November 21st 2013
સપના ની વણઝાર વચ્ચે આંખ ખોલવી ગમતી નથી,
બને ના જો સપનુ હકીકત, એ વાત ગમતી નથી.
ચણાય ઈમારત જો મજબૂત તો વાંધો નહિ,
ખંડેર ઈમારતો ની હાય, એ વાત ગમતી નથી.
ક્યાં સુધી વેઠવી વેદના, એ આવશે કે નહિ?
આવી ને દ્વાર અટકી જવાની, એ વાત ગમતી નથી.
પચાવી હળાહળ સહુ બની શકતા નથી નીલકંઠ,
હરદમ પચાવી ઝેર જીવવું, એ વાત ગમતી નથી.
મન ની મુરાદ કરવા પુરી સાબદાં સહુ બને
ઉઘડે આંખ ને સપના ખરે, એ વાત ગમતી નથી.
સપના ની વણઝાર વચ્ચે આંખ ખોલવી ગમતી નથી,
બને ના જો સપનુ હકીકત, એ વાત ગમતી નથી.
શૈલા મુન્શા. તા ૧૧/૨૦/૨૦૧૩
October 28th 2013
એમી હવે તો સાત વર્ષની થઈ. મને યાદ છે જ્યારે એ ત્રણ વર્ષની હતી અને મારા ક્લાસમા આવી ત્યારે એનો રૂવાબ જોવા જેવો હતો. એ જાણે અમારા બધાની બોસ હતી. નાનકડી અમથી પણ જમાદાર. રમતિયાળ હસમુખી પણ ધાર્યું ન થાય તો ગુસ્સો જોવા જેવો.
ખરેખર તો એના જાતજાતના તોફાનો અને બાળ સહજ કરતુતો એ મને રોજીંદા પ્રસંગો લખવા પ્રેરણા આપી અને આજે તો એ રોજીંદા પ્રસંગો “બાળ ગગન વિહાર” પુસ્તક રૂપે પ્રસિધ્ધ થયા છે.
હું માનસિક રીતે પછાત બાળકો સાથે કામ કરૂં છું પણ બધા બાળકો એ શ્રેણીમા ના આવે. ઘણાની વાચા પુરી રીતે ખુલી ન હોય અથવા ઘણા “Autistic” બાળકો હોય જે દરેક વસ્તુ અમુક પધ્ધતિસર કરવા ટેવાયેલા હોય અને એમા બદલાવ આવે તો એમનો ગુસ્સો સંભાળવો મુશ્કેલ થઈ પડે. આ બાળકો ત્રણ વર્ષે સ્કુલ શરૂ કરી શકે અને ઘણા અમારી એમી જેવા હોય જે માબાપના વધુ પડતા લાડ પ્યારને કારણે થોડા જીદ્દી થઈ ગયા હોય.
એમી જ્યારે આવી ત્યારે એવી જ હતી. બધા પર એની દાદાગીરી ચાલે. હસમુખી એવી કે વઢવાનુ મન ન થાય પણ ધીરે ધીરે એ બધા સાથે ભળવા માંડી અને એક વર્ષમા તો એવી હોશિયાર થઈ ગઈ કે ચાર વર્ષની થઈ કે અમે એને નિયમિત Pre-K ના ક્લાસમા મોકલી આપી. નાની હતી ત્યારે પણ કાંઈ થાય તો દોડતી મારી પાસે આવતી અને મારી સોડમા લપાતી. દાંત દુખતો હોય, કોઈ બાળકો સાથે રમતના મેદાનમા કાંઇ થાય, મીસ મુન્શા એને માટે અંતિમ આશરો.
આજે એમી સાત વર્ષની થઈ. બીજા ધોરણમા આવી. રોજ સવારે બસમાથી ઊતરી મને આવીને ભેટે. હજી પણ મારી સોડમા લપાય. કાલે તો બસમા થી ઉતરતા વેંત મને આવી વળગી પડી. ચહેરો રડું રડું. કારણ પુછ્યું તો કહે “મીસ મુન્શા પેટમા દુખે છે”. બધા કામ પડતા મુકી મારે એને નર્સ પાસે લઈ જવી પડી.
એમી જાણે મારૂં પહેલું માનસ સંતાન. એની લાગણી ને પ્રેમ મારા માટે હજી પણ એટલો જ. આજે પણ એની વાત, ફરિયાદ એના ક્લાસ ટીચરને કરવાને બદલે મને કરે.
આ બાળકો ની લાગણી એમનો પ્રેમ જ મને જાણે જીવંત રાખે છે ને ખુદની તકલીફ ભુલી ને કામ કરવાનો ઉત્સાહ પ્રેરે છે.
શૈલા મુન્શા.. તા૧૦/૨૮/૨૦૧૩
October 15th 2013
કોઈ રાખે ન રાખે, ઈશ્વર ખબર રાખે છે!
એજ તો આસ્થાનો ખજાનો ભરપુર રાખે છે.
નિયતમાં ન હો ખોટને, માણસાઈ જ ધરમ,
એજ તો આસ્થાનો ખજાનો ભરપુર રાખે છે
વાવો તેવું લણો ને કરો તેવું પામો,
એજ તો આસ્થનો ખજાનો ભરપુર રાખે છે.
સફર હો લાંબી કે ટુંકી, વિશ્વાસ સાથીનો,
એજ તો આસ્થાનો ખજાનો ભરપુર રાખે છે.
કાજળ કાળી રાતને અંતે ઉગતું સોનેરી પ્રભાત,
એજ તો આસ્થાનો ખજાનો ભરપુર રાખે છે.
કોઈ રાખે ન રાખે ઈશ્વર ખબર રાખે છે.
એજ તો અમારી આસ્થાનો ખજાનો ભરપુર રાખે છે.
શૈલા મુન્શા તા. ૧૦/૧૫/૨૦૧૩
September 22nd 2013

ખરે એક પાન વૃક્ષથીને ખરે એક જીંદગી જીવનથી,
કચરાય એક પગ તળે, એક મન તળે, હિસાબ કોણ રાખે!
આથમેના સૂરજ, તો મૂલ્ય ના કોઈ અજવાસનું,
હો ઉજાસ હરદમ, ના કિંમત અંધારની, હિસાબ કોણ રાખે!
જાળવ્યાં જેને જતન માવજતથી ગણી આંખની કીકી,
આંખડી તરસતી રહે પામવા જતન, હિસાબ કોણ રાખે!
હો સાથી સંગ જીવવાની આરઝુને, મોત રોકે મારગ,
અંતિમ પડાવે ઝુરે હૈયું એકાંતે, હિસાબ કોણ રાખે!
ખરે એક પાન વૃક્ષથીને ખરે એક જીંદગી જીવનથી,
ક્ચરાય એક પગ તળે, એક મન તળે, હિસાબ કોણ રાખે!
શૈલા મુન્શા તા. ૦૯/૨૨/૨૦૧૩
September 5th 2013
આ વર્ષે અત્યાર સુધી લગભગ ચાર નવા બાળકો મારા ક્લાસમા આવ્યા છે એમા ત્રણ છોકરી અને એક છોકરો છે. કુલ મળી ને પાંચ છોકરીઓ છે. આટલા વર્ષોમાં ભાગ્યે એક કે બે છોકરી હોય એટલે જ અમારી એમી જેવી છોકરીનો રૂવાબ બધા પર ચાલે.
આ વખતે જે બાળકીઓ છે બધી નાનકડી નાજુક અને પરાણે વહાલી લાગે એવી છે.
મારે તો જો કે આજે વાત જસ્ટીનની કરવી છે.સાડા ત્રણ વર્ષનો જસ્ટીન કેમ અમારા ક્લાસમા છે એ જ નવાઈ ની વાત છે. પહેલે દિવસે આવ્યો ત્યારે એની મમ્મી કહે જસ્ટીન જરા શરમાળ છે. જલ્દી બધા સાથે ભળી નથી શકતો. એમની વાત સાચી પણ લાગી.ચુપચાપ ખુરશી પર બેઠો. મમ્મી ગઈ તો રડ્યો નહિ. રડ્યો નહિ એ જ અમારા માટે મોટી વાત હતી, નહિ તો બાળકો શરૂઆતના થોડા દિવસો સંભાળવા મુશ્કેલ થઈ જાય.
એક બે દિવસ થયા અને જસ્ટીન બધા સાથે ભળી ગયો. બધી પ્રવૃતિ મા ભાગ લેવા માંડ્યો. હોશિયાર એટલો કે જાતે કોમ્પ્યુટર પર અમારી (Educational web site starfall) જેમા બાળકોને એ.બી.સી.ડી સાથે પિક્ચર, સંગીત વાર્તા બધુ જ હોય એ પોતાની જાતે કરવા માંડ્યો. લાલ પીળો વાદળી ભુરો વગેરે રંગના સરસ મજાના ગીત એ એની ગમતી વસ્તુ. માટે જ તો અમને લાગે છે કે જસ્ટીન અમારા ક્લાસમા કેમ છે?
કાલે રમતના મેદાન મા હું બાળકો સાથે રમતા જસ્ટીનને ગલીપચી કરી હસાવતી હતી. થોડીવાર થઈ અને પાછળથી આવી જસ્ટીન મને ગલીપચી કરવા માંડ્યો. મને એની મમ્મીની વાત યાદ આવી ગઈ “જસ્ટીન જરા શરમાળ છે”
ના ભઈ ના જસ્ટીન તો શરમાળ નથી મજાનો રમતિયાળ હોશિયાર બાળક છે. મને ખાતરી છે કે અમારા મીકેલની જેમ એને પણ અમે જલ્દી બીજા નોર્મલ Pre-K ના ક્લાસમા મોકલશું.
શૈલા મુન્શા. તા ૦૯/૦૫/૨૦૧૩
August 29th 2013
આજે મારે વાત કરવી છે મારા દિવ્યાંગ બાળકોનો પહેલો દિવસ સ્કૂલમાં. મને યાદ આવી ગયું ૨૦૧૩નું વર્ષ કારણ એ વર્ષે મારા ક્લાસમાં ઘણા ફેરફાર થયાં હતાં.
નવુ વર્ષ શરૂ થાય ત્યારે અમેરિકામાં બધા શિક્ષકો માટે તો બે અઠવાડિયા પહેલાં જ સ્કૂલ શરૂ થઈ જાય કારણ ક્લાસમાં બધી તૈયારી ધોરણ અનુસાર કરવાની હોય, અને સ્કૂલ શરૂ થાય તે પહેલાં બધાં માતા પિતા બાળકને લઈ શિક્ષકને મળવા આવે, સ્કૂલમાં ગણવેશ અને જોઈતી વસ્તુનું લીસ્ટ આપવામાં આવે. આમ બાળક અને શિક્ષકનો પરિચય પણ થઈ જાય.
પહેલો દિવસ બાળકો માટે અને ખાસ કરીને પહેલીવાર સ્કૂલમાં આવતાં નાનાં ચાર વર્ષનાં બાળકો થોડા ઘબરાઈ જાય એ સ્વાભાવિક છે. પહેલો દિવસ તો સ્કૂલના બધા શિક્ષકો અને પ્રિંસિપાલથી માંડી ઓફિસ સ્ટાફ માટે રઘવાટભર્યો હોય. ચારેબાજુ માતા પિતા નાના બાળકો સાથે અને શિક્ષકોની દોડાદોડી. Pre-K ના બાળકો પહેલીવાર સ્કૂલમાં આવતા હોય એટલે રડવાનો અવાજ ચરેબાજુ અને ઘણા બાળકો તો પોતાના માતા પિતાને છોડવા તૈયાર નહિ.
આ તો આખી સ્કૂલનો ચિતાર પણ અમારા બાળકો (PPCD-pre Primary children with disability) તો જુના અને નવાનું મિશ્રણ હોય, કારણ અમારા ક્લાસમાં ત્રણ વર્ષે આવતું બાળક છ વર્ષનું થાય ત્યાં સુધી અમારા ક્લાસમાં જ હોય. છ વર્ષ પછીપહેલા ધોરણમાં જાય. જેમ જેમ બાળકો આગળના ક્લાસમાં જાય તેમ નવા બાળકો પણ આવતાં જાય, એટલે થોડા જુના અને થોડા નવા. એ વર્ષે ટીચર પણ નવી અને ચારેક બાળકો પણ નવા આવ્યાં.
ડેનિયલ અને ડુલસે તો જેવા બસમાંથી ઉતર્યા કે મને બાઝી પડ્યા. બે મહિના ઘરે રહીને ડેનિયલભાઈ તો બધું ભુલી ગયા હતા. આગલ વર્ષે શીખવાડેલું અંગ્રેજી બધું ભુંસાઈ ગયું હતું અને કડકડાટ સ્પેનિશ ચાલુ થઈ ગયું હતું. ખરી મઝા સવારના નાસ્તા વખતે આવી. સીરીયલને દુધને બદલે ડેનિયલને ટાકો જોઈતો હતો. (મેક્સિકન લોકો મકાઈની રોટલીમાં ચિકન ને સાલસા બધું ભરી ગોળ વીંટો વાળી ને ખાય.)વેકેશનની મજા શરીર પર દેખાતી હતી. આમ પણ ડેનિયલ ગોળમટોળ હતો અને હવે થોડો લાંબો અને ગાલ ભરાયા હતા. તોફાન થોડા ઓછા થયા હતા.
એ.જે ઘણું બોલતા શીખી ગયો હતો. મારૂ નામ બરાબર બોલતો હતો. “હલ્લો મુન્શા” અને નવા ટિચરને “હલ્લો ટિચર” કહી બોલાવતો. “help me” કહેતા પણ શીખી ગયો હતો.. ફક્ત તકલીફ એક જ હતી, વારંવાર એ એકની એક વાત કહ્યા કરતો. જમવાના સમયે જ્યારે એક એક કોળિયે “Thank you” કહેવા માંડ્યો અને એ કહેવાની રીત એટલી સરસ હતી કે ત્યારે મને “ઈન્ડિયન આઈડોલ” ની નાનકડી હસતી સુગંધા દાતે, (જેના બે દાંત નહોતા) એ યાદ આવી ગઈ હતી.
ડુલસે જેવી જ બીજી નાનકડી નવી છોકરી બ્રીટ્ની આવી હતી. જસ્ટીન અને તઝનીન જેવા નવા બાળકો જોડાયા હતાં. પાણીની ધારને “Rain bow” કહેવાવાળો મીકેલ એ વર્ષથી એની કાબેલિયતને લીધે સામાન્ય વિધ્યાર્થીઓના ક્લાસમાં ભરતી કરવામાં આવ્યો હતો, પણ હજી સ્પેસિઅલ નીડ બસમાં જ આવતો કારણ હજી એને Autistic બાળકનું લેબલ હતું.
જેવો એ બસમાંથી ઉતર્યો તેવો હમેશની આદત પ્રમાણે અમારા ક્લાસમાં જઈ પોતાનું દફતર લટકાવવા માંડ્યો. મારે એને સમજાવીને એના નવા ક્લાસમાં લઈ જવો પડ્યો, ત્યાં પહોંચતા સુધીમાં તો એ કેટકેટલું બોલી ગયો. બે મહિનાના વેકેશન દરમિયાન વધુ ડાહ્યો અને સમજુ થઈ ગયો હતો.
મારી સાથે એ વર્ષે જે નવી ટીચર આવી, મીસ સમન્થા એનું વલણ ઘણું સકારાત્મક અને દિવ્યાંગ બાળકોને સંભાળવાની ઘણી કુનેહ હતી. પહેલે દિવસે જ મને કહેવા માંડી, ”મીસ મુન્શા પ્રિન્સીપાલ થી માંડી જે ટીચરને હું મળી એ બધા એ મને કહ્યું તું જરાય ચિંતા ના કરીશ. મીસ મુન્શા તારી સાથે છે અને એ આ બાળકો સાથે ઘણા સમયથી કામ કરે છે માટે તને જરાય વાંધો નહિ આવે” સમન્થાએ મારા અનુભવોનુ હંમેશા માન રાખ્યું અને નવું કાંપન શ્રું કરતાં અચૂક મારા મતને ધ્યાનમાં લીધો.
ભગવાનની મારા પર અસિમ કૃપા રહી છે કે મારા જીવનના એ સોનેરી વર્ષો જે મેં આ દિવ્યાંગ બાળકો સાથે કામ કર્યું એ બધાનો ખૂબ પ્રેમ પામી અને જે શિક્ષકો સાથે કામ કર્યું એ બધાએ મને એક અનુભવી શિક્ષિકા, એક માતા અને એક ભારતિય નારીના દેશી નુસ્ખા જે મેં કહ્યાં એને ન મારૂં માની અપનાવ્યા અને મને ભરપૂર આદર આપ્યો.
મારા જીવનના એ અણમોલ વર્ષો છે જે આજે પણ મને હર તકલીફ કે મુસીબતમાં લડવાની શક્તિ આપે છે.
અસ્તુ,
શૈલા મુન્શા
www.smunshaw.wordpress.com
August 29th 2013
૨૦૧૩ નો ઓગસ્ટ મહિનો આવી ગયો અને શાળાનુ નવુ વર્ષ શરૂ થઈ ગયું. બાળકો ને આવવાને તો હજી વાર છે પણ અમારી પ્રવૃતિ શરૂ થઈ ગઈ. શાળાકિય પધ્ધતિ ભારત કરતા ઘણી જુદી. શાળા બંધ થાય ત્યારે બધું અભરાઈએ ચઢાવવાનુ અને શરુ થાય ત્યારે ફરી બધું ગોઠવવાનુ. શિક્ષકોની દશા અત્યારે શિક્ષક કરતાં મજુર જેવી વધારે લાગે. નિસરણી લાવો, કબાટ પરથી વસ્તુ ઉતારો, ક્લાસની દિવાલો ફરી સજાવો, અને સહશિક્ષકોનુ તો આવી બને. પુસ્તકોના થોકડે થોકડા ટ્રોલીમા ભરી દરેક ક્લાસમા પહોંચાડો. અમેરિકામા બાળકને સ્કુલમા સગવડ બધી મળે. ભારતની જેમ કેડ વળી જાય એવું દફતર ઊંચકીને ના આવવું પડે, બધા પુસ્તકો સ્કુલમા થી જ મળે. દર વર્ષે બોક્ષ ના બોક્ષ ભરી પુસ્તકો ડિસ્ટ્રીક ઓફિસમા થી આવે. અને જુના પુસ્તકો રફેદફે થાય. પુસ્તકોનો આવો વેડફાટ મે બીજે ક્યાંય જોયો નથી.
ખેર હું તો મારી વાત કરૂં.મારો ક્લાસ ગોઠવતા મને મારા બાળકો યાદ આવી ગયા. હરિકેન ટ્રીસ્ટન અને આઈન્સ્ટાઈન મિકાઈ બીજી સ્કુલમા ગયા. ગોળમટોળ ડેનિયલ અને જમાદાર ડુલસે ફરી મારા ક્લાસમા આવશે. મીઠડો વેલેન્ટીનો પણ પાછો આવશે. થોડા નવા બાળકો પણ આવશે. સાથે સાથે આ વર્ષે ટીચર પણ નવા છે.મીસ બર્કના લગ્ન થઈ ગયા અને એ સ્કુલ છોડીને ગઈ. નવી ટીચર નુ નામ સમન્થા છે. અત્યારે તો ઘણી ઉત્સુક છે અને બાળકોને મળવા આતુર છે, પણ ખરી મજા તો પહેલે દિવસે આવશે. આજ પહેલા એણે ક્યારેય માનસિક રીતે થોડા પછાત બાળકો સાથે કામ નથી કર્યું. બે મહિના ની રજા પછી આ બાળકો જ્યારે પાછા આવે ત્યારે અમારે ફરી શ્રી ગણેશાય નમઃ કરવું પડે. એટલે પહેલો દિવસ ચોક્કસ યાદગાર બની રહેશે.
ગમે તે હોય પણ હું મારા ફુલવાડીના ફુલડાં ને મળવા આતુર છું, સાથે સાથે તમને પણ અવનવા એમના તોફાનોથી પરિચીત કરવા આતુરછું. બસ થોડી ધીરજ ધરો. એમના પરાક્રમો ની સરિતા મા તમને પણ વહેતાં રાખીશ.
શૈલા મુન્શા. તા.૦૮/૨૧/૨૦૧૩
August 2nd 2013
ઊઘડે જો/ દ્વાર હૈયા/ના બાંધ તુટી જાય!
ભીડી સજ્જડ આંકડી, કોઈ ચુપ થઈ જાય.
ઈમારત એક સર્જાઈ પ્રેમ વિશ્વાસ ના ચણતરે!
એક પથ્થર ખસે ને, બસ કડડભુસ થઈ જાય.
સળી ડાખળાં કરી ભેગા બનાવે ઘોંસલો!
બને જ્યાં ઘોંસલો ને ડાળ તુટી જાય.
દુશ્મન કરે દગો એ તો દુનિયા નો રિવાજ છે,
બને જો દોસ્ત દુશ્મન,તો વિશ્વાસ તુટી જાય!
ઊઘડે જો દ્વાર હૈયાના એક બાંધ તુટી જાય!
ભીડી સજ્જડ આંકડી, કોઈ ચુપ રહી જાય!
શૈલા મુન્શા. તા ૦૮/૦૨/૨૦૧૩
July 30th 2013
શકુંતલાબેન ના પતિ એન્જીનિયર હતા.ભારતમા સારી નોકરી હતી પણ બાળકોને વિદેશમા ભણવાની તક મળે એમ વિચારી કેનેડા ના વીસા માટે ફોર્મ ભર્યું હતું ને નસીબ જોગે કેનેડા ના વીસા મળી ગયા.
રૂપેન બારમા ધોરણમા હતો અને એના પપ્પાને પોઈંટ સીસ્ટમ પર કેનેડા આવવાનુ થયું. પપ્પા એંન્જિનીયર અને મમ્મી મુંબઈમા સ્કુલમા શિક્ષીકા એટલે થોડા જ વખતમા બન્નેને સારી નોકરી મળી ગઈ. રૂપેનને પણ સારી કોલેજમા એડમિશન મળી ગયું. પપ્પાને પગલે એને પણ એન્જીનિયર કોલેજમા એડમિશન લીધું. શકુંતલાબેન નો પરિવાર સારી રીતે કેનેડા ગોઠવાઈ ગયો.
રૂપેન ને પણ ભણતર પત્યાં પછી સારી કંપની મા નોકરી મળી ગઈ. રૂપેન એકનો એક દિકરો અને કુટુંબ પણ ખાનદાન, એટલે સારા ઘરની છોકરીઓના માંગા આવવા માંડ્યા.
શકુંતલાબેન-“દિકરા તારી ઉમર પરણવાની થઈ છે પણ અમારા તરફથી કોઈ દબાવ નથી. તને કોઈ છોકરી પસંદ હોય તો મને ખુલ્લા દિલે જણાવ. તારી પસંદગી પર અમને પુરો ભરોસો છે.”
રૂપેન-“મમ્મી મારી ઈચ્છા આપણા દેશમા થી છોકરી પસંદ કરવાની છે.અહીં જન્મી મોટી થયેલી છોકરીઓ ના વિચારો સાથે કદાચ મારા વિચાર મળતા ન આવે, અને હવે ભારતમા પણ છોકરીઓ સારૂં ભણે છે, નોકરી અર્થે દેશ પરદેશ જાય છે માટે મારી પહેલી પસંદ આપણો દેશ છે.”
રૂપેનને સંધ્યા મળી ગઈ, જેવી એને જોઈતી હતી એવી, અને સંસાર સુખે વહેવા માંડ્યો. સરસ મજાના બે બાળકો અમી અને શોધન ઘરમા કિલ્લોલવા માંડ્યા.કેનેડામા રહેવા છતાં સહુ સાથે રહેતા અને સંધ્યાને નોકરીએ જતાં બાળકોની ચિંતા ના રહેતી.શકુંતલાબેને પોતાની નોકરીમા થી રાજીનામુ આપી ઘરે રહેવાનુ પસંદ કર્યું અને બાળકોને સંભાળવાની જવાબદારી સ્વેચ્છાએ પોતાના હાથમા લઈ લીધી.અમી અને શોધન દાદા દાદી ના પ્રેમ સાથે મોટા થવા માંડ્યા.
વર્ષો પસાર થયા ને અમી સોસીઓલોજી સાથે ગ્રેજ્યુએટ થઈ.
એક દિવસ સંધ્યાએ અમી ને પુછ્યું “બેટા હવે આગળ શો વિચાર છે? વધુ અભ્યાસ કરવો છે? તારા મિત્રો માથી તને કોઈ પસંદ છે? લગ્ન કરવા તૈયાર છે?
અમી-” મા, આગળ ભણવાની તો હમણા ઈચ્છા નથી. હું તને વાત કરવાની જ હતી. ગયા વર્ષે આપણે ભારત ગયા અને ત્યાંથી આપણે વડોદરા ગયા, ત્યાં આપણા પાડોશી ડો. દીનાનાથ મહેતાનો છોકરો મહેશ મને ગમી ગયો હતો અને નશીબજોગે ગયા વર્ષે વધુ અભ્યાસ અર્થે એને અહીં ટોરન્ટો ની કોલેજમા જ એડમિશન મળ્યું અને એ અહીં ભણે છે.” સંધ્યાએ એની વાત વચ્ચે જ કાપતાં કહ્યું ” મને એની ખબર છે. આપણા ઘરે જ તો ફોન આવ્યો હતો અને દીનાનાથ ભાઈ અને સુમનભાભી એ એનુ ધ્યાન રાખવાની ભલામણ પણ કરી હતી. આપણે કેલગરી અને એ ટોરન્ટો પણ નાતાલના વેકેશનમા આપણા ઘરે આવ્યો હતો.
બસ મા ત્યારેજ અમારા વચ્ચે વધુ વાતચીત થઈ અને અમે બન્ને એકબીજા સાથે ફેસબુક અને ઈમૈલ થી સતત સંપર્કમા છીએ, એકબીજાને પસંદ કરીએ છીએ અને પરણવા માંગીએ છીએ.
સંધ્યાએ તરતજ ઘરમા રૂપેન, શકુંતલાબેન સસરા રમેશભાઈ સહુને વાત કરી. બન્ને કુટુંબ વચ્ચે વાતચીત થઈ અને ઉનાળાની રજામા વડોદરા મા લગ્ન લેવાયાં.
પરણીને થોડા જ દિવસોમા અમી અને મહેશ પાછા આવ્યા. અમીએ ટોરન્ટોમા નોકરી શોધવા માંડી અને થોડા વખતમા નોકરી મળી પણ ગઈ.
લગ્નને છ મહિના પણ નહોતા થયા અને એક દિવસ બપોરે અમી નો ફોન આવ્યો. ફોન શકુંતલાબેને ઉપાડ્યો. “દાદી હું મહેશ સાથે રહી શકું એમ નથી, મારે છુટાછેડા લેવા છે” શકુંતલાબેન ના હાથમાથી ફોન પડતાં રહી ગયો. સ્તબ્ધ બની બોલી ઊઠ્યા, “અમી બેટા શું થયું વાત તો કર, આમ સાવ છેલ્લે પાટલે બેસવાની વાત કેમ કરે છે? તારા મમ્મી પપ્પા કામે ગયા છે, એક કામ કર તું થોડા દિવસ અહીં આવ અને આપણે શાંતિથી પરીસ્થિતી નો ઉકેલ લાવવા પ્રયત્ન કરીએ.”
અમી-“દાદી ત્યાં આવવાની કોઈ જરૂર નથી, મહેશ માવડિયો છે અહીં રહીને પણ બધું એની મમ્મીને પુછીને જ કરવાનુ. એના સ્વભાવની આ બાજુ મે પહેલા જોઈ જ નહોતી. માબાપને માન આપવું એક વાત છે અને માને પુછી ને જ બધું કરવું એ બીજી વાત છે. આ રીતે હું ના રહી શકું.”
દાદી-“અમી બેટા આ કોઈ મોટી વાત નથી શાંતિ થી મહેશ સાથે વાત કર, તારા વિચાર એને જણાવ. મને ખાત્રી છે કે મહેશ જરૂર સમજશે.
અમી-“દાદી તમને શું લાગે છે? મે મહેશ સાથે વાત નહિ કરી હોય? મહેશ સમજવા તૈયાર જ નથી તો હું શા માટે નમતું આપું? ભણેલી છું સારી નોકરી છે, હું મારા પગ પર ઉભી રહી શકું એમ છું.મારું અસ્તિત્વ મારી સ્વતંત્રતા મારે ગુમાવવી નથી.
શકુંતલાબેન સ્તબ્ધ બની અમીની વાત સાંભળી રહ્યાં.શું પોતાના ઉછેર મા કોઈ ખામી રહી કે યુવા પેઢીની સહનશક્તિ ને મર્યાદા આવી ગઈ? નારી સ્વાતંત્ર્ય ક્યાં જઈ પહોંચશે?????
શૈલા મુન્શા તા ૦૭/૩૦/૨૦૧૩
June 27th 2013
બને એવું કે ઈશ્વર પણ રડે!
ડુસકે ને ડુસકે ઈશ્વર પણ રડે.
સૂકાં ભેગું લીલુ જો બળે!
શ્વાસે શ્વાસે, ઈશ્વર પણ રડે.
સર્જી માનવજાત કરે હાશ!
જોઈ જાલિમ,ઈશ્વર પણ રડે.
ગભરૂં પંખિણી પિંખાય તીક્ષ્ણ નહોરે,
ધગધગતા લોચને, ઈશ્વર પણ રડે.
ન થંભાય જો દોટ અહંકાર ને ગુમાનની
તોડવા અહંકારને રૌદ્ર સ્વરૂપે ઈશ્વર પણ રડે.
કરે તહસ નહસ, સ્થળ ત્યાં જળ!
આભ ફાડી ઝંઝાવાતે, ઈશ્વર પણ રડે.
બને એવું કે ઈશ્વર પણ રડે!
ડુસકે ને ડુસકે ઈશ્વર પણ રડે.
શૈલા મુન્શા. તા ૬/૨૬/૨૦૧૩