June 22nd 2015

મલકતું મૌન!

thcti2tkmtgoing-down-slides1

મૌન ને પણ હોય છે ભાષા,સાંભળી છે કદી,

કશું કહેવાની ક્યાં જરૂર, અનુભવી છે કદી?

કીડીઓ ની ચાલતી હાર ને,નિહાળતુ બાળ

વાંચ્યુ છે કુતૂહલ આંખમાં એની કદી?

રોજ લસરવું લસરપટ્ટી પર, રોજ આનંદને ખુશી,

કલકલતું હાસ્ય, એ નિર્દોષતા માણી છે કદી?

આવે કોઈ યાદ પાંપણને કોર, ને થનગને હૈયુ,

મલકતા એ મૌન ની મોંઘેરી મિરાત જાણી છે કદી?

ખરબચડા હાથ વરસાવે વહાલ તમ શિરે,

શબ્દ બને મૌન, એ મમતા પામી છે કદી?

મૌનને પણ હોય છે ભાષા, સાંભળી છે કદી?

શૈલા મુન્શા તા. ૦૬/૧૭/૨૦૧૫

June 15th 2015

હાઈકુ

૧- અવહેલના
તારી હસી મા ઢાંક,
નજર કર

૨- સૂરજ સામે
ઊડાડી ધૂળ ભલે,
ઊજાશ સદા

૩- મન ઉદાસ
કરે પ્રતિક્ષા તારી,
આવીશ કદી?

૪- ચાંદની રાત
અમરત શી લાગે,
તારલા સંગ.

૫- હસુ, હસાવું
ભીતર ભરી ગમ,
ન રડું કદી

૬- શમણા મહીં
જોઈ નાર નવેલી,
યૌવન જાગે.

૭- કોઈ કહે ના
મુંઝવણ મન ની,
સમજી તો જો.

૮- મધ દરિયે
વહાણ તો ડુબે,
સુકાન વિના.

શૈલા મુન્શા.

June 15th 2015

હવે શું?

પિયુષ અને રૂપાનો સંસાર સુખથી ભર્યો ભર્યો. લગ્ન તો બન્નેના માતા પિતાની સંમતિ થી જ થયા હતા, પણ એક જ નાતના હોવાથી બન્ને એકબીજાને સારી રીતે ઓળખતા.

રૂપા નુ ભણવાનુ પત્યું અને મમ્મી એ નાતના જાણીતા ભણેલા મુરતિયાઓનુ લીસ્ટ રૂપાની સામે ધરી દીધું. દિકરીની મા જાણે દિકરીને જ જન્મ નથી આપતી, એના ભાવિ સંસારને પણ જન્મ આપે છે. પોતાના સંસાર સાથે કંઈ કેટલીય આશા અરમાનોના સુનહરા તાર દિકરીના ભાવિના પણ વણાતા જાય છે.

રૂપા નાનપણથી જ ખુબ શોખીન. હસતી રમતી ચંચળ હરણીની જેમ ઘરમા ફરી વળે. દાદાની સહુથી વધુ લાડકી. દાદા એનુ હુકમનુ પત્તું. કાંઈ જોઈતું હોય અને પપ્પા ના પાડે તો દાદા સમજાવી પટાવી પપ્પા પાસે મંજુરી અપાવી જ દે. રૂપા આમ તો ભણવામા હોશિયાર, પહેલો નંબર કદાચ ના આવે પણ ક્યારેય બીજા ત્રીજા નંબરથી પાછળ ના જાય. સ્કુલેથી આવે એટલે મમ્મીએ નાસ્તો અને દુધનો ગ્લાસ તૈયાર જ રાખ્યો હોય એ પતાવી સીધી દાદાના રૂમમા. દાદા જ એનુ સ્કુલનુ લેસન કરાવડાવે. બસ છ વાગતામા તો દાદાનો હાથ પકડી બાજુના બગીચામા રમવા પહોંચી જાય. દાદાને એમના સમવયસ્ક મળે અને રૂપાને એની સહેલીઓ.

વખત વિતતા ક્યાં વાર લાગે છે. રૂપા બાર વર્ષની થઈ અને દાદાનુ અવસાન થયું. દાદી તો રૂપાના જનમ પહેલા જ સ્વર્ગવાસી થઈ ગઈ હતી. રૂપાને દાદીનો કોઈ અહેસાસ નહોતો, પણ દાદાનુ અવસાન એને ખળભળાવી ગયું. જીવનમા જાણે શુન્યાવકાશ વ્યાપી ગયો. કંઈ કેટલાય દિવસ રૂપા સુનમુન થઈ પથારીમાં પડી રહી, સમય જાણે એને માટે સ્થગિત થઈ ગયો. રડી રડીને જાણે આંખમા આંસુ પણ સુકાઈ ગયા.

ધીરે ધીરે મમ્મી પપ્પાની પ્રેમભરી માવજતે રૂપા આઘાતમાં થી બહાર આવવા માંડી, એને હસતી રમતી કરવામાં શાળાના શિક્ષકો અને એની સહેલીઓનો પણ પુરો સાથ. જીંદગીની રફતાર સહજ ગતિએ આગળ વધવા માંડી.
સ્કૂલ અને પછી કોલેજ એમ જિંદગીના નવા આયામો સર કરતી રૂપા માટે એ દિવસ પણ આવી પહોંચ્યો જ્યારે રૂપા B.A. with Arts ની ડીગ્રી લઈ સ્નાતકની પદવી પામી ઘેર આવી.
યુવાની રુપાના અંગે પુરબહારમાં ખીલી હતી અને મમ્મી પપ્પા માટે રૂપા માટે યોગ્ય પતિ અને સંસ્કારી સાસરિયું શોધવાની માનસિક તૈયારી શરૂ થઈ ગઈ હતી.

મમ્મી એ ક્યારનુ ય જાણી લીધું હતું કે રૂપા એ કોઈ યુવાન જીવનસાથી તરીકે પસંદ નથી કર્યો એટલે જ નાતના જાણીતા ઘર જ્યાં રુપાને કોઈ દુઃખ નહિ પડે એવા માયાળુ ઘરના ભણેલા સંસ્કારી દિકરાઓની વાત રૂપા સાથે કરી અને બધાની સંમતિથી પિયુષની પસંદગી થઈ.
સારો દિવસ જોઈ રુપાના પપ્પાએ રુપા માટે પિયુષના હાથની માગણી કરી. બન્ને પરિવાર એકબીજાને મળ્યા, પિયુષને રુપા પહેલી નજરે જ ખૂબ ગમી ગઈ, બન્ને પરિવારોની સંમતિથી ગોળધાણા ખવાયા.
ધામધુમથી લગ્ન લેવાયા. રૂપા એકની એક દિકરી, મમ્મી પપ્પા એ કોઈ કસર ના રાખી. જાનૈયાઓનુ સ્વાગત, મહેંદીની રસમ, સંગીત સંધ્યા, મનભરીને પ્રસંગો ઉજવ્યા. હિંદુ જીમખાના ખાસ બે દિવસ માટે રીઝર્વ કરવામા આવ્યુ અને સામે લહેરાતા અરબી સમુદ્રના સાનિધ્યે અને ઝાકમઝાળ રોશનીની સાક્ષીએ રૂપા પિયુષની જીવનસંગિની બની.

તાજા ફુલોથી મઘમઘતી કાર મંડપના આંગણે આવી ઊભી. સહુને ભેટતી નયનોમાં આંસુને મનમા નવજીવનના ઉમંગે ઉલ્લાસતી રૂપા કારમાં બેઠી, મા એ પૈડું સિંચ્યુ અને ગાડી શુકનના વધામણા લેતી આગળ વધી. સહુ સ્વજનો રૂપાને હરખતા હૈયે અને છલકતા નયને પ્રેમભરી વિદાય આપવા આગળ વધ્યા.

મમ્મી પપ્પા એકબીજાનો હાથ હાથમાં લઈ કાળજાના કટકાને નજરથી ઓઝલ થતી જોઈ રહ્યા! હસતી રમતી હરિણી ઘરને પોતાના મધુર હાસ્યથી ભરી દેતી, ટહુકતી, ક્યારે મોટી થઈ ગઈ એની જાણે ખબર જ ના પડી. એકની એક દિકરીની આસપાસ જ વર્તુળના પરિઘ ની જેમ એમની ધરી ઘુમતી રહેતી. દિકરી પારકી થાપણ અને એક દિ’ પોતાના ઘરે જશે એ જાણતા હોવા છતાં જ્યારે એ પળ આવીને ઊભી રહી ત્યારે એમની જંદગી મા જાણે શુન્યાવકાશ છવાઈ ગયો!

વણ કહ્યો પ્રશ્ન એમની દર્દ ભરી આંખોમા ડોકાઈ રહ્યો, હવે શું?

શૈલા મુન્શા તા ૦૧/૨૮/૨૦૧૫

May 31st 2015

પ્રકોપ!

વા વાયાને વાદળ ઉમટ્યા, ત્યાં સુધી તો ઠીક છે મારા ભાઈ!
પણ વિફરે જો વાદળને કરે કડાકા તો કરીએ શું મારા ભાઈ?

ગગન ગોખલે ઉજાશ કરે જો વિજળી, ત્યાં સુધી તો ઠીક છે મારા ભાઈ!
પણ ત્રાટકે જો વિજળીને વન બળે લીલુડાં, તો કરીએ શું મારા ભાઈ?

રણની રેત જાણે લાગે મખમલી સેજ, ત્યાં સુધી તો ઠીક છે મારા ભાઈ!
ફુંકાય બની વંટોળ એ રેતને નગર બને કબર તો કરીએ શું મારા ભાઈ?

વરસાદી મોસમને નદીનો કિનારો, ત્યાં સુધી તો ઠીક છે મારા ભાઈ!
ધસમસતા વેગે વહેતી એ નદી ફેલાવે વિનાશ, તો કરીએ શું મારા ભાઈ?

ભલાઈનો બદલો મળે ભલાઈથી, ત્યાં સુધી તો ઠીક છે મારા ભાઈ!
કદી મળે ઉપકારનો બદલો અપમાનથી, તો કરીએ શુંમારા ભાઈ?

વા વાયાને વાદળ ઉમટ્યા, ત્યાં સુધી તો ઠીક છે મારા ભાઈ!
પણ વિફરે જો વાદળ તો કરીએ શું મારા ભાઈ, કરીએ શું મારા ભાઈ!!

શૈલા મુન્શા. તા ૦૫/૨૯/૨૦૧૫

May 31st 2015

ચાહ કોઈ!

ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાગા

રાગ આગ ચાહ દાગ દાન માન

જીંદગીભર/ ચાલતી ની કહાની/ ચાલતી વણ/ થંભે જાગતાં

ઘૂંટી ને વેદના ક્યાં નીકળે છે રાગ કોઈ!

વહી જાય છે જનમારો પ્રીત પામતા,

દિલ દહે તો ક્યાં નીકળે છે આગ કોઈ!

રીમીઝીમ મેઘ રીઝવતો ધીખતી ધરા,

રીઝવવા ઉદાસ મન ક્યાં છે માર્ગ કોઈ!

ઘૂઘવતો સમુંદર એ, બને સુનામી કદીક,

ભરેલો ભીતર લાવા ક્યાં બને છે આહ કોઈ!

આપવા જ ઊઠે છે હાથ, બની આશિષ માતના,

કોઈ ચુકવે ના ચુકવે ઋણ, ક્યાં છે ચાહ કોઇ!

શૈલા મુન્શા. તા ૦૫/૨૧/૨૦૧૫

May 31st 2015

આઈસક્રીમ!

th.jpg icecreame

આઈસક્રીમ શબ્દ સાંભળી ને જ મોઢામા પાણી આવી જાય! મોટા ભાગે સહુને આઈસક્રીમ ભાવતો હોય. રીયાને ખબર હતી કે મેઘાને આઈસક્રીમ બહુ જ ભાવે છે. આમ તો મેઘાને ખાવાની બહુ પંચાત!ભાવવા કરતા ન ભાવવાનુ લીસ્ટ લાંબુ.મમ્મી બિચારી થાકી જાય. જુદી જુદી વાનગી બનાવી એના લંચ બોક્ષમા આપે, પણ મેઘા જેનુ નામ, એ તો એની સન ચીપ્સ ખાય અને એપલ જ્યુસ જ પીએ. ભુલમા જો મમ્મીએ બીજી બ્રાન્ડની ચીપ્સ મુકી તો ધમપછાડા.આખો દિવસ ખાધા વગર કાઢે પણ બીજી ચીપ્સને હાથ ના લગાડે.

આમ પણ ખાવાના બધા નખરા મમ્મી પાસે જ ચાલે. પપ્પા જો સ્કુલે મુકવા આવે તો મેઘા ચુપચાપ ક્લાસમા આવે. પપ્પા તો મુખ્ય દરવાજે જે શિક્ષક ત્યાં ફરજ પર હોય એના હાથમા મેઘાને સોંપી દે, અને મેઘા કશુ બોલ્યા વગર ક્લાસમા આવે.

જે દિવસે મમ્મી આવે ત્યારે બેનના હાથમા મોટો મેકડોનાલ્ડનો ઓરિયો કુકી આઈસક્રીમ મીલ્કશેક નો કપ હોય. કલાક સુધી અમારા બ્રેકફાસ્ટ ટેબલ પર બેસી મેઘા ચમચે ચમચે આઈસક્રીમ ખાય. આખે મોઢે આઈસક્રીમ, હાથે રેલા આઈસક્રીમના અને ટેબલ પર આઈસક્રીમના ટપકાં.

બે ત્રણ દિવસ તો રીયા એ ચલાવ્યું, કપ લઈ ફેંકી દેવાનો પ્રયત્ન કર્યો પણ મેઘા ના હાથમાથી કપ લેવો એ લોઢાના ચણા ચાવવા જેવું મુશ્કેલ કામ. ચોથે દિવસે મેઘા આઈસક્રીમનો કપ લઈ આવી અને જોગાનુજોગ પ્રીન્સીપાલ કાનન બેન ક્લાસમા કંઈ કામે આવ્યા હતા, એમણે મેઘાના હાથમાથી આઈસક્રીમનો કપ લઈ લીધો એનુ જેકેટ ઉતારવા મદદ કરવાને બહાને અને મેઘા પાછળ ફરી જેકેટ ખીલી પર લટકાવે ત્યાં સુધીમા કપ અંદરના રૂમના કચરાના ડબ્બામા નાખી દીધો.

કલાક સુધી મેઘાનુ રડવાનુ અને આઈસક્રીમના નામની ચીસાચીસ ચાલી. “મારો આઈસક્રીમ ક્યાં ગયો? મારો આઈસક્રીમ ક્યાં ગયો?” પછી જાણે મોંઘેરૂ રતન ખોવાઈ ગયુ હોય તેમ બપોર સુધી મારો આઈસક્રીમની રટ ચાલુ રાખી.

બીજા દિવસે મેઘા આવી તો જાણે મેઘાને બદલે એનુ ભૂત હોય તેમ સાવ નંખાઈ ગયેલી હાલતમા ટેબલ પર માથુ મુકી એકલા એકલા બોલ્યા કર્યું “મારો આઈસક્રીમ જતો રહ્યો, મારો આઈસક્રીમ જતો રહ્યો”

દિવસ એનો તો ખરાબ ગયો પણ સાથે રીયાનો પણ. એનાથી મેઘાની હાલત જોવાતી નહોતી પણ જે કર્યું તે એના સારા માટે જ. સવારના પહોરમા નાસ્તામા આઈસક્રીમ, એટલી બધી સુગર પછી આખો દિવસ મેઘાની ઉછળકુદ. એક જગ્યા એ ઠરી ને બેસી ના શકે, ન ભણવામા ધ્યાન આપી શકે.

મા ને સમજાવી આઈસક્રીમને બદલે દહીમા થોડી ખાંડ અને કેળું કે એવા કોઈ ફળ નાખી સ્મુધી બનાવી મેકડોનાલ્ડ જેવા કપમા ભરી આપવા કહ્યું. મા સમજદાર હતી અને દિકરીના ભલા માટે કંઈ પણ કરવા તૈયાર હતી.

અઠવાડિયું ગયુ ને મેઘા આઈસક્રીમને ભુલી પણ ગઈ અને સ્મુધી ખાતી થઈ ગઈ.

હતી તો છેવટે પાંચ વર્ષની બાળકી જ ને! કુમળો છોડ વાળીએ તેમ વળે.

શૈલા મુન્શા. તા. ૦૫/૧૨/૨૦૧૫

May 31st 2015

મા ની આશિષ!

ઝુરતી આંખો આજે પણ ને,
નીતરતા આંસુ આજે પણ!

રહેતી જે છબી દિલના ખુણે,
હર શ્વાસમાં વસે તું આજે પણ!

ક્યાંથી લાવું એ વહાલભર્યો સ્પર્શ,
નથી પાસે તોય, શોધું આજે પણ!

હતી પાસે તો કરી ના માવજત,
શીખ તારી કરૂં યાદ આજે પણ!

પાલવે બાંધી તુજ વહાલની પોટલી
માવડી નત મસ્તકે વંદુ આજે પણ!

શૈલા મુન્શા. તા. મે ૭/૨૦૧૫

गमगीन है आंखे आज भी, और;
बरस रही है आंखे आज भी।

रहेती थी जो छबि दिलके कोने में,
हर श्वासमें बसी तुं आज भी!

कहांसे लाउं वह प्यारा सा अहेसास,
नहि आसपास, ढुंढु फिर तुझे आज भी।

जब थी पास, न कि कोई तरफदारी,
मशवरा तेरा करती हुं याद आज भी।

पल्लुसे बांध रख्खी है तेरे स्नेहकी अमानत,
मां नत मस्तक करती हुं प्रणाम आज भी!

शैला मुन्शा
www.smunshaw.wordpess.com

May 31st 2015

રક્ષા બંધન!!

કોણ પોતાના અને કોણ પારકાં! સંબંધોની આ માયાજાળ અને ગોરંભાતી અનેક જીંદગીઓ. લોહીના સંબંધોની લાગણી અને સુવાસ ક્યારેય મુરઝાતી નથી, પણ કદીક અંતર વધી જાય છે ત્યારે ઘવાયેલું હૈયું પોકારી ઉઠે છે કે પોતાના માનીએ એ ખરે જ શું પોતાના બને છે? અને જે પારકાં છે એ ક્યારે પોતાના બની જાય એનો આભાસ પણ નથી થતો.

આપ્તજનોના સંબંધમાં ઉતાર ચઢાવ આવે તોય છેવટે “ડાંગે માર્યા પાણી કદી છુટા ન પડે” એ કહેવત મોટાભાગે સાચી જ પડે છે, પણ મારે
વાત આજે એ સંબંધની કરવી છે, જે ક્યારે સ્વ થી ય વિશેષ પોતાનો બની ગયો એ ખબરે ના પડી.

સીમા જ્યારથી સમજણી થઈ ત્યારથી એક દિવસ એવો આવતો કે એનું બાળ માનસ કેટલાય સવાલોથી ઘેરાઈ ઉઠતું. મમ્મી સરસ તૈયાર થઈને હાથમાં પૂજાની થાળી ને મિઠાઈ લઈ હોંશભેર સીમાને કહેતી, “બેટા જલ્દી કર, મામાને ત્યાં રાખડી બાંધવા જવાનુ છે, મારો ભાઈ રાહ જોતો હશે” ને સીમાનો સવાલ દર વર્ષની જેમ મમ્મીને પુછાતો “મમ્મી મારે કોઈ ભાઈ નથી?"

એનો જવાબ પંદર વર્ષની સીમાને બળેવને દિવસે જ મળી ગયો.

મમ્મીની ખાસ બહેનપણીનો દિકરો રાકેશ દરવાજે આવી ઊભો અને પોતાનો હાથ લંબાવતા બોલી ઉઠ્યો, “સીમા મને રાખડી બાંધ, આજથી હું તારો ભાઈ”

સીમાને રાકેશ ઉનાળાની રજામાં સ્કુલના કેમ્પમાં દસ દિવસ સાથે હતા. રાકેશના મમ્મી જ્યોતિમાસી જે શાળામાં પ્રિન્સીપાલ હતા ત્યાંજ સીમાની મમ્મી શિક્ષીકા તરીકે નોકરી કરતી હતી, અને એ સ્કુલમાં ન ભણતા હોવાં છતા શિક્ષકોના બાળકો હોવાના નાતે સીમા અને રાકેશ કેમ્પમાં ભાગ લઈ શક્યા હતાં.

કેમ્પના છેલ્લા દિવસે એક રમત રમાડાઈ, એ રમતમાં દરેકને એમના સપના વિશે પૂછવામાં આવ્યું. કોઈ એ ડોક્ટર બનવાનુ સપનુ જોયું હતું તો કોઈએ વકીલ. કોઈએ શિક્ષક બનવાનુ તો કોઈએ ક્રિકેટર. જ્યારે સીમાનો વારો આવ્યો ત્યારે એનાથી મનની વાત કહેવાઈ ગઈ. “બાળપણથી મારૂં એક સપનુ હતું કે મારે એક ભાઈ હોય." મોટી થઈ ને હું કાંઈપણ બનીશ પણ મારા ભાઈને રાખડી બાંધવાનુ તો નહિ જ ને! મામા માસી ના દિકરાઓ મારા ભાઈ તો કહેવાય પણ!! બોલતાં બોલતાં એની આંખો છલકાઈ ઊઠી.

રાકેશના દિલમાં સીમાની એ દર્દભરી આંખો ઘર કરી ગઈ, ને બળેવના દિવસે ભાઈ બની દરવાજે આવી ઊભો. એ ઘડી ને આજનો દિવસ, સગા ભાઈથી સવાયા બની સંબંધને મહોરવા દીધો છે.

સીમા જીવનની એ કારમી પળ ક્યારેય ભુલી શકે એમ નથી જ્યારે એકસિડન્ટમાં મમ્મીને ગુમાવી. પિતાની છત્રછાયા તો કોલેજના પ્રથમ વર્ષે જ ગુમાવી હતી.
પપ્પાના અવસાનની કળ હજી તો માંડ વળી ત્યાં ચાર જ વર્ષમાં મમ્મીનુ એકસિડન્ટમાં નિધન થયું ત્યારે બન્ને બહેનો અને સાવ નાનકડો અબુધ ભાઈ જેને શું ગુમાવ્યું કે શું થયું એની કોઈ હજી સમજ નહોતી, સાવ નોંધારાં બની ગયા. આપ્તજનો તો હતા જ અને સહુની હુંફ પણ હતી પણ ત્રણે ભાઈ બહેનમાં મોટી સીમા જે માનસિક યાતનામાં થી પસાર થઈ રહી હતી એનો અંદાજ કોઈને નહોતો. સવારથી મળવા આવનાર એકનો એક સવાલ પુછે અને સીમા રડતાં રડતાં એજ દુઃખદ ઘટના દોહરાવે. એમાથી મુક્તિ બે જણે અપાવી. નાના, નાની જે સીમા અને નાના બહેન ભાઈનો અભ્યાસ ન બગડે એટલે મન પર પથ્થર રાખી એમની સાથે રહેવા આવ્યા હતા અને બીજું વીસ વર્ષના રાકેશે.

નાનાએ બધા મળવા આવનારને કડક ચેતવણી આપી કે કોઈ સીમાને દુર્ઘટના બાબત સવાલ ન કરે. રાકેશ બીજા દિવસે રાતે નવ વાગે ગાડી લઈ હાજર થઈ ગયો. સીમાથી નાનો પણ રાતોરાત જાણે એ મોટોભાઈ બની ગયો, અને નાનાને વિનંતી કરી કે થોડીવાર માટે એ ત્રણે પોતાના ભાઈ બહેનોને ખુલ્લી હવામાં બહાર લઈ જવા માંગે છે.

સીમાને પહેલીવાર અનુભવ થયો કે માથે દુઃખનો પહાડ તુટી પડ્યો હોય તોય કોઈ હાથ પકડી ખુલ્લી હવામાં બહાર લઈ આવે, સોસાયટીના બગીચામાં થોડો સમય મૌન બની સાથે બેસે અને નાનકડા ભાઈને એક આઈસક્રીમ અપાવે. સહુને આ દુઃખના દરિયામાં થી બહાર કાઢવા બનતો પ્રયાસ કરે. કાંઈ ન કહેવા છતાં એ મૌન કેટલો સધિયારો આપી જાય કેટલુંય કહી જાય કેટલી હિંમત આપી જાય “કોઈ ચિંતા ના કરતા, હું તમારો ભાઈ હમેશ તમારી ઢાલ બની ઊભો રહીશ.”

એ સધિયારો એ હિંમત આપનાર જેણે રક્ષા બંધન સાચા અર્થમાં સાર્થક કરી, આજે પણ સીમાનો વહાલસોયો ભાઈ બની જીવનભર સીમાની પડખે રહ્યો છે!!

સત્ય ઘટના પર આધારિત.

શૈલા મુન્શા તા.૦૫/૦૭/૨૦૧૫

April 20th 2015

મોનિકા-અમારી રાજકુમારી

મોનિકા અમારા ક્લાસમા લગભગ ત્રણ વર્ષથી છે. અહીં અમેરિકામા હું સ્પેસિઅલ નીડ વાળા બાળકો સાથે કામ કરૂ છું જેમની વય ત્રણ થી પાંચ વર્ષની હોય, અને મોનિકા ત્રણ વર્ષની થઈ અને અમારા ક્લાસમા આવી. હમણા ૭મી એપ્રીલે જ એને છ વર્ષ પુરા થયા.
મોનિકા ખરેખર અમારી રાજકુમારી છે. કાળા ભમ્મર ઘુઘરાળા વાળ અને રંગ ખુબ ગોરો. ત્વચા એટલી કોમળ કે ગાલ જાણે રૂના પોલ. આવી ત્યાર થી પોતાની દુનિયામા મસ્ત.આમ તો મેક્સિકન છોકરી પણ આટલી ગોરી, જાણ્ર યુરોપિયન જ લાગે એવા મેક્સિકન મે ઓછા જોયા હતા, પણ સમન્થાએ મને કહ્યુ કે કોલમ્બિઆના મેક્સિકનો આટલા રૂપાળા હોય.
મોનિકા ત્રણ વર્ષથી અમારી સાથે અને હવે પહેલા ધોરણમા જશે એટલે બીજા ક્લાસમા જશે પણ એના જેવી હોશિયાર પણ ખુબ જ Autistic બાળકી મે જોઈ નથી. ઘરમા સહુની ખુબ લાડકી એ દેખાઈ આવે. આવી ત્યારથી એને કલર કરવાનુ ખુબ ગમે. કોઈપણ ચિત્ર આપીએ એટલે કલાક સુધી એમા રંગ ભર્યા કરે.ધીરે ધીરે ક્રેયોન કલર એનુ વળગણ બની ગયા. જ્યાં જાય ત્યાં એના હાથમા એકાદ કલર પેન્સિલ પકડેલી જ હોય.જેટલા ક્રેયોનના બોક્ષ હોય એ બધા એને જોઈએ. અમારી હાલત એવી થઈ ગઈ કે અમારે મોનિકાના આવતા પહેલા બધા બોક્ષ સંતાડી રાખવા પડે. હોશિયાર એટલી કે બીજા બાળકોને રંગ પુરવા ક્રેયોન આપીએ અને એને જુના, એના તોડેલા ક્રેયોન આપીએ તે ના ચાલે. એને પણ નવુ બોક્ષ જ જોઈએ.
હવે તો બોલતા ઘણુ શીખી ગઈ છે એટલે ક્લાસમા આવતાની સાથે ” color a cow, બોલવા નુ શરૂ કરે. અમે ના પાડીએ એટલે color a Bever, color a Lion એમ એક પછી એક પ્રાણી ઉમેરાતા જાય. એને ચીઢવવા જ અમે ના કહીએ એટલે એનો ગુસ્સો જોવા જેવો “Alright I can wait” સાંભળવા મળે. જે ગુસ્સા અને રૂવાબથી મોનિકા બોલે એ સાંભળવા જ અમે ના પાડીએ, પણ મોટાભાગે તો અમારે તરત ગુગલમા જઈ એ પ્રાણી નુ પિક્ચર એને બતાવવું પડે અને એ બેન રાજી થાય એ પિક્ચરની કોપી કાઢી એને કલર કરવા આપવું પડે.
મોનિકાનુ ડ્રોઈંગ પણ સરસ. સરસ મજાની બિલાડી કે માછલી નુ ચિત્ર દોરે અને પછી રંગ ભરે.
સંગીતનો પણ એટલો જ શોખ પણ આ તો અમારી રાજકુમારી. જે ગીત એને સાંભળવું હોય એ જ અમારે કોમ્પ્યુટર પર ચાલુ કરી આપવું પડે. પહેલા ધોરણના બાળકો વાંચે એ સ્ટોરી બુક મોનિકા વાંચી શકે, પણ એનો મુડ હોય તો!
મોનિકાને કાંઈ જોઈતુ હોય અને અમે ના પાડીએ એટલે અમારા શબ્દો અમને જ સંભળાવે “That is not yours” અને પછી ખિલખિલ હસી પડે.
આવી અમારી રાજકુમારી બે મહિનામા અમને છોડીને બીજા ક્લાસમા જશે પણ એની યાદ સદા અમારા દિલમા રહેશે.

શૈલા મુન્શા. તા ૦૪/૨૦/૨૦૧૫

April 17th 2015

લહેરાતી રહી.

પાના કિતાબના ફરતાં રહ્યા,
ને બસ જીંદગી વંચાતી રહી.

કળી એક ઉઘડી જ્યાં બાગમાં,
ને ખુશ્બુ વસંતની મહેકાતી રહી.

ગગનને ગોખ ઊગ્યો તારલો,
ને ચાંદની ચોફેર ફેલાતી રહી.

પ્રગટી ગંગા શંભુની જટા થકી,
ને બની ગંગાસાગર પુજાતી રહી.

સુખ દુઃખના લેખાંજોખા અહીં,
ને જીંદગી આમ લહેરાતી રહી.

શૈલા મુન્શા. તા ૦૪/૧૭/૨૦૧૫

« Previous PageNext Page »
Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.