સંભારણું – ૧૨ – સમય
પરિચિત છું છતાંય દૂર ખૂણામાં ઊભેલો છું,
મને શું ઓળખે લોકો સમય વીતી ચૂકેલો છું. ગુલામ અબ્બાસ “નાશાદ”
આ શેર તો ગુલામ અબ્બાસનો છે, પણ કદાચ મારા જેવા ઘણાને જાણે જોડતો હોય એવું લાગે છે. આજે સવારના બે સંદેશાઓ મને ભૂતકાળની સફરે લઈ ગયા.
ગોરસ આંબલી આ શબ્દ કદાચ આજની યુવા પેઢી માટે અજાણ્યો હશે, ખાસ તો વિદેશમાં જન્મેલા ભારતીય બાળકો!! મારી ખાસ બહેનપણીએ ફેસ બુક પર વલસાડ એના ફાર્મ હાઉસમાં ઊગતી ગોરસ આંબલીનુ ચિત્ર મુક્યું હતું. છેલ્લા બાવીસ વર્ષના અમેરિકાના વસવાટે ઘણા મનભાવન ફળોથી વંચિત રહ્યાં છીએ પણ જ્યારે આવી કોઈ છબી નજર સામે આવે તો મોઢામાં પાણી તો આવી જ જાય!! આ ગોરસ આંબલી હિન્દીમાં जंगली जलेबी કહેવાય એની જાણ તો મને આજે જ થઈ અને પાછી હું આજની પેઢીનો વાંક કાઢતી હતી???
મને શું ઓળખે લોકો સમય વીતી ચૂકેલો છું પંક્તિમાં કેટલી ગહેરાઈ, કેટલી એકલતા, માયુસી એક દર્દ છુપાયેલું છે એ જેને અનુભવ્યું હોય એ જ જાણે!
૧૦૦ વર્ષની ઉંમરના એક બા, એમની સાથે રહેવાનો મોકો મળ્યો અને એમની એકલતા, ભલે સહુ એમની સાથે હોય, એમના મનના વિચારો, વાતો સાંભળી ખરેખર પ્રભુનું ઉત્કૃષ્ટ સર્જન માનવી અને એમાં પણ મગજની રચનાનો કોયડો સાચે જ સમજમાં આવી ગયો.
ભલભલા ન્યુરોલોજીસ્ટ જેનો તાગ પામી શક્યા નથી એ મગજ એમાં ઉથલપાથલ થતાં વિચારોને વાણીમાં વહેતાં સાંભળવાનો અનોખો અનુભવ થયો. બા ક્યારેક પચાસ વર્ષ પહેલાં બનેલો કોઈ બનાવ સતત બોલ્યા કરે, બપોરે સુતાં સુતાં વાત કરે તો લાગે કોઈની સાથે ફોન પર વાત કરે છે, “હા બરાબર, એ તો બરોડા ગઈ હવે પાછી નહિ આવે” અને સતત થાક્યાં વગર આ વાર્તાલાપ (એક તરફી) બે કલાક ચાલે. ક્યારેક વહેલી સવારે “ચાય લો, ચાય લો સુરત આવી ગયું” નું રટણ ચાલે. ક્યાંનો તાર ક્યાં જોડાય એનો કોઈ તાગ ના મળે. એકની એક વાત યાદ કરી વારંવાર કહેવાની એમની ખાસિયતે મને મારા મોસાળ પહોંચાડી દીધી. ડાયરીનાં એ પાના જુના સ્મરણોની મંજુષા ખોલી બેઠા.
મારા નાના સમાજમાં ખૂબ પ્રતિષ્ઠા ધરાવતાં. એમના વિચારો જમાનાથી આગળ હતાં ૯૦ વર્ષ સુધી એ ઓફિસ જતાં પણ પછી સાંભળવાની તકલીફ વધી અને આંખે ઝાંખપ વરતાવા માંડી એટલે બહાર નીકળવાનું લગભગ બંધ થઈ ગયું. એમના છેલ્લા દિવસોમાં હું જ્યારે એમને મળવા ગઈ હતી, તો રોજ સાંજે જ્યારે એમની પાસે બેસું એટલે એમનો હાથ લાંબો કરે. હથેળીમાં હું મારું નામ લખું એટલે તરત બોલે વાહ! શૈલા મારી બાજુમાં બેઠી છે અને પછી રોજ મને એક જ વાત કહે “તને ખબર છે, હું મુંબઈ આવ્યો ત્યારે પ્રશાંતકુમાર મને સાંતાક્રુઝથી બોરીવલી ટેક્ષીમાં લઈ ગયા હતાં, એટલાં પૈસા તો કાંઈ ખર્ચાતા હશે?” ઘરમાં ગાડી હોવાં છતાં નાના બને ત્યાં સુધી બસમાં મુસાફરી કરતાં.
આજે વિચાર કરું છું કે શું ચાલતું હશે બા કે મારા નાના કે બધાના મનમાં એનો તાગ કોણ પામી શકે?
અરે!! વાતો વાતોમાં હું જ મારા બીજા સંદેશાની વાત કરવાની ભુલી જ ગઈ જે મને મારા ડાયરીના એ સુખભર્યાં મસ્તીભર્યાં દિવસોની યાદમાં દોરી ગયા.
મુંબઈ મલાડની સ્કૂલમાં મેં વીસ વર્ષ દસમાં ધોરણના વિદ્યાર્થીઓને શિક્ષણ આપ્યું હતું એ વિદ્યાર્થીઓ આજે પણ મારા સંપર્કમાં છે, અને મારા માટે ખૂબ લાગણી ને આદર રાખે છે. એ બધા પણ આજે પચાસ પંચાવન વર્ષની ઉંમરે પહોંચવા આવ્યા. ભારતમાં કોઈ કામ માટે મેં એક વિદ્યાર્થીનો સંપર્ક કર્યો અને એનો જવાબ સાંભળી મને તાજેતરમાં મળેલો એક વોટ્સેપ મેસેજ યાદ આવી ગયો. સંદેશો કાંઈક આવો હતો. “વો બચપનકે દિન સ્કૂલમાં પસાર કરેલો સમય, લેસન ના કર્યું હોય તો ક્લાસની બહાર મુર્ગા બનીને ઊભા રહેવાનું, નિશાળની બહાર ફેરિયા પાસેથી ખાટી મીઠી ગોળી, ચણીબોર ખાવાના, લંગડી, ખો ખોની રમત રમવાની વગેરે વગેરે…
મારો વિદ્યાર્થી રાજુ જેને મેં કામ સોંપ્યું હતું એ મને કહે “બેન અઠવાડિયામાં તમારું કામ નહિ થાય તો મારો મુર્ગો બનેલો ફોટો તમને મોકલી આપીશ” મારાથી ખડખડાટ હસ્યાં વગર રહેવાયું નહિ. એક વોટ્સેપ કેટલી યાદોને સાંકળી લે છે.
સંસ્મરણોની માયાજાળ પણ પેલી ખાટી મીઠી ગોળીની જેમ ખટમધુરી યાદોથી સંપન્ન થાય છે! અને એમ જ તો સંભારણાં મનના પટારામાં સચવાતાં જાય છે.
અસ્તુ,
શૈલા મુન્શા
અસ્તુ,
શૈલા મુન્શા
www.smunshaw.wordpress.com