November 24th 2007
એક તરફ ચાંદની બીજે ચમકારા,
એક તરફ તારલા ટમટમે બીજે વીજ લીસોટા.
કુદરત કેરા ખેલ અવનવા,
હર પળ દર્શાવે રુપ નવાનવા.
એક તરફ ઢળતો સૂરજ,બીજે ઉગતો ચાંદ
એક તરફ સોનેરી સંધ્યા, બીજે ઉમડતા વાદળ ઘનેરા.
ક્યાંક છલકાતું ઘોડાપુર ને ક્યાંક પાણી કેરા સાંસા,
ક્યાંક ધરા ધખધખે, ને ક્યાંક બરફ કેરી શીતળતા.
ક્યાંક નભને ચૂમતા ડુંગરો, ને ક્યાંક પાતાળે પહોંચતી ખીણો
ખીલે ક્યાંક ફુલો રંગબેરંગી ક્યાંક અડાબીડ જંગલો.
પતંગિયા ની પાંખો રંગીલી,
જાણે મેઘધનુ કેરી છટા અનેરી.
કોણ જાણે કોણ મદારી ને કોના હાથમાં દોર,
બસ એટલું ભાસે, એતો કુદરત કેરા ખેલ.
શૈલા મુન્શા.
૨૩/૧૧/૦૭
November 17th 2007
ખળખળ વહેતું ઝરણુ નિજાનંદ માં મસ્ત
હસતું રમતું વહે પ્રક્રુતિની ગોદમા વ્યસ્ત.
કલકલ નાદે કરે એ તો પંખી સાથે કલરવ
ખીલ્યા ઉપવને જાણે ભ્રમર કરતો ગુંજારવ.
તરસ્યા પ્રાણીઓની ભાંગે તૃષા
નહિ કોઈ આશ નહિ અપેક્ષા
ક્યાં જનમ્યું ક્યાં વિલીન થયું કોણ કરે પરવા?
મળી જે જિંદગાની વિતાવી ધરતીએ વિહરવા.
ના પર્વતનો વિયોગ, ના સાગરને મળવાની મહેચ્છા;
નિત કામ આવું બસ સર્વને, હોય હૈયે એજ ઈચ્છા!
પ્રભુ પ્રાર્થના બસ એટલીજ મુજ હૈયે રહેતી,
વહે મુજ જિંદગી નિર્મળ ઝરણા સમી વહેતી!!
શૈલા મુન્શા તા. ૦૮/૨૫/૨૦૨૦
October 28th 2007
અહિંસાના પુજારી દેશને,
ક્રુષ્ણ જન્મની તાતી જરૂર છે.
કૌરવરુપી ભાઈઓને હણવા
સમર્થ બાણાવળી પાર્થની જરૂર છે.
એક ગાલ પર તમાચો પડતા બીજો ગાલ ધરવાને બદલે,
ગાલ સુધી પહોંચતા હાથને ઉખેડી નાખવાની જરૂર છે.
ક્યાં સુધી જનતાનુ ભાવિ,
બીજાને આશરે ઘડવા દેશું?(યુનોના)
શુળીનો ઘા સોયે સર્યો સમજવાને બદલે,
દેશની શાંતિ હણનારને શુળીએ ચઢાવવાની જરૂર છે.
દેશભક્તિ અને વફાદારીની વાતો કરવાને બદલે,
વફાદારી હરદમ દેખાડવાની જરૂર છે.
અમીચચંદોના આ દેશમાં
એક લોખંડી પુરુષ સરદારની જરૂર છે.
અને હવે એક નરેન્દ્ર મોદીની જરૂર છે!!
અહિંસાના પુજારી દેશને,
કૃષ્ણ જન્મની તાતી જરૂર છે!!!
આઝાદી પર્વની ઉજવણી
શૈલા મુન્શા ૧૪ ઓગસ્ટ ૨૦૨૩
October 28th 2007

માએ આપ્યો જન્મ, પિતા એ આપ્યું નામ,
આંગળીના ટેરવે શિખવ્યું ડગલું ભરવાનુ કામ.
કરી લાડ ઝુલાવી મુજને,
ડારી નજરથી ડરાવી મુજને.
શૈશવના એ સુંવાળા દિવસો વહ્યાં
બસ પ્રેમે હસતાં રમતાં વિહરતા.
શૈશવથી કિશોરાવસ્થા વિતાવી હર ક્ષણે,
શિખી જીવન તણા મુલ્યો તમ પાસે.
બેટા હંમેશ રહેવુ નીતિમય સદા જીવનમાં,
પડકાર ઝીલવા સામી છાતીએ મુસીબતમાં;
યુવાની આવતા આવશે સમસ્યા ઘણીએ,
યાદ રહે તરવું હરદમ સામા વહેણે.
પિતા તમ શીખ પ્રેરે બળ જીવનમાં,
આગવું અસ્તિત્વ પ્રગટાવે મુજમાં.
ઈચ્છા સર્વ પિતા તણી,
સંતાન સવાયા બાપથી!
તર્પણ મારું એજ તવ ચરણે,
સાર્થક કરું જીંદગી મારી
નામ તમારું દિપાવી.
શૈલા મુન્શા (Father’s day) ૧૮/૬/૨૦૨૩
www.smunshaw.wordpress.com
October 23rd 2007
જિન્દગી જીવતા આવડે તો જીવી જવાય છે,
નહિ તો વ્યર્થ ફાંફામાં ખપી જવાય છે.
કરોળિયાના જાળાં જેવી આ જિન્દગી,
ઉકેલતાં આવડે જો જાળાં તો જીવી જવાય છે.
નહિં તો વ્યર્થ ફાંફામા ખપી જવાય છે!
રે માનવી! જરા ચોપાસ નજર તો કર,
ઝડપતા આવડે તક તો ઝડપી લેવાય છે;
નહિ તો વ્યર્થ ફાંફામાં ખપી જવાય છે.
જિન્દગી જીવતા આવડે તો જીવી જવાય છે.
નહિં તો વ્યર્થ ફાંફામાં ખપી જવાય છે.
શૈલા મુન્શા તા. ૨૫/૧૧/૨૦૨૫
www.smunshaw.wordpress.com