મુક્તક
મુક્તક
જીવનની પોથીના પાન જાય ઘટતાં,
મિત્રોની યાદિમાં નામ જાય ખૂટતાં;
નવલું વર્ષ લાવે નવી આશને ઉમંગ,
પ્રાર્થના જગ કલ્યાણની રહીએ રટતાં
શૈલા મુન્શા તા. ૩૧ ડિસેમ્બર ૨૦૨૧
મુક્તક
જીવનની પોથીના પાન જાય ઘટતાં,
મિત્રોની યાદિમાં નામ જાય ખૂટતાં;
નવલું વર્ષ લાવે નવી આશને ઉમંગ,
પ્રાર્થના જગ કલ્યાણની રહીએ રટતાં
શૈલા મુન્શા તા. ૩૧ ડિસેમ્બર ૨૦૨૧
સંભારણું -૫
હમણાં જ નવરાત્રીના તહેવારની સમાપ્તિ થઈ. હવે તો નવરાત્રી એક સર્વમાન્ય તહેવાર થઈ ગયો છે. દેશ વિદેશના યુવક યુવતીઓ ગરબાના તાલે નૃત્ય કરે છે, હા એને નૃત્ય જ કહેવાય કારણ પારંપરિક ગરબાંની રમઝટ ભૂલાઈ રહી છે. નવ દિવસના નવલાં વસ્ત્રો, ચણિયા ચોળી, પુરુષો માટે ચોરણું, કેડિયું એમાં જ નવરાત્રીનો તહેવાર રહી ગયો છે. ભારત કરતાં પણ જાણે વિદેશોમાં આ તહેવાર વધુ ધામધૂમથી ઉજવાતો હોય એવું લાગે છે. મહિનાઓ પહેલાં મોટા મોટા જાણીતા ગાયકોને લાખો ડોલર આપી આવવા માટે આમંત્રણ અપાઈ જાય. મોટા સ્ટેડિયમમાં ઉજવણીની તૈયારી થવા માંડે અને માતાના ગરબાં પણ ફિલ્મી ગીતોના ઢાળમાં ગવાય. હજારો નવજુવાનો ભાતીગળ પોશાકો પહેરી ગરબે ઘૂમે, એમાં દરેક પોતાની ટોળી બનાવી પોતાના નવા નવા સ્ટેપ્સ રચી પોતાની મસ્તીમાં ઘૂમતાં હોય અને સ્ટેજ પરથી આમંત્રિત ગાયક પોતાના સૂર રેલાવતાં હોય.
કોરોના કાળમાં તો આખું જગત જાણે પોતાના ઘરમાં કેદ થઈ ગયું હતું, પણ જ્યારે આ માહામારીને ડામવા વેક્સીનની શોધાઈ એના પરિણામે લોકો થોડા ભયમુક્ત થયાં અને કેદમાંથી મુક્ત થયેલા લોકો બમણા ઉત્સાહે બધા ઉત્સવની જાહેર ઉજવણીમાં જાણે દુકાળમાંથી મુક્ત થયાં હોય તેમ રસ્તાં પર ઉતરી પડ્યાં, પછી ગણપતિનો તહેવાર હોય કે નવરાત્રી કે દુર્ગા પૂજા.
ભારત જેમ ભાતીગળ પ્રજાનો દેશ છે તેમ દરેક કોમના પોતાના તહેવારો પણ હોય છે.
ગુજરાતીઓનો પ્રિય તહેવાર નવરાત્રીની ઉજવણી કરતો એક વીડિયો મારી ખાસ બહેનપણીએ અમદાવાદથી મોકલ્યો અને મારું મન મારા બાળપણને ઓવારે પહોંચી ગયું. મારી બહેનપણીના બિલ્ડીંગના આંગણમાં ગરબે ઘૂમતા નરનારીનો એ વીડિયો હતો, અને વચ્ચે માતાજીની છબી સાથે કાણાવાળી માટલીમાં અખંડ દીવો ઝળહળતો હતો. ફકત હું જ નહિ અમારું આખું સખીવૃંદ તરત પોતાના સ્મરણો તાજા કરી રહ્યાં.
નવરાત્રી એટલે માતાજીની ભક્તિ આરાધના. ગરબો શબ્દ એ ગર્ભદીપ શબ્દ પરથી આવ્યો છે. માતાજીની પૂજા વિધિમાં ઘટ એટલે કે કાણાવાળી માટલીને સરસ રંગી એમાં દીપની સ્થાપના કરવામાં આવે. અખંડ જ્યોત ઝળહળતી રહે એનું ધ્યાન રાખવામાં આવે, સવાર સાંજ માતાજીની આરતી થાય. ગામડામાં રહેતાં લોકો ગામના ચોરે માતાજીની ગરબીની સ્થાપના કરે અને સાંજ પડે સહુ નિત્યક્રમ પરવારી ગામના ચોરે ગરબાં રમવા ભેગા થાય. વારાફરતી સહુના ઘરેથી પ્રસાદ આવે અને પાંચ ગરબાં માતાજીના ગવાય પછી રાસની રમઝટ જામે. નાનકડી કન્યાઓ સરસ ચણિયા ચોળી પહેરી માથે માતાજીની ગરબી મુકી ઘેર ઘેર ફરે અને સહુ રાજીખુશી પાવલી, આઠ આના દક્ષિણા આપે. લોકો નવ દિવસના ઉપવાસ કરે, કોઈ ફક્ત ફળાહાર પર હોય, કોઈ એકવાર ફરાળ કરે, કોઈ નકોરડાં ઉપવાસ કરે. નવમે દિવસે નૈવેધ ધરાવે અને દશેરાએ ફાફડાં જલેબીનું સેવન કરે.
શહેરોમાં પણ દરેક સોસાયટીના આંગણમાં આવી જ નવરાત્રી ઉજવાય.
મને યાદ છે અમે સહુ બહેનપણીઓ એકબીજાની સોસાયટીમાં ગરબા રમવા જઈએ અને વળતાં ખોબોભરી પ્રસાદ લેતાં આવીએ. નાના બાળકો તો મધમાખીની જેમ પ્રસાદની થાળીની આસપાસ જ મંડરાતાં હોય. દરરોજ કોઈને ત્યાંથી માતાજીની બાધા લીધી હોય તેની માનતા પુરી કરવાં લ્હાણી થતી હોય અને સ્ટીલની વાડકી, નાની થાળી, પ્લાસ્ટિકના ડબ્બાં એવી તો કેટલીય વસ્તુ ઘરમાં આવે.
એક વીડિયોએ કેટલીય સ્મૃતિ જાગૃત કરી દીધી…
આજે પણ તહેવારો તો ઉજવાય છે અને તહેવારોના નામે ડોનેશન પણ ઉઘરાવાય છે. માતાજીની મૂર્તિ કે ગણપતિના તહેવારમાં કોઈ ચોકલેટની મૂર્તિ બનાવે, કે કેળાની મૂર્તિ બનાવે, કે સોનાની ત્યારે વિચાર આવે કે પૈસાની આમ બરબાદી કરતાં કોઈ જરુરતમંદને મદદ કરવામાં એ પૈસો વપરાય તો સહુ દેવી દેવતાં વધુ પ્રસન્ન થાય.
મન પણ ખરેખર અજીબ યાદોનો ભંડાર છે, જગત અત્યારે પ્રગતિની હરણફાળ ભરી રહ્યું છે, કેટલીય શોધ થઈ રહી છે, માણસ ચંદ્ર પર તો પહોંચી ગયો અને હવે લાખો ડોલર ખર્ચી પ્રવાસીઓને ઓર્બીટની સહેલ કરાવવાનું પણ બુકીંગ થઈ રહ્યું છે ત્યારે પણ જ્યારે મનના ખજાનામાંથી આવા યાદના સંભારણા જાગે છે અને એક નાનકડી ઘટના ક્યાંય તળિયે છુપાયેલી યાદ પળમાં જાગૃત કરી દે છે ત્યારે થાય છે કે એને માપવાનુ કોઈ યંત્ર શોધાયું જ નથી.
આવા સંભારણાથી જ તો ડાયરીનાં પાના સમૃધ્ધ છે….
શૈલા મુન્શા તા.ઓક્ટોબર ૨૪/૨૦૨૧
www.smunshaw.wordpress.com
અમેરિકા, યુરોપ અને જ્યાં જ્યાં ખ્રિસ્તી ધર્મ પળાય છે ત્યાં નાતાલનો વાર્ષિક તહેવાર ધૂમધામથી ઉજવાય છે. સાન્તાક્લોઝ રેન્ડિયરની બગીમાં બેસી આવે. જાજરમાન લાલ પોશાક, સફેદ દાઢી અને ખભે ભેટસોગાદોનો મોટો થેલો. નાના બાળકો માટે સાન્તા કોઈ જાદુઈ પરીથી કમ નથી જે એમની બધી ઇચ્છા અને માંગ પુરી કરે.
નાના બાળકોની ઇચ્છા પરથી મને મળેલો એક બાળકીનો વિડીયો યાદ આવી ગયો. બાળકો જુદીજુદી રીતે સાન્તાને પોતાની માંગણી જણાવતા હોય છે. કોઈ ચિઠ્ઠી લખીને ક્રિસમસ ટ્રી નીચે મુકે, કોઈ મમ્મી પપ્પાને પોતાની ઇચ્છા જણાવે. એમની માંગણીઓ પણ મજેદાર હોય. આ બાળકો નાની અમથી ઈચ્છા પૂર્ણ થાય તો પણ રાજી રાજી થઈ જતાં હોય છે.
મને જે વિડીયો મળ્યો એમાં એક બાળકી ગાઈને સાન્તાને પોતાની ઈચ્છા વ્યક્ત કરે છે. એના આગળના બે દાંત પડી ગયા છે અને લોકો એની સામે કુતૂહલથી જુએ છે એટલે એ સાન્તાને કહે છે પ્લીઝ મને મારા બે દાંત આપી દો. એની મોટી બહેન વ્હિસલ મારી મારીને બધાને મેરી ક્રિસમસ વીશ કરે છે, એને પણ વ્હિસલ મારવી છે પણ આગળના બે દાંત નથી એટલે વ્હિસલ મારી શકતી નથી. વિડીયોમાં એ નાનકડી બાળકીની ગાવાની રીત, વ્હિસલ મારવાનો પ્રયાસ બધું જ બહુ રમૂજી રીતે દેખાય છે. એને સાન્તા પર પુરો વિશ્વાસ છે કે સાન્તા એની આ માંગ જરૂર પૂર્ણ કરશે.
બાળકોની માંગણી પરથી ગયા વર્ષે કેપ્ટન નરેન્દ્ર ફણસેની નવલકથા “પરિક્રમા” વાંચી હતી તે યાદ આવી ગઈ. એમાં પણ કિશોર એક બાળક પોતાના માતા પિતા ગુમાવે છે અને બહેન રુપવતી એને પોતાના ઘરે લઈ આવે છે. આકસ્મિક આવી પડેલા આ દારુણ દુઃખથી કિશોરનું હૈયું સાવ મૂરઝાઈ જાય છે, એવામાં નાતાલમાં એનો મિત્ર કહે છે કે તું સાન્તાને પત્ર લખ, એ સહુની ઇચ્છા પૂર્ણ કરે છે. બીજા વર્ષે અમેરિકાથી અનાયાસે શોન અને એની પત્ની સુઝન પોતાના પૂર્વજોની શોધખોળમાં ભારત આવે છે અને શોધતાં શોધતાં રુપવતીના ઘર સુધી પહોંચે છે. કિશોર જ્યારે શોનને જુએ છે તો એના માનવામાં આવતું નથી કે એના પિતા એની સામે છે. શોન આબેહૂબ એના પિતા જેવો દેખાય છે, સાચે જ એના પિતા નથી એવી સમજ એ ભોળા કિશોરને નથી. સાન્તા એની ઇચ્છા આટલી જલ્દી પૂર્ણ કરશે એ એના માનવામાં આવ્યું નહિ.
સ્કૂલમાં પણ જેવું થેંક્સગીવીંગ પતે એટલે જાણે તહેવારનો માહોલ થઈ જાય. ક્લાસમાં ક્રિસમસનાં ગીતો અને મુવી દેખાડાય. ક્લાસને શણગારવામાં બાળકો પણ ભાગ લે. લોકોનાં ઘરની બહાર ઝગમગ લાઈટના તોરણ ને કેન્ડી કેન રેન્ડિયરના પૂતળાં ઊભા થઈ જાય. ગલી રસ્તા વૃક્ષો સહુ ઝગમગી ઉઠે.
મારી મસિયાઈ બહેન પરણીને સ્વીડન ગઈ બરાબર ક્રિસમસના તહેવાર પહેલાં. ત્યાંથી મોકલેલા ફોટા જોઈ મન ખૂશ થઈ ગયું. ચારેબાજુ બરફની સફેદ ચાદર અને ઉપર ઝગમગતી રંગીન રોશની, આહાહા!! અદભૂત મનોરમ્ય નજારો. ગયા વર્ષના કોરોનારુપી કોપમાંથી, ડરમાંથી બહાર નીકળી લોકો બમણા ઉત્સાહે તહેવાર મનાવવા, સાન્તાને આવકારવા સજ્જ થઈ ગયા છે.
રોશની ને લાઈટનાં તોરણોના ઝગમગાટની યાદે મારું મન પણ બાળપણના ઓવારે પહોંચી ગયું. મુંબઈ હમેશા પચરંગી વસ્તી ધરાવતું શહેર છે અને ત્યાંના લોકો બધા તહેવાર ધામધૂમથી ઉજવે છે.
મારા મામાના મોટા ગોડાઉન હતા અને એમાં ભરેલા માલને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવા બે ખટારા પણ રાખ્યાં હતાં. મને યાદ છે કે ક્રિસમસની રાતે અમે ઘરના સહુ નાના મોટા એ ખટારામાં બેસી મુંબઈમાં થતી નાતાલની રોશની જોવા નીકળી પડતાં. વડીલો માટે ચાદર, તકિયા ગોઠવી દેતા. રાતભર સહુને ચાલે એવો નાસ્તો કુકી સ્પોંજકેક કાગળની ડીશ, પવાલાં બધું યાદ રાખી ખટારામાં મૂકાઈ જતું. સાંતાક્રુઝથી શરુ થયેલી સફર ચોપાટી, પાલવા બંદર થઈ કોલાબા સુધી પહોંચતી. વાતાવરણમાં ગુલાબી ઠંડી અને ચારેતરફ રોશનીનો ઝગમગાટ. રસ્તા પર લોકો મસ્તીના માહોલમાં ઝૂમતા એકબીજાને મેરી ક્રિસમસ કરતાં આગળ ચાલ્યાં જતાં કોઈ ગીત ગાતાં ઝૂમતા. રાત છે કે દિવસ એ જ જાણે સમજાતું નહિ.
પરોઢ થતાં થતાંમાં ફરી આવતા વર્ષની ક્રિસમસની વાટ જોતી અમારી સવારી ઘર તરફ પાછી વળતી. એ આનંદ એ મસ્તી એ માહોલ આજે પણ આંખ સામે તરવરે છે. એ મીઠા સંભારણાની મીઠી યાદ દિલના ખૂણે લીલીછમ છે!!
કાશ એ બાળપણ પાછું મળે!!!
અસ્તુ,
શૈલા મુન્શા ડિસેમ્બર ૨૩/૨૦૨૧
શ્વાસોની આવનજાવનમાં ભરમાતી રહી,
ક્ષણ આવરદાની એ નાહક ખર્ચાતી રહી?
નૈયા હાલક ડોલક મઝધારે અટવાતી,
સાગર તરવા જૂઠી આશા જોવાતી રહી!
તોફાની તાંડવ ઊછળતાં મોજા વેગે,
ધસમસતા ઓવારે સીમા લોપાતી રહી!
ઈચ્છાઓ ટળવળતી નાગણસી વળ ખાતી,
લાલચની રેશમ દોરી તો ગૂંથાતી રહી!
સૂરત હો ભોળી, આશય ભલમનસાઈનો;
દાનત ખોરી ઝૂંટવવાની પરખાતી રહી!
સચ્ચાઈ પારખવી એ તો કોઈ ના જાણે,
મંશા માણસની અંદર અમળાતી રહી!
આવરદા ઓછી સરકે જીવન રેતી સમ
સૌરભ તો યે માનવતાની ફેલાતી રહી!!
શૈલા મુન્શા તા.11/22/2021
Following is a quick typing help. View Detailed Help
Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.