December 26th 2025

વિદાય ભલેને હો અઘરી,
પણ યાદોની પેટી છે ભરેલી.
સમય ભલેને થાતો પસાર,
પણ નવીનતાનો છે આસાર.
વિત્યું વરસ ભલેને ચકડોળ જેવું,
સુખ દુઃખ, આશા નિરાશાથી ભરેલું;
હો સત્તા પલટો કે કુદરતનો કેર,
જીતે માનવતા ભુલીને વેરઝેર.
અંત ભલેને થાય ૨૦૨૫નું,
પણ સ્વાગત છે દિલથી ૨૦૨૬નું.
નવ વર્ષ લાવે નવજીવનની આશ,
હો સુખ શાંતિને સમૃધ્ધિ ચોપાસ;
હો સુખ શાંતિને સમૃધ્ધિ ચોપાસ.
શૈલા મુન્શા તા.૨૬/૧૨/૨૦૨૫
www.smunshaw.wordpress.com
December 7th 2025

સપના જો વેચાય તો લઉં ખરીદી,
પણ જિંદગી ક્યાં ખરીદાય છે!
સુધારાય જો ભૂલ તો લઉં સુધારી,
પણ માફી ક્યાં મંગાય છે!
બાળપણ મળે પાછું, તો લઉં બચાવી;
પણ બુઢાપો ક્યાં રોકાય છે!
મળે જો તક તો માસુમિયત લઉં સાચવી,
પણ હેવાનિયત ક્યાં અટકાવાય છે!
મોત જો રોકાય તો લઉં રોકી,
ક્ષણ ક્યાં એક આઘીપાછી થાય છે!
મનની મુરાદ જો ફળે તો માંગુ ઈશ્વરી શક્તિ,
માણસાઈ ભરી દુનિયા બનાવી લઉં!
સપના જો વેચાય તો લઉં ખરીદી,
પણ જિંદગી ક્યાં ખરીદાય છે!
શૈલા મુન્શા. તા.૭/૧૨/૨૫
www.smunshaw.wordpress.com