
એકાવન વર્ષ પહેલાનો આ ફોટો. મારી સહેલી ક્રિશ્નાના લગ્નનો ફોટો.
એક ફોટાએ કેટલા સંસ્મરણોનો જુવાળ મનમાં જગવી દીધો. ક્રિશ્નાને હું એક સ્કુલમાં ભણતા. એ મારાથી એક વરસ આગળ પણ પાર્લામાં અમે સામસામેના બિલ્ડીંગમાં રહેતા એટલે સહિયરપણુ સહજ હતું. સાથે સ્કૂલે જઈએ, એકબીજાને ત્યાં પરિક્ષા વખતે વાંચવા રાત રોકાઈએ એવી તો કેટલીય યાદોથી મારું બાળપણ અને મુગ્ધાવસ્થા સભર છે.
શાળાના એ દિવસો એ મસ્તી એ સહિયરપણુ આજ સુધી અકબંધ રહ્યું છે. જોવાની ખુબી એ છે કે ક્રિશ્નાના લગ્નમાં અમે ચારે બહેનપણીઓ હાજર હતી જે સ્કૂલમાં એક જ ક્લાસમાં અગિયારમાં ધોરણ સુધી હતી. હું, વર્ષા, મીના અને દિપ્તી.
{ફોટામાં ક્રિશ્નાની બાજુમાં હું અને છેલ્લે દિપ્તી છે. નરેંદ્રભાઈની બાજુમાં વર્ષા અને છેલ્લે મીના છે.}
ક્રિષ્નાના લગ્ન થયા ત્યારે અમે હજી કોલેજમાં હતા અને ક્રિષ્ના લગ્ન કરી અમેરિકા પહોંચી ગઈ. થોડો વખત એના ભાઈ બહેન પાસેથી ક્રિશ્નાના સમાચાર મળતા રહ્યાં, પણ પછી તો અમે ચારે પણ પોતપોતાના જીવનમાં આગળ વધી ગયા.સહુ લગ્ન કરી જુદા જુદા શહેરમાં ગોઠવાઈ ગયા. વર્ષા, મીના અમેરિકા આવી ગયા, હું મુંબઈ અને દિપ્તીતો છેક નેપાળ પહોંચી ગઈ.
અમારા ચારની મૈત્રી તો પણ જળવાઈ રહી, પણ ક્રિશ્ના સાથેનો સંપર્ક ઓછો થઈ ગયો. એના સમાચાર મળતા રહેતા કારણ વર્ષા અને મીના જ્યારે ભારત આવે તો મળવાનુ થતું.
૨૦૦૦ની સાલમાં મારે પણ અમેરિકા કાયમ માટે આવવાનુ થયું. વર્ષા પાસેથી ક્રિશ્નાનો ફોન નંબર મળ્યો અને એકાદ બે વખત વાત થઈ. હું હ્યુસ્ટન એ કેલિફોર્નીઆ. સંપર્ક ધીરેધીરે ઓછો થતો ગયો.
અમેરિકી વ્યસ્ત જીવનમાં મિત્રતા પર જાણે એક પડદો પડી ગયો. અચાનક ૨૦૦૯ની એક સવારે ક્રિશ્નાનો ફોન આવ્યો. “શૈલા, ત્રણેક મહિના પછી હું હ્યુસ્ટન અમારા મિત્રના દિકરાના લગ્નમાં આવવાની છું તો આપણે જરૂર મળીશું. હું તને સમય અને તારીખ જણાવીશ.”
ત્રણ મહિના થવા આવ્યા, ક્રિશ્નાનો ફોન નહિ, કોઈ સમાચાર નહિ; મને પણ થયું કદાચ ક્રિષ્નાને સમય નહિ મળ્યો હોય, લગ્નમાં આવીને જતી રહી હશે. અમેરિકામાં વસતા ભારતિય લોકો પોતાના બાળકોના લગ્ન કદાચ ભારત કરતાં પણ વધુ ધામધુમથી ઉજવતા હોય છે અને પાછું બધું સમયસર થતું હોય એટલે કદાચ ક્રિશ્નાને સમય નહિ મળ્યો હોય એમ મન મનાવી હું વાત ભુલી ગઈ પણ ક્રિષ્ના નહોતી ભુલી.
શનિવારની સવાર એટલે આરામથી ઊઠી હજી હું મારી કોફીનો આનંદ માણી રહી હતી અને ફોનની ઘંટડી રણકી. ક્રિષ્નાનો ફોન હતો, “શૈલા હું હ્યુસ્ટનમાં છું, સોરી સોરી આગળથી જાણ ના કરી શકી પણ આજે હું એક વાગ્યા સુધી ફ્રી છું. અમારે જાન લઈ બે વાગ્યે નીકળવાનુ છે અને અમે આ હોટલમાં છીએ. તને મળવા આવવાનુ ફાવશે?”
હું એકદમ ઊભી થઈ ગઈ, નસીબજોગે એની હોટલ મારા ઘરથી લગભગ અર્ધા કલાકના અંતરે હતી. હમણા કલાકમાં આવું છું કહી અમે ફટાફટ તૈયાર થઈ નીકળી પડ્યા.
૧૯૬૯માં ક્રિશ્નાના લગ્ન થયા પછી ૨૦૦૯ લગભગ ચાલીસ વર્ષે હું ક્રિષ્નાને જોતી હતી. જેવી હું એના રુમમાં ગઈ અને અમે એકબીજાને ભેટી પડ્યા. ચાલીસ વર્ષનુ અંતર ખરી પડ્યું. અમારી યાદોને વાતોનો અસ્ખલિત પ્રવાહ વહેતો રહ્યો અને નરેંદ્રભાઈ ને પ્રશાંત એના મુક સાક્ષી બની રહ્યા. બે કલાક ક્યાં પસાર થઈ ગયા એ ખબર પણ ના પડી. ક્રિશ્નાને તૈયાર થવાનુ હતું એટલે અમે ઘરે જવા નીકળ્યા પણ ક્રિશ્નાના એ મિત્રોએ અમને જમ્યા વગર જવા ના દીધા. એ મારવાડી કુટુંબનુ આગ્રહભર્યું નિમંત્રણ અને દાલ બાટીનુ ભોજન જમી અમે ઘરે પહોંચ્યા.
ફરી પાછું થોડા વખતમાં અમે અમારી જિંદગીમાં મશગુલ થઈ ગયા. નંબર મારા મોબાઈલમાંથી ખબર નહિ પણ જતો રહ્યો અને પાછો લાંબો સમય વીતી ગયો.
દિપ્તી અને હું નિયમિત વાતો કરતાં અને પાછો વર્ષા મીનાનો સંપર્ક થયો, અને અમે એક વોટ્સેપ વિડિઓ ગ્રુપ બનાવ્યું.વોટ્સેપનુ અમારું વિડિઓ ગ્રુપ જેમાં અમારા ચાર સાથે અરુણા પણ જોડાઈ અને અમે નિયમિત મહિનામાં એકવાર વિડિઓ કોલ પર વાતો કરવા માંડ્યા. સ્કૂલની વાતો, બીજા મિત્રોની વાતો, સ્કૂલના મસ્તી તોફાનોની વાતો કલાક બે કલાક ક્યાં પસાર થાય એની ખબર પણ ના રહે, અને ફરી વર્ષાની મહેરબાનીથી ક્રિશ્નાનો સંપર્ક થયો અને મૈત્રીના તાર પાછા જોડાઈ ગયા.
ક્રિશ્ના સાથે પાછા જાણે કદી છુટા પડ્યા જ નથી એમ યાદોના તાર સંધાઈ ગયા. જ્યારે એને એના લગ્નનો ફોટો મોકલ્યો તો કેટલાય સંસ્મરણો જાગી ઉઠ્યા અને આ લેખ લખાઈ ગયો.
લોકો આજની ટેક્નોલોજી વખાણે કે વખોડે પણ મારા માટે એ આશીર્વાદરુપ છે, જેના કારણે આજે મારા ફોનના ટેરવે હું મારા મિત્રોના સંપર્કમાં છું, ભૌગોલિક અંતર ગાયબ થઈ ગયું છે. મન થાય ત્યારે એકબીજા સાથે વાત થાય એકબીજાને રુબરુ જોવાય.
આ ઉંમરે જ્યારે સંતાનો પોતાના જીવનમાં વ્યસ્ત હોય ત્યારે મિત્રોનો સાથ અને એ યાદો જીવન જીવવા જેવું બનાવે છે એ મારો જ નહિ સહુ મિત્રોનો અભિપ્રાય છે. આ મૈત્રી સદાય આમ જ મઘમઘતી રહે.
મિત્રોની પરિભાષા કદી બદલાતી નથી,
યાદ એ બચપણની કદી જાતી નથી!
સંબંધો સહુ જિંદગીના થાય ભલે ઉપર નીચે,
કરી જે દોસ્તી એકવાર, ભુલાતી નથી!
રેતની એ લકીર નથી, ભુંસાય જે વાયરે,
મિત્રતાની એ ઈમારત કાળ થી એ મિટાતી નથી!
મળ્યા ન મળ્યા રોજ, રહ્યા આઘા ભલે વર્ષોથી,
મળ્યા જે ક્ષણે, એ જ મસ્તી રોકી રોકાતી નથી!
પહોંચ્યા ઉમરના એ મુકામે, કદી સાંપડે એકલતા,
વાતો એ દિલની, મિત્ર વિના કોઈને કહેવાતી નથી!
મિત્રોની પરિભાષા કદી બદલાતી નથી,
યાદ એ બચપણની કદી જાતી નથી!
(સહુ મિત્રોને સમર્પિત આ કાવ્ય}
શૈલા મુન્શા તા. જાન્યુઆરી ૨/૨૦૨૧