March 19th 2020
એક ધારાએ પહોંચ્વું તો જરૂરી હોય છે,
માનવું ના માનવું તો શું ફકીરી હોય છે?
કોણ આપે સાથ, એ ક્યાં હાથ કોઈના કદી,
વાત છુપાવા દિલોની, તો અમીરી હોય છે!
મોજથી જીવો, કરો ના કાલની ચિંતા ભલા,
જોમ દેખાડી શકો તો, એ ખુમારી હોય છે!
જિંદગી હારી ગયા જોઈ નજારો મોતનો,
બાથ ભીડો મોત સામે, બેકરારી હોય છે.
ને બધું છોડી જવું ભારે પડે છે દીલને,
જાણકારી હોય, તો શું એ બિચારી હોય છે?
ખાસ રસ્તો શોધવો એ હોય શમણાં લોકના,
એ જ તો ઈચ્છા ખુશાલી લાવનારી હોય છે!!
શૈલા મુન્શા તા ૦૩/૧૭/૨૦૨૦
January 9th 2020
સંબંધ વર્ષોનાં બધા ક્ષણમાં વિલાઈ જાય કેવા,
ને પળ મહીં ઋણાનુબંધોથી કદી બંધાય કેવા!
જ્યાંત્યાં મળે અણજાણ લોકો આ જગતમાં અહીં બધે,
પણ તાર દિલોના વળી સંધાય તો સંધાય કેવા!
જીતી જવાની લ્હાયમાં ખોટી ખુમારી દિલે રહે,
પછડાય જ્યાં મોંભર બધા, હાર્યા જુગારી જાય કેવા!
અવહેલના જ્યારે કરે ગુમાનમાં આ માનવી,
ઈશ્વર કરે કઠપૂતળી ચાવી વગર, તો થાય કેવા!
આપે જખમ કોઈ, વેર લેવા સાબદા થાયે સહુ,
બાજી લગાવે જાનની વીરો ભલા, વીસરાય કેવા!
મજબુરી છે કે વાત હૈયાની જબાને આવે ના,
કોણે લખી આ જીંદગી, ભીતર દરદ છૂપાય કેવા!
ના આપશો આશા બધું થાશે બરાબર એ ખુદા,
તૂટે મિનારા આશના, જીવતર એના નંદવાય કેવા!
શૈલા મુન્શા તા.૦૧/૦૮/૨૦૨૦
September 16th 2019

જિંદગાનીની કહાની વિખરાઈ જાય છે,
તે છતાં યાદો કદી ક્યાં વિસરાઈ જાય છે!
ફૂલ લાવી ગોઠવો મોંઘા, સજાવો કેટલા,
આંગણાની ફૂલવારી કાં ભુલાઈ જાય છે?
વાદળોની પાર મોતી તારલાંઓ ટમટમે,
હેત તોય, ચંદ્રમાં પર ઊભરાઈ જાય છે!!
લાખ સંતાડે કપટથી માનવી જ્યાં પાપને,
જાત માણસની સદાએ ઓળખાઈ જાય છે!
હાથ આવે ના કદી બાજી, જે હારી દાવમાં,
તોય આશા જીતવાની, શું રખાઈ જાય છે!!
બિરદાવે ખૂદને, સમજી કુશળ ને હોંશિલો,
પણ વખત આવે, હમેશા ભોળવાઈ જાય છે!
જિંદગીને મોત ક્યાં બંધાય છે મુઠ્ઠી મહીં,
જે પળે જે થાય, એવું જીરવાઈ જાય છે!
શૈલા મુન્શા તા. ૦૯/૧૫/૨૦૧૯
May 4th 2019
ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા વેરાઈ જોવાઈ રેલાઈ ભીંજાઈ ભૂલાઈ સંતાઈ રોકાઈ દેખાઈ
ગૂંજતી રૈ/ બાંસુરીને/ સૂર વેરા/ઈ ગયા.
થાપ તબલાં/ની પડી પણ નાદ રૂંધાઈ ગયા!
ફૂટતી જ્યાં/ એક કૂંપળ/ ભેદતી પા/ષાણ એ
બીજ પાંગર/તા વિકસતા/ છોડ કરમા/ઈ ગયા!
ઘાટ ઘડતાં/ હાથ કસબી/ના કપાશે/
અડગ રહ્યા જે કુમળા છોડ ઝીલી રવિકિરણો,
મૃદુ સ્પર્શે એ પાન લજામણીના બિડાઈ ગયા!
ભલે ના જોયું પાછા વળી ગોકુળ કદી કૃષ્ણે,
બંસરીના એ સૂર રાધાને હૈયે રેલાઈ રહ્યા!
કવચને કુંડળ દઈ દાનમાં, કર્ણ બન્યો મહાદાની,
જોઈ ગુરૂદક્ષિણા એકલવ્યની, હૈયા ભીંજાઈ ગયા!
ગૂંજતી રહી શરણાઈને, સૂર વેરાઈ ગયા,
બોલતી રહી આંખોને, તેજ ઓલવાઈ ગયા!
શૈલા મુન્શા તા.૦૫/૦૪/૨૦૧૯
September 21st 2018
મિત્રોની પરિભાષા કદી બદલાતી નથી,
યાદ એ બચપણની કદી જાતી નથી!
સંબંધો સહુ જિંદગીના થાય ભલે ઉપર નીચે,
કરી જે દોસ્તી એકવાર, ભુલાતી નથી!
રેતની એ લકીર નથી, ભુંસાય જે વાયરે,
મિત્રતાની એ ઈમારત કાળ થી એ મિટાતી નથી!
મળ્યા ન મળ્યા રોજ, રહ્યા આઘા ભલે વર્ષોથી,
મળ્યા જે ક્ષણે, એ જ મસ્તી રોકી રોકાતી નથી!
પહોંચ્યા ઉમરના એ મુકામે, કદી સાંપડે એકલતા,
વાતો એ દિલની, મિત્ર વિના કોઈને કહેવાતી નથી!
મિત્રોની પરિભાષા કદી બદલાતી નથી,
યાદ એ બચપણની કદી જાતી નથી!
(સહુ મિત્રોને સમર્પિત)
શૈલા મુન્શા તા.૦૯\૨૧\૨૦૧૮
September 15th 2015
ઓગસ્ટ ૨૦૧૫ હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતાએ ડો. રઈશ મણિયારને આમંત્રી એક જાહેર ગઝલ કાવ્યનો કાર્યક્રમ કર્યો હતો અને ડો. રઈશભાઈએ ગઝલ વર્કશોપ કરી સહુ સાહિત્ય સરિતાના કવિ, લેખકોને ગઝલ લખવાના નિયમો સરળ ભાષામા સમજાવ્યા હતા.
એના પ્રયાસ રૂપે દેવિકાબેનની દોરવણી હેઠળ સરિતાના થોડા મિત્રોએ છંદમા સહિયારી ગઝલ લખવાની પહેલ કરી.
એ દોરવણી અને સમજને કારણે આજે હું મારી પહેલી ગઝલ છંદમા લખી શકી છું.
ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા (ચંદ વિધાન સપ્તક રમલ ૨૬)
દ્રૌપદીની આબરૂ દુઃશાસને લુંટાય છે,
એ પળે જાણે અજાણે શત્રુતા રોપાય છે!
માછલીની એક આંખે તાકવું જો તીર તો,
સાધવા સંધાન તો શું પાર્થએ રોકાય છે?
જીવવું ના જીવવું તો નિયતીને હાથ છે,
જિંદગીની દોડતો ક્યાં કોઇથી થંભાય છે!
શીદ જાવું દૂર તારે ભાંગવા ઈમારતો,
બાણ શબ્દોના કદી ક્યાં કોઇથી ચુકાય છે!
પારખાં ના હોય પ્રેમીના કદીયે પ્રેમમાં
પ્રેમ તો પ્રેમી દિલોમાં વ્હાલથી તોલાય છે.
શૈલા મુન્શા તા ૦૯/૦૧૫/૨૦૧૫
May 31st 2015
ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાગા
રાગ આગ ચાહ દાગ દાન માન
જીંદગીભર/ ચાલતી ની કહાની/ ચાલતી વણ/ થંભે જાગતાં
ઘૂંટી ને વેદના ક્યાં નીકળે છે રાગ કોઈ!
વહી જાય છે જનમારો પ્રીત પામતા,
દિલ દહે તો ક્યાં નીકળે છે આગ કોઈ!
રીમીઝીમ મેઘ રીઝવતો ધીખતી ધરા,
રીઝવવા ઉદાસ મન ક્યાં છે માર્ગ કોઈ!
ઘૂઘવતો સમુંદર એ, બને સુનામી કદીક,
ભરેલો ભીતર લાવા ક્યાં બને છે આહ કોઈ!
આપવા જ ઊઠે છે હાથ, બની આશિષ માતના,
કોઈ ચુકવે ના ચુકવે ઋણ, ક્યાં છે ચાહ કોઇ!
શૈલા મુન્શા. તા ૦૫/૨૧/૨૦૧૫
April 17th 2015
પાના કિતાબના ફરતાં રહ્યા,
ને બસ જીંદગી વંચાતી રહી.
કળી એક ઉઘડી જ્યાં બાગમાં,
ને ખુશ્બુ વસંતની મહેકાતી રહી.
ગગનને ગોખ ઊગ્યો તારલો,
ને ચાંદની ચોફેર ફેલાતી રહી.
પ્રગટી ગંગા શંભુની જટા થકી,
ને બની ગંગાસાગર પુજાતી રહી.
સુખ દુઃખના લેખાંજોખા અહીં,
ને જીંદગી આમ લહેરાતી રહી.
શૈલા મુન્શા. તા ૦૪/૧૭/૨૦૧૫
November 21st 2013
સપના ની વણઝાર વચ્ચે આંખ ખોલવી ગમતી નથી,
બને ના જો સપનુ હકીકત, એ વાત ગમતી નથી.
ચણાય ઈમારત જો મજબૂત તો વાંધો નહિ,
ખંડેર ઈમારતો ની હાય, એ વાત ગમતી નથી.
ક્યાં સુધી વેઠવી વેદના, એ આવશે કે નહિ?
આવી ને દ્વાર અટકી જવાની, એ વાત ગમતી નથી.
પચાવી હળાહળ સહુ બની શકતા નથી નીલકંઠ,
હરદમ પચાવી ઝેર જીવવું, એ વાત ગમતી નથી.
મન ની મુરાદ કરવા પુરી સાબદાં સહુ બને
ઉઘડે આંખ ને સપના ખરે, એ વાત ગમતી નથી.
સપના ની વણઝાર વચ્ચે આંખ ખોલવી ગમતી નથી,
બને ના જો સપનુ હકીકત, એ વાત ગમતી નથી.
શૈલા મુન્શા. તા ૧૧/૨૦/૨૦૧૩
August 2nd 2013
ઊઘડે જો/ દ્વાર હૈયા/ના બાંધ તુટી જાય!
ભીડી સજ્જડ આંકડી, કોઈ ચુપ થઈ જાય.
ઈમારત એક સર્જાઈ પ્રેમ વિશ્વાસ ના ચણતરે!
એક પથ્થર ખસે ને, બસ કડડભુસ થઈ જાય.
સળી ડાખળાં કરી ભેગા બનાવે ઘોંસલો!
બને જ્યાં ઘોંસલો ને ડાળ તુટી જાય.
દુશ્મન કરે દગો એ તો દુનિયા નો રિવાજ છે,
બને જો દોસ્ત દુશ્મન,તો વિશ્વાસ તુટી જાય!
ઊઘડે જો દ્વાર હૈયાના એક બાંધ તુટી જાય!
ભીડી સજ્જડ આંકડી, કોઈ ચુપ રહી જાય!
શૈલા મુન્શા. તા ૦૮/૦૨/૨૦૧૩