September 17th 2021

સંભારણું -૩ – બચપણ

“સદા માટે ચાલી બચપણ ગયું તો પણ કદી,
રહું છું માણી હું શિશુ સહજ ભાવો અવનવા” સુરેશ દલાલ
માનવીની ઉંમર ગમે તે હોય એક બાળક એના દિલના એક ખૂણામાં હમેશા અડિંગો જમાવીને રહેતું હોય છે, અને અચાનક ક્યારેક સ્પ્રીંગની જેમ ઊછળીને બહાર આવી જતું હોય છે. સુરેશભાઈની આ પંક્તિઓ સહુના બાળપણને સંવારી સ્મરણોના ખજાના ખોલી દે છે. સપના જે પૂરા થયા કે ના થયા, હૈયામાં જાગતાં સ્પંદનોને વાચા મળી કે નહિ, એ ઝુરાપો એ મુસ્કાન એ દર્દ અતૃપ્ત ઈચ્છાઓ, કેટલું સંઘરાયેલું હોય છે દિલના એ ખૂણામાં જેને કોઈ જાણી નથી શકતું. દરિયો અને દરિયાના ઊછળતાં મોજા મારા મનને આનંદવિભોર કરી દે છે. મુંબઈ મરીનલાઈન્સની પાળે ભરતી ટાણે પાળની મર્યાદા તોડી ઊછળી આવતાં મોજાં મેં ઘણીવાર ઝીલ્યાં છે અને એક બાળપણ ફરી ફરી અનુભવ્યું છે. વરસાદમાં નહાવા કોલેજ બન્ક કરી વિલેપાર્લે એરપોર્ટના પરિસર સુધી અમે સહુ મિત્રો પહોંચી જતાં એ અનુભૂતિ ક્યાંથી ભૂલાય!! આજે પણ જીવન સંધ્યાએ પહોંચવા છતાં હ્યુસ્ટનના ધોધમાર વરસતાં વરસાદમાં ઘણીવાર મનભર ભીંજાવાનો આનંદ જે અનુભવ્યો એ ફરી મારામાં રહેલી બાળકીને તૃપ્ત કરી દે છે. આજે આ વાતો યાદ આવી જવાનું કારણ અમારે ત્યાં આવેલ એક મિત્ર દંપતીની વાતો અને એમનો નિખાલસ સ્વભાવ. ઉંમરના આ પડાવ પર જ્યારે બાળકો પોતપોતાના સંસારમાં રમમાણ હોય અને માતા પિતા પોતાની દુનિયામાં, ત્યારે મિત્રો એકબીજાના સહારારુપ હોય છે. જ્યારે પણ મળીએ હસી મજાક, વાતોના તડાકા અને બાળપણના સંસ્મરણો જાગૃત થઈ જાય. મારે ત્યાં સૌરભભાઈને મીનાબહેન મળવા આવ્યાં હતાં. નાસ્તામાં મેં ઈડલી સંભાર બનાવ્યા હતાં. Dining table પર બેઠા બેઠા ગામગપાટાં ચાલી રહ્યાં હતાં. અમારા ઘરમાં નાસ્તાની દુકાન ખોલી શકાય એટલા નાસ્તા હંમેશ જોવા મળે અને પતિદેવ એક પછી એક નાસ્તા લાવી મહેમાનને આગ્રહ કરી રહ્યાં હતાં “અરે! આ તો ચાખો પૂનાની ફેમસ ભાખરવડી છે” તરત જ મિત્રપત્ની બોલી ઊઠ્યા મારા પતિને પણ આટલો જ નાસ્તા ખરીદવાનો શોખ છે, જ્યાં જાય ત્યાંથી કાંઈક નાસ્તો, મીઠાઈનુ બોક્ષ ઉપાડતાં જ આવે અને નાસ્તા જૂના થાય એટલે આપણે ગાર્બેજમાં પધરાવવા પડે. સૌરભભાઈએ જે જવાબ આપ્યો એ સાંભળી અમે સહુ હસી હસીને બેવડ વળી ગયા. એમના જ શબ્દોમાં “હું બ્રાહ્મણનો દિકરો અને પિતા ગોર, જે દક્ષિણા મળે એમાં ઘર ચલાવવાનું. પિતા શિસ્તના આગ્રહી, ખોટી કમાણી ના કરે. બાળપણમાં જ્યારે પિતા સાથે બજારમાં જાઉં અને કંદોઈની દુકાને ગરમ ગરમ ભજિયાં તળાતાં હોય, મીઠાઈની દુકાનમાં રંગબેરંગી મીઠાઈ સજાવીને કાચના કબાટમાં મૂકી હોય પણ પિતા પાસે એટલા પૈસા નહિ એ બધું ખરીદવાના અને સાત્વિક ભોજનના આગ્રહી એટલે અમને એ બધું ખાવા પણ ના દે. હવે મોટા થયાં પછી બાળપણની એ અતૃપ્ત ઈચ્છા જ્યારે પણ કોઈ નાસ્તો લેવા કે સ્વામિનારાયણ મંદિરના સાયોનામાં જાઉં તો એક મોનસ્ટર (રાક્ષસ) બની મારા પર હાવી થઈ જાય. અંદરનું અતૃપ્ત બાળક જાગૃત થઈ જાય, આ લઉં કે પેલું કરતાં કરતાં ઘણુબધું લેવાઈ જાય. અહીંયા તો ઠીક પણ જ્યારે જ્યારે ભારતની મુલાકાતે જાઉં અને મારે વતન એજ કંદોઈની દુકાન અને મીઠાઈની દુકાને જાઉં તો એક પછી એક મીઠાઈ ચાખતાં ચાખતાં દુકાનદારને કહેતો જાઉં ભાઈ અર્ધો કિલો આપી દો અને મારા હાથમાં દસ ડબ્બા મીઠાઈના જોતજોતામાં થઈ જાય. ઘરે આવીને મીનાની વઢ તો સાંભળવાની જ, આટલી મીઠાઈ કોણ ખાવાનુ છે? આપણને બન્નેને ડાયાબિટિશ છે; પણ શું થાય અંદરનુ બાળક જે પરમ આનંદ પામ્યું એની મીનાને શું ખબર પડે!!”
જે રીતે એમને બાળપણ યાદ કરી એમની અતૃપ્ત ઈચ્છાઓનું વર્ણન કર્યું અને મનમાં એક રાક્ષસ જાગૃત થાય એ વાત કરી અને સાથે સાથે એટલો નિર્દોષ ચહેરો રાખી હસી પડ્યાં કે અમે બધાં પણ હસી હસીને બેવડ વળી ગયાં. આવી કોઈને કોઈ અતૃપ્ત ઈચ્છા પૂરી કરવાની, બાળપણ ફરી જીવવાની હોંશ તો સહુના મનમાં જાગતી હશેને, જેમ મારી વરસાદમાં નહાવાની ઈચ્છા અને એ જ્યારે પૂર્ણ થાય ત્યારે અનુભવાતો આનંદ ફરી મને એક નટખટ નાનકડી બાળકી બનાવી દે છે.
આ સાથે જ ફિલ્મ અનમોલ ઘડીનુ ગીત યાદ આવી ગયું,
“ओ बचपनके दिन भुला न देना,
आज हसें कल रुला न देना”
બાળપણ અને આવી ખાટીમીઠી વાતોથી જ તો ડાયરીના પાના ભરાતા જાય છે, અને કાયમના સંભારણા બની જાય છે.

અસ્તુ,
શૈલા મુન્શા તા. ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૧
www.smunshaw.wordpress.com

3 Comments »

  1. સ્મરણોના ખજાનામાં કંઈ કેટકેટલું ભર્યું હોય છે?!! એ તો જ્યારે કોઈ આવા સહૃદયી મળે ત્યારે જ સમજાય અને ફરી એકવાર અનુભવાય. સરસ આલેખન.

    Comment by devikadhruva — September 17, 2021 @ 7:25 pm

  2. સંભારણાની ભરતી જ હોય, મઝા આવે છે વાંચવાની…ંઅને મન પણ થઈ જાય છે કંઈ લખવાની… તારા સંભારણાની સિરિયલ ચાલુ રાખજે.

    Comment by વિનય જોશી — September 18, 2021 @ 2:54 pm

  3. Very nice ben…..
    Keep up the good work.

    Comment by Raju sachania — September 18, 2021 @ 3:49 pm

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.