સંભારણું -૪
હરિ હળવે હળવે હંકારો મારું ગાડું ભરેલ ભારે,
મેં તો લગામ દીધી હાથ હરિને પ્રભુ ચાહે તો પાર ઉતારો”
વર્ષો જૂનું આ ભજન જે ક્યારેય જૂનું તો થયું જ નથી, ભલે આજે રોકેટ યુગ આવી ગયો. હમણાં આ ભજન એક મિત્રની પ્રથમ પુણયતિથિની ભજન સંધ્યામાં સાંભળ્યું અને મનમાં વિચારોના ઘોડા દોડવા માંડ્યા. કેટલી આરત ભરી છે આ ભજનમાં! બાળક જન્મે ત્યારે તો આ ગાડું સાવ ખાલી જ હોય છે વર્ષો પસાર થતાં થતાંમાં તો પાપ પુણ્યના કેટલાય પોટલાં ભરાતા જાય છે.
આ સાથે હમણા વોટ્સેપ પર મળેલો એક સંદેશ પણ મજાનો છે અને અર્થસભર પણ!!
જન્મ અને મરણ પર વહેંચાતી મીઠાઈ જેના નામે વહેંચાય છે એ ભલા ક્યાં એ ખાઈ શકે છે, છતાં એ ભ્રમમાં કે બધું મારું જ છે અને મેં જ બધું પ્રાપ્ત કર્યું છે એ ભાર માથે લઈ માનવી સતત જીવતો હોય છે.
“જન્મ થવા પર વહેંચાતી મીઠાઈ થી
શરુ થતી આ જિંદગીની રમત
શ્રાદ્ધના દૂધપાક પર
આવીને પુરી થાય છે.
બસ….
આજ તો જીવનની મીઠાશ છે,
દુર્ભાગ્ય તો એ છે કે
માણસ આ બન્ને વખતની બન્ને મીઠાઈ
પોતે ખાઈ નથી શકતો
છતાં પણ
બધું મારુ જ છે
ના ભ્રમમાં જિંદગી જીવે છે”
આજે આ સ્મરણોના પટારામાં કોઈ એવો મણકો શોધી રહી છું જે વ્યક્તિની સારપ અને કોઈના અહંકારના પોટલાં ખોલે.
વર્ષો પહેલાં અમારા પાડોશમાં એક મા દિકરો રહેતાં હતાં, એકનો એક દિકરો અને પિતાની છત્રછાયા નાનપણમાં ગુમાવી એટલે સહજ રીતે તે માતાની વધુ નિકટ હોય. સંસ્કારી ઘરની દીકરી પુત્રવધૂ બની ઘરમાં આવી. થોડા દિવસ તો નવી આવેલી પુત્રવધૂને ઘરના રીતરિવાજથી માહિતગાર થતાં લાગ્યાં. ધીરે ધીરે સાસુની દખલગીરી દરેક વાતમાં દેખાવા માંડી, એકનો એક દીકરો છે, મમ્મીએ જ મોટો કર્યો છે એમ સમજી નીનાએ બને એટલો સહકાર આપવા માંડ્યો. એક વર્ષ પછી દીકરીનો જન્મ થયો અને સાસુનો ગુસ્સો બન્ને પર વરસવા માંડ્યો, નવજાત બાળકીને વહાલ કરવાને બદલે સાસુનુ એ બ્રહ્મવાક્ય બની ગયું કે”પથરો જણ્યો” નીનાએ પોતાના માવતરની વગોવણી ના થાય એ માટે સહન કર્યે રાખ્યું. પાડોશીના નાતે નીના કોઈકવાર અમારા ઘરે આવતી, પણ પાછળ જ એની સાસુ આવી જ સમજો, જાણે નીના કોઈ વાત અમને કરી દેવાની હોય!!
આવી તકલીફો વચ્ચે નીનાને ફરી દિવસ રહ્યાં. પ્રસુતિ માટે નીનાને પિયર મોકલતાં સાસુએ ચોખ્ખું ફરમાન કર્યું કે જો દીકરી જન્મે તો પાછા આવવાની કોઈ જરુર નથી. ફરી દીકરીનો જન્મ થયો. માવડિયા પતિએ ફોન સુધ્ધાં ના કર્યો. અંતે માતા પિતાની સમજાવટે નીનાએ છૂટાછેડા લેવાનુ નક્કી કર્યું. પોતે ભણેલી હતી અને બન્ને દીકરીઓની સંભાળ લઈ શકે એમ હતી.
વર્ષો સ્વાભિમાનથી એકલા રહી નોકરી કરી નીનાએ દીકરીઓને એન્જિનિયર બનાવી, વધુ અભ્યાસ માટે લંડન મોકલી. એણે લગામ પ્રભુને હાથ સોંપવાને બદલે, પોતાની દુઃખી અવસ્થા પર આંસૂ વહેવડાવવાને બદલે હિંમતભેર પરિસ્થિતિનો સામનો કર્યો. અજે જ્યારે નીનાની દીકરીઓને સ્વમાનભેર જીવતાં, વિદેશની ધરતી પર નામ રોશન કરતાં જોઉં છું, ફેસબુક પર સ્વતંત્ર રીતે દેશદેશાવર ફ્રરવાના ફોટા જોઉં છું તો હૈયું હરખથી છલકાઈ ઊઠે છે. બાજુમાં રહેતાં મનોજની માતા તો અવસાન પામી, પણ એની જિંદગી અત્યારે જે કારમી હાલતમાં પસાર થઈ રહી છે તે પણ જોઈ રહી છું. ડાયાબીટીશ, હાર્ટની તકલીફ અને એકલવાયું જીવન!!
જનમ સાથે જોડાયેલું ખાલી ગાડું કેટકેટલા પોટલાં, અભિમાન, અહંકાર માલિકીભાવ સત્તા, રુઆબથી ક્યારે ભરાતાં જાય છે એ સમજ આવતાં આવતાં અંત પાસે આવી જાય છે!!
વહિદા રહેમાન, જયાભાદુરી, ધર્મેંદ્રની ફિલ્મ “ફાગુન” યાદ આવી ગઈ. એની કથા પણ કાંઈ આવી જ છે, અને અંતમાં “તીસરી કસમ” ફિલ્મના ગીતના બોલ યાદ આવી ગયા.
“दुनिया बनानेवाले
क्या तेरे मनमें समाई
काहे को दुनिया बनाई
तूने काहेको दुनिया बनाई
मीत मिलाके तूने सपने जगाए
सपने जगाके तूने
काहे को दे दी जुदाई
तूने काहे को दुनिया बनाई!!!
આ વિચાર સાથે હરિને પ્રાર્થના, જીવનરુપી આ ગાડું ઘણા સદગુણ, દુર્ગુણોથી ભરેલું છે, મુકામ સુધી પહોંચતા ક્યાંક વધુ ઠોકર ના વાગે એ સંભાળજો, હરિ હળવે હળવે હંકારજો!!!!
ડાયરીના પાના આવા જ સંભારણાથી તો ભરાતાં જાય છે…….
શૈલા મુન્શા તા. ૦૨/૧૦/૨૦૨૧
www.shailamunshaw.gujaratisahitysarita.org