સંભારણું -૨
એસ.એસ.સીનું પરિણામ આવ્યું અને શાળાજીવનના દિવસો પુરાં થયા. વાત છે ૧૯૬૭ની, ત્યારે અગિયારમું ધોરણ પાસ કરી કોલેજમાં જવાતું. મેં આર્ટસ કોલેજમાં જવાનુ નક્કી કર્યું કારણ નાનપણથી મને સાહિત્યમાં વધારે રસ હતો, અને એ કારણે શાળાની મારી ખાસ બહેનપણીઓથી છૂટી પડી ગઈ. એ બધાએ વિજ્ઞાન શાખામાં જવાનો નિર્ણય કર્યો હતો. કોલેજમાં નવા મિત્રોનો સાથ મળ્યો. રોજ મલાડથી પાર્લાની ટ્રૈનમાં મુસાફરી. વાંચનનો શોખ તો સાતમા ધોરણથી જ કેળવાયો હતો અને નિબંધ, વકૃત્વ સ્પર્ધામાં ઘણા ઈનામો પણ મેળવ્યા હતાં; પણ ટ્રૈનની આ સફરે રોજ કાંઈક નોંધપોથીમાં ટપકાવવાની આદત પડી. થોડા વખતમાં જ જીવન એવા આઘાતમાં અટવાયું અને જાણે જીવવાની દિશા જ બદલાઈ ગઈ. પણ મનના તળિયે છુપાયેલી લખવાની ઈચ્છા ક્યારેક જાગી ઊઠતી. વર્ષો બાદ અમેરિકા આવી થોડી મોકળાશ મળી અને મન લખવા તરફ વળ્યું અને સાહિત્યના અવનવા પ્રકારો પર હાથ અજમાવાતો ગયો. અવનવા અનુભવો કાગળ પર ચિતરાતાં ગયાં. આજે કાંઇ નવું લખવા મારો બ્લોગ ખોલ્યો અને અચાનક તાજેતરના અનુભવનું પાનુ મારી નજરે પડ્યું. હ્યુસ્ટનમાં આ વરસે શિયાળો અતિ આકરો હતો. વર્ષો પછી અહીં હિમવર્ષા થઈ અને લોકો બેહાલ થઈ ગયા. લાઈટ નહિ, પાણી નહિ; એવી અવસ્થામાં ત્રણથી ચાર દિવસ જનજીવન જાણે સ્થગિત થઈ ગયું. પાવર વગર બધા ઈલેક્ટ્રોનિક ઉપકરણો કામ કરતાં અટકી ગયાં. લોકો ફોનની બેટરી ચાર્જ કરવા પોતાની ગાડીમાં બેસી, ગાડી ચાલુ કરી ફોન ચાર્જ કરતાં. બહાર કાતિલ ઠંડી, ગરાજ ખોલાય નહિ અને કાર્બન મોનોક્સાઈડના કારણે થતાં મોતના સમાચાર પણ સાંભળવા મળ્યા હતાં. આ વિચારોમાં મન અટવાયેલું હતું, અને જોગાનુજોગ ઘણા વખતે મારી બહેનપણી અનુરાધાનો ફોન આવ્યો. વાત વાતમાં ચમત્કારોની વાત નીકળી અને મેં અમારા મિત્ર નવીનભાઈની છેલ્લી ઈમૈલ વિશે એને વાત કરી કે એમણે છેલ્લી ઈમૈલ છઠ્ઠી સપ્ટેમ્બર ૨૦૨૦ ના દિવસે મિત્રોને લખી પણ સંબોધનમાં ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૦ લખ્યું હતું જે ખરેખર એમના અવસાનનો દિવસ હતો. શું વિધાતાએ એમની પાસે આ લખાવ્યું, કોઈ ચમત્કાર થયો, કોઈ આગાહી થઈ??? અને ત્યારે એ ભૂલ કોઈના ધ્યાનમાં પણ આવી નહિ!!! આ બનાવ સાંભળતાં અનુરાધાને એના કુટુંબમાં થયેલા આવા જ એક ચમત્કારિક બનાવની યાદ આવી ગઈ. ક્યાંના તાંતણા ક્યાં જોડાઈ જાય છે!!
અનુરાધાના પપ્પા મોટી કંપનીમાં ટૅકનીકલ વિભાગમાં કામ કરતાં. ઊચ્ચ હોદ્દા પર એટલે વરસમાં છ અઠવાડિઆનું વેકેશન મળે. મોટાભાગે દિવાળીના સમયે એ વેકેશન લે એટલે બાળકો સાથે ભારતનાં જુદાજુદા સ્થળે ફરવા જઈ શકાય. ક્યારેક પાસેના કોઈ હીલસ્ટેશન પર બંગલો ભાડે રાખી આરામથી સમય વિતાવે. એવું જ એક વેકેશન ૧૯૬૫માં એમણે લીધું જ્યારે અનુરાધા લગભગ ચૌદ વરસની અને એની મોટીબહેન સોળ વરસની, એ વરસે સહુ મુંબઈથી પાસે જ પંચગીની મહિનો રહેવા ગયાં હતાં. બંગલો ભાડે રાખ્યો હતો એટલે અનુરાધાના નાના મામા જે વીસેક વર્ષના હતાં એ પણ સાથે આવ્યાં હતાં અને ઘરના કામકાજ માટે એમના ઘરનો ઘરઘાટી પાંડુ પણ સાથે આવ્યો હતો. બધા બાળકોને તો પંચગીનીમાં થતાં ફિલ્મના શૂટિંગ જોવા જવાની મઝા આવતી. ટેબલ લેન્ડ પર ફરવું અને ગુલાબી ઠંડીમાં ગરમ ગરમ ફજ અને ચીકી ખાવી અને ધમાલ મસ્તી કરવી. મામા પણ એમનાથી બહુ મોટા નહિ એટલે સહુને મજા પડતી. મામા પાછા સુકલકડાં એટલે વીસને બદલે માંડ પંદર સોળના લાગે.
એ જમાનામાં નહાવાનું પાણી ગરમ કરવાં ઈલેક્ટ્રીક ગીઝર જેવું તો કાંઈ નહોતું. બંગલાની પાછળ એક કુવો અને નહાવાની ઓરડીમાં લ્હાય બંબો મુકેલો હોય એમાં પાણી ભરી અને નીચે કોલસાં મુકી પાણી ગરમ કરવાનું. એક જણ નાહીને નીકળે એટલે પાછું પાણી ઉમેરવાનું. એમ રોજ નહાવાનો કાર્યક્રમ ચાલે. પાંડુ ઘરનું કામ કરતાં એ પણ ધ્યાન રાખે કે એક જણ નાહીને નીકળે એટલે કુવામાંથી પાણી સીંચી એક ડોલ બંબામાં ઉમેરી આવે. એક દિવસ અનુરાધાના મોટાબહેન ન્હાવા ગયાં, ઘણો સમય થયો પણ એ બહાર આવ્યાં નહિ, ઘરના બધાં સભ્યો તો પોતાની પ્રવૃતિમાં મશગુલ હતાં પણ પાંડુનું ધ્યાન તો ન્હાવાની ઓરડી તરફ હતું. ખાસ્સીવાર થઈ પણ આશાબહેન બહાર આવ્યાં નહિ એટલે પાંડુ મમ્મી પપ્પાને બોલાવી લાવ્યો. દરવાજો કેટલીય વાર ઠોક્યો પણ આશાબહેને ખોલ્યો નહિ. ફિજિક્સમાં M.Sc. થયેલા પપ્પાને તરત પરિસ્થિતિની ગંભીરતાનો ખ્યાલ આવી ગયો, પણ ન્હાવાની ઓરડીને ફક્ત ઊંચે એક કાચની બારી અને એ પણ બંધ. શું કરવું એ મુંઝવણમાં પહેલાં તો સમજ જ ના પડી, પણ તરત મામાને બોલાવ્યા, અને કદાવર પાંડુના ખભે એમને ચડાવી પત્થરથી કાચ ફોડાવ્યો. અંદર બારીનાં સળિયાં એને કેમ તોડવાં; છેવટે ઘરમાંથી હથોડી મળી એનાથી ઠોકી ઠોકીને એકાદ બે સળિઆં વાળીને ઢીલાં કર્યાં અને સળિયાં ખેંચી કાઢ્યાં. મામા જેમતેમ બારી વાટે ભૂસકો મારી અંદર ઊતર્યાં. આશાબહેન તો બેભાન જમીન પર પડ્યાં હતાં મામાએ ઓરડીનુ બારણું ખોલ્યું અને ચાદરમાં વીંટી આશાબહેનને સૂવાના ઓરડામાં લઈ ગયાં. આશાબહેનનું શરીર અક્કડ થઈ ગયું હતું. અજાણ્યા ગામમાં કોઈ ડોક્ટરની ઓળખાણ નહિ. ડિરેક્ટરીમાં જોઈ એક ડોક્ટરને ફોન તો કર્યોં પણ ત્યાં સુધીમાં મમ્મીએ પગના તળિયે ગરમ તેલનુ માલિશ કરવા માંડ્યું, પપ્પાએ હથેળી મસળી ગરમાવો આપવાનો પ્રયત્ન કર્યો છાતી પર પ્રેશર આપી મસાજ કરી શ્વસોચ્છશ્વાસ નિયમિત કરવા મહેનત કરી. છેવટે દસ મિનિટે આશાબહેને આંખો ખોલી અને પગ હલાવ્યાં. સહુના જીવમાં જીવ આવ્યો.
એ વાત કરતાં આજે પણ અનુરાધાના કંઠે ડુમો બાઝી જાય છે. સાચે જ પાંડુની સુઝબુઝે આશાબહેનનો જીવ બચાવ્યો. બંધ ઓરડીમાં લ્હાયબંબામાં બળતાં કોલસાને લીધે ધીમે ધીમે કાર્બન મોનોક્સાઈડ જમા થવા માંડ્યો હતો અને ધીરે ધીરે આશાબહેનનો શ્વાસ રુંધાવા માંડ્યો હતો. આ ગેસની ઘાતક વસ્તુ એ છે કે એનો કોઈ રંગ નથી, સુગંધ નથી કોઈ સ્વાદ નથી એટલે વધુ પ્રાણઘાતક બને છે. આ વાત અનુરાધાએ મને કરી ત્યારે અનાયાસે મારા બ્લોગ પર એજ પાનું નજર સામે આવ્યું હતું જ્યારે હ્યુસ્ટનમાં પણ ગાડીમાં બેસી ફોન ચાર્જ કરતાં આ કાર્બન મોનોક્સાઈડને લીધે જ કેટલાય લોકો અવસાન પામ્યા હતાં.
સાચે જ ક્યાંના તાર ક્યાં જોડાઈ જાય છે!
આશાબહેન નસીબદાર કે બચી ગયા. એ આજે એમના કુટુંબ સાથે છે એ પણ એક ચમત્કારથી ઓછું નથી.
ડાયરીના પાના આવીજ યાદોથી તો ભરાતા જાય છે!! અને નવા સંભારણાં યાદોમાં ઉમેરાતા જાય છે.
અસ્તુ,
શૈલા મુન્શા
www.smunshaw.wordpress.com