August 17th 2025

સંભારણું – ૬ -૮ – પ્રિન્સિપાલ

આજનું આ સંભારણું અમારી શાળાના પ્રિન્સિપાલ શ્રીમતી ઈન્દુબહેનને સમર્પિત છે. ઓગસ્ટ ૮/૨૦૨૫ના રોજ એમણે ૧૦૦ વર્ષ પૂરાં કર્યાં. અમે સહુ એમના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ એમનો ૧૦૦મો જન્મદિવસ ખૂબ ધામધૂમથી ઉજવ્યો. મેં ૧૯૬૭માં અગિયારમું ધોરણ પાસ કર્યું, અને આજે પણ ઈન્દુબહેનને અમે યાદ છીએ.

પાયાની કેળવણી અને કેળવણીનો પાયો. કેળવણીની વાત કરીએ તો સાથે કર્તા પણ આવે અર્થાત કેળવણી આપનાર, અધ્યાપક, શિક્ષક; સાદી ભાષામાં કહીએ તો ગુરૂ.
જન્મભૂમિ પ્રવાસી મુંબઈના સમાચાર પત્રમાં તા.૧૪/૧૧/૨૦૨૧ એ શ્રી ઈન્દુબહેન પટેલ મારા શાળા જીવનના પ્રિન્સિપાલ માટે છપાયેલ લેખ આ સંભારણું લખવામાં નિમિત્ત છે. જોગાનુજોગ આજનો દિવસ ભારતમાં બાળદિન તરીકે ઉજવાય છે અને બાળકોના જીવનમાં માત પિતા, તેનો પરિવાર અને ત્યારબાદનું ઘડતર નિશાળમાં થતું હોય છે. આવી જ અમારી શાળાના આજીવન શિક્ષિકા, પ્રિન્સિપાલ ઈન્દુબહેન વિશે વિસ્તારપૂર્વક લેખ છાપાંમાં આવે એનાથી વધુ બાળદિનની ઉજવણી બીજી કઈ હોઈ શકે!!!!
કલ્યાણી અને અલકા અમારી શાળાની સહપાઠી, છેલ્લાં ત્રણ મહિનાથી એક લેખ લખવાનો મનસૂબો કરી રહ્યાં હતાં, અને એ લેખ હતો અમારી શાળાના પ્રિન્સિપાલ, અમારાં સહુના માર્ગદર્શક ઈન્દુબહેન પટેલ. ભારત સ્વતંત્ર થયું એ અરસામાં વિલે પાર્લે પૂર્વમાં નાનકડી ગલીમાં આવેલી ગુજરાતી માધ્યમની શાળા. નામ એનું શ્રી નવસમાજ મંડળ સેકેંડરી હાઈસ્કૂલ. શરૂઆતમાં આ શાળા ચૈતન્ય બાળમંદિરના નામે ઓળખાતી. અમારા માટે એ ખૂબ જ ગૌરવની વાત છે કે આ શાળાનું ઉદઘાટન ભારતના તે સમયના ઉપરાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના વરદ હસ્તે થયું હતું. ઈન્દુબહેન શરૂઆતનાં વર્ષોથી જ શાળામાં જોડાયેલાં અને આજીવન શાળા સાથે સંકળાયેલા રહ્યાં. કેટકેટલાં ઉમદા શિક્ષકોએ અમારા ઘડતરમાં અગત્યનુ યોગદાન આપ્યું છે, એ સહુ મોતીઓને એક સૂત્રે સાંકળનાર એવું વિલક્ષણ મોતી એ અમારી શાળાનાં પ્રિન્સિપાલ ઈન્દુબહેન પટેલ.
અત્યારે ઈન્દુબહેન ૧૦૦ વર્ષ પૂરા કરી ચૂક્યાં છે, આજની તારીખે પણ એમની સાથેની પ્રત્યેક મુલાકાતમાં તાજગીનો અનુભવ થાય. કોઈ પ્રકારની ફરિયાદ નહિ, કોઈ અપેક્ષા નહિ, પોતે સંપૂર્ણ સ્વસ્થ. જ્યારે મળીએ ત્યારે ઉમળકાભેર આવકારે, અને ભાવભીનાં આદર સત્કારથી નવાજે. એમના નિખાલસ ચહેરા પર મંદ સ્મિત હમેશા હોય જ. જીવન જીવવાનો અભિગમ એમની પાસેથી શીખવા જેવો. આવી વિલક્ષણ વ્યક્તિએ કરેલા અથાક પરિશ્રમ અને નિઃસ્વાર્થ ત્યાગની સાધના દ્વારા અમારી કેળવણીનો પાયો મંડાયો હતો.
ઈન્દુબહેન દરેક વિદ્યાર્થીને વ્યક્તિગત રીતે ઓળખે. કોના કુટુંબમાં કેટલાં સભ્યો છે, ઘરની શું પરિસ્થિતિ છે, એ બધાથી વાકેફ રહેતાં.
મારા માટે ૨૦૧૮ની મારી ભારત યાત્રા એક વિશેષ સંભારણા જેવી બની ગઈ હતી. સહુથી વધુ મારો મહાઆનંદ વડીલ શ્રી ઈંદુબેન પટેલ મારા પ્રિન્સિપાલને મળવાનો. ત્રાણુ વર્ષની વયે એજ એકવડો બાંધો, ટટાર શરીર અને એ જ ખાદીના વસ્ત્રો. તેમના પિતાશ્રી સ્વ. જયસુખલાલ પટેલ ગાંધીજીના વિચારોથી પ્રભાવિત ખાદીધારી વ્યક્તિ. એમણે પોતાની લાડકી દીકરીને સંપૂર્ણ પીઠબળ આપેલુંં. આજીવન અવિવાહિત રહીને ઈન્દુબહેને કેળવણીના ક્ષેત્રમાં યોગદાન આપવાનું અને જીવનભર ખાદીના વસ્ત્રો અંગીકાર કરવાનું નક્કી કર્યું ત્યારે પિતાનો સંપૂર્ણ સહકાર મળેલો.
મુંબઈના વિલે પાર્લે પરાંમા વર્ષોથી એ જ મકાનમાં એમનો નિવાસ. સાદગીભર્યું જીવન,અપરણિત અને આજે પણ એકલા રહી પોતાની દૈનિક ક્રિયા બધું જાતે જ કરે છે.
મેં એસ.એસ.સી ૧૯૬૭માં પાસ કર્યું. મારી શાળા ચૈતન્ય બાળમંદિરમાંથી વિકાસ પામી માધમિક શાળા બની ગઈ. અમારી શાળામાં દર વર્ષે ત્યારે એક ક્લાસ વધારવામાં આવતો અને અમારો એસ.એસ.સી.નો બીજો ક્લાસ હતો. ૧૯૬૭ પછી ઈન્દુબહેનને મળવાના અવસર ઓછાં થતાં ગયાં, પણ એમણે જે સાહિત્યનો રંગ અમને લગાડ્યો એ મારા માટે આશીર્વાદ બની ગયો. મને બરાબર યાદ છે સાતમા ધોરણની શરૂઆતમાં અમને શ્રી કનૈયાલાલ મુન્શીની નવલકથા “પાટણની પ્રભુતા” વાંચવાનુ કહ્યું હતું અને બધા વાંચે એટલા માટે વાર્ષિક પરિક્ષામાં એ નવલકથામાંથી વીસ માર્કનો સવાલ પૂછશે એવી જાણ કરી હતી.
એ ઉમદા સાહિત્યના વાંચને મારામાં વધુ સારા પુસ્તકો વાંચવાની તલપ જાગી. આમ પણ નાનપણથી નિંબંધ સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધામાં ઘણા ઈનામ મળ્યાં હતાં અને અમેરિકા આવ્યા પછી થોડી સમયની મોકળાશે લેખનકાર્ય પણ શરૂ થયું હતું. ભારતમાં શિક્ષિકા હતી અને અહીં આવ્યા પછી પણ શિક્ષિકા જ રહી, ફરક એટલો કે અહીં દિવ્યાંગ બાળકો સાથે કામ કર્યું. એ બાળકોના નિર્દોષ તોફાનો, એમની તકલીફો પર નાના રોજિંદા પ્રસંગો લખવાનુ શરું કર્યું અને પછી એ “બાળ ગગન વિહાર” પુસ્તક રુપે પ્રસિધ્ધ કર્યું. એ પુસ્તકની પ્રસ્તાવનામાં મેં ખાસ ઈન્દુબહેનનો ઉલ્લેખ કર્યો છે કે એમની પ્રેરણાએ જ મને ઉમદા સાહિત્ય વાંચની ટેવ પડી અને આગળ જતાં મારા લખાણમાં પ્રગતિ થતી રહી.
મેં “બાળ ગગન વિહાર” પુસ્તક ઈન્દુબહેનને મોકલાવ્યું હતું, જ્યારે હું ૨૦૧૮માં એમને મળી ત્યારે આટલા વર્ષો પછી પણ ઈન્દુબહેનને હું, મારા ઘરના સહુ, અમારી વિશેષતા યાદ હતી. મેં નાની વયે માતા પિતાની છત્રછાયા ગુમાવી એ એમને બરાબર યાદ હતું. મારી મમ્મીના હાથનો નાસ્તો એમણે ચાખ્યો હતો એટલે મમ્મીની રસોઈના વખાણ અને મારી નાની બહેન પારુલ બધાના સમાચાર વિગતવાર પૂછ્યાં. મારા અમેરિકાના દિવ્યાંગ બાળકો પર લખેલા પ્રસંગોનુ પુસ્તક એમણે વાંચ્યું હતું અને મારી પ્રવૃતિથી એ ખૂબ જ ખૂશ હતા. ઘણી વાતો કરી. એ મુલાકાત મારા જીવનનું એ અમૂલ્ય સંભારણું છે.
૨૦૧૮માં અમે બધા ૧૯૬૭ના S.S.C batch ના મિત્રો મળ્યા. ઘણાને હું પચાસ વર્ષે મળી. જુની યાદો ક્લાસમાં કરેલી ધમાલ મસ્તી, જાણે બાળપણ પાછું આવી ગયું. કેટલા સંભારણા અને કેટલીય વાતો લખતાં ખુટે એમ નથી.
પ્રભુ કૃપાથી ૨૦૧૮ની સફર ખુબ આનંદદાયક રહી. વરસાદે પુરી રહેમત રાખી, ક્યાંય અટકવા ના દીધી, તબિયતે પુરો સાથ આપ્યો. દશ વર્ષ પછી વતનની ધરતી પર પગ મુક્યો અને પૂરા પ્રેમથી આપ્તજનોથી માંડી મિત્રોએ હરખભેર પોતાની બનાવી દીધી. એવું લાગ્યું હું જાણે અહીં જ છું, ક્યાંય ગઈ નથી, ક્યાંય ગઈ નથી!!
જન્મભૂમિના લેખે કેટલાં સ્મરણ તાજા કરાવી દીધાં. ઈન્દુબહેનના હાથ નીચે કેટલાય વિદ્યાર્થીઓ તૈયાર થયા હશે પણ એમણે કોઈ પર હાથ ઉપાડ્યો નથી અને જ્યારે મેં એમને મારા ભારતના મારા હાથ નીચે ભણી ગયેલા ૧૯૮૫, ૧૯૮૭ના વર્ષના વિદ્યાર્થીઓએ મારા સન્માનમાં મોટા પાયે આયોજન કરેલાં મેળાવડાની વાત કરી અને જે આદરપૂર્વક એ સહુ આજે પણ યાદ કરે છે એ જાણી તો એ એટલાં ખૂશ થઈ ગયાં કે મારો ખભો થાબડી કહે “વાહ તેં એક શિક્ષિકા તરીકે આજે મારું પણ ગૌરવ વધારી દીધું”
મારી ૨૦૧૮ની ભારતયાત્રા મારા માટે અમૂલ્ય સંભારણું બની ગઈ છે. જે ઊર્જાથી ઈન્દુબહેને અમને સિંચ્યા હતાં તેનું આજ મૂળસ્ત્રોત, અમારી કેળવણીનો પાયો વર્ષો પહેલાં નંખાયેલો, પરંતુ પાયાની એ કેળવણીનો રંગ અમે વર્ષો પછી પારખ્યો.
ખૂબ આભાર કલ્યાણી અને અલકાનો. એમના લેખમાંથી ઘણી માહિતી મેં મારા લેખમાં લીધી છે.
ઈશ્વરને એટલી જ પ્રાર્થના છે કે અમારા લાડીલા ઈન્દુબહેન હંમેશા સ્વસ્થ રહે અને એમના આશીર્વાદ સદા અમારા સહુ પર વરસતા રહે.

અસ્તુ,
શૈલા મુન્શા
www.smunshaw.wordpress.com

July 16th 2025

ખળભળી મચી છે આજે!

અરમાનોની દુનિયામાં ખળભળી મચી છે આજે!
કોઈ વાસ્તવિકતાનો પહાડ પડ્યો તૂટી છે આજે!

માંડીને ગુંચળુ સાપણ જેમ ફુત્કારે ભલેને ઈચ્છા,
બની ટોપલી મદારીની, મુરઝાય છે આજે!

સપનાની દુનિયાને ક્યાં નડે છે અંતર જોજનોના,
ભરવા છલાંગ આભે જોઈએ હિંમત, ખુટી છે આજે!

રણ વચાળે છો દેખાય ઝાંઝવા, છીપાવે ના તરસ,
મધદરિયે ચોપાસ પાણી તો યે પ્યાસ રોકી છે આજે!

સાચવવા સંબંધો પ્રેમ ને જતનથી છે અઘરા જીવનભર,
કૃષ્ણ સુદામાની મૈત્રી સહુ કોઈને ક્યાં મળી છે આજે!

અરમાનોની દુનિયામાં ખળભળી મચી છે આજે,
કોઈ વાસ્તવિકતાનો પહાડ પડ્યો તૂટી છે આજે!!

શૈલા મુન્શા તા. ૧૬/૦૭ ૨૦૨૫

April 24th 2025

કુદરતનું માન

સમીર સંગ ઝુમતી આ ડાળી,
કરે છે માવજત જેની આ માળી.

ખીલ્યો છે ગુલમહોર જેવો ચારેકોર,
ને મઘમઘે છે આંબાની ડાળે એવો મોર.

ઉડતાં પતંગિયા ફુલોની આસપાસ,
ટહુકો મધુરો ગુંજતો કોયલનો ચોપાસ.

લીલુડી ધરતીએ લહેરાતી ફસલ સોનેરી,
મોંઘી મિરાત, શોભા કુદરતની અનેરી.

શીદ થાય તાંડવ, સુનામી, ધરતીકંપનો હાહાકાર?
બને દુશ્મન આ માનવી, કરે કેવો અહંકાર.

મારે છલાંગ આંબવા સૂરજને ચાંદ,
ના ટકે અભિમાન, પડે ઝીલવો ઘા;
જો ના રાખો કુદરતનું માન,
જો ના રાખો કુદરતનું માન

શૈલા મુન્શા તા.૨૪/૦૪/૨૦૨૫

September 23rd 2024

બાળ ગગન વિહાર પુસ્તક પરિચય

“બાળ ગગન વિહાર” મારૂં લખાણ પહેલી વાર પુસ્તક રૂપે આપની સમક્ષ રજુ કરતી વખતે અવનવી લાગણી નો અનુભવ થાય છે સાથે સાથે દિલમા ધરબાયેલા આ બીજ ને ખાતર પાણી સીંચી એક અનુપમ છોડ રૂપે વિકસાવવા મા મદદરૂપ થનાર ચહેરા નજર સમક્ષ આવે છે.
એ સહુનો હ્રદય પૂર્વક થી આભાર માન્યા વગર હું ને મારૂં પુસ્તક અધુરાં છે. વાંચન ની ભુખ બાળપણ થી હોવાં છતાં ભારત મા હતી ત્યાં સુધી લખવા નો વિચાર ન આવ્યો. અમેરિકા આવ્યા બાદ ગુજરાતી સાહિત્ય સરિતા નો પરિચય થયો. સાહિત્ય રસિક મિત્રો મહિનામા એકવાર મળે ને સાહિત્ય ની વાતો થાય. ત્યાં વિજયભાઈ શાહ, જાણીતા સાહિત્યકારે મને લખવા નો અનુરોધ કર્યો અને એમ સાહિત્ય જગતમા પાપા પગલી પાડવાની શરૂઆત થઈ.એમનો આભાર માનુ એટલો ઓછો છે. અમેરિકા ની શાળામા શિક્ષીકા તરીકે કામ શરૂ કર્યું ને ત્રણ થી પાંચ વર્ષ ના બાળકોનો ક્લાસ સંભાળવાનો આવ્યો જેને PPCD (Pre Primery children with disability) કહે છે. આ બાળકોના રોજના તોફાનો, નિર્દોષ મસ્તી વગેરે થી મને “રોજીંદા પ્રસંગો” લખવાની પ્રેરણા મળી અને આજે એ પ્રસંગો અને રોજ નરી આંખે દેખાતા, બનતા બનાવો એક પુસ્તક રૂપે આપની સમક્ષ રજુ કરતાં ધન્યતાની લાગણી અનુભવું છું. આ પ્રસંગો બ્લોગ રૂપે દુનિયાભર મા વંચાતા અને ભારત ના નાનકડા શહેર ખંભાત થી રાજેશભાઈ પટેલ નો પત્ર મને આવ્યો. ત્યાં ની શાળામા મારા બાળ પ્રસંગોને એક લેસન તરીકે ક્લાસમા વાંચી એમાથી બાળકોને ઉપયોગી થાય એવા સુચનો અમલમા મુકાય છે ની વાત એમણે લખી હતી. રાજેશભાઈ જેવા શિક્ષક નો પત્ર મારા માટે ઘણો અમુલ્ય છે અને મારા લખાણ થી કોઈ એક બાળકના જીવન મા કાંઈક પ્રગતિ થાય એ મારા માટે ઘણા અહોભાગ્યની વાત છે.
દુનિયાભર માથી આવતાં સુચનો એ મને હમેશ વધુ સારૂં લખવાની પ્રેરણા આપી છે, મારાં પતિ અને મારાં સંતાનો એ હમેશ મારા કાર્યને પ્રોત્સાહન આપ્યું છે. એ સહુના સાથ વગર કદાચ આ મુકામ પર ન પહોંચાત. મારા લખાણને આપ સહુ આવકારશો અને મારી ક્ષતિ તરફ મારૂં ધ્યાન દોરશો એજ અપેક્ષા સહિત અત્રે સર્વનો જે મારા પુસ્તકરૂપી માનસ સંતાન ને શબ્દ દેહ આપવામા સહાય રૂપ થયા છે, એમનો ખરા મન થી આભાર માનુ છું.
આપના અમુલ્ય સલાહ સુચનો આવકાર્ય છે.
smunshaw22@yahoo.co.in

દ્વારા મારો સંપર્ક કરી શકો છો.
અસ્તુ,
શૈલા મુન્શા.
હ્યુસ્ટન, ટેક્ષ્સાસ
અમેરિકા

December 2nd 2023

પ્રતિલિપિ

pratilipi

પ્રતિલિપિનો ઘણો આભાર આ Golden badge certificate આપવા બદલ.
ધન્યવાદ

April 1st 2023

चलते चलते

जसुकी ७५वी सालगिराह पर,

चलते चलते
हमे हरदम याद रखना
कभी अलविदा ना कहना
कभी अलविदा ना कहना
हंसते हँसते बस यूँही तुम
गुनगुनाते रहना
कभी अलविदा ना कहना
कभी अलविदा ना कहना

यादोमें हमें सजाकर
प्रेम युं ही करते रहेना
और यूँही गुनगुनाते रहना
कभी अलविदा ना कहना
कभी अलविदा ना कहना

चलते चल्ते गीतसे प्रेरित होकर थोडे बदलाव के साथ,

शैला मुन्शा मार्च ८/२०२३

March 23rd 2023

મા ની આશિષ!

ઝુરતી આંખો આજે પણ ને,
નીતરતા આંસુ આજે પણ!

રહેતી જે છબી દિલના ખુણે,
હર પળ તુજને શ્વસુ આજે પણ!

ક્યાંથી લાવું એ વહાલભર્યો સ્પર્શ,
નથી પાસે તોય, શોધું આજે પણ!

હતી પાસે તો કરી ના માવજત,
શરમથી મુજને કોસું આજે પણ!

પાલવે બાંધી તુજ વહાલની પોટલી
માવડી નત મસ્તકે વંદુ આજે પણ!

શૈલા મુન્શા. તા. મે ૭/૨૦૧૫

September 17th 2021

ગુજરાતી સાહિત્ય સરિતાના ઈતિહાસની ઝલક– ૨૦૧૫ થી ૨૦૨૧ જુલાઈ

ગુજરાતી સાહિત્ય સરિતાના ઈતિહાસની ઝલક– ૨૦૧૫ થી ૨૦૨૧ જુલાઈ August 28, 2021
Posted by devikadhruva
૨૦૧૫ જુલાઈથી ૨૦૨૧ ઑગષ્ટઃ નીચેની લીંક ક્લીક કરી વાંચશો.

GSS 2015 to 2021

September 5th 2021

ज्ञानज्योत

जो ज्ञानज्योत हमने जलाई,
जीवनमें उतारा आपने, और;
हुआ मन त्रुप्त देख यह भक्ति,
किया नाम उज्ज्वल आपने गुरुजनका!

ज्ञानका बीज जो हमने सींचा था,
देखो आज लहलहाता पैड बन;
शीतलता जगमैं फैला रहा!!

निभाई गुरु- शिष्य प्रथा दिलसे,
किया पूजन आदरणिय गुरुका;
मनाके त्योहार गुरु-पूर्णिमाका!

ईस युगमैं कर दिया उन्नत सर,
गुरुको देकर ईतना मान सन्मान!

आशिष यही हम सब गुरुजनकी,
जीवनके हर क्षेत्रमें हो उन्नति सदा;
करो नाम रोशन जगमें जन्मदाताका,
यही प्रार्थना और दुआ निकलती रहे;
हमेशा हर शिष्यके लिए सदा सदा!!

शैला मुन्शा दिनांक ५ सितम्बर २०२१

April 26th 2021

ગુ.સા.સ. બેઠક અહેવાલ -૨૦૧૫ ડિંસેંબર -શ્રી નવીનભાઈ બેંકર

ગુજરાતી સાહિત્ય સરિતા ની ૧૫૯મી બેઠક અને ‘જનરલ બોડી મીટીંગ’-અહેવાલ શ્રી નવીન બેંકર
December 24th,

(૧) ડાબી બાજુથી- જુના બોર્ડ મેમ્બર્સ- ઉપપ્રમુખ શ્રી. નિખીલ મહેતા, શ્રીમતિ દેવિકા ધ્રુવ (સલાહકાર),
ખજાનચી શ્રી. નરેન્દ્ર વેદ અને પ્રમુખ શ્રી. ધવલ મહેતા,
નવા બોર્ડ મેમ્બર્સ- ડોક્ટર ઇન્દુબેન શાહ,શ્રીમતિ પ્રવિણાબેન કડકિયા અને સલાહકાર શ્રી. અશોક પટેલ.
P1060969
ગુ.સા. સ.ની ગૌરવભરી સભાના સભ્યો.

P1060972

ગુ.સા.સ.ની નવી સમિતિ- ઉપપ્રમુખ પ્રવિણાબેનકડકિયા,સલાહકાર શ્રી અશોક પટેલ
અને પ્રમુખ ડોક્ટર ઇન્દુબેનશાહ. ખજાનચી શ્રી સતીશ પરીખ (હાજર નથી)
ગુજરાતી સાહિત્ય સરિતા ની ૧૫૯મી બેઠક અને ‘જનરલ બોડી મીટીંગ’-અહેવાલ શ્રી નવીન બેંકર
ફોટો સૌજન્યઃ શ્રી જયંત પટેલ.

૨૦મી ડીસેમ્બર અને રવિવારની શીતલ સાંજે ૪ થી ૮ દરમ્યાન, હ્યુસ્ટનના શાકાહારી ભોજનગૃહના હોલમાં ૨૦૧૫ ના સફળ વર્ષની, છેલ્લી બેઠક યોજાઈ ગઈ.
બરાબર ૪ના ટકોરે શ્રીમતિ ગીતાબેન પંડ્યાના સુમધુર કંઠે ગવાયેલ પ્રાર્થનાથી શુભ શરુઆત થઈ. સંસ્થાના વડીલ હાસ્યલેખક શ્રી. ચીમન પટેલે શેર, મુક્તક અને ગઝલથી બેઠકની શરૂઆત કરીને મહેફિલમાં રંગ જમાવી દીધો. ડોક્ટર રમેશ શાહે, કવિશ્રી. મકરંદ દવેની એક કૃતિ રજૂ કરી અને સાથે સાથે એનું રસદર્શન પણ ભાવ સહિત વાંચી સંભળાવ્યુ. નિતીન વ્યાસ નામના એક બહુશ્રુત વિદ્વાને, ગુજરાતના જાણીતા લેખક અને કવિ શ્રી. ધ્રુવ ભટ્ટના પુસ્તકનો પરિચય કરાવ્યો અને ભાવનગરના ટર્મિનસ પરની બોગી નંબર ૨૬૯૨ અને ચાહની લારીના દ્રશ્યો શ્રોતાઓની આંખ સમક્ષ તાદ્રુશ કરાવ્યા.

શૈલાબેન મુન્શાએ કામો અંગે વર્ષાન્તે થતી અનુભૂતિ વિષયક એક હળવું મસ્તીભર્યું અછાંદસ કાવ્ય રજૂ કર્યું. દેવિકાબેન ધ્રુવ આમ તો કવયિત્રી છે અને સામાન્યપણે પોતાની સ્વરચિત કવિતા કે ગઝલની જ રજૂઆત કરતા હોય છે પણ આજે તેમણે ‘સાહિત્ય એટલે શું ?’ એ વિષય પર મનનીય વક્તવ્ય રજૂ કર્યું. ડોક્ટર ઇન્દુબેન શાહે વીતેલા દાયકાઓની વાતો કરી. પ્રશાંત મુન્શાએ પણ કેટલાંક સુંદર મુકતકો સંભળાવ્યા. ૯૫ વર્ષની વયના ધીરુભાઇ શાહે, જીવનના નિચોડ સમ,સારા જીવન માટેની અર્થસભર કણિકાઓ પ્રસ્તૂત કરી. અશોક પટેલે શ્રી. મનુ નાયકનું એક કાવ્ય રજૂ કર્યું. ત્યાર પછી નાસા, જોહન્સન સ્પેઈસ સેન્ટર, હ્યુસ્ટનના વૈજ્ઞાનિક શ્રી. કમલેશ લુલ્લાએ શ્રી. નટવર ગાંધીની છંદોબધ્ધ કૃતિ સંભળાવી.
પ્રકાશ મજમુદારે, સ્વ.મરીઝની ગઝલ રજૂ કરીને વાતાવરણને સંગીતની હવાથી તરબતર કરી મૂક્યું. શ્રી. વિજય શાહે, સાહિત્ય સરિતાના કલ્ચર અંગે અને પોતાની સાહિત્યિક પ્રવૃત્તિઓથી સભ્યોને માહિતગાર કર્યા. શ્રી અક્બર લાખાણી અને અક્બર અલી હબીબે પોતાની કૃતિઓ અને રમૂજની લ્હાણ કરી હતી. શ્રી. નવીન બેન્કરે, ફ્યુનરલ ટાણે, વક્તાઓ મૃતકને અંજલિ આપતી વખતે કેવા કેવા છબરડાઓ કરતા હોય છે અને અંત્યેષ્ટી કરાવનાર બ્રાહ્મણ કેવા પ્રવચનો ડાઘુઓને માથે મારતા હોય છે એની રમુજી વાતો કરીને સભ્યોને હસાવ્યા. પ્રવીણાબેન કડકિયાએ પણ તેમાં થોડો સૂર પૂરાવ્યો હતો.
બેઠકના ઉત્તરાર્ધમાં, ‘જનરલ બોડી મીટીંગ’ ની શરૂઆત થઈ. સંસ્થાના પ્રમુખ શ્રી. ધવલ મહેતા અને ઉપપ્રમુખ શ્રી. નિખીલ મહેતાએ એમની આગેવાની હેઠળ છેલ્લા દોઢ વર્ષથી સંસ્થાએ જે જે પ્રવૃત્તિઓ કરી હતી એનો ચિતાર આપ્યો..સંસ્થાના ખજાનચી શ્રી. નરેન્દ્ર વેદે, સંસ્થાના આર્થિક પાસાં અને ભંડોળને લગતી માહિતીસભર વિગતો આપી. સભ્યોની પ્રશ્નોત્તરી, ચર્ચા, મસલત પછી કેટલાંક જરૂરી મુદ્દાઓનો પણ વ્યવસ્થિત રીતે અને શાંતિપૂર્વક ઉકેલ લાવવામાં આવ્યો. ત્યારબાદ ૨૦૧૬થી શરૂ થતા વર્ષના નવા ‘બોર્ડ મેમ્બર્સ’ તરીકે નીચેના સભ્યોની વરણી થઈ-
પ્રમુખઃ ડોક્ટર શ્રીમતિ ઇન્દુબેન શાહ
ઉપપ્રમુખઃ શ્રીમતિ પ્રવિણાબેન કડકિયા
ખજાનચીઃ શ્રી. સતિશ પરીખ-
સલાહકારઃ શ્રી. અશોક પટેલ

નવી નિમાયેલી સમિતિના સભ્યો અને હાજર રહેલા સભ્યોએ, જુના બોર્ડ મેમ્બર્સની સફળ કામગીરીને બિરદાવીને અભિનંદન આપ્યા હતા અને સમુહ ફોટોગ્રાફ્સ લઈને સૌ, ભોજન રેસ્ટોરન્ટના સ્વાદિષ્ટ ભોજનનો આસ્વાદ માણીને છૂટા પડ્યા હતા.
છેલ્લાં પંદર વર્ષથી અવિરતપણે ચાલી રહેલી ગુજરાતી સાહિત્ય સરિતાની આ ગુજરાતી ભાષા અંગેની સજાગતાને અને સૌ સભ્યોને સો સો સલામ.
અહેવાલ – શ્રી. નવીન બેન્કર (લખ્યા તારીખ- ૨૦ ડીસેમ્બર ૨૦૧૫)

Next Page »
Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.