August 15th 2011

ઘટના

આજે ૧૫મી ઓગસ્ટ ૨૦૧૧, ભારતને આઝાદી મળે ચોસઠ વર્ષ પુરા થયા. અહીં અમેરિકામા પણ ભારતથી દુર રહી ભારતીય જન ધુમધામથી આઝાદી નુ જશન મનાવે છે. ફરક એટલો જ છે કે અહીં બધા તહેવાર અને જશન શનિ રવિ મા જ ઉજવાય.
આઝાદી મળે આટલા વર્ષો વિત્યા પછી પણ ખરેખર આપણે સામાજિક અને વૈચારિક સ્તરે ક્યાં છીએ એનો અનુભવ ગઈકાલે બનેલી ત્રણ ઘટના એ મને કરાવ્યો અને મારૂં મન પણ જુદા જુદા ભાવનો અનુભવ કરી રહ્યું.
ટીવી પર એક કાર્યક્રમ આવે છે, અલબત્ત આપણી હિંદી ચેનલ પર “અભી તો મૈ જવાન હું” સરસ મજાના ગીતો સાંભળવા મળે. આઝાદી નો દિવસ એટલે બધા દેશ ભક્તિના ગીતને ફીલ્મનુ દ્રશ્ય. ૧૯૫૪ ની ફીલ્મ “જાગૃતિ” નુ ગીત આવ્યું. “हम लायें हैं तुफान से किस्ती निकालके, ईस देशको रखना मेरे बच्चो संभालके” મન મારૂં ખુશી નો અનુભવ કરી રહ્યું. કેવી સુંદર કલ્પના અને કેવો સરસ ભાવ. આઝાદી મળ્યે થોડા જ વર્ષો થયા હતા.ખરે જ અંગ્રેજ રૂપી તોફાન નો સામનો કરી નાવ સલામત કિનારે લાવ્યા હતા અને ઉગતી પેઢી પાસે એને જતનથી સંભાળવાની એક યાચના હતી.
બપોરે એક હિંદી સિરિયલ જોતી હતી “ક્રાઈમ રીપોર્ટ” આ સીરીયલ સાચા બનેલા બનાવો પર આધારિત હોય છે. ૨૦૧૧ ના જુન મા જ બનેલી સત્ય ઘટના નુ નાટ્ય રૂપાંતર હતું. મહારાષ્ટ્ર ના સાંગલી જીલ્લામા બનેલી ઘટના હતી. આઝાદી પુર્વે જમીનદારો જે રીતે ખેડુતોનુ શોષણ કરતા હતા અને જીંદગીભર પોતાના ખેતરોમા ગુલામની જેમ કામ કરાવતા એ વસ્તુ આજે ૨૦૧૧ મા પણ એ જ રીતે બની રહી છે. એકવાર જમીનદાર પાસે પૈસા ઉધાર લીધા પછી ખેડુત જીંદગીભર વ્યાજના ચક્કર મા થી બહાર ના નીકળી શકે અને કોલ્હુના બેલની જેમ જીવનભર જમીનદાર ના પગ નીચે દબાયેલો રહે.
સાંગલી મા એક ખેડુતે જમીનદારને પૈસા વ્યાજ સહિત સમયસર પાછા આપી દેવાની હિંમત કરી. એની સત્તર વર્ષની દિકરીએ ટ્યુશન કરી પૈસા ભેગા કરી બાપને દેવું ચુકવવામા મદદ કરી અને એનો અંજામ એ આવ્યો કે જમીનદાર ના માણસો દિકરીને ઉપાડી ગયા અને સાત સાત દિવસ ગભરૂ કન્યા પર હેવાનિયત વરસાવી બાપના આંગણે નાખી ગયા. સુનમુન દિકરી એ કેરોસીન છાંટી આપઘાત નો રસ્તો અપનાવ્યો અને જમીનદાર સત્તા નો ઉપયોગ અને ખોટા સાક્ષી ઊભા કરી પોલીસ ને લાચાર કરી મુકી.
સીરીયલ જોતા જોતા મન વિષાદથી ભરાઈ ગયું. ભારત ભલે આજે દુનિયા સાથે કદમ મિલાવી પ્રગતિના સોપાન ચઢી રહ્યું છે પણ ગામડાંઓ મા પરિવર્તન ક્યાં આવ્યું છે.
સાંજે બહાર નીકળ્યા અને અચાનક ફીલ્મ જોવાનો વિચાર કર્યો. અમિતાભ બચ્ચન આમ પણ મારો મનગમતો એક્ટર છે અને એની નવી ફીલ્મ “આરક્ષણ” હમણા જ રીલીઝ થઈ છે એટલે એ જ જોવાનુ નક્કી કર્યું. એમા પણ એજ સવાલ પર ફિલ્માંકન કરવામા આવ્યું છે. કોલેજ મા એડમિશન માટે અમુક સીટ દલિત વિધ્યાર્થી માટે ખાસ રીઝર્વ રાખવા મા આવે જેમા આ બાળકોને ઓછા ટકા આવ્યા હોય તો પણ એડમિશન મળે. મંડલ કમિશન નામે સુપ્રિમ કોર્ટનો ચુકાદો અને એના પ્રત્યાઘાતો. પ્રકાશ ઝા એ આ સાંપ્રત સમસ્યા લઈને ફીલ્મ બનાવી અને જે રીતે એનો સુઝાવ દર્શાવ્યો એનાથી મન પ્રસન્ન થઈ ગયું.
એક જ દિવસ અને ત્રણ જુદી જુદી ઘટના. દરેક ઘટના મન પર જુદી અસર કરી ગઈ અને જુદા જુદા પ્રતિભાવો મનમા જગવતી ગઈ સાથે સાથે મનમા અનેક સવાલો પણ ઉઠતા રહ્યા. જે કમી છે એને દુર કરવા આપણે જ વધુ સજાગ થવાની જરૂર છે. ઝંઝાવાત માથી બહાર આવેલી નૈયા કિનારે આવી ને ડુબી ના જાય તે જોવાની ફરજ પણ આપણી જ છે. આઝાદી મેળવવાની કિંમત આપણે ચુકવી નથી પણ એને જાળવવાની તકેદારી તો આપણે રાખી જ શકીએ.
અસ્તુ.

શૈલા મુન્શા. તા. ૦૮/૧૫/૨૦૧૧.

August 5th 2011

હૈયું

ગમ છુપાવી, છલકાવે ખુશી હૈયું
કંઈ કેટલા રાઝ છુપાવે આ હૈયું.

શ્રાવણ ની ઝરમર ને પિયુ પરદેશ
મિલન ની ઝંખના છુપાવે આ હૈયું.

ધન દોલત ને અમીરી ચારેકોર,
છુપાવે હાય ગરીબની આ હૈયું.

જીંદગીની સફરમાં સુખને દુઃખ,
પહોંચવા મુકામે જગવતું હામ આ હૈયું.

દીઠો ન પ્રભુ પણ માનવતા ઠેર ઠેર
દીપ એ શ્રધ્ધા નો પ્રગટાવતું આ હૈયું.

શૈલા મુન્શા. તા. ૦૮/૦૫/૨૦૧૧

July 28th 2011

કોણ આ એકલું

ભરી મહેફિલમાં કોણ આ એકલું!
મસ્તીના માહોલમાં કોણ આ એકલું?

આમ તો કહેવાય, જળ બિન પ્યાસી મીન,
લહેરાતા સાગરની મોજ મહીં કોણ આ એકલું?

ઉદાસી મહીં ટપકે આંસુ એ તો સાવ સાચું!
પચાવી હળાહળ, રેલાવે સ્મિત કોણ આ એકલું?

પાનખરે ખરતાં પર્ણ એ તો ક્રમ કુદરતનો
ફૂટશે ફરી કુંપળ, સમજે બસ કોણ આ એકલું!

જ્વાળામુખીની ટોચે બેઠો માનવી, આગ ચારેકોર
ઠારવા એ અગન છેડતું મલ્હાર કોણ આ એકલું!

શૈલા મુન્શા. તા. ૦૭/૨૮/૨૦૧૧

July 9th 2011

અમે બે બહેનો

નાનકડી આ બહેની મારી, લાગે સહુને વહાલી.
બાળપણની યાદો અમારી, એક શાંત ને બીજી તોફાની.

સવાર પડે કાંઈ આવતા વિચાર નવા, નિત કરતી તોફાન નવા
કદી કુદતી ઝાડ પરથી, ને કદી જખમ મસ્તકે,
ક્યાંક ટાંકા, ને ક્યાંક નિશાની, જીવન ભરની યાદ સુહાની.

લાડકી એ પપ્પાની, ને ખવડાવતી વઢ મમ્મીને,
રવિવારની બપોર, ને હાજરી પપ્પાની સાધતી એ તક મજાની
કાળા ભમ્મર વાળમાં તેલ સીંચતી મમ્મી ને કરતી એ ઉંહકારો
એક ઉંહકારે એના, બસ ઉઠતા પપ્પા સફાળા
કહેતા મમ્મીને, જરા ધીમે જરા ધીમે, બહુ દુઃખાય એને.
મમ્મી જાણતી, બહેની જાણતી, આ તો બધા નખરાં એના,
પપ્પાની દુલારી, પામવા લાડ કરતી એ ચાળા બધા.

નાનકડી એ બહેની મારી ક્યારે બની ગઈ મોટી
ગઈ મુજથી દુર પણ પામી સાથી મજાનો
સાથી પણ એવો, હસતાં મોઢે ઝીલ્યો ભાર સહુનો
હર મુસીબત, હર સંકટમા આપ્યો સાથ સહુનો.

આ છે કહાણી અમ બે બહેનોની
જીંદગી વિતાવી રહી દુર એકબીજાથી સદા,
કર્મ સંજોગે મળ્યા પાછાં, પણ પાછાં જુદા;

પ્રાર્થના બસ એટલી જ નીકળે અંતરથી
હસતી ને રમતી રહે જોડલી પારૂલ જશુની
સદા રહે સલામત ને ખુશહાલ હરદમ,
જીવનની સફરમાં સદા એકબીજાના બની પુરક જીવે.

(સ્વાગત તમારૂં ફરી હ્યુસ્ટનમા.)

શૈલા- પ્રશાન્ત. તા.૦૭/૦૯/૨૦૧૧

July 7th 2011

એક બપોર હરનીશ જાની ની સાથ

ન્યુ જર્સી ના જાણીતા લેખક શ્રી હરનીશભાઈ જાની તેમના પત્નિ શ્રીમતિ હંસાબેન સાથે હ્યુસ્ટન મા યોજાયેલ જૈન કન્વેન્શન મા માનનિય વક્તા તરીકે આમંત્રિત હતા અને ગુજરાતી સાહિત્ય સરિતાના જાણીતા કવિ ને ગઝલકાર સુરેશભાઈ બક્ષી ની મિત્રતાને માન આપી સાહિત્યસરિતા ના મિત્રો સાથે થોડા કલાકો ગાળવાની અનુમતિ આપી જેથી સહુને એમની હાસ્ય ધારા મા વહેવાનો નો લાભ મળે.
૪થી જુલાઈ ૨૦૧૧ નો દિવસ ગુજરાતી સાહિત્ય સરિતા માટે ખાસ દિવસ બની ગયો. શ્રી સુરેશ ભાઈ બક્ષી ના આગ્રહને માન આપી શ્રી હરનીશ ભાઈ સાહિત્ય રસિકો સાથે થોડા કલાકો ગાળવા તૈયાર થયા.
સહુ મિત્રો એમની વાણી નો લાભ લેવા આતુર હતા પણ હરનીશ ભાઈ ની ઈચ્છા હ્યુસ્ટન ના કવિ મિત્રો ને પણ સાંભળવાની હતી તેથી પ્રથમ હ્યુસ્ટનના લોકલ કવિ મિત્રો એ પોતાની રચના રજુ કરી. સંચાલક સુરેશભાઈ એ એક પછી એક કવિઓ ને કૃતિ રજુ કરવા કહ્યું.
સહુ પ્રથમ નામ શૈલા બેન નુ બોલાયું. પ્રસંગ ને અનુરૂપ એમણે શાળાના બાળકોના રોજ ના નાના મોટા તોફાનો ને રમુજી પ્રસંગો ને “રોજીંદા પ્રસંગો” તરીકે આલેખ્યા હતા તેમાથી એક “નટખટ એમી” નો પ્રસંગ વાંચી સંભળાવ્યો. દેવિકા બેન ધ્રુવે પોતાની કૃતિ વાંચવાને બદલે શ્રી અશોક જાની ની એક ગઝલ ” આગળ મુકજે, પાછળ મુકજે, કાવ્ય લખેલા કાગળ મુકજે” વાંચી સંભળાવી. રસેશભાઈ દલાલે પોતાની રમુજી શૈલી મા વર્તમાન જીવનની થોડી ચિંતાઓ રજુ કરી. દા. ત.(૧) એક્ઝોન મોબીલ મા ૧૨૫ કોંગ્રેસમેન ને ફારેગ કર્યા છે. (૨) વ્હાઈટ હાઉસમા કોઈપણ રંગના માણસ રહી શકે છે. વગેરે વગેરે……. ચીમનભાઈ પટેલ જે “ચમન” ના ઉપનામથી લખે છે એમણે હાસ્ય કાવ્ય રજુ કર્યું. (રઈશભાઈ ને વિવેક ટેલર માટે) “બે હુરતીઓ આવ્યા ગામમા કોણ માનશે? અને બેઉ પાછા નીકળ્યા ડોક્ટર કોણ માનશે? ફતેહ અલીભાઈએ અશોક ચક્રધરની વ્યંગ રચના “યું તો સંસારમે સુખોકી સંખ્યા અપાર હૈ”પોતાની હળવી શૈલીમા રજુ કરી હરનીશ્ભાઈ સહિત સહુને રસ તરબોળ કરી દીધા. પ્રવિણાબેન કડકિઆ એ “ગે મેરેજ” પર એક હાસ્ય લેખ રજુ કર્યો. “છોકરો છોકરાને પરણે તો કોની વિદાય ને કોના કંકુના પગલાં ઘરમા”
આવા હાસ્યલેખ સાંભળી હરનીશભાઈ પણ વચ્ચે વચ્ચે હાસ્યના ચમકારા સંભળાવતાં હતા. અમારા પીઢ કવિ ધીરૂભાઈ શાહે સરળ શૈલી મા બે નાનકડાં કાવ્ય રજુ કર્યાં. “હાસ્ય કેવું છે- હાસ્ય પ્રાતઃકાળના સૂર્ય જેવું છે” હિંમતભાઈ શાહે શ્વેત સાડીમા સ્ત્રી કેવી લાગે વિશે કાવ્ય રજુ કર્યું.
હવે શ્રોતાજન હરનીશભાઈ ને સાંભળવા તત્પર હતા અને સભાનો દોર હરનીશભાઈ એ હાથમા લીધો. એમની વાત કરવાની શૈલી અનોખી હતી. દરરોજના નાના મોટા દૈનિક વ્યવહારમા પણ હાસ્ય કેવી રીતે ઉપજી શકે તે એમની વાતો માથી જણાઇ આવતું. સહજ રીતે તેઓ પોતાના પર કે પોતાની પત્નિ પર હસી શકતા. એમની વાતોમા કદી કોઈ ત્રાહિતને ઉતારી પાડવા ની કે કોઈને માઠું લાગે એવી રીતે વ્યંગ કરવાની ભાષા જોવા ના મળી. “મહા કવિ ગુંદરમ” ની વાતો બધાને હાસ્યથી તરબોળ કરી ગઈ. “સમય બદલ્યો કે નહિ” પરનો કટાક્ષ અને જો ભારત મા અમેરિકાની જેમ દર છ મહિને સમય બદલાય તો શું થાય ના વર્ણને બધાને હસી હસી ને બેવડ કરી દીધા.
હરનીશભાઈ ના પત્નિ શ્રીમતિ હંસાબેન પણ લેખિકા છે. એમણે પણ પોતાની લખાણ શૈલી નો પરચો દેખાડ્યો. તાજેતરમા ઉજવાયેલ હરનીશભાઈની ૭૦મી વર્ષગાંઠ વખતે “શતં શરદં જીવં” નો લેખ અને ઘરના હરનીશની ઓળખાણ બહુ રમુજી શૈલી મા કરાવી.હરનીશભાઈ ની કસરત કરવાની રીત જણાવી. “વાતો કરે એટલે જીભની કસરત, ઈન્ટરનેટ પર બેસે એટલે આંખ અને આંગળી ની કસરત, ડાયેટીંગ એટલે આખો દિવસ ડાયેટીંગ પણ જમતી વખતે નો ડાયેટીંગ……. વગેરે. આવું ભાગ્યે જ જોવા મળે કે પતિ પત્નિ આમ એકબીજા પર હસી શકે અને હાસ્ય ઉપજાવી શકે.
રસેશભાઈના થોડા સવાલોના જવાબમા હરનીશભાઈએ થોડી સાહિત્યને લગતી નક્કર વાતો પણ કરી. હ્યુસ્ટન ના કવિ લેખકો એક વર્કશોપ જેવું રાખે અને દરેક વ્યક્તિ એક વાર્તા લખે જેનુ બધા વાંચીને મુલ્યાંકન કરે અને સુધારા સુચવે જેને કારણ દરેકનુ લેખન સ્તર ઊંચુ આવે.
સુરેશભાઈ અને નીરૂબેન ના સૌજન્યથી હરનીશભાઈ અને હંસાબેન સાથેની એ બપોર સલોણી બની ગઈ.
અંતમા નીરૂબેનની મહેમાનગતિ બટાટાપૌંઆ ને ચા નો રસાસ્વાદ લઈ સહુ છૂટા પડ્યા.

શૈલા મુન્શા. તા.૦૭/૦૭/૨૦૧૧

June 27th 2011

ધબકે છે

કોઈ રાહ બની, તો કોઈ ખાસ બની ધબકે છે,
સાચું પુછો તો જીવન મહીં સહુ આશ બની ધબકે છે.

કોઈ નિરાધાર, તો બને કોઇ આધાર સ્તંભ,
કોણ જાણે કોણ બસ વિશ્વાસ બની ધબકે છે!

ભભૂકતો જ્વાળામુખી ભીતરને, સપાટી સમતલ,
ઠારવા અગન ન જાણે કોણ અમીરસ બની ધબકે છે!

વહેરાય કરવતે વૃક્ષ, ને વહેરાય શબદે માનવી,
ચીરીને છાતી ધરાની, કોણ કુમાશ બની ધબકે છે!

માનો તો સંગીત, નહિતર કોલાહલ આ જીવન,
જમનાને તીર કોણ ગોપી સંગ રાસ બની ધબકે છે!

પામરથી પરમ તત્વને પામવા ઝુઝે નિત માનવી,
ના કોઈ સૂધ, બસ ભીતર કોઈ ઈશ બની ધબકે છે!!

શૈલા મુન્શા. તા ૦૬/૨૭/૨૦૧૧.

June 25th 2011

વેદના

સુલેખા અને નયન બન્ને તાજા પરણેલા. બન્નેની ઉંમર બાવીસની આસપાસ. સરસ મજાનુ હસતું રમતું યુગલ. સંયુક્ત પરિવારમાં સહુ સાથે રહે. મમ્મી, પપ્પા, નયન અને નાની બહેન. નયનના લગ્ન થતાં પરિવારમાં વહુનું આગમન થયું. નયન તો સહુનો લાડકો હતો જ પણ સુલેખા પણ પરિવારમાં દુધમાં સાકર ભળે એમ સહુ સાથે ભળી ગઈ અને બધાની લાડકી વહુ બની ગઈ. નયન પપ્પાના હાથ નીચે વેપાર ધંધામાં પારંગત થતો જતો હતો પણ હજી એનામાં થોડી નાદાનિયત હતી.
નયનના લગ્નને માંડ વર્ષ થયું હતું અને એવામાં એનો એક મિત્ર પરિવાર સહિત બેત્રણ દિવસ એના ઘરે રહેવા આવ્યો. બે સરસ મજાના બાળકો એમના પરિવારની ફુલવાડી હતી. દીકરી ત્રણ વર્ષની અને દીકરો તો હજી માંડ સાત આઠ મહિનાનો. ઘરના બધા અને સુલેખા પણ બાળકો જોઈને ખુશ થઈ ગયા અને ઘર જાણે ભર્યું ભર્યું થઈ ગયું, પણ નયન જોઈ રહ્યો હતો કે એનો મસ્ત બેફિકર મિત્ર કેવો બંધનમાં જકડાઈ ગયો છે. બહાર ફરવા જવાની તૈયારી હોય અને દીકરી ને ભુખ લાગે, દીકરો રડવા ચડે. સમયસર કશું થઈ ના શકે. નયનના મનમાં થતું કે એના મિત્રે જરા ઉતાવળ કરી દીધી. હજી એની ઉંમર તો હરવા ફરવાની છે અને એ બાળકોમાં અટવાઈ ગયો.
મિત્ર તો બે દિવસમાં જતો રહ્યો પણ નાના બાળકોને સંભાળવામાં પોતાના મિત્રને અટવાયેલો જોઈ નયનના મનમાં વિચારોના વાદળ ઘેરાવા માંડ્યા.
એક સાંજે સુલેખા સાથે વાત કરતાં સહજ નયનથી પોતાના મિત્ર સંદીપનો ઉલ્લેખ થઈ ગયો કે એનો આ મિત્ર કેવો હરવા ફરવાનો શોખીન અને રાતે પણ મોડે સુધી ગપ્પાં મારવા તૈયાર એવો મસ્ત મૌલા હતો અને હવે બાળકોના જન્મ પછી એની આખી જીવન પધ્ધતિ બદલાઈ ગઈ. બધું કામ બાળકોના ટાઈમ ટેબલ પ્રમાણે થાય. આમ વાત કરતાં કરતાં સહજ જ નયનથી કહેવાઈ ગયું કે “સુલુ આપણે બાળકો માટે કોઈ ઉતાવળ નહી કરીએ, મને તો બાળક સાચવતા પણ નહી આવડે.”
કુદરતની ચાલ કંઈ નિરાળી હતી. બે ત્રણ દિવસથી સુલેખાને ઉઠતાની સાથે બેચેની લાગતી ઉબકાં આવતા અને કાંઈ ખાવાનુ મન થતું નહી. એણે એની ભાભી ને ફોન કર્યો જે લગભગ એની જ ઉંમરની હતી અને ત્રણ મહિનાની દીકરીની મા પણ હતી. નયન ધંધાના કામે બહારગામ હતો અને બે દિવસ પછી આવવાનો હતો એટલે ભાભી નણંદ ડોક્ટર પાસે ગયા. ડોક્ટરે વધાઈ આપતાં કહ્યું કે સુલેખા મા બનવાની છે. સુલેખાની ખુશીનો પાર રહ્યો નહી તરત સેલ ફોન હાથમાં લઈ નયનને ખુશખબર આપવા તલપાપડ બની પણ અચાનક એનો હાથ થંભી ગયો. મીતા જે એની ભાભી હતી એને નવાઈ લાગી પણ ડોક્ટરની હાજરીમાં કશું બોલી નહી. બહાર નીકળી જ્યારે એને કારણ પુછ્યું તો સુલેખાની આંખમાં આંસુ આવી ગયા અને ભાભીને એણે નયનના મનની વાત કરી કે એને તો હમણાં બાળક જોઈતું જ નથી. મીતા એ એને ખૂબ સમજાવી કે એવું કાંઈ હોતું નથી. જ્યારે તું આ સમાચાર નયનને આપીશ તો એ ખુશીનો માર્યો પાગલ થઈ જશે. તમે બન્ને ભલે થોડા નાદાન હો પણ જવાબદારી આવે તો આપોઆપ એને સંભાળવાની તાકાત પણ આવી જ જાય છે.
નયન જ્યારે બહારગામથી પાછો આવ્યો તો સુલેખાએ રાતે ડરતાં ડરતાં પોતે મા બનવાની છે એ વાત કરી. એક ક્ષણ તો નયન એને જોઈ રહ્યો પણ બીજી ક્ષણે સુલેખાને બાથમાં લઈ લીધી. પોતે પિતા બનવાનો છે એનો આનંદ એના ચહેરા પર ઉભરાઇ આવ્યો. તરત જ એ સુલેખાને મમ્મી પાસે લઈ ગયો અને મમ્મીને એ દાદી બનવાની છે એ વાત કરતાં જ ઘરમાં ખુશીનો સાગર લહેરાઈ ઊઠ્યો. ઘરના બધા સુલેખાનું ખૂબ ધ્યાન રાખવા માંડ્યા. બદામનું દુધ ને જાતજાતના પકવાન. સાસુ તો દાદી બનવાના હરખમાં સુલેખાને કોઈ કામ ના કરવા દે અને નણંદ તો ફોઈ બનવાના ખ્યાલથી બસ આખો દિવસ સુલેખાનો પડતો બોલ ઝીલવા તૈયાર.
હસતાં રમતાં આ ઘરને કોઈ ની નજર લાગી ગઈ. ત્રણ મહિના થયા અને એક રાતે સુલેખાને સખત દુઃખવો ઉપડ્યો. આખી રાત સુઈ ના શકી. નયન પણ ચિંતિત થઈ ઊઠ્યો. સવાર પડતાં જ બન્ને જણ ડોકટર પાસે ગયા. ડોક્ટરે સુલેખાને તપાસી, બહાર આવી નયનને એકબાજુ બોલાવી આઘાત જનક સમાચાર આપ્યાકે સુલેખાને miscarriage થઈ ગયું છે પણ નિરાશ થવાની જરૂર નથી પ્રથમ વાર આવું થવું સ્વાભાવિક છે એમાં તમારા બન્નેનો કોઈ વાંક નથી અને થોડા મહિના બરાબર કાળજીને દવા લઈ યોગ્ય સારવાર પછી ફરી સુલેખા મા બની શકશે માટે એને અત્યારે સંભાળી લેજો.
નયન કશું બોલ્યા વગર ચહેરા પર હાસ્ય રાખી સુલેખાને ઘરે લઈ આવ્યો, પણ મમ્મી પાસે હામ રાખી ના શક્યો અને ડોક્ટરે શું કહ્યું તે વાત કરી. ઘરના સહુ પર તો જાણે આકાશ તુટી પડ્યું. સહુ સુલેખા દેખતાં હિંમત રાખતા પણ મનમાં હિજરાતા. નયન જાણે રાતોરાત સમજદાર બની ગયો. સુલેખાની ખુબ દેખભાળ કરતો, કોઈની સામે આંખમાં આંસુ આવવા ના દેતો પણ ઘરની બહાર નીકળતાં જ સુનમુન બની જતો. કામમાં પોતાને વ્યસ્ત રાખવા પ્રયત્ન કરતો.
કોણ જાણે કેમ પણ સુલેખાને મનમાં એમ જ થયા કરતું કે નયનને બાળક જોઈતું જ નહોતું એટલે જ આવું થયું અને એમાં એક દિવસ નયનને ઓફીસથી આવતાં મોડું થયું. સુલેખા દુઃખના આવેશમાં ભાન ભુલી ગઈ અને એનાથી નયનને કહેવાઈ ગયું કે “તમને મારી વેદના શું સમજાય, તમે તો આખો દિવસ બહાર રહો અને મને બધું ભુલી જવા કહો પણ મારા હૈયામાં જે વેદના છે એ તમને નહિ સમજાય કારણ તમે તો આ બાળક ઈચ્છતાં જ નહોતાને.” નયન સ્તબ્ધ બની સુલેખાને જોઈ રહ્યો અને રૂમની બહાર નીકળી ગયો. બહાર વરંડામાં જઈ ચોધાર આંસુએ રડી પડ્યો.
નયન કે સુલેખા બન્નેમાંથી કોઈને ખબર નહોતી કે મમ્મી દરવાજાની બહાર ઊભી ઊભી બધી વાત સાંભળી રહી હતી અને એણે નયનને ચોધાર આંસુએ રડતો જોયો હતો.
આજે મમ્મીથી રહેવાયું નહી. સુલેખા પાસે જઈ પહેલીવાર ઊંચા અવાજે એણે સુલેખાને કહ્યું ” વહુ આજે તે બહુ ખોટું કર્યું. અમે બધા તારા દુઃખમાં તારી સાથે છીએ. અમે બધાં મન મક્કમ કરી એ દુઃખ વિસરવાનો પ્રયત્ન કરીએ છીએ. એકબીજા સાથે વાત કરી મન હળવું કરવાનો પ્રયત્ન કરીએ છીએ પણ તેં વિચાર કર્યો કે નયન કોની પાસે મન ખાલી કરે? કોની પાસે જઈ આંસુ વહાવે? માન્યું કે નયન ત્યારે કદાચ બાપ બનવા તૈયાર નહોતો પણ જેવા આ ખુશી સમાચાર એને મળ્યા કે એનામાં પરિવર્તન આવવા માંડ્યું. ફક્ત નયનમાં જ નહિ, દુનિયાના બધા પતિ બાળકના આગમને વધુ જવાબદાર બને જ છે, પણ દુઃખના આવેશમાં આજે તેં આટલો મોટો ઈલ્જામ એના પર લગાવ્યો. એની વેદના તને દેખાઈ નહી? તારી સામે હસતાં રહી તને રાજી રાખવા એ પોતાના આંસુ પી ગયો.”
હસતો રહી ઝઝુમે.
સુલેખાને પોતાની ભુલનો અહેસાસ થયો. સ્ત્રી તો પોતાનું દુઃખ રડીને હળવું કરી લે પણ પુરૂષ તો પોતાની વેદના અંતરમાં છુપાવી જગ સામે હંમેશ જાણે અજાણે સુલેખા નયનને કેટલો ખોટો સમજી બેઠી હતી. હંમેશ પોતાના દુઃખના દરિયામાં ગોતા ખાતી રહી, એ ખ્યાલ પણ એને ના રહ્યો કે આ દુઃખ ફક્ત પોતાનું જ નહોતું પણ આખા ઘર પર એક વાવાઝોડું આવી ને પસાર થઈ ગયું હતું, અને સહુથી વધુ વેદના નયનને જ થઈ હતી.
અસ્તુ,

શૈલા મુન્શા.
www.smunshaw.wordpress.com

June 3rd 2011

શું કરૂં

યાદના દીપક જલાવી શું કરૂં?
અતીતના આવરણ ઉવેખી શું કરૂં!

સૂરજની રોશની જ્યાં ઓછી
ઘરનો ચિરાગ જલાવી શું કરૂં.

શમા લાખ ચાહે, ન પાસ પરવાન
ન સુણી ઝંપલાવે પરવાન, શું કરૂં!

સમંદર વલોવે નીકળે હળાહળ
રાખી આશ અમરતની, શું કરું!

ક્યાંક તો ચાલે મરજી ઈશ્વરની
શરત મા મુકી હામ શું કરૂં,
યાદના દીપક જલાવી શું કરૂં.

શૈલા મુન્શા. તા. ૦૬/૦૩/૨૦૧૧

May 31st 2011

બ્રેન્ડન-૨

બ્રેન્ડન જ્યારે અમારા ક્લાસમા આવ્યો ત્યારે ચાર વર્ષનો હતો. મા બાપ બન્ને બહેરા મુંગા પણ બ્રેન્ડન સાંભળી શકતો. વાચા પુરી ખુલી નહોતી. ઉમરના પ્રમાણ મા નાનો લાગે પણ ગોરો ચિટ્ટો અને હસતો ચહેરો. બધા સાથે હળી મળી જાય, પરાણે વહાલો લાગે એવો. જોત જોતામાં તો સ્કુલ મા બધાનો લાડકો થઈ ગયો.
રોજની અમારી મહેનત ના કારણે ધીરે ધીરે પોતાની જાતે કોમ્પ્યુટર પર બાળકોના પ્રોગ્રામ જેવા કે www.starfall.com, pbskids વગેરે ક્લીક કરતો થઈ ગયો. બાળકોની નકલ કરવાની આદત બધે સરખી જ હોય છે. એમા બ્રેન્ડન પણ બાકાત નહોતો.
સારી વસ્તુની સાથે ધમાલિયા સેસાર અને જમાદાર એમીની સાથે રહી એ ભાઈસાબ પણ તોફાન કરતા શિખ્યા. પહેલા તો રમતના મેદાનમા જ્યારે બાળકોને લઈ જઈએ અને બ્રેન્ડન લસરપટ્ટી પર હોય તો એક જ બુમે તરત અમારી પાસે આવી જાય પણ હવે જેવો ક્લાસમા જવાનો વખત થાય અને અમે બધાને બોલાવવાના શરૂ કરીએ એટલે એ ભાઈસાબ સંતાઈ જાય અને ઘણીવાર તો અમને એની પાછળ દોડાવે. ક્લાસમા રમાડતા હોઈએ અને પછી ભણવાના ટેબલ પાસે બોલાવીએ તો જાણે સાંભળ્યું જ નથી એમ ચાળા કરે
આવો નટખટ અમારો બ્રેન્ડન આજે અમને છોડીને જાય છે. નોકરી અર્થે માબાપે બીજા શહેરમાં જવાનુ નક્કી કર્યું અને બ્રેન્ડન ને અમારાથી વિખુટા પડવાનુ થયું. જેટલાને ખબર પડી એટલા બધા એને મળવા ખાસ ક્લાસમા આવ્યાં ને બ્રેન્ડન પણ બધાને વહાલથી ભેટ્યો. અમારા P.E. (Physical Education) ના સર પોતે ઊંચા તાડ જેવા, એની પાસે તો બ્રેન્ડન નાનકડા ગલુડિયાં જેવો લાગે. જ્યારે પણ એ બ્રેન્ડન ને જુવે કે ઊંચકી લે. બધાને દુઃખ થયું.
આ દેશની ખાસિયત છે લોકો ગમે ત્યારે ગમે ત્યાં મુવ થતા રહે અને બાળકો પણ એમની સાથે ફરતાં રહે એટલે જ કદાચ બધા દિલ ને બદલે દિમાગથી વધુ કામ લેતા હોય છે.
“Be prectical” એ અહીંયા નો જીવનમંત્ર છે.

શૈલા મુન્શા. તા. ૦૫/૩૧/૨૦૧૧.

May 27th 2011

કોઈ ભીંતેથી આયના ઉતારો!!

કોઈ ભીંતેથી આયના ઉતારો,
કે નજરૂં ના નુર ઝાંખા પડે!

કોઈ ટોડલે થી તોરણ ઉતારો,
કે શરણાઈ ના સુર ધીમા પડે!

કોઈ મેડીએ થી માણ ઉતારો,
કે તાલ મંજીરા ના ઓછા પડે!

કોઈ ઓઢાડો ચુંદડીએ લાડકડીને,
કે ભુલી મહિયરને, કુમકુમ પગલી પડે!

કોઇ હૈયા ના ગુમાન ઉતારો,
કે ખોરડું ને મન સાવ ખાલી પડે!

કોઈ ભીંતેથી આયના ઉતારો,
કે ઓરતા જીવતરના ઓછા પડે!!!

શૈલા મુન્શા. તા ૦૫/૨૭/૨૦૧૧

« Previous PageNext Page »
Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.