુન્શા તું ચિંતા ના કર. એમના ફોનમાં એવી સગવડ હોય કે એમને આપણી વાત સમજાય”
મને તો કાંઈ સમજ નહોતી પડતી એટલે ત્યારે મીસ મેરીએ મને વિગતવાર સમજાવ્યું હતું કે આવી બહેરી મુંગી વ્યક્તિઓ માટે ખાસ જાતના ફોન હોય છે. ફોન સાથે નાનો ટીવી સ્ક્રીન કેમેરાવાળો જોડાયેલો હોય, અને આપણે જે આપણા ફોનમાં બોલીએ તે એ લોકોના સ્ક્રીન પર હાથની સંજ્ઞાના રૂપમાં આવે તેથી એ લોકો સમજી શકે, અને એ લોકો હાથની સંજ્ઞા રૂપે જે બોલે તે રૂપાંતર થઈને અવાજ રૂપે આપણને સંભળાય. હું તો એકદમ નવાઈ જ પામી ગઈ હતી. વૈજ્ઞાનિક રીતે અમેરિકા કેટલો વિકસિત દેશ છે એનો સાચો ખ્યાલ ત્યારે મને આવ્યો. મારા મનને ખુબ શાંતિ થઈ હતી અને ચિંતા પણ દુર થઈ ગઈ હતી કે બ્રેનડનના મમ્મી-પપ્પાને ગમે ત્યારે ફોન કરીને સંકટ સમયે બોલાવી શકાય.
બ્રેનડન આવ્યો ત્યારે જેટલો શાંત હતો, એને પણ સંગતની અસર થવા માંડી હતી. ડેનિયલ અને સેસાર જેવા મસ્તીખોર બાળકો સાથે રહી એ ભાઈ પણ પોતાનો રંગ બતાવવા માંડ્યા હતા. જે બ્રેનડન રમતના મેદાનમાંથી ક્લાસમાં જવા માટે અમારી એક બૂમે આવી જતો એ હવે લસરપટ્ટી પાછળ સંતાઈ જતો અને અમે એને શોધી કાઢીએ એટલે ખડખડાત હસી પડતો.
એક વાર તો ખૂબ મજા આવી. હું જમીને ક્લાસમાં આવી તો મીસ બર્ક મને ફરિયાદ કરવા માંડી કે બ્રેનડનના તોફાન વધતા જાય છે. મને નવાઈ લાગી કે બ્રેનડને એવું તે શું કર્યું? મીસ બર્કે કહ્યું કે “હું સ્માર્ટ બોર્ડ પર બાળકોને ગીત સંભળાવતી હતી અને અચાનક બ્રેનડનની ખુરશી ખાલી જોઈ મને ફાળ પડી કે દરવાજો તો બંધ છે તો એટલીવારમાં બ્રેનડન ક્યાં ગયો? ટેબલ પાસે જઈને જોયું તો ભાઈ ટેબલ નીચે ભરાઈને સંતાઈ જવાની મજા માણતા હતા!” મને હસવું આવી ગયું.
આજે નજર સામે આ બધા બાળકોના ચહેરા તરવરી ઊઠે છે. ત્રેવીસ વર્ષમાં આવા દિવ્યાંગ, નોખા અનોખા કેટકેટલા બાળકોનો પ્રેમ મને મળ્યો. કેવું નિર્દોષ હાસ્ય અને કેવું વહાલ!! આ બાળકો પાસેથી હું જે શીખી એ આજે મને મારા જીવનની કોઈપણ તકલીફને હસતા મોઢે સહન કરવાની, લડી લેવાની હિંમત આપે છે. જીવનમાં અનુભવો તો ઘણા થતાં હોય છે, પણ ખુમારીભર્યું જીવન જીવતાં શીખવું હોય તો દરેક વ્યક્તિએ થોડો સમય તો આ દિવ્યાંગ બાળકો સાથે ગાળવો જોઈએ.
આ દિવ્યાંગ બાળકો નભના ચમકતા તારલા છે જે હમેશ મંદ મંદ પણ હુંફાળો પ્રકાશ આપતા રહેતા હોય છે, ચંદ્રની જેમ કળા નથી કરતા. એમની નિર્દોષતા કાયમ રહે એ જ પ્રાર્થના સહિત વિરમું છું.
મારી આ સફરમાં સહુ વાચકોએ સસ્નેહ જે સાથ આપ્યો એ માટે હું સહુની આભારી છું.
અસ્તુ,
શૈલા મુન્શા
www.smunshaw.wordpress.com
શૈલા મુન્શા તા.૧૦/૧૮/૧૦