April 30th 2010
હૈયા મહી ઉદાસીને હોઠ મલકે,
કદી ગરજતું મન, અને હોઠ સિવાય
એમ પણ બને.
દિશાની કોઈ સુઝ નહિને, નીકળી પડે જણ
ખોવાય ભીડ મહી, અણજાણ રસ્તે
એમ પણ બને
ખાલી હતી જીંદગી, મળી મિરાત દોસ્તીની,
પુરાયો અવકાશને, રંગત જીંદગાની
એમ પણ બને
ગરજતા વાદળ ને વીજલીસોટા
નીતરતું આકાશ ભર વૈશાખે
વૈશાખમાં અષાઢ
એમ પણ બને.
શૈલા મુન્શા તા.૪/૩૦/૨૦૧૦
April 26th 2010
અમારી સ્કુલમા દર વર્ષે બાળકોના ફોટા પાડવામા આવે અને એની કોપી ઘરે મોકલવામા આવે. માબાપની ઈચ્છા હોય તો પૈસા ભરીને એ ફોટા ખરીદી શકે નહિતો કોપી પાછી આપે.
ફોટાની સાઈઝ પ્રમાણે જુદાજુદા ભાવ હોય. મોટાભાગે તો માબાપ એક કોપી પણ ખરીદે કારણ શાળા જીવનના વર્ષોની એ યાદગીરી રહે.
એમી આમપણ બહુજ વહાલી લાગે એવી બાળકી. એની મમ્મી આગલે દિવસે કંઈ કેટલીયે દુકાનો ફરીને એમી માટે સરસ ફ્રોક લઈ આવી અને મેચીંગના બુટ ને મોજા ને સરસ મજાની બે પોનીટેલ અને ઉપર નાનકડું પતંગિયાનુ બક્કલ નાખી ને એમીને તૈયાર કરી. એમી તો રૂપાળી રાજકુમારી લાગતી હતી પણ એક ભૂલ થઈ ગઈ. સવારના ભાગમા હજુ જરા ગુલાબી ઠંડી રહે છે એટલે એમીને એની મમ્મીએ ડોરાનુ જેકેટ પહેરાવ્યું. બસ થઈ રહ્યું એ જકેટ એમી ને એટલું વહાલું કે કોઈ હિસાબે એ કાઢવા તૈયાર નહી, કેટલું સમજાવી કંઇ કેટલીય લાલચ આપી પણ એમીબેન તો એકના બે ના થાય છેવટે જેકેટ સાથે જ ફોટો પડાવવો પડ્યો.
મમ્મીના પૈસા ખરચેલા પાણીમા ગયા પણ ફોટો જોકે સારો આવ્યો અને એની મમ્મીએ ખરીદ્યો પણ ખરો પણ કાન પકડ્યા કે ફરી વાર આવી નાની બાબતો નો ખ્યાલ રાખીશ.
શૈલા મુન્શા તા. ૦૪/૨૬/૨૦૧૦
April 21st 2010
પ્રશાંત ની ઘણા વખત થી ઇચ્છા હતી કે થોડા મિત્રો ને ભેગા કરી નાનકડી સંગીત મુશાયરાની મહેફિલ આપણા ઘરે રાખીએ. શનિવારની સાંજના થોડા મિત્રો ભેગા થયા ને શાયરી ને ગીતો નો સુંદર માહોલ રચાયો. એક બાજુ ગીતો ને રમુજી ટુચકાઓની રમઝટ અને બીજી બાજુ પાંવભાજી ને પાણીપુરી ની લહેજત. રાતના બાર ક્યાં વાગી ગયા એની ખબર પણ ના પડી. એક પછી એક મિત્રો રવાના થવા માંડ્યા. છેલ્લે દેવિકાબેન રાહુલભાઈ અને ફતેહાલી ને ગુલબાનુ રહ્યા. પ્રવિણા બેન તો મારે ત્યાં રાત રોકાવાના હતા.
આવજો આવજો કરતા અમે બધા ગરાજ મા ઊભા હતા. વાત કરતા સહજ પ્રશાંતે ગરાજમાથી ઘરમા જવાનો દરવાજો બંધ કર્યો અને બીજી તરફ મિત્રો એમની ગાડી તરફ પ્રયાણ કરી રહ્યા. પ્રશાંત નો હાથ દરવાજા ના નોબ ઉપર જ હતો અને એણે દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો ને એ બુમ પાડી ઉઠ્યો અરે! દરવાજો તો લોક થઈ ગયો. બુમ સાંભળી ને રાહુલભાઈ ને અલીભાઈ પાછા વળ્યા કે શું થયુ? અમે તો ઘર ની બહાર લોક થઈ ગયા. પછી તો બધા જાતજાત નો પ્રયત્ન કરવા માંડ્યા. પાછળ બેકયાર્ડ મા ગયા કે કદાચ એ દરવાજો ખુલ્લો હોય પણ બધા દરવાજા અંદર થી લોક.
ખરેખર જ એ વખતે જાણે ભગવાન મિત્ર બની ને આવ્યાં હોય એવું લાગ્યું, કારણે જો રાહુલભાઈ ને અલીભાઇ ની ગાડી નિકળી ગઈ હોત તો રાતે સાડાબાર વાગે હું પ્રશાંત ને પ્રવિણા બેન શું કરત? ન અમારા કોઈનો સેલ ફોન અમારી પાસે ન ગાડી ની ચાવી. ત્રણે જણને આખી રાત ગાડીમા બેસી રહેવાનો વારૉ આવત. ભગવાન કયા રૂપે આવીને મદદ કરે છે તો કોઈ જાણી શકતું નથી. થોડી મથામણ બાદ રાહુલભાઈને જે ઉપાય સુઝ્યો એનાથી દરવાજો ખુલ્યો અને અમે ઘરમા જઈ શક્યા. પંદર દિવસ મા બીજી વાર આવી ભુલ થઈ. પહેલીવાર તો હું ગરાજમા અને પાછળ સાફસફાઈ નુ કામ કરતી હતી એટલે પાછળનો દરવાજો ખુલ્લો હતો અને દિવસ નો સમય હતો પણ રાતના સાડાબારે અમારી શું હાલત થાત?
રાહુલભાઈ ને અલીભાઈના રૂપમા ભગવાને આવીને સંકટ ટાળ્યુ પણ આ પાઠ ભણ્યા પછી સવારે ઊઠી ને પહેલું કામ વધારા ની ચાવી કરાવી ને જુદી જુદી જગ્યાએ મુકી રાખી. હસવા માથી ખસવું થાય કેવી રીતે તે આજે સમજાયું.
શૈલા મુન્શા. તા ૦૪/૨૧/૨૦૧૦
April 21st 2010
અમેરીકમા માનસિક વિકલાંગ બાળકો માટે જુદા જુદા વર્ગ હોય છે. પાંચેક વર્ષ મે છ થી અગિયાર વર્ષના બાળકો સાથે કામ કર્યું. એ ક્લાસને (Life skill) કહે છે. આ ક્લાસમા બાળક એકથી પાંચ ધોરણ સુધી એક જ ક્લાસમા હોય. દર વર્ષે ફક્ત પેપર પર એનો વર્ગ બદલાય. બાળક છ વર્ષનુ થાય એટલે પહેલા ધોરણ મા દાખલ થયું કહેવાય, અને પાંચમા ધોરણ પછી બીજી શાળામા જાય.આ પાંચ વર્ષમા કેટલાક બાળકો પ્રગતિ કરે અને કેટલાકમા ઝાઝો ફેર ના પડે
હકીમ પહેલા ધોરણથી મારી સાથે હતો. પાંચ વર્ષ પછી એ માધ્યમિક શાળામા ગયો. પાંચ વર્ષમા એની ઘણી પ્રગતિ થઈ હતી નાના વાક્યો લખતાં શીખી ગયો હતો, બોલવામા પહેલેથી જ સ્પષ્ટ હતો એટલે બધા સાથે વાતચીત કરી શકતો.
બે દિવસ પહેલા એ મારી સ્કૂલમા એની નાની બેનને લેવા મમ્મી સાથે આવ્યો હતો અને એજ વખતે હું કાંઈક કામસર ત્યાં ગઈ. દુરથી મને જોતા જ હકીમ બુમ પાડી ઉઠ્યો “હે મીસ મુન્શા.”
હું એને ત્રણ વર્ષ પછી જોતી હતી. હકીમ ખાસો લાંબો થઈ ગયો હતો, પહેલેથી જ એના ચહેરાનો ઘાટ સરસ હતો અને હસે ત્યારે ગાલમા ખાડા પડે એટલે વધુ સુંદર લાગતો. એના ચહેરા પર ખુશી ઝલકતી હતી. મને જોઈને એ ખુબ ખુશ થઈ ગયો હતો. આ બાળકોની યાદશક્તિ બહુ હોતી નથી એટલે મને વધુ આનંદ થયો કે એ મને તરત ઓળખી ગયો. મેં એને બીજા મિત્રો વિશે પૂછ્યું અને મને બધાની મહિતી આપી કે મરિયમ પણ લાંબી થઈ ગઈ છે, સાઝિયા તો ઊંચી ને જાડી થઈ ગઈ છે વગેરે વગેરે.
હકીમની પ્રગતિ જોઈને મને ઘણો આનંદ થયો. આ બાળકોની કેળવણી મા અમારું પણ યોગદાન હોય છે એનો મને આજે અહેસાસ થયો.
શૈલ મુન્શા તા.૪/૨૧/૨૦૧૦
April 14th 2010
આજનો પ્રસંગ એક નકલખોર વાંદરાના જેવો છે. બાળકો અને એમા પણ નાના ત્રણ ચાર વર્ષના બાળકો સાથે જ્યારે તમે કામ કરતા હો તો ઘણુ શિખવાનુ મળે. એકના વખાણ કરો તો બીજું તરત તમારી સામે એવી રીતે જુવે કે તમારે એના પણ વખાણ કરવા પડે. એકને ચિત્ર દોરવામા મદદ કરો તો બીજું તરત પોતાનુ પેપર તમારી સામે ધરે.
અમારા રોજિંદા નિયમ પ્રમાણે બાળકોને કાફેટેરિઆમા જમાડી એમને સ્કુલના રમતના મેદાનમા લઈ જઈએ. સવારનો અગિયાર વાગ્યાનો સમય હોય એટલે મોટાભાગે અમારો ક્લાસ જ મેદાન પર હોય. અમારા બાળકો નાના અને અને કોઈક બાળકો મંદ બુધ્ધિના કે શારિરીક અપંગતાવાળા પણ હોય એટલે અમારે એમનુ વિશેષ ધ્યાન રાખવું પડે.
બાળકોને ખુલી હવામાં મજા આવે, ત્યાં લસરપટ્ટી ને હીંચકો વગેરે સાધનો છે, જેથી નાના બાળકો ને રમવાની પણ મજા આવે.નકલખોર વાંદરાની વાત હવે આવે છે. રમતા રમતા માઈકલ પડી ગયો ને એનો ઘુંટણ જરા છોલાયો. ક્લાસમા આવીને મે એનો ઘુંટણ સાફ કરીને બેન્ડેજ ની પટ્ટી લગાડી આપી. બસ થઈ રહ્યું બાકી ના બધા બાળકો કોઇ પોતનો હાથ તો કોઈ પોતનો પગ બતાવવા માંડ્યા અને મારે બધ્ધાને બેન્ડેજની પટ્ટી મારી આપવી પડી.
એ બાળકોના મોઢા પરનુ સ્મિત જોઈ હમેશ મનમા એક જાતની ખુશી નો અનુભવ થાય છે.બાળકો ની દુનિયા પણ કેવી અજબ છે.એ નિર્દોષ ચહેરા પર ચમકતું એક સ્મિત ભલભલા દુઃખને ભુલાવી દે છે.
શૈલા મુન્શા તા. ૦૪/૧૦/૨૦૧૦
April 14th 2010
ચાર વર્ષનો રોહન પોલીસ ઓફીસરનો દીકરો. ઘરમાં સહુનો ખૂબ લાડકો. એને જોઈને કોઈને પણ લાડ કરવાનું મન થાય એવો મીઠડો. મમ્મી પપ્પા ખુબ લાડ લડાવે, પણ સાથે સાથે પોલિસ ઓફિસરનો દીકરો એટલે રીતભાત અને નિયમોનું પાલન કરવાનું વગેરે બાબતો વિશે મમ્મી પપ્પાની કાળજી દેખાઈ આવતી.
રોહન ખૂબ ચોક્ખો અને સુઘડ બાળક. પહેલા દિવસે મમ્મી ને પપ્પા બન્ને એને સ્કૂલમાં મુકવા આવ્યા. જાતજાતની સુચના મમ્મી તરફથી અમને મળી, એ શું ખાય છે, એને શું ભાવે છે વગેરે વગેરે. મમ્મી પપ્પા ગયા ને રોહનભાઈએ રડવાનું ચાલુ કરી દીધું. પહેલીવાર એ અજાણ્યા બાળકો વચ્ચે હતો. ધીરે ધીરે એ ટેવાતો ગયો અને એને મજા પડવા માંડી. રોહનને એક નાનકડી બહેન હતી, એનું નામ એમીલી. અમારા ક્લાસમાં પણ એક એમી હતી. રોહન જાણે એનો પણ મોટો ભાઈ હોય તેમ એમી કાંઈક ધમાલ કરે તો હજી અમે એમીને બેસવાનું કહીએ તે પહેલા રોહન કડક અવાજે કહે “એમી બેસી જા”
એક દિવસ તો ખરી મજા આવી. ક્લાસમાં અમે જુદા જુદા વિભાગ પાડ્યા હતા, આર્ટ વિભાગ જ્યાં બાળકો કાતર કાગળ પેન્લસિલ લઈ કાંઈ ચિત્રકામ કરે. ડ્રામા વિભગ જ્યાં કોમ્યુનિટી હેલ્પરના કપડાં હોય જેમ કે ડોક્ટરનો કોટ, મેડિકલ કીટ વગેરે. આગબંબા વાળાનો ડ્રેસ, પોલિસ ઓફિસરનો ડ્રેસ.
બાળકો પોતાનું કામ પતાવીને એ વિભાગમાં પોતાને મનગમતો ડ્રેસ પહેરી મસ્તી કરે. જે ડોક્ટર બન્યું હોય એ અમને પણ આવી ઈન્જેક્શન આપી જાય. રોહન તો હમેશ પોલિસ ઓફિસરનો ડ્રેસ પહેરી બરાબર એના પપ્પાની નકલ કરે.
એક દિવસ બધા બાળકો પોતાની રમત પ્રવૃતિમાં મશગૂલ હતા પણ એમી બધાને હેરાન કરતી હતી, અચાનક રોહન જે પોલિસના ડ્રેસમાં હતો એ રમતા રમતા ઊભો થઈને બે હાથ કમ્મર પર રાખીને એકદમ પોતાના પપ્પાની જેમ નકલ કરતો કહેવા માંડ્યો “એમી ૧ ૨ ૩ જા જઈને પેલા ખૂણામાં બેસી જા, બિલકુલ ઊભા નથી થવાનું” હું ને મેરી તો જોતા જ રહી ગયા કે ક્યાં થોડા દિવસ પહેલા નો રોહન ને ક્યાં આજનો રોહન.
રોહનને લેવા મોટાભગે એના પપ્પા આવે કારણ મમ્મીને ઘરે નાની દીકરીને સાચવવાની હોય, અને સવારે રોહન સ્કૂલ બસમાં આવે.
એક દિવસ સવારે રોહન બસને બદલે એના પપ્પા સાથે પોલિસની ગાડીમાં આવ્યો. અમારો ક્લાસ એકદમ છેવાડે અને એની બારીમાંથી અમને કાર માં આવતાં બાળકોની જગ્યા દેખાય. અમારી ચબરાક એમીની નજર પડી અને એ બુમ પાડી ઉઠી ” મીસ મુન્શા પોલિસ કાર, પોલિસ કાર” અમે જોયું કે રોહન એમાંથી ઉતરતો હતો! બસ બધા બાળકોને પોલિસ કાર પાસે જઈ જોવાનો અભરખો જાગ્યો, શરુઆત એમીબેને કરી.
બસ પછી તો મજા જ મજા. બધા બાળકોને બહાર ગાડી પાસે લઈ ગયાને ફોટા પાડ્યાંને રોહનના પપ્પાના યુનિફોર્મને બધા નવાઈથી જોતા રહ્યા. પડછંદ પપ્પાની આસપાસ અમારા નાનકડાં બાળકોએ જાતજાતના ફોટા પડાવ્યાં!
કેટલો નિર્દોષ આનંદ આ બાળકો નાની વાતમાં પણ મેળવી લે છે એ જો એમની પાસે શિખવા જેવું છે.
એ નિર્દોષતા ક્યારેય ઓછી ના થાય એ જ પ્રાર્થના.
એ દિવસો અને એ દેવદૂતો ક્યારેય વિસરાય એમ નથી. એમની યાદ મને પણ હમેશ જીવવાની, દુઃખ ભુલી ખુશ રહેવાની હિંમત આપે છે!
અસ્તુ,
શૈલા મુન્શા
www.smunshaw.wordpress.com
April 9th 2010
પાંચ વર્ષની એશલી દેખાવે ખુબ સુંદર.ચહેરાનો ઘાટ એવો સરસ કે ભલભલી મોડેલોને ઝાંખી પાડે. ભગવાને બધું આપ્યું પણ મગજની પાટી કોરી રાખી, જાણે એકે અક્ષર એના પર મંડાયો નહિ. કોઈ વસ્તુની સમજ નહિ, કશાની અસર નહિ, પડે તો પણ ચહેરા પર વેદનાની નિશાની નહિ. બધા સાથે એને જમવા લઈ ના જવાય, ઝડપ એટલી કે તરાપ મારીને કોઈની પણ થાળી ઝુંટવી લે. બીજી કોઈ વસ્તુની ગતાગમ ભલે ન પડે પણ આંખ એટલી ચકોર કે ક્લાસમા ક્યાંક જો નાસ્તો કે પોપકોર્ન નુ પકેટ પડ્યું હોય તો ઘડીના છઠ્ઠા ભાગમા ત્યાં પહોંચી જાય. કુદરત પણ કમાલ છે દિમાગી હાલત બરાબર ન હોય તોય અને બાલ્ય અવસ્થા હોય તો પણ ભુખ ની સુઝ બધાને પડે છે.
આજે તો ખરી ધમાલ થઈ. બપોરના અમે બાળકો ને નાસ્તો અને જ્યુસ આપતા હોઈએ છીએ. હું મારી કોફી બનાવવા માટે પાંચ મિનીટ બહાર ગઈ અને મેરીએ બાળકો ને પોપકોર્ન અને જ્યુસ આપ્યા, અને એશલી ને ખવડાવવા માટે મારી રાહ જોતી હતી એટલામા ન જાણે કેવી રીતે એશલી એના હાથમા થી છુટી ગઈ પળવારમાં તો પોપકોર્ન નુ આવી બન્યુ. ચારેકોર પોપકોર્ન વેરણછેરણ ને બાળકો ન મોઢા જોવાજેવા.
ઘણીવાર મને વિચાર આવે કે આ નાનકડી બાળકી ના હૈયામાં શું ચાલતું હશે? ન બોલે ન હસે ન રડે ન એક જગ્યાએ બે મિનીટ રહે. શાળાનો સમય પુરો થતાં સુધીમા તો અમે થાકી જઈએ છીએ તો એના મા બાપનુ શું થતુ હશે? ઈશ્વર કેમ આવો ક્રુર થઈ શકતો હશે? કે પછી ખરે પુર્વજન્મની કોઈ લેણાદેણી હશે. વિજ્ઞાનની ભાષામા કહીએ તો કોઈ દવાની આડઅસર કે પછી વારસાગત જીન્સમા કોઈ પ્રમાણ ઓછુવત્તું થયું હશે.
જે હોય તે પણ એક વસ્તુની મને ખબર છે જ્યાં સુધી એશલી મારી સાથે છે ત્યાં સુધી મારાથી અપાય એટલો પ્રેમ હું જરૂર એને આપીશ.
શૈલા મુન્શા તા. ૦૪/૦૯/૨૦૧૦
April 8th 2010
“બચ્ચેં મનકે સચ્ચે, સારે જગકી આંખકે તારે;
યે વો નન્હેં ફૂલ હૈં, જો ભગવાન કો લગતે પ્યારે!”
હું અમેરિકામાં હ્યુસ્ટનની સ્કૂલ ડિસ્ટ્રીકની elementary school માં PPCD class (Pre-primary children with disability) જેને કહે છે એમાં સહ શિક્ષિકા તરીકે છેલ્લા અઢાર વર્ષોથી કામ કરું છું.
દરેક જાતની disability વાળા બાળકો સાથે કામ કરતાં એમના નાનકડાં નિર્દોષ તોફાનો, એમની તકલીફ અને છતાં મોઢા પર હાસ્ય અને જરા સરખાં વહાલનો મસમોટો શિરપાવ જોઈ એ પ્રસંગો એક ડાયરી રુપે લખવા શરુ કર્યાં અને એમાંથી સર્જાઈ મારી પુસ્તિકા “બાળ ગગન વિહાર” મારી પહેલી અને લાડકી એમીનાં છમકલાં રુઆબ અને મસ્તીથી મારી ડાયરીની શરુઆત કરું છું.
અઢાર વર્ષ પહેલાની વાત,
મારા ક્લાસમાં ત્રણ થી પાંચ વર્ષના બાળકો હોય. અત્યારે નવ બાળકોમાં સાત છોકરાંઓ અને બે છોકરીઓ છે. એમાં એક અમારા એમીબહેન છે. એમી એક Autistic child છે. આ બાળકો ઘણા હોશિયાર હોય પણ એમની રીતે કામ થવું જોઈએ.
નાનકડી એમી છે તો ત્રણ વર્ષની પણ જાણે જમાદાર. બધા પર એનો રૂવાબ ચાલે. જો એનુ ધાર્યું ના થાય તો ધમાલ મચાવી મુકે. લાલ રંગ એનો અતિ પ્રિય. ક્લાસમાં બે લાલ રંગની ખુરશી અને બાકીની ભુરા રંગની. જો એને લાલ ખુરશી ન મળે તો જે બેઠું હોય એને ધક્કો મારીને પણ એ ખુરશી પચાવી પાડે. રમતિયાળ અને હસમુખી, પણ ગુસ્સે થાય તો મોં જોવા જેવું. એના કરતાં બીજા બાળક પર વધારે ધ્યાન આપીએ તો બહેનબા ના ચહેરાનો રંગ બદલાઈ જાય.
અમારા ક્લાસમાં બીજી જે છોકરી છે, એશલી એનું નામ. ભગવાને ચહેરો સુંદર આપ્યો છે, પણ મગજ કામ કરતું નથી. એક ક્ષણ એક જગ્યાએ ન રહે, જે હાથમાં આવે એ મોઢામાં નાખવા જાય. અમારે એશલીનું ખાસ ધ્યાન રાખવું પડે. ક્લાસમાં અમે બે શિક્ષકો હોવાં છતાં કોઈવાર અઘરૂં પડે. ક્લાસના એક ખૂણામાં બેત્રણ નાના કબાટો મુકીને એવી જગ્યા બનાવી છે જ્યાં એશલી રમી શકે. હું અથવા મીસ મેરી એક ખુરશી લઈને ત્યાં બેસીએ અને એશલીનું ધ્યાન રાખીએ. કોઈવાર બીજા બાળકો સાથે કામ કરતાં હોઈએ અને થોડીવાર માટે એશલીને એકલી મુકવી પડે તો બે ત્રણ નાની ખુરશી એવી રીતે રાખીએ કે એશલી જલ્દી બહાર ના આવી જાય.
એમીનો રૂવાબ સહુથી વધુ એશલી પર ચાલે પણ સાથે સાથે મોટીબહેન હોય એમ એનું ધ્યાન પણ રાખે. એશલીએ કાંઈક મોઢામાં નાખ્યુ અને અમારૂં ધ્યાન ના હોય તો તરત એમી બુમ પાડે, “મુન્શા, મુન્શા, એશલી” ને અમે તરત એશલીને સંભાળી લઈએ.
આજે બપોરે હું બાળકોને નાસ્તો આપવાની તૈયારી કરતી હતી ને મીસ મેરી કાંઈક કામમાં હતાં તો એમી જાણે મારી નકલ કરતી હોય તેમ ખુરશી પર બેસીને એશલીનું ધ્યાન રાખી રહી. જેવો એશલી એ બહાર આવવાનો પ્રયત્ન કર્યો કે તરત ઊભી થઈને બે નાનકડી ખુરશી આગળ મુકી દીધી, એ જોઈને હું ને મીસ મેરી એટલું હસી પડ્યા કે આટલી નાનકડી એમીમાં કેટલી ચતુરાઈ છે અને કેવી આપણી નકલ કરે છે.
આ નાનકડાં સિતારા અને એમની ચતુરાઈ જોઈ કોણ કહે આ બાળકો દિવ્યાંગ છે, અરે! એ તો ભવિષ્યના તારલાં છે જે સદા ચમકતાં રહે છે.
શૈલા મુન્શા
April 8th 2010
નાનકડી પરી આવી અમ જીવનમા
ને પ્રેમ ની પરિભાષા બદલાઈ ગઈ
દિકરી બની મા ને હું બની નાની
સમજાયો અર્થ આજ,
મુડી કરતાં વહાલું વ્યાજ
નાનાજી ના હરખ નો નહિ પાર.
દાદા રચે કવિતા પર કવિતા આજ
દાદી થાય હરખઘેલા લઈ ઈશાની હાથ.
પપ્પા ના આંખની એ તારલી
રૂપે ને રંગે પ્રતિકૃતિ બાપની.
બેનીનો ભાઇ તો બન્યો મામો લાડકડી ભાણીનો
ને મામીને હૈયે ઉમંગ અતિ, બસ ક્યારે ઝુલાવુ ઈશાની મુજ હાથ.
કાકા કાકી ને ફોઇ ફુઆ સહુની એ લાડકી
ભાઈ બહેનો મા સહુથી એ નાની ને સહુની એ વહાલી
નાનકડી પરી આવી અમ જીવનમા
ને પ્રેમની પરિભાષા બદલાઈ ગઈ.
શૈલા મુન્શા તા. ૦૪/૦૬/૨૦૧૦