June 27th 2013
બને એવું કે ઈશ્વર પણ રડે!
ડુસકે ને ડુસકે ઈશ્વર પણ રડે.
સૂકાં ભેગું લીલુ જો બળે!
શ્વાસે શ્વાસે, ઈશ્વર પણ રડે.
સર્જી માનવજાત કરે હાશ!
જોઈ જાલિમ,ઈશ્વર પણ રડે.
ગભરૂં પંખિણી પિંખાય તીક્ષ્ણ નહોરે,
ધગધગતા લોચને, ઈશ્વર પણ રડે.
ન થંભાય જો દોટ અહંકાર ને ગુમાનની
તોડવા અહંકારને રૌદ્ર સ્વરૂપે ઈશ્વર પણ રડે.
કરે તહસ નહસ, સ્થળ ત્યાં જળ!
આભ ફાડી ઝંઝાવાતે, ઈશ્વર પણ રડે.
બને એવું કે ઈશ્વર પણ રડે!
ડુસકે ને ડુસકે ઈશ્વર પણ રડે.
શૈલા મુન્શા. તા ૬/૨૬/૨૦૧૩
March 30th 2013
રંગોની આ દુનિયામા એક માનવી બેરંગ કેમ?
ભીતર હોય રૂપ જુદું, અને બહાર જુદો રંગ કેમ!
માંહ્યલું ખદબદે બેસુમાર ક્રોધ ને નફરતથી,
મુખ પર ઓઢે મુખવટો, નમ્રતા ને પ્રેમ નો કેમ?
ધરતી ને પેટાળ ભલેને ભભુકતો હોય લાવા ભરપુર,
ધરા એ વ્હેતો એજ લાવા, બને ફળદ્રુપ જમીન કેમ!
પાનખરે ખરી પડતાં પર્ણ ને ઉજડતું દિશે એ વૃક્ષ,
સદા મહોરી ઊઠે લીલી કુંપળે, વસંતના આગમને કેમ!
મળે ના ઉત્તર કદીયે એ વાતનો, કરો લાખ જતન
વાવો બસ એક જ બીજ, ને મળે હજારો ફળ કેમ!
અનેરો કોઈ સંકેત કુદરતનો,એટલું શીખે જો માનવી
અસત્યોથી ભરી દુનિયામા, જીતે હમેશ સત્ય જ કેમ!
રંગોની આ દુનિયામા એક માનવી બેરંગ કેમ?
ભીતર હોય રૂપ જુદું, અને બહાર રંગ જુદો કેમ!
શૈલા મુન્શા. તા. ૦૩/૩૦/૨૦૧૩
February 28th 2013
ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા
જીવવાની/ આશ માં પણ/ મોત ઠેલા/તું નથી,
ને મરણ પા/મે કદી પા/છું એ જીવા/તું નથી.
બાળપણ જા/તાં યુવાની/ ખટખટાવે/ બારણાં,
ખેલ પાંચી/કા કે ખોખો/ કેમ છોડા/તું નથી?
ક્ષણ જનમની/ ઓરતા પૂ/રા કરે મા/બાપના
આવકારો,/ હેત હૈયાનુ કોઈથી સંતાતુ નથી આગમન નવ/જાત, આંગણ/ બાળ એ બદ/લાવે જીવન/ હેત તો જીરવાતું નથી છુપાતું નથી
ભલે સાગર મા હોય ભરતી ને ઓટ હરદમ,
સરી જતું એ યૌવન,કેમે કરી પાછું પમાતું નથી.
જગ કરે હાંસી તે જીરવવું છે અઘરૂં,
પી ને હળાહળ, સહુ થી શંકર બનાતુ નથી.
જીવવાની આશ માં મોત ઠેલાતું નથી,
ને મર્યા બાદ પાછું જીવાતું નથી.
શૈલા મુન્શા. તા. ૦૨/૨૭/૨૦૧૩.
October 21st 2012
માનવી તો ઘણુ ય ઈચ્છે આંબવા સૂરજ,
ભૂલે, જ્યાં એક ડગલું આગળ રહે કુદરત.
નજર સામે દેખાય નભ ને ધરતી એકાકાર,
ન મળે કદી, ભ્રમ નજર નો સરજાવે કુદરત.
કરી ભેગાં તણખલાં બનાવે નિજ માળો પંખી,
આંધી ના એક સપાટે તણખલાં વિખરાવે કુદરત.
ઊભો સુકાની ઝાલીને સઢ, કિનારો નજર સામે,
ડુબી એ નાવ, ક્ષણમા લાવે સુનામી એ કુદરત.
માનવી તો ઘણુ ય ઈચ્છે આંબવા સૂરજ,
ભૂલે, જ્યાં એક ડગલું આગળ રહે કુદરત.
શૈલા મુન્શા. તા ૧૦/૨૧/૨૦૧૨.
June 3rd 2011
યાદના દીપક જલાવી શું કરૂં?
અતીતના આવરણ ઉવેખી શું કરૂં!
સૂરજની રોશની જ્યાં ઓછી
ઘરનો ચિરાગ જલાવી શું કરૂં.
શમા લાખ ચાહે, ન પાસ પરવાન
ન સુણી ઝંપલાવે પરવાન, શું કરૂં!
સમંદર વલોવે નીકળે હળાહળ
રાખી આશ અમરતની, શું કરું!
ક્યાંક તો ચાલે મરજી ઈશ્વરની
શરત મા મુકી હામ શું કરૂં,
યાદના દીપક જલાવી શું કરૂં.
શૈલા મુન્શા. તા. ૦૬/૦૩/૨૦૧૧
May 13th 2011
જીવનથી અલગ એક જીવન હોય,
ના કોઈ ડર, મરણ સાવ સહજ હોય.
અણુબોમ્બ ને મિશાઈલ, ખંડેર નગર
ભીતર પાંગરતું એક જીવન હોય.
રવિકિરણે થાય અર્દશ્ય ઓસ બિંદુ,
ખીલે કમળ કાદવમા, એમ જ હોય.
દુનિયાની રીત નિરાળી, પડતાને પાટુ!
નિર્બળ બને સબળ, લોક સહુ નિર્ભય હોય.
વિરહને પ્રેમ, જોડાતા રેશમ તાંતણે,
ન કોઈ વિરહ, બસ પ્રેમ જ પ્રેમ હોય.
શૈલા મુન્શા. તા ૦૫/૧૩/૨૦૧૧
March 22nd 2011
આંસુ વ્યથાના નિરંતર પીતો જાઉં છું,
ચહેરા પર ચહેરો ઓઢતો જાઉં છું.
જમાનાએ દેખાડી તાસીર જુદીજુદી,
એક નવી મંઝિલ શોધતો જાઉં છું.
ક્યાંક ગમને ક્યાંક ખુશી,રહે ન બન્ને સાથ,
તરાજુ માં હિસાબ બેઉનો તોળતો જાઉં છું.
બળિયાના બે ભાગ એવી આ દુનિયામા,
ન્યાય અન્યાય ના ભેદ પરખતો જાઉં છું.
આમ તો સર્જી તેં દુનિયા ઓ સર્જનહાર!
સર્જનમા વિસર્જન નિરખતો જાઉં છું.
આંસુ વ્યથાના નિરંતર પીતો જાઉં છું,
ચહેરા પર ચહેરો ઓઢતો જાઉં છું.
શૈલા મુન્શા. તા. ૦૩/૨૨/૨૦૧૧